અસ્તિ/કૃતિ-પરિચય
અસ્તી(1966)–અસ્તિ(2006)
ગુજરાતીમાં આધુનિકતાવાદનું આંદોલન પૂરજોશમાં હતું ત્યારે લખાયેલી આ નવલકથાએ એ દિવસોમાં પણ ધ્યાન ખેંચેલું. એ વિવાદાસ્પદ બનેલી તેમ જ વખણાયેલી. આ નવલકથાનો નાયક ‘તે’ ધૂળિયા રસ્તાને એક ખૂણે ઊભો છે. એની નજર સામે જે કંઈ દેખાય છે – દુકાનો, વસ્તુઓ, મનુષ્યો – એ બધાંનું એ વર્ણન કરે છે, અને પોતાના મનમાં જાગતી પ્રતિક્રિયાઓ પણ આલેખે છે. કથા કહેવાય એવી કોઈ કથા અહીં ઊપસતી નથી પણ ‘તે’ના પ્રતિભાવો રસપ્રદ છે. એમાં ક્યાંક માર્મિક નિરીક્ષણો છે, ક્યાંક કાવ્ય-કલ્પનો છે, ક્યાંક સૂક્ષ્મ સંકેતો છે. સર્જક તરીકેની સંવેદના એમાં વરતી શકાય છે. એમ કહેવાય કે જે-છે-તે-નું – અિસ્ત-નું આ નવતર આલેખન છે. કથા કે એનો કોઈ અંશ પણ અહીં નહીં હોવાથી શરૂઆતનાં કેટલાંક પાનાં પછી આ આધુનિક નવલનું વાચન એકવિધ પણ લાગે. પણ એ સમયની પ્રયોગ-લક્ષી નવલ તરીકે જે છે એમાંથી આસ્વાદ-સામગ્રી શોધવાની રહે. નવલકથાને અંતે કેટલાક વિવેચકોના અભિપ્રાયો પણ લેખકે મૂક્યા છે એ પણ કદાચ મદદરૂપ થાય. એ સમયે, 1966માં આ નવલકથા માત્ર દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ -માં લખાયેલી. એટલે શીર્ષક પણ ‘અસ્તી’ એમ દીર્ઘ ઈ-વાળું હતું. 2006માં આ પુસ્તકની બીજી આવૃત્તિ થઈ ત્યારે લેખકે નવલકથાની જોડણી માન્ય ભાષાની કરી દીધી – એટલે શીર્ષક પણ ‘અસ્તિ’એમ હ્રસ્વ ઇ-વાળું રાખ્યું. જો કે એ પછી આખી નવલ ફરી એક ઈ-ઉ-માં પણ છાપી છે! તમે હવે વાંચશો એમાં એ બન્ને પાઠ(texts) છે. એક નવા નવલ-પ્રયોગમાં હવે આપ સૌ પ્રવેશો. શુભેચ્છા.
આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.