નારીસંપદા : ટૂંકી વાર્તા/શૂન્યાવકાશ

From Ekatra Wiki
Revision as of 02:35, 20 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શૂન્યાવકાશ

સુષમા શેઠ

સાયલીએ મક્કમ નિર્ધાર કરેલો; જીવનસાથી મનપસંદ હોય તો જ ખરીદવો. દરેક ગ્રહ પર સેટેલાઇટ મારફત શોધ ચાલી. એક ક્લિક અને સામે આખું બ્રહ્માંડ દૃશ્યમાન ! તેણે ઑનલાઇન શોપિંગ સાઈટ્સ ફેંદી નાખી; પણ વ્યર્થ. જે જોઈતું હતું તે પ્રાપ્ય નહોતું. તેની પાસે અઢળક ક્રિપ્ટો કરન્સી જમા થયેલી. ચંદ્ર પર મોટો પ્લોટ લઈ રાખેલો. નિવૃત્ત જીવન ત્યાં વિતાવવાનો મનસૂબો હતો. એ ખરીદી કરવા નીકળતી પણ ખાલી હાથે, વીલા મોઢે પાછી ફરતી. સાઇડ ટેબલ પર પડેલા ડિજિટલ કેલેન્ડરના આંકડા પંદર નવેમ્બર બે હજાર નેવું પરથી સરકીને આજે ચોથી જાન્યુઆરી બે હજાર એકાણું બતાવતા હતા. એવું નહોતું કે બજારમાં અછત હતી. ઢગલાબંધ માલ હતો પરંતુ ખરીદવા માટે મન તો માનવું જોઈએને. ફક્ત લેવા ખાતર ઓછું લઈ લેવાય? કદાચ જીવનભરનો સવાલ હતો. સેમ સાથે લિવ-ઇનમાં રહ્યા બાદ બન્ને છૂટા પડી ગયેલાં. નહોતું ફાવ્યું. સેમ તેને સમજી નહોતો શકતો અને સમજવાય નહોતો માંગતો. “સાયલી, પ્લીઝ બી પ્રેક્ટિકલ. આવા લાગણીવેડા ન કર.” એ બોલેલો. સાયલી નિયમિત ‘ઈમોશન મેઝરિંગ ડીવાઇસ’ વડે લાગણીઓના આંક ચેક કરતી. સહનશક્તિ લેવલ શૂન્ય પર પહોંચી ગયેલું. પ્રેમ માઇનસમાં, ક્રોધ ફ્લક્ચ્યુએટ થયા કરતું, ઉદ્વેગ હાઈ અને સ્ક્રીન એડિક્શન ડેન્જર લેવલે. ઊફ્ફ્ફ ! સાયલીના વેસ્ટ પ્લાસ્ટિક બ્રીક્સવૉલના ઘરની વાતાનૂકુલિત બંધિયાર હવા તેના કાનમાં ગણગણી, ‘આ ફાસ્ટયુગના માણસો રોબોમાં પરિવર્તિત થઈ રહ્યા છે અને રોબો માણસમાં ! સો બી પ્રેક્ટિકલ.’ “એલેક્સા, એક સ્ટ્રોંગ કોફી પ્લીઝ. માથું દુઃખે છે.” તેના કમાન્ડના પ્રતિસાદરૂપે કૉફી તૈયાર કરવાને બદલે, “તેં ઑલરેડી ત્રણ પીધી. નાવ ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. ન્હાઈને ‘ડીનર’ લેબલવાળી બોટલમાંથી બે ફૂડપીલ અને વિટામિન્સ લઈ લેજે. તારે વહેલી સવારે આર્ટિફિશિયલ ગાર્ડનમાં રિયલ વૉક માટે જવાનું છે.” સામો નમ્ર પરંતુ લૂખો લાગણીવિહિન સ્વર કાને અથડાયો. તમામ ડેટાબેઝને એનાલાઇઝ કરીને પાછા એ સપાટ સ્વરે સપાટો બોલાવ્યો, “કાલે મેઇન્ટેનન્સ ઇશ્યુસ હોવાથી જીમ બંધ છે.” “શીટ્” સાયલીએ ‘એલેક્સા’ નામનું ડબલું જોરથી પછાડ્યું. ન્હાઈ, તૈયાર થઈને તેણે ગોળીઓ ગળી. પેટ ભરાયાની અનુભૂતિ થઈ છતાંય ઊંઘ નહોતી આવતી. વૉક-ઇન ફ્રીઝરમાં સ્ટોર કરેલું કુક્ડ ફૂડ ખાવાની ઇચ્છાને તેણે પરાણે દાબી દીધી. એકદંડિયા મહેલમાં વસતી સાયલીના ટ્વેન્ટી ફોર બાય સેવન સોબતી, સંગાથી, સખા હતાં તેના લેટેસ્ટ સ્માર્ટ ફોન, કમ્પ્યુટર અને ખોળે લીધેલો લેપટૉપ. આખી દુનિયા તેમાં સમાઈ જતી અને તે એમાં. આ ગ્રહ, પરગ્રહ બધે જ પહોંચી શકાતું; સામાના મન સિવાય. તે વિશાળ કન્વર્ટિબલ સ્ક્રીન સામે ગોઠવાઈ. સિક્યુરિટી કૉડ અનલૉક કર્યો. તેમાં સ્ક્રીન સેન્સર જડેલા હોવાથી સાયલીની હાજરી પારખતાં જ મોટું સ્ક્રીન જીવંત થઈ ઊઠ્યું. તેણે વૉઇસ કમાન્ડ આપ્યો. વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનિકથી ઊભા થયેલા શોકેસ નજરે પડ્યા. “અવતાર” એપ પર જઈ તેણે પોતાને પ્રસ્તુત કરી. સાયલીના સુડોળ અંગઉપાંગો ઝગારા મારતા ઑફશૉલ્ડર ઇવનીંગ ગાઉનમાંથી ડોકાતા હતા. સાઇડ-સ્લીટમાંથી રૂપાળા લાંબા પગે ડોકિયું કર્યું. વાહ ! આકર્ષક અવતાર બની ગયો. ખુરશી પર ટટ્ટાર બેસી તેણે સ્ક્રીન પર નજર ટેકવી. ટેબલ પર પાથરેલા પેડ પર આંગળીઓ સરકાવી. આડીઅવળી ગલીઓ વટાવ્યા બાદ આબેહૂબ ચળકતા શોરૂમ્સ સામે આવ્યા. પહેલા શોરૂમના પગથિયા ચડી તેણે ચોમેર એક આશાભરી નજર ફેરવી. તે સુંદર તૈયાર થઈ, મેક-અપ કરી બહાર નીકળી હતી, પોતાના થ્રી-ડી હૉલોગ્રામ અવતારમાં. મેટાવર્સની ઑનલાઇન સાઇટ ચોવીસે કલાક ખુલ્લી રહેતી. તે એમાં દાખલ થઈ. બેન્ક-એપમાં પડેલા બિટકૉઇનનો તેણે અડસટ્ટો મેળવી લીધો. પૂરતા હતા. એ મોટી કિંમત ચૂકવવા તૈયાર હતી પણ... એક તરફના બધાં જ હારબંધ શોરૂમમાં તે ફરી વળી હતી. આજે બીજી તરફના શોરૂમ બાજુ તે વળી. બેઠાંબેઠાં જ તેણે આંગળી ડાબી તરફ ફેરવી વળાંક લીધો. “જુઓ મેડમ, શાંતિથી જુઓ. તપાસીને ખરીદજો. ઉતાવળ ન કરતા. એકદમ ફક્કડ માલ છે. દેખાવે અસ્સલ હીરો. ડાર્ક, ટૉલ એન્ડ હેન્ડસમ. હું તો કહું છું, મેરેજ કરી લો.” “મેરેજ? ઇટ્સ આઉટ-ડેટેડ. નથી કરવા પરંતુ શું એ મને...” સાયલી સહેજ અચકાઈ, “આની પાછળ તો કેટલીયે પાગલ હશે. આ રૂપગર્વિલો ફેશનમાંથી ઊંચો નહીં આવે. ઊંહું ! નોટ ધીસ. બીજો બતાવો.” સાયલીએ મોઢું મચકોડ્યું. “હાઇલી ક્વોલિફાઇડ ડૉક્ટર બતાવું?” સેલ્સમેને ચહેરા પરનો પરસેવો લૂછ્યો. “જોઈ લઉં.” સાયલી જાણે ,સેલ્સમેનનું માન રાખવા માગતી હોય તેમ બોલી. વારંવાર ના પાડીને હવે તેના મનને કોરી ખાતી એકલતાય થાકી હતી. સ્ફૂર્તિલી ચાલ સાથે મલકાતા યુવાન ડૉક્ટરે હાથ લંબાવી સાયલીને “હાય” કહ્યું ત્યારે એ ચમકી. નકારનું સજ્જડ કારણ આપતી બોલી, “ડૉક્ટર, તમે મને પુરતો સમય નહીં આપી શકો.” “પણ ઢગલો ધન આપીશ. પછી તો મોજ જ મોજ. મંગળની ટૂર કરીશું.” “ધનની મારે કમી નથી. હું રોબોટિક સાયન્સમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલી છું. મહેનત કરી કમાઈ શકું છું. સ્પેસશટલમાં આખી પૃથ્વી ફરતે બે વાર ટૂર કરી છે. મને સમય આપે તેવો સાથી જોઈએ.” સાયલીએ ડૉક્ટર પરથી નજર હટાવી. “આ જુઓ, મેકાટ્રોનિક્સ એન્જિનિયર છે. દરેક સમસ્યાનો તેની પાસે ઉકેલ છે. કહો તો હોમ-ડિલિવરી કરાવું.” “દરેક સમસ્યાના ઉકેલ માટે વેબસાઇટ્સ છે. આને જવા દો.” સાયલીને જે જોઈતું હતું તે મળતું નહોતું. “મેડમ, આ દેખાવે રૂપાળો નથી પણ એનું મગજ તેજ છે. વેરી કેલ્ક્યુલેટીવ એન્ડ વેરી પ્રેક્ટિકલ યુ સી. તમે કહો તો ચાર્જ કરી ડેમો આપું. વાતચીત કરી લો.” સેલ્સમેન વેચવાના મૂડમાં હતો. શોરૂમની ઝળહળાટ રોશનીમાં નહાતા કેટલાંય શરીરો ચમકી ઊઠ્યાં. સાયલીથી પૂછ્યા વગર ન રહેવાયું, “એનાં ગણિતને મારે શું કરવાનું? શું પ્રેક્ટિકલ હોવું જરૂરી છે? મને મગજ નહીં મન જોઈએ મન. મને સમજી શકે તેવું ફક્ત એક મન. શું આની અંદર એવી ચીપ છે?” “એવું તો હાલ કોઈ નથી. મળશે પણ નહીં. જેનું ઉદ̖ભવસ્થાન મન છે તેવી લાગણીઓની ચીપ હજી શોધાઈ નથી. બાકી આ સ્માર્ટ રોબો રોજનું તાપમાન, હવામાન, સ્વાસ્થ્ય સંબંધી માહિતી, આખા દિવસનો પ્લાન વગેરે બધું જ એક્યુરેટ કહી આપે છે. મારું માનો, આનાથી સારું મૉડેલ ક્યાંય નહીં મળે.” સાંભળતાં પહેલાં સાયલી બાજુના શોરૂમમાં દાખલ થઈ ગઈ. “આવો મેડમ, આપની જરૂરિયાત જણાવો. તમારે લાયક મળી જશે. અમારી પાસે પુષ્કળ વેરાઇટી છે. ઓલ ઇન રેડી સ્ટૉક. આપને મેઇડ ટુ ઑર્ડર જોઈએ તો એ પણ થઈ જશે.” સેલ્સમેન હોશિયાર હતો, “જુઓ, આ હાજર સ્ટૉકમાં છે.” પેલાએ રિમોટનું બટન દબાવતાં સૂટબૂટમાં સજ્જ એક પડછંદ શરીર સામે આવી મલકાયું. “તું કહે તો આકાશના તારા તોડી લાવું ડાર્લિંગ.” તેની આંખો સાયલીની આંખ પર ફોકસ થઈ. “આ અમારી બેસ્ટ પ્રોડક્ટ છે મેડમ.” “આકાશના તારા નથી જોઈતા. હું ચંદ્ર પર લટાર મારી આવી છું. મને એ કહો, શું તેના હૃદયમાં મારી ભાવનાત્મક લાગણીઓ સમજી શકે તેવી ચીપ છે?” સાયલીએ જાણે કોર્સ બહારનો પ્રશ્ન પૂછ્યો હોય તેમ રોબોટ્સના અદ્યતન શોરૂમનો સેલ્સમેન બઘવાયો. “આમના કમ્પ્યુટરાઇઝ્ડ મગજમાં બધું જ ફીડ કરેલું છે. શું છે મેડમ કે લાગણીઓ ડાઉનલોડ કરવા જતાં ગડબડ થતી હતી માટે તેવી પ્રોડક્ટ્સ બજારમાંથી પાછી ખેંચી લેવી પડી. સમસ્યા એ થઈ કે સાચા માણસોની દેખાતી ખોટી લાગણીઓ સામે આ રોબો ગૂંચવાઈ જતા અને પછી તેમની વિચારશક્તિ હેંગ થઈ જતી. અલ્ગોરિધમમાં ગોટાળા થવા માંડ્યા. લાગણી બતાવતા રોબોને માણસો સમજી નહોતા શકતા તેથી રોબો બિચારા સમજ્યા વગર પ્રેમ કરતા તો કોઈ વાર આવેશમાં આવી માણસને મારવા દોડતા. તેથી સરકારે કાયદો દાખલ કર્યો કે રોબો ફક્ત આપેલ કમાન્ડને અનુસરે તેવા બનાવવા, લાગણી ભરેલા નહીં. લાગણીના તાણાવાણામાં જ ગૂંચો ઊભી થાય છે. અમારે મનની ચીપનો નાશ કરવો પડ્યો. તમે જે માંગો છો તે માટે રિયલ માણસ શોધી લો.” “પણ માણસ રિયલ લાગણીવાળા નથી રહ્યા તેનું શું? માણસ મશીન જેવો થઈ ગયો છે. તદ્દન લાગણીવિહિન ! માટે હું રોબોમાં માણસ શોધું છું. શુક્ર પર પૂછાવ્યું, મંગળ પર સંદેશ મોકલ્યો પણ નિરાશા સાંપડી. ત્યાંના જીવ પૃથ્વી પરના માણસ જેવા નથી. માણસ મન વગરના બની ગયા છે એટલે મને થયું કે કદાચ મને જોઈએ તેવો રોબો મળી જાય.” સાયલીનો અવાજ છેક ઊંડેથી આવ્યો. તેને લાગ્યું, ચારે તરફ સજાવીને મૂકેલા પુરુષરોબો તેની હાંસી ઉડાવી રહ્યા છે. વળી એક આગળ આવ્યો, “હું તને દિવસરાત પ્રેમ કરીશ. તું સોંપશે તે બધાં કામ કરીશ. ઘરની સફાઈ કરીશ, રસોઈ કરીશ.” “પણ મારા મનની લાગણીઓ સમજી શકીશ? હું માનવ છું, મશીન નથી. તું મારા મૂડ, મારા મનોભાવ, સમયેસમયે બદલાતી જરૂરિયાત, ઇચ્છા-અનિચ્છા, મારી આશાઓ, અપેક્ષાઓ, મારાં સપનાં, મારી સંવેદનાઓ, વિવિધ લાગણીઓ સમજીને એ પ્રમાણે વર્તી શકીશ?” સાયલીનો પ્રશ્ન ચારેબાજુ પડઘાયો. “હોર્મોન્સ લઈશ. તું જે કહેશે તે કરીશ.” મશીન માણસ જેવું બોલ્યું. “નોકર નહીં, મને સમજનાર એક સમજદાર સહચારી જોઈએ.” ઊંડા દરિયામાંથી મોતી વીણવાનું હતું. “સ્ત્રીને આજ સુધી કોઈ સમજી નથી શક્યું. એવી ચીપ તો ભગવાન પણ નથી બનાવી શક્યો.” શોરૂમનો માલિક હસ્યો. “તમે પોતે ભગવાન બની બેઠા છો. જુઓને એ ઉપરવાળો પૂછે છે, હે માનવી, તેં આબેહૂબ શરીર બનાવ્યાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઊભું કર્યું, પણ...” “પણ શું?” “પણ તેમાં આત્મા ક્યાંથી બેસાડશો? એ નિર્જીવ રોબોને તમે કદાપિ જીવિત નહીં કરી શકો. એ બોલશેચાલશે ચાવી દીધેલા રમકડાની જેમ. માણસે નિર્જીવ ઇંડા બનાવ્યાં પણ જડમાં જીવ નથી રોપી શક્યો.” “કઝેનોબોટ રોબોમાં રક્તકણો રોપવાના પ્રયોગો થઈ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં સફળતા મળશે. મેડમ, માણસાઈ મરી પરવારી છે. શું માણસ માણસની રીતે જીવે છે ખરો? હોય કંઈ અને દેખાડે કંઈ. વળી ઇન્ટેલિજન્સમાં ઈમોશન્સનું શું કામ? જુઓને, વિજ્ઞાનીઓએ ક્લોન્સ બનાવ્યા તેમાંય મુંઝવણો થઈ. એક સરખાં અનેક વ્યક્તિઓમાં મૂળ કોણ તે જ ન પારખી શકાયું !” “ઓહ નો ! મને ઘણા બધા નહીં, એક જ, માત્ર એક; મને સમજી શકે તેવો પુરુષ જોઈએ છે.” સાયલીના ગળામાંથી ચીસ રેલાઈ. તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. “તમે કહો તેના શુક્રાણુ અને અંડકોષ ટેસ્ટ-ટ્યૂબમાં ફલિત કરાવી, નવો શક્તિશાળી પુરુષ ઉત્પન્ન કરીએ. તમે એટલો સમય થોભી જાઓ અને રાહ જુઓ.” બાજુના શોરૂમનો માલિક ચર્ચામાં ઉતર્યો. “તમે સમજતા કેમ નથી? મારે સુપરમેન નહીં, મને સમજે તેવો સાથી જોઈએ છે.” સાયલીની ધીરજ ખૂટવા માંડી. “તો તમે ભગવાનને પ્રાર્થના કરો.” “વ્હોટ રબ્બીશ ! હું એવા કોઈ ભગવાનમાં નથી માનતી. જો માનતી હોત તો તમારી પાસે આવતે જ નહીં.” “પણ મેડમ, અમે માણસમાં નથી માનતા. માનતા હોત તો તમારી જરૂરિયાત ચપટી વગાડતાં પૂરી કરત. સાચું કહું? કૃત્રિમ માણસ કરતાં, સાચા રોબોટ વધુ સારા. એમાં એવું છે ને કે આ કહેવાતા મન, કહેવાતી લાગણીઓ, કહેવાતો પ્રેમ વગેરેને લીધે જ સંબંધોમાં ગુંચવાડા થતા હતા. મગજમાં કેમિકલ લોચા થવા માંડ્યા. લડાઈ, દંગા અને યુદ્ધ થતાં હતાં. હર્ષશોક, સુખદુઃખ, રાગદ્વેષ, ગમોઅણગમો આવી બધી લાગણીઓ મનને ઠેસ પહોંચાડતી. સંબંધો અપેક્ષાઓ જન્માવતી અને પછી એ જ દુઃખનું કારણ બનતી. બધી ફસાદની જડ એટલે મન.” “એમ?” “ખરી રીતે તો રોબોને લીધે જીવન સરળ બન્યું છે. એ એના માલિકની આજ્ઞા મુજબ વરતે તો છે. માણસને નિજી સ્વાર્થ સિવાય કશું દેખાતું નથી. એક સમયે આપણી પૃથ્વી લીલીછમ હતી. ઠેરઠેર જળ દેખાતું હતું.” “બસ, બસ. મારે પાછું એ બોરિંગ પૃથ્વીપુરાણ નથી સાંભળવું.” સાયલી થાકી ગઈ હતી. તેની સ્મૃતિમાં ઉભરાયું; સીરી કહેતી એ વાર્તા સાંભળતી વખતે તેણે માને પૂછેલું, “મૉમ, ધાવણ એટલે?” ત્યારે માએ ખભા ઉલાળી કહેલું, “ગુગલમાં શોધ.” અને મ્યુઝિયમમાં સાચવીને રખાયેલ મોટો કાગળ જોઈને તે કેવી ઉછળી પડેલી ! સખીઓને કહેલું, “આજે તો મેં સાચુકલો કાગળ જોયો ! યસ, પેપર યુ નોવ ! ટોયલેટ પેપર નહીં, પ્રીન્ટેડ મેટરવાળો જાડો પેપર.” તેણે પોતાના કાંડા હેઠળ બેસાડેલી સ્માર્ટ ચીપને ટૅપ્ કરી કમાન્ડ્ઝ આપ્યા. રુપેરી સ્ક્રીન પર અંધકાર છવાયો. આંખ પર ચડાવેલા ફોર-ડી ઈફેક્ટવાળા ચશ્માં ઉતારી પગ છૂટા કરવા તે ઊભી થઈ. ઘર નામે વિશાળ ખાલીખમ વિલા; તેના મન જેવી જ. તેમાં હતાશા ભરાઈ ગઈ, સાચુકલી. તે ખિન્ન હૃદયે પોતાના રિયલ વર્લ્ડમાં પાછી ફરી. કશું જ ગમતું નહોતું. ઘરમાં જ ગોંધાવાનું હતું. એકલતા ઘેરી વળી. તે ઝંખતી હતી ફક્ત એક જાદુની ઝપ્પી, હુંફાળો માનવીય સ્પર્શ. સેક્સટૉય્ઝને માઠું લાગ્યું. ઘર બહાર ઉડતાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તપતી હવાએ ઉકળાટનું સામ્રાજ્ય ફેલાવેલું હતું. સર્વત્ર ઉકળાટ, ભીતર, બહાર પણ ક્યાંય હૂંફ નહીં. વિડીયોમાં જોયેલાં એવાં કૂવા, સરોવર, નદી-નાળાનાં દર્શન થવાં એય જાણે સોનેરી ભૂતકાળ !

*****

આખી ઈકો-સિસ્ટમનું સંતુલન ખોરવાઈ ગયું છે. ક્યાંક ધરતીકંપ, ક્યાંક ઉલ્કાપાત, પૂર, અવકાશી પદાર્થોનું સ્ખલન ! સર્વત્ર ઈલેક્ટ્રોનિક વેસ્ટના ઢગલા. સોશલ સાઇટ્સ પર હજારો મિત્રો હતા પરંતુ શરીર તાવથી ધગધગતું હતું ત્યારે માથે પ્રેમથી હાથ ફેરવનાર કે આંખોમાં ચિંતા ભરી સહાનુભૂતિના બે શબ્દો કહેનાર કોઈ નહોતું. સાયલીને થયું, એ અજ્ઞાત પાંજરામાં કેદ છે. ઘરની સફાઈ માટે રૂમ્બારોબો ઉપરાંત બે નોકર રોબો છો. તેને કંઈ જ કરવું નથી પડતું, કમાન્ડ આપતાં બધું હાજર પણ... એકમાત્ર એવો જીવનસાથી નથી જે તેને સમજે, લાગણીભર્યા પ્રેમથી તેને સાંભળે, અગણિતપણે અલકમલકની વાતો કરે, સમય આપે. ખૂબ શોધ્યું, કોઈ ન મળ્યું. પાછું સેમનું કહેલું વાક્ય માથે ઝીંકાયું, “ભાવુક ન બન. બી પ્રેક્ટિકલ.” સાયલીના મર્યાદિત પરિવારના સભ્યો ચંદ્ર અને મંગળ પર વસતા હતા. ‘તેમાં શું? દર મહિને વિડીયો કૉલથી બધા “ટચ”માં હતા જ ને?’ સાયલી જાતને આશ્વાસન આપતી. બધા લોકો આ રીતે જ રહે છે. વાયરસે ફેલાવેલી મહામારી, ત્સુનામી, ભૂકંપ અને વિશ્વયુદ્ધમાં પૃથ્વી પરની અડધી વસ્તી સાફ થઈ ગઈ છે. ચંદ્ર પર વસાહતો વિસ્તરતી જાય છે. પૃથ્વી પરની શેષ વસ્તીમાં કોણ માનવ અને કોણ રોબો તે કળવું મુશ્કેલ છે. સવાસો વર્ષના પપ્પા જે સાયલીની સો વર્ષની જન્મદાત્રી મમ્મીના ત્રીજા પતિ છે અને દોઢસો વર્ષના તેના બાયોલોજિકલ પિતા છઠ્ઠી વાર પરણ્યા છે, તેમાંની ત્રણ રોબો-મૉમ હતી જે હવે ભંગાર બની ચૂકી છે. સગી માને સ્ક્રીન-ડિએડિક્શન સેન્ટરમાં મૂકી છે. માસી-મામા-કાકા-ફોઈ એવા સંબંધો ભૂંસાઈ ગયા છે. સાયલી લાગણી માટે તરસે છે પરંતુ મોહમાયા, સ્નેહ, નૈતિક મૂલ્યો બધું અચાનક પેલા રહસ્યમય બ્લેકહોલમાં ગરક થતાં, પૃથ્વી પરથી અચાનક અલોપ થઈ ગયું છે. કદાચિત્ એલિયન્સે એ બધું પોતાની અદૃશ્ય શક્તિ વડે ખેંચી લીધું છે તેવી લોકવાયકા પ્રચલિત છે. મન નામનો પદાર્થ જાણે ભેદી બરમુડા ટ્રાય એન્ગલમાં ખોવાઈ ગયો છે. જમાના પ્રમાણે ‘પ્રેક્ટિકલ’ બનવાની મગજની જીદને લીધે માનવીએ મન નામનાં હથિયાર હેઠાં મૂકી દીધાં પછી તો બધે જ વર્ચસ્વ છવાયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. ખાવુપીવું, ઉઠવુંબેસવું બધું જ તેની આજ્ઞા મુજબ. મિત્રના ઘરે જવાનો રસ્તોય જી.પી.એસ. ટ્રેકરે ચીંધ્યા પછી જ મળે. જોકે, સાયલી પાસે અદ્યતન એરટ્રાવેલ-બબલ હતું જેમાં બેસીને આકાશ માર્ગે જઈ શકાય પણ તેમાંય ભયંકર એર ટ્રાફિક નડતો. સાયલીએ કારમાં બેસી, ડેસ્ટિનેશન ફીડ કરી ફક્ત વોઈસ કમાન્ડ આપવાનો હતો માટે જ તેને રોડ ટ્રાવેલ ગમતું. ખાસ તો રસ્તે જતાં ક્યાંક રડ્યુંખડ્યું ઘટાદાર વૃક્ષ નજરે પડી જાય તો અહોભાગ્ય. એક અફસોસ સાયલીના અંતરને ડંખ્યા કરતો. ભીતરના ઊંડાણમાં ધરબી રાખેલી વાત ફરી સપાટીએ આવી. બધા સાચું જ કહેતા હતા કે બહુ ભાવુક ન થવું. લાગણીમાં ન તણાવું. લાગણીશીલ જ્યોર્જઅંકલ ઉત્તમ નવલકથાકાર, લેખક હતા. સાયલીને લાડ લડાવતા. મમતા વરસાવતા. અત્યંત પરિશ્રમી. રાતોની રાતો ઉજાગરા કરી લખતા. એ સાયલીને ચચરતું. તેણે એમના માટે પ્રોગ્રામ ડેવલપ કરી રાઈટરરોબો બનાવ્યો. પછી તો અંકલ રોબોમાં પોતાના વિચારો ફીડ કરતા અને લો, પળવારમાં નવલકથા તૈયાર ! ધીમેધીમે એવું થવા માંડ્યું કે રોબો, તેમની લાગણીઓ ન સમજતો અને અંકલ તેને ન સમજતા. બન્ને વચ્ચે ખટરાગ થવા માંડ્યો. રોબો મનમાની કરતો. નિરાશાથી ઘેરાયેલા અંકલે છેવટે આપઘાત કર્યો. સાયલી હતપ્રભ ! તેણે રાઈટર રોબોના બધાં કનેક્શન્સ કાપી નાખ્યાં પરંતુ ત્યાં સુધીમાં તો બજારમાં એવા અસંખ્ય રોબો તૈયાર થઈ ચૂકેલા. સાયલી લાચાર હતી. તે સ્નેહ અને પ્રેમ માટે તરસ્યા કરતી. તેને પોતાના નામ સાથે એક નામ જોડવું હતું. અપેક્ષાઓ ન સંતોષાઈ. તે હારી ગઈ. આજે તેણે વિચારવાનું કામ રોબોને સોંપવાને બદલે પોતે આખી રાત વિચાર્યું. હૃદય પર મગજ હાવી થઈ ગયું. રસોડામાં જઈ તેણે પોતાનું મન શરીરની બહાર કાઢ્યું. ખાનામાંથી છરી કાઢી. ખચ્ચ દેતાંકને છરી હુલાવી મનને મારી માખ્યું. તે આખી લોહીલુહાણ ! પણ કોઈ એ જોઈ, સમજી ન શક્યું. શરીર સાબૂત હતું અને બધાં શરીર જ નિહાળતા હતા. ‘લાગણીઓમાં જાતને વહાવી દેવા કરતાં જાત બચાવીને લાગણીઓને જ વહાવી દેવી સારી.’ તેણે વિચાર્યું. હવે સાયલી પોતે એક રોબો બની ગઈ છે. જડ. લાગણીવિહિન. તેથી શું? મનમાં મચતો ઉલ્કાપાત તો ટળ્યો. તે દેખાવે સુંદર છે. શક્તિશાળી છે. તેની પાસે જે પૂછો તેના જવાબ તૈયાર છે. સાયલી, તેની આસપાસ વસતા અસંખ્ય લોકો જેવી બની ગઈ છે. હાશ ! હવે તેને કોઈ પ્રકારે તાણ નથી, દુઃખ નથી, જીવને ઉચાટ નથી. હવે તેનેય જીવનસાથીમાં મન નામની વસ્તુ હોવી જોઈએ તેવી મનોકામના નથી રહી. સાયલી કૃત્રિમ પુષ્પો ફૂલદાનમાં ગોઠવતી વિચારે છે, “સાચી વાત. લાગણીશીલ વ્યક્તિ છેવટે દુઃખી જ થાય છે. આપણે સ્માર્ટ ! આપણને તો સ્માર્ટ-સુખનું આભાસી સામ્રાજ્ય સ્થાપવું છે.” બહાર પથરાયેલું અફાટ રણ ધીમેધીમે વિસ્તરતું જાય છે. ભીતર હૂંફ અને ઉષ્માવિહિન સૂકોભટ પ્રદેશ વિસ્તરી રહ્યો છે. કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારીઓ થઈ રહી છે. એકલવાયું ઝાડનું ઠૂંઠું આક્રંદ કરે છે, “સાંભળે છે કોઈ માનવી? મારે પાંગરવું છે.” સાંભળવાની ફિકર વગર, શૂન્યાવકાશ ભેદીને અવકાશમાં વજનરહિત વિહરતી સાયલીઓ મલકી પડી, સાવ કૃત્રિમ.