રણ તો રેશમ રેશમ/અલ ખઝનાહ, અલ લાજવાબ : પેટ્રા
પર્વત જેવડી શિલાઓ વચ્ચેથી પસાર થતા સાંકડા માર્ગ ઉપર પહોંચ્યાં, તે પહેલાં પેલા મેદાનની કોરે ઊભેલાં ખંડિયેરોની ઓળખાણ કરવાની હતી. મોટી મોટી શિલાઓને બહારથી મનગમતા ઘાટ આપીને અંદર ગુફાઓ કોતરવામાં આવેલી હતી. કોઈ ગોળ તો હોઈ ચોરસ, તો કોઈ વળી હોય કુદરતી આકારની, પણ એના પ્રવેશદ્વાર પર વિશિષ્ટ કોતરણી કોતરેલી દેખાય. તલાલને આર્કિયોલૉજી તથા ઇતિહાસ બંનેનું બહોળું જ્ઞાન હતું. જોર્ડનની રાજ્યવ્યવસ્થા, લોકજીવન, રીતરિવાજો, સંસ્કૃતિ, ત્યાંના લોકોમાં પ્રવર્તતો ઇસ્લામ ધર્મ પ્રત્યેનો અભિગમ, ત્યાંની શિક્ષણવ્યવસ્થા, ત્યાંની લગ્નસંસ્થા વગેરે અનેક વિષયો પર તે રોજ વાતો કરતો. તેમાં પણ આ પેટ્રા તો તેનું પ્રિય સ્થાન હતું. અહીંના એકેએક પથ્થર પરની સંજ્ઞાઓ તે ઉકેલી શકતો હતો. વળી આ સ્થાન વિશે વિવિધ દેશોના નિષ્ણાતોના મતમતાંતર વિશે પણ તે જાણતો હતો અને તેમાં કયો મત સૌથી સાચો હોઈ શકે અથવા બધા જ મતોનું ખંડન કરીને ખરેખર હકીકત શી હોઈ શકે તેનો પોતીકો વિચાર તે કારણો સહિત સાબિત કરી શકતો. કહેતો હતો કે તે આ વિષય ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક લખી રહ્યો છે. અને પુસ્તક પ્રગટ થયે એક પ્રત અમને ચોક્કસ મોકલવાનો છે. તેણે કહેલી હકીકતો રસપ્રદ હતી. ગુફાઓ પરની સંજ્ઞાઓ પરથી તથા એ ગુફાઓના આકાર પરથી વિવિધ સમય તથા તેના રચયિતાઓ વિશે જાણી શકાતું હતું. કેટલીક ગુફાઓ ગ્રીક અસર તળે બંધાયેલી તો કેટલીક મેસોપોટેમિયન, ઇજિપ્શિયન, સિરિયન કે એસ્સિરિયન બાંધણી દર્શાવતી હતી. જુઓ આ ગુફા પર સર્પનું નિશાન છે અને પેલી ઉપર ગરુડ પંખીનું. બાકીની ગુફાઓ કરતાં જુદી એવી તે બંને ગુફાઓ આખાય પેટ્રામાં એક-એક જ છે. એ ચિહ્નો ઇજિપ્તનાં છે. જુઓ પેલી ગુફાનું નામ ‘જીની બ્લૉક્સ’ છે. આ મેદાનમાં ફૂંકાતો શિયાળુ પવન ગુફાઓમાં ઘુમરાઈને ભૂતિયા અવાજો સર્જે છે, એટલે આ ગુફાઓ ‘જીન’ એટલે કે ‘ભૂતની ગુફાઓ’ તરીકે ઓળખાય છે. પેલો દેખાય તે પર્શિયન ટાવર છે. પારસીઓ મૃત્યુ પામે ત્યારે તેમનાં શરીરો ટાવર ઉપર પંખીઓનો ખોરાક બની ઉપયોગી બનવા કુદરતને પાછાં સમર્પિત કરી દેવામાં આવે છે તેવું જ અહીં વસી ગયેલાં લોકો પણ કરતા તેનો આ પુરાવો. જ્યાં જ્યાં માલિકનાં પૂતળાં છે તે બધી ગુફાઓ ઇજિપ્શિયન પ્રકારની ગણાય. પેલી ઊંચી ઊંચી ભેખડો વચ્ચેથી પસાર થતો રસ્તો જુઓ. આ ભેખડો પર છીણી જેવા ઓજારના ઘસરકા છે. જે સાબિત કરે છે કે આ ત્રણ કિલોમીટર લાંબી એ કરાડ કુદરતી નથી, માણસે એને પર્વત કોતરીને બનાવેલી છે!’ મેદાનથી આગળ જતાં કિલ્લાની ફરતે જળાશય ખોદેલું હોય તેવું પર્વતની ફરતે ખોદીને કેનાલ બનાવી હોય તેવી રચના દેખાઈ. નેબેટિયનો પાણીના સંચયમાં તથા જળવ્યવસ્થા ગોઠવવામાં પાવરધા હતા. તેમણે પોતાની નગરીને ફરતે આ ડેમ આદિકાળમાં બનાવ્યો હતો. આ ડેમમાં સંચિત પાણી પર્વતની ફરતેની કેનાલમાંથી આખા નગરને મળે તેવી વ્યવસ્થા તે સમયમાં હતી. કહેવાય છે કે નેબેટિયનોનો આ ડેમ સમયની માટી તળે દબાઈ ગયેલો હતો. સન ૧૯૬૧માં પેટ્રામાં અસાધારણ પૂર આવ્યું, જેમાં ૧૭ વ્યક્તિઓના મૃત્યુ થયાં. તેથી ૧૯૬૪માં સરકારે ભવિષ્યમાં પૂરથી બચવા એક ડેમ ખોદવાનું વિચાર્યું. પ્લાન તૈયાર થઈ ગયો, પછી ખોદવા બેઠા તો તેમના આશ્ચર્યની સીમા ન રહી. નેબેટિયનોનો પ્રાચીન આ ડેમ તો બરાબર તે જ જગ્યાએ મળી આવ્યો! વળી શિલાઓ વચ્ચે વહેતાં ઝરણાંના માર્ગમાં પગથાર કોતરેલી દેખાઈ તથા એ ઝરણાં એક કુંડીમાં વહીને નીકમાં વાળેલાં પણ દેખાયાં. તલાલે સમજાવ્યું કે ઝરણાંનાં પાણીનો વેગ ઘટાડવા તેમને પગથાર પરથી વહાવવામાં આવતાં. વળી આ કુંડીઓમાં કાંકરા તથા તેની નીચે રેતી ભરવામાં આવતી કે જેથી ઝરણાંનાં પાણી કુદરતી રીતે ફિલ્ટર થઈ જાય! એ વારેવારે કહેતો : ‘નેબેટિયન્સ વેર વેરી સ્માર્ટ પીપલ!’ સાંકડી એ સીકમાંથી પસાર થતાં અમે પથ્થરમાંથી કોતરેલી એક દેરી જોઈ. એમાં બિરાજેલા દેવનો ચહેરો ચોરસ હતો. વળી તે ચહેરાને ચોરસ આંખો હતી અને એક નાક હતું, પરંતુ મોઢું ન હતું. તલાલે સમજાવ્યું કે આ નેબેટિયનોના દેવ દુઃશ્શારા છે. દુઃશ્શારાને મોઢું નથી હોતું, કારણ કે, એ દેવને મૂંગા રહેવું હોય છે કે જેથી તેનું ડહાપણ અને જ્ઞાન કોઈ લઈ ન જાય! વળી એ દેરીથી જરાક ઊંચે એક ગુફા હતી, જે ધર્મગુરુનું સ્થાન હશે. તેના ઉપર ફૂલ જેવા આકારની કોતરણી હતી. આ ફૂલ નેબેટિયનોના દેવસ્થાનની નિશાની હોય છે. નેબેટિયનોનાં લગ્ન અહીં થતાં. યુગલ સામસામે હાથ ઊંચા રાખી બંનેની વચલી આંગળીઓ એકબીજાને સ્પર્શે તે રીતે કમાન રચીને ઊભું રહે, પછી ધર્મગુરુ આશીર્વાદ આપીને લગ્નવિધિ સંપન્ન કરે. તલાલે અમારામાંથી એક યુગલ ડૉ. શ્રોફ તથા તેમનાં પત્ની શિલ્પાબહેનનું નેબેટિયન લગ્ન કરાવ્યું. આ દેરીની સામે પથ્થરની શિલા પર બીજાં દેવીદેવતાના આકાર કોતરેલા દેખાયા. ‘આ એક મલ્ટિસ્પેશ્યાલિટી ક્લિનિક જેવું મલ્ટિગૉડ ટેમ્પલ છે.’ તલાલ સમજાવતો હતો. નેબેટિયનો સદીઓ સુધી અહીં સ્વતંત્ર રહ્યાં. પછી કાળક્રમે રોમન એમ્પરરની નજર એમની અઢળક સંપત્તિ પર પડી. રોમનોએ સિફતથી નેબેટિયનો સાથે સંધિ કરી, સંપત્તિ મેળવવાની ચાલ ચાલી. અને એ સંધિના માનમાં અહીં રોમન દેવતા તથા નેબેટિયન દેવતાનું સહિયારું દેવસ્થાન કોતરાવ્યું. આ નેબેટિયનોના દેવ દુઃશ્શારા છે ને પેલા છે તે રોમન ગૉડ ઑફ ફર્ટિલિટી અર્થાત્ સંતતિ માટે આરાધવામાં આવતા રોમન દેવતા છે.
સાંકડી એ કરાડ વચ્ચેથી પસાર થતો રસ્તો અદ્ભુત હતો. વળાંક વળતા રસ્તા પર ઊંચી શિલાઓ પરથી ઝરમરતાં સૂર્યકિરણો વાતાવરણને એક વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ બક્ષતાં હતાં. છેલ્લે એ રસ્તો જરાક વંકાયો ને પછી સામે જે મહાલય દેખાયું તે અવર્ણનીય હતું. કાલે દીવડાના ઉજાસમાં જોયેલું તે ‘ધ ટ્રેઝરી’ નામનું મહાલય આખેઆખું પર્વતમાંથી કોતરીને બનાવેલું હતું. સ્થાનિકો એને અરબી ભાષામાં ‘અલ ખઝનાહ’ કહે છે. ‘ખજાના’ શબ્દ તો આપણે પણ અપનાવ્યો જ છે ને! તે જ ખજાનો – અલ ખઝનાહ ઇમારતને એવી રીતે કોતરી કાઢવામાં આવેલી હતી કે જેથી આખું મહાલય બહુમંજલી ઇમારત જેવું રચાયું હતું. આ ઇમારત બહુમાળી છે, એટલે એ મંદિર ન જ હોઈ શકે. વળી આ પિરામિડ જેવું કબરગાહ પણ નથી. ન તો એ મહેલ હતો. આ તો વ્યાપાર-વાણિજ્યમાંથી નેબેટિયનોએ કમાયેલી અઢળક સંપત્તિ સાચવવાની તિજોરી હશે તેવું માનવામાં આવે છે. તલાલ તો માને છે કે એમાં સંપત્તિ પણ રાખવામાં નહીં આવી હોય. એ તો અહીં પ્રવેશનાર આગંતુકને પ્રભાવિત કરી દેવા માટે રચાયેલું ગૌરવાંકિત મહાલય હોવું જોઈએ. પુરાણા સમયમાં એનો જે ઉપયોગ થતો હોય તે, આજે તો એની સમક્ષ ઊભાં રહીને અદ્ભુતરસનું પાન કરવાનો અવસર માણવાનો હતો. દિવસના અલગ અલગ સમયે એનાં પર પડતાં સૂર્યકિરણોને કારણે એનો રંગ બદલાતો રહે છે. દરેક પ્રહરમાં તે અનોખું અને વિવિધ સ્વરૂપે ખૂબસૂરત લાગે છે. મહાલયની સામે પ્રવાસીઓની રાહ જોતાં બેઠેલાં શણગારેલાં ઊંટ મહાલયને સમયપારની અનુભૂતિમાં લઈ જતાં હતાં. આ મહાલયની દીવાલો પરની પરની કોતરણી સૂચવે છે કે એ દેવી આઈસીસ હોવી જોઈએ. કારણ કે, તેની સાથે સૂર્યનું ચક્ર દેખાય છે. આ સૂર્યચક્રની ફરતે મકાઈ કોતરેલી છે જે સૂચવે છે કે તે યુદ્ધમાં વિજયની દેવી આઈસીસ જ છે. પેલા ચાર અશ્વારોહી દેખાય છે તે દેવાધિદેવ ઝિયસના ચાર પુત્રો છે. આમ નેબેટિયનોના આ ભવન ઉપર ગ્રીકો-રોમન, ઇજિપ્શિયન વગેરે વિવિધ સંસ્કૃતિઓની અસર દેખાય છે. જે સૂચવે છે કે સમયાંતરે એ વિવિધ સંસ્કૃતિઓની અસર તળે આવ્યું તથા દરેક જાતિના લોકોએ તેને સુંદરતામાં અભિવૃદ્ધિ થાય તે રીતે શણગાર્યું.
તલાલ સમજાવતો હતો, ‘આ ટ્રેઝરીના વિશાળ ભવન ઉપર કોતરેલા સ્તંભો, પૂતળાં વગેરેની સંખ્યા વાર્ષિક કૅલેન્ડરને સૂચવે છે. જુઓ, પેલા ચાર ગરુડપંખી તે ચાર મોસમ. પેલાં સાત પાત્રો તે સપ્તાહના સાત દિવસ. આ ૩૦ ગુલાબનાં ફૂલ કોતર્યાં છે તે મહિનાના ત્રીસ દિવસ. અને પેલાં નાના નાના ચોરસ કોતર્યાં છે તે કુલ ૩૬૫ છે. તે વરસનાં કુલ દિવસો. પેલા બાર સ્તંભ તે બાર મહિના. જુઓ હવે તો માનશો ને કે, નેબેટિયન્સ વેર સ્માર્ટ પીપલ!!’