નારીસંપદા : ટૂંકી વાર્તા/ગોળગોળ ધાણી

From Ekatra Wiki
Revision as of 02:56, 19 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગોળ ગોળ ધાણી...

દીના વચ્છરાજાની

આજે સ્વાતિની સવાર જ વ્યગ્ર અને ભારજલ્લી ઊગી. કાલે તો કીટી ગૃપમાં ખૂબ આનંદ કર્યો હતો. ઉદાસીનું બીજું પણ કોઈ કારણ નથી, તો પછી? ત્યાં અચાનક મા યાદ આવી અને એની વ્યગ્રતાનો તાર જાણે કે ત્યાં સંધાઈ ગયો. લોકડાઉન પછી પહેલીવાર, ખાસ તો માને મળવા જ એ મોટાભાઈને ઘરે ગયા અઠવાડિયે જઈ આવી. મુંબઈ-સુરત વચ્ચે ખાસ કંઈ અંતર નથી પણ... કોરોનામાં એ લગભગ ત્રણ વર્ષે સુરત જઈ રહી હતી. ઓહ ! શૈશવનું ગામ... એ જ ગલી અને એ જ પુરાણું ઘર ! પણ ઘરને ઓટલે મા ક્યાં? એ આવવાની હોય અને મા ઘરને ઓટલે રાહ જોતી ન મળે એવું તો આ પહેલીવાર જ બન્યું. ભાઈ સામાન અંદર લે ત્યાં તો ભાભીને મળી ન મળી અને માના રુમ તરફ દોડી ત્યાં તો ભાભીનો અવાજ સંભળાયો ‘‘બેન, મા હવે આ તરફના ઓરડામાં રહે છે.’’ સ્વાતિના પગ આપોઆપ બીજી તરફ વળ્યા પણ પછી એ ઓરડાને ઉંબરે જ થંભી ગયા. નાના અંધારા ઓરડામાં માની કૃષ કાયા પલંગના એક ખૂણે ટૂંટિયું વાળી પડી હતી. એનું હૃદય અંદર સુધી કાંપી ગયું. આ મા છે? હજી ગયે વખતે આવી ત્યારે તો હાલતી-ચાલતી ઘરનું મોટાભાગનું કામ સંભાળતી મા છેક આવી કેવી રીતે થઈ ગઈ? મહામારીમાં માથી તો બહાર નીકળાય એમ નહોતું તે ભાઈએ માના બેંક એકાઉન્ટ અને લોકર વગેરે પોતાને નામ કરાવી દીધાં હતાં. એટલે હવે જાણે ઘરની બહાર કાઢવાની જરૂર ન હતી પણ આ તો મા નાનીશી ઓરડીમાં જ પૂરાઇ ગઈ હતી. એની પાછળ પાછળ જ ભાભી બોલતાં સંભળાયાં, ‘‘તમારા ભત્રીજાઓ હવે મોટા થયા એટલે એમને માનો રૂમ આપ્યો અને એકલા માને તો આ રૂમ ઘણો થઈ પડે. એમને સૂતાં જ તો રહેવાનું છે. એટલે એક પલંગ જેટલી જગ્યા બસ!’’ સ્વાતિને યાદ આવ્યું, માને ખુલ્લું આકાશ, વૃક્ષો, ઉડતાં પંખીઓ જોવાં ગમતાં અને આ ઓરડીમાં તો નાની બારી ય નથી ! ઓરડીની લાઇટ કરતાં એ માને ભેટી પડી. હજી હમણાં સુધી એને હૂંફ આપતા માના હાથ એના શરીરને ફંફોસી રહ્યાં હતાં જાણે કે કોઈ ટેકો ઝંખતા હતા. જમવાના સમયે સ્વાતિ માને બહાર લાવવા જતી હતી ત્યાં ભાઈ બોલ્યા, ‘‘બેન, માને ટેબલ પર બેસી જમવું હવે નથી ફાવતું. એમને રૂમમાં જ આપી આવ એટલે એમને પણ તકલીફ નહીં!’’ જે ઘરમાં ચાર દિવસ મહેમાન થઈ આવી છે એ ઘરની વ્યવસ્થામાં પોતે કંઈ બોલે એ સારું ન લાગે વિચારી એ ચૂપ રહી. સાંજે માસીના દીકરા-વહુ મળવા આવ્યાં ત્યારે માને તૈયાર કરવા એમનો કબાટ ખોલ્યો તો એમાં થોડી જૂની સાડીઓ સિવાય કંઈ ન દેખાયું ત્યારે તો ચૂપચાપ પોતાની એક સાડી પહેરાવી માને હાથ પકડી બહાર લાવી પણ મનથી નક્કી કર્યું કે ભાભીને આ વિષે તો જરૂર પૂછશે. પછીથી પૂછતાં જવાબ મળ્યો કે માને તો ભાંડીપોત જેવા કપડાં ને ચીંથરા ભરી રાખવાની ટેવ છે. સારી સાડીઓ ખરાબ ન થાય એટલે બીજા કબાટમાં મૂકી રાખી છે. હવે ભાભીની વાત કંઈ ખોટી તો નહોતી. પોતે નાની હતી ત્યારની એક સાડી પણ એણે કબાટમાં મૂકેલી જોઈ માને જરાક કડક શબ્દોમાં પૂછ્યું કે આ ડૂચા કેમ હજી સંઘરેલાં છે તો એ સાડી પર હાથ ફેરવતાં ક્યાંક દૂર જોતી નજરે મા બોલી, ‘‘લે, આ સાડી વીંટાળીને-ગોળ ગોળ ફરતાં, કંઈક ગાતાં એકવાર તેં મને ગુસ્સામાંએ હસાવી દીધેલી. એ ભૂલી ગઈ? આને કેમ ફેંકુ?’’... સ્વાતિને ખરેખર કંઈ યાદ નહોતું આવતું. થોડી ચીડ અને વધારે ચિંતાથી એ માને જોઈ રહી. એકવાર બંને ભત્રીજાઓને વાતવાતમાં દાદીનું થોડું ધ્યાન રાખો, એમની સાથે થોડી વાતચીત કરો - જેવું કહેવાની કોશિશ કરી, તો બન્ને મોઢું મચકોડતાં બોલ્યા, ‘‘અમને સમય જ ક્યાં છે?’’ સ્વાતિ વિચારી રહી - આ મારાં ભાભીનાં સંસ્કાર! બીજી એકવાર સ્વાતિ પોતાની કેરાલાની ટ્રીપના ફોટા બધાંને ઉત્સાહથી બતાવતી હતી ત્યાં અચાનક ભાભી લગભગ તાડૂક્યાં જ... ‘‘અમારે તો આ બધું ફોટામાં જ જોવાનું છે. આ માને કારણે અમે ક્યાંય ફરવા પણ નથી જઈ શકતાં. બહારગામ તો ઠીક પણ અહીં ગામમાં પણ નથી નીકળી શકતાં. એવામાં અમારી સાથે સંબંધ કોણ રાખશે? આ છોકરાઓને પોતાની છોકરી પણ કોણ આપશે? અમે તો આમની સેવામાં અમારી જીદંગી ખરાબ કરી રહ્યાં છીએ પણ બીજું કોઈ કેમ કરે?’’ ભાભીના આવા પ્રશ્નો સામે પોતાના મનમાં પણ ઊઠતા અનેક પ્રશ્નોને ત્યાં જ છોડી સ્વાતિ થોડા દિવસ પહેલાં જ ઉદાસ મને ઘરે પાછી ફરેલી. આજે મા પાછી મનની સપાટી પર ઉભરાઇ અને એણે નક્કી કર્યું કે આજે જ પોતાના ઘરમાં વાત કરશે અને માને કાયમ માટે પોતાની સાથે રહેવા લઈ આવશે. એનાં છેલ્લા દિવસો શાંતિથી જવા જોઈએ. આ વિચારથી એને કંઈક સારું લાગ્યું. સાંજે જમતી વખતે એણે વાત શરૂ કરી. ‘‘મારો વિચાર છે માને આપણે આપણા ઘરે લઈ આવીએ.’’ મોઢામાં કોળિયો મૂકતા પતિનો હાથ એક ક્ષણ થંભી ગયો. બીજી ક્ષણે એ બોલ્યા, ‘‘હા...હા કેમ નહીં? થોડા દિવસ અહીં રહે તો એમને પણ હવાફેર થઈ જાય’’ પતિ અને સત્તર વર્ષની પુત્રી સામે જોતાં એ બોલી, ‘‘ના એમ નહીં. હું વિચારું છું હવે કાયમ માટે એમને અહીં જ રાખીએ.’’ પતિનો સવાલ... ‘‘કાયમ માટે !? પણ પછી તારા ભાઈને ખરાબ નહીં લાગે? અને લોકો પણ શું કહે? બીજી વાત, આપણે બહાર જવું હોય... તારે પણ કીટીમાં કે બીજી સામાજિક પ્રવૃત્તિ માટે જવું હોય ત્યારે એમનું ધ્યાન કોણ રાખશે?’’ થોડી હતપ્રભ થયેલી સ્વાતિ બોલી ‘‘કેમ? તમે છો, આ પિન્કી પણ છે. બધાં સંભાળી લેશું... અને...’’ હજી આગળ કંઈ બોલવા જતી મમ્મીને વચમાં અટકાવતી પિન્કી જરા તેજ સ્વરમાં બોલી, ‘‘ના ભઇ ! મને એવી કોઈ જવાબદારી નથી જોઈતી. મારે પણ મારી લાઈફ હોય’’ અને એ જ તાર સપ્તકને લંબાવતા પતિ બોલ્યો, ‘‘હા... હવે જ આપણો સમય છે એન્જોય કરવાનો. આવી જવાબદારી મને પણ મારા ઘરમાં ન જ જોઈએ.’’ સ્વાતિને પાછી મા યાદ આવી. પિન્કી જન્મી ત્યારે રાત રાત ભર જાગી એને હીંચોળતી... એને લાડ લડાવતી. જમાઈરાજને પણ હંમેશાં માન આપતી, એને ભાવતી પૂરણપોળી પોતાને હાથે બનાવી આગ્રહપૂર્વક ખવડાવતી... લંબાતા જતાં દૃશ્યોને એણે બળજબરીથી ત્યાં જ અટકાવ્યાં. ‘હવે આ ઘર, પતિ અને પુત્રી જ મારું જીવન છે. એમને તો કેમ નારાજ કરાય?’ એણે મનને મનાવવાની કોશિશ કરી પણ આખી રાત એક અજંપો એની આંખોમાં આળોટતો રહ્યો. વહેલી સવારે ‘હે ઈશ્વર! આ માનું હું શું કરું એ સૂઝાડ’ એવી પ્રાર્થના કરી માંડ એની આંખ મીંચાઈ. વળતી સવારે ઊઠતાં મોડું થયું. હાંફળી-ફાંફળી એ બહાર આવી તો પતિએ એનો હાથ પકડી સોફામાં બેસાડી. દીકરી પણ પાછળ જ ડાઇનિંગ ટેબલ પાસે શાંત ઊભી હતી. એ આશ્ચર્યથી વારાફરતી બંને સામે જોતી હતી ત્યાં પતિ એનો હાથ પકડતાં બોલ્યો, ‘‘જો, શાંતિ રાખજે... ભાઈનો ફોન હતો. મા હવે નથી રહ્યાં, થોડીવાર પહેલાં જ માનું મૃત્યુ થયું છે.’’ અચાનક સ્વાતિને મા કહેતી હતી એ પ્રસંગ યાદ આવી ગયો... રિસાયેલી માને મનાવવા નાની સ્વાતિ એની જ એક સાડી શરીરે વીંટાળી ગોળ-ગોળ ફરતી ગાય છે, ‘‘ગોળ-ગોળ ધાણી... ઇત્તે કીત્તે પાણી... મા મારી રિસાણી... ગોળ-ગોળ...’’ એને લાગ્યું, હમણાં પણ જાણે એ ફરી રહી છે ગોળ ...ગોળ... ગોળ... સ્વાતિનો ચહેરો જોઈ એ હમણાં જ પોક મૂકશે એવું વિચારી પતિનો હાથ એની પીઠ તરફ લંબાયો, દીકરીએ ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ હાથમાં લઈ એક ડગલું ભર્યું હતું કે સ્વાતિના મોઢા પર રાહતના ભાવ સાથે અણધાર્યા આછા ઉદ̖ગાર સાંભળ્યા, ‘‘હાશ ! મા તું ગઈ!...’’ હવે આશ્ચર્ય પામવાનો વારો એમનો હતો.