રણ તો રેશમ રેશમ/ઉઝબેક પ્રજાની સંવેદનશીતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો

From Ekatra Wiki
Revision as of 01:08, 26 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search
(૯) ઉઝબેક પ્રજાની સંવેદનશીતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો

કોઈ પણ પ્રજાની સંવેદનશીલતાનો પરિચય એણે સાચવેલાં સ્મારકો પરથી મળતો હોય છે. અહીં સન ૧૯૬૬માં ભયાનક ધરતીકંપ થયેલો. એ ધરતીકંપમાં જાનમાલની પુષ્કળ તબાહી થઈ. મહાવિનાશ પછીના નવસર્જનની ખુમારી – તે ‘મૉન્યુમેન્ટ ઑફ કરેજ’ અમે તાશ્કંદમાં જોયું. સ્મારક શરૂ થાય છે, જમીન પર પડેલી તિરાડથી. મૂળ તિરાડનો એક ટુકડો જેમનો તેમ રહેવા દેવાયો છે. જમીન પર પડેલી તિરાડ સાથે તૂટી પડેલી શિલાનાં બે ફાડચાં પણ જેમનાં તેમ રખાયાં છે. એ શિલા પર એક બંધ પડી ગયેલી ઘડિયાળની રચના છે, જે ભૂકંપનો સમય તથા દિવસ બતાવે છે, રસ્તા પરથી લંબાતી એ તિરાડને છેડે એની બરાબર સામે કુદરતના કોપને રોકવા આડો હાથ ધરતા યુગલનું શિલ્પ છે. પોતાના ખોળામાં બાળકને રક્ષતી માતા અને પત્ની તથા બાળકને રક્ષતા પુરૂષનું એ શિલ્પ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુગલ જાણે આર્તનાદ કરતું કુદરતી હોનારત સામે આડો હાથ ધરીને કહી રહ્યું છે કે, ‘અમારા બાળકોની રક્ષા ખાતર બસ, હવે એક પણ ડગલું આગળ વધવાનું નથી!’ એ પૂતળાંની પાછળ ગુલાબી પથ્થરના પરિપ્રેક્ષ્યમાં ફ્રેઈમની જેમ મઢેલી લોખંડની સળંગ જાળી જેવી રચના છે, જેમાં વિવિધ વ્યવસાયનાં લોકો પુનઃસર્જિત થવા શ્રમ કરતા હોય, તેવાં દૃશ્યો સર્જેલાં જોવા મળે છે. આજે તો અહીં ઊભા રહી, એ સમયની તબાહીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. નવસર્જિત તાશ્કંદ એની શહેરી દોડધામમાં મસ્ત સ્મારક ફરતે દોડી રહ્યું છે. અમે જોયું કે, દેશવિદેશના પ્રવાસીઓ વચ્ચે એક સ્થાનિક યુગલ આ સ્મારક પર ફોટા પડાવી રહ્યું હતું. સ્ત્રીએ સફેદ વૅડિંગ ગાઉન પહેરેલો હતો ને પુરુષે સરસ મજાનો સૂટ પહેરેલો હતો. અને સ્ત્રીના હાથમાં પુષ્પગુચ્છ હતો. લગ્નની વેશસજ્જામાં સજ્જ એ યુગલને આ તબાહીના સ્મારક પર ફોટા પડાવતું જોઈને નવાઈ લાગી. આખો દિવસ ફરતાં શહીદસ્મારક સહિત અનેક સ્થળોએ આવાં યુગલો જોવા મળ્યાં. નિકીએ અમને સમજાવ્યું કે, લગ્નના આગલા શનિ-રવિ કે અન્ય રજાને દિવસે યુગલો લગ્નનાં વસ્ત્રો સજીને આમ શહેરનાં વિવિધ નોંધપાત્ર સ્થળોએ ફોટા પડાવે, તેવો અહીંનો રિવાજ છે. તાશ્કંદનો ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ભવ્ય છે. રશિયન દબદબાભરી કવાયતો અહીં થતી હશે, ત્યારે આ ભવ્યતા પર ચાર ચાંદ લાગી જતા હશે. અમે એના મુખ્ય પ્રવેશદ્વાર પરથી નહીં, એક તરફના ગૌણ પ્રવેશદ્વારથી પ્રવેશ્યાં હતાં. પરિસરની અંદર વિશાળ રાજમાર્ગ જેવા રસ્તાની બંને કોર આકર્ષક બાગ ઉગાડેલો હતો. ફૂલોનો તો કોઈ પાર જ નહીં. આ રસ્તો સીધો પાર્લામૅન્ટ હાઉસ તરફ લંબાતો હતો. રસ્તાની કોરે સજેલો બાગ અનેક વિભાગોમાં વહેંચાયેલો હતો, જેમાં વિવિધ ભાવનાઓને વ્યક્ત કરતાં શિલ્પ હતાં. વળી એમાં એક લાકડા પર કલાત્મક કોતરણી કરેલ સ્તંભોથી રચાયેલ પરસાળમાં અનેક રજિસ્ટરો એનું દરેક પાનું વાંચી શકાય, તે રીતે ફ્રેઈમ કરીને મૂકેલાં હતાં. વિશ્વયુદ્ધમાં દેશ માટે પરણ ન્યોચ્છાવર કરનાર એકેએક સપૂતનું નામ એમાં લખીને જોવા માટે મૂકેલું છે કે જેથી પ્રજા આ સમર્પણને ભૂલી ન જાય! એની જરાક જ આગળ એક પૂતળું છે : ‘ધ સૅડ મધર.’ બીજા વિશ્વયુદ્ધના નરસંહારમાં પોતાના પુત્રને ગુમાવીને શોકમગ્ન માતાનું પૂતળું. માતાના ચહેરા પર અપાર કરુણા અંકાયેલી જોવા મળે છે. શોકમગ્ન માતાનું આ શિલ્પ યુદ્ધની નિરર્થકતા અને કરુણતા સૂચવે છે. એ પૂતળાંની સામે તાજાં ફૂલો મૂકેલાં હતાં તથા અખંડ જ્યોત પ્રગટાવેલી હતી. જરાક આગળ જતાં આ જ સંકુલમાં એક બીજું શિલ્પ જોયું : ‘ધ હેપ્પી મધર.’ સોવિયત યુનિયનથી છૂટા પડી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવનાર નવા રાષ્ટ્રના જન્મની ખુશાલીમાં આનંદમગ્ન માતાનું શિલ્પ. એમાં સૌથી ઉપર પૃથ્વીના ગોળાની રચના પર નવજાત ઉઝબેક રાષ્ટ્રનો નકશો કોતરેલો દેખાય છે, એની નીચે પથ્થરની તકતી પર ઉઝબેક રાષ્ટ્રચિહ્ન કોતરેલું દેખાય છે અને એનીય નીચે નવજાત શિશુને ખોળામાં લઈને બેઠેલી ખુશખુશાલ માતાનું શિલ્પ છે. આ શિલ્પની સમાંતર સંકુલનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. પંદર ચોરસ કમાનોવાળા આ દ્વારની મધ્યસ્થ કમાન જરાક વધારે ઊંચી છે. એની ઉપર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ છે. રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા(ફિનિક્સ) પંખીનું અહીં ખૂબ મહત્ત્વ છે. આપણી જેમ અહીં પણ એ હુમાપંખીના નામે ઓળખાય છે. અદૃશ્ય રહેતા એવા આ સ્વર્ગીય અમર પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓના પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તમાં; ચીનમાં, તિબેટમાં, ને જાપાનમાં; ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં; અનેક દેશના પુરાણોમાં અલગ અલગ નામથી પોતાની રાખમાંથી પુનઃસર્જિત થતા અમરપંખીની પરિકલ્પના છે. આપણું દેવહુમા અને ઉઝબેકિસ્તાનનું હુમા બંને વચ્ચેનું સામ્ય આપણા આર્ય પૂર્વજોના અનુબંધ અનુસાર હશે? કારણ જે હોય તે, પણ આવાં પ્રતીકોની સમાનતા બે સંસ્કૃતિઓ વચ્ચે પરિચિત હોવાનો અહેસાસ, પોતાપણાની અનુભૂતિ ચોક્કસ આપતી હોય છે.