ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત
[ઈ.સ. ૧૯૩૭ થી ઈ.સ. ૧૯૪૧]
પાંચ વર્ષનો કાળ
સાહિત્યના પ્રવાહને અવલોકવા ભાટે શક, સંવત્ કે સનના ૩૫૪ કે ૩૬૫ દિવસોથી પરિમિત થતા એક વર્ષનો હિસાબ ગણીને છૂટો પાડેલો પાંચ વર્ષના કાળનો એક ખંડ ઘણો નાનો લાગે એમાં નવાઈ નથી. કોઈ પણ કાળખંડના સાહિત્યપ્રવાહને તેની પૂર્વેનાં કે પછીનાં ઝરણોથી જુદો પાડીને તે ઉપર દૃષ્ટિપાત કરવા માટે એ પ્રવાહથી ઘણે દૂર ગયા પછી જ તેની ઝાંખી સમગ્રપણે કરી શકાય અને તેની વિશિષ્ટતાનો સાક્ષાતકાર પણ કરી શકાય. વર્તમાનમાં વહી રહેવા પ્રવાહને અવલોકતો વર્તમાનમાં જ વિચરતો માનવી તેનાં સ્થૂળ પરિમાણોને કે સક્ષ્મ ગુણોને નોંધી શકે કિંવા નિર્માણ થતી જતી નવતાનાં ચિહ્નોને માત્ર પિછાણી શકે; પણ સમગ્ર દર્શન કરવા માટેનાં તેનાં સાધનો મર્યાદિત હોય છે, તેની દૃષ્ટિની દોડ કાળથી પરિમિત બને છે. એટલે સને ૧૯૩૭થી ૧૯૪૧ સુધીના પાંચ વર્ષના ગુજરાતી સાહિત્યના પ્રવાહ ઉપરનો દૃષ્ટિપાત વર્તમાન પ્રવાહના જ એક ખંડના દર્શન કરતાં વધારે ગુણોથી યુક્ત કદાચ ન પણ બને. પાંચ વર્ષના સાહિત્યના પ્રવાહ ઉપર દૃષ્ટિપાત કરવામાં એ સાહિત્યની સમીક્ષા કરવાનો આશય રાખ્યો નથી. જે જુદાંજુદાં ઝરણાંનો એ પ્રવાહ બનેલો છે તે ઝરણાંનાં બિંદુએ બિંદુનો સરવાળો કરી આપવાનો પણ કશો અર્થ નથી. એ પ્રવાહ હજી ચાલુ છે. કોઈ કાળે વૃષ્ટિની ન્યૂનાધિતાથી ઝરણાંમાં અને પરિણામે ચાલુ પ્રવાહમાં ઓછાં વધુ જળ વહ્યાં હશે, પરન્તુ આ દૃષ્ટિપાતનો આશય એ છે કે એ ઝરણાંએ પોતાની દિશામાં કાંઈ ફેરફાર કર્યો છે કે નહિ, તે તીરવેગે સીધાં વહે છે કે સર્પાકારે વહે છે, તેના વેગમાં વધારોઘટાડો થયો છે કે નહિ, સતત વહેતાં ઝરણાં અધવચ અટકીને સુકાવા લાગ્યાં છે કે વહેતા પ્રવાહમા આત્મસાત્ થયા કરે છે, તેઓ કોઈ નવીન દિશા પકડીને નવા પ્રદેશોનાં દ્રવ્યોને સમાવી લે છે કે નહિ, નવીન દિશાભિમુખ થયેલા ઝરણાં પાછાં ફરી જૂની દિશાએ વળે છે કે કેમ, એ બધુ આ પાંચ વર્ષમા કેટલા પ્રમાણમા નિષ્પન્ન થયું છે તેનો ખ્યાલ વાચકો સ્વયમેવ મેળવી શકે. જુદાજુદા સાહિત્યપ્રવાહો પરનો આ દૃષ્ટિપાત છે-સમીક્ષા નથી; એટલે સાહિત્યની જુદીજુદી શાખાઓમાંની કૃતિઓની વિશિષ્ટતા, ગુણવત્તા કે નવીનતા પૂરતી સંક્ષિપ્ત નોંધ કિંવા ઊણપોનો સહજ ઉલ્લેખ કરીને જ નિયત વિસ્તારમર્યાદાને સાચવી લીધી છે. કૃતિની કલાત્મકતાની ન્યૂનાધિકતાનું સૂચન આવશ્યક લાગ્યું ત્યા માત્ર કર્યું છે, પરન્તુ તેથી વિશેષ ઊંડાણમાં જવાનું આ દૃષ્ટિપાત માટે શક્ય નથી. આ જ કારણે પાંચ વર્ષમાં જે જે પુસ્તકોની નવી આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે તેમાં જો કાંઈ નોંધપાત્ર નવીનતા ન હોય તો આ વર્ષપંચકના સર્જનનું ફળ તે નહિ હોવાને કારણે તેની નોંધ લીધી નથી. સામયિકોમાં થતાં સાહિત્યનાં અવલોકનો અને સ્વીકાર નોંધો, ખાસ કરીને ગુજરાત સાહિત્ય સભા તરફથી કરાવવામાં આવતી વાર્ષિક સમીક્ષા જે કાર્ય કરે છે તે જ કાર્ય આ દૃષ્ટિપાત દ્વારા બજાવવાનો હેતુ મૂળથી જ રાખ્યો નથી 'ગ્રંથ અને ગ્રંથકાર’ના આઠમા ગ્રંથમાં એક વર્ષમાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની યાદી સરકારી ગૅઝેટમાંની યાદી ઉપરથી તારવીને આપી છે, તેથી કાંઈક વિશેષ અર્થસૂચક અને ઉપયોગી નોંધવાળું આ વાઙ્મયદર્શન બને એટલો માત્ર તેનો આશય છે. કહેવાની જરૂર નથી કે વાઙ્મયદર્શન માટે મૂળ પુસ્તકોમાંનાં ઘણાંખરા તપાસી લીધા પછી ગુ. સા. સભાની વાર્ષિક સમીક્ષાઓ અને સામયિકોની અવલોકનનોંધો મને કેટલાક પ્રમાણમાં માર્ગદર્શક બની છે.
કવિતા
જૂનાં છંદ, પદ અને દેશીઓવાળા કવિતાસાહિત્યમાંથી ઊતરેલી દલપતશૈલી અને નર્મદશૈલી, એ શૈલીઓ સાથે અનુસંધાન ધરાવતી 'કાન્ત' અને નરસિંહરાવની શૈલી, ફારસી કવિતાના સંપર્કથી જન્મેલી બાલાશંકર અને 'કલાપી'ની શૈલી, અંગ્રેજી બ્લેંક વર્સના પ્રભાવે પ્રકટાવેલી કવિ નાનાલાલની ડોલનેશૈલી, શબ્દાળુતામાં સરી જતી કવિતાને વિચાર તથા અર્થમા સઘન બનાવતી બ. ક. ઠાકોરની શૈલી: એ બધી શૈલીઓની કવિતા આ પાંચ વર્ષમાં કવિતા-સાહિત્યમાં ઉમેરાઈ છે દલપતની પૂર્વે લખાતાં પદો ને દેશીઓ, દોહા, સોરઠા ને મુક્તકો, એનો વારસો આજે લખાતી કવિતામાં ઊતરતો રહ્યો છે દલપત-નર્મદ શૈલી સંમિશ્રિત થઈને સરલ કવિતામાં સારી પેઠે જળવાઈ રહી છે 'કાન્ત’ અને નરસિંહરાવની શૈલી જીવંત છે પરન્તુ મુખ્યત્વે ખંડકાવ્યોમાં બાલશકર અને 'કલાપી’ની શૈલી મુસ્લિમ કવિઓની ગઝલોમાં દેખા દે છે, પરન્તુ તે શૈલીની પૂરી ગુણવત્તા તેમાં ઊતરશે કે કેમ એ પ્રશ્ન છે. એ શૈલીની કવિતાનો એક ભાગ દલપત શૈલીમાં અને બીજો ભાગ નવી પેઢીની અર્થઘન કવિતામાં સમાઈ જશે એમ લાગે છે, ડોલનશૈલી કવિ નાનાલાલની કૃતિઓમાં જ પરિબદ્ધ રહી છે. અર્થઘન કવિતાનો વિસ્તાર વધી રહ્યો છે અર્થઘનતાને નામે કિલષ્ટતા અને દુર્બોધતા જેવાં ભયસ્થાનો સાથે આથડી ન પડાય, 'અગેમ વૃત્તો' પ્રતિના પક્ષપાતને કારણે ગેયતાથી કેવળ વિમુખતામાં જ સરી ન જવાય, પ્રવાહિતાને નામે છદોલયની અવગણના ન થાય, એવી ચોકીદારી પોતાનો પ્રભાવ દાખવી રહી છે, અને તેથી કવિતાના બધા બાહ્યાંતર ગુણોને પોતામાં સમાવી લેવાની તેની અભિલાષા સ્ફુટ થઈ રહી છે. છતા સરલતા, ગેયતા, લાલિત્ય અને ભાવથી નીતરતી કવિતાઓ વધુ અંશે લોકપ્રિય બને છે એ વસ્તુસ્થિતિ છે. પ્રસિદ્ધ થયેલા કવિતાગ્રંથોની સંખ્યા ઉપરથી જ જો કવિતા માટેના જનતાના રસનું પ્રમાણ કાઢવુ હોય તો કહી શકાય કે નવી પેઢીની કવિતા હજી પાછળ છે, પરન્તુ તે પ્રગતિમાન તો જરૂર છે. દલપતશૈલીની અને નવી પેઢીની કવિતાની સંમિશ્ર ગુણવત્તામાંથી જન્મેલી કવિતા જ કદાચ નવતર પેઢીની લોકપ્રિય કવિતા બનશે એમ લાગે છે. પાંચ વર્ષમા પ્રસિદ્ધ થયેલા પ્રત્યેક કવિતાસંગ્રહમાંની બધી કવિતાઓ ઉપર કોઈ એક જ શૈલીની છાપ મારવાનું શક્ય નથી. પોતાની પહેલાંની પેઢીઓના કવિતાપ્રયોગોની સરસતા-નીરસતા પારખીને નવા કવિઓ કવિતારચના કરી રહ્યા છે અને જૂના કવિઓ નવીનતાને અપનાવી રહ્યા છે. દલપત શૈલીની સરલતાને તેઓ વાંછે છે, પરન્તુ તેની શબ્દાળુતાને વર્જવા માગે છે. અર્થઘનતા તેમને ઇષ્ટ છે, પરન્તુ કિમષ્ટતા કે દુર્બોધતા નહિ. પદ્યરચનાના નવા પ્રયોગો તેઓ કરે છે, પરન્તુ છંદોલય અને પ્રવાહિતા ખંડિત ન થાય તો સારું એવી તેમની મનોભાવના રહ્યા કરે છે. રસનિષ્ઠા, પ્રસાદપૂર્ણતા અને વાસ્તવિક ભાવનિરૂપણ, એ કવિતા માટે ઉપાદેય તત્ત્વો છે તેની સમજદારી સાથે તેઓ પોતાના કવિતાસર્જનમાં આગળ વધે છે, જોકે તેમની બધી કવિતાઓ એ સર્વગુણોથી ઉપેત નથી પણ હોતી. છેલ્લાં પાંચ વર્ષમાં બધી શૈલીની કવિતાઓના નવા લેખકો અને કેટલાક જૂના લેખકો પણ, કોઈ ન્યૂન તો કોઈ અધિક અંશે, આ દૃષ્ટિ ધરાવવા લાગ્યા છે. કવિતાના વિષેયોમાં પણ બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ ઊતરેલું જોવામાં આવે છે ભક્તિ, ઉપદેશ, તત્ત્વદર્શન, સૃષ્ટિસૌંદર્ય, પ્રેમ, વીરતા, કટાક્ષ, રાષ્ટ્રીયત્વ, સામ્યવાદ અને વિરાટ્થી માંડીને ક્ષુદ્ર વસ્તુઓ સુધીના પદાર્થોને તથા જન્મથી માંડીને મૃત્યુ સુધીના માનવજીવનના પ્રસંગોને અને પ્રાસંગિક ભાવોને આજની કવિતા પોતામાં સમાવી લે છે. જૂની પેઢીની સર્વાનુભવરસિકતા ઓછી થઈને સ્વાનુભવરસિકતા નવી કવિતામાં વધી છે. સ્થૂળ અભ્યાસ કરતાં કવિના નિજસંવેદનમાંથી કવિતાના અંકુરો કૂટીને વિશાળતા ધારણ કરતા વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આ સંવેદનોની મર્યાદાને કારણે કવિતામાં પાંડિત્ય ઓછું તો સજીવતા વિશેષ જોવા મળે છે. શૈલીક્રમે આ પાંચ વર્ષની કવિતા ઉપર દૃષ્ટિપાત કરતાં છેલ્લી અર્થઘનશૈલી, 'કાન્ત'-નરસિંહરાવની શૈલી, બાલશંકર-'કલાપી'ની શૈલી, દલપત-નર્મદની શૈલી, જૂના કવિઓની શૈલી, એવો ક્રમ સ્વીકારી શકાય; પરન્તુ બહુધા જુદી- જુદી શૈલીઓનું સંમિશ્રણ એ કવિતાઓમાં થયેયું છે, એટલે અનુકૂળતા ખાતર અને વહેવારુ દૃષ્ટિએ નવીન પેઢી, મધ્યમ પેઢી અને જૂની પેઢી એ ત્રણ પેઢીઓમાં જ એ બધી શૈલીને વહેંચી દેવી એ યોગ્ય છે.
નવીન પેઢી
કવિતાસંગ્રહો
‘શેષનાં કાવ્યો’ (રામનારાયણ પાઠક) જાણે શૈલીમાં અને પદ્યપ્રકાશમાં બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ દાખવી રહ્યાં છે. તેમા દુહા, રાસ, ગરબા, ગીત, સૉનેટ, મુક્તક, ભજન, પ્રતિકાવ્ય ઇત્યાદિ સંગ્રહેલા છે. શાંત, કરુણ, શૃંગાર, અને હાસ્યરસની વાનગીઓ તેમાં મળે છે. તેમની કવિતામાં ભાવનિરૂપણ હૃદયના સંવેદનપૂર્વક ઊતરે છે, એટલે તેમાની વિચારપ્રધાનતા કે અર્થપ્રધાનતાની પાછળ તત્ત્વાભિજ્ઞ માનસ અને આર્દ્ર હૃદય દેખાયા વિના રહેતાં નથી ક્લિષ્ટતાથી એમની કવિતા સામાન્ય રીતે મુક્ત હોય છે, પરન્તુ વિશદાર્થદર્શક ભાષા પ્રતિનો તેમનો પક્ષપાત તેમને અર્થને ભોગે શબ્દાળુતામાં કે સરલતામાં સરી પડવા દેતો નથી. છંદો પર તેમનું પ્રભુત્વ છે, છતાં તેમાં કોઈવાર જે શિથિલતા જોવા મળે છે તે કવિતાના રસની જાળવણી માટેના યથાર્થ શબ્દોની ગૂંથણીને કારણે આવેલી જણાય છે તેમની કલ્પનાનો વિહાર અને ઊર્મિનું જોમ સ્વસ્થતા અને શિષ્ટતાના કિનારા નથી છોડતું.
‘પારિજાત' (પૂજાલાલ દલવાડી): પ્રકૃતિપ્રેમ અને શાંત ચિંતન માટે તલસી રહેલું હૃદય આ સ્વાનુભવરસિક કવિતાસંગ્રહમાં ધબકી રહેલું છે. એમનું ચિંતન અને સંવેદન જે અર્થગૌરવ માગે ને પૂરું પાડવાને તેમને સંસ્કૃત શબ્દોનો પ્રયોગ વધુ કરવો પડે છે, પરન્તુ તે યથાર્થ ભાવની છાપ પાડીને જ વિરમે છે. પૃથ્વી છંદનો ઉપયોગ તેમણે સફળતાપૂર્વક કર્યો છે છતાં તે તેમની મર્યાદા પણ બને છે. ‘ગોરસી’ (ઇંદુલાલ ગાંધી)ની કવિતાઓમાં કવિનો પ્રકૃતિસૌંદર્યનો અનુરાગ, જીવનનું વાસ્તવદર્શન તેમ જ ભાવનામયતા અને કલ્પનાની અભિનવ તરંગલીલા અનુભવવા મળે છે. કલ્પનાની સુરેખતા જ્યાં ઊઘડતી નથી ત્યાં કવિતા દુર્બોધ બને છે ખરી.
‘આરાધના’ (મનસુખલાવ ઝવેરી)માં ‘કુરુક્ષેત્ર' કાવ્યમાળા સારી પેઠે આકર્ષક બની છે અને પૌરાણિક ખંડકાવ્યોના લેખનમાં કવિની કલમ સફળતા સાધવા કેટલી શક્તિમાન છે તે બતાવી આપે છે. તેમની કવિતાશૈલી ચિંતનપ્રધાન-વિચારપ્રધાન છે. કેટલીક વાર કલ્પનાને બદલે તર્કપરંપરા ઊડે છે ત્યારે કવિતાગુણ મર્યાદિત બને છે. ભાષાની શિષ્ટતા વિચારની અભિવ્યક્તિને ઘણી વાર દિપાવે છે, કેઈ વાર અઘરી બનાવે છે.
‘વસુધા' (સુદરમ્) એ અનેક પ્રકારની કવિતારીતિની સરસ હથોટી બતાવનારો કવિતાસંગ્રહ છે. ગીત, લોકગીત, રાસ, સૉનેટ ઈત્યાદિ પદ્યદેહના વૈવિધ્ય સાથે શાન્ત, શૃંગાર, વિનોદ કે રૌદ્ર એવું રસવૈવિધ્ય પણ એ કવિતાઓમાં રહેલું છે. જૂની વસ્તુઓ અને પાત્રોનાં નવાં મૂલ્યાંકનો કરવાને કવિની દૃષ્ટિ ચોગમ ફરતી રહે છે. અર્થ અને ભાવમાં બધી કવિતાઓ સરખી મૂલ્યવાન નથી, પરન્તુ એકંદરે કવિની પ્રતિભાનો વૈભવ તેમાં જોવા મળે છે કવિતાઓનો મોટો ભાગ કવિતાના અંતિમ બિંદુમાં ભાવ કે ચમત્કૃતિની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે.
‘ઇંદ્રધનુ’ (સુદરજી બેટાઈ)માં બે પ્રકારની કવિતાઓ સંગ્રહેલી છે: અર્થપ્રધાન અને ભાવપ્રધાન. અર્થપ્રધાન કવિતામાં પૃથ્વીવૃત્તનો ઉપયોગ વિશેષ કરેલો છે અને ભાવપ્રધાનમાં ગીતો વગેરેનો, અને તેમાં તેમની કવિતા અર્થપ્રધાન કરતાં વધુ દીપી નીકળે છે. 'નિશીથ' (ઉમાશંકર જોષી)ની કવિતાઓ પ્રકૃતિ અને માનવજીવનનાં અનેક ક્ષેત્રોમાં ઘૂમી વળે છે. જીવનની વિષમતા ઉપર તે કોપ ઠાલવે છે અને ઊંડા તાત્ત્વિક ચિંતનોમાં તે શાંત રસના સીકર ઉડાવતી વહે છે. તેજસ્વી પ્રતિભા અને હૃદયર્ની આર્દ્રતા કવિતાના રસ અને ભાવ દ્વારા સ્ફુટ થાય છે. કાંઈક વધુ પડતી સંસ્કૃત શબ્દાવલિથી અને કાંઈક છંદોલયની અવગણનાપૂર્વકની છંદવૃત્તની રચનાથી કેટલીક કવિતા માત્ર વાચનક્ષમ બને છે, જ્યારે ગેય કવિતા શ્રવણમધુરતા અને અર્થાભિવ્યક્તિમાં સરખી ઊતરે છે. ‘જનની' (રતુભાઈ દેસાઈ) સરલ અને સુરેખ કવિતામાં માતૃપ્રેમનો પ્રકર્ષ દાખવે છે. કવિતાવિષય પાછળ કવિની સહૃદયતાનો ગુણ હોવાથી અભિપ્રેત ભાવ, વાચકના હૃદયમાં ઉપજાવવામાં તેનો શાન્ત પ્રવાહ સફળ બને છે. 'અજંપાની માધુરી' ('સ્વપ્નસ્થ' : ભનુભાઈ વ્યાસ)-સ્થૂલ વસ્તુઓ અને પ્રસંગોમાં હૃદ્ગત ભાવોને વ્યક્ત કરવા લેખકની ઊર્મિ કવિતાનું ઘડતર કરે છે એ ભાવોના પ્રવાહમાં કવિનું માનવતાથી ભરપૂર હૃદય દુઃખ, નિઃશ્વાસ અંજપો, વિષાદ, નિરાશા અને તૃષાનાં ઘેરા ચિંતનોની તરંગમાળાની વચ્ચે તરતું રહે છે. એ તરંગમાળા જ કવિને મન ‘માધુરી' છે ભાવ મૂર્ત કરવામાં વાણીનું સામર્થ્ય કોઈ વાર ઊણું લાગે છે. ‘કેડી’ (‘બાદરાયણ’: ભાનુશકર વ્યાસ)માં અપાયેલી સોએક કવિતાઓ લેખકની દસેક વર્ષના ગાળામાં લખાયેલી કવિતાઓ છે. તે કાળની પ્રારંભિક કૃતિઓ પર નરસિંહરાવ અને નાનાલાલની શૈલીની અસર છે અને પાછળની કૃતિઓમાં નૂતન કવિતાની અર્થઘનતા ઊતરી છે મુખ્યત્વે તેમનાં સૉનેટોમાં એ અસર દેખાઈ આવે છે. તેમણે કેટલાંક ગીતો પણ લખેલાં છે. ઊર્મિનું સંવેદન આલેખતાં તેમની વાણી વિશેષ ભાવપૂર્ણ બને છે, તેથી ઊલટું તેમની સર્વાનુભવરસિક કવિના શિથિલ બને છે. કવિતામાં જીવનદૃષ્ટિ હંમેશા તરતી રહે છે.
‘બારી બહાર' (પ્રહ્લાદ પારેખ). જીવનમાં જોવામાં આવતાં દૃશ્યો અને પ્રસંગોને, હૃદયે સંઘરેલા ભાવો અને અનુભવેલી ઊર્મિઓને સરલ કવિતામાં ગાઈ લેવાની શૈલી એમાંની કવિતાને વરી છે બંગાળી કવિતા અને મુખ્યત્વે કવિ ટાગોરની કવિતાના વાચને જગાડેલી મૂર્છના કવિહૃદયને સારી પેઠે સ્પર્થી છે. પ્રકૃતિ, પ્રણય અને માનવહૃદયની સપાટીને કવિતા જેટલી સ્પર્શે છે તેટલી તેના ઊંડાણને સ્પર્શતી નથી. ‘પ્રતીક્ષા' (રમણીક આરાલવાળા) : એમની કવિતામાં હૃદયના સુકોમળ ભાવો વધારે સાહજિક સ્વરૂપે ઊતરે છે. શ્રમજીવીઓના જીવનના સંવેદને તેમની કવિતાઓમાં ઊતરીને તેમને માનવ પ્રતિની સહૃદયતા ગાતા કર્યા છે, તે જ રીતે કુટુંબપ્રેમની અને ખાસ કરીને માતૃપ્રેમની તેમની કવિતાઓ વધુ ભાવયુક્ત બની છે પ્રકૃતિશોભા અને પ્રણયચેતના છે પણ તેમની કેટલીક કવિતાઓમાં વણાઈ છે અર્થઘનતા તેમની કવિતાને ઇષ્ટ છે અને દુર્બોધતા અનિષ્ટ છે, એટલે અર્થવૈભવની સાથે તેમની કવિતામાં સરલતા હોય છે.
‘સંસૃતિ’ (‘પારાશર્ય' મુકુન્દાથ પટ્ટણી)માં લેખકે પોતાની છંદોબદ્ધને ગીતરચનાઓ સંગ્રહી છે કેટલાંક મુક્તકો પણ છે કવિતા અર્થઘનતાને બદલે શબ્દાડંબરયુક્ત વધારે બની છે ને તેથી કાવ્યતત્ત્વ કે ઊર્મિસંભાર શિથિલ રહે છે. 'સાંધ્યગીત' (કોલક: મગનાલાલ લાલભાઈ દેસાઈ): છંદોબદ્ધ અને ગીતકાવ્યો બેઉનો આ સંગ્રહ લેખકની શરૂઆતની કવિતારચના દર્શાવે છે, તોપણ તેમની શક્તિનો પરિચય તેમાંથી મળી આવે છે. હાસ્યરસિક, કટાક્ષયુક્ત અને કથાપ્રાસંગિક કાવ્યો પણ તે સારી રીતે લખી શકે છે. કૃત્રિમ ઊર્મિલતા કે સામાન્ય વક્તવ્યને પદ્યદેહ આપવાની રીતિ તેમની કવિતાની મર્યાદા બને છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સ્વાતિ' પ્રથમ સંગ્રહ કરતાં ગુણદૃષ્ટિએ આગળ વધેલો છે. પ્રકૃતિ, વિનોદ, વર્તમાન યુદ્ધ, જીવનકલહ, ઇત્યાદિ અનેક વિષેયોને તેમણે પોતાની કવિતાઓમાં ઉતાર્યા છે. ‘કુમારનાં કાવ્યો’(મહેંદ્રકુમાર મોતીલાલ દેસાઈ)માં છંદોરચના ઠીક છે, પરન્તુ અર્થધનતાને નામે અર્થાંડંબર વિશેષ છે. દલપતશૈલીમાં જેવું શબ્દાળુતાનું દૂષણ ખૂંચે છે તેવું જ આ અર્થઘનતાનું દૂષણ છે એમ લાગે છે. આ કવિતાઓમાં વિશેષાંશે અનુકરણશીલતા તરી આવે છે. 'દીપશિખા' (અમીદાસ કાણકિયા)ની શૈલી 'કાન્ત’ અને નરસિંહરાવની કવિતાશૈલી તરફ વધુ ઢળે છે, એટલે તેમા પ્રચંડ ઉર્મિ કે ચંચળ તરંગોનું દર્શન થતું નથી પરન્તુ અર્થ અને ભાવનો પ્રવાહ શાન્ત-સંયત રીતે વહી રહે છે. પ્રકૃતિ અને માનવજીવનનું દર્શન મોટા ભાગની કવિતાઓમાં નિરૂપાયું છે. ‘ઉષામાં ઊગેલાં’ (ચંપકલાલ વ્યાસ) કાવ્યોમાં સૉનેટ, ખંડકાવ્ય, મુક્તકો વગેરે સંગ્રહેલાં છે અને કવિના જીવનનો ઉષ:કાળ દર્શાવનારાં છે; તેમની પ્રયોગદશાનાં એ કાવ્યો છે. 'કાવ્યસંહિતા' (અનામી)માં પણ ગીત, રાસ, ખંડકાવ્ય, સૉનેટ, મુક્તક વગેરે છે. એમની કવિતાઓનો એ પહેલો જ ફાલ છે. આશાસ્પદતા તેમાથી સ્ફુરે છે, અને અર્થઘન કવિતાનું પ્રતિનિધિત્વ પ્રકટાવવા તે મથે છે. વાચ્યતાનું તત્ત્વ વિશેષ હોવાને કારણે કવિતા ભારેખમ જેવી લાગે છે.
‘અર્ચન' (પ્રબોધ અને ‘પારાશર્ય) એ બે મિત્રોની કવિતાનો સંયુક્ત સંગ્રહ છે અને અર્થઘન કવિતાની કેડીએ પ્રયાણ કરવાનો ઉમંગ દાખવે છે.
'મહાયુદ્ધ’ (પ્રજારામ રાવળ અને ગોવિંદ સ્વામી)માં વિશ્વપ્રેમના આદર્શો વ્યક્ત કરતી કવિતા છે. છંદોવિધાન સુંદર છે અને કલ્પના વિકાસ પામતી સ્થિતિમાં પણ સુરેખ જણાઈ આવે છે. ‘સફરનું સખ્ય' નામના સંયુક્ત પ્રકાશનના પહેલા ખંડ ‘સખ્ય અને બીજાં કાવ્યો’ (હરિશ્ચંદ્ર ભટ્ટ)માંની કવિતા, કલ્પના અને ઊર્મિ છતાં જ્યારે વિચાર ગદ્યની પેઠે પદ્યમાં વહે છે ત્યારે કવિતા જેવી રુક્ષ લાગે તેવી-માર્દવ વગરની, અર્થભારે લચી પડતી જણાય છે. પ્રણયકાવ્યોમાં કવિતાનું લાલિત્ય કેટલાક પ્રમાણમાં પ્રકટે છે સંગ્રહ લેખકનાં લેખન-સામર્થ્યને તો બતાવી આપે છે એ પ્રકાશનના બીજા ખંડ ‘સફર અને બીજાં કાવ્યો’ (મુરલી ઠાકુર)માંનાં ગેય કાવ્યોમાં હૃદયના અને છંદોબદ્ધ કાવ્યોમાં બુદ્ધિના આવિર્ભાવો પ્રકટે છે, પરન્તુ બેઉના આવિર્ભાવો પૂરતું ઊંડાણ નથી દાખવતા. આશાની કાંઈક ઝાંખી કરાવતી પ્રયોગદશાની એ કવિતાઓ છે. ‘કેસુડો’ અને સોનેરૂ’ (હરિશ્વન્દ્ર ભટ્ટ) માં થોડી અંગ્રેજી ઉપરથી કરાયેલી અનુવાદ કૃતિઓ છે અને બીજા મૌલિક કાવ્યો છે. નૂતનશૈલી લેખકને સારી રીતે ફાવી હોય તે દર્શાવતી કવિતાઓ આ સંગ્રહમાં વિશેષ છે કેટલાંક સુરેખ ઊર્મિગીતો પણ છે સુકોમળ ભાવનાં નિદર્શક વર્ણનોમાં લેખક ઘણે સ્થળે ઊંચું કવિત્વ દાખવી શકે છે. ‘ખંડેર, ઝરૂખો, સૌભાગ્ય’ (ભગીરથ મહેતા) નામ કવિતાસંગ્રહમાં લેખકની છંદોલેખનની શક્તિનું દર્શન થાય છે. કવિતાતત્ત્વનું દર્શન મોળું છે. ‘ચિત્રલેખા’ (રમણ વકીલ): પ્રણય, પ્રકૃતિ અને જીવનને સ્પર્શતાં છંદોબદ્ધ અને ગેય કાવ્યોનો આ સંગ્રહ સુરેખ સરળ ભાષા અને સ્પષ્ટ અર્થનું દર્શન કરાવતી કવિતાઓ આપે છે. થોડી હળવી કવિતાઓ પણ તેમાં છે. ઊર્મિ અને કલ્પના તેજસ્વી ન હોવાને કારણે તેમાં મોળપ લાગ્યા કરે છે. ‘કોણ માથાં મૂલવે’ (લ. દ્વા. નયેગાંધી)માંનાં કાવ્યો દેશ માટેની સમર્પણની ભાવના, ઉદ્દામ આવેગ, સંસ્કારી ભાષા અને શુદ્ધ છંદોરચનાથી યુક્ત છે ‘રમલ’ (સં. વિપિન ચીનાઈ) એ જુદાજુદા નવીન કવિતાલેખકોની વાનગીનો સંગ્રહ છે; કેટલીકમાં કેવળ અનુકરણવૃત્તિનું જ દર્શન થાય છે. 'પ્રભાત નર્મદા' ('પતીલ') અત્યંત સંવેદનશીલ માનસમાંથી ઊંછળતી ઊર્મિઓ આ કવિતાસંગ્રહમાં અવલોકી શકાય છે અને બાલાશંકર-‘કલાપી’-‘સાગર’ની મસ્તી તેમની ગઝલોમાં અને જેમાં ઊતરી હોવાનો ભાસ થાય છે, પરન્તુ તેમાં વાસ્તવિક ઊર્મિ કરતાં ઊર્મિલતા વિશેષ છે. આળા હૃદયના ફુત્કાર અને વિષાદનો પ્રતિધ્વનિ તેમાથી પ્રકટે છે. ‘પતીલ’ નવીન પેઢીના કવિ છે, પરન્તુ અર્થઘનતા કરતાં ભાવુકતા તેમને વધુ સદે છે. તેમના નવા છંદ:પ્રયોગો કવિતાપ્રવાહને માટે યોજાયા હોય તેમ જણાતું નથી.
ખંડકાવ્યો
કવિતાસંગ્રહોના પ્રમાણમાં ખંડકાવ્યો બહુ જ ઓછાં લખાયા છે. નવીન પેઢીની કવિતામાં સ્વાનુભવરસિકતા જેટલી ઊતરી છે તેટલી સર્વાંનુભવરસિકતા નથી ઊતરી; અને મહાકાવ્યો તથા ખંડકાવ્યોના આલેખનમાં સર્વાનુભવરસિકતાનો કવિનો ગુણ જ આવશ્યક હોય છે. આપણે ત્યાં જણાતી ખંડકાવ્યોની દુર્લભતા સર્વાનુભવરસિકતાની ઊણપને આભારી છે.
‘રતન' (ચંદ્રવદન મહેતા)એ નવીન પેઢીની કવિતામાં લખાયેલું પ્રથમ પંક્તિનું ખંડકાવ્ય છે, ને ભગિનીસ્નેહની મંગળ ગાથા સમું છે. વસ્તુ આછું હોવા છતાં ૧૬૦૦ પંક્તિઓનું એ લાંબુ કાવ્ય વાતાવરણ અને પાત્રમાનસને સુંદર તથા ભાવભરી રીતે રજૂ કરે છે. એ કાવ્ય પૃથ્વી છંદની એક સિદ્ધિ સમું બન્યું છે. વસ્તુવિષય જોકે જૂનો છે, પરન્તુ કવિની સહૃદયતા તેને અભિનવતા અર્પે છે.
'અચલા' (સ્વપ્નસ્થ)એ ૪૦૦ પંક્તિઓનું ખંડકાવ્ય છે. નિષ્ફળ નીવડેલા પ્રણયનું વિલાયેલું સ્વપ્ન તેમાં સરલ પ્રવાહી શૈલીમાં ગવાયું છે, ઊર્મિપ્રાબલ્યથી ભરપૂર છે. ‘તપોવન’, ‘મદાલસા’ અને ‘આપદ્ધર્મ' (ગોવિંદ હ. પટેલ)માંના પહેલામાં ‘સાવિત્રી અને યમ' તથા 'યજ્ઞશિખા' એ બે ખંડકાવ્યો છે. બીજું બોધપ્રધાન સંવાદકાવ્ય છે. લેખક નરસિંહરાવ અને ‘કાન્ત’ની શૈલીએ પૌરાણિક તથા ઐતિહાસિક પ્રસંગોને કાવ્યમાં ગૂંથે છે, પણ વર્ણનનો વિસ્તાર કાવ્યની સમગ્ર આસને કાંઈક ઝાંખી કરે છે. કાવ્યનો ધ્વનિ જીવનને સ્પર્શીને બોધપ્રધાન બને છે એટલે અંશે રસનિષ્પત્તિ ઊણી રહે છે. ત્રીજું પ્રવાહી અને રસમય શૈલીમાં લખાયેલું છે અને પહેલાં બે કરતાં ઉચ્ચ કોટિમાં આવે તેવું છે. શૈલી સ્વસ્થ અને છંદોરચના તથા છંદોવિધાન સુંદર છે. 'કથાકુંજ' (ચંદ્રકાન્ત ઓઝા)માં મોટે ભાગે પૌગણિક કથાકાવ્યો છે: કુન્તની પરાસ્તતા, હરિશ્ચંદ્રની કસોટી, કચ-દેવયાની, અને વર્તમાન કાળે બનેલી વઢવાણની શાન્તાના મૃત્યુની કરુણ ઘટના, એમાંની છેલ્લી કથા વિશેષ આકર્ષક બની છે. અસાધારણ આત્મબળ અને લાગણી તેમાં વણાયાં છે બીજાં કાવ્યો સામાન્ય કોટિનાં છે મુખ્ય અને ગૌણ બધાય પ્રસંગો એકસરખી અભિનવતા ન બતાવે ત્યારે કથાકાવ્યો અને ખંડકાવ્યો ઇષ્ટ ફળદાયી બની શકતા નથી.
‘કુરક્ષેત્ર' (કવિશ્રી નાનાલાલ) એ કોઈ પણ પેઢીની કવિતાનો નમૂનો દર્શાવતું મહાકાવ્ય નથી–સ્વકીય ડોલનશૈલીનું અનેરુ મહાકાવ્ય છે. ૧૯૨૬ થી કવિશ્રીએ તેનું લેખન શરૂ કરેલું અને ૧૯૩૯માં તે પૂરું થયું. ચૌદ વર્ષમાં એના કાંડો ક્રમસર નહિ પણ છૂટક છૂટક બહાર પડ્યા છે, એટલે એનું એકંદર મૂલ્ય કોઈ એક જ વિવેચકની કલમે હજી અંકાયું નથી કવિની ડોલનશૈલીની, ઉપમા—અલંકારોની, દિવ્યતા તથા ભવ્યતાને આવરી લેનારી કલ્પનાની અને તેજીલી વાણીની વિશેષતા તથા મર્યાદા સર્વવિદિત છે. મહાભારતની મહાકવિતા પોતાની શૈલીએ ગાવાની સ્વપ્રતિજ્ઞા કવિએ ત્યા મહાકાવ્યમાં પૂર્ણ કરી બતાવી છે. ડોલનશૈલીની પ્રારંભમાં ગુજરાતને જેટલી આકર્ષી શકી હતી તેટલી હવે તે આકર્ષતી નથી. એટલે આ મહાકાવ્ય જોકે પૂરતું આકર્ષણ નહિ કરે, તોપણ મહાકાવ્યના અનેક ગુણો અને સમૃદ્ધિથી ભરપૂર તેની રચના બની છે અને તેની પાછળ કવિએ લીધેલો શ્રમ, ટકાવેલી ધીરજ ને પકડી રાખેલી ખંતનો ખ્યાલ તે પરથી આવ્યા વિના રહેતો નથી.
મુક્તક-સંગ્રહો
કવિનામાં વણાયેલાં વિચારમુક્તકો અર્થાત્ સુભાષિતો પ્રાચીન કાળથી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાયી રહેલાં છે. પૂર્વે દુહા-સોરઠામાં જે ચાટૂકિ્તઓ ગૂંથાતી તે પરિપાટી હવે ઓછી થઈ છે. આ પાંચ વર્ષમા આ પ્રકારની કવિતારચના બહુ જૂજ થઈ છે. 'પાંખડી' (જેઠાલાલ ત્રિવેદી)માં સંસ્કૃત સુભાષિતોની શૈલીનાં અને ક્વચિત્ નવીનતાથી ઓપતાં વિચારમુક્તકો છંદોમાં ઉતારેલાં છે. ‘શતદલ’ (ઇંદુલાલ ગાંધી)ને મુક્તકો કહેવામાં આવ્યાં છે કારણ કે તેમાં મુક્તકના જેવો ધ્વનિ છે. વસ્તુતઃ તેમાં દીર્ઘ ધ્વનિકાવ્યો પણ છે. 'ચિનગારી' (તુરાબ)માં આલંકારિક, કલ્પનાપ્રધાન અને ભવ્ય સ્ફુટ વિચારો સંગ્રહેલા છે પરન્તુ તે પદ્ય નહિ-ગદ્ય મુક્તકો લેખાય તેવાં છે. ‘ભાવના’ (મનોરમા મંગળજી ઓઝા)માં અંતરાત્માના નાદે પ્રેરેલા મનોભાવો કાવ્યોચિત ગદ્યમાં ગૂંથેલા છે. ભાવનાઓ જીવનનાં અનેક પાસાંઓને સ્પર્શે છે અને પવિત્ર વિચારોનો પ્રતિધ્વનિ પાડે છે.
ભાષાંતરો
‘ગુલે પોલાંડ' (ઉમાશંકર જોષી) એ મિત્સ્કિયેવિચના ‘ક્રીમિયન સૉનેટ્સ'નું ભાષાંતર છે. કુદરતનાં રમ્ય દૃશ્યો અને કાવ્યનું કરુણ વાતાવરણ હદયને હલમલાવે તેવું છે. સંસ્કૃત સમાસો અને સંસ્કૃત કવિતાની સૂત્રરૂપાત્મક ઉક્તિઓ તેમાં થોડા શબ્દો દ્વારા વિશેષ અર્થસંભાર ભરે છે, તેથી શબ્દાળુતા દૂર રહે છે, પરન્તુ અર્થબોધ માટે તો તેનું પુનઃપુનઃ વાચન કરવું પડે છે. આપેલો ‘સૉનેટ' વિશેનો નિબંધ અનેક દૃષ્ટિઓની વિચારપૂર્વક લખાયેલો છે. 'રાસપંચાધ્યાયી' (અમૃતલાલ ના. ભટ્ટ)એ ભાગવતમાંથી સમશ્લોકી અનુવાદ રૂપે ઉતારેલું એક ખંડકાવ્ય છે. મૂળ પ્રતિની તેની એકનિષ્ઠતા અને અર્થબોધની ઉત્કટતા એ આ ભાષાંતરની વિશિષ્ટતા છે. ‘ગીતાધ્વનિ’ (કિશોરલાલ મશરૂવાળા): ગીતાનું આ સમશ્લોકી ભાષાંતર નવી આવૃત્તિમાં કેવળ નવા સમું બન્યું છે. અને મૂળને લક્ષ્ય કરીને શબ્દાળુતા વિના સરલતા કેવી રીતે આવી શકે તેનો એક સરસ નમૂનો તે પૂરો પાડે છે.
મધ્યમ પેઢી
કવિતાસંગ્રહો
‘કલ્યાણિકા’ (કવિ ખબરદાર)માં ઈશ્વરવિષયક વિરલ દિવ્ય અનુભવોનું પ્રકટીકરણ ભજનોના ઢાળમાં એક ભક્તની ઊર્મિથી કરવામાં આવેલું છે. ઈશ્વરના સ્પર્શ માટે પાંચ પગથિયાં નિરૂપીને સરલ વાણીમાં ભક્ત હૃદયના ભાવો દર્શાવ્યા છે.
‘રાષ્ટ્રિકા' (કવિ ખબરદાર) એ રાષ્ટ્રોત્થાનને પ્રેરનારાં કાવ્યોનો સંગ્રહ છે. દેશપ્રીતિ, ઉત્સાહ, શૌર્ય, આશા અને સ્વાર્પણની ભાવના એ કાવ્યોમાં ધબકે છે. ઊર્મિ જગાડવામાં તેનાં ગાન-નાદ પણ હિસ્સો આપે છે,
‘લોલિંગરાજ’ (કવિ નાનાલાલ) એ ભૈરવનાથના બાવાનું રાસડાના ઢાળમાં ઉતારેલું એક સરસ શબ્દચિત્ર છે. ‘સોહાગણ’ (કવિ નાનાલાલ): પ્રૌઢાવસ્થામાં જૂના પ્રેમનાં સ્મરણો દ્વારા નવસંવનનનો અનુભવ કરતા કવિનો મનોહર લલકાર આ કાવ્યમાં ઊતરીને પ્રેમભાવનાની નિર્મળતાને જગાડે છે. એવી જ બીજી છંદોબદ્ધ કાવ્યકૃતિ ‘પાનેતર'માં કવિએ લગ્નવિધિમાં આવતા આચારોને સ્ત્રીમુખની નિર્મળ સ્નેહનીતરતી વાણીમાં ગૂંથીને દાંપત્યભાવોને રેલાવ્યા છે. 'એકતારો’ (ઝવેરચંદ મેઘાણી)માંનાં ગીતો, કાવ્યો અને ભજનોમાંનાં કેટલાંક પ્રસંગલક્ષી હોવા છતાં તેમાં જે પ્રાણવાન ઊર્મિતત્ત્વ રહેલું છે તેણે કરીને તે આકર્ષક બની રહે છે. કેટલાંકની ગેયતા અને કેટલાકની ભાવનૂતનતાને કારણે તે સ્મરણમાં જડાઈ જાય તેવાં છે. કલ્પના અને સહૃદયતાની આરપાર વહેતી વાણી ચોટ લગાડનારી બને છે. દેશ્ય શબ્દો અને સંસ્કૃત શબ્દોનો અણમેળ કોઈ વાર ખૂંચે છે ખરો. ‘તેજછાયા' (જયમનગૌરી પાઠકજી): છંદ, ગીત અને રાસ એ ત્રણે પ્રકારની કવિતાઓના આ સંગ્રહમાં ભાવદર્શન સ્વચ્છ છે, પણ ઊર્મિ સપાટી પર જ વહે છે અને કલ્પના મર્યાદિત ઉડ્ડયન કરે છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનના કોઈકોઈ પ્રસંગો કવિતાના વિષયો છે.
‘હંસમાનસ’ (કવિ હંસરાજ): ઉત્સાહ, કરુણા, રાષ્ટ્રપ્રેમ તથા જીવનબોધને આવરી લેતી કવિતાઓનો આ સંગ્રહ સ્પષ્ટ ને સરલ વેગભરી ભાષાને કારણે કવિતાપ્રેમી સામાન્ય જનતાને ગમી જાય તેવો છે. જીવનદૃષ્ટિનું ઊંડાણ કે ઉચ્ચ પ્રતિભાની ન્યૂનતા હોવા છતાં છંદ:પ્રભુત્વ દર્શાવતી એ કવિતાવાણીમાં શ્રવણસુખદતાનો ગુણ રહેલો છે.
‘વનવનનાં ફૂલ’ (નાગરદાસ અ. પંડ્યા):પ્રૌઢતાભરી સંસ્કૃત શૈલીમાં લખાયેલાં ખંડકાવ્યો, ગીતો અને મુક્તકોનો આ સંગ્રહ છે. કથનશૈલી સ્પષ્ટ અને કથાનકો રસપૂર્ણ છે. ચેતનયુક્ત તરલતા ઓછી છે. તંબૂરાનો તાર’ (મોરારજી કામદાર): બોધપ્રધાન કવિતા, ફારસી ગઝલો, દુહા વગેરેના આ સંગ્રહ ઉપર દલપત શૈલીની સ્પષ્ટ અસર છે. 'ઊર્મિ' (સ્વાશ્રયી લેખકમંડળ-લાઠી): ઊર્મિકાવ્યો, દેશભક્તિનાં કાવ્યો કટાક્ષકાવ્યો, ખંડકાવ્યો, રાસો, બાલકાવ્યો વગેરે આ સંગ્રહ જુદાજુદા કવિના-લેખકોની વાનગી પીરસે છે. બધા કાવ્યોમાં સમાન ગુણવત્તા નથી અને શૈલીઓની પણ વિવિધતા છે. 'બુલબુલનાં કાવ્યો' (કાન્તિપ્રસાદ વોરા)માં ખંડકાવ્યો, પ્રણયગીતો, ઊર્મિંગીતો, રાસો, વંદનગીતો, દેશગીતો, હાસ્યગીતો એવી વિવિધતા છે, પરન્તુ બધાં સામાન્ય કોટિનાં અને 'કાન્ત'-નરસિંહરાવનાં અનુકરણ જેવાં છે. ‘રસધારા' અને ‘પારસિકા' (જેહાંગીર માણેકજી દેસાઈ): પદ્યદૃષ્ટિએ લગભગ નિર્દોષ, અને સુઘડ એવી આ સંગ્રહોમાંની કવિતા ગદ્યમાં કહેવા જેવી વસ્તુઓ કે ગદ્યાળુ શૈલીએ પદ્યનો અવતાર આપે છે. શૈલીમાં કવિ દલપતરામ અને કવિ ખબરદારનું અનુકરણ મોટે ભાગે છે અને કવિ ખબરદારની પેઠે તે નવા છંદ:પ્રયોગો પણ કરે છે. ‘પારસિકા’માં જરથોસ્તી ધર્મની સમીક્ષા, ધાર્મિક ઉદ્દબોધન, પ્રસિદ્ધ પુરુષોની કથાઓ અને ઇરાની ઇતિહાસનું વિહંગાલોકન છે. ‘ત્રિવેણી’ (પુષ્પા રમણલાલ વકીલ): છંદોબદ્ધ કવિતા, રાસો અને મુખ્યત્વે બાળગીતો: એવી ત્રિવિધતા ‘ત્રિવેણી’માં રહી છે. રાસોમાં પ્રેમાનંદ, નરસિંહ અને નાનાલાલની પ્રેરણા છે. ગીત-રાસ કરતાં છંદોબદ્ધ પ્રણયકાવ્યોમાં ભાવરૂપે કાવ્યતત્ત્વ વિશેષ પ્રકાશે છે.
‘પરિમલ’ (રમણીકલાલ દલાલ): કેટલાંક પરભાષાનો આધાર લઈને લખેલાં અને કેટલાંક મૌલિક એવાં કાવ્યોનો આ સંગ્રહ છે. અંગ્રેજીને આધારે લખાયેલાં કાવ્યોમાં શબ્દયોજનામાં કેટલીક કુત્રિમતા લાગે છે તો મૌલિક કાવ્યોમાં શબ્દસૌષ્ઠવ ઠીક જળવાય છે. છંદોરચના શુદ્ધ છે. પ્રકૃતિ, જીવન અને પ્રણય એ વિષયો મોટા ભાગની કવિતાને સ્પર્શે છે.
‘કાવ્યપૂર્વા’ (ઉપેન્દ્રરાય નાનાલાલ વોરા): વાણી કે વિચારમાં અભિનવતા વિનાની, વૃત્તો અને ગીતોમાં લખાયેલી સામાન્ય કોટિની કવિતા અને ભક્તિનાં પદોનો એ સંગ્રહ છે. ‘રૂપલેખા’ (ભગવાનલાલ માંકડ) ગરબી, ભજનો અને રાગ-રાગિણીઓમાં લખેલી એમાંની કવિતા શુદ્ધ-સરલ ભાષામાં વહે છે અને વિશુદ્ધ હૃદયભાવો, આસ્તિકતા તથા અધ્યાત્મનો રંગ તેને લાગેલો છે. ‘પંકજ-પરિમલ’ (કમળાબહેન ઠક્કર)માં સારાં ભાવગીતો રાગ-રાગિણીઓમાં લખાયેલાં છે. ભક્તિ અને હૃદયવિશુદ્ધિ એમાંનાં ગીતોનો મુખ્ય ધ્વનિ છે. નવા યુગનો ધબકાર નથી. 'બોધબાવની' અને 'મનુની ગઝલો' (મનુ હ. દવે)માંના પહેલા પુસ્તકમાં વ્યાવહારિક તથા નૈતિક શિક્ષણસૂત્રો દલપત શૈલીએ મનહર છંદમાં ગૂંથ્યાં છે અને બીજામાં સામાન્ય ગઝલોનો સંગ્રહ છે બેઉમાં કાવ્યતત્ત્વ ઓછું છે.
‘કુંપળ’ (સ્વ. તરુણેન્દ્ર મજુમદાર): અકાળે અવસાન પામેલા જુવાન કવિની પ્રયોગદશાની સામાન્ય કવિતાઓનો એ સંગ્રહ છે.
‘કાગવાણી: ભા ૧-૨' (કવિ દુલા ભગત) ભાટો અને ચારણોની લાક્ષણિક કવિતાશૈલીમાં નૂતન રાષ્ટ્રભાવોને અનેરી સ્વાભાવિક્તાથી વણી લેતી કવિતાઓના આ સંગ્રહો કેવળ માર્મિક અને સુંદર વિચારોથી જ નહિ ૫ણ ઝડઝમક, લોકઢાળો અને વેગભર્યા છંદોલયથી સમાજને ડોલાવવાનું સામર્થ્ય બતાવી આપે છે. તળપદી વાણી અને તળપદા અલંકારો આ શૈલીની એવી વિશેષતાઓ છે કે જે સમાજના બધા થરોને પહોંચી વળે તેમ છે. ‘કારાણી કાવ્યકુંજ: ભાગ-૨' (દુલેરાય કારાણી)માં કચ્છી ઈતિહાસનાં કથાગીતો, નીતિબોધના ચાબખા અને વતનભોમ પ્રતિનો ભક્તિભાવ દર્શાવતી સામાન્ય કવિતાઓ વગેરે સંગ્રહ્યું છે. ‘લલિત કાવ્યસંગ્રહ' (લલિતાશંકર વ્યાસ) એ નર્મદના ઉત્તર કાળના સમકાલીન કવિ લલિતાશંકર વ્યાસની કવિતાઓનો સંગ્રહ છે. ઘણીખરી કવિતાઓ પ્રાસંગિક સ્વરૂપની છે. અને કેટલાંક દૃશ્ય નાટકોનાં ગીતો આપેલાં છે. આછા કાવ્યતત્ત્વવાળી એ કવિતાઓ છે અને ગેયતા તેનો મુખ્ય ગુણ છે. દલપત-નર્મદ યુગની કવિતાઓનું સ્વરૂપ તે દાખવે છે.
‘ઉત્ક્રાન્તિકાળ યાને વર્ણધર્મસમીક્ષા' (વિદ્યારામ વસનજી ત્રિવેદી) એ પદ્યમાં સનાતન હિંદુ ધર્મની સમીક્ષાનું પુસ્તક છે. ધાર્મિક જીવન ગાળવા માટેનો બોધ અને ઉદ્બોધન એ તેમાંનું મુખ્ય તત્ત્વ છે કવિતાનો પ્રકાર કેવળ સામાન્ય છે.
‘શ્રી કૃષ્ણમહારાજ કાવ્ય’ (રાજકવિ પિંગળશીભાઈ પાતાભાઈ અને હરદાન પિંગળશીભાઈ): પ્રસંગલક્ષી કાવ્યોનો એ સંગ્રહ છે. લોકકવિતા અને દલપતશૈલી બેઉનું તેમાં મિશ્રણ છે. રાજાઓ અને કવિઓને ઉત્કૃષ્ટ જીવનપંથે વાળવાનો તેમાં બોધ છે. મુખ્યત્વે તો માત્ર કાનને ગમે તેવી એ કવિતાઓ છે. ‘પદ્યસંઘ’ (નગીનદામ પુરુત્તમદાસ સંઘવી): લેખકની સર્વ પ્રકારની કવિતાઓનો આશરે ૭૦૦ પાનાંનો આ ગ્રંથ છે કવિતાઓમાં પ્રેમાનંદ, દયારામ અને દલપતરામની છાપ છે. ધર્મ, નીતિ તથા વર્તમાન સામાજિક સ્થિતિ વિશેની બોધક તથા કટાક્ષાત્મક કવિતાઓ વિશેષ છે.
ભાષાંતરો
‘રધુવંશ’ (નાગરદાસ અ. પંડ્યા)નું સમશ્લોકી ભાષાંતર આ પહેલું જ છે, અને સમશ્લોકિતા ઉતારવાની કઠીનતાને જો બાદ કરીએ તો એમાં પ્રસાદગુણ પણ ઠીક જળવાયો છે. ‘મેઘદૂત’ (ત્રિભુવન વ્યાસ) એ સમશ્લોકી નથી, પરન્તુ તેનો ઝૂલણા છંદ જેવો ગેય છે તેવી જ સરલ શિષ્ટ વાણી ભાષાંતરકારની છે, એટલે સમશ્લોકી ભાષાંતરોનીની કિલષ્ટતા તેમાં ઊતરી નથી, અને સરલતા તથા સુગેયતા તેને મળી છે. મૂળ પ્રતિ એકનિષ્ઠ રહેવા સાથે ભાષાંતરને સુગમ્ય બનાવવાનો તેમનો પ્રયત્ન સફળ થયો છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા' (રણછોડલાલ કેશવવાલ પરીખ)નું આ ભાષાંતર હરિગીત છંદમાં છે. તે સરલ છે પરન્તુ ભાષાની અભિવ્યક્તિમાં શિથિલ છે. ‘સુવર્ણમોહિની’ (દિવાળીબહેન ભટ્ટ)એ મંદાક્રાનતા વૃત્તમાં વિલિયમ મોરીસના Atalanta's Raceનું ભાષાંતર છે. ભાષા સંસ્કારી છે.
કટાક્ષ-કાવ્યો
‘પ્રભાતનો તપસ્વી’ અને ‘કુક્કુટદીક્ષા’ (‘મોટાલાલ’ કવિ અરદેશર ફરામજી ખબરદાર) એ બેઉ અનુક્રમે કવિશ્રી નાનાલાલનાં ડોલનશૈલીનાં કાવ્યો ‘ગુજરાતનો તપસ્વી' અને 'બ્રહ્મદીક્ષા'નાં પ્રતિકાવ્યો છે કવિ નાનાલાલને અપદ્યાગદ્યથી પાછા વાળવાને એ પ્રતિકાવ્યો જન્મ્યાં હતાં. કવિ નાનાલાલને પોતાની ડોલનશૈલીથી પાછા વળતા નથી, પરન્તુ ડોલનશૈલી પ્રતિના કટાક્ષ રૂપે એ બેઉ કાવ્યો સારી પેઠે આકર્ષણ કરી શકેલાં. ‘કટાક્ષકાવ્યો’ (દેવકૃષ્ણ પી જોશી): જુદાજુદા કવિઓના કવિતાસંગ્રહોમાં પ્રતિકાવ્યો, કટાક્ષ કવિતાઓ અને કટાક્ષ રૂપ મુક્તકો નાનામોટા પ્રમાણમાં સંગ્રહાયેલાં આમાં મળે છે, પરન્તુ કટાક્ષને અનુલક્ષીને લખાયેલી કવિતાઓનો કોઈ ખાસ સંગ્રહ પ્રસિદ્ધ થયો નથી 'કટાક્ષ' શબ્દમાં જે અર્થ રહેલો છે તેની દૃષ્ટિએ કવિએ આમાં સંગ્રહેલાં સ્વરચિત કાવ્યો શિથિલ છે. તેમાં સ્થૂળ રમૂજ અને ટોળ માત્ર છે : સાચો કટાક્ષ કવચિત્ જ જોવા મળે છે. આવી કવિતા રંજનાત્મક બને, પરન્તુ કટાક્ષના રંજનથી એ રંજન જુદું હોય છે.
મુક્તક–સંગ્રહો
'દુહાની રમઝટ' (ગોકુળદાસ રાયચુરા અને ગઢવી મેરૂભા): સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ્ છે એવો ગુજરાતી કવિતામાં દુહો-સોરઠો છે. આમાંનો દુહા-સોરઠાનો સંગ્રહ એ તળપદી વાણીનાં સુભાષિત મુક્તકોનો સંગ્રહ છે. એમાંનાં કેટલાક મુક્તકો પ્રાકૃત-અપભ્રંશ સુભાષિતોની છાયા જેવાં છે અને કેટલાંક શામળ-દલપતના સમયનાં છે. ‘સોનેરી શિખામણ’ (પુરષોત્તમરાય ભટ્ટ) એ પણ દુહા સુભાષિતોનો સામાન્ય સંગ્રહ છે.
સંપાદિત કાવ્ય-સંગ્રહો
અર્વાચીન કાવ્યોમાંથી ચૂંટણી કરીને તૈયાર કરવામાં આવેલા કાવ્યસંગ્રહો થોડા છે. ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો' તથા 'ગ્રામમાતા અને બીજાં કાવ્યો' એ બેઉ સંગ્રહો શ્રી. નવલરામ ત્રિવેદીએ ‘કલાપી'ની કવિતાઓમાંથી વિણણી કરીને તૈયાર કરેલા છે. ‘ગ્રામ ભજનમંડળી' (જુગતરામ દવે) એ ગામડાંના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલું લોકસાહિત્ય છે. ‘મૂળદાસકૃત કાવ્યવાણી’ (મહંત ઓધવદાસજી) એ મહાત્મા મૂળદાસનાં ભજનો વગેરેનો સંપાદિત કરવામાં આવેલો સંગ્રહ છે.
ભક્તિનાં કાવ્યોના સંગ્રહો
આ પેઢીની ભક્તિની કવિતા જૂની અને મધ્યમ પેઢીના મિશ્રણ જેવી છે, પરન્તુ ભાષા, શૈલી અને આકાર મુખ્યત્વે મધ્યમ પેઢીનો છે. ભક્તિનાં કાવ્યોનો એક ભાગ તો પ્રકીર્ણ કવિતાઓના સંગ્રહોમાં જ આવી જાય છે, પરન્તુ આ પ્રકારની કવિતાના ખાસ સંગ્રહો જ અહીં જુદા નોંધ્યા છે. આ પ્રકારના કાવ્યસંગ્રહોમાં ‘રંગ અવધૂત’ (પાંડુરગ વિઠ્ઠલ વળામે)ની રચનાઓ વિશેષે કરીને આકર્ષણ કરે છે મરાઠી અને ગુજરાતી બેઉ ભાષાઓમાં તેમણે કવિતાઓ લખી છે. તેમની ગુજરાતી કવિતા મરાઠીની લાક્ષણિક્તાથી મુક્ત નથી, છતાં સરલ અને શુદ્ધ છે. 'ગુરુ લીલામૃત'માં ૧૯૦૦૦ દોહરામાં દત્તાત્રેયનું ચરિત્ર, જ્ઞાનકાંડ, કર્મકાડ, ઉપાસનાકાંડ, દત્તકથન વગેરે ખંડો આપેલા છે 'સંગીતગીતા’ એ ગીતાનો પદ્યાનુવાદ કાવ્યદૃષ્ટિએ શિથિલ પણ ગેય દૃષ્ટિએ વિશિષ્ટ છે. ‘ઊભો અવધૂત'માં તેમનાં ભજનો છે. તેમાં હિંદુ ધર્મની ઉદાર ધર્મભાવના, ઊંડી લાગણી, જ્ઞાન અને અનુભવ પ્રકટ થાય છે. ‘પત્રગીતા'માં ગીતાના ઉત્તમ ૧૬ શ્લોકોનું ઓવી છંદમાં વ્યાખ્યાન દ્વારા રહસ્ય સમજાવ્યું છે. ‘રંગસ્તવન’માં અવધૂતના અનુયાયીઓએ રચેલાં સ્તવનો છે. સંતોની પ્રાચીન પ્રણાલિકા મધ્યમ પેઢીની કવિતા દ્વારા ચાલુ રહી છે એમ આ બધાં પુસ્તકો સૂચવી રહ્યાં છે. ‘કીર્તન કુસુમમાળા’ (જેઠાલાલ મોજીલાલ)માં કવિએ રચેલાં ભક્તિભાવનાં કીર્તનો છે. 'ડંકપુર યાત્રા' (કાશીભાઈ પટેલ)માં ડાકોરની યાત્રા નિમિત્તે ભક્તિના આદ્રભાવો વહાવેલા છે. ‘સ્તવનાદિ સંગ્રહ' (શાહ જશભાઈ ફુબછંદ) જૈનોના સ્નાનપૂજા આદિ વખતે ગાવા યોગ્ય સ્તવનોના આ સંગ્રહમાં વિશેષતા એ છે કે તે ભક્તિની કવિતા છે, પરન્તુ તેનું બધુંય ‘કવિતાપણું' નાટકી-ફિલ્મી તર્જોમાં જ સમાઈ રહેલું છે. પ્રભુસ્તુતિની આધુનિક કાવ્યકલાની તુચ્છતાનું દર્શન તેમાં કરી શકાય છે.
રાસસંગ્રહો
કવિ નાનાલાલ, કવિ ખબરદાર અને કવિ બોટાદકરના રાસોએ ગેય કવિતાના રસજ્ઞોમાં જે રસ ઉપજાવ્યો છે તે રસ રાસોમાંનું વાણીલાલિત્ય કે રાગ-દાળ જ નથી, તેમાંના અર્થગૌરવે અને લવિતભાવદર્શક ધ્રુવપદોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. તેમનાં અનુસરણ અને અનુકરણ કરીને ઘણા નવાજૂના કવિઓએ રાસો લખ્યા છે, પરન્તુ તેમાંના બહુ જ થોડા રાસોને જનતાએ ઝીલ્યા છે જે રાસો ઝિલાયા છે તેમાં ય અર્થગૌરવ અને લલિત ભાવ જ મુખ્યત્વે કરીને આકર્ષણનું કારણ બન્યા છે નીચે એ રાસસંગ્રહોનાં નામ તારવીને આપ્યાં છે અને જે જે સંગ્રહોમાં નોંધપાત્ર વિશેષતા જણાઈ છે તે દર્શાવી છે. 'ન્હાના ન્હાના રાસ ભાગ ૩’ (કતિ નાનાલાલ) 'રાસચંદ્રિકા'- કેટલાક નવા અને બીજા જૂના રાસો (કવિ ખબરદાર), 'આકાશનાં ફૂલ' અને ‘મુક્તિના રાસ-દેશદાઝવાળાં સામાન્ય રાસ-ગીતો (જ્યોત્સના શુક્લ), ‘રાસવિલાસ’ (ખંડેરાવ પવાર), ‘રાસપદ્ય’ અને ‘રાસકૌમુદી' (મૂળજીભાઈ શાહ), 'રાસપાંખડી-કુટુંબપ્રેમ, સ્વદેશપ્રેમ, પ્રકૃતિપ્રેમનાં રાસ-ગીત ('વિવિત્સુ': ચીમનલાલ ગાંધી), 'શરત્પૂર્ણિમાં, 'રાસમાલિકા’-જુદાજુદા લેખકોના રાસોની તારવણી, અને ‘રાસ જ્યોત’ (ધૈર્યચંદ્ર બુદ્ધ), ‘રાસરંજના' (જગુભાઈ રાવળ અને વાડીલાલ શાહ), ‘ગીતમાધુરી’ (મનુ દેસાઈ), 'રાસગંગા' (ચંદ્રકાન્ત ઓઝા), ‘સૂર્યમુખી' (સુંદરલાલ પરીખ), 'અમર ગીતાંજલિ’ (કવિ લાલજી નાનજી), ‘રાસપૂર્ણિમાં (જમિયતરામ અધ્વર્યુ), ‘ગીતરજની’ અને 'રાસકલિકા' (બાલકૃષ્ણ ભટ્ટ), 'રાસબત્રીસી' (ચંદુલાલ શાહ), ‘રસિકાના રાસ’ (કેશવલાલ ચ. પટેલ), ‘રાસજ્યોતિ’ (ધનિષ્ઠા મજમુદાર).
જૂની પેઢી
જૂની પેઢીની શૈલીએ આજે બહુજ એાછી કવિતા લખાય છે જેઓ લખે છે તેમાંનો એક ભાગ પ્રાચીન ભક્તિસંપ્રદાયો સાથે સપર્ક રાખનારા ભક્ત કવિઓનો છે, અને બીજો ભાગ વિષયાનુરૂ૫ત્વે કરીને કોઈક જ વાર જૂની શૈલીને પોતાની કોઈકોઈ કવિતારચના માટે પસંદ કરે છે. એવી કવિતાઓ નવીન અને મધ્યમ પેઢીના કવિતાસંગ્રહોમાં સમાઈ જાય છે જૂની પેઢીની કવિતાનો વર્તમાન કાળે થતો સમુદ્ધાર એ આ પેઢીની કવિતાઓના વર્તમાન કાળે થતા સંગ્રહોનો એક ત્રીજો વિભાગ છે. એકંદરે જોઈએ તો આ પેઢીની નવી કવિતા તેજસ્વી લાગતી નથી, તેને બદલે એ પેઢીની કવિતાનો અભ્યાસ વધુ તેજસ્વી જણાય છે અને એના અભ્યાસીઓનાં સંપાદન સંશોધનકાર્યો વધારે નોંધપાત્ર બને તેવાં છે. 'રાસ સહસ્ત્રપદી' અને 'હારમાળા' (સં. કેશવરામ કા. શાસ્ત્રી) નરસિંહ મહેતા કૃત આ બેઉ કાવ્યોનાં આ સમર્થ સંશોધનો છે અને તેમાં પ્રાચીન પદ્યરચનાના અંકોડા મળી રહે છે મળી શકેલી હસ્તપ્રતોનો ઉપયોગ કરવામા આવ્યો છે ‘ઉષાહરણ’ (સં. ભોગીલાલ સાંડેસરા): પાઠ સંશોધનની ચીવટાઈ અને વિદ્વત્તાભર્યો ઉપોદ્ઘાત એ તેની વિશેષતાઓ છે. ‘કુવરબાઇનું મામેરું' (સં. મગનવાલ દેસાઇ): અભ્યાસીઓ અને એ જૂના કાવ્યના રસિકો માટે તે ખાસ તૈયાર કરવામાં આવેલું છે. ‘ભજનસંગ્રહ' (સં. પં. બેચરદાસ): કબીર, નાનક, નરસિંહ, દયારામ નિષ્કુલાનંદ, મુક્તાનંદ, સૂરદાસ અને કેટલાક જૈન ભક્તોનાં ગીત-પદ-ભજનોનો આ સંગ્રહ છે તેમાંની ચૂંટણી સરસ છે, પરન્તુ વિશિષ્ટ દૃષ્ટિ તો તે તે કિવિઓની ભાષાના અને તેમણે કરેલા શબ્દપ્રયોગોના અભ્યાસની છે. ‘ગવરી કીર્તનમાળા’ (સં. મસ્ત): ૧૭૫ વર્ષ પહેલા થઈ ગયેલાં ગવરીબાઈના વૈરાગ્યનાં પદોનો આ સંગ્રહ છે. કીર્તનો કેવળ સામાન્ય પ્રકારનાં છે. ‘નિરાંતકાવ્ય’ (સં. નટવરલાલ લલ્લુરામ પંડ્યા): વડોદરાની નિરાંત પથની ગાદીના મહંતની પ્રેરણાથી એ પંથમાં થઈ ગયેલા ભક્તો અને કવિએાએ રચેલાં પદો-ભજનોનો આ સંગ્રહ થવા પામ્યો છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ભાવના અને પદોની વાણી એ બધુંય તળપદું છે. ‘રવિભાણ સંપ્રદાયની વાણી' (પ્ર. મંછારામ મોતીરામ): ખંભાળિયા તથા શેરખીમાં સંપ્રદાયની ગાદી સ્થાપનાર ભાણ સાહેબ, તેમના શિષ્ય રવિ સાહેબ, ખીમદાસજી અને બીજા સંતોની પદ્યવાણીનો આ સંગ્રહ છે. ભાણ સાહેબ ૧૮માં શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયા. નરસિંહ મહેતા ૫છી જેટલા પદપ્રકારો યોજાયા છે તેનાં અનુકરણો આમાંનાં પદોમાં દેખાવ દે છે. 'પ્રેમરમવાણી’ (મહારાજ નારાયણદાસજી)માં ભજનોનો સંગ્રહ છે, જેમા ઉપનિષદ્ કાળથી માંડીને ૧૮-૧૯મી સદી સુધીના સંતોની વાણીની અસર દેખાય છે.
***
નાટક
નાટકનું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ દૂબળું રહેલું મનાતું આવ્યું છે, પણ તે દેખાય છે એટલું દૂબળું નથી. તે દૂબળું દેખાય છે તેનું કારણ એ છે કે ભજવવાનાં નાટકો પૂરેપૂરાં છાપીને પ્રસિદ્ધ કરવામાં આવતાં નથી; માત્ર ગાયનો અને સારની પુસ્તિકાઓ છાપીને નાટક જોનારાઓ માટે એ નાટકોને અનામત રાખવામાં આવે છે. એ ખરુ કે રંગભૂમિની રચના, પાત્રોનાં કાર્ય તથા ગતિ, ભાવોની ઉત્કટતા તથા શિથિલતા એ બધા દૃષ્ટિના વિષયો છે અને તેથી એ નાટકો દર્શનપ્રધાન હોઈ વાચનક્ષમ ઓછાં બને છે. દૃશ્ય, કાર્ય, ગતિ, ભાવ ઇત્યાદિ દૃષ્ટિના વિષયોને વાચનક્ષમ બનાવી શકાય, પણ દૃશ્ય નાટકોના સંચાલકો એ તકલિફ લેતા નથી. કદાચ તેઓ એમ માનતા હશે કે નાટકવાંચનારાઓ તેનો પ્રયોગ જોવા માટે નહિ આવે. વર્ષોથી આ જ પદ્ધતિ દૃશ્ય નાટક ભજવનારાઓ પકડી રહ્યા છે જૂની મોરબી અને વાંકાનેર નાટક કંપનીઓ પૂરાં નાટકો છપાવી પ્રસિદ્ધ કરતી, બાલીવાલાની નાટક કંપનીનાં કેટલાંક ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છપાયેલાં હતાં, અને ઘણાં મરાઠી નાટકો પણ પૂરેપૂરાં પ્રસિદ્ધ થયેલાં જોવામાં આવે છે; પરન્તુ ગુજરાતી નાટક કંપનીઓએ એ પદ્ધતિ વર્ષોથી તોડી છે તે પાછી જોડી નથી. રંગભૂમિની રચના, કાર્ય, ગતિ, ભાવાદિને દૃશ્ય ને શ્રાવ્ય સ્વરૂપે જ રજૂ કરવા ઉપર તેમને પોતાની સફળતાનો વિશ્વાસ હશે, લેખનમાં તે રજૂ કરવામાં તેમને કદાચ સફળતા માટે વિશ્વાસ નહિ હોય, પણ કેટલાંક દૃશ્ય નાટકો વાચ્યસ્વરૂપે પણ રસદાયક થવાની ગુણવત્તાવાળાં હોય છે. પૂરાં નાટકો પ્રસિદ્ધ કરવાની પ્રથાથી તેમને આર્થિક હાનિ થવાનો ભય કાંઈક વધુ પડતો લાગે છે. નાટકસાહિત્યની દૂબળી અવસ્થા એ નાટકો પુસ્તકાકારે અપ્રસિદ્ધ રહેતાં હોવાથી વિશેષ દેખાય છે. બોલપટો પણ નાટકો તો છે જ, પરન્તુ તેમાં વાચ્ય ગુણ ઓછો અને દૃશ્ય ગુણ વિશેષ હોય છે, છતાં જનતાના મન ઉપર નાટકનું દર્શન જેટલી પ્રબળ અસર પાડે છે તેટલી જ પ્રબળ અસર બોલપટો પાડે છે, એટલે લોકમાનસ ઉપર સાહિત્યની સંસ્કારયુક્ત અસર પાડવાની દૃષ્ટિએ બોલપટો નાટકના પ્રદેશમાં જ આવી જાય છે. કાંઈક વાચ્ય ગુણની ઓછપને લીધે અને કાંઇક મોટા ભાગના બોલપટો હિંદી ભાષામાં હોવાને લીધે ગુજરાતી સાહિત્યમાં એ બોલપટોની ગણત્રી કરવામાં આવતી નથી. સાહિત્યનાં પત્રો કે સાહિત્ય-વિવેચનના ગ્રંથો એની સમીક્ષાથી દૂર રહે છે. બોલપટોનાં વિવેચન-સમીક્ષાનું કાર્ય તે માટેનાં ખાસ પત્રો જ કરે છે; પરન્તુ એ વિવેચનો અને બેલપટોનાં ટેકનિક, પાત્રોના પોશાક, સંગીતની સરસતા-નીરસતા, પ્રસંગોની રજૂઆતને સ્પર્શતાં વિશેષ પ્રમાણમા હોય છે. વસ્તુસંકલના, સંવાદની યથાર્થતા, ભાવનિરૂપણની દૃષ્ટિએ વાણીનો સુસંવાદ ઇત્યાદિ સાહિત્યસ્પર્શી અંગોને એવાં વિવેચનોમાં કોઈક જ વાર છણવામાં આવે છે આવી છણાવટ જરૂરી લાગે છે, કારણ કે વર્તમાન નાટક સાહિત્યનુ એ એક મહત્ત્વનું અંગ બની ગયું છે. આ પાંચ વર્ષના ગુજરાતી નાટક સાહિત્યમાં એકાંકી નાટિકાઓનો જ ફાલ સૌથી મોટો છે; એક જ વસ્તુ પ્રતિ નિષ્ઠાવંત એવાં સંપૂર્ણ નાટકો ગણ્યાંગાંઠ્યાં છે. નાટિકાઓમાં સાંસારિક-સામાજિક પ્રશ્નોની છણાવટ કરતાં અને રસદૃષ્ટિએ હાસ્ય તથા કરણને અંગભૂત બનાવતાં વસ્તુઓવાળી નાટિકાઓ વિશેષ છે નવલિકાઓ અને નવલકથાઓનાં ભાષાંતરોના પ્રમાણમાં નાટક-નાટિકાઓનાં ભાષાંતર-અનુવાદોનું પ્રમાણ ઓછું છે.
નાટકો
‘પુણ્યકથા' (કવિશ્રી નાનાલાલ) એ વૈરાગ્ય, સંયમ, તપસ્યાના મહિમાગીત સમું નાટક છે. ગીત-છંદના છંટકાવ સાથે અપદ્યાગદ્યમાં તે લખાયેલું છે. તેનાં પાત્રો ભાવનાની મૂર્તિ સમાં છે અને કાર્યવેગમાં મંદતા દાખવે છે. જીવનને પુણ્યવંતું બનાવવાનો સંદેશો તે આપે છે. ‘મૃગતૃષ્ણા’ (ખટાઉ વ. જોષી)માં નાટકનું સળંગપણું બરાબર નથી એટલે છૂટાં છૂટાં દૃશ્યોનો સમૂહ તે બની ગયો છે. આધિભૌતિક સુખવાદને મૃગતૃષ્ણા રૂપ ઓળખાવીને એ નાટક બોધપ્રધાન બની રહે છે. 'ઈશ્વરનું ખૂન’ (‘દિવ્યાનદ') એ નાટક સંસારત્યાગી ધર્મગુરુઓના વૈભવવિલાસો ઉપરની જનતાની ઘૃણાના પ્રત્યાઘાત રૂપે લખાયેલું છે; તેનો ધ્વનિ એ છે કે બધા વિલાસી ધર્મગુરુઓ પતિત નથી હોતા, કેટલાક સત્યપ્રેરણા પામ્યા હોય છે અને વ્યક્તિ તથા સમષ્ટિનો ઉદ્ધાર કરી શકે છે. એ જ લેખકનું બીજું નાટક ‘યોગી કોણ?’ સાંસારિક નાટક છે, જેમાં એક વિષયી પુરુષની કુદૃષ્ટિનો ભોગ થઈ પડેલી. પત્નીને તેનો ગુણવાન ને ઉદાર પતિ ક્ષમા આપે છે અને તેમના જીવનના માર્ગો ઇષ્ટ પરિવર્તન પામે છે. બેઉ નાટકોની શૈલીમાં શિથિલતા છે, પરન્તુ પાત્રાલેખન આશાસ્પદ છે. ‘અંજની’ (રમણલાલ વ. દેસાઈ)એ રંગભૂમિ પર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું છતાં એક સુવાચ્ય નાટક બન્યું છે. વર્તમાન સમાજનું પ્રતિબિંબ ઝીલીને તેમાં એ સિદ્ધાંત પ્રતિપાદ્યો છે કે સમાજનુ દુઃખ ધન અને સુખની વહેંચણી કરવાની અવ્યવસ્થામાં જ રહેવું છે. ‘કાળચક્ર’ (ગોવિંદભાઈ અમીન) એ પાત્રાલેખન અને પ્રસંગવિધાનમાં શિથિલ નાટક છે, પરન્તુ લેખકની દૃષ્ટિ સહૃદયનાયુક્ત છે અને તે આ નાટક દ્વારા કહે છે કે ગામડાના જીવન ઉપર ધસતું શહેરનું કાળચક્ર ગ્રામજનતાનો અધ:પાત કરે છે, અને એ રીતે નાટક કરુણરસપર્યવસાયી બને છે. જેને ઐતિહાસિક કહી શકાય તેવા નાટકો માત્ર બે છે. ‘વૈશાલીની વનિતા’ (પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી)માં ઈ.સ. પૂર્વેના ચોથા સૈકાનું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ તે કાળના ઊંડા અભ્યાસ પછી આલેખવામાં આવ્યું છે પાત્રો ઐતિહાસિક ન હોવા છતાં વાતાવરણ સામાજિક ઇતિહાસ-લક્ષ્યને સાર્થક કરે છે આખું નાટક ગદ્યમા છે અને સુવાચ્ય છે, જોકે કલાદૃષ્ટિએ ઊતરતું છે. ‘રાજનન્દિની’ (કેશવ હ. શેઠ) એ રંગભૂમિ ઉપર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક નાટક છે. મહારાણી મીનળદેવીના લગ્નકાળથી માંડીને તેની સતીત્વની વિજયભાવના સુધીના પ્રસંગો તેમાં ગૂંથી લેવામાં આવ્યા છે. સંવાદો અને આડકથા પણ રંગભૂમિની દૃષ્ટિએ યોજાયાં છે.
‘વહેમનાં વમળ’ (કુલીનચંદ્ર દેસાઈ) એક સામાજિક નાટક છે અને ‘યુગદર્શન' (મૂળજીભાઈ શાહ) એક રાષ્ટ્રીય નાટક છે. બેઉ નાટકો રંગભૂમિ માટે લખાયાં છે અને ઍમેટરોએ ભજવેલાં છે. નાટક સાહિત્યમાં તે ઊતરતું સ્થાન ધરાવે તેવાં છે. ‘સ્ત્રીગીતા’ (રામચંદ્ર ઠાકુર) એ શ્રી ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટે લખેલી વાર્તા વીજળી ગામડિયણનું નાટક રૂપે રૂપાંતર છે. અભણ અને સામાન્ય સ્ત્રીઓ માટે તેમાં બોધ રહેલો છે.
‘નાગા બાવા' (ચંદ્રવદન મહેતા) એ દ્વિઅંકી નાટક છે, જેમાં ભિખારીઓની સૃષ્ટિનું વાસ્તવદર્શી તથા કલ્પનાપ્રધાન વસ્તુ સફળતાથી ગૂંથવામાં આવ્યું છે આ ઉપરાંત તેમા બે બાળનાટકો 'રમકડાંની દુકાન’ અને 'સંતાકુકડી' તેમજ 'નર્મદ’ની ચરિત્રગ્દર્શક નાટિકા પણ સંગ્રહી લેવામાં આવ્યાં છે નાટક અને નાટિકાઓ ભજવી શકાય તેવાં છે તે સાથે વાચનક્ષમ પણ એાછાં નથી.
અનુવાદો
પાંચ વર્ષમાં ત્રણ જ નાટકો બીજી ભાષાઓમાંથી અનુવાદિત થઈને બહાર પડ્યાં છે, પણ એ ત્રણે નાટકો સારી કોટિનાં છે અને નાટક સાહિત્યમાં સારો ઉમેરો કરે છે. ‘ઉંબર બહાર’ (અનુ. મૂળશંકર પાધ્યા) પ્રો. અત્રેએ લખેલા ‘ઘરા બાહેર'નો અનુવાદ છે. બહારથી સભ્ય અને ખાનદાન દેખાતા પુરુષો કેવા દુર્ગુણી અને દંભી હોય છે તે પ્રત્યેના કટાક્ષ સાથે નાટક કરુણ અને હાસ્યની જમાવટ કરે છે. નાટક ગદ્યમાં છે અને સંવાદકળા સુંદર હોવાથી સુવાચ્ય બન્યું છે. ‘અલકા’ (અનુ. માણેકવાલ ગો. જોષી) એ શરદબાબુના શોકપર્યવસાયી નાટકનો અનુવાદ છે. તેમાં સેવાપરાયણ સ્ત્રી દ્વારા દારૂડિયા જમીનદારનું હૃદયપરિવર્તન દર્શાવ્યું છે. ‘સંભાવિત સુંદરલાલ' (અનુ. રત્નમણિરાવ ભીમરાવ) એ જેમ્સ બૅરીના Admirable Crichtonનું રૂપાંતર છે. તેમાં સામાજિક જીવન અને માન્યતાઓ ઉપર કટાક્ષાત્મક રીતે દૃષ્ટિપાત કરવામાં આવ્યો છે. અનુવાદ સુવાચ્ય બન્યો છે.
નાટિકાઓ
એકાંકી નાટિકાઓના સંગ્રહો અને નાની છૂટી નાટિકાઓનો ફાલ પ્રમાણમાં મોટો છે. નાટિકાઓ મુખ્યત્વે સંસાર અને સમાજના પ્રશ્નોને સ્પર્શે છે અને કટાક્ષાત્મક તથા પ્રહસનરૂપાત્મક વિશેષાંશે છે. ચરિત્રાત્મક અને ઐતિહાસિક નાટિકાઓ જૂજ છે એકદરે જોતાં નાટકો કરતાં નાટિકાઓ કલાદૃષ્ટિએ વિશેષ ચઢિયાતી છે અને તેથી રંગભૂમિ પરના પ્રયોગોમાં તેમાંની ઘણીખરીને ઠીકઠીક સફળતા વરી છે. 'અંધકાર વચ્ચે' (ઇંદુલાલ ગાંધી)માં પાંચ નાટિકાઓ સંગ્રહી છે વસ્તુ આછું–પાંખું અને ક્રિયાશીયતા સ્વલ્પ એવી આ નાટિકાઓ રસભર્યા છે સંવાદો જેવી બની છે કવિહૃદય તેની પાછળ ધબકી રહ્યું છે એટલે કાવ્યાસ્વાદ મેળવી શકાય તેમ છે, પણ તેમા દર્શનક્ષમતા નથી. એ જ લેખકનો બીજો નાટિકાસંગ્રહ 'અપ્સરા અને બીજાં નાટકો' પહેલા કરતાં કાંઈક ચઢે તેવા આયોજનવાળો છે પાત્રોની મેળવણી તથા મુખ્ય પ્રશ્નને સ્પષ્ટ કરવાની દૃષ્ટિ વધારે લક્ષ્યાર્થી બની છે. તેમાં ય પાંચ નાટિકાઓ છે, અને માનવજીવન તથા માનવસંસારને સ્પર્શના પ્રશ્નો વણેલા છે. રસપ્રધાનતા કરતાં ઉ૫દેશપ્રધાનતા વિશેષ છે. ‘પરી અને રાજકુમાર તથા બીજાં નાનાં પાંચ નાટકો’ (રમણલાલ વ. દેસાઈ): એ નાટિકાઓમાં, રંગભૂમિ પર ઍમેટરો ભજવી શકે તેવી તખ્તાલાયકીની ગુણવત્તા અને રસપ્રધાનતા રહેલી છે. ‘રાખનાં રમકડાં' (ભાસ્કર વહોરા)માં સાત નાટિકાઓનો સંગ્રહ છે. બર્નાર્ડ શૉ અને ઈબસન જેવા પાશ્ચાત્ય નાટ્યલેખકોના વિચારો તથા નિરૂપણરીતિઓની તેમાં અસર રહેલી છે સંસારનાં જુદાંજુદાં પાસાંઓની આસપાસ તેમાંનાં વસ્તુ પરિભ્રમણ કરે છે અને બુદ્ધિશાળી પાત્રો જ મુખ્ય ભાગ ભજવતા હોવાથી તેમાં જેટલું વિચારપ્રાધાન્ય છે તેટલું ભાવ કે રસનું પ્રાધાન્ય નથી. સંવાદોમાં કોઈકોઈ સ્થળે ચમક દેખાય છે. કેટલાંક પાત્રો પશ્ચિમના વિચારોનાં દેશી સ્વાંગધારી પૂતળાં હોય તેવાં દેખાય છે. ‘છેલ્લો ફાલ’ (ધનસુખલાલ મહેતા) એ પણ અંગ્રેજી ઉપરથી ઉતારેલી બાર નાટિકાઓનો સંગ્રહ છે, પરન્તુ તેનાં ભાષાંતર રૂપાંતર ચોટદાર બન્યાં છે. 'રાજાની રાણી’ (રમણીકલાલ દલાલ)માં મીરાં, જુલિયટ અને સ્વીડનની મહારાણી એ ત્રણે રાણીઓના જીવનવિષયક ઐતિહાસિક નાટિકાઓ છે. 'ન્યાતનાં નખરાં' (ગજેન્દ્રશંકર પંડ્યા) એ સામાજિક નાટિકામાં ધરારપટેલાઈનાં દૂષણોનો પરિચય કરાવવા ઉપરાંત ન્યાતસુધારો કરવા મથતા જુવાનિયાઓની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે, જોકે તેમાં નાટ્યતત્ત્વ ઓછું છે. 'એક જ પત્ની' (છોટુભાઈ ના. જોષી)એ સાધારણ કેટિની સાંસારિક નાટિકાછે. ‘નવા યુગની સ્ત્રી’ (શારદાપ્રસાદ વર્મા)માં ત્રણ નાટિકાઓનો સંગ્રહ છે, અને ત્રણેમાં સ્ત્રીત્વનાં જુદાંજુદાં પાસાંને સ્પર્શવામાં આવ્યાં છે તેજસ્વી નારીત્વનો આદર્શ રજૂ કરવાનો તેમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સ્ત્રીઓ તથા કુમારિકાઓ ભજવી શકે એ તેના લેખન માટેનું પ્રધાન દૃષ્ટિબિંદુ હોવાથી આત્યંતિક કરણ અને શૃંગારને આવવા દીધા વિના બહુધા સ્ત્રીપાત્રોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકટ રીતે ધ્યેયને જ જ્યારે દૃષ્ટિબિંદુ બનાવવામાં આવે છે ત્યારે નાટિકાઓ રસનિષ્પત્તિમાં મોળી જ રહે છે. ‘રેડિયમ અને બીજાં નાટકો (ગોવિંદભાઈ અમીન)માંની નાટિકાઓ સંવાદો અને વાર્તાના મિશ્રણ જેવી બની છે. ‘જવનિકા’ (જયંતી દલાલ)માંની એકાંકી નાટિકા માટે વર્તમાન સંસારના ફૂટ પ્રશ્નોએ જોઈતું વસ્તુ પૂરું પાડ્યું છે. કટાક્ષ, ઉપહાસ અને વેધક ઊર્મિલતા એ એમાંના સંવાદોના મુખ્ય ગુણો છે. બધી નાટિકાઓ ભજવી શકાય તેવી છે અને લેખકને નાટિકાલેખનનાં આવશ્યક તત્ત્વોની સારી પેઠે માહિતી પણ છે. પાત્રાલેખનમાં સબળતા અને સજીવતા છે. ‘કલાનો નાદ’ (કાલિદાસ ના. કવિ) એ એક રૂપક એકાંકી નાટિકા છે જેનો પ્રધાન સંદેશ એ છે કે ‘સાચો કલાકાર જ્યારે કલાસેવા કરતો હોય છે ત્યારે આખા જગતના અસ્તિત્વને ભૂલી જાય છે અને જ્યારે કલાપૂજામાં લીન થઈને બેઠો હોય છે ત્યારે પડોશમાં લાગેલી આગ પણ તેને ક્ષુબ્ધ કરી શકતી નથી.’ આમ ધૂનીપણાને મૂર્તિમંત કરવાના ધ્યેયને કારણે નાટિકા રસનિષ્પત્તિમાં મોળી પડે છે. ‘વેણુનાદ’ (ગોવિંદભાઈ અમીન) એ પાંચ એકાંકી નાટકોનો સંગ્રહ છે. કોઈ કૂટ પ્રશ્નોને સ્પર્શવાને બદલે પ્રાસંગિક ઘટનાઓને નાટકરૂપે વણીને તેમાંથી રસ વહાવવાનો યત્ન એ બધાં નાટકોમાં દેખાઈ આવે છે. હાસ્ય અને કટાક્ષ વેરતી નાટિકાઓ આ પાંચ વર્ષમાં ઠીક પ્રમાણમાં બહાર પડી છે, અને તેના લેખનમાં સારા લેખકોએ ભાગ લીધો હોઈ નાટિકાઓનો એ ખૂણો ઠીકઠીક ખીલ્યો છે. ‘રંગલીલા’ (કલમ મંડળ) એ રજૂ થયું છે સળંગ નાટક રૂપે, પરન્તુ સૂરતના જુદાજુદા હાસ્યલેખકોની કૃતિઓમાંથી ચૂંટેલી વાનગીઓનો એ શંભુમેળો છે અને એકબીજી વાનગીઓને જોડી દેવાની કલ્પનામાં રમૂજ તથા આકર્ષણ રહેલાં છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પ્રવેશ કરતાં જે વિષયાંતર થાય છે તેનો ભાસ ન થવા દેવાની હિકમત એમાં ધ્યાન ખેંચે તેવી છે. 'પ્રેમનું મોતી અને બીજાં નાટકો' (ચંદ્રવદન મહેતા)માં આઠ નાટિકાઓ સંગ્રહી છે, જેમાંની પાંચ કટાક્ષ અને ઉપહારા દ્વારા વસ્તુની ચોટ દાખવે છે. 'દેડકાંની પાંચશેરી', 'ધારાસભા', ‘ઘટમાળ', 'લગનગાળો' અને 'ત્રિયારાજ' 'કલ્યાણ' એ સંગીત નાટક છે. બધી નાટિકાઓ તખ્તાલાયક છે અને કેટલીક તો સફળતાપૂર્વક ભજવાઈ પણ છે. ‘ચાર એકાકી નાટકો'માંનું એક 'દુર્ગા' (ઉમાશંકર જોષી) ગંભીર છે અને બીજાં ત્રણ પ્રહસનો છે: દેડકાંની પાંચશેરી’ (ચંદ્રવદન મહેતા), 'ગૃહશાંતિ' (ઉમાશંકર જોષી) અને 'ભગવદજ્જુકીય' (સુંદરમ્) એમાં 'ગૃહશાંતિ' અંગ્રેજીમાંથી અને ‘ભગવદજ્જુકીય' સંસ્કૃતમાંથી ઉતારેલાં છે ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' (હંસા મહેતા) એ અંગ્રેજીમા જેને ‘સ્કિટ' કહે છે તે પ્રકારનાં પ્રહસનોનો સંગ્રહ છે. તેમાનું એક આંખે પાટા' કરુણાની ગાઢ છાયાથી વીંટાયેલી કટાક્ષાત્મક નાટિકા છે. બાકીનાં બધાં પ્રહસનોમાં વર્તમાન સામાજિક-સાંસારિક જીવનમાંથી ચૂંટેલી વિષમતાઓને કટાક્ષ સાથેની હળવી શૈલીથી રજૂ કરી છે. વિધવાને ‘ગંગાસ્વરૂપ' કહેવામાં આવે છે તેમ ‘વિધુર'ને શા માટે 'હિમાલય સ્વરૂપ' ન કહેવામાં આવે એવો કટાક્ષ મુખ્ય પ્રહસનમાં કર્યો છે અને એ જ એની પરાકાષ્ઠા બને છે. ‘શકુંતલાની સાન્નિધ્યમાં’ (પદ્માવતી દેસાઈ અને ‘મસ્ત ફકીર') એ પ્રહમનમાં ભૂતકાળને વર્તમાન કાળની તુલનામાં ખડો કર્યો છે, તેથી હાસ્યનું વાતાવરણ જામે છે નાટિકા ભજવવા યોગ્ય છે. ‘ભીલકુમારી' (પદ્માવતી દેસાઈ) એ પ્રહસનમાં નાનાલાલની આડંભરી શૈલીના સંવાદો યોજાયા છે. ‘સંવાદો' (વ્યોમેશચંદ્ર પાઠકજી, સ. જયમનગૌરી પાઠકજી)માં સાહિત્ય, નીતિ તથા સમાજમાંના અનિષ્ટ અંશો પ્રત્યે કટાક્ષ કરીને તે દ્વારા રમૂજ આપવાનો ઉદ્દેશ રાખેલો છે.
***
નવલિકા
પાંચ વર્ષની ગુજરાતી નવલિકાઓનો એકંદર ફાલ સમૃદ્ધ કહી શકાય તેવો છે, પરન્તુ વર્ષાનુવર્ષ એ ફાલ પ્રમાણમાં ઊતરતો જતો જણાય છે. ૧૯૩૭માં નવલિકાઓના ૩૦ સંગ્રહો બહાર પડ્યા હતા, જ્યારે પાંચ વર્ષમાં આશરે ૭૫ સંગ્રહો અને થોડી છૂટી કથાઓ પ્રસિદ્ધ થઈ છે. કેટલાક નિષ્ણાત નવલિકા- લેખકોએ નવલિકાલેખન બંધ કરીને સાહિત્યરચનાના બીજા પ્રદેશોમાં વિહરવા માંડ્યું છે તેથી તેમનો નવલિકાઓનો પ્રવાહ લગભગ બંધ પડ્યો છે. પાંચ વર્ષ દરમિયાન થોડા નવા લેખકો આ ક્ષેત્રને સાંપડ્યા છે, જેમ ગણ્યાગાંઠ્યા લેખકો એ ક્ષેત્રને દિપાવે તેવા પણ છે, છતાં કોઈ નૂતન તેજસ્વી શૈલી એ ક્ષેત્રમાં પ્રકટી નથી. બૃહન્નાનવલિકાઓ અથવા નાની નવલકથાઓ અને વાસ્તવદર્શી તથા આદર્શલક્ષી નરલિકાઓની સાથેસાથે ભાવકથાઓ, રસકથાઓ, રેખાચિત્રો, પ્રસંગચિત્રો ઇત્યાદિ અનેક પ્રકારની રચાનાઓ ઘણા લેખકોએ પોતપોતાના સંગ્રહોમાં એમ કરીને આપી છે, એટલે કોઈ એક સંગ્રહ અમુક એક જ પ્રકારની નત્રવિકાઓનો સંગ્રહ બની રહે એવાં પુસ્તકો તો ગણ્યાંગાંઠ્યાં જ છે અને બાકીના જ બધા સંગ્રહો રસ, ભાવ કે વસ્તુની પ્રકીર્ણતા દર્શાવી રહે છે. વસ્તુનિષ્ઠ રસનિષ્ઠ અને ભાવનિષ્ઠ કથાઓ ઘણા સંગ્રહોમાંસાથેસાથે મુકાઈ છે, એટલે એ સંગ્રહોનું વર્ગીકરણ શક્ય બને તેમ નથી; છતાં એકંદર પ્રવાહ ઉપરથી એટલું કહી શકાય તેમ છે કે આ લેખકોમાં વાસ્તવદર્શિતા વધારે આવી છે અને માનવસમાજ તથા વર્તમાન સંસારના પ્રશ્નોથી છણાવટ તરફ તેમનું ધ્યાન વધુ ખેંચાયેલું રહ્યું છે. માનવજીવનના સ્થાયી ભાવોને સ્પર્શતી નવલિકાઓ અને ઐતિહાસિક વસ્તુઓને વિશદ કરતી નવલિકાઓ બહુ જૂજ લખાઈ છે. કલાદૃષ્ટિએ ઊતરતા વર્ગની નવલિકાઓનું પ્રમાણ મોટું છે અને તે વસ્તુકથન વડે માત્ર મનોરંજનનું કાર્ય યથાશિક્ત કરે છે. અનુવાદોમાં શૈલીની અને વસ્તુઓની અભિનવતા વધુ સાંપડે છે અને કેટલાક સંગ્રહો તો એવા છે કે જેની વાર્તાઓની કોટિમાં શોભે એવી વાર્તાઓ આપણે ત્યાં બહુ જૂજ જોવામાં આવે છે. 'મલ્લિકા અને બીજી વાતો (‘ધૂમકેતુ’)માં ‘મલ્લિકા’ એક નવલકથા છે અને બાકીની ૧૧ નવવિકાઓ છે. એ નવલકથાની વસ્તુગૂંથણી કરતાં તેનું પાત્રાલેખન વિશેષ સુઘડ રીતે થયું છે અને કથાનાં મુખ્ય તેમ જ બીજાં પાત્રો સમાન તેજસ્વી રંગે રંગાવાને લીધે તથા એ પાત્રોને સ્પર્શતા વસ્તુનું કથન એકબીજાથી છૂટું પડી જવાને લીધે, એકબીજાથી સાંકળેલી નવલિકાઓ જેવું સ્વરૂપ એ નવલકથા પામી છે. કથાનાં પાત્રો તેજદાર વ્યક્તિત્વનાં સ્વામી છે અને તેથી તે તેજ પ્રસાર્યા વિના રહેતાં નથી. આ સંગ્રહમાંની નવલિકાઓ શ્રી ‘ધૂમકેતુ’ના 'તણખા'મંડળનો અવશેષ હોય તેવી તેજસ્વી અને માનવતાનું મંગળ દર્શન કરાવનારી છે. ત્યારપછી તેમણે આપેલી ‘ત્રિભેટો'માંની નવલિકાઓ તેમની પહેલાંની નવલિકાઓ જેટલી ઊંચી ટોચે ગયેલી નથી. શૈલી એ જ છે, જીવનવિષયક કલ્પનાઓ એટલી જ દિગંતગામી છે, પરન્તુ એ વિચારસંભારમાં વધારે ઘટ્ટ બની છે અને તે કારણે રમનિષ્પત્તિમાં ઊણી જણાય છે. લેખક જીવનલક્ષ્યને નથી ચૂક્યા પરન્તુ તેમના પાત્રો ભાવનાઘેલાં વધુ બન્યાં છે અને તેટલા પ્રમાણમાં તે વાસ્તવિકતાથી દૂર પડેલાં લાગે છે. ‘પિયાસી' ('સુંદરમ્')માંની નવવિકાઓમાં વસ્તુઓનું વૈવિધ્ય હોવા છતાં એક પ્રકારની ધ્યેયની એકસૂત્રતા રહેલી છે. દરેક કથાના મૂળમાં છૂપી પિયાસઝંખના છે. નારીને સંતાનની, શ્રમજીવીને ધનની, સૌંદર્ય માણનારને સ્થૂળ સુખની, બેકારને ધંધાની, માસ્તરને પત્નીની, સ્ત્રીને પરાક્રમી સહચારીની, જીવનથી થાકેલા ડોસાને પરમાત્માની અને દંભથી ભરેલા સમાજને સહૃદયતાની ઝંખના પીડી રહી છે. જીવનના બાહ્ય અને આભ્યંતર પ્રવાહોને વણીને કથાવસ્તુ સર્જવું અને તેને સચોટ રીતે ગૂંથવું એ કળા લેખકે હસ્તગત કરી છે, અને કથાનો ધ્વનિ અણછતો રહેતો નથી. એ જ લેખકની ‘ખોલકી અને નાગરિકો'માંની નવલિકાઓ વર્તમાન સમાજ અને સંસારની કેટલીક ગંદકીઓનું દર્શન કરાવે છે. એ ગંદકીઓના દર્શનથી હીણી માનવતા પ્રતિ જુગુપ્સા ઉપજે છે, પરન્તુ બધી નવલિકાઓનો ધ્વનિ એકસરખી રીતે જુગુપ્સા પ્રેરીને મંગલ ધ્વનિ પ્રકટાવતો નથી. ‘ખોલકી’ કથામાં જે ધ્વનિ છે તેવો ધ્વનિ બીજી નવલિકાઓમાંથી પ્રકટતો નથી; સંસારની આ બીભત્સત્તા છુપાવી રાખવા જેવી નથી હોતી, પરન્તુ તે પ્રકટ કરવાની શૈલીની ઊણપને લીધે આમાંની નવલિકાઓ સામે ઠીકઠીક વિરોધ પણ ઊઠ્યો હતો. ‘અખંડ જ્યોત' ('સોપાન')માં બે લાંબી પ્રેમકથાઓ છે. પ્રત્યેકમાં એક એક યુગલની કથા દ્વારા લગ્નજીવનમાં પ્રેમનું સ્વરૂપ, જીવનમાં નિર્મળ રસ તથા કર્તવ્યભાવના અને પ્રેમનો નિભાવ કરવામાં વેઠવી પડતી હાડમારીનો ખ્યાલ મળે છે. જેવી એ હેતુપ્રધાન મોટી કથાઓ છે તેવી જ તેમની નવલિકાઓનો સંગ્રહ ‘ઝાંઝવાનાં જળ’ છે. એ નવલિકાઓ માટે લેખકે વર્તમાન સંસારજીવનમાંથી પ્રેરણા મેળવી છે અને તેમાં લગ્નવ્યવસ્થા, માનવની વૈવિધ્યની વાસના, સ્ત્રીઓની આર્થિક સમાનતા તથા સ્વતંત્રતા, ત્યક્તા સ્ત્રીઓનો પ્રશ્ન, જાતીય આકર્ષણનું અદમ્ય બળ, નિર્બેધ પ્રેમ, એ બધા ફૂટ પ્રશ્નોની છણાવટ કરી છે. હેતુપ્રધાનતાને લીધે રસદૃષ્ટિએ કથાઓ મોળી પડે છે. એમનો ત્રીજો સંગ્રહ ‘અંતરની વ્યથા'માં પાંચ સત્યાગ્રહી સૈનિકોની આપવીતીઓ આપે છે. સત્યાગ્રહીઓમાં ભળેલાઓનો એક ભાગ નવીનતા, આરામ કે સમાધાન શોધનારાઓનો હતો એમ તે કથાઓ બતાવે છે અને તે ઉપરાંત મવાલી, હિંસાવાદી, ધર્મરુચિવાન, પરદેશી ખ્રિસ્તી, અજ્ઞાન ખેડૂત એવા બધા માનવીઓ ઉપર સત્યાગ્રહે કરેલી અસરનો ખ્યાલ આપે છે. 'ત્રણ પગલા' એ તેમના એક વધુ નવલિકાસંગ્રહમાં સત્તર કલ્પિત તથા સત્ય કથાઓ આપી છે. સામાજિક જીવનના દૂષણો, જુવાન માનસની પ્રણયવિકળતા અને વર્તમાન જીવનના પ્રશ્નોને લેખકે યોગ્ય સંયમથી છણ્યા છે. નવલિકાઓનો મોટો ભાગ જોકે રસલક્ષી કરતા હેતુલક્ષી વિશેષ છે પણ તેમાં પ્રચાવેડાનું દૂષણ નથી. 'લતા અને બીજી વાતો' (ગુલાબદાસ બ્રોકર)માં સંસારને ડહોળી નાખનારાં અનેક બળોનું સૂક્ષ્મ નિરીક્ષણ છે. મોટા ભાગની નવલિકાઓમાં જાતીય આકર્ષણનું પૃથક્કરણ કરેલું છે અને તેનાં કરુણ પરિણામો દર્શાવ્યાં છે. તેમના બીજા નવલિકાસંગ્રહ 'વસુંધરા અને બીજી વાતો'માં વર્તમાન જીવનના પ્રશ્નો, પ્રસંગો તથા આંદોલનોને કળારૂપે વણી લેવામાં આવ્યાં છે. કથાનો ધ્વનિ કથાંતે સુરેખ પ્રકટી નીકળે છે. મધ્યમ વર્ગનાં અને વર્તમાન કેળવણીના રંગે રંગાયેલાં પાત્રોની એ વાર્તાઓ હોઈને વર્તમાન જીવનના વાસ્તવિક ગુણદોષોને તે છતા કરે છે. કથાશૈલી સ્વસ્થ છે અને રસનિષ્પત્તિને પોષે છે. ‘સુખદુઃખનાં સાથી’, 'જીવો દાંડ' અને 'જિન્દગીના ખેલ' (પન્નાલાલ પટેલ) એ ત્રણે સંગ્રહોમાં લેખકની દૃષ્ટિ ગામડાના સમાજને, તેની વિચારસૃષ્ટિને અને તેના જીવનવહેણને પચાવીને એ સમાજના વિવિધ પ્રસંગોને કથારૂપે રજૂ કરે છે. માનવપ્રકૃતિને રજૂ કરવાની ચોટ લેખકને હસ્તગત થઈ છે અને જ્યારે કથાનો ધ્વનિ અર્ધપ્રકટ રહે છે ત્યારે રસનિષ્પત્તિમાં કથા વધારે સફળ બને છે. પાત્રાલેખનની, વાતાવરણના આલેખનની અને સંક્ષિપ્ત વાર્તાલાપ દ્વારા વાર્તાને ઉઘાડ આપવાની કલા લેખકની નૈસર્ગિક દૃષ્ટિના ગુણ રૂપે પ્રકટી છે અને તેથી જ થોડા વખતમાં તેમની કથાઓ મોખરે આવીને ઊભી રહેવા પામી છે. ત્રણે સંગ્રહોની મળીને ૩૧ ટૂંકી વાર્તાઓ તેમણે આપી છે. 'છાયા’ અને ‘પલ્લવ' (દુર્ગેશ શુકલ): સામાન્ય લોકજીવન, અને વિશેષે કરીને શ્રમજીવીઓથી માંડીને ભિક્ષુકો સુધીના નીચલા થરના લોકોના જીવન ઉપર લેખકની દૃષ્ટિ આ બેઉ સંગ્રહોની કથાઓમાં ફરી વળે છે, અને જુદા જુદા માનસની પાત્રસૃષ્ટિ રજૂ કરે છે. લેખકની સહૃદયતા તરી આવે છે. કથાની કલામાં જોઈતી ચોટ નથી આવતી કારણ કે પ્રસંગચિત્રોના અને પાત્રોના આલેખનમાં જે સબળતા અને સંક્ષેપ જોઈએ તે લેખકને સિદ્ધ થયાં નથી લેખકનો લોકજીવનનો પરિચય પાત્રોની બોલીની રજૂઆત દ્વારા પ્રકટ થઈ રહે છે.
‘પીપળનાં પાન' અને 'ફૂલપાંદડી' (નાગરદાસ અ. પંડ્યા) એ બેઉ વાર્તાસંગ્રહોમાં સુવાચ્ય, પ્રેરક અને બોધક ધ્વનિયુક્ત વાર્તાઓ આપવામાં આવી છે. લેખકની દૃષ્ટિ પવિત્ર જીવનને અભિમુખ રહે છે. વાતાવરણની જમાવટની અને પાત્રાલેખનની કલામાં જે દીર્ઘસૂત્રિતા છે તે કથાઓને રસનાં બિંદુરૂપ બનતી અટકાવે છે. બેઉ સંગ્રહોમાંની મોટાભાગની કથાઓ મૌલિક છે, જીવનમાં જોયેલી-અનુભવેલી ઘટનાઓ હોય એમ પણ જણાઈ આવે છે.
‘શૌર્યનાં તેજ’ (મનુભાઈ જોધાણી): ‘સૌરાષ્ટ્રની રસધાર'ની ચોટદાર શૈલીએ લખાયેલી વીર જીવનની, અદ્ભુત પ્રતિજ્ઞાઓની અને વિરલ સ્વાર્પણની કથાઓનો આ સંગ્રહ છે. એ જ લેખકના 'જનપદ'ના ત્રણ ભાગોમાં ગામડાંનાં વસવાયાં, વેરાગીઓ, ધંધાદારીઓ અને ઇતર તળપદા પાત્રોનાં રેખાચિત્રો સરળ વાણીમાં આલેખ્યાં છે અને તે સરસ ઊઘડ્યાં છે. ‘ચા-ઘર: ભાગ ૧, ૨ (મેઘાણી, ‘ધૂમકેતુ', ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ જોધાણી, અનંતરાય રાવળ, મધુસદન મોદી અને ધીરજલાવ ધ. શાહ): ચાહ પીવા સાથે મળનારા સાત લેખક મિત્રો એકએક નવવિકા લખે અને એવાં નવલિકાસપ્તકો વખતોવખત બહાર પડે એવી યોજના આ બેઉ ભાગોમાં દેખાઈ રહી છે. પ્રથમ ભાગ મુખ્યત્વે સંસાર-સમાજને સ્પર્શતી નવલિકાઓનો છે, બીજો વિભાગ ઐતિહાસિક નવવિકાઓનો છે. પ્રત્યેક લેખકે પોતપોતાને ફાવે તેવાં જ વસ્તુઓ તથા ઐતિહાસિક નવલિકાઓ માટેના પ્રસંગો પસંદ કર્યા છે. સઘળી કથાઓ ગુણદૃષ્ટિએ તથા કલાદૃષ્ટિએ સમાન કોટિની નથી, છતા બેઉ સંગ્રહો મૌલિક નવલિકાઓના છે અને ખાસ કરીને બીજો ભાગ ઐતિહાસિક નવલિકાઓની ઊણપને કારણે આદરણીય બને છે. 'શ્રાવણી મેળો' (ઉમાશંકર જોષી)માંની નવલિકાઓ મોટે ભાગે વાસ્તવદર્શી છે અને વર્તમાન સંસાર તથા સમાજને સ્પર્શે છે. શહેર અને ગામડાંનાં પાત્રોનાં માનસ અને તેમની વિચારસરણીમાંથી વાર્તાવસ્તુ પ્રકટે છે, વાતાવરણ જામે છે, પ્રસંગો ખડા થાય છે અને ઘણે ભાગે ચોટદાર પરાકાષ્ઠામાં કથાનો અંત આવે છે. વાતાવરણની જમાવટ અને પાત્રમાનસનું ઘડતર એ બેઉ બાબતમાં આ નવલિકાઓ ઊંચી સિદ્ધિનું દર્શન કરાવે છે. અભિનવ ઘટનાઓની ગૂંથણી જે નવલિકાઓમાં નથી તેઓનો પણ રસનિર્વાહ એ બે વસ્તુઓથી થાય છે અને સજીવ છાપ પડે છે. પુરાતન જ્યોત’ (ઝવેરચંદ મેઘાણી) : લેખક ‘સોરથી સંતો'ના ચરિત્ર કથાગુચ્છની પૂર્તિરૂપે આ સંગ્રહમાં ત્રણ સંતોની કથાઓ આપી છે, જેમાંની 'સંત દેવીદાસ' એક નાની નવલકથા જેટલો વિસ્તાર રોકે છે. સંતોની પરંપરાગત ભક્તિજ્યોત જીવનના અંધકારની વચ્ચે પ્રકાશ આપીને લોકોને માર્ગ દર્શાવે છે એ એમાંની કથાઓનું કથયિતવ્ય છે. ‘જીવનનાં વહેણો’ (રસિકલાલ છો. પરીખ)માં મોટે ભાગે વર્તમાન જીવનને સ્પર્શતી વાર્તાઓ છે સામાજિક આદર્શો, માન્યતાઓ અને આચારની તુલના કરીને વર્તમાન જીવનની દૃષ્ટિ ઘડવા માટે એ કથાઓ અને તેમાંની ચિંતનાત્મક ચર્ચાઓ, વિચારની સામગ્રી પૂરી પાડે છે. ચિંતન કે કથાતત્ત્વ બતાવતી કૃતિઓમાં તેમની પાત્રયોજના યથાયોગ્ય છે, પરન્તુ તેમાં રસતત્ત્વ ગૌણ બની જાય છે અને પ્રશ્નોની આલોચના પ્રધાનના પામે છે. વર્તમાન જીવનને નહિ પણ ભૂતકાળને સ્પર્શતી એમાંની ત્રણ કથાઓ અને એક નાટિકા ભૂતકાળના પ્રતિનિર્માણ દ્વારા કાંઈક અંશે વર્તમાને અજવાળે છે. ‘છેલ્લો ફાલ’ (ધનસુખલાલ મહેતા)માંની ઓગણીસે કથાઓ વર્તમાન જીવન, વર્તમાન પાત્રો અને પ્રસંગોમાંથી ઉપજાવેલી છે. વસ્તુગૂંથણીમાં રોમાંચક પલટો આણવાની કલા અને વર્ણન તથા સંવાદ દ્વારા વિશદ પાત્રાલેખન વડે કથાઓ રસભરિત બની છે. મુંબઈના અને શહેરી જીવનના અનેક ઊજળા તથા અંધારા ખૂણાઓમાં લેખકની દૃષ્ટિ કથાવસ્તુઓ માટે ફરી વળી છે. ‘પગદીવાની પછીતેથી’ (જયંતી દલાલ) એ વાસ્તવિક સૃષ્ટિનાં એવાં રેખા ચિત્રો અને પ્રસંગચિત્રો છે કે જેમને નવલિકાઓની કોટિમાં મૂકી શકાય. તેના પહેલા વિભાગ ‘પગથિયા-વસ્તી’માં શહેરના ફૂટપાથ ઉપર ભટકીને કે વસીને જીવન ગાળનારાંઓનાં સજીવ ચિત્રો છે અને બીજાં 'પડદા ઊપડે છે ત્યારે’ એ વિભાગમાં નાટકની રંગભૂમિની સૃષ્ટિનાં ચિત્રો આલેખ્યાં છે. નાટકની ચમકતી ભજવણીમાં ભાગ લેનારા કલાકારોનાં પડદા પાછળનાં જીવન અને વિચારો કેવાં તરેહવાર હોય છે તેનું ચોટદાર આકલન એ વિભાગ કરી બતાવે છે. ‘કથા૫રી’, ‘કથામણિ, કથાકલગી’ અને ‘કથાકલાપ’ (કથાપરી કાર્યોલય) એ ચાર કથાગુચ્છોમાં જુદાજુદા લેખકોએ લખેલી મૌલિક અને અનુવિદિત કથાઓ સંગ્રહવામાં આવી છે. ભાવકથા, રૂપકથા, સંસારકથા, જાસૂસી કથા અને હાસ્યકથા એમ સર્વ પ્રકારની કથાઓની વાનગી તેમાંથી મળી રહે છે. જીવનમાં શાંતિ મળે, એખલાસ વધે, અને કડવાશ-વિખવાદનો હાસ થાય એ ધ્યેય કથાઓની પસંદગી કરવામાં દૃષ્ટિ સમીપે રાખવામાં આવ્યું છે. ‘અ. સૌ. વિધવા' (બાબુભાઈ પ્રા. વૈદ્ય) એ એક મોટી અને બીજી નાની વાર્તાઓનો સંગ્રહ છે, તેમાં ‘અ. સૌ. વિધવા' હિંદુ સંસારની રસપૂર્ણ, કરુણ અને આનંદપર્યવસાયી બનતી નાની નવલકથા સમી છે. બીજી વાર્તાઓમાં ચોટદાર રજૂઆતની ખામી જોવામાં આવે છે, છતાં કેટલીક ઠીકઠીક રસનિષ્પત્તિ અને ચમત્કારદર્શન કરાવે છે. ‘ઑપરેશન કોનું અને બીજી વાતો’ (ડૉ. પ્રાણજીવનદાસ મહેતા) એ કલામાં ઊતરતી પરન્તુ સહૃદય માનવતાને સ્ફુરાવતી કથાઓ છે. ડૉક્ટરના જીવનના ખૂણામાં તે ઠીકઠીક પ્રકાશ ફેંકે છે. નવલિકાઓના વિષયવૈવિધ્યમાં એ કથાઓ નવી વાનગી જેવી છે. 'ઊંધાં ચશ્મા' (લલિતમોહન ગાંધી): સમાજના ખૂણાઓ શોધીશોધીને આ સંગ્રહમાંની ૧૪ નવલિકાઓ માટેના વિષયો પસંદ કરવામાં આવ્યા છે. નવલિકાની કલાના ખ્યાલપૂર્વક વિચારપ્રેરક બને એવી શૈલીએ વાર્તાવસ્તુઓની ગૂંથણી અને પાત્રયોજના કરવામાં આવેલી છે. 'પ્રકંપ' (હરિકૃષ્ણ વ્યાસ)માં મોટે ભાગે મૌલિક નવલિકાઓ છે અને મનોવિજ્ઞાનની દૃષ્ટિપૂર્વક પાત્રોના સુષુપ્ત માનસને કૂટ પ્રશ્ન રૂપ બનાવીને લખેલી છે. એ પ્રકારની વાર્તાઓ ગુજરાતીમાં થોડી જ લખાયેલી છે. આયોજન અને રસનિરૂપણમાં બધી વાર્તાઓ સમાન કોટિની નથી, પરન્તુ લેખકે ગ્રહણ કરેલા પ્રશ્નોમાં વૈવિધ્ય છે અને પાત્રો તથા પ્રશ્નોને રજૂ કરવાની હથોટી કલાયુક્ત છે. 'પાનદાની' (શંકરલાલ ગં. શાસ્ત્રી)માંની વાર્તાઓમાંની ઘણીખરી સંસારજીવનની સપાટીને સ્પર્શે છે અને થોડી તેનાં ઊંડાણ સુધી પહોંચે છે ને તે કલાદૃષ્ટિએ સારીરીતે સધાઈ છે. બધી વાર્તાઓનો ધ્વનિ તેમાંના માનવતાના ગુણોને સ્ફુટ કરી બતાવે છે. ‘ઓટનાં પાણી’ (ગુણવંતરાય આચાર્ય અને ગિરીશ રાવળ)માં પ્રથમ લેખકની ચાર અને બીજા લેખકની પાંચ એમ નવ વાર્તાઓનો સંગ્રહ છે. વિચારપ્રેરક અને મનોરંજક બેઉ વાર્તાપ્રકારો તેમાં એકત્ર થયા છે. સ્વ. ગિરીશરાવળનો જીવનપરિચય પણ સમાજ સામે ઝગડનાર એક યુવક પાત્રત્રી નવલિકા જેવો છે. ‘ગામધણી’ (ચિમનલાલ મૂળજીભાઈ લુહાર) એ, એ નામની એક અને બીજી ત્રણ એમ ચાર લાંબી વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ આર્ય સંસારની પવિત્ર ભાવનાઓને એક યા બીજી રીતે સ્ફુટ કરના પ્રસંગોથી ભરેલી છે. કોઈ વાર વસ્તુમાં યોગાનુયોગયુક્ત ઘટનાઓથી કથા રોમાંચક અને રસિક બને છે, પરન્તુ વાસ્તવિકતાથી વેગળી રહે છે. ‘ચરણરજ’ (નીરુ દેસાઈ) સ્ત્રીજીવનના અનેક પ્રશ્નો છેડતી અને મુખ્યત્વે કરીને સંસારમાં સ્ત્રીની પરાધીન દશા ઉપર કરુણા તથા કટાક્ષ વરસાવતી વાર્તાઓનો સંગ્રહ છે. પ્રસંગોની ગૂંથણી આકર્ષક છે, પરન્તુ જીવનનું દર્શન મર્યાદિત છે. સ્ત્રીજીવનને ઉત્ક્રાન્ત કરવાના ધ્યેયપૂર્વક બધી કથાઓ લખાઈ છે. ‘પાંદડી’ (શયદા) સમાજમાં દેખાઈ આવતાં વ્યક્તિઓનાં જીવનદર્દોને લેખકે આકર્ષક રીતે સોળ કથાઓમાં ગૂંથ્યા છે સામાન્ય ઘટનાઓને પણ રસિક શૈલીએ રજૂ કરી હોઈને કથાઓ મુખ્યત્વે મનોરંજક બને છે. 'એકાકી' (નર્મદાશંકર શુકલ)માંની પંદરેક વાર્તાઓમાં મુખ્યપાત્રો ભર્યા ભર્યાં જગતમાં તનમનથી એકલતા અનુભવતાં હોઈ વાર્તાસંગ્રહનું નામ સાર્થક બન્યું છે બધાંય લાગણીપ્રધાન કરુણ કથાનકો છે અને લેખકની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. ‘લોહીનાં આંસુ' (ધનશંકર ત્રિપાઠી) એ સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતી અને પ્રસંગચિત્રોનું આલેખન કરતી બાર વાર્તાઓનો સંગ્રહ છે. ‘પેટકોચી અને બીજી વાતો’ (સુમન્તકુમાર મણિલાલ)માં મુખ્યત્વે સામાજિક અન્યાયો અને રહસ્યમય પ્રસંગોથી ગૂંથાયેલી વાર્તાઓ છે. પાત્રાલેખન અને વાસ્તવદર્શન ઠીક હોવા છતાં વિચારો અને ઉપદેશોના લપેડાથી કથાઓનું કલાતત્ત્વ મૂંઝાય છે. 'નદિતા' (સુરેશ ગાંધી)માંની વાર્તાઓમાં જીવનમાંથી ભાવે નીતરતા પ્રસંગો વીણીને હૃદયને આર્દ્ર કરે તેવી રીતે આલેખવામાં આવ્યા છે, પરન્તુ ખરા રસપ્રસંગો ય કલાવિધાનની અણઆવડતને લીધે યોગ્ય જમાવટ દાખવી શકતા નથી. કોઈ વાર્તાઓ સરસ ઉપાડ કરે છે, પરન્તુ આગળ વધતાં મોળી પડે છે અને અંતે પરાકાષ્ઠા આવતી નથી. 'આરાધના' (સરલાગહેન સુમતિચંદ્ર શાહ)માંની એકવીસ ટૂંકી વાર્તાઓમાંની કેટલીક મૌલિક અને કેટલીક અનુવાદિત છે. વાર્તાઓનો વિષય મોટે ભાગે હિંદુ સંસારનો છે. કથાઓ ધ્યેયલક્ષી છે અને ધ્યેય પવિત્ર છે. પણ રજૂઆટ મોળી છે. અનુવાદિત કથાઓમાં લેખિકાની ભાવવાહી ભાષા નોંધવા યોગ્ય છે. ‘રોહિણી’ (નાગરદાસ પટેલ)માં જુદાજુદા રસની ૨૪ વાર્તાઓ સંગ્રહેલી છે. વાર્તાઓ નિર્દોષ, સાદી અને મનોરંજક છે. ‘દશમી’ (પ્રકાશમ્)માં ૧૦ વાર્તાઓ આપેલી છે. વાર્તાઓ કલાગુણમાં ઊતરતી છે પરન્તુ મનોરંજનનું કાર્ય કરે છે. 'દિગંત’ (મોહિનીચંદ્ર)માં પણ દસ વાર્તાઓ છે. બધી વાર્તાઓ સામાજિક છે અને નીચલા થરનાં પાત્રોના જીવનકલહનાં ચિત્રો તેમાં મુખ્યત્વે તરી આવે છે. વાર્તાકલા અને કવિતાકલા વચ્ચેનો ભેદ અણપારખ્યો રહેવાથી કથાઓ વિરૂપ બની જવા પામી છે. ‘ઉમા' (પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ) મધ્યમ વર્ગના સમાજના નારીજીવનના ભિન્ન- ભિન્ન પ્રશ્નો ચર્ચતી ચૌદ કથાઓનો સંગ્રહ છે. પ્રશ્નો માટેની ઘટનાઓ પણ સમાજજીવનમાંથી જ મળી આવી હોય તેવી છે. કલાત્મક સંક્ષિપ્તતાનો અભાવ અને ભાષાની કૃત્રિમતા શૈલીને બેડોળ બનાવે છે. ‘દેવદાસી’ (ડૉ. રઘુનાથ કદમ)માં દસ સુવાચ્ય સામાજિક વાર્તાઓ છે. બધી ય સાદી શૈલીની રસિક અને મનોરંજક વાર્તાઓ છે. સોરઠી ગાથા’ (‘મયૂર': મગનલાલ શામજી)માં સોરઠનાં શૌર્ય-વીર્યની દ્યોતક કથાઓ 'રસધાર'ની શૈલીનું અનુકરણ કરીને લખવામા આવી છે. ‘રણબંકા' (મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ)માં ભૂતકાળના રાજપૂતોનાં શૌર્યની વાર્તાઓ આપી છે. વટ, ધૂન કે ગાંડપણ પાછળ ખપી ગયેલાઓને શૂરાઓ તરીકે બિરદાવનારી કેટલીક કથાઓ ઇષ્ટ ન લેખાય. લેખનશૈલી સામાન્ય પ્રકારની છે. ‘વીર શાર્દૂલ અને બીજી વાતો’ (ગુલાબચંદ વલ્લભજી શેઠ)માં વીર શાર્દૂલ એ રાજપૂત કાળની વીરતા તથા પ્રેમની રોમાંચક લાંબી વાર્તા છે અને બીજી સાત મનોરંજક કથાઓ છે. શૈલી સામાન્ય પ્રકારની અને ભાષા સાદી છે. ‘સિંધના સિંહો’ (મગનલાલ દ. ખખ્ખર) સિંધના વીરો તથા રાજપુરુષોનાં જીવનની રોમાંચક ઘટનાઓવાળી કથાઓનો આ સંગ્રહ છે. ઇતિહાસની પછીત ઉપર રચાયેલી લોકકથાઓનો મોટે ભાગે આધાર લેવામા આવેલો જણાય છે. લખાવટ સીધીસાદી અને લોકકથા પદ્ધતિની છે. ' ‘ખાંડાના ખેલ’ (તારાચંદ્ર પી. અડાલજા) એ શૂરવીરતા અને નૈતિક વીરતા દાખવનારાં ઐતિહાસિક કે દંતકથાનાં પાત્રોનાં તરેહવાર પરાક્રમોની કથાઓ છે લખાવટમાં ભાટ-ચારણથી કથનશૈલીનું મિશ્રણ નાટકી શૈલીના દીર્ઘસૂત્રી સંવાદો સાથે થતું હોવાથી એકંદરે ચોંટદાર સરસ જમાવટ થતી નથી, જોકે કેટલાક સરસ પ્રસંગો શોધી કાઢવામાં લખકે સફળતા મેળવી છે. ‘પાંખડીઓ’ (ગિરીશ ભટ્ટ) સામાન્ય પ્રકારની સ્વતંત્ર અને સંયોજિત વાર્તાઓનો સંગ્રહ છે. ‘મધુરજની’ (‘મૃદુલ’) જાતીય પ્રશ્નોને છેડતી વાર્તાઓનો સંગ્રહ છે. આકર્ષક પ્રસંગોને મનોરંજક વાર્તારૂપે ગૂંથી લેવામાં આવ્યા છે. ‘સંસારદર્શન’ (બાલકૃષ્ણ જોષી અને રમાકાન્ત દ્વિવેદી)માં વાચકોને વિચાર કરતા બનાવે એવી ઘટનાઓ સમાજમાંથી વીણીવીણીને વાર્તારૂપે ગૂંથી છે. ‘રસમૂર્તિઓ’ (રણજીત શેઠ) એ રસમૂર્તિ રૂપ કલાકારોના જીવનપ્રસંગોને આલેખી બતાવતી સુવાચ્ય કથાઓ છે. કથાપ્રસંગો આકર્ષક અને ધ્યેય પવિત્ર છે, માત્ર વસ્તુવિધાન અને પાત્રલેખન મોળાં છે. 'રેતીનું ઘર' (જયચંદ્ર શેઠ)માંની વાર્તાઓ કાચીપાકી શૈલીએ લખાયેલી મુખ્યત્વે ભાવનાપ્રધાન વાર્તાઓ છે જેનું મૂળ સામાજિક સામાન્ય ઘટનાઓ છે. ‘ધની વણકર અને બીજી વાતો’ (ઉછરંગરાય ઓઝા) એમાં એકંદરે પાંચ વાર્તાઓ છે. મુખ્ય વાર્તામાં ગામડાના નિર્દોષ સરલ જીવન ઉપર શહેરી જીવનની વિલાસી અને હૃદયહીન નાગચૂડ કેમ ભેરવાય છે તેનું ચિત્ર આપવામાં આવ્યું છે. બીજી બે વાર્તાઓમાં દેશી રાજ્યોની હીન અંતઃ સ્થિતિનું દર્શન કરાવનારી ઘટનાઓ છે શૈલી દીર્ઘસૂત્રતાવાળી હોઈને કથાઓ આકર્ષક બનતી નથી. ‘અભિષેક’ તથા ‘પ્રદક્ષિણા’ (વિનોદરાય ભટ્ટ)એ જીવનમાં સામાન્ય રીતે બનતા બનાવો ઊંચકી લઈને રચાયેલી વાર્તાઓના સંગ્રહો છે વાર્તાઓનો હેતુ ઉપદેશ આપવાનો અને ગમે તેવી રીતે ઘટનાઓને યોજવાનો હોય એવી લેખકની સમજ જણાય છે એ જ લેખકની સાત વાર્તાઓનો સંગ્રહ ‘મેઘધનુષ’ નામનો છે, જેમાં પાંચ વાસ્તવિક જીવનની કરૂણ કથાઓ, એક પ્રાણીકથા અને એક વિનોદકથા છે. ‘મારા મનની મોજ’ (ચંદ્રકાન્ત ગૌરીશંકર ભટ્ટ) એ કેટલીક મૌલિક અને કેટલીક પરદેશી વાર્તાઓની અનુકૃતિ કરીને લખેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મોટા ભાગની વાર્તાઓમાં ઊર્મિલતા, મનસ્વિતા અને તરંગશીલતા જોવામાં આવે છે. ‘મારા મનની મોજ' એ નામ જ લેખનની વાસ્તવિકતાની મર્યાદા સૂચવનારું છે. ‘વિચારવીચિ અને જીવનરસ’ (સ્વાશ્રય લેખકમંડળ) એ જુદા જુદા લેખકોએ લખેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે અને જીવનની જુદીજુદી દિશાઓને સ્પર્શે છે. સામાન્ય કોટિના બીજા વાર્તાસંગ્રહો અને છૂટક પ્રસિદ્ધ થયેલી વાર્તાઓમાંથી નોંધ લેવા યોગ્ય કેટલીક કૃતિઓને ગણાવી જઈએ. સૂરતની ‘સ્ત્રીશક્તિ ગ્રંથમાળા’માં 'સામાજિક વાતો', 'ગુણિયલ ગૃહિણી', ‘સ્ત્રીસ્વાતંત્ર્ય', ‘બાળવિધવા’ અને ‘સંસારદર્શન' એ વાર્તાસંગ્રહોમાં નારીજીવનના ફૂટ પ્રશ્નો વણાયા છે ‘થેપડા અથવા એક પર બીજી’ (નટવરલાલ તળાજિયા)માં બીજી સ્ત્રી પરણવાનો પ્રશ્ન કાંઈક રમૂજ સાથે સંવાદ દ્વારા છણવામાં આવ્યો છે. શ્રી નાગરદાસ પટેલ તરફથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ ‘ભૂતિયો બંગલો', 'પ્રાયમસનો ભોગ', ‘ખોવાતો ખેલાડી', 'સહેજ ગફલત' અને 'ગુનેહગાર દુનિયા' એ બધી અદ્ભુતતા અને ડિટેક્શનના ચમત્કારો વડે મનોરંજન આપનારી વાર્તાઓ છે, અને મોટે ભાગે અંગ્રેજી ઉપરથી લખાયેલી છે. રામકૃષ્ણ સેવાસમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલી બે વાર્તાઓ 'જીવલેણ ગાડું’ (શ્રી. રાજગોપાલાચારી કૃત કથાનો અનુવાદ) મદ્યનિષેધ માટે, અને ‘અણોજો' (ચુનીલાલ વ. શાહ) હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે બોધક તેમ જ પ્રેરક બને તેવી કૃતિઓ છે. ‘પની અને બીજી વાતો’ (ચંપકલાલ જોષી), 'ઝાંખા કિરણ' (રતિલાલ શાહ), 'વામકુક્ષી' (ભીમાશંકર શર્મા), એ બધા કેવળ સામાન્ય કોટિના વાર્તાસંગ્રહો છે. ‘ગામગોષ્ઠી’ (વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી અને રાવજીભાઈ નાથાભાઈ પટેલ) પ્રૌઢશિક્ષણાર્થે લખાયેલી સરલ વાર્તાઓ છે. ગામડાંના અનેક પ્રશ્નોની ચર્ચા તેમાં સમાવેલી છે. ‘પ્રવાહી હવા' અને 'આપઘાતનો ભેદ’ (નાગરદાસ પટેલ) એ બેઉ મનોરંજક ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. જેમાંની મોટા ભાગની વાર્તાઓ માટેની પ્રેરણા અંગ્રેજીમાંથી મેળવેલી છે. 'ચંદ્રહાસ’ (ઈશ્વરલાલ ખાનસાહેબ), 'અરુંધતી’ (કૌમુદી દેસાઈ), ભીષ્મ’ (વિક્રમરાય મજમુદાર) અને ‘સાવિત્રી’ (શાંતારામ મજબુદાર) એ પૌરાણિક પાત્રો તથા પ્રસંગોની ચરિત્ર રૂપ વાર્તાઓ છે. ‘રઝિયા બેગમ’ (ઇશ્વરલાલ વીમાવાળા) એ ઐતિહાસિક લઘુકથા વિદ્યાર્થીઓને રસ પડે એવી શૈલીથી લખવામાં આવી છે.
અનુવાદિત નવલિકાઓ
'સાવકી મા' (શરદબાબુ)માં ત્રણ કરુણરસિક વાર્તાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સ્ત્રીની માંગલ્યમૂર્તિનું અને હિંદુ સંસારની નિષ્ઠુરતાનું વેધક દર્શન તેમાં જોવા મળે છે. ‘દુર્ગા’ એ નામથી શરદ બાબુની બીજી ત્રણ બૃહન્નવલિકાઓનો અનુવાદ થયો છે જેમાં પણ સ્ત્રીહૃદયના અભિનવ ભાવો, આઘાતો ને સંઘર્ષોનો ચિતાર તથા તેનું રમભર્યું પૃથક્કરણ છે. ‘શિકાર' (કિશનસિંહ ચાવડા) એ હિંદી ઉપરથી લખાયેલી શિકાર વિશેની રોમાંચક અદ્ભુત ઘટનાઓ છે. તેમાંનાં પાત્રો શિકારી માણસો જનથી પણ પશુઓ પણ છે અને તેઓ કથારસની નિષ્પત્તિમાં સારો ભાગ ભજવે છે. ‘જીવનસરિતા’ (સં. ભારતી સાહિત્યસંઘ) એ પરદેશ અને પરપ્રાંતની જીવનસ્પર્શતી વાર્તાઓનું એક સરસ પુસ્તક છે. જર્મનો અને અમેરિકનો જેવા પરદેશીઓ, અફઘાનો તથા ચીનાઓ જેવા પાડોશીઓ અને મુસ્લિમો, કલાકારે, ગામડાંની ડોશીઓ જેવાં ઘરઆંગણનાં પાત્રોની આસપાસના સામાજિક વાતાવરણનું વૈવિધ્ય એ રજૂ કરે છે ચૂંટણી પાછળ પણ વૈવિધ્યની દૃષ્ટિ રહેલી છે. 'અજવાળી રાત' (સં. રવિશંકર રાવળ)એ ગુજરાતી, બંગાળી, મારવાડી, ઇરાની અને અંગેજી પરીકથાના સાહિત્યમાંથી વીણી કાઢેલી સુંદર વાનગી છે, અને લોકકથાના સ્વરૂપમાં સરળ રીતે લખાયેલી છે. ‘વનવનની વેલી’ (શારદાપ્રસાદ વર્માં) મોટે ભાગે અંગ્રેજી ઉપરથી અવતારેલી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. વસ્તુવિધાન સામાન્ય પ્રકારનું છે. 'લાલ પડછાયા' (સુદામો) સમાજસાદી ક્રાન્તિની જ્વાળાનાં સૌમ્ય અને ભીષણ સ્વરૂપોને મૂર્ત કરતી વાર્તાઓ આપે છે તે ઉપરાંત ચીન-જાપાનમાં પ્રસરેલા ક્રાન્તિના ઓળાની કથાઓ પણ છે કથાઓને હિંદી વેશ પહેરાવવામાં લેખકે ઠીક સફળતા મેળવી છે. શૈલી વેગીલી અને પ્રચારકામી છે. એવી જ વેગીલી શૈલીમાં ‘શહીદી' (ચંદ્રભાઈ ભટ્ટ) લખાયેલી છે, જેમાં બે ઈંગ્લાંડના, એક ચીનના અને બે રશિયાના શહીદોની પ્રેરક વાર્તાઓ આપી છે. ‘શામાટે બંધન’ (માણેકલાલ જોષી) એ રોમેનૉફની બે લાંબી વાર્તાઓનો અનુવાદ છે સામ્યવાદી રશિયન સંસારમાંનાં સ્ત્રીપુરુષોના જાતીય સંબંધની મીમાંસા એમાં કરવામાં આવી છે. ‘મુક્તિદ્વાર' (રમણીકલાલ દલાલ)માં વર્તમાન જીવનને સ્પર્શતી દસા વાર્તાઓ સંગ્રહેલી કે સબળી-નબળી બેઉ કોટિની વાર્તાઓ એમાં છે. ‘ઉદ્બોધન’ (પદ્માવતી દેસાઈ) એ એક અમેરિકન લેખકની સાદી નીતિબોધક કથાઓને અનુવાદ છે. ‘ભાભીની બંગડીઓ અને બીજી વાતો’(ગોપાળરાવ કુલકર્ણી): સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય લેખક યશવંત ગોપાળ જોષીની બાર મરાઠી વાર્તાઓનો આ અનુવાદગ્રંથ છે. લખાવટ ચોટદાર, રસિક અને ભાવપૂર્ણ છે તથા કથાવસ્તુઓનો ઉપાડ સરસ રીતે થાય છે. ‘નગરલક્ષ્મી’(રમણલાલ સોની) કવિવર ટાગોરની કેટલીક રસભરિત અને ભાવપૂર્ણ પદ્યકથાઓનો ગદ્યાનુવાદ છે. હાસ્ય-કથાઓ ‘કલમ-ચાબૂક’, ‘હું રાજા હોઉં તો’ અને ‘અક્કલના ઈજારદાર’ (‘બેકાર’) એ ત્રણે સંગ્રહો હાસ્ય ઉપજાવે તેવી કથાઓ, કટાક્ષચિત્રો ને પ્રસંગવર્ણનોના છે. લેખકની સર્વ પ્રકારની કૃતિઓ સ્થૂળ હાસ્ય ઉપજાવે છે. પહેલા સંગ્રહમાં શબ્દચાતુર્યથી નિષ્પન્ન થતા હાસ્યના પ્રસંગો અને કટાક્ષચિત્રો મોટે ભાગે છે. બીજામાં વિચિત્ર પાત્રો, વિચિત્ર પ્રસંગો અને જુદીજુદી બોલીઓનો ઉપયોગ કરીને નિર્દોષ ટીખળ ઉપજાવવામાં આવ્યાં છે અતિશયોક્તિ અને કૃત્રિમતા હાસ્યને માટે સ્વાભાવિક લેખાય તેટલા પ્રમાણમાં છે ત્રીજામાં વિચિત્ર વ્યવહારો અને પ્રસંગોમાંથી વર્ણનો દ્વારા અને કથાઓ દ્રારા હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે ત્રણે સંગ્રહો ઉપરથી જોઈ શકાય છે કે હાસ્ય ઉપજાવનારા પ્રસંગો શોધવાની લેખકને દૃષ્ટિ છે, પરન્તુ બધામાં જે એક સામાન્ય તત્ત્વ જોવામાં આવે છે તે વાણીપ્રયોગો-બોલીની વિકૃતિઓ-દ્વારા હાસ્ય ઉપજાવવાનું છે એવા પ્રસંગો શ્રોતાઓની વચ્ચે જેટલા રમૂજી બને તેટલા વાચન દ્વારા ન બની શકે મોટે ભાગે પ્રસંગકથાઓ અને કટાક્ષચિત્રોના આ સંગ્રહો હોઈને તેમને કથાઓના વિભાગમાં ઉલ્લેખ્યા છે, નહિતો તેમાં બીજી પ્રકીર્ણતા યે સારી પેઠે છે. ‘મસ્ત ફકીરનાં હાસ્યછાંટણાં’ (‘મસ્ત ફકીર’)માં ૧૯ લેખો છે; તેમાં અર્ધ ઉપરાંત કથાઓ, શબ્દચિત્રો અને પ્રાસંગિક હાસ્યોત્પાદક કથાનકો છે. લેખો કરતાં કથાઓ, વિશેષ રમૂજ આપે તેવી છે લેખકની દૃષ્ટિ મુંબઈમાં વસતા મધ્યમ વર્ગના ગુજરાતીઓના જીવનમાં ફરી વળીને રમૂજ શોધી આપે છે. 'મારાં માસીબા’ (‘વિનોદ’: ચંદુલાલ હરિલાલ ગાંધી)માં લેખકે રમૂજી કથાઓ ઉપરાંત નિબંધાત્મક લેખો અને પ્રસંગચિત્રો પણ આપેલાં છે, પરન્તુ કથાઓ અને પ્રસંગચિત્રોમાં તેમની હાસ્યલેખનશૈલી વધુ સફળ થાય છે. લેખક પોતાને પણ રમૂજનો વિષય બનાવે છે. શૈલીમાં શિષ્ટતા અને સંયમ છે. તેમનો વિનોદ મોટે ભાગે સપાટી પરનો હોય છે-ઊંડો કે માર્મિક નથી હોતો. ‘હાસ્યાંકુર’ (હરિપ્રસાદ વ્યાસ)માંની હાસ્યકથાઓ ચાતુર્યયુક્ત વિનોદ અને શિષ્ટ હાસ્યરસ આપનારી છે. પાત્રોના સ્વભાવનાં સંઘર્ષણમાંથી વિનોદ ઉપજાવવાની કળા તેમણે ઠીકઠીક સંપાદન કરી છે. ‘આનંદબત્રીસી’ (જદુરાય ખંધડિયા) એ ગલીપચી કરીને કે લેખક જાતે હસીને વાચકને હસાવવાને મથતા હોય તેવા પ્રકારનાં કથાનકોનો સંગ્રહ છે. 'હાસ્યનૈવેધ’ (‘અગ્નિકુમાર’: બળવંત સંઘવી): માનવસ્વભાવની વિચિત્રતા અને નિર્બળતા, પ્રસંગ તથા પાત્રો વચ્ચે રહેલી અસંગતિ, વાણી અને વર્તન તથા વ્યવહાર અને સિદ્ધાન્તની વચ્ચેનો વિરોધ, એ સર્વને હાસ્યનાં સાધનો બનાવીને આ સંગ્રહમાંના લેખો કથાનકો અને પ્રસંગચિત્રો આલેખવામાં આવ્યાં છે. લેખકમાં દૃષ્ટિ છે પણ શૈલી કાચી છે. ‘વાતોનાં વડાં’ (બળદેવ મોલિયા) નિત્યજીવનનાં હળવાં પાસાં શોધી કટાક્ષ અને ટકોર સાથે નિર્દોષ રમૂજ ઉપજાવે છે. એની શૈલી ગંભીર છે, પણ વેધક દૃષ્ટિ વિષમતાઓને પકડી લઈને હાસ્ય ઉત્પન્ન કરે છે. ‘પ્રભાતકિરણો' (રમણલાલ સોની)એ પ્રભાતકુમાર મુખોપાધ્યાયની પ્રધાનપણે હાસ્યરસની વાર્તાઓનો અનુવાદ છે. તેમાં ઠાવકો કટાક્ષ અને અતિશ્યોકિત છે, પરન્તુ અતિશ્યોકિત અપ્રતીતિકર નથી, એટલે તે શિષ્ટ વિનોદનું સાધન બને છે.
***
નવલકથા
પાંચ વર્ષનાં પ્રકાશનોમાં નવલકથાઓનો ફાળો સૌથી મોટો છે. સર્વે પ્રકારોની મળીને આશરે પોણા બસો નવલકથાઓ (નવી આવૃત્તિઓ બાદ કરતાં) પ્રસિદ્ધ થઈ છે, જેમાંનો ત્રીજો ભાગ ઇતર ભાષાઓમાંથી અનુવાદિત નવલકથાઓનો છે. તેની પહેલાંનાં પાંચ વર્ષ કરતાં આ વિભાગ વધારે સમૃદ્ધ થયો છે અને પહેલી હરોળમાં આવીને ઊભી રહે એવી નવલકથાઓનું પ્રમાણ પણ પહેલાં કરતાં મોટું છે. ઐતિહાસિક, સાંસારિક, સામાજિક, રાષ્ટ્રીય, મનોરંજક અને હાસ્યરસિક એટલા પ્રકારોમાં વર્ગણી કરીને જોઈએ તો વિવિધતા જણાઈ આવે છે, પરંતુ પ્રત્યેક પ્રકારમાં જે વિવિધતા શોધવા માગીએ તો તે મર્યાદિત બની જાય છે. અનુવાદિત નવલકથાઓમાં પણ જે કાંઈ વૈવિધ્ય છે તે અંગ્રેજીને આધારે લખાયેલી કથાઓને લીધે છે, બાકી તો શરદબાબુ અને બંકિમબાબુની નવલકથાઓના અનુવાદો ઘણા વધુ છે અને તેમાં નારીજીવનનાં જુદાંજુદાં પાસાંઓ જ જોવા મળે છે. અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, પ્રવાસ કે સાહસ વિષયની કોઈ સારી નવલકથા લખાઈ નથી. રાષ્ટ્રીય આંદોલને વ્યક્તિ-સમષ્ટિ પર જે અસર કરી છે તેના ફળ રૂપે થોડી નવલકથાઓ લખાઈ છે પણ એ આંદોલનની આડકતરી અસર તો ઐતિહાસિક, સામાજિક તથા સાંસારિક નવલકથાઓમાં પણ સારી પેઠે જોવા મળે છે. એકંદરે જોઈએ તો નવલકથાવિભાગ સંખ્યા તથા ગુણવત્તામાં ચઢતો જતો જોવામાં આવે છે.
ઐતિહાસિક
ઐતિહાસિક નવલકથાઓમાંની અર્ધી કેવળ ગુજરાત અને કાઠિયાવાડના ઐતિહાસિક બનાવો તથા ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓને કથા દ્વારા રજૂ કરવા માટે લખાઈ છે. બાકીની નવલકથાઓ ભારતનો પુરાતન તથા નજીકનો ભૂતકાળ, માળવા-મેવાડનો પ્રાચીન તથા મધ્યકાળ, ઝાંઝીબારનો નજીકનો ભૂતકાળ અને રોમનો પ્રાચીન કાળ: તે તે દેશ તથા તે તે કાળને સ્પર્શીને લખાઈ છે. પૂર્વેના કોઈ પણ પાંચ વર્ષના ગાળામાં ઐતિહાસિક નવલકથાઓ આટલી સંખ્યામાં અને આટલી વિવિધતાયુક્ત પ્રસિદ્ધ થઈ નથી. ‘વિરાટ જાગે છે ત્યારે’ (ગુણવંતરાય આચાર્ય)માં વનરાજની પાટણની સ્થાપનાનો ઇતિહાસ વણી લેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વનરાજની રાજ્યસ્થાપનાની સફળતાનું રહસ્ય કાંઈ અનેરું જ તારવી આપવામાં આવ્યું છે. વનરાજની સાથે સંપર્ક રાખનારાં ઐતિહાસિક પાત્રો તેમાં આવે છે, પરંતુ તેમના સંબંધમાં પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને લેખકે બદલાવી છે અને ઐતિહાસિક માંડણી પર અર્વાચીન ભાવનાચોઢી છે. કથારસનો નિભાવ ઠીક થાય છે અને તેજસ્વી શૈલી સરસ છાપ પાડે છે. ‘જય સોમનાથ’ (કનૈયાવાલ મુનશી)માં લેખકે મહમૂદ ગઝનવીએ ભીમદેવના કાળમાં સોરઠના સોમનાથ મહાદેવના મંદિર પર કરેલી ચઢાઈનો ઐતિહાસિક પ્રસંગ વણી લીધો છે અને તે દ્વારા ગુજરાતના વીરોનું વીરત્વ, મુત્સદ્દીઓનું વ્યૂહપટુત્વ, શૈવોની ધર્મશ્રદ્ધાળુતા અને ધર્માર્થે બલિદાન-તત્પરતા ઉત્કૃષ્ટ રીતે દાખવ્યાં છે. પાત્રોનાં તેજ અને મુખ્યત્વે કરીને નાયિકા ચૌલાદેવીનું ભાવનાશીલ જીવન આંજી નાંખે તેવાં છે. કાર્યના વેગ અને વાતાવરણ જમાવવાની કુશળતાથી લેખકે આ કથા દ્વારા ઉત્તમ ઇતિહાસ-રસ આપ્યો છે એમાં શંકા નથી. ‘ચૌલાદેવી’ (ધૂમકેતુ)એ પણ ભીમદેવના ઇતિહાસકાળની અને ‘જય સોમનાથ'ની જ નાયિકાને મોખરે રાખતી નવલકથા છે. એનાં પાત્રો પણ તેજસ્વી છે, પરન્તુ એ તેજ પાથરનારી કલ્પનાઓમાં વાસ્તવિકતાની ખામી છે. કાર્યવેગ લાવવામાં આવ્યો છે પણ તે કૃત્રિમ લાગે છે. એમાંની ચૌલા રાષ્ટ્રોદ્વારની ભાવનામૂર્તિ કરતાં એ મૂર્તિના બનાવટી બીબા જેવી વધુ લાગે છે. ઐતિહાસિક પાત્રો અને પ્રસંગોની એ નવલકથા છે અને એમાંના કેટલાક પ્રસંગો સરસ રીતે દીપી પણ નીકળે છે, પરન્તુ એ પ્રસંગોનાં જોડાણ નથી લાગતાં; છતાં તેમાં તેજસ્વી નારીત્વનું કાલ્પનિક દર્શન ઉત્કૃષ્ટ રીતે કરાવવામાં આવ્યું છે. ‘સતી જસમા' (ભીમભાઈ વક્તાણાકર) સિદ્ધરાજના સમયમાં થઈ ગયેલી મનાતી જસમાના રાસડા અને ગરબાને આધારે લખાયેલી એક આખ્યાયિકા છે.પાતિવ્રત્યની પૂનિતતા દર્શાવવાનો તેનો હેતુ છે. શૈલી કેવળ સામાન્ય કોટિની છે. ‘સાન્તૂ મહેતા' (ધીરજલાવ ધ શાહ): સિદ્ધરાજના સમયમાં જે વીર મુત્સદ્દીઓ થઈ ગયા છે તેમાંના એકની આ ચરિત્રકથા ત્રણ ભાગમાં પૂરી થઈ છે. તે ચરિત્રકથા છે કારણ કે કથાનાયકના જીવનના બધા પ્રસંગો અનુક્રમે કથામાં વણી લેવામાં આવ્યા છે. સાન્તૂ મહેતાના વીર મુત્સદ્દી તરીકેના અનેક ગુણો તેથી પ્રકાશમાં આવે છે. પ્રસંગોની ગોઠવણી કલાયુક્ત નથી તેથી કાર્યનો વેગ દાખવવામાં આવ્યા છતાં ઘણું નિરર્થક લંબાણ અને અનાવશ્યક સંવાદો વચ્ચેવચ્ચે વિરસતા આણે છે. પ્રત્યેક ભાગનો નોખોનોખો ધ્વનિ હોય અને એ ધ્વનિને વિશદ કરવા પૂરતા પ્રસંગોની ગૂંથણી હોય તો ચરિત્રકથાના ભાગો પણ એકએક રસપૂર્ણ ઐતિહાસિક નવલકથા બની શકે. 'રાજહત્યા' (ચુનીલાલ વ. શાહ)માં ગુર્જરેશ્વર અજયપાળની તેના સેવકે કરેલી હત્યાના કાર્યકારણભાવને વિશદ કરનારા પ્રસંગો તથા તદનુરૂપ પાત્રોની ગૂંથણી કરવામાં આવી છે. કથાનો પ્રવાહ ધીર-ગંભીર રીતે વહે છે. અજયપાળની ક્રૂરતાનો અતિરેક એક જૈન મુનિના વીરમૃત્યુ દ્વારા અને રાજહત્યા કરનારા સેવકની ભાવનાનો ચિતાર તેના પુત્રીપ્રેમ દ્વારા દર્શાવ્યો છે. ‘ગુજરાતનો જય’ (ઝવેરચંદ મેઘાણી)એ વાઘેલા વંશના રાજત્વના પ્રારંભકાળની નવલકથા છે. વીરધવલ અને લવણપ્રસાદ તથા જૈન મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળના ઐતિહાસિક, રાજકારણીય અને સાંસારિક જીવનપ્રસંગોને ગૂંથી લઈને તે લખાઇ છે. તેરમી સદીના ગુજરાતનું વાતાવરણ એમાં સરસ રીતે જામે છે. ‘સોલંકીનો સૂર્યાસ્ત અથવા વાઘેલાનો ચંદ્રોદય’ (જેઠાલાલ નારાયણ ત્રિવેદી) એ સોલંકી વંશના છેલ્લા રાજા ભોળા ભીમદેવના રાજત્વના ઉત્તરાર્ધની અને, વાઘેલા વંશના વીસલદેવ તથા વીરધવલના ઉદયની કથા છે. પાત્રયોજનામાં શ્રી. મુનશીનું અનુસરણ જણાઈ આવે છે. ઐતિહાસિક પ્રસંગોની સાથે થોડી લોકકથાઓને પણ વણી લેવામાં આવી છે. ‘ગુજરાતી’ પત્રનું ૧૯૪૧ની સાલનું એ ભેટનું પુસ્તક છે. ‘ગુજરાતના વેરની વસુલાત’ (નર્મદાશંકર વ. ત્રિવેદી) એ ‘ગુજરાતી’ પત્રનું ૧૯૩૭નું ભેટપુસ્તક ગુજરાતના છેલ્લા રાજા કરણ વાઘેલાને લાગેલું કલંક ભૂંસવાને લખાયેલી ઐતિહાસિક નવલકથાનું છે. કરણને લંપટ આલેખવામાં ભાટ-બારોટો અને ‘કહાનડદે પ્રબંધે’ અન્યાય કર્યો છે એવી માન્યતાપૂર્વક આ કથામાં કરણને ચારિત્ર્યશીલ આલેખીને ખીલજી વંશના બાદશાહોનાં એક પછી એક થયેલાં ખુનોમાં ખુદ કરણે ભાગ ભજવીને વેરની વસૂલાત કરી હોવાનું કલ્પનારંગી પરન્તુ રસભર્યું ચિત્ર નિપજાવવામાં આવ્યું છે. કથા માટે ઐતિહાસિક આધારનું જે તરણું લેખકને મળ્યું છે તે એટલું જ છે કે કરણના સંબંધમાં પ્રાપ્ત થયેલાં તામ્રપત્રો કે શિલાલેખો પરથી કરણ સ્ત્રી-લંપટ નથી જણાતો, તો તેના ચારિત્ર્ય પરના કલંકને સ્થાન જ કેવી રીતે હોઇ શકે? ‘અણહિલવાડનો યુવરાજ' (નૌતમકાન્ત સાહિત્યવિલાસી) એ ચાવડા વંશના ઇતિહાસમાંથી યોગરાજના જીવનને અવલંબીને મોટે ભાગે કલ્પનાસૃષ્ટિથી ગૂંથેલી નવલકથા છે. એ રીતે એ ઐતિહાસિકને બદલે, ઇતિહાસાભાસી નવલકથા વધુ પ્રમાણમાં બને છે. પાત્રાલેખન કે પ્રસંગાવધાન પણ ચોટદાર નથી; જોકે ખટપટ અને કાવતરાંની વાતો ઠીકઠીક ગોઠવી દીધી છે. ‘સોરઠપતિ' અને ‘સોમનાથની સખાતે’ (ગોકુળદાસ રાયચુરા) એ બેઉ નવલકથાઓ જૂનાગઢના ચુડાસમા રા'નવઘણના જીવનપ્રસંગોને વણી લે છે. ગુજરાતનો સોલંકી વંશનો ઇતિહાસ જેવો તેજસ્વી છે તેવો જ તેજસ્વી કાઠિયાવાડના ચુડાસમા વંશનો ઇતિહાસ છે. શ્રી રાયચુરાએ આ વંશના ઇતિહાસની સાત નવલકથાઓ લખી છે તેમાંની આ બે છે. એકલા રા'નવઘણના ચરિત્રને જ ગૂંથી લેતી તેમની બીજી બે નવલકથાઓ 'નગાધિરાજ' અને 'કુલદીપક' છે. રા'નવઘણના વખતમાં જ મહમૂદ ગઝનવી સોમનાથ ઉપર ચઢાઈ લાવ્યો હતો અને રા’નવઘણ ગુર્જરેશ્વર ભીમદેવની મદદે સેના લઇને ગયો હતો એ પ્રસંગ અને તેને અનુકૂળ વીરત્વપૂર્ણ વાતાવરણ 'સોમનાથની સખાતે’માં આલેખવામાં આવ્યું છે. રા'નવઘણના ચરિત્રની ચારે કથાઓ એકબીજી સાથે સંકળાયેલી છે, એટલે સ્વતંત્ર નવલકથા તરીકે તે વાચનીય બની શકતી નથી વાર્તાઓ વિગતોથી રસપૂર્ણ બને છે, પણ પાત્રોનાં આલેખન ઉઠાવદાર નથી થતાં. ‘રા'ગંગાજળિયો' (ઝવેરચંદ મેઘાણી)એ જૂનાગઢનો છેલ્લો ચુડાસમા વંશનો રાજા રા’માંડલિક. તેના અસ્તકાળ અને ગુજરાતના સુલ્તાન મહમ્મદ બેગડાના ઉદયકાળનું ચિત્ર આ કથામાં સબળરીતે આલેખવામાં આવ્યું છે. વહેમો અને ચમત્કારોમાં માનતા તત્કાલીન સમાજનું માનસ તેમાં સરસ રીતે દાખવ્યું છે. માંડલિક મિત્રના ઘર પર કૂડી નજર નાખીને વિનિપાત પામે છે, નરસિંહ મહેતાને હાર લાવી આપવાનું ફરમાવી પજવે છે, એવા લોકકથાના પ્રસંગો તેમાં વણી લેવામાં આવ્યા છે. ‘સમરાંગણ’ (ઝવેરચંદ મેઘાણી): ગુજરાતની મુસ્લિમ સુલ્તાનીના અસ્તકાળની એ કથા છે અને જાણીતા ભૂચરમોરીના યુદ્ધની આરસપાસ તાણાવાણા ગૂંથીને તેનો કથાપટ નિર્માણ કરવામાં આવ્યો છે. સોરઠના રાજપૂત રાજાઓના આશ્રિત સુલ્તાન મુજફરના રક્ષણ ખાતર એ રાજાઓએ અકબરશાહની સેના સામે યુદ્ધ આદર્યું હતું, તેમાં કેટલાકોએ પાછળથી દગો દીધો હતો અને પરિણામે હારી જવાથી મુજફરને આપઘાત કરવો પડ્યો હતો એ રોમાંચક ઘટનાને આ કથા સરસ રીતે સજીવ કરી શકી છે. ‘જગતના મંદિરમાં’ (ગુણવંતરાય આચાર્ય) એ નવકથા ઓખામંડળના વાઘેરોના સ્વાધીનતાના સંગ્રામને અભિનવ રંગે રંગી બતાવે છે. આ જ ઇતિહાસની એક-બે નવલકથાઓ પૂર્વે લખાયેલી છે, પણ આ કથા તેથી અનેક રીતે જુદી પડે છે. કથાના ઈષ્ટ ધ્વનિને પોષવાને માટે ઇતિહાસનાં આકરાં બંધનને લેખક સ્વીકારતા નથી, પરંતુ કથાકાળના વાતવરણને સુરેખ રીતે સર્જવાની અને પાત્રોને જીવંત બનાવી મૂકવાની શેલી તેમને વરી છે તે વાર્તારસનું સારીપેઠે પોષણ કરે છે. લેખક ઇતિહાસને વર્તમાનકાળની અપેક્ષાએ જોઇને તે દ્વારા ધ્યેયનિષ્ઠ કથાની રચના કરે છે એટલે કથારસ મળે છે, પરન્તુ ઐતિહાસિક નવલકથાનો લાક્ષણિક ઇતિહાસરસ નથી મળતો. ‘ખાપરા-કોડિયાનાં પરાક્રમો’ (કેશવલાલ સામલાકર): સાલપરનો 'ખાપરો' અને કોડીનારનો ‘કોડિયો’ એ લોકકથામાં જળવાયેલી ઐતિહાસિક વ્યક્તિઓ છે. એ ઠગ-લુટારાનાં શૌર્ય તથા પરાક્રમોથી ભરપૂર આ કથા છે. તળપદી સોરઠી ભાષા વાતાવરણને જમાવવામાં ઠીક મદદગાર બને છે અને લખાવટ જૂની લઢણની હોવા છતાં કથારસ જાળવી રાખે છે. ‘જોતીઓ સરદાર’ (વસંત શુક્લ) સુરત જિલ્લામાં પાંત્રીસેક વર્ષ પર થઈ ગયેલા એક ભીલ બહારવટિયાની આ રોમાંચક ઐતિહાસિક નવલકથા છે. જોતિયો ક્રૂર હતો તેવો જ દયાળુ હતો તેનાં અનેક પરાક્રમો આ કથામાં વણી લેવામાં આવ્યાં છે. છેવટે તે દગાથી પકડાઇને ફાંસીએ ચઢ્યો હતો. રક્તપિપાસુ રાજકુમારી’ (જેઠાલાલ હ. મહેતા) પાલીતાણાના રાજા ઊનડની પ્રિયતમા પાટલદેવી અને બીજી જશવંતકુમારી, એ બે વિરુદ્ધ સ્વભાવનાં પાત્રોના ઘર્ષણમાં આખી નવલકથા પૂરી થાય છે. કોઈ લોકકથા જ આધારભૂત હોય તેમ જણાય છે. શૈલી અતિ સામાન્ય છે. ‘સમ્રાટ્ વિક્રમ અથવા અવંતીપતિ (જેઠાલાલ ત્રિવેદી):સુપ્રસિદ્ધ રાજા વિક્રમની કથા પ્રબંધ-વાર્તિકોની મેળવણી દ્વારા નિરૂપવાનો પ્રયત્ન આ નવલકથામાં કરવામાં આવ્યો છે. પ્રાચીન માળવાના વાતાવરણનું સર્જન કરવાને તાંત્રિકોની મેલી વિદ્યાના પ્રયોગો, સુવર્ણસિદ્ધિ, જ્યોતિષનો ચમત્કાર, વિષનો પ્રયોગ ઇત્યાદિને ઉપયોગમાં લેવામાં આવ્યાં છે. ચમત્કારોનો ઉકેલ કોઈ વાર વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે અને કોઈ વાર અણઉકેલ્યો પણ રહે છે. કથાનો પટ પહોળો બન્યો છે પણ સચોટ નથી બન્યો. પાત્રો પ્રતિભાશાળી હોવા છતાં આલેખન ઝાંખું રહ્યું છે. ‘અવન્તીનાથ’ અને ‘રૂપમતી’ (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ જુદાજુદા સમયના માલવપ્રદેશની છે. ‘અવન્તીનાથ’માં સુપ્રસિદ્ધ રાજા ભોજના જીવનનનો કાળ આલેખાયો છે. ‘રાજા ભોજ અને ગાંગો તઈલ’ એ કહેવતની ઐતિહાસિક સિદ્ધતા, ચેદીના ગાંગેય અને કર્ણાટકના તઈલ રાજાના પુત્રો સાથેના યુદ્ધમાં ભોજની પહેલાંની જીત અને પછીની હાર છતાં સાત્વિક વિજય દર્શાવીને કરવામાં આવી છે. એકંદરે ભોજની વીરતા, વિદ્વત્તા, ઉદારતા તથા સંસ્કારનો, તેના જીવનના ઘડતરના પ્રયોગો દ્વારા સરસ રીતે પરિચય કરાવવામાં આવ્યો છે. કથાવેગ ધીરો છે પણ રસનિર્વાહ છેવટ સુધી થાય છે. ‘રૂપમતી' એ ઐતિહાસિક પ્રેમકથા છે. માળવાના સુલ્તાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમાંકુરથી માંડીને બાઝના પ્રેમ પાછળ રૂપમતીના આત્મવિસર્જન સુધીની કથા અકબરના માળવાના રાજકારણ તથા બાઝ સાથેના યુદ્ધની કથા સાથે ગૂંથીને આપવામાં આવી છે. ‘વીર દયાળદાસ’ (નાગકુમાર મકાતી): રાજસિંહના મંત્રી તરીકે ઔરંગઝેબ સામે અને મોગલ સલ્તનત સામે ઝૂઝનાર ટેકીલા જૈન યોદ્ધા દયાળદાસની આ નવલકથામાં શાહીવાદના પ્રતીક સામે સ્વતંત્રતાના પ્રતીકની અથડામણનું રસભરિત રીતે દર્શન કરાવવામાં આવ્યું છે. સંવાદો, વર્ણનો અને વાતાવરણની જમાવટમાં લેખકે સારી હથોટી બતાવી છે. લેખકની શૈલી હકીકતની શુષ્કતાને નિવારીને રસનિભાવ કરે છે. ‘ડગમગતી શહેનશાહત યાને શેતરંજના દાવ’ (અમૃતલાલ રતનજી ત્રિવેદી): મોગલ સમ્રાટ જહાંગીરના જીવનનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે મોગલ સામ્રાજ્ય નબળું પડતું જતું હતું તે સમયના બનાવોને એમાં ગૂંથેલા છે. જહાંગીરના જીવતાં જ તેના પુત્રોના શરૂ થયેલા રાજકીય કાવાદાવા અને કપટજાળનો તે ખ્યાલ આપે છે. ‘ગુરુસ્વામી’ (દામોદર સાંગાણી) એ પાણીપતના યુદ્ધ પછીની પેશવાઈની ઐતિહાસિક ભૂમિકા પર લખાયેલી નવલકથા છે. એટલે વાતાવરણમાં ઐતિહાસિક તત્વ ગૂંથાયું છે; પરંતુ કથાનો પટ પ્રેમત્રિકોણ અને રાજ્યખટપટની વચ્ચે પથરાઈ રહે છે, એટલે રસનિષ્પત્તિમાં ઇતિહાસ કાંઈ તાત્ત્વિક ફાળો આપતો નથી; માત્ર ‘ધર્મનો જય અને પાપનો ક્ષય' એ ધ્યેયને પ્રકટ કરે છે. કલાવિધાનમાં કચાશ છે. 'બંધન અને મુક્તિ' (દર્શક)નો વિષય ૧૮૫૭ના વિપ્લવયુદ્ધનું આલેખન છે, પરન્તુ ખરું યુદ્ધ તો કથાનાયકના હૃદયમાં મચેલું છે. પ્રેમ અને શિસ્ત, શિસ્ત અને માનવતાનાં પરસ્પર વિરુદ્ધ ખેંચાણો પાત્રો માટે ચાલ્યા કરે છે. યુદ્ધમાં ગૌરવાન્વિત માનવતા હારે છે, પરંતુ કથાની રસનિષ્પત્તિ જીતી જાય છે. 'ઠગ' (રમણલાલ વ. દેસાઈ)માં એકાદ-બે ઐતિહાસિક પાત્રો છે, છતાં કંપની સરકારના રાજત્વનું_વાતાવરણ કથાની ઐતિહાસિક પીઠિકા બને છે. ઠગલોકોની સંસ્થાના ઉલ્કાપાતોનો ઇતિહાસ, પ્રેમ-શૌર્ય, ધૈર્ય, ઔદાર્યને સ્ફુટ કરતી કથા દ્વારા રજૂ કરવાનો તેમાં સરસ પ્રયત્ન થયો છે. ‘ભગવો નેજો’ અને ‘દરિયાલાલ' (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નલકથાઓ પૂર્વ આફ્રિકામાં વસેલા ગુજરાતીઓનાં પરાક્રમોની કથાઓ છે. તેમાંની પહેલી, હિંદી સંસ્કૃતિનો ભગવો નેજો ફરકાવતી ગુજરાતી કોઠીની વસાહત પર આવેલા એક તોફાની મામલાની કથા છે. બીજી, ઝાંઝીબારમાં ગોરી વસાહતો ગુલામોનો વેપાર કરતી હતી ત્યારે તેમાં સાથે આપતી એક ગુજરાતી પેઢીના નોકરે એ અમાનુષી વેપારથી ત્રાસીને મૂળ વતનીઓને સાથે દઈ ગુલામો થતા બચાવ્યા તથા તેમને લવીંગની ખેતીમાં વળગાડ્યા તેના પરાક્રમની કથા છે. બેઉ કથાઓ ઝડપી વસ્તુવિકાસવાળી, સાહસપ્રચુર, ભયંકર ઘટનાઓથી રોમાંચક અને પ્રકૃતિસૌંદર્યની વચ્ચે મૂકેલાં ચેતનવંતાં પાત્રોથી સજીવ બની છે. પૂર્વ આફ્રિકાના પ્રદેશનાં વર્ણનો કેટલાં વાસ્તવિક છે તે કહી શકાય તેમ નથી, પરંતુ કથામાં ખૂંચે તેવી અવાસ્તવિકતા જણાતી નથી. ‘જળસમાધિ' એ જ લેખકની ત્રીજી નવલકથા પણ હિંદના દરિયાઈ વાતાવરણને સ્પર્શીને લખાઈ છે. હિંદના કિનારાને પરદેશી ચાંચિયાઓથી રક્ષવામાં હિંદી ખલાસીઓએ બતાવેલી બહાદુરીને તે મોખરે મૂકે છે. ઇતિહાસ તથા લોકકથા બેઉનો આધાર લેખકે લીધો છે અને રસની જમાવટ ઠીક કરી છે. ‘ક્ષિતિજ’ (રમણલાવ વ. દેસાઈ)ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એ બેઉ ખંડોમાં ગુપ્ત સામ્રાજ્યની પૂર્વેની નવલકયા છે. હિંદમાં નાગો અને ભારશૈવોએ સ્થાપેલાં સામ્રાજ્યોનો સમય તે મૂર્તિમંત કરે છે સામ્રાજ્યોની ઘડતરક્રિયાઓનું અને તે થતાં પૂર્વે જાગતા મનોભાવો તથા અભિલાષોનું દર્શન કરાવવાનો મુખ્ય હેતુ કથા પાછળ છે માનવભૂમિનું અટકસ્થાન તે ક્ષિતિજ, ક્ષિતિજની પેલે પાર શું હશે તે જાણવાની જિજ્ઞાસા પ્રકટતાં માનવી આગળ વધે છે અને તેની ક્ષિતિજ વિસ્તરે છે; આમ ક્ષિતિજભૂમિ આદર્શોનું ધામ કલ્પીને અને આર્યોની ક્ષિતિજ એક પછી એક વિજય થતાં લંબાયે જ જાય છે તેનું દર્શન કરાવીને 'ક્ષિતિજ' નવલકથા રાજ્યસંસ્થા, સમાજસંસ્થા અને માનવજગતના તત્ત્વચિંતનમાં વાચકોને છૂટા મૂકે છે. કથા માત્ર ઇતિહાસનો પુટ પામી છે, વસ્તુતઃ તે નિજસંસ્કૃતિનું ઘડતર કરી રહેવા આર્યોની કથા છે. કથા રસનિષ્પત્તિમાં સારો ટકાવ કરે છે. કલિંગનું યુદ્ધ’ (સુશીલ) એ, ચક્રવની મહારાજા ખારવેલના કલિંગ દેશ પર હલ્લો કરી અશોકે જે ભારે કતલ ચવાવી હતી તેનું દર્શન કરાવતાં વિક્રમ સંવત પૂર્વેના બસો વર્ષના સમયનું વાતાવરણ સર્જી આપે છે. અશોકને લેખકે વિકૃત સ્વરૂપમાં આલેખવાનો યત્ન કરતાં તેની ધર્મપ્રચારદૃષ્ટિને સામ્રાજ્યવાદી જણાવી છે. હકીકતે નવલકથા ઇતિહાસને વફાદાર રહે છે, દૃષ્ટિમાં ભેદ છે. ‘તક્ષશીલાની રાજમાતા’ (ઉછરંગરાય ઓઝા): સિકંદરે તક્ષશીલા વિદ્યાપીઠ પર કરેલી ચઢાઈ એ આ કથાનું વસ્તુ છે. વસ્તુ ઐતિહાસિક છે, પણ પાત્રાલેખન નબળું છે એટલે તે કાળનું વાતાવરણ મૂર્તિમંત બનતું નથી. 'ભારતી' (વાભજી દેસાઈ)એ મહાભારતની સંક્ષિપ્ત અને સારભૂત કથા છે. ‘સ્થૂલિભદ્ર' ('જગભિખ્ખુ’)એ જૈન પુરાણાંતર્ગત એક ધર્મકથાનું નવલસ્વરૂ૫ છે. કથામાંના જૈન પારિભાષિક તત્ત્વને અળગું કરીને કથાને સામાન્ય માનવતત્ત્વથી ઓતપ્રોત બનાવવાની દૃષ્ટિ તેમાં તરી આવે છે. ‘મહર્ષિમેતારજ’ એ એ જ લેખકની બીજી નવકથા અને તે પણ જૈન પુરાણકથાનું નવીન શૈલી દ્વારા થયેલું નિરૂપણ છે. તેમાંનાં કેટલાંક પાત્રોનાં આલેખન પ્રથમ કથા કરતાં વધારે સુભગ થયાં છે. કવિતાની કક્ષાએ પહોંચતું રંગદર્શી આલેખન એ લેખકની શૈલીની વિશિષ્ટતા છે અને એ શૈલી જ્યાં સંયત રહે છે ત્યાં સરસ ઉઠાવ આપે છે. ‘જીવનનું ઝેર’ (હરજીવન સોમૈયા):રોમન સામ્રાજ્યમાંથી વસ્તુને શોધીને તેને સારી પેઠે અભ્યાસ કરીને લેખકે આ કથા લખી છે. પરદેશી વાતાવરણ, પરદેશી સંસ્કારવાળા પાત્રો અને અત્યંત દૂરના ભૂતકાળનો સમય, એ બંધાને ન્યાય આપવા લેખકે સારી પેઠે મથન કર્યું હોય એમ જણાઈ આવે છે. નીરોની માતા એગ્રીપીનાની મહત્ત્વાકાંક્ષા જીવનને બદલે જીવનના ઝેર રૂપ કેવી રીતે બને છે તેનું તેમાં દર્શન કરાવ્યું છે. ઐતિહાસિક નવલકથાનાં તત્ત્વોથી આ પુસ્તક ભરચક છે. તેની માંડણી અને ખીલવણીની કલામાં કેટલીક ઊણપ લાગે છે. 'ગુલામ' (ચંદ્રભાઈ કા. ભટ્ટ): પ્રાચીન રોમમાં અસ્તિત્વ ધરાવતી ગુલામીની પ્રથા પર રચાયેલી આ કથા ‘સ્પાર્ટેક્સ' નામના અંગ્રેજી પુસ્તકમાંની માહિતીને આધારે લખાયેલી છે. સ્પાર્ટેક્સનું પૌરુષ સરસ આલેખાયું છે. કથનશૈલીમાંની અતિશયોકિત કેટલીક વાર વાસ્તવિકતાને હણે છે, છતાં પરદેશના પ્રાચીન કાળના વાતાવરણને એક ગુજરાની લેખક આલેખે છે એ જોતાં તેમાંની ઊણપને ક્ષંતવ્ય લેખી શકાય.
સાંસારિક
સાંસારિક નવલકથાઓમાંની ઘણીખરી પ્રેમ અને લગ્નની આસપાસ પરિક્રમણ કરતાં પરિણીત જીવનના વિધવિધ પ્રશ્નો ઉપસ્થિત કરીને તેની છણાવટ કરે છે. વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલાં નવવિચારનાં મોજાંએ, રાજકારણમાં, અર્થકારણમાં અને સમાજમાં પ્રસરતી જતી ક્રાન્તિકારી ભાવનાએ આર્ય સંસારમાં પણ જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું પ્રતિબિંબ સાંસારિક નવલકથાઓમાં જોવા મળે છે. જૂના અને નવા વિચારોના ઘર્ષણમાંથી પસાર થતી ઘણી સાંસારિક કથાઓ કોઈ ને કોઈ નવીન ધ્વનિ રજૂ કરીને જનતાને વિચાર કરતી કરી મૂકવાનું કાર્ય કરે છે. જેવી રીતે નવો વળાંક લેતો સંસાર આ નવલકથાઓમાં પ્રતિબિંબિત થતો જોવામાં આવે છે તેવી જ રીતે નવલકથાઓનાં પાત્રોના કલ્પિત છતાં વાસ્તવિક સંસાર, જીવનમાં પણ કેટલેક અંશે પ્રતિબિંબિત થઈ રહ્યા છે. એકંદરે લગ્નજીવનની જૂની ભાવનાઓનું સ્થાન ધીરેધીરે નવીન ભાવનાઓ લેતી જાય છે, પરન્તુ નવલકથાઓમાં નવીન ભાવનાઓનો જે વેગ જોવા મળે છે તે વેગ હજી સાક્ષાત્ જીવનમાં આવ્યો નથી. કુમારિકાઓ, પરિણીતાઓ, ત્યક્તાઓ અને વિધવાઓ પ્રતિની સહાનુભૂતિ મોટા ભાગની નવનકથાઓનાં ઉભરાય છે, છતાં એ સહાનુભૂતિનો સાક્ષાત્કાર જીવનમાં બહુ જ ઓછો ઊતરેલો દેખાય છે. નવીન ધ્વનિ રજૂ કરવામાં પણ બધી સાંસારિક કથાઓ એકસરખી રીતે કામ કરતી નથી; કેટલીકમાં પ્રેમનાં ને સાંસારિક ક્રાન્તિનાં પોકળ તાહ્યલાંપણ હોય છે, અને કોઈ કોઈ વાર તે લેખકોની ફાંટાબાજ કલ્પનાઓ પશ્ચિમની નવલકથાઓની દેખાદેખીથી વર્તમાન સંસારને વિમાર્ગે દોરતી હોય છે. જાતીય મનોવિજ્ઞાનની અધૂરી સમજ હેઠળ પશ્ચિમના કોયડાઓને સંસારમાં ઉતારવાના કેટલાક પ્રયોગો હિંદના જીવનને માટે અવાસ્તવિક લેખાય તેવા હોય છે, પરંતુ પરિણીત જીવનમાં ઊઠતાં ક્રાન્તિનાં મોજાંનું એ પણ એક સ્વરૂપ બની રહે છે એમ કહી શકાય. કેટલાક લેખકોના પ્રયોગદશાના નવલકથાલેખનના પ્રયાસોને બાદ કરીએ તો આ પ્રકારની નવલકથાઓનો ફાલ મોળો લેખાય તેવો નથી અને કલાવિધાનમાં પણ ઉત્તરોત્તર વિકાસનું દર્શન કરાવે છે. લગ્ન, પ્રેમ અને દાંપત્ય ‘લગ્ન : ધર્મ કે કરાર?’ (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા): આ પ્રશ્નશીર્ષક નવલકથામાં લેખકે પ્રશ્નને જ છણવાની દૃષ્ટિએ પાત્રયોજના અને ઘટનાપરંપરાને ગોઠવી છે એટલે તેનું કળાવિધાન નબળું છે; વિચારસરણી પણ અદ્યતન નથી. લેખકના જીવનસમયનાં યુવક-યુવતીઓનાં લગ્નવિષયક મંથનોનું દર્શન કરાવીને તેમણે લગ્નને ધાર્મિક સંસ્કારનું ગૌરવ આપ્યું છે અને બીજા ૫ણ કેટલાક સામાજિક કોયડા છણ્યા છે. 'વેવિશાળ' (ઝવેરચંદ મેઘાણી)માં વાગ્દાન થયા પછી તે ફોક થતું નથી એવાં બંધનોવાળી ન્યાતનાં પાત્રોની આસપાસ કથાની ગૂંથણી કરવામાં આવી છે. મુંબઈમાં જતા ગામડિયા વણિકો ત્યાંના વાતાવરણથી ઘેરાયા પછી કેવું કૃત્રિમ, ભાવનાહીન અને મતલબી જીવન ગાળે છે, તથા ગામડામાં રહેલા એ જ ન્યાતના લોકો મુશ્કેલીમાં પણ પોતાની ટેકને ટકાવી રાખે છે તેનું સુરેખ દર્શન કરાવીને લેખક બેઉ પક્ષના સંસ્કારો વચ્ચેના અંતરમાંથી કથાસ્તુ નિપજાવે છે, અને ગામડામાં દાંપત્યજીવનના તેમ જ કુટુંબજીવનના જે અવશેષો રહેલા છે તે જ શાશ્વત છે, શહેરોમાં કૃત્રિમતા પેઠી છે, એ રસભરિત રીતે બતાવી આપે છે. બેઉ પ્રકારના જીવન વચ્ચેનું અંતર એ આજનો મહત્ત્વનો સાંસારિક-સામાજિક પ્રશ્ન છે, એમાં શંકા નથી. 'પુત્રજન્મ' (ગુણવંતરાય આચાર્ય)માં વેવિશાળ ફોક નહિ કરવાની ટેકવાળાં માબાપ પ્રારંભમાં એક ભયંકર કજોડું નિપજાવે છે અને પછી ગુણવતી પત્ની અપંગ અને ગાંડા પતિને પોતાની પ્રેમભરી સારવારથી દેવ જે ડાહ્યો પુરુષ બનાવે છે એવી કથા આપીને આગળ જતાં એ પતિ-પત્ની વચ્ચે લેખક તૂટ પડાવીને એવો સિદ્ધાંત સ્થાપિત કરવા માગે છે કે પુરુષ પ્રતિ જે સ્ત્રીનો અસાધારણ સેવાભાવ ઉભરાય તે એ પુરુષની માતા જ બને છે; કારણ કે પુરુષને અનેક પ્રકારની કષ્ટપરંપરામાં જે છેવટ સુધી વળગી રહે તેની પાછળ સ્ત્રીનો માતૃભાવ જ હોય–પત્નીભાવ કદાપિ ન હોય! આ કલ્પનાને આધારે એક વારના અપંગ પતિનો ‘પુત્રજન્મ' ઘટાવવામાં આવ્યો છે. આ કથાધ્વનિ વિલક્ષણ છે, પરંતુ લેખકની રજૂઆત મનોવેધક છે અને ઘટનાપરંપરા છેવટ સુધી રસ જાળવી રાખે છે. ‘નિવેદિતા' નામક એમની બીજી સાંસારિક નવલકથા એક ત્યકતા સ્ત્રીની રોમાંચક જીવનકથા રજૂ કરે છે. અનેક અથડામણો વચ્ચેથી પસાર થઈને નાયિકા આદર્શ ગૃહિણી બને છે એ મુખ્ય વાત લેખકને કહેવી છે; તે સાથે તેની જોડે સંબંધ ધરાવતાં બીજાં પાત્રોની સૃષ્ટિ અને ઘટનાપરંપરા કથારસની જમાવટ સરસ રીતે કરે છે. પાત્રો અને પ્રસંગોનાં આલેખન કરવાની લેખકની કુશળતા કથામાંની કેટલી અસંગતતા કે દીર્ઘસૂત્રિતાને ઢાંકી દે છે. ‘રંજન’ (પ્રમોદ)માં ભણેલાં યુવક-યુવતીના વાગ્દાનનો પ્રશ્ન ગોઠવવામાં આવ્યો છે, પરંતુ તેમાં બોધપ્રધાનતા વિશેષ છે એટલે કથારસ અને પાત્રાલેખન મોળાં પડે છે. ‘શોભના’ (રમણલાલ વ. દેસાઈ) આજની કૉલેજોની કેળવણી લીધેલાં યુવક-યુવતીઓના જીવનરસની પોકળતા અને કરુણતાનો ખ્યાલ આપનારી નવલકથા છે. તેમાં પ્રેમનો ચતુષ્કોણ નિર્માણ કરીને લેખકે પરણેલાં યુવક-યુવતીના લગ્ન બહારના પ્રેમના તલસાટનો ચિતાર આપ્યો છે, અને એનો અંત જોકે અરોચક નથી આણ્યો છતાં તેમાં કરુણતા ખૂબ છવાઈ રહેલી છે. ‘રસવૃત્તિ તરફ દોડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે' એ ધ્વનિ કથામાથી ઊઠી રહે છે. એ જ લેખકની એક બીજી નવલકથા ‘છાયાનટ’માં વર્તમાનકાળના કૉલેજિયનોના અભિલાષોનું વાતાવરણ જમાવવામાં આવ્યું છે અને તેમાં ય એમની ચંચળ દોડ તથા તરંગમય મનોદશા ઉપરનો કટાક્ષાત્મક ધ્વનિ છે. પાત્રાલેખન અને કલાવિધાનમાં બીજી કરતાં પહેલી નવલકથા ચઢિયાતી છે. કૉલેજિયન’ (સ્વ. ભોગીંદ્રરાવ દિવેટિયા) એ પચીસ વર્ષ પૂર્વેના કૉલેજના વિદ્યાર્થીના જીવન અને વાતાવરણને મૂર્ત કરે છે અને સુખી દાંપત્ય માટે પતિપત્ની કેળવણીમાં પણ યોગ્ય કક્ષાનાં હોવા જોઈએ એ ધ્વનિ ઉપજાવીને સ્ત્રીકેળવણીની આવશ્યકતા દર્શાવે છે. સ્વ. ભોગીંદ્રરાવે ૧૯૧૭માં લખતાં અધૂરી મૂકેલી આ કથાને શ્રીમતી માલવિકા દિવેટિયાએ પૂરી કરીને પ્રસિદ્ધ કરી છે એથી કથા વર્તમાન વાતાવરણથી પાછળ રહીને કાંઈ વિશિષ્ટ સિદ્ધિ કરી આપતી નથી.
‘વિકાસ’ અને ‘વિલોચના’ (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ વર્તમાન યુગની કેળવણી અને નવીન વિચારોનાં મોજાંમાં ઘસડાતાં જુવાન પાત્રોની કથાઓ છે. પ્રથમ કથામાં જીવનના ‘વિકાસ’ની જુદીજુદી દિશાઓ જોનારાં જુદાંજુદાં પાત્રો પોતપોતાની રીતે આગળ વધ્યે જાય છે અને દરેકને તે તે દિશાની મર્યાદાનું ભાન થાય છે. આ ભાન થતાં પૂર્વે કેટલાક વિકાસપંથીઓનો કરુણ અંત આવે છે, કેટલાંક પાછાં પડે છે અને થોડાંને વિકાસનો સાચો ખ્યાલ આવે છે. આ કારણે જુદાજુદા પ્રકારનાં દાંપત્યજીવનનો ચિતાર તુલનાત્મક નીવડે છે અને મુખ્ય ધ્વનિને પોષતા પ્રસંગોમાં રસ પૂરે છે. બીજી નવલકથામાં કૉલેજિયન યુવતી અને તેના મર્યાદિત સુધરેલા વિચારના પિતાના વિચાર-ઘર્ષણમાંથી કથા પ્રારંભાય છે અને સ્વાતંત્ર્યને ઝંખતી કુમારિકા સ્વાતંત્ર્યનો કડવો સ્વાદ પામવાની સાથેસાથે દાંપત્યને સ્વાતંત્ર્યના નાશનું ઉપલક્ષણ માનવાની ભૂલમાંથી કેવી રીતે બચે છે તે દર્શાવનારા પ્રસંગો ગૂંથવામાં આવેલા છે. સ્ત્રીત્વની મૂલગામી ભાવનાને તે પુરસ્કારે છે. બેઉ કથાઓ વર્તમાન યુગના કેળવાયેલા માનસની રજૂઆત વૈજ્ઞાનિક રીતે કરતી હોઈ કેટલાક પ્રશ્નોની ગૂંચવણના ઉકેલમાં તે દિશાદર્શક બને તેમ છે. ‘વળામણા' અને 'મળેલા જીવ' (પન્નાલાલ પટેલ) એ બેઉ ગ્રામજીવનના તળપદા પ્રેમપ્રસંગોની ઉદાત્ત ભાવનાયુક્ત કથાઓ છે. નૈસર્ગિક વિશુદ્ધ પ્રેમનું આલેખન ‘વળામણા'ની નાયિકા દ્વારા લેખકે અદ્ભુત કુશળતાથી કર્યું છે. ‘મળેલા જીવ'માં પણ જુદીજુદી ન્યાતનાં યુવકયુવતીની વચ્ચે જાગેલા પ્રેમની કથા છે; પણ ‘વળામણાં’થી તે અનેક રીતે જુદી પડે છે. બેઉ કથાઓમાં ગામડાના નૈસર્ગિક સૌંદર્યની વચ્ચે પાત્રોને રજૂ કરવાની સુંદર કલા લેખકે હસ્તગત કરી હોય એમ જણાયા વિના રહેતું નથી.
‘ખાંડાની ધાર’ (રામનારાયણ ના. પાઠક):જુવાન હૃદયોમાનાં આકર્ષણો, સરલ જીવન જીવવાની અણઆવડત, મોહવશ થવાની ઉત્સુકતા અને જુવાનીની મૂર્ખાઈઓ વડે ખુવાર થતા જીવનનું નિરૂપણ કરતી આ નવલકથામાં પ્રણયત્રિકોણ મુખ્ય ભાગ ભજવે છે. પાત્રો જેટલે અંશે મનસ્વી છે તેટલે અંશે કથામાં વાસ્તવિક્તાનું તત્ત્વ ઊણું રહે છે. ‘વિભંગ કથા’ (દુર્ગેશ શુક્લ): કામાંધોનો ઉપહાસ કરીને ઉદાત્ત પ્રેમનો ખ્યાલ આ નવલકથામાં પ્રણયત્રિકોણના નિર્માણ દ્વારા લેખકે આપ્યો છે. પ્રેમ અને મોહ વચ્ચેનો ભેદ તેથી વિશદ થવા પામ્યો છે. કલાવિધાન શિથિલ છતાં આશાસ્પદ છે. ‘સ્વાર્પણ’ અને ‘સ્નેહત્રિપુટી’ (ભદ્રકમાર યાજ્ઞિક), ‘સુહાસિની (બાબુરાવ જોષી) ‘ક્ષિતીશ’ (ઈંદુકુમાર શહેરાવાળા) એ ચારે નવલકથાઓમાં લગ્ન અને પ્રેમનાં વસ્તુઓ સંયોજવામાં આવ્યાં છે અને લેખકોના તે પ્રાયોગિક દશાનાપ્રયત્નો છે. શ્રી. રમણલાલ દેસાઈની કથાઓનાં અનુકરણો માત્ર કરવામાં આવ્યાં છે. ‘ક્ષિતીશ’ની તો ભાષા પણ કૃત્રિમ લાગે છે. લયલા’ (શયદા) એ મુસ્લિમ સંસારની સુવાચ્ય અને રસભરી નવલકથા છે, અને કોઇ ખાસ સાંસારિક પ્રશ્નને છેડ્યા વિના મનોરંજન પૂરું પાડે છે. 'જીવનની જ્વાળાઓ’ (રુદ્રદર્પ) છે આત્મથા રૂપે નવલકથામાં લેખકે વર્તમાન સમાજમાંના મધ્યમ વર્ગના એક સંસારનુઈ જ્વલંત રેખાચિત્ર સંયમ અને તટસ્થતાથી દોરી આપ્યું છે. અનેક પ્રકારનાં પાત્રોની સાંસારિક મૂંઝવણોનો સંભાર તેમાં ભર્યો છે. વસ્તુનો પ્રકાર સામાન્ય છે, પરન્તુ વસ્તુવિધાન અને પાત્રાલેખન કથામાં રસ પૂરે છે. 'જ્યશ્રી’ (જ્યંત ન્યાલચંદ શાહ)માં ગુજરાતી સંસારને બંગાળી ઊર્મિલતાનાં કપડાં પહેરાવેલાં હોય તેમ લાગે છે. પ્રેમત્રિકોણમાંથી એક પાત્રના મૃત્યુ પછી બાકીનાં બેનું લગ્ન થાય છે, પણ પત્નીના વદન પર પવિત્રતાનું તેજ જોઇને વિચારવિવશ બનેલો પતિ યોગી બની જાય છે અને એ રીતે દિલનાં લગ્ન દેહલગ્નમાં પરિણમતાં નથી. લખાવટ સામાન્ય કોટિની છે. ‘સુભગા’ (સીતારામ શર્મા): ઉપલા વર્ગની શિક્ષિત યુવતીઓના દંપતીજીવનની આ કરુણ કથા પાત્રોના મનોવ્યાપારોનું વિશ્લેષણ કરીને લખવામાં આવી છે. વસ્તુ આછું હોવા છતાં ચર્ચાત્મક પ્રસંગગૂંથણી તેમાં રસ પૂરે છે. 'સુરેખા’ (જેઠાલાલ ત્રિવેદી)માં સ્ત્રી-પુરુષના સંબંધમાં નૂતન યુગની ઉદારવૃત્તિ કેળવવાનો સૂચક ધ્વનિ સ્ફુરાવતા લેખક પ્રેમત્રિકોણની વચ્ચે અસ્પૃશ્યતા રેલસંકટ નિવારણ, આશ્રમજીવન, રાજકીય પ્રવૃત્તિ, ગ્રામજીવન, સંતતિનિયમન ઇત્યાદિને લગતા પ્રસંગો ગોઠવી દે છે. શૈલીમાં શ્રી. રમણલાલ દેસાઇને પગલે પગલે ચાલવાનો યત્ન પરખાઈ આવે છે. ‘વર કે પર?’ (ચુદીલાલ વ. શાહ) એ કથાનો ધ્વનિ કવિશ્રી નાનાલાલના ‘આત્મા ઓળખે તે વર અને ન ઓળખે તે પર’ એ સુપ્રસિદ્ધ વાક્યમાં સમાયેલો છે. નાની વયમાં પરણેલો પતિ કેવા સંજોગોમાં ‘પર’ બની જાય છે અને સ્ત્રીને ઠગવા આવેલો ‘પર’ પુરુષ કેવા સંયોગોમાં ‘વર’ બનવાને યોગ્ય બની જાય છે તે ઘટનાપરંપરાને આ કથામાં રસભરી રીતે મૂર્ત સ્વરૂપ આપવવામાં આવ્યું છે. ‘નિરંજન’ (મૂળજભાઈ શાહ) માં સુશિક્ષિત કન્યા એક પત્ની પરણેલા પતિને પરણવા અને શોક્ય બનવા તૈયાર થાય છે તે પ્રશ્ન ચર્ચવામાં આવ્યો છે. લેખનની કોટિ સામાન્ય છે. ‘વસંતકુંજ’ (ત્રિકમલાલ પરમાર) એ એક પર બીજી સ્ત્રી પરણવાના પ્રશ્ન ઉપર લખાયેલી સામાન્ય કોટિની નવલકથા છે. બંધન’ (ઇંદુકુમાર શહેરાવાળા) પ્રેમ, અનિષ્ટ વૃદ્ધ, લગ્ન છૂટાછેડા, પુનર્લગ્ન અને છેવટે પશ્ચાતાપ એવી વિચિત્ર તાવણીમાંથી પસાર થતાં નાયક નાયિકાની કથા છે. વાતાવરણ અને ઘટનાઓ અવાસ્તવિક લાગ્યા કરે છે.
જીવનના પ્રશ્નો
પ્રેમ, લગ્ન અને દાંપત્યના વર્તુલની બહાર પણ સંસારનો વિશાળ સાગર પડ્યો છે, પરન્તુ એ સાગર ખેડવા માટે જે કુશળ હાથ જોઈએ તે થોડા છે એટલે તે પ્રકારની નવલકથાઓ કાંઈક એાછી લખાઈ છે. આ પ્રકાર અનુવાદિત નવનકથાઓમાં કાંઈક વધુ સમૃદ્ધ દેખાય છે. 'પરાજય અને ‘અજીતા’ (ધૂમકેતુ) એ બેઉ નવલકથાઓ માનવના સાંસારિક જીવનને તેના મૌલિક અર્થમા વણે છે. તેનાં પાત્રો અમુક નવીન વિચાસરણી સાથે જ પ્રવેશ કરે છે અને પછી પોતાના અભિનવ વ્યક્તિત્વને ખીલવતાં વાચક ઉપર છાપ પાડતાં આગળ વધે છે. વસ્તુવિધાન અને વાતાવરણ કૌતુકમયતા જગવે છે અને પ્રતીતિજનકતાની ઊણપને કારણે અવાસ્તવિકતા તરતી લાગે છે, છતાં અદ્ભુત પુરુષત્વ અને તેજસ્વી નારીત્વની છાપ છાપવાનો હેતુ સાધવામાં નવલકથાઓ પાછી પડતી નથી. વાતાવરણ અદ્યતન સાંસારિક લાગે છે. પરન્તુ વસ્તુતઃ સંસારમાં એવાં તેજસ્વી કલ્પિત પાત્રો ઘડીને મૂકવાં કે જેમાંથી ભાવિ જનતા ચારિત્ર્યગઠન માટે પ્રેરણાનું પાન કરે એ તેમાંનો કેન્દ્રવર્તી ઉદ્દેશ છે.
‘તુલસીક્યારો' (ઝવેરચંદ મેઘાણી): જૂના યુગનો પિતા અને નવા યુગમાં ઊછરેલો તથા કૉલેજમાં પ્રોફેસર થયેલો પુત્ર એ બેઉની જીવન વિશેની વિચારસરણીમાં જે ભેદ રહેલો છે તે ભેદની સરાણે વર્તમાન જીવનના અનેક પ્રશ્નોને લેખકે ચઢાવ્યા છે અને બતાવ્યું છે કે આર્થિક વૈભવ, બુદ્ધિની ઉત્કટતા કે આધિભૌતિક સુખ એ જ જીવનને પોષતાં નથી, પરન્તુ ઉદાત્ત જીવનભાવનાઓ જ પ્રેરણાદાયક બનીને ઇષ્ટ માર્ગે ચાલવામાં મદદગાર બને છે. સ્વાર્થી મિત્રમંડળો, સુંવાળા સહચારના સાધકો, ક્રાન્તિની પોકળ ધૂન ચલાવનારાઓ, સ્ત્રી-પુરુષના સમાન હક્કના દંભી પુરસ્કર્તાઓ અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદને પોષનારાઓને લેખકે કથામાં સરસ રીતે આલેખ્યા છે અને તે બધાની પાછળ સળગતા સંસારની ભયાનક હોળીનું દર્શન કરાવ્યું છે. કૌટુંબિક સંસ્કૃતિથી ઉજ્જવલતા આજના વીંખાતા જતા કૌટુંબિક સંસારમાં પણ મંગલમયતા વધી શકે છે એવો કથાનો નિષ્કર્મ છે.
'પારકાં જણ્યાં' (ઉમાશંકર જોષી): ગ્રામજીવન છોડીને શહેરી ગાળનારને સ્થૂળ વૈભવ મળવા છતાં જીવનની સાચી સમૃદ્ધિ જેવા કોમળ માનસિક સંસ્કારોને ગુમાવવા પડે છે એ ધ્વનિ સ્ફુરાવનારી આ કથાનો પટ ત્રણ પેઢી સુધી પથરાય છે. પાત્રોનું આલેખન સુરેખ છે પણ કથા૫ટ પાતળો રહે છે. ‘જાગતા રે’જો’ (સોપાન):કર્મસ્ત અને કર્મસંન્યાસી એવાં બે મુખ્ય પાત્રોનાં મનોમંથન અને આચરણોની ગૂંથણી આ કથાના બેઉ ભાગોમાં કરવામાં આવી છે. સંયોગો, અભ્યાસ, ચિંતન વગેરેને લીધે સેવાકાર્યરત સ્ત્રીપુરષો પણ અપદિશામાં વહેવા લાગે છે અને નિવૃત્તિમાં આત્મશુદ્ધિ શોધનારાઓ પ્રવૃત્તિ તરફ આકર્ષાય છે એ કથાવસ્તુ છે. વસ્તુનો પાયો મનોવિજ્ઞાનની ભૂમિકા પર ચણ્યો છે, એટલે વિચારનાં વર્તુલોમાં વાર્તા વધુ વિહરે છે. પાત્રોનું આલેખન તેજસ્વી છે અને કથાવેગ શાન્ત-ધીરો છે. ‘શોભા’ (ઇન્દ્ર વસાવડા)માં વાસ્તવિક જીવનમાંથી ઉઠાવેલા વસ્તુની આસપાસ વિધવિધ પાત્રોની અને પ્રસંગોની ગૂંથણી કરવામાં આવી છે. જીવનના કોઈ અભિનવ પ્રશ્નોની છણાવટ તેમાં કેંદ્રસ્થ બનતી નથી. પણ શોભા અને બીજાં પાત્રોના જીવનપ્રસંગોનું, આલેખન, કથાનું વાતાવરણ અને પાત્રોનાં વિચારમંથન તથા તરંગાવલિ રસ પૂર્યા કરે છે. પાત્રસર્જન સંવાદો દ્વારા કરવાની કલા લેખકે સફળતાપૂર્વક વાપરી છે. એ જ લેખકની બીજી નવલકથા ‘ગંગાનાં નીર’માં, પ્રકૃતિના વિશાળ પટ ઉપર માનવની જીવનલીલા વિસ્તરી રહેલી જોવામાં આવે એ પ્રકારનું પાત્રો અને પ્રસંગોથી ખચિત વાતારણ જામે છે. સ્ત્રીપુરષનાં આકર્ષણ અને વિધવાજીવનના પ્રશ્નો તેમાં છણાય છે અને જાતીય સ્ખલનો માટે યુવક-યુવતીઓને તિરસ્કારી ગુમાવવાં ન જોઈએ, પરન્તુ જીવનની ગંગાનાં નીર તેમને પણ પાવન કરે છે માટે તેમનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ એ મુખ્ય ધ્વનિ તેમાંથી સ્ફુરી રહે છે. 'કલ્યાણને માર્ગે’ (રમણીકલાલ દલાલ) એ સ્ત્રીજીવન, ગ્રામજીવન અને શહેરી જીવનમાં નવજીવનની ફૂંક મારીને અજ્ઞાનનાં આવરણ ફેડવાનાં સ્વપ્નો આલેખી બતાવે છે. દેશસેવા હૃદયવિશુદ્ધિથી જ મંગળમય બની શકે એ વિચાર કેંદ્રસ્થાને છે પાત્રોમાં વાસ્તવિકતા છે એટલી વાસ્તવિકતા છે એટલી વાસ્તવિકતા વાતાવરણમાં નથી; ગુજરાતી પાત્રોની કથા હોવા છતાં વાતાવરણ અગુજરાતી લાગે છે. ‘દંભી દુનિયા’ (તારાચંદ્ર અડાલજા): શહેરી જીવનનાં દાંભિક પાસાંની રજૂઆત કરનારી આ નવલકથા છે. સાધુ, સમાજસેવક, ભક્ત, મિત્ર, પડોશી, કે સહચરીના ઓઠા નીચે વિકાર પોષવાને ખેલાતી ગૂઢ બાજીનું દર્શન કરાવીને આ કથા એવો ધ્વનિ સ્કુરાવે છે કે આવા ગુપ્ત અનાચાર કરતાં ઉઘાડે છોગે ચાલતો જાતીય દુર્ગુણ વધારે ઠીક છે : એ સંદેશો કથાનાયક દ્વારા લેખકે સુણાવ્યો છે, તથા સમાજના નવસર્જનનો પ્રશ્ન છણી બતાવ્યો છે. પાત્રાલેખન, સંવાદો અને વાતાવરણ રસનાં પોષક બને છે. ‘પ્રેમપાત્ર’(રમાકાંત ગૌતમ) નું હાર્દ એ છે કે સંયોગવશાત્ પાપમાં પડનાર વ્યક્તિઓ પ્રત્યે સમાજે ઉદાર થવાની જરૂર છે. લખાવટ સામાન્ય પ્રકારની છે. ‘જન્મારો’ (મોહનલાલ નથવાણી): એક પરોપકારી અને બીજો વિલાસી એ બેઉમાંના કોનો જન્મારો સાર્થક છે એ પ્રશ્નની આસપાસ આ કથા ગૂંથવામાં આવી છે. અકસ્માતોની પરંપરા રસને બદલે કુતૂહલ જન્માવે છે. એ જ લેખકની બીજી નવલકથા ‘આખર’ પતનની અને દુઃપરિસ્થિતિની કરુણારસિક કથા છે. જીવનનું સમતોલ દર્શન તેમાં નથી, એક જ દિશાને લક્ષ્ય કરીને ઘટનાપ્રવાહ ચાલ્યા કરે છે અને લેખકની સહાનુભૂતિ પ્રકટ કરે છે. ‘અજાણ્યે પંથે’ (કુંદનલાલ શાહ)ના બેઉ ભાગો એ વિચાર રજૂ કરે છે કે નવીન સંસ્કૃતિમાં લગ્નજીવનને નિર્મૂળ કરવા મથતા વાયરા જનતાને સ્વતંત્રતાને બદલે પશુતા તરફ ખેંચી જાય છે. સંવાદો અને વસ્તુવિધાન પ્રયોગદશામાં હોવા છતાં આશાસ્પદ લાગે છે. ‘રંભા’ (જેઠાલાલ ત્રિવેદી) હિંસા-અહિંસાવાદ, જીવનકલહ અને બવિદાનના રોમાંચક પ્રસંગોને વણી લેતી આ નવલકથા રસચમત્કૃતિ કે જીવનદર્શનનું ઊંડાણ દાખવી શકતી નથી. ‘પ્રભાનો ભાઈ’ (અમૃતલાલ ઓ. જોષી): કુટુંબ જીવનની કટુતાને અંતે ભગિનીપ્રેમનો સંચાર વર્ણન આ એક સીધી-સાદી કથા છે. તેમાં નવલકથાના કલાતત્ત્વની ખામી છે, પરન્તુ વાસ્તવિક જીવનને તે સારી રીતે સ્પર્શતી વહે છે. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગર’ (મણિલાલ ન્યાલચંદ શાહ): શંખ રાજા અને કલાવતી રાણીની એક જૈન કથાને સીધા-સાદા ગદ્ય દ્વારા આ પુસ્તકમાં આલેખી છે. મુખ્ય કથાની આસપાસ પરસ્પરાવલંબી અનેક નાની વાર્તાઓ જૈન ધર્મની ભાવના પોષાય એવી રીતે આપી છે. આખી કથા ઉપદેશપ્રધાન છે અને પુરાતન કાળના સંસારનું ચિત્ર મધ્ય કાળના વાતારણમાં ઉતાર્યું હોય એવું લાગે છે. ‘પૃથ્વીનો પહેલો પુત્ર’ (હરજીવન સોમૈયા): માનવસંસ્કૃતિના આદિકાળનાં પાત્રોનાં જીવન, પ્રણયાદિનું નિરૂપણ કરનારી આ એક નવીન પ્રકારની નવલકથા છે. તત્કાલીન પ્રાદેશિક વર્ણનો, પ્રવાસ, વસાહતો ઇત્યાદિનો ખ્યાલ એમાં સારી રીતે આપ્યો છે, પરંતુ એમાં મૂકેલાં પાત્રો તથા તત્કાલીન ઊર્મિ-સંવેદનો સુઘટિત બનતાં નથી. રોમાંચક પ્રસંગોની ગૂંથણી ઠીક થઈ હોવાથી વાર્તારસ જળવાયા કરે છે. ‘ઉષા ઊગી' અને 'શામ્પુને ખોળે' એ બે ટૂંકી વાર્તાઓ તેમાં આપી છે તે પણ પુરાતન કાળને સ્પર્શે છે. ‘રામકહાણી’ (ગુણવંતરાય આચાર્ય) એ એક જુગારીના જીવનના ઇષ્ટ દિશામાં થયેલા પરિવર્તનની કથા છે. એ પરિવર્તન અકસ્માત ઉપર અવલંબી રહે છે એટલી કલાક્ષતિને બાદ કરીએ તે આખી કથા રસભરિત શૈલીએ રજૂ થયેલી અને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી ભરપૂર હોઈ રસનિર્વાહ સારી રીતે કરે છે. ‘માનવતાનાં મૂલ' (રામનારાયણ ના. પાઠક) એ કથા હરિજન પ્રશ્નને ગૂંથી લે છે. હરિજનસેવાના કાર્યનો અનુભવ લેખકને કથાનાં પાત્રોના આલેખનમાં સુરેખતા બતાવવા મદદગાર બન્યો હોય તેમ જણાય છે. પ્રચાર અને બોધ એ વાર્તાનું લક્ષ્ય છે. જીવનના બહુવિધ પ્રશ્નોમાંનો વેશ્યાજીવનનો પ્રશ્ન પણ જુદાજુદા લેખકોએ પોતાની કથાઓમાં ચર્ચ્યો છે. 'ભસ્માંગના' (ગુણવંતરાય આચાર્ય)માં લેખકે એ જીવનના દોઝખમાં ડોકિયું કર્યું છે અને પતિતાઓનો કૂટ પ્રશ્ન છણ્યો છે. કાર્યનો વેગ મંદ છે અને પાત્રો પૂરાં ખીલ્યાં નથી, તેથી કથા વિચારપ્રધાન અને ચર્ચાત્મક વધુ બની છે. 'રૂપજીવિની' (શ્રીકાંત દલાલ) માંની નાયિકા પોતાના વેશ્યાવ્યવસાયના અસ્તિત્વ અને સાતત્યને સમાજમાં આવશ્યક માને છે અને કહે છે કે એ વ્યવસાયની પાછળ કોઈ સનાતન જાતીય પ્રશ્નનો ઉકેલ રહ્યો હોવો જોઈએ. કથામાં વેશ્યાજીવનને સમાજજીવનનો એક નૈસર્ગિક આવિષ્કાર માનવામાં આવ્યો છે, એટલે એ જીવનને જોવાનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ તેમાં રજૂ કરવામાં આવેલો મનાય; જો કે તે કેવળ નવો નથી. છતાં નાયિકા પોતાની પુત્રીને એ વ્યવસાયમાં પડવા દેવા ઈચ્છતી નથી એટલે વેશ્યાજીવન એ સમાજજીવનનું પૂરક અંગ હોય તોપણ વ્યક્તિગત દૃષ્ટિએ જીવનને ઈષ્ટ અને ઉપકારક માનતી નથી એવો ધ્વનિ એકંદરે તેમાંથી સ્ફુરી રહ્યો છે. રસ અને કુતૂહલનો નિભાવ કથા સુંદર રીતે કરે છે ‘રાત પડતી હતી’ (નીરૂ દેસાઈ) એ વેશ્યાજીવનની નાની નવવકથા છે અને રસ પણ ટકાવે છે, પરંતુ પાત્રો અને સંવાદો અપ્રતીતિકર છે વેશ્યાજીવનના બળ્યા-ઝળ્યા અને કરુણ પાસાની તે રજૂઆત કરે છે. ‘મારા વિના નહિ ચાલે’ (ધનવંત ઓઝા) એ ‘કાલ્પનિક છતાં તદ્દન વાસ્તવિક એવી શક્તિમાન અને વિકૃત માનસ ધરાવનારી નારીની જીવનકથા’ છે. વેશ્યાસંસ્થાને આજની સામાજિક રચનાનાં અનિષ્ટો પોષે છે, અને સમાજના આર્થિક અનર્થોને સ્વરૂપપલટો થઈને એ અનીતિનું સ્વરૂપ ધારણ કરે છે એ તેનો મુખ્ય ધ્વનિ છે. એક અંગ્રેજી કથાનો લેખકે આધાર લીધો છે.
સામાજિક
વર્તમાન સામાજિક તંત્રમાં ચાલી રહેલી વિષમતા અને તેમાં ઘર કરી રહેલા દોષોનું પૃથક્કરણ તથા વિવેચન કરવાની દૃષ્ટિથી લખાયેલી અને છેવટે સમાજસુધારાના માર્ગોનું રેખાંકન કરીને કે સૂચન કરીને વાચકોને તે વિશે વિચાર કરતા કરવાના હેતુપૂર્વક લખાયેલી સામાજિક નવલકથાઓની સંખ્યા નાની છે, પરંતુ તેમા વિવિધતા આવેલી છે. રાષ્ટ્રીય માનસની જાગૃતિની જ એક શાખા રૂપે સામાજિક જાગૃતિ દેશમાં પ્રસરી છે અને તેનું પ્રતિબિંબ આ થોડી નવલકથાઓમાં પણ નિહાળી શકાય તેમ છે.
‘પ્રાયશ્ચિત્ત’ (સોપાન) એ બે ભાગની નવલકથા અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન વિશે લોકલાગણી કેળવવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે કરુણ રસમાં વહેતી એ એક ઉપદેશપ્રધાન કૃતિ છે અને કાર્યવેગ મંદ છે, પરન્તુ પાત્રાલેખન અને રસનિષ્પત્તિમાં તે ઊતરે તેવી કથા નથી. ‘ઘર ભણી' (ઇંદ્ર વસાવડા) એ પણ અસ્પૃશ્યતાના ઝેરને સમાજના હૃદયમાંથી તિરોહિત કરી મૂકે એવા એક સુશીલ અસ્પૃશ્ય મનાતા નાયકની કથા છે.
‘હૃદયવિભૂતિ' (રમણલાલ વ. દેસાઈ)એ લુટારા અને લવારિયાં જેવી ગુનાહીત જાતોના ઉપેક્ષિત જીવનનાં અનેક પાસાં ગૂંથી લેનારી કથા છે. ચોરીથી પેટ ભરનારા એ જાતોનાં પાત્રોનાં જીવનચિત્રો આકર્ષક બન્યાં છે. અને માનવજીવન પ્રત્યેની લેખકની પ્રેમાળ દૃષ્ટિ કથાની આરપાર ઊતરેલી છે. છે. શહેરનાં, ગામડાંનાં અને ગામેગામ ભટકતી જાતોનાં પાત્રોનું સજીવ આલેખન લેખકના નિરીક્ષણ અને મર્મગામી અભ્યાસનો ખ્યાલ આપે છે. ‘કોણ ગુન્હેગાર?’ (ગુણવંતરાય આચાર્ય) એ નવલકથામાં એવી પ્રશ્નચર્ચા સમાવી લીધી છે કે જેઓ પ્રચલિત નીતિ વિરૂદ્ધ ગુન્હાઓ કરીને જેલમાં પુરાય છે તેઓ સાચા ગુન્હેગાર છે કે ગુનાહીન મનાતાં કૃત્યોને શક્ય બનાવનાર તથા ઉત્તેજનાર સમાજ ગુન્હેગાર છે? એકંદરે સમાજના વિષમ તંત્ર સામેનું એ આરોપનામું છે તેમ જ એક વાર જેલમાં જનારને જિંદગીભર ગુન્હેગાર માનનારા રાજ્યતંત્ર સમક્ષ ગુન્હેગાર જગતનું સબળ બચાવનામું છે. જેલજીવનની અમાનુષીય સૃષ્ટિનો તે રસભરી રીતે ખ્યાલ આપે છે. એ જ જીવનનો ત્યારપછીનો પડઘો ‘અમે પિંજરના પંખી' (નીરૂ દેસાઈ) એ કથામાં પડતો જોઈ શકાય છે. એક જર્મન કથાની છાયા લઈને લખવામાં આવેલી એ કથામાં જેલજીવન ગાળી ચૂકેલા કેદીઓને જેલમાંથી છૂટ્યા પછી મદદ કરવા માંગતી સંસ્થાઓને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો ખ્યાલ મળે છે.
‘જગતનો તાત’ (રામનારાયણ ના. પાઠક) એ સામજિક વિષમતાની વચ્ચેના કરુણ ખેડૂતજીવનની કથા છે. ચરોતરના શ્રમજીવી બારૈયા ખેડૂતની આ કથા આપણા સભ્ય સમાજની ખેડૂત તરફની બેદરકારીનો ખ્યાલ આપે છે. ‘દરિદ્રનારાયણ’ (ગુણવંતરાય આચાર્ય) એ વર્તમાન સમાજમાં વ્યાપેલા વિષમ અર્થતંત્રમાં સુધારો કરવાના એક પ્રયોગનો પુરસ્કાર કરતી નવલકથા છે. મજૂરને રોટલો મળે, વચગાળાનો નફો ખાનારો વર્ગ અદૃશ્ય થાય, ગામડું ઉત્પન્ન ગામમાં વપરાય અને વધારે કમાવાનું સામાન્ય પ્રયોજન છોડી વધુમાં વધુ માણસોને રોજગારી મળે એવા હેતુથી એક ભાવનાશીલ યુવક અનેક યાતનાઓને અંતે એક નવો પ્રયોગ આદરી બતાવે છે તેની આ નવલકથા છે. અકસ્માતો અને અપ્રતીતિકર પ્રસંગો વિશેષ હોઈને કથાની વાસ્તવિકતા હણાય છે.
'આત્માનાં તેજ' (ધનશંકર ત્રિપાઠી) : જ્ઞાતિના માઠા રિવાજોને નાબૂદ કરવાના હેતુથી તે ઉપર કટાક્ષ કરવા અને તેનાં માઠાં પરિણામો દાખવવા આ કથા લખાઈ છે અને સામાજિક સુધારો એ તેનું ધ્યેય છે. એ જ હેતુથી લખાયેલી બીજી એક નવલકથા 'ઊછળતાં પૂર’ (અંબાશંકર નાગરદાસ પંડ્યા) છે. કુરૂઢિઓ સામે નૂતન સમાજના બળવાનું તેમાં ચિત્રાલેખન છે. લખાવટ સામાન્ય પ્રકારની છે. ‘કલંકશોભા’ (અંબાલાલ શાહ) એ લેખકો અને પત્રકારોની સૃષ્ટિની નવલકથા છે. લેખકો પરસ્પર તેજોદ્વેષ દાખવે છે, વાડા બાંધે છે, તેમનો પત્રકારો સાથેનો સંબંધ કેવો હોય છે, એ પ્રકારની ભૂમિકા ૫ર દર્શાવ્યું છે કે મનુષ્યો તરીકે સાહિત્યકાર કેવું વર્તન ચવાવી રહ્યા છે. કથાનું કલાવિધાન મોળું છે.
રાષ્ટ્રીય
રાષ્ટ્રજાગૃતિના જુવાળ પછી નવવકથાલેખનમાં જે નવીન દૃષ્ટિ આવી છે તેનું આછું દર્શન તો સર્વ પ્રકારની નવલકથાઓમાં થાય છે. વર્તમાન રાષ્ટ્રીય પ્રશ્નોને યોગ્ય રીતે ઘટાવીને પ્રાચીન કે પુરાતન કાળની ઐતિહાસિક નવલકથાઓમાં પણ છણવામા આવ્યા છે, તેવી જ રીતે રાષ્ટ્રજાગૃતિની અસર જેટલે અંશે લોકજીવનને થઈ છે તેટલે અંશે તે સંસાર અને સમાજને લગતી નવવકથાઓને પણ થઈ છે. તેથી વિશિષ્ટ રીતે જુદી પડતી જે નવલકથાઓ રાષ્ટ્રીય જાગૃતિને પોષે છે અને રાષ્ટ્રીય આંદોલનોને પોતામાં સારી પેઠે સમાવી લે છે, તે નવલકથાઓને જુદી ઉલ્લેખવાનું જ યોગ્ય લાગે છે.
‘સોરઠ તારાં વહેતાં પાણી' (ઝવેરચંદ મેઘાણી)માં કાઠિયાવાડનાશૌર્ય અને ખાનદાનીના અવશેષોનું તળપદું વાતાવરણ જામે છે અને તેમાં નવીન યુગની દૃષ્ટિના અંકુરો ફૂટતા દેખાડવામાં આવ્યા છે. સોરઠના જીવનની એ કથા છે, પાત્રો તેજસ્વી છે, અને રાષ્ટ્રમાનસનાં તેજ ભભૂકતાં બહાર આવે છે. આખી કથામાંના જુદાજુદા પ્રસંગો વાતાવરણ જમાવાનુ જ કાર્ય કરે છે. તળપદાં ઉપમા-અલંકારોથી સભર એવી લેખનશૈલી અનોખી ભાત પાડે છે અને છેવટ સુધી રસ પૂરો પાડે છે. ‘ગ્રામલક્ષ્મી’ (રમણલાલ વ. દેસાઈ) નવલકથા ચોથા ભાગમાં પૂરી થઈ છે. તેના ગ્રામસુધારણા, સમાજવાદી દૃષ્ટિ અને ગાંધીજીની વિચારસરણીનું મિશ્રણ છે. વર્તમાનયુગનાં જ પાત્રોની રાજકીય તથા સામાજિક આકાક્ષાઓનું તે પ્રકટીકરણ કરે છે. ગ્રામોદ્ધાર માટે ગ્રામોદ્યોગોથી માંડીને દાંપત્ય સુધીના અનેક વિષયોને આવરી લેતા અનેક પ્રમંગોને વસ્તુમાં વણી લીધેલા છે તેથી વસ્તુ શિથિલ લાગે છે, પરન્તુ કલાવિધાન અને લેખકનાં વિચારરત્નો તેની વાચનક્ષમતાને સારી પેઠે નિભાવે છે. 'ગ્રામદેવતા’ (મહીજીભાઈ પટેલ)માં ગ્રામોદ્ધાર માટે શહેરીઓ ગામડામાં જઈને સેવા કરવા ઈચ્છતા હોય ત્યારે જૂના મતના લોકોનો જે વિરોધ તેમને વેઠવો પડે છે તેનું દર્શન કરાવેલું છે, અને મજૂરો તથા ખેડૂતોમાં જાગૃતિ લાવવાની ગ્રામદ્ધાર માટે સર્વોપરી આવશ્યકતા છે એમ દર્શાવ્યું છે. ‘દિનેશ'(હિંમતવાલ ચુ. શાહ)માંગ્રામોદ્વાર માટે ગ્રામસફાઈ, કરજનિવારણ, પુસ્તકાલયપ્રવૃત્તિ, વેઠના ત્રાસનું નિવારણ, મૉટર-હૉટલના શહેરી ચેપથી મુક્તિ, ઈત્યાદિ પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે અને વસ્તુનો વેગ તથા લખાપટ સારાં છે.
'કલ્યાણયાત્રા' (દર્શક): દેશની સેવા માટે વિદ્યાર્થી વયથી સ્વપ્નાં સેવી રહેલા એક યુવકની દેશકલ્યાણ તથા નિજકલ્યાણ માટેની યાત્રાની આ રોમાંચક તથા ભાવભરી કથા છે. યાત્રાકથાની આ પહેલી ટૂંક છે. ભાષા અને શૈલી ઠીકઠીક તેજસ્વી છે. 'ક્રાન્તિને કિનારે' (સનત વીણ)માં મજૂરપ્રવૃત્તિમાં વર્ગવિગ્રહની ઉપકારતા દાખવીને તેના સાધન રૂપે હડતાળની કાર્યસાધતા નિરૂપી છે આખું વસ્તુ હડતાળની આસપાસ ફર્યા કરે છે. કથાવેગ મંદ છે. ‘આવતી કાલ’ (રામનારાયણ ના. પાઠક)માં પણ મમાજવાદી વિચારસરણી છે અને ખેડૂત-મજૂરની સૃષ્ટિ છે, પરન્તુ તેમાં ગ્રામોદ્યોગનો પુરસ્કાર કરવામાં આવ્યો છે. વસ્તુવિકાસ સુઘટિત રીતે થતો નથી એટલે કથા વાસ્તવિકતાથી વેગળી રહે છે. લખાવટ તેજસ્વી છે. ‘આવની કાલના ઘડવૈયા’ (જગન્નાથ દેસાઈ)માં લેખકે એક કલ્પિત નગરમાં વર્તમાન કાળના આર્થિક અને રાજકીય કોયડાઓ જેવા કે ગરીબાઈ ખેડૂતોની દુર્દશા, ગુલામી, સ્ત્રીની પરતંત્રના વગેરેને કલ્પી લઈને પછી સામુદાયિક ક્રાન્તિ નિપજાવી શકાય એમ કલ્પના કરી છે અને તેને અનુરૂ૫ કથાની ગૂંથણી કરી છે લેખકે પ્રસંગોને ઠીક વર્ણવ્યા છે પરન્તુ વાતાવરણ અવાસ્તવિક જ રહે છે. છેવટનું સ્વાતંત્ર્યસિદ્ધિનું ધ્યેય પણ એટલું જ અવાસ્તવિક છે. ‘રાજમુગુટ’ (ધૂમકેતુ)ની નવી આવૃત્તિ એ આદિથી અંતસુધીનું નવું સંસ્કરણ છે. દેશી રજવાડાંની કુટિલતા, ગંદકી અને તંગ વાતાવરણની વચ્ચે તેજસ્વી પાત્રોનાં વિચાર અને કાર્યો દ્વારા તેમાં તેમની સુધારણા તથા ભાવિની વિચારણા તરી આવે છે. સડતું જીવન અને પ્રકાશ વહેતું રાષ્ટ્રમાનસ બેઉ વચ્ચેનો ભેદ વિચારનો ખોરાક પૂરો પાડે છે ‘ખમ્મા બાપુ’ (ચંદ્રવદન મહેતા) માં પણ દેશી રજવાડાંનું ગંધાતું વાતાવરણ કટાક્ષ, ઉપહામ અને તિરસ્કારના ફુત્કાર સાથે આલેખવામાં આવ્યું છે. કથાવસ્તુ અને પાત્રો વચ્ચે ઘટતો મેળ જામતો નથી અને એક પછી એક બદબોથી ભરેલાં ચિત્રો આવ્યે જાય છે, પરંતુ લેખકની દૃષ્ટિ તેમાંથી સ્ફુટ થાય છે કે રાષ્ટ્રમાંથી એ બદબોનો નાશ થવો જોઈએ. ‘એમાં શું?’ (અવિનાશ) એ દેશી રજવાડાના સડેલા સંસારની કથા છે. તરેહતરેહના વર્તમાન પ્રશ્નોની ચર્ચામાં ઘૂમીને લેખકે ક્રાન્તિનું ઉગ્ર ઝનૂન દાખવ્યું છે. વિચારસરણી યથાર્થ રીતે સ્પષ્ટ થતી નથી.
‘જીવનનિર્માણ’ (ચિરંતન)માં જમીનદારના દેશભક્ત પુત્રને નાયક કલ્પીને નવા રાષ્ટ્રીય વિચારોને કથામાં વણી લેવાનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આત્મકલ્યાણ વિરદ્ધ જનસેવા, સ્થાપિત હિતો વિરુદ્ધ સમાજવ્યવસ્થા ઇત્યાદિ પ્રશ્નો તેમાં મુખ્ય છે. ‘ક્ષિતીશ’(ઇંદુકુમાર શહેરાવાળા): જાગીરદારોની રાજાશાહી અને ખટપટોથી ભરેલા વાતાવરણમાં એક પ્રજાસેવક યુવકની લોકજાગૃતિની કામગીરી અને છેવટે તેની ફતેહ એ આ કથાનો મુખ્ય ધ્વનિ છે. લેખનશૈલી તથા ઘટનાસંયોજન કૃત્રિમ તથા કાચાં છે.
મનોરંજક કોઈ વિશિષ્ટ ધ્વનિ કે દૃષ્ટિ જે નવલકથાઓમાંથી સ્ફુરતાં નથી તેવી થોડી નિવલકથાઓ મનોરંજકની વર્ગણામાં આવે છે. કેવળ મનોરંજક માટે જ લખેલી કલાયુક્ત નવલકથાઓની ઊણપ દેખાઈ આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કથાલેખકોમાં સાહિત્ય પ્રતિની જીવનાભિમુખ કવાદૃષ્ટિ વિશેષ ખીલી છે, અને તેથી કથાનું ધ્યેય કે આદર્શ તેમની દૃષ્ટિ સમીપે વધુ રહ્યા કરે છે. ‘વિરાટનો ઝભ્ભો’ (ગુણવંતરાય આચાર્ય): એક લેખક મિત્રની કીર્તિ એને તેનું નામ ચોરી લઈને બીજો માણસ સમાજમાં બહાર પડે છે, પણ પછી ખરો લેખક આવે છે અને દ્રોહ કરનાર ઉપર વેર લેવા માગે છે. છેવટે ‘અવેરે વેર શમે' તેમ વેર પ્રેમથી શમે છે. પરદેશના મજૂરસંઘોની પ્રવૃત્તિ, તેમનો અસંતોષ અને અંતઃસ્થિતિના વાતાવરણની વચ્ચે 'વિરાટનો ઝભ્ભો’ એાઢી ફરનાર લેખકની આ કથા છેવટ સુધી મનોરજનનું કાર્ય કરે છે. ‘કાઠિયાવાડી રાજરમત’ (ઉછરંગરાય ઓઝા): એક ખૂનના કિસ્સાની આસપાસ ખટપટના પ્રસંગો અને પાત્રોની ગૂંથણી કરીને એક મનોરંજક જાસૂસી કથા ઉપજાવવામાં આવી છે. પાત્રાલેખન સારું છે પરન્તુ વસ્તુ મંદ ગતિઓ વહે છે. ભૂતકઢા ડિટેક્ટિવનું પાત્ર મુખ્ય છે.
‘સંહાર' (અયુબખાન ખલીલ) એ કથા મનોરંજનનુ કાર્ય કરે છે પરન્તુ તેનો પાયો કલ્પના નહિ, વિજ્ઞાન છે. લખાવટ સારી છે.
‘મુક્તિ' (મધુકર)એ મારી લખાવટવાળી, મનોરંજક અને કાંઈક બોધક જાસૂસી કથા છે.
હાસ્યરસિક
હાસ્યરસને પ્રધાનપણે જમાવની નાટિકાઓ અને નવલિકાઓને મુકાબલે તેથી નવલકથાઓ બહુ જૂજ લખાય છે અને પાંચ વર્ષમાં માત્ર ત્રણ જf કૃતિઓ એ પ્રકારની લખાઈ છે. ‘સહચરીની શોધ’ એ અતિશયોક્તિથી યુક્ત સ્થૂળ હાસ્યરસ ઉપજાવતી નવલકથા છે જેમાં કથાનાયકને બેવકૂફ બનાવીને વાચકોને હસાવવાનો યત્ન કરવામાં આવ્યો છે. ધ્વનિ રોચક નથી છતાં લેખકની શૈલી વેધક છે. 'તાત્યારાવનું તાવીજ' (સનત્કુમાર વીણ)માં અતિશયોક્તિને બદલે ચમત્કારિક ભૂમિકા લઇને હાસ્યરસ નિપજાવવામા આવ્યો છે. અસહકાર યુગના એક કેદી તાત્યારાવનો બિલ્લો એ અલાદીનના જાદુઈ ફાનસનો ટુકડો હતો એમ દર્શાવોને પછી વિલક્ષણ પ્રસંગોની પરંપરા નિર્માણ કરવામાં આવી છે. નાયકની મરાઠી ગુજરાતી ભાષાની ખીચડી પણ રમૂજમાં કેટલોક હિસ્સો પૂરે છે. એકંદરે તો એનો હાસ્યરસ સ્થૂળ પ્રકારનો જ રહે છે. ‘આશાવરી' (રમાકાન્ત ગૌતમ)માં એક પરિણીત યુગલનો પ્રેમ અને તેનું લગ્નજીવન લેખકે હાસ્યરસ બહેલાવવાના સભાન પ્રયત્નપૂર્વક આલેખ્યું છે. તેમાં માર્મિક વિનોદથી શરૂઆત થઈ છે પરન્તુ વચ્ચે કથા ફીસી પડી જાય છે અને કૃત્રિમ હાસ્યપ્રસંગોથી રસચમત્કૃતિ નીપજી શકતી નથી.
અનુવાદિત
અનુવાદિત નવવકથાઓમાં મોટો હિસ્સો બંગાળી નવલકથાઓએ આપ્યો છે અને તેમાં ય મુખ્યત્વે કરીને સ્વ. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓએ આપ્યો છે. ત્યાર પછીને હિસ્સો અંગ્રેજી નવલકથાઓનો આવે છે અને છેલ્લે હિંદી તથા મરાઠી નવકથાઓનો આવે છે. કેવળ કનિષ્ઠ કોટિની મૌલિક ગુજરાતી નવલકથાઓ કે જેનો ઉલ્લેખ પણ કરવા જેટલું મહત્વ આપી શકાય તેમ નથી, તે કરતાં અનુવાદિત નવવકથાઓની કોટિ ઊંચે આવે છે એમાં શક નથી. કેટલીક વાર વસ્તુવિષયક વિવિધતા મૈલિક નવલકથાઓથી પૂરી પડતી નથી તે અનુવાદિત નવનકથાઓ પૂરી પાડે છે. ભાષાંતર, અનુવાદ કે અનુકરણ વિશેના ઉલ્લેખો કેટલીક નવલકથાઓમાં કરવામાં આવતા નથી, તેથી બનવાજોગ છે કે એવી થોડી નવવકથાઓ મૌલિકની વર્ગણામાં આવી ગઈ હોય.
અંગ્રેજી
‘વસુંધરાનાં વહાલાં દવલાં’ (ઝવેરચંદ મેઘાણી): વિક્ટર હ્યુગોના ‘ધ લાફિંગ મૅન'ના આધારે લખાયેલી આ નવલકથામાં સમાજે હડધૂત કરેલા અને જીવને સાવકી માતા જેવું વર્તન રાખ્યું હોય તેવાં ધરતીનાં જાયાં દીન-દુઃખી મનુષ્યોનાં વીતકોનાં ચિત્રો આવેખાયાં છે. પાત્રાલેખન તેજસ્વી છે. એ જ લેખકે હૉલ કેઈનના 'માસ્ટર ઑફ મૅન' ઉપરથી કરેલું રૂપાંતર ‘અપરાધી' છે, જેમાં સત્ય અને ન્યાય પ્રતિ એકનિષ્ઠ એવો જુવાન ન્યાયાધીશ પોતાના જ અપરાધ માટે પોતાની વિરુદ્ધ ચુકાદો આપીને કેદી બને છે. કથાનાયકનું મનોમંથન અને પાપનો એકરાર હૃદયંગમ છે. માનવજીવનના પ્રશ્ન વિષયની કથાઓમાં આ કથા મૂલ્યવાન ઉમેરા જેવી છે. ‘બીડેલાં દ્વાર’ એ એ જ લેખકે અપ્ટન સિંક્લેરના 'લવ્ઝ પ્રિલ્ગ્રિમેઈજ’નું કરેલું રૂપાંતર છે. સંવનનથી માંડીને બાળકના પ્રસવ સુધીના એક આદર્શભક્ત યુવાન પતિના જીવનપ્રસંગો પરત્વેની હૃદયોમિંનું આલેખન તેમાં કરેલું છે. સળંગ નવનકથાને ઘટતું વસ્તુ નથી, પરન્તુ આપેલાં પ્રસંગચિત્રો રસભરિત અને રોમાંચક હોઈ વિચારનો ખોરાક પૂરો પાડે છે. ‘ઘેરાતાં વાદળ’ અને ‘વહેતી ગંગા’ (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નવલકથાઓ અપ્ત્ન સિંક્લેરની કથાઓનો અનુવાદ છે. પહેલીમાં લગ્નજીવન, જાતીય આકર્ષણ અને સમાજમાન્ય પ્રતિષ્ઠાના જનતાનાખ્યાલો ઉપર ક્રાન્તિકારક વિચારો દર્શાવ્યા છે બનાવો અને વાતાવરણ પરદેશી જ લાગે છે. બીજી નવલકથામાં સો વર્ષ પછીના ભાવિનું કલ્પનારંગ્યું કથાચિત્ર છે. તેનો આશય સમાજવાદના વિકાસનો ઇતિહામ કથારૂપે રજૂ કરવાનો છે. ‘કલંકિત’ (મણિલાલ ભ. દેસાઈ) એ અપ્ત્ન સિંક્લેરની કથા ‘ડેમૅજડ ગુડ્ઝ' નો અનુવાદ છે. ઉપદંશ-ચાંદીનો ભયંકર રોગ પ્રગતિમાન યુગને કેટલો કલંકિત બનાવે છે તે તેમાં રોમાંચક રીતે દર્શાવ્યું છે. ‘જૅકિલ અને હાઈડ’ (મગનભાઈ પ્રભુભાઈ દેસાઈ): આર. એલ. સ્ટીવન્સનની એ જ નામની કથાનો આ અનુવાદ એક રૂપકકથા છે. માનવનાં દૈવી અને આસુરી પાસાંનું તેમાં પૃથકક્કરણ છે. એ બેઉ જીવન એકીસાથે જીવનાર માણસ છેવટે કંટાળીને આપઘાત કરે છે. કથા હૃદયંગમ છે અને માનવજીવનની નૈસર્ગિકતા અને કૃત્રિમતાનાં યથાઘટિત દર્શન કરાવે છે.
‘શયતાન’ (માણેકલાલ ગોવિંદલાલ જોષી) એ ટૉલ્સ્ટૉયની ‘ડેવિલ’ કથાનો અનુવાદ છે. તેમાં કામવાસના અને જાતીય આસક્તિના પ્રશ્નની ચર્ચા છે. નાયકના મનોમંથન દ્વારા તેમાં નીતિભાન કરાવ્યું છે.
‘અહંકાર’ (હરજીવન સોમૈયા)એ આનાતોલ ફ્રાંસની નવલકથા ‘થેય્સ’નો અનુવાદ છે. એક ખ્રિસ્તી પાદરી વેશ્યાનો ઉદ્ધાર કરવા મથે છે; તેથી વેશ્યાનો તો ઉદ્વાર થાય છે, પરન્તુ અહંકાર તથા વાસનાથી આસક્ત પાદરીનું પતન થાય છે, માનસિક વિકૃતિ તેને દગો દે છે, તેનું સરસ આલેખન એ કથામાં છે. ‘પતન અને પ્રાયશ્ચિત્ત' (વિશ્વનાથ ભટ્ટ) એ નેથેનિયલ હોથૉર્નના 'ધ સ્કાર્લેટ લેટર'નો અનુવાદ છે. એ પણ એક ખ્રિસ્તી પાદરીના પતન અને તેથી થતા માનમિક ત્રાસની હૃદયદ્રાવક કથા છે. પાપના એકરાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાથી તે શાંતિથી મરે છે.
‘અમ્મા' (ભોગીલાલ ગાંધી) મૅકસીમ ગૉર્કીની કથા ‘મધર'નું રૂપાંતર છે. કથાને બંગાળની ભૂમિ પર ઉતારી છે. બીકણ ધરતી-અમ્મા ધીમેધીમે જાગ્રત થઈ માથું ઊંચકી ક્રાન્તિ પોકારે છે. અમ્માનું વિરાટ સ્વરૂપ તે રશિયા. મૂળ કથાને આત્મસાત્ કરીને કથા ગુજરાતીમાં ઉતારી છે.
ભીખો ચોટ્ટો’ (રમણલાલ સોની) એ સોલેન એસ્કની કથા ‘મોટ્કે ધ થીફ’નું કથાવસ્તુ લઈને ગુજરાતનાં પાત્રો તથા વાતાવરણને અનુકૂળ રહી લખાયેલી નવલકથા છે. સમાજના નીચલા થરના પાત્રોની માનવતાને તે પ્રકટ કરે છે.
‘ધરતી’ (નીરૂ દેસાઈ) એ પર્લ બકની ચીનની નવલકથા ‘ગુડ અર્થ’ને આધારે લખાઈ છે. સૂરત જિલ્લાના દુબળા જાતિના ખેડૂતના ગરીબ સંસાર પર અને તેના માનસ ઉપર નવલકથા ઉતારી છે. ખેડૂતજીવનની કરુણતાને તે સારી રીતે આલેખે છે. ‘પશ્ચિમને સમરાંગણે’ (હરજીવન સોમૈયા) એ ‘ઑલ ધ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રંટ' એ જાણીતી અંગ્રેજી નવનકથાનો સરલ ભાષામાં કરવામાં આવેલો અનુવાદ છે. ગત યુરોપીય મહાયુદ્ધની ભીષણતા, અમલદારોની પશુતા અને સૈનિકોની મુગ્ધતાનું આલેખન યુદ્ધની ઐતિહાસિક પીઠિકારૂપ બને છે અને યુદ્ધોત્તર સમસ્યાઓનો ખ્યાલ આપે છે.
‘અબજપતિ' (રમાકાન્ત ગૌત્તમ) એ ‘ધી ઈનએવિટેબલ મિલ્યોનેર'નું રૂપાંતર છે. નાખી દેતાં ન ખૂટે તેટલું ધન કેવાકેવા અખતરાઓ કરાવીને એક ધનપતિના હૃદયમાં માણસાઈ પ્રકટાવે છે તેનો ચિતાર એ કથા આપે છે. ‘માયાવી દુનિયા’ (ચંદુલાલ વ્યાસ) એ દાણચોરીના કિસ્સાને કેંદ્રસ્થ રાખીને લખવામાં આવેલી સુવાચ્ય મનોરંજક ડિટેકિ્ટવ નવલકથા છે. એ જ લેખકની બીજી નવલકથા ‘પ્રમદાનું પતન' એ મિસિસ હેન્રી વૂડની જાણીતી નવલકથા 'ઇન્ટલીન'નું સુવાચ્ય રૂપાંતર છે. 'ખજાનાની શોધમાં' (મૂળશંકર મો. ભટ્ટ) એ સ્ટીવન્સનના 'ટ્રેઝર આઇલેન્ડ'નો અનુવાદ છે. ‘પિનાકિન્' (સુમનલાલ તલાટી) એ દોસ્તોયવસ્કીની જગપ્રસિદ્ધ નવકથા ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેંટ'નો અનુવાદ છે. 'ચંદ્રલોકમાં' અને '૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’ (મૂળશંકર ભટ્ટ) એ બેઉ જુલે વર્નની જાણીતી ખગોળ-ભૂગોળવિષયક વૈજ્ઞાનિક નવકથાઓના અનુવાદ છે. સુવર્ણા’ (રમણીકલાલ જ. દલાલ) એ કઇ ભાષાની કઈ નવલકથાનો અનુવાદ કે રૂપાંતર છે તે નથી સમજાતું. બાળલગ્નમાંથી જન્મેલો સ્ત્રીજીવનનો કોયડો તે રજૂ કરે છે. બંગાળનું વાતાવરણ ગુજરાતમાં ઘટાવવાનો યત્ન કરવામાં આવેલો જણાય છે. વાર્તારસ ટકી રહે છે.
બંગાળી: શરદબાબુ
શરદબાબુની બંગાળી નાવકથાઓએ ગુજરાતી લેખ તેમ જ વાચકોને ખૂબ આકર્ષ્યા છે. આકર્ષણ કરવાયોગ્ય દૈવત અને નવીનતા પણ તેમાં છે. તેમની નવલકથાઓની વસ્તુસંકલના કરતાં પાત્રનિરૂપણ વધુ સચોટ હોય છે. તેમનાં પુરુષપાત્રો પ્રેમાળ પણ અક્રિય અને ઉદાસીન હોય છે, ત્યારે સ્ત્રીપાત્રો ખૂબજ ત્યાગી અને ક્રિયાગીલ હોય છે. પાત્રોનાં માનસ આલેખવાની શરદબાબુની શૈલી હૃદયંગમ છે અને ગુજરાતી લેખકોનું એ શૈલીએ એટલું આકર્ષણ કર્યું છે કે કેટલાક લેખકો એ શૈલીનું અનુકરણ કરવા પણ લલચાયા છે. શરદબાબુની નવલકથાના અનુવાદો ગુજરાતીમાં ભવે ઊતર્યા, પણ ખેદ માત્ર એટલો છે કે એક એક કથાના બબ્બે-ત્રણત્રણ અનુવાદો જુદાજુદા લેખકોએ કર્યા છે અને જુદાજુદા પ્રકાશકોએ પ્રસિદ્ધ કર્યા છે સાહિત્ય દૃષ્ટિએ એ કથાઓની ઉપકારકતાને અવગણ્યા સિવાય કહેવું જોઈએ કે તેનો વેપારી દૃષ્ટિએ લાભ લેવાય તે ખૂંચે છે. છતાં બધાય અનુવાદોને વાચકોએ ઠીકઠીક અપનાવી લીધા છે તે એ કથાઓ પ્રતિના પક્ષપાતનું સૂચક ચિહ્ન બન્યા વિના રહેતું નથી. શરદબાબુની નવવકથાઓની નામાવલિ જ અહીં પૂરતી છે. 'શ્રીકાન્ત'ના ચાર ભાગ (રમણલાલ સોની અને ‘સુશીલ’), 'વિપ્રદાસ’ (૧ રમણલાલ સોની, ૨ ઉષા દલાલનો અનુવાદ 'સુવાસચંદ્ર'), 'દત્તા' (૧ ભોગીલાલ ગાંધી, ૨ માણેકલાલ જોષી), 'શુભદા' (૧ શાંતિલાલ શાહ અને હિમાંશુ ચક્રવર્તી, ૨ રમણલાલ સોની), 'શેષ પ્રશ્ન' (૧ માધવરાવ કર્ણિક, ૨ રમણલાલ સોનીનો અનુવાદ 'નવીના'), 'ચરિત્રહીન' (૧ માધવરાવ કર્ણિક, ૨ ભોગીલાલ ગાંધી), ‘પથેર દાબી’ (૧ દયાશંકર ભ. કવિ, ૨ બચુભાઈ શુક્લનો અનુવાદ 'અપૂર્વ ભારતી’), ‘નવી વહુ’ (‘શેષેર પરિચય' : ૧ બચુભાઈ શુક્લ, ૨ દયાશંકર ભ. કવિનો અનુવાદ 'રેણુની મા'), 'અનુરાધા' (બીજી ત્રણ નવલકથાઓ સાથે, ૧ રમણલાલ સોની, ૨ દયાશંકર ભ. કવિ તથા માણેકલાલ જોષી), 'બડી દીદી' (સુશીલ) એ કથાનો આ ત્રીજો અનુવાદ છે, ‘અનુરાધા' નામક બેઉ પ્રકાશનોમાં એ કથા આવી જાય છે, 'ગૃહદાહ' (ભોગીલાલ ગાંધી), ‘દેવદાસ' ('જયભિખ્ખુ' અને રતિલાલ દીપચંદ દેસાઈ), એ પહેલાં પ્રસિદ્ધ થયેલા અનુવાદોને સાથે ગણતાં ત્રીજો અનુવાદ છે; ‘ચાંદમુખ’ (રમણલાલ સોની)એ ઉપરાંત એ જ કથાનો અનુવાદ 'વૃંદાવન' નામે બહાર પડ્યો છે.
બંગાળી : બંકિમબાબુ
શરદબાબુની નવલકથાઓએ ગુજરાતને જે ચટકો લગાડ્યો તેથી આકર્ષાઈને લેખકોએ બીજા જાણીતા બંગાળી લેખકોની નવલકથાઓ પણ ગુજરાતીમાં ઉતારવા માંડી છે, તેમાં બંકિમબાબુની નવલકથાઓ સારા પ્રમાણમાં છે. એમની કેટલીક નવલકથાઓ પહેલાં અનુવાદિત થઇ ગયેલી તેના પણ નવા અનુવાદો પ્રસિદ્ધ થયા છે. ‘ભૂમિમાતા-આનંદમઠ' (ઈશ્વરલાલ વીમાવાળા), ‘દુર્ગેશનંદિની’ (૧ સુશીલ, ૨ દયાશંકર ભ. કવિ), 'કપાલકુંડલા’ (બચુભાઈ શુક્લ), ‘કૃષ્ણકાન્તનું વીલ’ (૧ રમણલાલ ગાંધી, ૨ બચુભાઈ શુક્લ), ‘મનોરમા' (સુશીલ) 'રાજરાણી’ (કાન્તાદેવી), 'રાધારાણી' (ચંદ્રકાન્ત મહેતા તથા કેશવલાલ પટેલ).
બંગાળી: ઇતર લેખકો
ઇતર (બંગાળી લેખકોમાંના કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને સૌરીન્દ્રમોહન મુખોપાધ્યાયની નવલકથાઓ મુખ્ય છે. ટાગોરની નવલકથા ‘નૌકા ડૂબી' (નગીનદાસ પારેખ)નો આ નવો અનુવાદ ગુજરાતીમાં ત્રીજો છે. 'લાવણ્ય’ (ટાગોરની ‘શેષેર કવિતા’નો અનુવાદ: બચુભાઈ શુકલ)માં પ્રેમની વ્યાપકતા અને લગ્નની મર્યાદિતતાનો સરસ ભાવ જામે છે. 'ચાર અધ્યાય અને માલેચ’ (ટાગોર: બચુભાઈ શુક્લ)માં બે કથાઓનો સમાવેશ કરેલો છે. ટાગોરની બે વધુ કથાઓ ‘રાજર્ષિ’ અને ‘વહુરાણી' (અનુવાદ-બચુભાઈ શુક્લ) સરસ અને સરળ અનુવાદો છે. સૌરીન્દ્રમોહનની 'મુક્ત પંખી' (મૃદુલ) એ નવલકથા તેમણે અંગ્રેજી નવલકથા The Woman who did ના આધારપૂર્વક લખેલી છે. તેમની બીજી નવલકથા 'ગુહત્યાગ' ગુજરાતીમાં ઊતરી છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘પથેર પાંચાલી’ (ઊર્મિલા) અને નિરુપમાદેવી કૃત 'બહેન' (દયાશંકર ભ. કવિ) એ રસિક સાંસારિક નવલકથાઓ છે. બંગાળીમાંથી ઊતરેલી બીજી નવલકથાઓ 'પ્રિયતમાં' (મોહનલાલ ધામી), અને ‘ઇલા' (ભગવાનલાલ સાહિત્યવિલાસી) છે. ‘ઉપેંદ્રની આત્મકથા' (નગીનદાસ પારેખ) એ બંગાળના એક જાણીતા વિપ્લવવાદી ઉપેંદ્રનાથ બંદોપાધ્યાય જેમણે વિપ્લવના કાવતરા માટે કાળા પાણીની સજા પણ ભોગવી હતી તેમની રોમાંચક આત્મકથા છે. પુસ્તકમાં વિપ્લવવાદી પ્રવૃત્તિનો ઈતિહાસ પણ આપેલો છે. 'અનુરાગ' (કાન્તાદેવી) પૂર્ણશશીદેવીની સામાજિક નવલકથાના આ અનુવાદમાં નિરાશ થયેલા પ્રેમિકની આત્મકથા છે. ભાષામાં બંગાળી તત્ત્વ વિશેષ પ્રમાણમાં ઊતર્યું છે. ‘ઘરની વહુ' (લાભુબહેન મહેતા) એ પ્રભાવતીદેવી સરસ્વતીની સાંસારિક કથાનો સુવાચ્ય અનુવાદ છે.
હિંદી
હિંદી નવલથાઓમાંથી ગુજરાતી અનુવાદકોએ થોડી જ પસંદગી કરી છે અને તે મુખ્યત્વે સ્વ. પ્રેમચંદજીની જ નવલકથાઓની. તેમની નવલકથા ‘પ્રેમાશ્રમ’ (કિશનસિંહ ચાવડા)માં જમીનદારે ખેડૂતોને શોષે છે તેનો ચિતાર મુખ્ય છે. ‘નિર્મળા’ (માણેકલાલ જોષી)માં કજોડાનેને અંગે ઉત્પન્ન થતી વિષાદમય સ્થિતિનું કરણાંત આલેખન છે 'ગોદાન' (માણેકલાલ જોષી)માં ઉચ્ચ સમાજના પ્રતિનિધિઓના જીવનને પડછે દુઃખમાં શૂરા અને શીલસંપન્ન ગરીબોનું જીવન સરસ રીતે આલેખી બતાવ્યું છે.
મરાઠી
‘સુશીલાનો દેવ’ (ગોપાળરાવ ભાગવત) એ વામન મલ્હાર જોષીની એક સારી નવલકથા છે. પ્રકૃતિધર્મ સમજીને કર્મયોગી થવું એ તેનો મથિતાર્થ છે. વાર્તારસ ઓછો છે કારણ કે ચિંતન તેમાં વિશેષ ભાગ રોકે છે. શ્રી. ખાંડેકરની નવલકથા ‘દોન ધ્રુવ’ (હરજીવન સોમૈયા) એ સત્યજીવન અને વાસ્તવજીનન વચ્ચેનું ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર બતાવતી નવલકથા છે. અનેક વર્તમાન જીવનના પ્રશ્નોની તેમાં ચર્ચા છે. ઇંદિરા સહસ્ત્રબુદ્ધેની ‘બાલુ તાઈ ધડા ઘે’નો અનુવાદ 'એ પત્ની કોની' (યજ્ઞેશ શુકલ)માં પ્રચલિત લગ્નવ્યવસ્થા સુકુમાર હૃદયોને છૂંદી નાંખે છે તેનું કરુણ આલેખન છે. મામા વરેરકર કૃત 'ઉમળતી કળી'નો અનુવાદ ‘ખીલતી કળી’ (યજ્ઞેશ શુકલ)માં નવમતવાદ અને જૂનવાણી માનસ વચ્ચેનું સંઘર્ષણ નિરૂપવામાં આવ્યું છે.
ઉર્દૂ
કાઝી મુહમ્મદ અબ્દુલ ગફાર કૃત 'લયલાના પત્રો’ (ઈમામુદ્દીન સદરુદ્દીન દરગાહવાળા)નો અનુવાદ એ પત્રરૂપે કહેવામાં આવેલી એક રૂપજીવિનીની આત્મકથા છે. કથારસ ઓછો છે અને નાયિકા પોતાના પેશાની નિંદાની સાથે સમાજ ઉપર અને ખાસ કરીને પુરુષવર્ગ ઉપર ધગધગતી વાણીમાં પ્રહાર કરે છે સમાજની અતિશયોક્તિભરી કાળી બાજૂની તે રજૂઆત કરે છે. સાદીક હુસેન સિદ્દીકીની ઉર્દૂ નવલકથા ઉપરથી લખાયેલી કથા ‘ક્રુઝેડ યુદ્ધ’ (એમ. એચ. મોમીન) ઇ. સ. ના બારમા સૈકામાં ધર્મઝંડા હેઠળ મુસ્લિમો સામે ઈસાઈઓએ કરેલા યુદ્ધની વીર તથા કરુણ રસ રેલાવતી ઐતિહાસિક નવલકથા છે.
સંસ્કૃત
‘વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય’ (માણેકલાલ ન્યાલચંદ): શુભશીલગણિ કૃત એ નામના સંસ્કૃત ગ્રંથ ઉપરથી અનુવાદ રૂપે આ નવલકથા લખવામાં આવી છે. સવંત ૧૪૯૯માં બે ખંડ અને બાર સર્ગોમાં એ ગ્રંથ લખાયેલો, તેનાં પ્રકરણો પાડીને શૈલીનું અનુકરણ કરીને અનુવાદકે આ કથા લખી છે. ભર્તૃહરિના ભાઈ વિક્રમના રાજ્યારોહણને લગતી, વેતાળ અને વિક્રમના પરાક્રમપ્રસંગોને વણી લેતી આ કથા આજે તો સામાન્ય જનતા માટેની એક મનોરંજક જૂનવાણી કથા જેવી લાગે છે.
***
નિબંધો તથા લેખો
ચિંતન-મનનને યોગ્ય નિબંધો, નિબંધિકાઓ, લેખો, ભાષણો ને વિચારકંડિકાઓના સંગ્રહોને આ ખંડમાં સમાવ્યા છે; પરન્તુ પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ માટે નિર્માણ થયેલા વિદ્યાર્થીઓને જ ઉપયોગી એવા સંગ્રહોને ગણનામાં લીધા નથી. ગંભીર અને અગંભીર બેઉ રીતે સાહિત્ય ચિંતનમનનને યોગ્ય બને છે, એટલે નર્મ શૈલીએ લખાયેલા ચિંતનપ્રધાન લેખસંગ્રહો પણ આજ ખંડમાં આવે છે. મોટે ભાગે આ ખંડમાંના ગ્રંથો સંગ્રહરૂપ છે અને સંગ્રહ કરતી વખતે કેટલાક લેખકો બધા લેખોનું સ્વરૂપ સમાન પ્રકારનું છે કે નહિ તે જોવા થોભતા નથી, એટલે તેવા સંગ્રહોમાં કેટલીક સંકીર્ણતા આવી જાય છે; પરન્તુ જે સંગ્રહોનું પ્રધાન સ્વરૂપ ચિંતનક્ષમ લેખોનું જણાયું છે તે જ સંગ્રહોને અહીં લીધા છે. જે લેખસંગ્રહોનું લક્ષ્ય સાહિત્યવિવેચન પ્રધાનાંશે છે તેમનો સમાવેશ અહીં કર્યો નથી, તેમ જ જે લેખસંગ્રહોને ઇતર શીર્ષક હેઠળ વધારે બંધબેસતી રીતે લઈ શકાય તેમ જણાયું છે તે પણ અહીં લીધા નથી. આ બધા સંગ્રહો પરનો એક જ દૃષ્ટિપાત કહી આપે છે કે નિબંધસાહિત્યમાં ગુજરાતી લેખકોનો ફાળો મધ્યમસરનો છે. પરંતુ સાહિત્ય, ભાષા, કલા, ઇતિહાસ, શિક્ષણ, સંસાર, સમાજ, રાષ્ટ્ર, વિજ્ઞાન, ધર્મ, તત્ત્વજ્ઞાન ઇત્યાદિ માનવજીવનને સ્પર્શતા અનેક વિષેયો સંબંધે ચિંતનનો ખોરાક તેમણે પૂરો પાડ્યો છે. અનુવાદિત લેખોના કેટલાક સંગ્રહો પણ આ સાહિત્યમાં સારો ઉમેરો કરે છે. સંપાદિત સંગ્રહો આગલા જમાનાના લેખકોની કેટલીક સુંદર નિબંધકૃતિઓને જાળવી રાખીને અભ્યાસ માટે પ્રચારમાં મૂકવાનું કાર્ય કરે છે. ગુજરાતી ગદ્યશૈલીનો વિકાસ સાહિત્યના આ પ્રકારમાંથી વધારે સારી રીતે તારવી શકાય તેમ છે.
મૌલિક સામાન્ય
જીવન સંસ્કૃતિ’ (કાકા કાલેલકર) એ સામાજિક અને સંસ્કૃતિવિષયક ચિંતનાત્મક નિબંધોનો એક મૂલ્યવાન સંગ્રહ છે. સંસ્કૃતિ, સમાજના પાયા, વર્ણ અને જ્ઞાતિ, સંસારસુધારો, ગામડાંના પ્રશ્નો, ગરીબાઈના પ્રશ્નો, શ્રમજીવીઓ, સમાજસેવાની પ્રવૃત્તિઓ, હરિજનસેવા, ઈત્યાદિ વિભાગોમાં એ નિબંધોને વહેંચી નાંખ્યા છે. દૃષ્ટિની સ્થિરતા વિચારણાની વિશદતા, અભ્યાસ, ચિંતન અને સ્પષ્ટ દર્શન એ બધાંના સમન્વયથી ઊપજેલી ધીરગંભીર શૈલીએ લેખકના ગદ્યને સરસ અને પૂર્ણ ભાવવાહક બનાવ્યું છે. જીવન અને સમાજના ખૂણેખૂણામાં એ દૃષ્ટિ ફરી વળી છે અને વાચકની સ્વાભાવિક જિજ્ઞાસાઓ તથા પ્રશ્નો ઉપજાવીને તેનું નિરસન કરી વિષયનો સંપૂર્ણ ખ્યાલ આપવા મથી છે. એ જ લેખકનો બીજો લેખસંગ્રહ 'જીવનનો આનંદ' બીજી આવૃત્તિ પામ્યો છે જેમાં કેટલોક વધારો કરવામાં આવ્યો છે. એમાંના લેખો એવા જ પ્રભાવશાળી ગદ્યમાં કળા અને કુદરત વિશે લખાયા છે. ‘મણિમહોત્સવના સાહિત્યબોલ’ (કવિ શ્રી નાનાલાલ)એમાં લેખકના મણિમહોત્સવ પ્રસંગનાં ૧૬ ભાષણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. શ્રોતાઓના વર્ગ અને ભાષણનું સ્થાન એ બેઉને લક્ષ્ય કરીને એ ભાષણો અપાયેલાં એટલે તેમાં કેટલી પ્રાસંગિકતા છે. ‘કવિધર્મ’ ‘જગતકવિતાંના કાવ્ય શિખરો', 'નારીજીવનના કોયડા' એ વ્યાખ્યાનો તેમાંના સુંદર નમૂનાઓ છે. 'ગુજરાતની અસ્મિતા અને બીજા લેખો’ (કનૈયાલાલ મુનશી) : ગુજરાતની સંસ્કૃતિની વિશિષ્ટતા દાખવનારો ‘ગુજરાતની અસ્મિતા’નો નિબંધ અને એ જ લખકના બીજા લેખોનો સંગ્રહ તેમના સુવર્ણમહોત્સવના સ્મારક રૂપે ગુજરાતી સાહિત્યપરિષદે પ્રસિદ્ધ કર્યો છે. તેમના ગદ્યનાં બળ અને ભભક તેમાં તરી આવે છે. ‘સર્જન અને ચિંતન' (ધૂમકેતુ)માં ચોટદાર ભાષામાં લખાયેલા જીવન, સાહિત્ય તથા કળાવિષયક નિબંધો મુખ્ય છે અને ધર્મ તથા તત્ત્વજ્ઞાનને સ્પર્શતા લેખો પણ તેમાં છે. લેખકની દૃષ્ટિ જીવન અને જીવનવ્યાપાર માથે સંબંધ, ધરાવતાં ક્ષેત્રોમાંની ઊણપોને સત્વર પકડી પાડે છે અને તેની ઉપર પ્રહાર કરતાં તે કલમને તીખી પણ બનાવે છે. આ નિબંધો કેવળ અભ્યાસનું જ પરિણામ નથી પરન્તુ ચિંતન અને નિરીક્ષણ દ્વારા દૃઢીભૂત કરેલી ભાવનાઓને તે મૂર્ત કરે છે એમના બીજા લેખસંગ્રહ ‘જીવનચક્ર’માં સાહિત્યવિષયક લેખો ઉપરાંત બીજી કેટલીક સામગ્રી પણ છે. નિબંધો ઉપરાંત વિચારમૌક્તિકો, પ્રસંગચિત્રો, વાર્તાઓ, પત્ર, ભાવના ઇત્યાદિની બનેલી એ સંકીર્ણ સામગ્રી છે. ‘લલિતકળા અને બીજા સાહિત્યલેખો’ (સ્વ.ચૈતન્યબાળા મજમૂદાર, સં. મંજુલાલ મજમૂદાર)માં લેખિકાના નિબંધો, ભાષણો તથા લેખો સંગ્રહેલા છે. અભ્યાસ, મનન અને ચિંતનમાંથી સ્ફુરેલા સામાન્ય કોટિના વિચારોનો પ્રવાહ તેમાં રેલાયેલો છે. ‘નાજુક સવારી’ (વિનોદકાન્ત: વિજયરાય વૈદ્ય) એ કિંચિત્ હળવી શૈલીએ લખાયેલી ૨૪ નિબંધિકાઓનો સંગ્રહ છે. વિષયોમાં વૈવિધ્ય છે. ‘અભ્યાસ અર્થે કરાતી વિષય-ઘોડલો ઉપરની સવારી કઠણ છતાં નાજુક છે' એ દૃષ્ટિબિંદુથી સંગ્રહનું નામ પાડવામા આવ્યું છે. આ નાજુક કે હળવી શૈલીની નિબંધિકાઓ વિનોદ ઉપજાવે તેવી નથી, લેખક પોતે કોઈ વાર વક્રોક્તિદ્વારા પોતાની જાત પર થોડું હસી લે છે એટલું જ. 'બંધુ અંબુભાઈના પત્રો' (અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી): લેખક એક જાણીતા વ્યાયામપ્રેમી છે. હાલની કેળવણીપ્રવૃત્તિની ઊણપો વ્યાયામપ્રવ્રુત્તિથી દૂર કરવાનો તેમનો આદર્શ એકલા શરીરવિકાસ પૂરતો જ નથી, પરન્તુ નૈતિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિનો પરિચય, રાષ્ટ્રીય ભાવના વગેરે બાબતો પર પણ પૂર્ણ લક્ષ આપીને પવિત્ર તથા આદર્શ અંતર ધરાવતા સશક્ત નાગરિકો નિપજાવવાનો છે: આ પત્રો એ દિશામાં માર્ગદર્શક નીવડે તેવા પ્રેરણાત્મક નિબંધો જેવા છે. 'પચિકનાં પુષ્પો-ગુચ્છ ૨-૩' (અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ બેઉમાં નિબંધો, ચરિત્રલેખો, પત્રો, વાર્તાઓ, સંશોધનલેખો, સાહિત્યવિષયક લેખો વગેરે સંગ્રહેલા છે. બધા લેખોની પાછળ લેખકની ચિંતનશીલ પ્રકૃતિનું દર્શન થાય છે. ઇતિહામ, ભૌતિકશાસ્ત્ર, અધ્યાત્મ, સાપેક્ષવાદ, માયાવાદ, સાહિત્ય, એવાએવા અનેક વિષયોને સ્પર્શતાં લેખક સપાટીથી ખૂબ ઊંડે ઊતરીને તારતમ્ય કાઢી બતાવે છે. ‘પથિકના પત્રો-ગુચ્છ ૧-૨-૩'માં એ જ લેખકના પત્રોનો સંગ્રહ છે. પહેલા ગુચ્છમાં કિશોરો તથા યુવકોને સંબેધીને લખાયેલા કેટલાક જીવનવિષયક પ્રશ્નોના પત્રો છે; બીજામાં જાહેર કાર્યકર્તાઓને જીવનમાં તથા જાહેર પ્રવૃત્તિમાં ઉપયોગી થાય તેવા સૂચનાત્મક તથા નીતિ, સેવા, સાધના, રાષ્ટ્રોન્નતિ એવા ચર્ચાત્મક પત્રો છે; અને ત્રીજામાં એથી ય ઉચ્ચ કોટિએ પહોંચેલા જિજ્ઞાસુઓ તથા સાધકો પ્રતિ લખાયેલા પત્રો છે. 'ગ્રામોન્નતિ' (રમણલાલ વ. દેસાઇ): આર્થિક અને સામાજિક દૃષ્ટિએ ગ્રામજીવનનું પુનર્વિધાન કરવા માટેના વહેવારુ વિચારો આ પુસ્તકમાંના લેખોમાં દર્શાવ્યા છે 'મારું ગામડું’ (બબલભાઈ મહેતા) તેમાં ખેડા જિલ્લાના માસરા ગામમાં ગ્રામોદ્ધાર પ્રવૃત્તિના પ્રયોગોની અનુભવપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે. ગ્રામસફાઈ ખેતી, ઉદ્યોગ, ખોરાક, કેળવણી, વ્યસનો, વહેમો, વગેરે ઉપર પર્યેંષક દૃષ્ટિ ફેરવીને લેખકે સમાજશાસ્ત્રની વહેવારુ વિચારણા કરી છે. ‘ખેડૂતોની દુર્દશા' (રાવતભાઈ દેસભાઈ ખુમાણ)માં કાઠિયાવાડના ખેડૂતોની દુર્દશાનો સચોટ ખ્યાલ આપ્યો છે. લેખકે ગામડાં જાતે ખૂંદીને માહિતી મેળવી છે અને ઝીણવટભરી આલોચના કરી છે ‘ખેડૂતોની સમસ્યા’ (લાલજી પેંડ્સે)માં ખેડૂતવર્ગની વર્તમાન દુર્દશા, તેનાં કારણો, માંગણીઓ વગેરેની ચર્ચા ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાંતવાર આંકડાઓ આપીને કરવામાં આવે છે. 'ગ્રામવિચારણા' (હરભાઇ ત્રિવેદી): ગામડાંઓની પુનર્ઘટના ગ્રામકેળવણી દ્વારા જ શક્ય છે અને તેથી સાચા ગ્રામશિક્ષકોતથા ગ્રામસેવકોની અગત્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ‘ચાર કૉલેજિયનો' (નયન સુખલાલ હરિલાલ પંડ્યા): ચાર જુદીજુદી દૃષ્ટિવાળા કૉલેજિયનોને ગામડું એ શું છે તે એક વૃદ્ધ અનુભવી સમજાવે છે. એ સમજૂતીનું એ પુસ્તક એક સંવાદાત્મક નિબંધિકાસમું છે. ‘ગ્રામપંચાયતના કાયદા' (નરહરિ પરીખ): ગ્રામપંચાયતોને સજીવન કરવા માટેના જરૂરી માર્ગોનું સૂચન અને કાયદા ઉપરનાં ટિપ્પણ એ આ પુસ્તિકાની વિશિષ્ટતા છે. ‘ગ્રામપંચાયતના કાયદાને લગતા નિયમો' પણ આ જ પુસ્તિકાના એક પરિશિષ્ટરૂપ છે. ‘વર્ધા શિક્ષણયોજના' (ઝકીરહુસેન કમિટી) અને 'વર્ધા કેળવણી પ્રયોગ' (નરહરિ પરીખ) એ બેઉ પુસ્તિકાઓ એ શકવર્તી શિક્ષણયોજનાનું રહસ્ય, વીગતો તથા વિશિષ્ટતાનો પરિચય કરાવે છે. ‘કેળવણીનો કોયડો’ (મહાત્મા ગાંધીજી): અસહકાર યુગના ઇતિહાસથી માંડી વર્ધા શિક્ષણયોજના સુધીની વીગતો આ લેખસંગ્રહમાં સમાવેલી છે. વર્ધા શિક્ષણયોજનાની પૂર્વ પીઠિકારૂપે એમાંના વિચારો મનન કરવા યોગ્ય છે. ‘નવો આચાર-નવો વિચાર'(હરભાઈ ત્રિવેદી)માં જીવનના સંવાગીણ વિકાસને માટે શાસ્ત્રીય કેળવણીની વિચારણા છે અને કેળવણી વિશેના દૃષ્ટિપરિવર્તનને તે સ્ફુટ કરે છે. ‘સહશિક્ષણ’ (રણજીતભાઈ એમ. પટેલ)માં અનેક દૃષ્ટિબિંદુથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના એકત્ર શિક્ષણની પ્રથા તથા તેના લાભાલાભની ચર્ચા કરીને બધાં દૃષ્ટિબિંદુઓનો સમન્વય કરવામાં આવ્યો છે. 'વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળનાં ભાષણો અને લેખો-ભાગ ૨’ એ સંગ્રહમાં પુસ્તકાલયો અને વાચનપ્રવૃત્તિના વિસ્તાર વિશેની માહિતી તેમ જ વિચાર કે સૂચનો જુદાજુદા વિદ્ધાન લેખકોના લેખોદ્વારા સારી પેઠે સમાવેલાં છે. 'જીવન અને વિજ્ઞાન' (રમણિક ત્રિવેદી અને ભાઈલાલ કોઠારી)માં જીવનદૃષ્ટિએ સ્પર્શેલાં જ્ઞાન-વિજ્ઞાનનાં વિવિધ અંગોનું સરળ-સુવાચ્ય નિરૂપણ છે. ‘જીવનપ્રવાહ’ (ઇશ્વરભાઈ દેસાઇભાઈ પટેલ)માં જીવનની વિવિધ પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, રચનાઓ તેમ જ માનવની વૃત્તિઓ વિશે લેખકે પોતાની રીતે વિચાર કરીને બોધ તારવ્યો છે. લેખક એક વિદ્યાર્થી છે અને એ કાચી દશાની મર્યાદા વિચારોમાં ઊતરી છે. ‘યંત્રની મર્યાદા' (નરહરિ પરીખ): વર્તમાન યંત્રમય બનેલા જીવનમાં યંત્રની મર્યાદાને તર્કશુદ્ધ વિચારસરણીથી તેમાં સમજાવેલી છે. યંત્રનો એકાન્ત નિષેધ નથી સૂચવ્યો, પરંતુ અર્થવિજ્ઞાન જીવનની માનસિક ભૂમિકાને સ્પર્શ્યા વિના જે વખતે દોડી રહ્યું છે તે વખતે આ નિબંધ પ્રચારદૃષ્ટિએ જ નહિ પણ તાત્ત્વિક દૃષ્ટિએ ઉપયોગી બને છે અને હસ્તકૌશલની ભૂમિકા રચી આપે છે. 'દેશી રાજ્યોનો પ્રશ્ન' (ગાધીજી): દેશી રાજ્યો અંગેના વિવિધ પ્રશ્નો સંબંધે સામાન્ય પ્રકારના અને ગુજરાત-કાઠિયાવાડનાં દેશી રાજ્યો સંબંધે પ્રાસંગિક એવા લેખો ગાંધીજીએ વખતોવખત લખેલા તેનો આ સંગ્રહ છે. દેશી રાજ્યોના રાજકારણ તથા પ્રજાજીવન અંગેના બળતા પ્રશ્નો સંબંધે ગાંધીજીની દોરવણી આ ગધા લેખોમાં રહેલી છે, અને જેવી રીતે ઇતર ક્ષેત્રોના પ્રશ્નો માટે ગાંધીજી દૃષ્ટિ પ્રેરક બની રહે છે તેવી રીતે આ ક્ષેત્રમાં પણ એ દૃષ્ટિની પ્રેરકતા પૂરી પાડતી લેખસામગ્રી આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવી છે. ‘બારમા સાહિત્યસંમેલનનો અહેવાલ તથા નિબંધસંગ્રહ’માં સંમેલનના પ્રમુખ તથા વિભાગી પ્રમુખોનાં ભાષણો ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કલા, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર ધર્મ તથા તત્ત્વજ્ઞાન અને પત્રકારત્વ એ બધા વિભાગોમાં વંચાયેલા નિબંધોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અભ્યાસ માટેની સારી સામગ્રી તે પૂરી પાડે છે. ‘ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ’ (સં. અંબાલાલ બુ. જાની): આ સભાની ૭૫ વર્ષની હયાતીના ઉત્સવ નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ ગ્રંથમાં સંગ્રહેલા નિબંધો, લેખો તથા કાવ્યો વગેરેમાં મુખ્યત્વે ઇતિહાસ, પુરાતત્ત્વ, સાહિત્ય તથા સંસ્કૃત્તિવિષયક લેખો મૂલ્યવાન તથા આકર્ષક છે. ‘કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ’ (ગુજરાતી સાહિત્યપરિષદ): કરાંચીમાં મળેલું તેરમું સાહિત્યસંમેલન એ મહાગુજરાતનું પ્રથમ સાહિત્યસંમેલન હતું. તેના અહેવાલમાં સાહિત્યવિષયક ઉચ્ચ કોટિના લેખો અને ભાષણો ગણ્યાગાંઠ્યાં છે. ‘પરિષદ પ્રમુખોનાં ભાષણો' (ગુજરાતી સાહિત્યપરિષદ) એ પહેલી પરિષદથી માંડીને ૧૩ મા અધિવેશન સુધીના પ્રમુખોનાં અને વિભાગી પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ છે. સાહિત્યના અભ્યાસીઓ માટે એ એક મૂલ્યવાન ગ્રંથ બન્યો છે. ‘મહાવીર જૈન વિદ્યાલયનો રજત મહોત્સવગ્રંથ’માં ગુજરાતી અને અંગ્રેજી લેખો સંગ્રહેલા છે અને જૈન તેમ જ જૈનેતર લેખકોએ તેમાં પોતાનો ફાળો આપ્યો છે. લેખોમાં વિષયવૈવિધ્ય છે અને કેટલાક નિબંધો સાહિત્યમાં ચિરંજીવી સ્થાન લે તેવા છે.
‘હેમ સારસ્વત સત્ર' (ગુજરાની સાહિત્યપરિષદ): ૧૯૩૯માં પાટણમાં ગુ. સા. પરિષદે ઊજવેલા હૈમ સારસ્વત સત્રનો અહેવાલ તથા તેમાં વંચાયેલા કિંવા તે નિમિત્તે લખાયેલા લેખોનો આ સંગ્રહ છે. લેખોનો એક ભાગ હેમચંદ્રના વ્યક્તિત્વનો અને વિભૂતિમત્ત્વનો ખ્યાલ આપે છે. બીજો ભાગ ગુજરાતની એ કાળની સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. હેમચંદ્રના સાહિત્યનિર્માણને સ્પર્શતા લેખો બહુ થોડા છે.
વિનોદાત્મક
‘સ્વૈરવિહાર-ભાગ ૨' (રામનારાયણ વિ. પાઠક): ‘સ્વૈરવિહારી' છે વિનોદ, કટાક્ષ કે ઉપવાસ માટે જોઇતી સામગ્રી તો સામાન્ય માનવજીવન કે વિશિષ્ટ જાહેર પ્રસંગો જ પૂરી પાડે છે, પરન્તુ તેમાંનું નર્મ તત્ત્વ વ્યાપક હોય છે એટલે તે ગ્રહણ કરવા માટે લેખકના તર્કપાટવને બરાબર અનુસરવું પડે છે, અને તો જ તેમાંના વિનોદને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે. સત્યાગ્રહની લડત, લાઠીમાર, જેલનિવાસ વગેરે બનાવોએ તેમને ઠીક-ઠીક વિનોદવસ્તુઓ આપ્યાં છે. તે ઉપરાંત કવિતા, ભાષા અને વ્યુત્પત્તિમાં પણ તેમણે સ્વૈરવિહાર કરીને બુદ્ધિપ્રધાન વિનોદના સફળ પ્રયોગો કરી બતાવ્યા છે. 'રંગ તરંગ-ભાગ ૧થી ૪' (જ્યોતીંદ્ર હ. દવે)માંનો વિનાદ ભાગ્યે જ પ્રસંગલક્ષી હોય છે,, પરન્તુ લેખક કાલ્પનિક પ્રસંગો નિપજાવે છે, સામાન્ય વસ્તુઓની લાક્ષણિક અસામાન્યતા નિરૂપે છે તથા અસામાન્ય વસ્તુઓની અસામાન્યતા લુપ્ત કરે છે અને પછી તર્કપરંપરાએ કરીને સુંદર વિનોદ નિપજાવે છે. તેમાંનાં વ્યંગ, કટાક્ષ તથા પ્રહાર સચોટ હોય છે અને નિર્દોષ હાસ્ય ઉપજાવ્યા વિના વિરમતા નથી. લેખકનો તર્કવિસ્તાર જીવનમાં કર્મનું પ્રાધાન્ય અમાન્ય કરીને કર્તાનું પ્રાધાન્ય સિદ્ધ કરી શકે છે, આળસને સદ્ગુણ ગણાવી શકે છે, ભાષણની સરસતાને ઉંઘાડી દેતા હાલરડાના ગુણની સમતુલામાં બેસાડી શકે છે, છતાં તે તર્કો હોય છે, તેની પાછળ ભૂમિકા હોય છે, કેવળ તરંગશીલતા નથી હોતી. નર્મ વિનોદ ઉપરાંત ઉગ્ર વિનોદ પણ લેખક નિપજાવી શકે છે છતાં તેનો નિર્દોષતાનો ગુણ ખંડિત થતો નથી એટલી વિશિષ્ટતા નોંધવા જેવી છે. ‘પાનગોષ્ઠિ’ (ધૂમકેતુ)માં હળવી શૈલીએ કટાક્ષપૂર્વક કરવામાં આવેલું જીવનનું દર્શન જોવા મળે છે. જીવનની ઊણપો ઉપર લેખકની દૃષ્ટિ જડાયેલી રહે છે અને એ ઊણપોને કટાક્ષો વેરીને હસી કાઢવા જતાં ગંભીર રોષમાં તથા વિષાદમાં પણ લેખક કેટલીક વાર ઊતરી પડે છે. તેમનો વિનોદ બુદ્ધિપ્રધાન છે અને તર્કપરંપરાએ કરીને જ્યારે તે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં સફાઈથી પલટો લે છે ત્યારે એ તર્કો નર્મ વિનોદની લહેર ઉપજાવી રહે છે. ‘કેતકીનાં પુષ્પો' (નવલરામ ત્રિવેદી) દુનિયામાં અન્યાય કરનારા કે તે નિભાવી લેનારાઓને મધુરો ડંખ દઇને વાંચકોને મૃદુ કે મુક્ત હાસ્યના ભોક્તા બનાવે છે. તેમના કટાક્ષ કોઈ વાર વિનોદપ્રચુરને બદલે કટુતાપ્રચુર પણ બને છે. થોડી હળવી કવિતાઓ પણ તેમાં સંગ્રહેલી છે. ‘રામરોટી’ (નટવરલાલ પ્ર. બુચ)માંનાં પ્રતિકાવ્યો, નિબંધો, વાર્તા, નાટક વગેરેમાં વસ્તુની વિકૃતિ દ્વારા નિપજાવાતા હાસ્યનો પ્રકાર છે. સાહિત્ય, શિક્ષણ, સમાજ ઉપર તે ટકોર કરે છે. ‘વિચારવીચિ' (બળવંત ગો. સંઘવી)માં હળવી શૈલીમાં લખાયેલા પ્રયોગદશાના નિબંધો-લેખો સંગ્રહ્યા છે.
અનુવાદિત
‘સ્વદેશી સમાજ' (નગીનદાસ પારેખ)એ કવિવર રવીંદ્રનાથ ટાગોરના ભારતીય સમાજવિષયક નિબંધો તથા ભાષણોનો સંગ્રહ છે. ભારતના વૈવિધ્યમાં એકતા નિહાળનારી પ્રધાન દૃષ્ટિ એ નિબંધોમાં ઓતપ્રોત થઈ રહેલી છે. ‘હિંદુઓનું સમાજરચના શાસ્ત્ર’ (લીલાધર જાદવ) એ ગોવિંદ મહાદેવ જોશીના મરાઠી પુસ્તકનો અનુવાદ છે. તેમાં હિંદુઓની સમાજ- રચનામાં તેમના પૂર્વજોનું ઊંડું જ્ઞાન તથા નિરીક્ષણ કેટલાં મર્મગામી હતાં તે પ્રતિપક્ષના પુરાવાઓ સાથે બતાવી આપ્યું છે. પરિશ્રમ તથા વિદ્વત્તા બેઉનો સુંદર સંયોગ તેમાં રહેલો છે. ‘નીતિશાસ્ત્રપ્રવેશ' (ગોરધનદાસ અમીન) એ વામન મલ્હાર જોશીના મરાઠી ગ્રંથનો અનુવાદ છે. એમાં ધર્મ તથા નીતિ, નીતિશાસ્ત્ર તથા બીજાં શાસ્ત્રો વચ્ચેનો સંબંધ, કાર્યાકાર્યમીમાંસા વગેરે વિષયો પર મર્મગામી ચર્ચા છે. પાશ્ચાત્ય ચિંતકો તથા તત્વજ્ઞાનીઓના વિચારોને પચાવીને ગ્રંથ લખાયો છે એ ગ્રંથની વિશિષ્ટતા છે. ‘નીતિશાસ્ત્ર’ (પ્રદ્ધાદભાઈ ધ્રુવ)એ પ્રો. મૂરે લખેલા ‘એથિક્સ’નો સુવાચ્ય ગુજરાતી અનુવાદ છે. ગંભીર તત્ત્વચર્ચા સાથે વ્યવહાર તથા નીતિના કૂટ પ્રશ્નો તેમાં છણ્યા છે. ‘પ્લેટોનું આદર્શનગર (પ્રાણજીવન પાઠક)માં પ્લેટોના ‘રિપબ્લિક’નો સરળ અનુવાદ બે ભાગમાં આપ્યો છે. પ્લેટોનું ભાવનાવાદી તત્ત્વજ્ઞાન સંવાદ અને દૃષ્ટાંતો સાથે સુવાચ્ય બન્યું છે. 'પ્રાચીન ગ્રીક ફિલસૂફી’ વિશેનો નિબંધ ગ્રીસના સાહિત્ય, સંસ્કૃતિ તથા રાજનીતિશાસ્ત્રનો ખ્યાલ આપે છે. 'મારી વ્યાપક કેળવણી' (ચદુભાઈ રાવજીભાઈ પટેલ) : ટસ્કેજી સંસ્થાના સ્થાપક બૂકર ટી. વૉશિંગ્ટનની આત્મકથાના ઉત્તરાર્ધનો આ અનુવાદ છે, તેમાંના અનુભવો અને વિચારો ‘કેળવણી’નો સાચો અર્થ સમજવાને તથા ખાસ કરીને ‘પાયાની કેળવણી'નો વિચાર હિંદમા જન્મ્યો છે ત્યારે સાચી કેળવણીનો મર્મ વ્યવહારમાં ઉતારવાને ઉપેયાગી હોઈ એ આજન્મ કેળવણીકારના વિચારો અભ્યાસને યોગ્ય છે. ‘પશ્ચિમના દેશોની કેળવણી પુ ૧' (ગોપાળ ગજાનન વિદ્વાંસ) – ડૉ. ગજાનન શ્રીપત ખેરે લખેલા મૂળ પુસ્તકનો આ અનુવાદ છે. અમેરિકા, રશિયા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીની કેળવણીપદ્ધતિઓની હિંદી દૃષ્ટિએ આપવામાં આવેલી માહિતી તથા સમાલોચના તેમાં છે. ‘આચાર્ય કુપાલાનીના લેખો એ ધર્મ, તત્ત્વજ્ઞાન, સત્યાગ્રહ અને રાજકારણના લેખો તથા ભાષણોનો અનુવાદિત સંગ્રહ છે. તેમાં આચાર્ય કુપાલાનીજી તર્ક અને વિચારપૂર્વક ગાંધીજીની વિચારસરણીનું સમર્થ રીતે પ્રતિપાદન કરે છે. ‘મધુકર’ (વિનોબા ભાવે): મૂળ મરાઠીમાં લખાયેલા ત્રેવીસ લેખોનો આ ગુજરાતી અનુવાદ છે. લેખક પોતાનાં મતો અને મૂલ્યાંકનો વાચક ઉપર આગ્રહયુક્ત તથા તર્કશુદ્ધ રીતે ઠસાવે છે. બધા લેખોના વિષયો વર્તમાન જીવનને સ્પર્શતા છે. 'આપણા દેશની સ્થિતિ’ (સાકરલાલ યાજ્ઞિક): સુપ્રસિદ્ધ દેશભકત ચીપલુણકરના તેજસ્વી નિબંધો જે દેશની દુર્દશા ઉપર પ્રકાશ પાડનારા તથા સ્વાતંત્ર્યદૃષ્ટિથી યુક્ત હોઇને જપ્ત થયા હતા તે ૨૭ વર્ષો બાદ મુક્ત થતાં તેનો આ ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ‘ગ્રામ્ય હિંદનો વિશેષ ઉત્કર્ષ’ (ગોકળદાસ શાહ): ગામડાંના લોકોનું ધાર્મિક, બૌદ્ધિક, શારીરિક, સામાજિક અને આર્થિક જીવન વધારે પૂર્ણ કરવા સારુ તેમના સંપૂર્ણ વિકાસની સિદ્ધિ થાય તે માટે કાર્યકર્તાઓએ પાળવાના સિદ્ધાન્તો તેમાં આપ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધવાની રીતિ સૂચવી છે. મૂળ લેખક ડૉ. હેચ દક્ષિણ હિંદના ગ્રામોદ્ધારકાર્યના પરિચયી હતા અને ગાયકવાડના કોસંબા કેન્દ્રની સ્થાપનામાં તેમનો હિસ્સો હતો. ‘હિંદુસ્તાની ભાષા’ ('ઝાર' રાંદેરી) એ વિષય પર પં. સુંદરલાલના એક ભાષણનું આ ભાષાંતર છે. ‘ગ્રામીઝમ' (અનુ. મંજુલાલ દવે)માં શ્રી રામરાય મુનશીની ગામડાંને સ્વાયત્ત બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે અને એને વિસ્તારથી સમજાવવામાં આવી છે ગાંધીજીની ગામડાંને સપૂર્ણ બનાવવાની વિચારસરણી, ઉત્પાદનની માલિકીનો સામ્યવાદી સિદ્ધાંત, બ્રિટન-અમેરિકાનો બહુમતવાદ, અપરિગ્રહ અને સર્વધર્મસમભાવ, યંત્રોની શક્તિ તથા તેના લાભાલાભ ઇત્યાદિનુ એવું મિશ્રણ એ યોજનામાં છે કે જે પ્રયોગની સરાણે ચડતાં કેટલી કાર્યસિદ્ધિ કરે તે પ્રશ્ન બને છે. ‘કલાસૃષ્ટિ’ (ઈંદુમતી મહેતા અને ભૂપતરાય મહેતા): શ્રી સી. જિનરાજદાસના અંગ્રેજી ગ્રંથનો આ અનુવાદ છે. કલાધામોમાં પ્રવાસ કરીને કલાકૃતિઓનો સાક્ષાત્ પરિચય કર્યા પછી સૌન્દર્યતત્ત્વની પિછાન કરાવનારા નિબંધોનો એ સંગ્રહ છે.
સંપાદિત
‘નર્મદનું મંદિર : ગદ્ય વિભાગ’ (વિશ્વનાથ ભટ્ટ) કવિ નર્મદાશંકરની ગદ્યકૃતિઓમાંથી વીણણી કરીને નર્મદના ગદ્યનું પ્રતિનિધિત્વ દર્શાવી આપે એ પ્રકારનો આ સંગ્રહ છે. નર્મદની દેશદાઝ, ઉત્સાહ અકળામણ, વિષાદ, અને ધર્મવિચારને સ્પષ્ટ કરે એ પ્રકારે નિબંધો, પત્રો, આત્મકથા, સાહિત્યવિચાર ઇત્યાદિ કાપી-કૂપીને સુઘટિત રીતે ઉતાર્યાં છે. ‘નવલગ્રંથાવલિ' (નરહરિ પરીખ): ‘નવલગ્રંથાવલિ’નું તારણ કરીને આ સંગ્રહમાં વિશેષાંશે તેમનાં ગ્રંથવિવેચનો ઉતારવામાં આવ્યાં છે. અભ્યાસીઓને ઉપયોગી થાય એ દૃષ્ટિ તારણ પાછળ રહી છે. ‘નિબંધમાળા' (વિશ્વાથ ભટ્ટ): છેલ્લાં ૭૫ વર્ષમાં લખાયેલા નિબંધોમાંથી ઉત્તમ અને પઠનીય નિબંધધન વીણી કાઢીને આ માળામાં ગૂંથવામાં આવ્યું છે. સાહિત્યવિવેચન અને સમાજવિવેચનને સંપાદકે દૃષ્ટિ સમીપે રાખ્યાં છે. ગુજરાતી ગદ્યશૈલીનો વિકાસ અને પૃથકપૃથક કાળના વિચારણીય પ્રશ્નોનું વૈવિધ્ય એ તેમાં મળી આવે છે. 'બુદ્ધિપ્રકાશ: લેખસંગ્રહ’ (નવલરામ ત્રિવેદી તથા અનંતરાય રાવળ): ૧૮૫૪થી ૧૯૦૮ અને ૧૯૦૯ થી ૧૯૩૦ સુધીનાં ‘બુદ્ધિપ્રકાશ'માં આવેલા લેખોમાંથી ભાષા, સાહિત્ય, વિવેચન, ઇતિહાસ, શિક્ષણ, જીવન, ધર્મ-તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનવિષયક લેખોનું તારણ બે વિભાગોમાં રજૂ કરવામાં આવ્યું છે. ગદ્યને વિકાસક્રમ, વિચારોની દર્શનશૈલી અને બુદ્ધિપ્રકાશ'નું પ્રતિનિધિત્વ એ આ તારણમાંનાં અભ્યમનીય તત્ત્વો છે. ‘સો ટકા સ્વદેશી’ (નવજીવન પ્રેસ) : ખાદી પ્રવૃત્તિની પૂર્તિ રૂપે ૧૯૩૪થી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ શરૂ કરવામા આવેલી તેને અંગે ગાંધીજી, મહાદેવ દેસાઈ, પ્યારેયાલ, સ્વામી આનંદ, વૈકુંઠરાય મહેતા, કુમારપ્પા, ચંદ્રશંકર શુક્લ અને પ્રો. પૂરણે લખેલા લેખોનો આ સુંદર સંગ્રહ છે. કેટલાક લેખો ધ્યેયાત્મક અને કેટલાક પ્રયોગાત્મક છે ‘સ્વદેશી’નો સંપૂર્ણ અર્થ અને ખાદી તથા તે સિવાયના ગ્રામોદ્યોગોને વ્યવહાર રીતે સફળ કરવાનાં મહત્ત્વનાં સૂચનો તથા પ્રેરણા એ લેખસંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. 'સ્વર્ગોનું દોહન' (સં.વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ): સ્વ. અમૃતલાલ બુદરજી પઢિયારના પ્રકીર્ણ, ઉદ્બોધક અને ઉપદેશક લેખસંગ્રહો ‘સ્વર્ગો’ને નામે જાણીતા છે, તેમાંથી ધર્મથી માંડીને આયુર્વેદ સુધીના લેખોની વીણણી કરીને આ ગ્રંથ સ્વ. મોતીભાઈ અમીનના સ્મરણાર્થે શરૂ થયેલી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
{{center|***}}
સાહિત્ય-વિવેચન
સાહિત્ય-વિવેચનના પાંત્રીસેક ગ્રંથોનું આ પાંચ વર્ષમાં થયેલું પ્રકાશન મૌલિક ગુજરાતી સાહિત્યમાં નાનોસૂનો ઉમેરો ન ગણાય, પરંતુ એમાંનો લગભગ અર્ધો હિસ્સો તો એવાં પ્રકાશનોનો છે કે જેનું સર્જન આ પાંચ વર્ષમાં થયું નથી, માત્ર પ્રકાશન જ થયું છે. બધા ગ્રંથો સાહિત્યની મીમાંસાના, વિવેચનના તથા સમીક્ષાના લેખોના સંગ્રહો છે. અને તેમાં ઘણા ચિરંજીવી વિવેચનલેખો છે. સ્વ. નરસિંહરાવ, સ્વ. કે હ ધ્રુવ તથા સ્વ. આનંદશંકર ધ્રુવના લેખોના સંગ્રહો એ ગઈ પેઢીનો ઉત્તમ વારસો છે અને એ વારસો નવા વિવેચકો તથા અભ્યાસીઓને આરોગતાં પચાવતાં ન ખૂબ એટલો વિવિધ તથા વિસ્તૃત છે. વિવેચનનું સાહિત્ય એ કેવળ ગ્રંથસમીક્ષાનું સાહિત્ય નથી, પરંતુ સાહિત્યની કોઈ પણ શાખાનાં પ્રકાશનોનો તથસ્પર્શી અભ્યાસ, નિરીક્ષણ, તુલના અને કેન્દ્રવર્તી પ્રશ્નોની છણાવટ એ પણ વિવેચનનું સાહિત્ય છે. રસિકોને સાહિત્યનાં મર્મગામી મૂલ્યાંકન કરી આપવામાં તથા તેનું આસ્વાદન કરાવવામાં વિવેચનનો મહત્ત્વનો હિસ્સો હોય છે, અને જીવનને સંસ્કારી કરવાના કાર્યમાં સાહિત્યની પ્રગતિ-પરાગતિનું માપ કાઢવામાં વિવેચન જ માનદંડ બની રહે છે. આ દૃષ્ટિએ જોતાં નવું ગુજરાતી વિવેચન-સાહિત્ય નિરાશા ઉપજાવે તેવું નથી. ગઈ પેઢીના વિવેચકોની કોટિમાં ઊભા રહે તેવા વિવેચકો ગુજરાતને મળી રહ્યા છે, જોકે હજી તેમણે નિપજાવેલો ફાલ થોડો છે, ચિંતનનું ઊંડાણ ઓછું છે, વૈવિધ્ય પૂરંતુ નથી, પરંતુ નવું વિવેચન આશાસ્પદ તો જરૂર છે. ‘મનોમુકુર-ભાગ ૩,૪’ (સ્વ. નરસિંહરાવ દિવેટિયા): વિવેચન, રસચર્ચા, ગ્રંથસમીક્ષા અને સાહિત્યવિષયક ઇતર લેખોના ચાર સંગ્રહગ્રંથોમાંના આ છેલ્લા બે ગ્રંથો પૂર્વેના બે ગ્રંથો જેટલા મનનીય અને ચિંતનીય લેખોના મૂલ્યવાન ભંડાર સમા છે. ‘તેમાંનું સાહિત્યવિવેચન પાંડિત્ય અને શાસ્ત્રીય ચોકસાઈ ઉપરાંત વેધક દૃષ્ટિ, સત્યનિષ્ઠા અને રસિકતાથી ઓતપ્રોત છે. સંગીતચર્ચા, કાવ્યચર્ચા, અલંકારચર્ચા, શબ્દચર્ચા કે ઇતર કોઈ વિષયની ચર્ચા અને મીમાંસામાં, તે પોતાની દૃષ્ટિને પુષ્ટ કરવાને ચર્ચાવિષયનાં બધાં પાસાં તપાસતાં પોતાના જ્ઞાનનો ભંડાર ઠાલવે છે, અને ત્યારે તેમની ચર્ચા બીજાઓ માટે અભ્યાસનો વિષય બની રહે છે. ગુ. વ. સોસાયટીએ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાનોના લેખોના સંગ્રહો સંપાદિત કરાવીને પ્રસિદ્ધ કરવાનું જે કાર્ય કર્યું છે તેની ઉપયુક્તતા તેમાંના લેખોનું વૈવિધ્ય અને ઊંડેરું પાંડિત્ય બતાવી આપે છે. અત્યારના સાહિત્યવિષયક કૂટ પ્રશ્નોમાંના ઘણાખરાને માટે કાંઈ ને કાંઇ મતદર્શન કે દોરવણી આ સંગ્રહમાંથી સાંપડી રહે તેમ છે. ‘સાહિત્ય અને વિવેચન-ભાગ ૧, ૨' (સ્વ. દી. બા. કેશવલાલ ધ્રુવ): ગુ. વ. સોસાયટીના સાહિત્યવિષયક લેખ-ગુચ્છોનાં પ્રકાશનોમાં આ બે ભાગ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દી. બા. દેશવલાલ ધ્રુવનાં અન્વેષણો અને નવલ પ્રયોગોનો લાભ તેમના અનુવાદગ્રંથોને મળ્યો છે, પરન્તુ તેમના એ કાર્યો પાછળની દૃષ્ટિ તો તેમના સાહિત્યવિષયક લેખોમાંથી સાંપડે છે. પહેલા ભાગમાં તેમણે કરેલા કાવ્યાનુવાદોના પ્રયોગોના અને મુખ્યત્વે પ્રાચીન ઈતિહાસ તથા સંસ્કૃત સાહિત્યના જુદાજુદા અંગો સંબંધી સંશોધનાત્મક લેખો સંગ્રહેલા છે બીજા ભાગમાં ભાષાશાસ્ત્ર, ગુજરાતી ભાષા તથા સાહિત્ય, છંદ:શાસ્ત્ર તથા પ્રકીર્ણ એમ ચાર વિભાગોમાં લેખોને વર્ગીકૃત કરેલા છે. ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય' તથા 'પદ્યરચનાના પ્રકાર' એ બે સુપ્રસિદ્ધ લેખો એમાં રહેલા છે. સ્વ. ધ્રુવની સ્પષ્ટ વિચારણા, તલસ્પર્શી અન્વેષણ અને ભાષાભક્તિનું પ્રતિબિંબ તેમાં પડે છે. ‘કાવ્યતત્ત્વવિચાર' અને ‘સાહિત્યવિચાર' (સ્વ. ડૉ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ) એ બે લેખગુચ્છો પણ ગુ. વ. સોસાયટીનાં જ પ્રકાશનો છે. પહેલામાંના પ્રથમ વિભાગમાં સાહિત્યવિષયક ચર્ચાલેખો છે અને બીજા વિભાગમાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વ અને પશ્ચિમનો સમન્વય કરનારી એમની વિવેચનકલા તથા સાહિત્યચર્ચાની ચાલીસ વર્ષની પ્રસાદી તેમાં મળે છે. બીજા ગુચ્છમાં સાહિત્યવિષયક પ્રકીર્ણ લેખોનો સંગ્રહ છે. બેઉ ગુચ્છોમાં પદ્યસાહિત્ય, ગદ્યસાહિત્ય કેળવણી, ગ્રંથવિવેચન, રસચર્ચા, સ્મરણનોંધ, ખુલાસા, ઇત્યાદિ સાથે સંબંધ ધરાવતા નાનામોટા અનેક લેખોને કુશળતાપૂર્વક વર્ગીકૃત કરીને આપ્યા છે. પ્રત્યેક લેખમાં સ્વ. આનંદશંકરભાઈની સ્વસ્થ, સંયત અને સાત્વિક દૃષ્ટિનો ઓપ છે અને બહુશ્રુતતા તથા સાહિત્યરસિકતા વહે છે. અભ્યસનીય અને ચિરંજીવી તત્ત્વોવાળા લેખોને ગ્રંથારૂઢ કરવાનું આ કાર્ય ગુ વ. સોસાયટી જેવી સાહિત્યસેવાવ્રતી સંસ્થા સિવાય બીજા કોઇથી કદાચ ન પૂરું થઈ શક્યું હોત. 'કાવ્યની શક્તિ' અને ‘સાહિત્યવિમર્શ’ (રામનારાયણ વિ પાઠક): આમાંના પ્રથમ ગ્રંથમાં કાવ્ય વિષયની સાધક-બાધક ચર્ચાવાળા જુદાજુદા લેખોદ્વારા લેખકે પોતાનાં મંતવ્યોનું પ્રતિપાદન કર્યું છે. પુસ્તકોનાં વિવેચન-અવલોકનમાં એકસરખો વિસ્તાર કે એકસરખું ઊંડાણ નથી લાગતું છતાં તેમનું પ્રત્યેક કથયિતવ્ય તેમના કોઈ ને કોઈ મંતવ્યનું દર્શક હોય છે. બીજા સંગ્રહમાં વાર્તા, નાટક ઇત્યાદિ કાવ્યેતર વિષયક લેખો તથા 'યુગધર્મ’ અને ‘પ્રસ્થાન'માં તેમણે લખેલા સાહિત્યગ્રંથોનાં વિવેચન-અવલોકન સંગ્રહેલાં છે. એ લેખો પણ તેમનાં મંતવ્યોને સ્ફુટ કરી આપવામા સકળ થાય છે અને વસ્તુનિષ્ઠના મર્યાદિત રહેવા છતાં ચર્ચાપાત્ર મુદ્દાઓને ઘટતો સ્પર્શ કર્યા વિના રહેતા નથી. કાવ્ય અને કાવ્યેતર બેઉ વિષયો પરનાં તેમનાં મંતવ્યો અભ્યાસ, ચિંતન અને મનનના પરિપાકરૂપ હોય છે તે તેના અદૃષ્ટાંત પ્રતિપાદન ઉપરથી છતું થાય છે. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણ’ (રામનારાયણ વિ. પાઠક) એ મુંબઈ યુનિવર્સિટીની ૧૯૩૭૬ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષણોનો સંગ્રહ છે. તેમાં દલપતરામથી માંડી મનસુખલાલ ઝવેરી સુધીના કવિઓની કવિતાશૈલીનું વિવેચન છે. એ પોણો સો વર્ષમાં ગુજરાતી કવિતાના સ્વરૂપમાં, રૂચિમાં, છંદોરચનામાં, અલંકારો વગેરેમાં કેવો ફેરફાર થતો આવ્યો તેનું ઐતિહાસિક નિરૂપણ કરીને વર્તમાન યુગમાં વહેતી કવિતાની વિશિષ્ટતાનું તેમ જ ઊણપોનું પણ દર્શન કરાવ્યું છે. વ્યાખ્યાનોનો એકંદર ઝોક કવિતાની ચિંનનપ્રધાનતાને ઉત્તમ પદે સ્થાપનારો છે. ‘ગુજરાતી કવિતાની રચનાકળા' (કવિ અરદેશર ફ. ખબરદાર) એ મુંબઈ યુનિવર્સિટીની ૧૯૩૯ની વ. મા. વ્યાખ્યાનમાળામાં અપાયેલાં ભાષણોનો સંગ્રહ છે. તેમાં કવિતાની નૈસર્ગિક ઉત્પત્તિથી માંડીને જુદી જુદી ભાષાઓમાં થયેલા કવિતાપ્રયોગોનું દર્શન કરાવીને અને ગુજરાતી કવિતાની રચનામાં છંદોવિધાન કવિતાના ભાવપ્રતિપાદનમાં કેટલો મહત્ત્વનો ફાળો આપે છે તે દર્શાવીને ચિંતનપ્રધાનના કે વિચારપ્રધાનતા કવિતાની રસનિષ્પતિમાં ઊણપ લાવનારી બને છે એમ દર્શાવ્યું છે; આથી કરીને વ્યાખ્યાતાએ કવિતાના કલેવર સાથેના કાવ્યરસનિષ્પત્તિના સંબંધને વિસ્તારથી સ્ફુટ કર્યો છે અને નવીન છંદો, બ્લેંક વર્સ માટેની ઉચિત છંદોઘટના, છંદોરચનામાં આવશ્યક શબ્દસંગીતતત્ત્વ ઇત્યાદિ વિશે વિસ્તારથી પોતાના વિચારો જણાવ્યા છે. કવિતાના ઘટનાતંત્ર વિશેના વિસ્તૃત અભ્યાસ અને ઊંડા ચિંતનના ફળરૂપ એ વ્યાખ્યાનો છે. શ્રી રા. વિ. પાઠકનાં વ્યાખ્યાનો અને શ્રી. ખબરદારનાં વ્યાખ્યાનો એ બેઉ કવિતાવિષય પરત્વેની બે જુદીજુદી વિચારશાખાઓનું દર્શન કરાવે છે. ‘આપણી કવિતાસમૃદ્ધિ' (બળવંતરાય ક. ઠાકોર)ની નવી આવૃત્તિ જાણે એક નવું જ પુસ્તક બન્યું છે, કારણ કે જૂની આવૃત્તિ કરતાં તેમાં ઘણી નવી વાનગી અને નવી વિવેચના ઉમેરાઈ છે. એ કવિતાઓની પસંદગી કવિના વ્યક્તિત્વનું સ્ફુટ દર્શન કગવવાના ધોરણે કરવામાં આવી નથી પરન્તુ વર્તમાન કવિતાવિષય પરત્વે ‘સમૃદ્ધિ'કારને જે કોઈ ગુણ-દોષ દૃષ્ટિએ કથયિતવ્ય છે તેને અનુકૂળ આવે એ પ્રકારની પસદગી તેમણે કરી છે, પરિણામે પસંદગી અને તે પરનું ગુણદોષદૃષ્ટિપૂર્વકનું વિવેચન એ બેઉ દ્વારા કેટલાક કવિઓને અન્યાય થયો છે. પરન્તુ કર્તાને એ મર્યાદા જ અભિપ્રેત હતી એમ લાગે છે. એકંદર રીતે જોઈએ તો કવિતારીતિ પરના કર્તાના ઘણાખરા અભિપ્રાયો-છંદ, અલંકાર, પ્રાસ, ગેયતા, શબ્દલાલિત્ય, ચિંતનપ્રધાનતા ઇત્યાદિ વિશેના-તેમાંની કવિતાઓ પરત્વેનાં ટિપ્પણ આદિમાં સમાવિષ્ટ થઈ જાય છે. ‘પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના (ભોગીલાલ સાંડેસરા) એ પુસ્તિકા એમ દર્શાવી આપવા માટે તૈયાર કરવામાં આવી છે કે ગુજરાતી ભાષાના આરંભકાળથી માંડીને દયારામ સુધીના સાહિત્યમાં અક્ષરમેળ વૃત્તોની ન્યૂનાધિક અંશે થયા કરતી હતી. જૂની ગુજરાતી કવિતા સુગેય ઢાળો અને દેશીઓની અંદર જ બંધાઈ રહી હતી એવી એક માન્યતાનું નિરસન કરવા લેખકે દૃષ્ટાંતો સાથે આ અભ્યાસપૂર્ણ નિબંધની રચના કરી છે. ‘સાહિત્યસમીક્ષા’ તથા ‘વિવેચનમુકુર’ (વિશ્વનાથ મ. ભટ્ટ): વિવેચનલેખોના એ બેઉ સંગ્રહોમાં લેખકને તલસ્પર્શી અભ્યાસ, સમતોલ ન્યાયદૃષ્ટિ, ઉચ્ચ અભિરૂચિ, સૌદર્યપરીક્ષક દૃષ્ટિ અને સતત જાગ્રત જવાબદારીનું ભાન પ્રકટ થતાં રહે છે. દલપત, નર્મદ, નરસિંહરાવ, બળવંતરાય, નંદશંકર, બોટાદકર વગેરે સાહિત્યકારોનાં સર્જનોની મુલવણીમાં તથા વાર્ષિક ગ્રંથસમીક્ષાઓમાં તે પૂરતા વિસ્તાર સાથે પોતાની દૃષ્ટિની છાપ ઉપસાવે છે અને એ દૃષ્ટિ પાછળ રહેલી વિદ્ધાનોની અનુમતિ દ્વારા તેનુ સમર્થન કરે છે. પ્રસંગોપાત્ત તે કટુભાષી પણ બને છે પરંતુ તેમ કરવામાં વિવેચક તરીકેની શુદ્ધ કર્તવ્યનિષ્ઠા તેમને દોરતી હોય છે. સાહિત્યનાં સમદર્શી અને તલસ્પર્શી વિવેચનોમાં આ બેઉ ગ્રંથો પ્રથમ કોટિમાં આવે તેવા છે. ‘જીવનભારતી’ (કાકા કાલેલકર)માં લેખકના સાહિત્યવિષયક લેખો અને વ્યાખ્યાનોનો સંગ્રહ કરવામાં આવેલો છે અભ્યાસ, ચિંતન અને વિશેષ તો પ્રત્યેક સાહિત્યકૃતિને જીવનદૃષ્ટિએ મુલવવાની તેમની વિવેચનશૈલી આમાંના પ્રત્યેક લેખની વિશિષ્ટતા છે. સાહિત્યવિવેચનાની તત્ત્વચર્ચા અને કેટલાંક ગુજરાતી પુસ્તકોનાં તેમણે લખેલાં પરિચય, પ્રસ્તાવના, સમીક્ષા વગેરે સંભાર તેમની બહુશ્રુતતા અને જીવનદર્શનનો સરસ રીતે પરિચય કરાવે છે. આ લેખોમાં લેખકનું પાંડિત્ય દેખાઈ આવે છે, પરન્તુ પાંડિત્યનો વિનિયોગ તેના સભાન દર્શન માટે નહિ, કથયિતવ્યને મૂર્ત બનાવવા માટે કરવામા આવ્યો છે, એટલે એ લલિત પ્રાસાદિક શૈલી ગદ્યની ચારુતામાં ઉમેરો કરે છે. 'વિવેચના' (વિષ્ણુપ્રસાદ ત્રિવેદી)માંનાં ગ્રંથવિવેચનો તેમ જ ગ્રંથકારોની સાહિત્યશૈલી વિશેનાં મતદર્શનો વેધક દૃષ્ટિથી સ્વાસ્થ્યને તારવીને સુઘટિત સંક્ષેપમાં રજૂ કરાયેલાં છે. તેમાં દીર્ધસૂત્રિતા નથી હોતી, વિશેષાંશે તાત્ત્વિકતા હોય છે. પરિણામે તેમાં વિવેચનનાં ચિરંજીવી તત્ત્વો સાંપડે છે. પરન્તુ એ વિવેચનોનો સાચો પ્રમાદ પૃથક્કરણશક્તિ કે ભાવગ્રાહક શક્તિવાળો અધિકારી વાચક જ પામી શકે તેવી લેખકની શૈલી છે. 'અખો: એક અધ્યયન' (ઉમાશંકર જોશી): સંશોધન, અધ્યયન અને વિવેચન એ ત્રણે પ્રવૃત્તિઓનો સુમેળ આ ગ્રંથમાં સધાયો છે. અખાના જીવન અને સાહિત્યનું મૂલ્યાંકન સંશોધકની ઝીણી અને વિવેચકની ક્રાન્ત દૃષ્ટિથી કરવામાં આવ્યું છે, અને કેટલીક પ્રચલિત માન્યતાઓને ઇતિહાસ દૃષ્ટિએ કસીને સુધારી કે નિવારી છે. અખાની એક તત્ત્વજ્ઞાની કવિ તરીકેની તેજસ્વી મૂર્તિને સાક્ષાત્કાર તે કરાવે છે. અખાની સુપ્રસિદ્ધ ‘અખે ગીતા'નું વિવેચન રસભર્યું છે. આપણા જૂના કવિઓના સાહિત્યિક જીવનના સ્વતંત્ર વિવેચનગ્રંથોને માટે આ ગ્રંથ એક નમૂનો પૂરો પાડે તેવો બન્યો છે. ‘લોકસાહિત્ય’ (ઝવેરચંદ મેઘાણી): એ લોકગીતોનાં અંતરંગ અને બહિરંગની ચર્ચા કરનારા લેખોનો સંગ્રહ છે, જેમાં લેખકે સંપાદિત કરેલાં લોકસાહિત્યનાં જુદાંજુદાં પુસ્તકોની તેમણે લખેલી પ્રસ્તાવનાઓનો પણ સમાવેશ થાય છે. ભૂતકાળના જીવનને ભાવભરી વાણીમાં મૂર્ત કરનારા લોકસાહિત્યમાંની દૃષ્ટિને તે રસભરિત શૈલીએ પૃથક્કરણપૂર્વક રજૂ કરે છે અને તેમ કરતાં દેશના, પ્રાંતોના અને દુનિયાના દેશોના લોકસાહિત્ય સુધી ફરી વળે છે. ‘જીવન અને સાહિત્ય-ભાગ ૨' (રમણલાલ વ. દેસાઈ): સાહિત્યને જીવનદૃષ્ટિએ નિરીક્ષીને લેખકે પ્રાસંગિક વિવેચનો લખેલાં તેનો આ ગ્રંથમાં સંગ્રહ કર્યો છે. લેખકે જુદાજુદાં સાહિત્યક્ષેત્રોમાં-નવલકથા, નવલિકા, નાટક, કવિતામાં સર્જક તરીકે વિહાર કર્યો છે, એટલે તેમનું સાહિત્યનિમજ્જન વિશાળ છે. એ વિશાળતા આ લેખોની અંદર પ્રતિબિબિત થાય છે. ‘સાહિત્યકલા', 'કાવ્યકલા' અને 'વિવેચન' (મોહનલાલ પાર્વતીશંકર દવે)માંના પહેલા ગ્રંથમાં સાહિત્યવિષયક નિબંધોનો સંગ્રહ છે. ‘સાહિત્ય સંબંધી તેમના વિચારોમાં અદ્યતનતા નથી, કારણકે વીસેક વર્ષો પૂર્વે લખાયેલા લેખો મોટે ભાગે તેમાં છે. બીજા ગ્રંથમાં કાવ્ય અને કલાના સ્વરૂપના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોની વ્યાખ્યાઓ તથા દૃષ્ટાંતો છે. તેમાંના નિબંધોનું મૂલ્ય આજે ઓછું લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે તે લખાયા હતા ત્યારે તત્કાલીન સામયિકોમાં કેટલાક લેખો આકર્ષક નીવડ્યા હતા. ત્રીજા ગ્રંથમા જુદીજુદી સાહિત્યકૃતિઓ પરનાં પ્રાસંગિક વિવેચનો, કેટલાંક વ્યક્તિચિત્રો અને ‘ગ્રંથવિવેચનનું સાહિત્ય’ એ વિશેનો સરસ નિબંધ છે. સૂરતના ત્રણ નન્ના, કવિ ખબરદાર, રણછોડભાઈ ઉદયરામ ઇત્યાદિની જીવનરેખાઓ પણ તેમાં છે. બધા લેખોમાં શૈલીની સમાનતા જળવાઈ નથી. કેટલાકમાં પ્રાસંગિકતા પણ છે. કેટલાંક વિવેચનો ઠીક લખાયેલાં છે. ‘નવાં વિવેચનો' (નવલરામ ત્રિવેદી): નવલકથાનો વિકાસ, ગુજરાતનું હાસ્ય, નર્મદ-કાન્ત-કલાપી-નાનાલાલનું સાહિત્યિક તથા વૈયક્તિક જીવન, આત્મલગ્નની ભાવના, સાહિત્યમાં નારીજીવન ઇત્યાદિ પંદર લેખોનો આ સંગ્રહ છે તેમાંના કેટલાક શુદ્ધ વિવેચનના છે તો કેટલાક સાહિત્યના કોઈ વિશિષ્ટ ક્ષેત્ર પરના ઐતિહાસિક દૃષ્ટિપાત કે નિબંધનું સ્વરૂપ ધારણ કરે છે. બધા લેખો સાહિત્યવિષયને જ સ્પર્શે છે અને માહિતીથી ભરપૂર છે. એ જ લેખકે સંપાદિત કરેલો ‘જયંતી વ્યાખ્યાનો’નો ગ્રંથ ગુજરાત સાહિત્ય સભાએ ઊજવેલી જયંતીઓ પ્રસંગેનાં વ્યાખ્યાનોનો બનેલો છે. મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, મણિલાલ નભુભાઈ ધીરો, દલપતરામ, નર્મદ, કવિ બાલ, ગોવર્ધનરામ અને કલાપી વિશેનાં વ્યાખ્યાનો તેમાં સમાવેલાં છે. તેમાંનાં કેટલાંક ઉત્તમ પ્રકારનાં છે. વ્યાખ્યાન તરીકેના શિથિલ અંશોને ગાળી કાઢીને અને ટિપ્પણ ઉમેરીને સંપાદકે વ્યાખ્યાનોની સુવાચ્યતા સાધી આપી છે. ‘જૂઈ અને કેતકી’ (વિજયરાય વૈદ્ય): એ વિવેચનો, અવલોકનો તથા પુસ્તકોની ટૂંકી-મોટી નોંધોનો સંગ્રહ છે. વિવેચનોમાંનાં કોઇ રૂઢ તો કોઇ અરૂઢ શૈલીનાં પણ છે. ગ્રંથોનાં બધાં પાસાં સમભાવપૂર્વક અવલોકીને લખાયેલાં સ્વસ્થ વિવેચનો થોડાં છે. લેખકના ચિત્ત પર કોઇ નોંધપાત્ર વીગત છપાઈ જાય છે ત્યારે તે તેને ઝડપી લઈને ત્યાં ઊંડું અવગાહન કરે છે અને તે દ્વારા જે કાંઈ મળે તે તારવી આપે છે. 'સાહિત્યદૃષ્ટાને’ (શંકરલાલ ગ. શાસ્ત્રી)ના પ્રથમ ખંડમાં અભ્યાસ, અવલોકન અને ચિંતનના ફળરૂપ પત્રરૂપે લખેલા સાહિત્યવિષયક લેખો છે. વિદ્યાર્થિ-વર્ગને સંબોધીને એ પત્રો લખાયા છે બીજા ખંડમાં પ્રેમાનંદ, શામળ, કૃષ્ણલાલ ઝવેરી, બળવંતરાય ઠાકોર, રમણલાલ દેસાઈ અને લલિતના ૫રિચયાત્મક લેખો છે. આ રેખાચિત્રોમાં સમતોલતા અને સ્વસ્થતાનો સુમેળ છે. ‘મીઠી નજરે’ (ધનસુખલાલ મહેતા)માં ચિત્રકલા, નૃત્ય અને અભિનયનાં વિવેચનો સંગ્રહ્યાં છે, તે લેખકની રસંપરીક્ષક દૃષ્ટિનો પરિચય કરાવે છે ‘પરાગ' (વ્યોમેશચંદ્ર પાઠકજી) એ હળવી શૈલીમાં લખાયેલા વિવેચનલેખો અને બીજા નિબંધોનો સંગ્રહ છે. ‘ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં આપેલો ફાળો’ (સ્વ. ડાહ્યાભાઈ દેરાસરી)માં પંદરમીથી ઓગણીસમી સદી સુધીમાં હિંદી લખનારા ગુજરાતી કવિઓની માહિતી આપવામાં આવી છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (ભારતી સાહિત્યસંઘ): સાહિત્યમાં પ્રગતિશીલતા કઈ, તેનું કોઈ સ્પષ્ટ ધોરણ કિંવા વ્યાખ્યા નક્કી કરવાના હેતુપૂર્વક આ ગ્રંથના છ સંપાદકોએ મથન કરેલું અને પછી જુદાજુદા ગ્રંથકારોને પરિપત્ર મોકલીને 'સાહિત્ય અને પ્રગતિ’ વિશેના તેમના વિચારો જાણવા માંગેલા આ ગ્રંથમાં એવા ત્રીસેક લેખકોના અભિપ્રાયો ઉતારવામાં આવ્યા છે. તે ઉપરાંત સંપાદકોએ સ્વદૃષ્ટિએ પ્રગતિશીલ એવી કથાઓ અને નિબંધો આપેલા છે. એક જ દૃષ્ટિપૂર્વક અનેક કલમોએ ફાળો આપીને નિપજાવેલા આ ગ્રંથ સાહિત્ય પ્રતિની દૃષ્ટિની નવીનતાને કારણે મૂલ્યવાન લેખાય તેવો છે. ‘ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી’ (૧૯૩૭ થી ૧૯૪૦)માં પ્રત્યેક વર્ષના ‘ગ્રંથસ્થ વાઙ્મય સમીક્ષા ઉપરાંત સભામાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અપાયેલાં વ્યાખ્યાનો સંગ્રહેલાં છે. સાહિત્યનાં વાર્ષિક વિવેચનોમાં આ કાર્યવહીના ગ્રંથોએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યેક વર્ષે જુદાજુદા વિદ્ધાન વિવેચકોને સમીક્ષાનું કાર્ય સોંપવામાં આવે છે અને તેથી સમીક્ષાને અંગે તે તે વિવેચકોનાં મંતવ્યો, અભ્યાસનો નિતાર અને ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા-ન્યૂનતા વિશેના અભિપ્રાયો જાણવા મળે છે આ રીતે આ પાંચ વર્ષમાં ડોલરરાય માંકડ (૧૯૩૬), અનંતરાય રાવળ (૧૯૩૭), મંજુલાલ મજમૂદાર (૧૯૩૮), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા વ્રજરાય દેસાઈ (૧૯૩૯) અને રવિશંકર જોશી (૧૯૪૦) એ પાંચ – બધાએ જુદીજુદી કૉલેજોના ગુજરાતીના પ્રાધ્યાપકોએ આ સમીક્ષાઓ લખીને ગુજરાતી સાહિત્યના વિસ્તાર તથા ઊંડાણનાં સરવૈયાં સમભાવપૂર્વક આપ્યાં છે અને વાચકો તથા અભ્યાસીઓને સાહિત્યના, રસાસ્વાદન માટે માર્ગદર્શન કરાવ્યું છે, પાંચ વર્ષમાં આશરે દોઢ હજાર ગ્રંથો એ સમીક્ષકોની દૃષ્ટિ હેઠળથી પસાર થઈ ગયા છે. આ વિશે એક નોંધવાયોગ્ય ત્રુટિ એ 'જણાય છે કે સમીક્ષકોને જે ગ્રંથો સમીક્ષા માટે મળે તેનું જ અવલોકન તે કરી શકે છે અને પરિણામે કેટલીક સારી કૃતિઓ સમીક્ષકની દૃષ્ટિ બહાર રહી જાય છે. સમીક્ષકે તેવી કૃતિઓની નોંધ રાખીને કોઈ પણ રીતે મેળવી-વાંચીને તેને ન્યાય આપ્યો હોય તો આ સમીક્ષાઓની એ પ્રકારથી ઊણપ ટળી જાય. નાનાંનાનાં પાઠ્ય પુસ્તકો કે અભ્યાસનાં પુસ્તકોની ગાઈડો અને નોટો પણ કોઈ કોઈ વાર સમીક્ષામાં આવી જાય છે. તેવી કૃતિઓનું શિક્ષણદૃષ્ટિએ મૂલ્ય હોઈ શકે-સાહિત્ય દૃષ્ટિએ નહિ, તેથી તેમને ગાળી નાંખવાથી સમીક્ષક ઉપરનો વૃથા ભાર દૂર થવા પામે અને તેટલાપૂરતી ગુણવત્તા સમક્ષામાં ઉમેરાય. સમક્ષા ઉપરાંત આ કાર્યવહીઓમાં સાહિત્ય સાથે સંબંધ ધરાવનારાં જે વ્યાખ્યાનો આપવામાં આવેલાં છે તેમાંનાં ઘણાંખરાં વિવેચન તથા નિબંધસાહિત્યમાં સારો ઉમેરો કરનારાં છે 'આપણું વિવેચનસાહિત્ય’ (હીરા મહેતા): એ વિવેચનસાહિત્ય ઉપર વિવેચન કરનારો ગ્રંથ છે કવિ નર્મદથી માંડીને મુનશી અને પાઠક સુધીના સુધીના સાહિત્યકારોનાં કાવ્યાદિ કલાના તથા તેમના વિવેચનોના સિદ્ધાન્તોસંબંધી મંતવ્યોનું નિરૂપણ તેમાં કરેલું છે. સમકાલીન વિવેચકોને તેમાં બરાબર ન્યાય નથી મળ્યો. તેની મર્યાદા અને ઊણપો છતાં આ પ્રકારનો તો આ પહેલો જ ગ્રંથ છે એટલું નોંધવું જોઈએ.
***
જીવનચરિત્ર
જેને સાચા અર્થમાં જીવનચરિત્ર કહી શકાય, તેવાં પુસ્તકો બહુ થોડાં લખાય છે, એટલે એ પ્રકારનું સાહિત્ય આપણે ત્યાં પૂરતું નથી અને પૂરું ખીલ્યું પણ નથી. પરદેશીય વીરો અને મહાનુભાવ વ્યક્તિઓનાં જીવનચરિત્રો ઇતર ભાષાઓમાંથી ઉતારવામાં આવેલાં છે, જેમાંનાં કેટલાંક સારી કોટિનાં છે; પરન્તુ જે સ્વદેશીય વીરો, નેતાઓ, વિદ્વાનો, મહાનુભાવો ઇત્યાદિનાં જીવન લખાયાં છે તેમાં અનેક પ્રકારનાં પ્રયોગો થયેલા છે. તેમાં એક પ્રકાર અણીશુદ્ધ જીવનકથાનો છે, બીજો આત્મકથાનો છે, ત્રીજો સ્મરણલેખોના સંગ્રહરૂપે જીવનવૃત્તાંત રજૂ કરવાનો છે. ચોથો સંક્ષિપ્ત જીવનરેખાઓ આંકી આપવાનો છે અને પાંચમો અહોભાવયુક્ત પ્રશસ્તિકથાઓનો છે. આ બધા પ્રકારોનાં સ્વદેશી અને વિદેશી મહાનુભાવોનાં મૌલિક તથા અનુવાદિત મળી પચાસેક નાનાં-મોટાં જીવનકથાનકો આ પાંચ વર્ષમાં નવાં પ્રસિદ્ધ થયાં છે. માહિતીની સુધટિત ચાળવણી, સંશોધન માટેની ખંત, કથાનાયક અને તેનાં પરિચયી પાત્રોનું સજીવ આલેખન, પાત્રોનાં માનસનો વેધક અભ્યાસ અને જીવનપ્રસંગોની રજૂઆત માટેની ભૂમિકાનું યોગ્ય ચિત્રણ: એ બધા દ્વારા જીતનકથાનું લેખન અત્યંત શ્રમની અપેક્ષા રાખે છે; એવાં શ્રમસિદ્ધ મૌલિક જીવનચરિત્રો ઓછાં લખાયાં છે. અનુવાદ કે તારવણી દ્વારા તૈયાર કરેલી જીવનકથાઓ કે જીવનરેખાઓના સંગ્રહો વિશેષ પ્રમાણમાં થયા છે.
સ્વદેશ
‘નર્મદ:અર્વાચીનોમાં આદ્ય’ (કનૈયાલાલ મુનશી): ગુજરાતની અસ્મિતાનો એક મહાન વિધાયક નર્મદ હતો એ ધ્યેયને લક્ષ્ય કરીને આ ચરિત્ર રસભરિત શૈલીથી લખાયેલું છે. નર્મદની માનવસહજ નિર્બળતાઓને પણ ધ્યેયસિદ્ધિને અર્થે છાવરવામાં આવી છે. ‘હેમચંદ્રાચાર્ય’ (ધૂમકેતુ): સંપ્રદાયિકતાથી રહિત માનવજીવનની કળાની અપેક્ષાપૂર્વક જૈનાચાર્ય શ્રી હેમચંદ્રનું જીવન આલેખનારં કદાચ આ પહેલું જ પુસ્તક છે. ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક વાતાવરણની જે ભૂમિકા હેમચંદ્રને પ્રાપ્ત થઈ હતી તેના વિસ્તૃત પટ ઉપર લેખકે પાથરેલું એ જીવન વધારે દીપી નીકળે છે. હેમચંદ્રાચાર્યની કેટલીક અલૌકિક જીવનઘટનાઓ માનનારી જૈન સાંપ્રદાયિકતાને લેખકે વૈજ્ઞાનિક રીતે ઘટાવવાનો યત્ન કર્યો છે ત્યાં ચરિત્રનાયકની અતિમાનવતા દેખાય છે. 'હેમચંદ્રાચાર્યનુ શિષ્યમંડળ’ (ભોગીલાલ જ. સાંડેસરા) :એ એ જૈનાચાર્યના શિષ્યો સંબંધી પ્રાચીન ગ્રંથોમાંથી તારવેલી માહિતીની પુસ્તિકા છે. 'બાપું' (ઘનશ્યામદાસ બીરલા): લેખકે ગાંધીજી સાથેના પચીસ વર્ષના સંસર્ગ દરમિયાન એમની નજીકથી કરેલા અભ્યાસના ફળરૂપ આ પુસ્તક છે. ગાંધીજીના જીવનનાં પોતાને પરિચિત પાસાંઓનું બયાન સારગર્ભ શૈલીથી આપવામાં આવ્યું છે. લેખકે ગાંધીજીના વ્યક્તિત્વનું તારતમ્ય કાઢ્યું છે તેમાં લેખકની દૃષ્ટિની ઊણપોનું પણ પ્રતિબિંબ છે અને તેથી ગાંધીજી પ્રત્યેનો તેમનો અહોભાવ પણ કેટલેક અંશે ઊતર્યો છે. ગાધીજીના જીવનનો પચીસ વર્ષનો ખંડ એ પુસ્તકમાં આલેખાયો છે. તેવો બીજો ખંડ-ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના એકવીસ વર્ષના જીવનને લગતો ખંડ 'ગાંધીજીની સાધના’ (રાવજીભાઈ મણિભાઈ પટેલ)માં આલેખાયો છે. પ્રવાહી શૈલી, ચિતનીય પ્રસંગકથાનકો અને ગાંધીજી કેટવાક પત્રો એ બધું સારી પેઠે રસ નિભાવી રાખે છે. ‘કવિવર રવીન્દ્રનાથ ઠાકુર' (કાન્તિલાલ મ. શાહ): એ સ્વ. કવિવરના જીવન અને કવનનો પરિચયાત્મક ગ્રંથ છે એટલે તેમાં જેવી રીતે તેમના જીવનની માહિતી અપાઇ છે તેવી રીતે તેમના સાહિત્યની સૌરભનો પણ અહોભાવયુક્ત પરિચય આપ્યો છે. કાકા કાલેલકરનો પ્રસ્તાવનાલેખ ગ્રંથની દીપ્તિમાં ઉમેરો કરે તેવો છે. ‘બે ખુદાઈ ખીદમતગાર’ (મહાદેવ દેસાઈ): સરહદ પ્રાંતની પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસમૂમિકાની વચ્ચે ને પઠાણ નરવીરો ખાન અબ્દુબ ગફારખાન (સરહદના ગાંધી) અને તેમના મોટાભાઈ ડૉ. ખાનસાહેબ એ બેઉ વીરોની આ રોમહર્ષણ કથા છે. જીવનના નાનામોટા પ્રસંગોને તેમાં સરસ રીતે ગૂંથી લેવામાં આવ્યા છે. ‘ભારતસેવક ગોખલે' (જુગતગમ દવે): સ્વ. ગોપાલ કૃષ્ણ ગોખલેના જીવનપ્રસંગોના વિસ્તારની વિશેષતા કરતાં રજૂ કરેલા પ્રસંગોનું નિરૂપણ વધારે રસમય શૈલીથી કરવામાં આવ્યું છે, અને કથાનાયકનું દેશસેવામય માનસ દીપી નીકળે છે. નૌજવાન સુભાષ’ (ગુણવંતરાય આચાર્ય): એ હરિપુરાની રાષ્ટ્રીય મહાસભાને પ્રસંગે લખાયેલી સુભાષબાબુની સંક્ષિપ્ત જીવનકથા છે અને તેજસ્વી શૈલીથી લખાયેલી છે. ‘સુભાષચંદ્ર’ (સંપાદક કકલભાઈ કોઠારી)માં સુભાષબાબુના વિચારો તેમનાં ભાષણો તથા પત્રોમાંથી તારવીને તેમના રાષ્ટ્રીય માનસનો પરિચય કરાવવામાં આવ્યો છે. ‘કાઠિયાવાડના ઘડવૈયા’ (નિરંજન વર્મા અને જયમલ પરમાર)માં વઢવાણના તેજસ્વી કર્મયોગી યુવાનો મોતીભાઈ દરજી, ચમનલાલ વૈષ્ણવ અને ફૂલચંદ શાહ એ ત્રણનાં જીવનચરિત્ર રસભરી અને પ્રેરણાત્મક શૈલીથી લખવામાં આવ્યાં છે. ‘અમારા ગુરુદેવ’ (સુશીલ): જાણીતા સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિના જીવનનાં આ સંસ્મરણો છે, પરંતુ તેમાંથી એ મહાન ધર્મગુરુની મુખ્ય જીવનરેખાઓ, તેમનો વિદ્યાપ્રેમ, શિક્ષણ તથા સાહિત્ય પ્રત્યેનો તેમનો પક્ષપાત, તેમની ચારિત્ર્યવિશુદ્ધિ આદિ અનેક શક્તિઓનો પરિચય થાય છે. સાંપ્રદાયિકતાથી દૂર રહીને લેખકે એ પ્રભાવક પુરષનો પરિચય રસભરિત શૈલીએ કરાવ્યો છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર જીવનકલા' (ગોવર્ધનભાઈ પટેલ): એ શ્રીમદ્ રાજચંદ્રના આધ્યાત્મિક જીવનને અનન્ય ભક્તની દૃષ્ટિએ આલેખી બતાવનારું એક વિસ્તૃત જીવનચરિત્ર છે. 'ચંદ્રગુપ્ત મૌર્ય’ (ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય)માં સમ્રાટ્ ચંદ્રગુપ્ત મૌર્યના રાજત્વનો, તેનાં પરાક્રમોનો અને તાત્કાગીન પ્રજાજીવન તથા સંસ્થાઓનો પરિચય સંક્ષેપમાં આપેલો છે. ‘સ્મરણયાત્રા' (કાકા કાલેલકર)માં લેખકે પોતાની બાળવયનાં સંભારણાં આલેખ્યાં છે. એ આત્મકથા નહિ હોવા છતાં લેખકે આત્મપરીક્ષણ કરીને પોતાની બાળવયની વિલક્ષણતાઓ, ત્રુટિઓ અને વિશિષ્ટતાઓ એવી રીતે આલેખી છે કે સહેજે કિશોરો અને કુમારોને માટે એક બોધક જીવનકથા બને. તેમાંની હાસ્યગંભીરતા વાચનને રોચક બનાવે તેવી છે. ‘મારી હકીકત-ભાગ ૨’ (કવિ નર્મદ) એ ‘ઉત્તર નર્મદચરિત્ર’ છે. નર્મદના વિસ્તૃત જીવનચરિત્ર માટે વિશિષ્ટ રેખાઓ પૂરી પાડે તેવી સંશોધિત માહિતી તેમાં સંગ્રહેલી છે. ‘જીવનસંભારણા’ (શારદાબહેન મહેતા): પચાસ વર્ષનું જીવનપટ પર પથરાયેલાં આ સંસ્મરણો લેખિકાના વ્યક્તિત્વની આસપાસ પરીક્રમણ કરે છે, છતાં વસ્તુતઃ ગુજરાતની સ્ત્રીજાગૃતિની કથા કહી રહ્યાં હોય છે. કૌટુંબિક જીવનમાં રહીને પણ એક સંસ્કારી નારી નિજ વ્યક્તિત્વને સમષ્ટિને માટે કેવી રીતે ઉપયોગી બનાવી શકે તેનું પ્રેરક દર્શન પણ આ સંસ્મૃતિઓનો સંગ્રહ કરાવે છે. નિરાડંબર, નિખાલસતા અને સંયમ એ એના લેખનના મુખ્ય ગુણો છે. ‘મારી જીવનસ્મૃતિ તથા નોંધપોથી’ (સં.પુષ્પલતા પંડ્યા): નિબંધો, વાર્તાઓ, કવિતાઓના વિવિધ પ્રયોગો કરનાર સ્વ. કનુબહેન દવેનાં જીવનસંસ્મરણોનો આ સંગ્રહ છે. તેમાં નિખાલસતા, ઊર્મિવશતા અને સારાં-માઠાં સંવેદનોની છાપ છે. 'દી. બા. રણછોડભાઈ ઉદયરામ શતાબ્દી સ્મારક ગ્રંથ' અનેક લેખકોના સહકારથી તૈયાર થયેલો છે. ‘રણપિંગળ'ના લેખક, 'રાસમાળા'ના અનુવાદક, ‘લલિતા દુઃખદર્શક’ આદિ નાટકોના રચયિતા અને બીજા સંખ્યાબંધ ગ્રંથોના કર્તા દી. બા રણછોડભાઈ ઉદયરામનું આંતર જીવન તેમના સાહિત્યાનુરાગંથી જ પ્રકટ થાય છે. આ ગ્રંથમાં તેમના જીવનનાં અને તેમની કૃતિઓનાં સંસ્મરણો દ્વારા તે સમયના વાતાવરણની વચ્ચે તેમનું સાહિત્યરસિક વ્યક્તિત્વ ઊપસી આવતું જોઇ શકાય છે. 'ગિજુભાઈને સ્મરણાંજલિ' (સં. નાનાભાઈ ભટ્ટ તથા તારાબેન મોડક): બાલશિક્ષણશાસ્ત્રી સ્વ. ગિજુભાઈના અવસાન પછી તેમનાં સગાં, સ્નેહીઓ, વિદ્યાર્થીઓ અને સહકાર્યકર્તાઓએ લખેલા ૬૦ સ્મરણલેખોનો આ સંગ્રહ છે. તેમાં ગિજુભાઈના જીવનકાર્યની, તેમના વાત્સલ્યની, તેમની પ્રયોગસાધનાની અને તેમના વ્યક્તિત્વની પિછાન આપતા લેખો મળી રહે છે. સમાન વાતોનું થોડું પુનરાવર્તન પણ થાય છે. સળંગ જીવનચરિત્ર માટેની સામગ્રીરૂપ આ સંગ્રહ બન્યો છે. 'પંડ્યાજીને સ્મરણાંજલિ' (સં. શંકરલાલ પરીખ)માં પ્રસિદ્ધ રાષ્ટ્રકાર્યકર્તા સ્વ. મોહનલાલ પંડ્યાની સંક્ષિપ્ત જીવનકથા સાથે તેમને આપવામાં આવેલી ભાવાંજલિઓ છે. ‘દુર્લભ જીવન’ (સં. શાન્તિલાલ વનમાળી શેઠ): શ્રી દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરીના સ્મરણાર્થે જુદાજુદા લેખકોએ તેમને આપેલી અંજલિ, તેમના પરિચયનાં સંસ્મરણો અને તેમની વિવિધ પ્રવૃત્તિઓનું દર્શન આ પુસ્તક કરાવે છે. સ્થા. જૈન સમાજના એક સહૃદય દૃષ્ટિવાળા સજ્જન, ખંતીલા કાર્યકર, સંસ્કારી વ્યક્તિત્વવાળા એ હતા એવી છાપ આ પુસ્તકમાંની વીગતો પાડે છે. 'કવિચરિત ભાગ ૧-૨' (કેશવરામ કાશીરામ શાસ્ત્રી): સંશોધકને છાજે તેવી ઝીણવટ અને નિષ્પક્ષપાતયુક્ત રીતે મધ્ય કાળના ગુજરાતી કવિઓનાં જીવન સંબંધી મળી શકે તેટલી માહિતી આ બેઉ ભાગોમાં આપી છે. એ કાળની કવિતા, સાહિત્ય, વિચારસરણી તથા જીવનકળાના ઇતિહાસ માટેનું સુંદર પ્રાથમિક કાર્ય આ ગ્રંથોદ્વારા ઉપલબ્ધ થયું છે. પ્રથમ ગ્રંથમાં ૪૦ કવિઓનો અને બીજા ગ્રંથમાં ૬૨ કવિઓનો પરિચય આપ્યો છે. વિક્રમની અઢારમી સદીના પ્રારંભિક કાળના કવિઓ સુધી આ ચરિતો પહોંચ્યાં છે. ‘સાહિત્યને ઓવારેથી’ (શંકરલાલ ગંગાશંકર શાસ્ત્રી)માં વર્તમાન યુગના ચૌદ સાહિત્યરસિકોનાં રેખાચિત્રો છે. તેમાં સહાનુભૂતિભર્યું ગુણદર્શન છે, પરંતુ નરી પ્રશસ્તિ નથી એટલી તેની વિશેષતા છે. સાહિત્યકાર, સદ્ગૃહસ્થ, અભ્યાસી અને સંસ્કારપ્રેમી તરીકે એ ચરિત્રનાયકો કેવા દેખાય છે તે લેખકે સમભાવપૂર્વક દર્શાવ્યું છે. ‘ગુરુને કાજે’ (ઉમાશંકર ઠાકર): ગુરુને માટે અને ગુરુની આજ્ઞાથી પુરાણ-ઇતિહાસમાં શિષ્યોએ કરેલાં સાહસોની અને તેમના ગુરુપ્રેમની આ કથાઓ છે. ચારિત્ર્યગઠનમાં પ્રેરક બને તેવી રીતે તે લખાઈ છે. શ્રીકૃષ્ણ, ઉપમન્યુ, કર્ણ, એકલવ્ય, કુમારપાળ, કબીર, શિવાજી વગેરેના શિષ્યત્વના પાસાને બધી કથાઓ સ્પર્શે છે.
‘પ્રતાપી પૂર્વજો' (ડુંગરશી ધરમશી સંપટ): વર્તમાન યુગના પ્રતાપી જૈન પુરુષોનાં જીવનકથાકોનો આ સંગ્રહ છે. વિશેષતા એ છે કે એક જૈનેનર લેખકે શ્રમ અને સંશોધનપૂર્વક તે નિરૂપેલાં છે.
‘મહાન મુસાફરો’ (મૂળશંકર ભટ્ટ)માં દક્ષિણાપથમાં વસાહત કરનાર આાર્ય ઋષિ અગસ્ત્યથી માંડીને એવરેસ્ટનાં હિમશિખરો પર ચડાઈ માંડનાર સાહસવીરોની પ્રોત્સાહક જીવનકથાઓ આપવામાં આવી છે. 'ભારતના વૈજ્ઞાનિકો' (રેવાશંકર સોમપુરા)માં ચરક, સુશ્રુત, પતંજલિ, અગસ્ત્ય, વરાહમિહિર, નાગાર્જુન અને ભાસ્કરાચાર્યએ ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો તથા અર્વાચીન, વૈજ્ઞાનિકો જેવા કે ઝંડુ ભટ્ટ, ગજ્જર, જયકૃષ્ણ ઇંદ્રજી, જગદીશ બોઝ, પ્રફુલ્લચંદ્ર રૉય, રામન વગેરેનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો અને તેમનાં મહત્ત્વનાં સંશોધનો સરસ શૈલીમાં આપ્યાં છે. ‘મહાસભાના પ્રમુખો’ (સોમાભાઇ પટેલ): ઇ.સ.૧૮૮૫થી ૧૯૩૭ સુધીની રાષ્ટ્રીય મહાસભાઓના પ્રમુખોની સામાન્ય જીવનરેખાઓ અને તેમનાં ચિત્રો એમાં સંગ્રહેલાં છે. 'ગ્રંથ અને ગ્રંથકાર: ગ્રંથ ૮ મો’ (ગુજરાત વર્નાક્યુલરર સોસાયટી)માં વિદેહ અને વિદ્યમાન ૨૭ ગ્રંથકારોનાં સંક્ષિપ્ત ચરિત્ર આપેલાં છે. આઠે ગ્રંથોમાં મળીને ૩૪૦ ગુજરાતી ગ્રંથકારોની જીવનનોંધો એ રીતે પ્રાપ્ત થઇ છે. ‘રામચંદ્ર દત્ત' (ડાહ્યાભાઈ રા. મહેતા) એ રામકૃષ્ણ પરમહંસના એક તેજસ્વી શિષ્યની કથા છે. ‘મા શારદા’ (સ્વામી જયાનંદ) અને 'શ્રી માતાજી’ (રત્નેશ્વર ભવાનીશંકર) એ બેઉ શ્રી રામકૃષ્ણ પરમહંસના-પૂર્વાશ્રમના ગદાધરના સહધર્મચારિણી શ્રી શારદામણિ દેવીનું સંક્ષિપ્ત જીવન આપે છે ‘શ્રી મહર્ષિ’ (નિરંજનાનંદ સ્વામી) એ મદાસના મહર્ષિની પ્રભાવદર્શિકા કથા છે. ‘શ્રી નાથચરિતામૃત' (આનંદાશ્રમ-બીલખા)માં થી નથુરામ શર્માનો ધાર્મિક જીવનવિકાસ ક્રમબદ્ધ શૈલીએ આલેખ્યો છે. ‘ઝાંસીની રાણી’ (ખંડેરાવ પવાર) એ કથાનાયિકાનું વીરત્વ દાખવતી નાની પુસ્તિકા છે. ‘વિમાની ગીતાબાઈ' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં એક મહારાષ્ટ્રીય સન્નારીએ પોતાના ઘર ઉપર થઈને દરરોજ ઊડતું વિમાન જોઈને વિમાની બનવાની મહત્ત્વાકાંક્ષા સેવેલી તે કેવા યત્નથી અને ખંતથી પૂરી કરી તેનો પ્રેરણાદાયક વૃતાંત છે. ‘ઇડરિયો નીડર' (રામચંદ્ર ઠાકુર) એ સ્વ. ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટની અને ‘મૌ. મહમદઅલી’ (ગરીબ) એ જાણીતા મુસ્લીમ રાષ્ટ્રીય નેતાની ગુણાનુરાગી નાની જીવનકથાઓ છે.
વિદેશ
'એક સત્યવીરની કથા' (ગાંધીજી)માં સત્યાગ્રહી સોક્રેટીસે પોતાનો ઘાત થયા પૂર્વે બચાવમાં આપેલાં ભાષણોની પ્લેટાએ લીધેલી નોંધનો સાર સચોટ અને માર્મિક વાણીમાં આપવામાં આવ્યો છે. ‘મારુ જીવન અને કાર્યક્ષેત્ર' (રમણલાલ વ. દેસાઈ)એ આત્મકથામાં સુપ્રસિદ્ધ અમેરિકન કોટયધિપતિ હેનરી ફોર્ડ પોતાના જીવનપ્રસંગો રજૂ કરીને જીવનકલાવિષયક કેટલાંક પ્રેરણાત્મક નક્કર સત્યો દર્શાવે છે પુસ્તક સુવાચ્ય બન્યું છે. ‘રૂપરાણી’ (વજુ કોટક): વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પોતાનાં નૃત્યો વડે જબરો ઊહાપોહ મચાવનારી કલારાજ્ઞી ઈસાડોરા લિંકનની એ આત્મકથા છે. ‘નૃત્યના હાવભાવમાંથી માનવીની પવિત્રતા અને સૌન્દર્યનું જ્ઞાન આપવા હું આવી છું’ એવી જીવનભાવના સાથે નાયિકાનાં મનોમંથનો અને અનુભવોનો સમન્વય તેમાં વાચનીય બને છે. અનુવાદમાં કાંઈક શિથિલતા છે. ‘બળવાખોર પિતાની તસ્વીર' (કકલભાઈ કોઠારી) આયર્લાંડના શહીદ જેમ્સ કોનોલીની પુત્રી નોરાએ લખેલી પોતાના પિતાની આ જીવનકથા છે. ટૂંકા શબ્દચિત્રો ભાવવાહક બન્યાં છે. તેમાં લેખિકાનો પિતૃપ્રેમ ઓતપ્રેત વણાયો છે. કોનોલીનો જીવનસંગ્રામ અને શ્રી ઇંદુલાલ યાજ્ઞિકનો લેખ ‘પ્રેરણા’ એ શબ્દચિત્રોમાં રહેલી ચરિત્રકથાની ઊણપને પૂરી કરે છે. કમાલ પાશા’ (રમણિકલાલ દલાલ): તુર્કીના રાષ્ટ્રવિધાયક મુસ્તફા કમાલની આ જીવનકથામાં તેના જીવનના પ્રસંગોને ઐતિહાસિક તથા ભૌગોલિક પરિસ્થિતિની પછીત પૂરી રીતે રસભરિત રીતે આલેખવામાં આવ્યા છે, જીવનની રોમાંચકતા પૂરી રીતે ઊપસી આવે છે. એ જ વીર પુરુષનું બીજું જીવનચરિત્ર ‘મુસ્તફા કમાલ’ (કાન્તિલાલ શાહ) એ નામથી પ્રસિદ્ધ થયું છે. એ પણ સળંગ જીવનકથાનો રસ પૂરું પાડતુ એક સુવાચ્ય પુસ્તક છે. 'જંગીઝખાન’ (રમણિકલાલ દલાલ): મોંગોલ વીર જંગીઝખાનનું આ જીવનચરિત્ર હેરોલ્ડ લેમ્બના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. જીવનચરિત્ર એક કથાની પેઠે રસપૂર્વક વાંચી જઈ શકાય તેટલું ઉત્કૃષ્ટ છે. ‘વીરપૂજા' (મોહનલાલ પાર્વતીશંકર દવે)માં જગતના ચાર મહાન ધર્મોના પ્રતિનિધિઓ મહમદ પેગંબર, માર્ટિન લ્યુથર, મહારાજ અશોક, અને દયાનંદ સરરવતીનાં ચરિત્રો આપેલાં છે. આમાંનાં પહેલાં બે ચરિત્ર કાર્લાઈલના લેખોને આધારે અને ત્રીજું વિન્સેન્ટ સ્મિથના લેખોને આધારે લખાયેલું છે, પરિણામે તે તે લેખકોની દૃષ્ટિઓ મુખ્યત્વે આ ચરિત્રોમાં ઊતરી છે. ‘વિભૂતિમંદિર’ (અશોક હર્ષ)માં ન્યૂટન, માર્કોની, ગેરીબાલ્ડી, કર્નલ જ્હોનસન ઇત્યાદિ આઠ વિદેશીય અને લાલા હરદયાલ તથા ડૉ. કેતકર એ બે સ્વદેશીય એમ એકંદરે દસ મહાનુભાવોનાં સંક્ષિપ્ત ચરિત્રો આપ્યાં છે. શૈલી તાજગીભરી છે અને કથાની પેઠે રસ પૂરો પાડે છે. 'અમર મહાજનો' (શારદાપ્રસાદ વર્મા)માં ‘કમાલ આતાતુર્ક અને મુસોલીની’નાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. જીવનની છૂટક છૂટક પણ પ્રેરક રેખાઓના આલેખનથી પણ સજીવ જીવનચિત્ર ઊપસી આવે છે તેના નમૂના રૂપ આ કથાઓ છે. ‘વિજ્ઞાનના વિધાયકો’ (છોટાલાલ પુરાણી)માં એરિસ્ટોટલથી માંડીને લૉર્ડ કેલ્વિન સુધીના પંદર વિજ્ઞાનવિદોની જીવનકથાઓ તેમનાં સંશોધનો તથા સિદ્ધાંતોની માહિતી સાથે આપવામાં આવી છે. આજસુધીના વિજ્ઞાનના વિકાસનો પણ તે ખ્યાલ આપે છે. ‘કેમિલો-કેવૂર’ (વિદ્યારામ ત્રિવેદી): એ ઇટાલીનું સ્વતંત્ર રાષ્ટ્ર સર્જવામાં મહત્ત્વનો ફાળો આપનાર મુત્સદ્દી વીર હતો, તેનું આ નાનું જીવનચરિત્ર છે. નૂતન સર્જક ‘પિલ્સૂદૂસ્કી’ની રોમાંચક જીવનકથા એ નામે (હરિશ્ચંદ્ર ભટ્ટ) સરસ રીતે લખાઈ છે. રશિયન ક્રાન્તિના એક આત્માની જીવનકથા ‘ટ્રોટ્સ્કી’ (રતિલાલ મહેતા) રોમાંચક તથા સજીવ શૈલીએ લખાઇ છે. ‘એડોલ્ફ હિટલર’ (સી. એમ. શાહ) એ જર્મન સરમુખત્યાર હિટલરના જીવનની સંક્ષિપ્ત જીવનકથામાં ધર્મવિષયક નિબંધ જોડવામાં આવ્યો છે. ‘યુરોપની ભીતરમાં (ચંદ્રભાઈ ભટ્ટ): એ સુપ્રસિદ્ધ અંગ્રેજી પુસ્તક Inside Europeનું ભાષાંતર છે. એમાં જર્મની ઇટાલી, ઈંગ્લાંડ, સ્પેન, રશિયા, આયર્લાંડ અને તુર્કીના ચાળીસેક રાજપુરુષોનાં જીવન, કાર્ય અને ધ્યેય વિશેની માહિતી રેખાચિત્રોની શૈલીથી આપવામાં આવી છે.
***
ધર્મ અને તત્ત્વજ્ઞાન
ધર્મ જો સાંપ્રદાયિક દૃષ્ટિએ જોઈએ તો પૃથકપૃથક ધર્મો અને સંપ્રદાયોનાં પરંપરાગત પુસ્તકો અને તેની નવીનવી આવૃત્તિઓ દર વર્ષે મોટા પ્રમાણમાં બહાર પડતી જ રહે છે. સાંપ્રદાયિક કે અસાંપ્રદાયિક જે ધર્મગ્રંથો તાત્ત્વિક છે, કાંઈક નવીનતાવાળા છે, વિશિષ્ટ દૃષ્ટિપૂર્વક અનુવાદિત કે સંપાદિત થયા છે તે ઉપર જ આ વિભાગમાં દૃષ્ટિપાત કર્યો છે. આવાં પુસ્તકોનું આપણું મૌલિક ધન થોડું તથા અનુવાદિત-સંપાદિત ધન વિશેષ છે. એ બીજા પ્રકારનું ધન જ ગુજરાતી ધર્મતત્ત્વજ્ઞાનના સાહિત્યની નવીન સમૃદ્ધિરૂપ છે એમાં શંકા નથી. એ નવીન સમૃદ્ધિ વડે સાંપ્રદાયિક દૃષ્ટિનો હ્રાસ અને અસાંપ્રદાયિક-સમન્વયકાર દૃષ્ટિનો વિકાસ થતો જોઈ શકાય છે. ધર્મ તથા વિજ્ઞાનનો સુમેળ સાધતી દૃષ્ટિ ધર્મચિંતકોમાં વિશેષ ખીલતી જશે તેમતેમ એ સાહિત્ય સાંપ્રદાયિકતાનો કિનારો છોડીને ધર્મની વિશાળ ભાવના તરફ વહેવા લાગશે એવાં ચિહ્નો આ પાંચ વર્ષની એ વિષયની સાહિત્યસમૃદ્ધિ ઉપરથી તારવી શકાય છે. એ દૃષ્ટિ જેટલી પશ્ચિમમાં ખીલી છે તેટલી પૂર્વમાં ખીલી નથી, પણ જે કાંઈ અંશે ખીલી છે તેના પરિણામે પ્રાપ્ત થયેલું થોડું પણ મૌલિક અને અનુવાદિત સાહિત્ય ઉચ્ચ કોટિનું છે. સામાન્ય ધર્મ ‘વ્યાપક ધર્મભાવના’ (ગાંધીજી)માં સમાજવ્યવસ્થા, કેળવણી, રાજકારણ, ગ્રામસેવા, તથા સ્વદેશીધર્મ એ બધાં સેવાક્ષેત્રોનો પાયો ધર્મભાવનામાં રોપીને લખાયેલા લેખો સંગ્રહેલા છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સર્વધર્મસમભાવની ઉદાર દૃષ્ટિ ધારણ કરતાં એ લેખો શીખવે છે. ધર્માનુરાગી સાધકોની દૃષ્ટિને પવિત્ર અને ઉદાર બનાવવાનો ધર્મગુણ પણ તેમાં રહેલો છે. ‘અધ્યાત્મજીવન’ (રાજ): જીવનને સંસ્કારી અને ઉન્નત બનાવે તેવી ગુણવત્તા આ ગ્રંથના લેખોમાં રહેલી છે. શ્રી. જિનરાજદાસના અંગ્રેજી લેખોનો એ સુવાચ્ય અનુવાદ છે અને જોકે તેમાંની મુખ્ય દૃષ્ટિ થિયોસૉફિસ્ટ તત્ત્વજ્ઞાનની છે. તોપણ થિયોસૉફિનો સર્વધર્મસમન્વય ગુણ તેમાં ઉતર્યો હોઈને તેને સાંપ્રદાયિક લેખી શકાય તેમ નથી. શ્રી. જિનરાજદાસના જ બીજા પુસ્તક Mysticismનો અનુવાદ 'યોગજીવન’ (ભૂપતરાય મહેતા) પવિત્ર આધ્યાત્મિક જીવનના માર્ગો દર્શાવે છે. સામાન્ય યૌગિક પ્રક્રિયાઓથી જ સાચા યોગી બનાતું નથી પરન્તુ માનસયોગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાથી યોગજીવન જીવી શકાય છે એ આ ગ્રંથનો ધ્વનિ છે. ‘માનવધર્મ' (જયંતીલાલ આચાર્ય): એ રવીન્દ્રનાથ ટાગોરના એક વ્યાખ્યાનનો સુવાચ્ય અનુવાદ છે. ત્યાગ તથા તપસ્યામાં જ માનવતા રહેલી છે એ તેનો પ્રધાન સ્વર છે.
‘હિંદી સંસ્કૃતિ અને અહિંસા.’ (ભાસ્કરરાવ વિદ્વાંસ) શ્રી. ધર્માનંદ કોસંબીના એ નામના મરાઠી પુસ્તકનો અનુવાદ છે. વૈદિક, શ્રમણ, પૌરાણિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓની ઇતિહાસરેખા દોરીને તેમાં ઉત્તરોત્તર વિકસતી રહેલી અહિંસાદૃષ્ટિનો ક્રમિક વિકાસ મૌલિક વિચારણાપૂર્વક રજૂ કરવામાં આવ્યો છે. વિષય ધર્મને સ્પર્શતો હોવા છતાં ઇતિહાસદૃષ્ટિ પ્રધાન છે.
‘કલ્કી’ (શ્રી. નગીનદાસ પારેખ) અને ‘જગતનો આવતી કાલનો પુરુષ’: એ બેઉનો પ્રધાન સૂર આંતરરાષ્ટ્રીય માનવજગત સમક્ષ ભાવી ધર્મનો અરીસો ધરવાનો છે. બેઉ પુસ્તકો ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્ધત્તાપૂર્ણ વ્યાખ્યાનોના અનુવાદો છે. પ્રથમ પુસ્તક લેખકે સામાન્ય વાચકો માટે લખ્યું હતું, જેમાં તેમણે સંસ્કૃતિનાં અસંખ્ય અંગો પૈકી ધર્મ, કુટુંબવ્યવસ્થા, આર્થિક સંબંધ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એ પાંચેની આલોચના કરી ભાવી પુનર્ઘટનાની રૂપરેખા દોરી છે. બીજું પુસ્તક તેમણે ઑક્સફર્ડના વિદ્ધાનો સમક્ષ વાંચવા માટેનાં વ્યાખ્યાનો રૂપે લખેલું હતું, જેમાં યુરોપીય કાર્યકુશળતા સાથે આર્યજીવનદૃષ્ટિનો યોગ કરીને આવતી કાલની નવીન સંસ્કૃતિઓની ઇમારતનું રેખાંકન કર્યું છે. સર્વધર્મસમભાવપૂર્વક ડૉ. રાધાકૃષ્ણને અનેક સંસ્કૃતિઓની આરપાર કરેલું ક્રાન્તદર્શન આ પુસ્તકોમાં જોવા મળે છે. ‘પૂર્ણયોગ નવનીત ભા. ૧-૨’, ‘પૂર્ણયોગની ભૂમિકાઓ’, ‘યોગસાધનાના પાયા’, ‘યોગ પર દીપ્તિઓ’ અને ‘જ્ઞાનપ્રાપ્તિનું દ્વિતીય કરણ’ (અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી): એ પાંચે શ્રી. અરવિંદ ઘોષના યોગતત્ત્વજ્ઞાનને પ્રસન્નગંભીર શૈલીએ રજૂ કરનારાં નાનાં-મોટાં પુસ્તકો છે.કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, આત્મસિદ્ધિ અને વિજ્ઞાનયોગ-એ પૂર્ણયોગનું નવનીત પ્રથમ બે ભાગમાં આપ્યું છે. બીજામાં અરવિંદ ઘોષના યોગતત્ત્વોની સંક્ષિપ્ત સમજૂતી અને સાધક માટેનું માર્ગદર્શન છે. ત્રીજા-ચોથા પુસ્તકમાં પણ યોગની સમજૂતી અને અભ્યાસ માટે ઉપયોગી ચર્ચા તથા માર્ગદર્શન રહેલું છે. પાંચમી પુસ્તિકા જેને ‘ફોર્થ ડાઈમેન્શન્સ' કહે છે તે ચતુર્થ દિશામાન સમજાવ્યું છે જે ઇંદ્રિયાતીત હોઈ જ્ઞાનચક્ષુથી જ જોઈ-અનુભવી શકાય છે. ગુજરાતના તત્ત્વજિજ્ઞાસુઓમાં અરવિંદ ઘોષનાં તત્ત્વજ્ઞાન માટેની રુચિ વધતી જાય છે તેમાં આ લેખકના ગ્રંથોએ સારી પેઠે હિસ્સો આપ્યો છે. 'સ્વાધ્યાય' (ડૉ. હરિપ્રસાદ દેસાઇ)માં અનેક તત્ત્વજ્ઞોના તત્ત્વદર્શનના સ્વાધ્યાય-મનન-પરિશીલન કરીને તેમાંથી તારવેલી વૈજ્ઞાનિક જીનનદૃષ્ટિનો ખ્યાલ આપનારા સરસ લેખોનો સંગ્રહ કરવામાં આવેલો છે. ‘એશિયાના મહાન ધર્મો’ (ધીરજલાલ ચી. દેસાઈ)માં જુદાજુદા ધર્મોના સિદ્ધાંતોની તથા તેમના પ્રવર્તકોના જીવનની ટૂંકી હકીકત આપી છે. સર્વધર્મસમભાવને પુષ્ટ કરવાની દૃષ્ટિ તેમાં પથરાયેલી છે. ‘કર્મનો નિયમ’ (હરજીવન કાલિદાસ મહેતા)માં કર્મબંધન અને કર્મક્ષયની સમજૂતી એવી રીતે રજૂ કરી છે કે જેથી કર્મવાદનો બુદ્ધિમાન શ્રદ્ધાળુ નિષ્ક્રિય ન બને અને પુરુષાર્થને ત્યજી ન બેસે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મની ફિલસૂફી સુગમ્ય રીતે સમજાવી છે. 'કારણસંવાદ' (પં. શ્રી રત્નચંદ્રજી)માં પણ કાર્યકારણને નિપજાવતાં અદૃષ્ટ બળોને જૈન સાંપ્રદાયિક દૃષ્ટિએ પણ સુગમ્ય અને રોચક શૈલીએ સંવાદદ્વારા સમજાવેલાં છે. ‘ઉચ્ચ જીવન’ (નોશાકરી પીલાં): એ નીતિધર્મની દૃષ્ટિએ જીવનને ઉન્નત બનાવવાનો સંદેશો આપે છે. ‘યોગામૃત’ (જમિયતરામ આચાર્ય): એ જાતિ, ધર્મ, પ્રાંત કે સંપ્રદાયની મર્યાદિત દૃષ્ટિને ટાળીને સત્યધર્મનો માર્ગ દર્શાવવાનો એક સામાન્ય પ્રયત્ન છે 'વાતોમાં બોધ’ (જયંતીલાલ મહેતા): એ તત્ત્વજ્ઞાનને વાર્તાદ્વારા સુગમ્ય રૂપે રજૂ કરવાનો સરસ પ્રયત્ન છે અને ‘એક વૃદ્ધની વિચારપોથી’માંથી તેની તારવણી કરવામાં આવી છે.
વેદાંત
‘હિંદુ ધર્મના મૂળતત્ત્વો’ (ડૉ. પ્રતાપરાય મોદી)માં ઉપનિષદો, ગીતા, મનુસ્મૃતિ આદિ ધર્મગ્રંથોના જ્ઞાનનું અભ્યાસપૂર્વક કરેલું દોહન સુવાચ્ય શૈલીએ અર્થબોધક સરલ ભાષામાં ગૂંથવામાં આવ્યું છે. ‘વેદધર્મ વ્યાખ્યાનમાળા’ (પં. પુરુષોત્તમ ભટ્ટાચાર્ય)માં વેદોક્ત આર્યધર્મનુ પ્રતિષ્ઠાપન કરવા માટે આપવામાં આવેલાં ઉપદેશાત્મક વ્યાખ્યાનોનો સંગ્રહ કરેલો છે. ‘શુદ્ધાદ્વૈત સિદ્ધાન્ત પ્રદીપ’ (સ્વ. મગનલાલ ગણપતરામ શાસ્ત્રી): લેખક શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના સારા અભ્યાસી હતા. આ ગ્રંથમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તનું નિરૂપણ અને પ્રતિપાદન ઇતર મતોની દોષગ્રસ્તતાના દર્શનપૂર્વક કરવામાં આવ્યું છે. આ નવી આવૃત્તિમાં ટિપ્પણો ઉમેરીને નવેસરથી સંશોધન કરવામાં આવ્યું છે. ‘શ્રી પુષ્ટિમાર્ગીય કીર્તનપ્રકાર' (કેશવરામ કા. શાસ્ત્રી)માં કીર્તનભક્તિનું મહત્ત્વ અને જીવનમાં કીર્તનસંગીતનું સ્થાન એ બેઉનો સમન્વય કરવામાં આવ્યો છે. ‘સ્વરૂપદર્શન' (દલપતરામ જગન્નાથ મહેતા)માં આત્મા, પરમાત્મા અને જગતની માયારૂપાત્મકતાનો પરિચય ગુરુશિષ્યસંવાદરૂપે કરી ગીતાના આધારે બોધતત્ત્વનું સમર્થન કર્યું છે. સંસારને મિથ્યા માનીને તેના ત્યાગમાં સનાતન સુખ દર્શાવ્યું છે. 'ભક્તિ તત્ત્વ’ (સ્વામી જયાનંદ તથા જયંતીલાલ ઓઝા) : એ શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોના પરિશીલનને પરિણામે ઉદ્ભવેલું ભક્તિસંબંધી ચિંતનોનું વિવેચન છે. ‘કૃષ્ણબંસી’ (પ્રાણશંકર જોષી) સાધુ વસવાણીના અંગ્રેજી પુસ્તક ઉપરથી લખાયું છે. તેમાં નવયુગની દૃષ્ટિએ ગીતાનું રહસ્ય સમજાવ્યું છે અને રાષ્ટ્રચિંતન તથા ધર્મચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. ‘પ્રશ્નોપનિષદ' (મણિલાલ છબારામ ભટ્ટ) સદાશિવ શાસ્ત્રી ભીડેના મરાઠી પુસ્તકનો અનુવાદ છે. ‘કલ્પનાસૃષ્ટિ અને બ્રહ્મકલ્પના,’ ‘અલૌકિક અમૃત,’ તથા ‘પરા અને અપરા' (મૂળજી રણછોડ વૈદ): એ વેદાંતના તે તે વિષયોની સમજૂતી આપનારી પુસ્તિકાઓ છે. ‘યનીન્દ્રમતદીપિકા’ અને ‘તત્ત્વત્રય’ (માધવલાલ દલસુખરામ કોઠારી): એ રામાનુજ સંપ્રદાયનાં બે મહત્ત્વનાં પુસ્તકો છે. પહેલું પુસ્તક પં. શ્રી નિવાસદાસે લખેલું રામાનુજાચાર્યના સિદ્ધાન્તનું પ્રતિપાદન અને તેના પરની પં. વાસુદેવની ટીકાના ગુજરાની અનુવાદનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને અભિમત વિશિષ્ટાદ્વૈતન તત્ત્વચર્ચા તેમાં છે. બીજું પુસ્તક રામાનુજાચાર્યની શિષ્યપરંપરામાં થયેલા સાતમા આચાર્ય શ્રી લોકાચાર્યના મૂળ ગ્રંથના અનુવાદનો છે. ચિદ્, અચિદ્ અને ઈશ્વર એ ત્રણ તત્ત્વો તેમાં નિરૂપાયાં છે. ‘સિદ્ધાન્તપ્રકાશ’ (પ્રકાશક-મંછારામ મોતીરામ): રવિભાણ સંપ્રદાયના રવિમાહેબે લખેલા મૂળ સુત્રાત્મક ગ્રંથ ઉપર એ સંપ્રદાયના ત્રણ સાધુઓએ લખેલું એ ભાષ્ય છે. ‘કબીર સંપ્રદાય’ (કીશનસિંહ ચાવડા)માં કબીરનું જીવન, કવન, રહસ્યવાદ તથા તેના સિદ્ધાંતો, પર તેની અસર ઇત્યાદિ દર્શાવેલાં છે. ‘શ્રી સત્ય કબીર (મહંત રતનદાસજી સેવાદાસજી)માં સાંપ્રદાયિક દૃષ્ટિએ કબીરનું જીવન. તેમના ઉપદેશપ્રસંગો તથા ઉપદેશતત્ત્વ આપેલાં છે. ‘જપજી’ (મગનભાઈ દેસાઈ): શીખના ધર્મના એ નામના પ્રાર્થનાપુસ્તકનો અનુષ્ટુપ છંદમાં કરવામાં આવેલો અનુવાદ છે, જેનું મહત્ત્વ તેમાંનો ‘ગુરુ નાનક અને આપણી સંસ્કૃતિ’ એ લેખ બતાવી આપે છે ‘તત્ત્વમીમાંસા’ (ભૂપતરાય દવે): એ સાધુ શાન્તિનાથના 'પ્રાચ્ય દર્શન સમીક્ષા'ના ઉપોદ્ઘાતનું ભાષાંતર છે. બધા ધાર્મિક અનુભવોને ભ્રમરૂપ દર્શાવતા શૂન્યવાદનું તે સમર્થન કરે છે. ‘સદાચાર’ (મૂળજી દુર્લભજી વેદ): શ્રીમાન્ શંકરાચાર્યના કહેવાતા ૫૪ શ્લોકના 'સદાચાર' ગ્રંથ ઉપર શ્રી. હંસ સ્વામી (ઈ.સ. ૧૮૪૫-૯૫) એ લખેલી ઓવીબદ્ધ મરાઠી ટીકાનો આ ગુજરાતી અનુવાદ છે, તેમાં શૌચ, પ્રાણાયામ, જપ, તર્પણ, હોમ, અર્ચન વગેરે સદાચારનાં અંગોનું વેદાંત દૃષ્ટિએ આધ્યાત્મિક વિવરણ કરેલું છે.
જૈન
‘મહાવીર કથા’ (ગોપાલદાસ જીવાભાઈ): આ લેખકે જૈન સૂત્રસાહિત્ય અને ગ્રંથસાહિત્યને સરલ ગુજરાતી ભાષામાં ઉતારવાના જે સ્તુત્ય પ્રયત્નો કર્યા છે તેને લીધે સાંપ્રદાયિક્તાથી નિરાળું એવું જૈન તત્ત્વજ્ઞાનનું સુંદર સાહિત્ય ગુજરાતી ભાષાને મળ્યું છે. આ પુસ્તકમાં જૈન તીર્થંકર મહાવીર સ્વામીની પૂર્વકથા અને જીવનકથા ઉપરાંત તેમની દૃષ્ટાંતકથાઓ અને સદુપદેશ પણ સમાવેલાં છે. જૈન સામગ્રીમાંથી જ તૈયાર કરેલું આ પુસ્તક તત્ત્વનિરૂપણમાં લેખકની સમદૃષ્ટિ, વિશાળતા અને અભ્યાસનિષ્ઠતા બતાવે છે. મહાવીરે ભારતને અહિંસાયોગનું એક સ્વતંત્ર દર્શન આપ્યું છે એ તેનો એકંદર ધ્વનિ છે. ‘મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ’ એ એ જ લેખકે ઉત્તરાધ્યયન સુત્રનો કરેલો છાયાનુવાદ છે. ‘સમીસાંજનો ઉપદેશ’ એ દશવૈકાલિક સૂત્રનો છાયાનુવાદ છે. ‘ભગવનીસાર’એ અત્યંત મોટા ‘ભગવતી સૂત્ર'નો લોકોપયોગી દૃષ્ટિએ તારવી કાઢેલો સારમંગ્રહ છે. આ જ લેખકે જૈન ધર્મના સાહિત્યના અભ્યાસ અને અનુવાદરૂપે તૈયાર કરેલા બીજા ગ્રંથો ‘પાપ, પુણ્ય અને સંયમ', હેમચંદ્રના 'યોગશાસ્ત્ર'નો અનુવાદ અને કુંદકુંદાચાર્યનાં ‘ત્રણ રત્નો’ સમય સાર, પ્રવચન સાર, તથા પંચાસ્તિકાયનો અનુવાદ છે. ‘જૈનાગમ કથાકોષ’ (જીવનલાલ છ. સંઘવી): જૈન્ન સૂત્રગ્રંથોમાં આવતી ધાર્મિક કથાઓ અને ચરિત્રો સંક્ષિપ્ત સ્વરૂપે આ પુસ્તકમાં આપેલાં છે. કેટલીક કથાઓ દૃષ્ટાંતરૂ૫ હોઈને કલ્પિત અને કટલીક પ્રાગૈતિહાસિક કાળની તથા ઉપદેશપ્રધાન છે.
***
ઈતિહાસ અને રાજતંત્ર
ઇતિહાસના સંશોધન તથા લેખનને છેલ્લાં થોડાં વર્ષથી જે વેગ મળ્યો છે તેથી આ વિભાગમાં પચાસેક પુસ્તકો દૃષ્ટિ સામે આવીને ઊભાં રહે છે. ઇતિહાસ બહુધા રાજકારણથી મર્યાદિત થઇને આપણી સામે આવે છે; તેથી સંશોધન, અભ્યાસ કે અનુવાદદ્વારા પ્રાચીન અને અર્વાચીન રાજકીય ઇતિહાસો કે ઐતિહાસિક નિબંધો વિશેષ લખાયા છે અને સંસાર, સમાજ, ધર્મ ઇત્યાદિના ઇતિહાસથી મોટે ભાગે એ પ્રકારનું સાહિત્ય વંચિત રહે છે. આ પ્રકારનાં એક્કેક-બબ્બે પુસ્તકો માત્ર જોવા મળે છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સંશોધન તરફ લેખકોની દૃષ્ટિ જેટલી ગઈ છે તેટલી અર્વાચીન ઈતિહાસ તરફ ગઈ નથી; તેથી ઊલટું હિંદુસ્તાનના અર્વાચીન રાજકારણને સ્પર્શતા ઈતિહાસગ્રંથો જેટલા લખાયા છે તેટલા પ્રાચીન સંશોધનના ગ્રંથો લખાયા નથી. હિંદુસ્તાનના ઈતિહાસનું સંશોધન અંગ્રેજી ઈતિહાસગ્રંથોના લેખકોને આગવું સોંપીને આપણે જાણે તેના અનુવાદોથી જ સંતુષ્ટ રહેવાનું હોય એવી પરિસ્થિતિ વર્તે છે. પરદેશને લગતા ઈતિહાસગ્રંથોમાં વર્તમાન જાગૃતિકાળની ઉષ્મા જોવામાં આવે છે. પરદેશના જૂના કાળના ઈતિહાસનાં એકાદ-બે પુસ્તકોને બાદ કરતાં બાકીનાં બધાં પુસ્તકોમાં રશિયા, જાપાન, જર્મની, ચીન કે બ્રિટનનાં વર્તમાન રાજકારણના તથા તેના પ્રત્યાઘાતોના પડઘા પડેલા છે.
ગુજરાત
‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ-ગ્રંથ ૧-૨’ (દુર્ગાશંકર કે. શાસ્ત્રી): રાસમાળા, પ્રબંધચિંતામણિ અને બોમ્બે ગેઝેટિયરમાંથી સાંપડતા ગુજરાતના ઇતિહાસની ઊણપો ટાળવા માટે આ બેઉ ગ્રંથો ઉપયોગી બને છે. એ ઇતિહાસમાંની ઘણી વીગતોનાં નવાં મૂલ્યાંકનો લેખકે કર્યાં છે અને તે માટે બસ્સો જેટલા ગ્રંથોનો આધાર લઈને પુષ્કળ સંશોધન-પરિશીલન કર્યું છે. ગુજરાતના નવેસરથી લખાયેલા સળંગ ઈતિહાસની ઊણપ હજી મટી નથી, પરંતુ તે માટેની રાજપૂતકાળ પૂરતી સુંદર પ્રાથમિક સામગ્રી તરીકે આ ગ્રંથો મૂલ્યવાન બન્યા છે. ‘પુરાતન દક્ષિણ ગુજરાત' (મણિભાઈ દ્વિવેદી): દક્ષિણ ગુજરાતના જૂના ઇતિહાસ પર પ્રકાશ પાડતા છૂટક લેખોનો આ સંગ્રહ છે અને ગુજરાતના સળંગ ઈતિહાસના લેખન માટે આ પણ મૂલ્યવાન સામગ્રી છે. રાજકીય ઉપરાંત આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ પોતાના વિષય ઉપર લેખકે ઠીક પ્રકાશ પાડ્યો છે. ‘સરસ્વતી પુરાણ’ (કનૈયાલાલ ભાઈશંકર દવે): આ તીર્થવર્ણનનો ગ્રંથ મુખ્યત્વે ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ જે અગત્ય દર્શાવે છે તેને અનુરૂપ સંશોધનો તથા પ્રાચીન લેખોથી સંશોધકે તેને સમૃદ્ધ કર્યો છે. બર્ગરક, ચાવડાઓ, કર્ણ, મીનળ, સિદ્ધરાજ અને સહસ્ત્રલિંગનો ઈતિહાસ આપવા ઉપરાંત સરસ્વતીને તીરે આવેલાં તીર્થસ્થાનોની પૌરાણિક તથા ભૌગોલિક માહિતી આપી છે. ‘વાઘેલાઓનું ગુજરાત’ (ભોગીલાલ જ. સાંડેસરા)માં વાઘેલા વંશના રાજાઓના સમયના ગુજરાતની રાજકીય અને બીજી માહિતી સાંસ્કૃતિક દૃષ્ટિએ તારવી આપવામાં આવી છે. ‘ગુજરાતના મુસલમાનો-ભાગ ૧’ (કરીમ મહમદ માસ્તર): એ મુંબઈ ગેઝેટિયરમાંથી કરવામાં આવેલો અનુવાદ છે, જેમાં અનુવાદકની નોંધો અને પરિશિષ્ટો એ વિશિષ્ટતા છે. ‘મહમુદ બેગડો’ (લોખંડવાલા): એ ગુજરાતના સુલ્તાન મહમુદ બેગડાનાં પરાક્રમો તથા ઇતિહાસનું દર્શન કરાવનારું નાનું પુસ્તક છે. ‘ઇડર સંસ્થાનના કેટલાક પુરાતન અવશેષો’ (પંઢરીનાથ ઈનામદાર): ગુજરાતના ઈતિહાસલેખનમાં મદદગાર બને તેવી રીતે ઇડર સંસ્થાનમાંના ઐતિહાસિક અવશેષોનું વર્ણન અને ચિત્રોની સમૃદ્ધિ તેમાં ભરેલી છે. ‘હિમાંશુવિજયજીના લેખો’ (સં. મુનિ વિદ્યાવિજયજી): સ્વ. જૈન મુનિ હિમાંશુવિજયજી ગુજરાતનાં ઐતિહાસિક સ્થાનો અને અવશેષોના ઊંડા અભ્યાસી તથા સંશોધક હતા. એ સાહિત્યના વિદ્યાવ્યાસંગથી તેમણે ઇતિહાસવિષયક અને સાહિત્યવિષયક તૈયાર કરેલા લેખોનો આ સંગ્રહ છે, અને વિશેષાંશે ગુજરાતના ઈતિહાસ માટેની જૈન સામગ્રી ઉપર તે પ્રકાશ પાડે છે. ‘જીરાવલા પાર્શ્વનાથ’ (લાલચંદ્ર ભગવાન ગાંધી): પાવાગઢમાં વિ. સ. ૧૧૧૨માં પ્રતિષ્ઠિત થયેલી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમાં ત્યારપછી કોઈ કાળે દટાઈ ગયેલી તે ૧૮૮૯માં ત્યાંથી શોધી બહાર કાઢીને વડોદરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, તે પ્રતિષ્ઠાપનાનો વૃત્તાંત તે જ વર્ષમાં જૈન મુનિ દીપવિજયજીએ દેશી ઢાળોમાં ઉતારેલો, એ વૃતાંત ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન હોઈને સંશોધકે આ પુસ્તકમાં જરૂરી નોંધો તથા ટિપ્પણો સાથે ઉતાર્યો છે. ‘ગુજરાતમાં સંગીતનું પુનરુજરજીવન’ (સં. પુરુષોત્તમ ગાંધી) આ પુસ્તકમાં સંગીતશાસ્ત્રવિષયક લેખો, શિક્ષણ તથા સંગીત વિશેના લેખો, કેટલાક જૂના સંગીતશાસ્ત્રીઓનાં જીવનવૃત્તાંત અને સંગીતશાસ્ત્રી ખરેએ ગુજરાતમાં આવીને સંગીતને આપેલું નવું જીવન ઇત્યાદિ માહિતી સંગ્રહેલી છે. એટલે સંગીતશિક્ષણ તથા સંગીતના ઈતિહાસ વિશેનું આ એક મિશ્ર પુસ્તક બન્યું છે. સંગીતશિક્ષણ તથા સંગીતના ઈતિહાસ વિશેનું આ એક મિશ્ર પુસ્તક બન્યું છે. સંગીત વિષયક ઐતિહાસિક લેખોમાં એ વિષયના ઈતિહાસનું જ્ઞાન ઠીકઠીક મળી રહે છે. ‘અર્વાચીન ઇતિહાસનું રેખાદર્શન-ભાગ ૩’ (સં. હીરાલાલ ત્રિ. પારેખ): રાજકીય ઈતિહાસથી ઈતર એવાં ક્ષેત્રોના ઈતિહાસગ્રંથોની જે ત્રુટિ છે તે ત્રુટિનું નિવારણ કરવા માટે ઉપલબ્ધ લેખસામગ્રી આ નામ હેઠળના ત્રણ ગ્રંથોમાં સંગ્રહેલી છે. કેળવણી, સમાજસુધારો, સ્ત્રીજીવન, રાજકારણ, સાહિત્ય ઇત્યાદિ ક્ષેત્રોમાં વીસ વર્ષમાં થયેલી પ્રગતિસૂચક મહત્ત્વની ઘટનાઓની નોંધો આ ગ્રંથોમાં લેવાઈ છે.એકંદરે તો આ બધી કાચી માહિતી માત્ર છે પરન્તુ સળંગ ઈતિહાસના લેખન માટે તે ખૂબ જ ઉપયોગી થાય તેવી છે.
હિંદુસ્તાન
'પ્રાચીન ભારતવર્ષ (ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ): ઈ.સ. પૂર્વે ૯૦૦થી માંડીને ઈ.સ. ૧૦૦ સુધીનાં એક હજાર વર્ષનો ઇતિહાસ આ મોટા પાંચ ગ્રંથોમાં લેખકે સંપૂર્ણ કર્યો છે અને તે ૧૯૩૫ થી ૧૯૪૦ સુધીનાં ૬ વર્ષની અંદર જ પ્રસિદ્ધ કર્યો છે. પાંચ ગ્રંથનાં આશરે ૨૦૦૦ ઉપરાંત પૃષ્ઠ, પુષ્કળ આકૃતિઓ અને નકશાઓ, પ્રાચીન રાજવંશોનો ઇતિહાસ અને તે કાળની ભૌગોલિક, સામાજિક તથા આર્થિક સ્થિતિનો વૃત્તાંત: એ બધું આ ગ્રંથ પાછળ લેવાયેલા શ્રમનો સારી પેઠે ખ્યાલ આપે છે. આ ગ્રંથોમાં લેખકની સંશોધનદૃષ્ટિ જેટલી તીવ્ર દેખાય છે તેટલી તીવ્ર ઐતિહસિક દૃષ્ટિ નથી તેથી તેમણે કેટલાંક પ્રચલિત વિધાનોને અન્યથા નિરૂપ્યાં છે અને એ નિરૂપણ માટેના તેમના પુરાવાઓ તથા તેનાં પ્રતિપાદન ઐતિહાસિક હોવાને કારણે તે વિશે ઠીક-ઠીક ઊહાપોહ જાગ્યો છે. આ ઊહાપોહ દરમિયાન ઉપસ્થિત કરવામાં આવેલી શંકાઓનું નિરસન કરવા તેમણે છેલ્લા ભાગમાં વિસ્તારથી પ્રયત્ન કર્યો છે. એકંદરે તો પ્રાચીન ઇતિહાસના મંથન માટેની સામગ્રીમાં ઉમેરો કરનારા આ ઇતિહાસના બધા ગ્રંથો બન્યા છે અને તેટલાપૂરતી તેની ઉપયોગિતા નોંધપાત્ર બને છે. ઈતિહાસવિષયક જૈન સામગ્રીનો જેટલો વિશાળ ઉપયોગ તેમણે કર્યો છે તેટલો ઉપયોગ આ કાળના બીજા ઈતિહાસગ્રંથોમાં આજસુધી થયો નથી, એ પણ તેની એક વિશેષતા છે. ‘સ્વાધ્યાય-ખંડ ૨' (પ્રો. કેશવલાલ હિં. કામદાર): અભ્યાસપૂર્ણ ઐતિહાસિક નિબંધોના આ બેઉ સંગ્રહો છે. ‘સરસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર’, ‘સમયમૂર્તિ નર્મદ’, ‘ગુજરાતનો સોલંકી યુગ', 'દિગ્વિજ્યી જંગીસખાં', 'અકબર' એવા રાજકીય અને સામાજિક ઇતિહાસ અને ઐતિહાસિક વ્યક્તિઓ વિશેનાં પુસ્તકોની લેખકે કરેલી સમાલોચના ઉપરાંત ‘ઇતિદાસનું પરિશીલન’ જેવા કેટલાક એવા નિબંધો છે કે જે લેખકની નિર્ભેળ ઇતિહાસદૃષ્ટિનો પરિચય કરાવે છે. લેખકના મંતવ્યોની પાછળ ઈતિહાસની એકનિષ્ઠ દૃષ્ટિ છે, એટલે હેમચંદ્ર, શિવાજી કે પ્રતાપ ઇત્યાદિને તે યુગબળોના ઘડનારાઓ લેખે છે અને વીરપૂજાના મિથ્યાડંબરને અનિષ્ટ માને છે. એમનાં મંતવ્યો ચિંતનીય છે. ‘ઐતિહાસિક સંશોધન' (દુર્ગાશંકર કે. શાસ્ત્રી): કેવળ રાજકીય ઇતિહાસ જ નહિ પણ દેશ, નગર, ધર્મ, સમાજ, જાતિ, વ્યક્તિ, વિદ્યા-શાસ્ત્ર, ઇત્યાદિ વિષયક ઐતિહાસિક સંશોધનલેખોનો આ સંગ્રહ છે અને તેને જુદા-જુદા ખંડોમાં વહેંચેલો છે. લેખકની ઇતિહાસરસિકતા ઉપરાંત સંશોધન માટેની ખંત તથા ચીવટનું તે દર્શન કરાવે છે. કેટલાક લેખો પ્રાસંગિક ચર્ચાને અંગે લખાયેલા હોવા છતાં તેનું મૂલ્ય ઇતિહાસદૃષ્ટિએ ઓછું નથી. ‘ઋગ્વેદકાલીન જીવન અને સંસ્કૃતિ’ (વિજયરાય વૈદ્ય) : એ જુદાજુદા સંશોધક-લેખકોના ઋગ્વેદકાલીન સંશોધનગ્રંથોના પરિશીલનપૂર્વક લખાયેલો ગ્રંથ અભ્યાસીઓને ઉપયોગી થાય તે પ્રકારનો છે. ગ્રંથનો મથિતાર્થ એ છે કે જગતની ઉત્તમ સંસ્કૃતિ મધ્ય એશિયામાં કે બીજે ક્યાંક નહિ પણ ભારતવર્ષમાં જ જન્મી હતી અને સપ્તસિંધુના આર્યો તે ભારતનાં જ સંતાનો હતાં. અવિનાશ દાસ અને અક્ષય મઝમુદારની માન્યતાઓને જ લેખકે સત્ય રૂપે સ્વીકારી છે. 'ભારતમાં અંગ્રેજી રાજ્ય-ભાગ ૧-૨' (અનુ. ભાસ્કરરાવ વિદ્વાંસ) પંડિત સુંદરલાલજીએ મૂળ હિંદીમાં લખેલા ગ્રંથનો આ અનુવાદ હિંદમાંના અંગ્રેજી રાજ્યની સમાલોચના છે. આ સમાલોચના પ્રચલિત ઈતિહાસગ્રંથો અને તેનાં તારતમ્યોથી સારી પેઠે જુદી પડે છે અને અંગ્રેજી રાજ્યના અપકારો તથા ઉપકારો ઉપર નિરીક્ષકની ઉંડી નજર નાંખે છે. સમાલોચનામાંના પ્રત્યેક મહત્ત્વના ધ્વનિ પાછળ બીજા ઇતિહાસકારોનાં વચનો આધારભૂત રહેલાં છે તે દર્શાવીને લેખકે પોતાનાં વિધાનો પ્રતિપાદ્યાં છે. પુસ્તકના પ્રારંભમાં જોડેલી આશરે દોઢસો પાનાંની પ્રસ્તાવના લેખકને દેશના વર્તમાન ઈતિહાસકાર તરીકે સ્થાપિત કરે તેવી ગુણવત્તા તેમાં રહેલી છે. આ કડક સમાલોચનાને કારણે જ પુસ્તકને સરકારે જપ્ત કરેલું પણ પાછળથી જપ્તી ઉઠાવી લેવામાં આવેલી. 'હિંદુસ્તાનની ગરીબાઈ' (ગોપાલદાસ જીવાભાઈ પટેલ)માં લેખકે દાદાભાઈ નવરોજીના પુસ્તક 'પૉવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇંડિયા' એ પુસ્તકનો નિચોડ આપીને બ્રિટિશ કાલમાંના હિંદની ગરીબાઈનો ઈતિહાસ આપ્યો છે. એવી જ રીતનું બીજું પુસ્તક હિંદહિતૈષી પાદરી ડિગ્બીનું છે જેના નિચોડરૂપે એ જ લેખકે 'આબાદ હિંદુસ્તાન!' પુસ્તક તૈયાર કરેલું છે. બેઉ પુસ્તકો હિંદના આર્થિક શોષણના ઈતિહાસગ્રંથો સમાં છે. 'સત્તાવન' (નગીનદાસ પારેખ): હિંદનો ૧૮૫૭નો કહેવાતો બળવો એ બળવો નહોતો પરન્તુ સ્વતંત્રતા માટેનો વિપ્લવ હતો એવું પ્રતિપાદન કેટલીક આધારભૂત સામગ્રીને આધારે આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. 'ગુલામીની શૃંખલા' (ધનવંત ઓઝા): વેદકાળની ભારતીય રાજ્યવ્યવસ્થાથી માંડીને ૧૯૩૫ના હિંદનાં રાજકીય શાસનસુધારાના કાયદા સુધીના રાજ્યબંધારણનો ઇતિહાસ આ પુસ્તકમાં અપેલો છે. તે સંક્ષિપ્ત છે પણ અભ્યાભીઓને ઉપયોગી થાય તેવો છે. ‘મહારાષ્ટ્રીય ઈતિહાસનાં મુખ્ય વલણ’ (અનુ. મ. મો. પોટા): આ વિષય પરનાં શ્રી ગોવિંદરાવ સરદેસાઈનાં છ વ્યાખ્યાનોનો આ ગુજરાતી અનુવાદ છે. મહારાષ્ટ્રનાં ઐતિહાસિક સંશોધનોનો પણ તે ઠીક ખ્યાલ આપે છે. ‘હ્યુએનસંગ’ (ડૉ. દેવેન્દ્ર મજમુદાર): આ જાણીતા ચીની યાત્રાળુની જીવનકથા અને સાહસકથા કરતાં વિશેષાંશે તેની આ સંક્ષિપ્ત પ્રવાસકથા છે. તેમાંથી હિંદની તત્કાલીન સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિના ઇતિહાસની રેખાઓ મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય( ગિરિજાશંકર આચાર્ય) એ સમ્રાટ ચંદ્રગુપ્તની સંક્ષિપ્ત ચરિત્રકથા છે જે તત્કાલીન ઈતિહાસની ભૂમિકા પર આલેખાઈ છે. ‘મારી સિંધયાત્રા' (જૈન મુનિ શ્રી વિદ્યાવિજયજી): સિંધના પાટનગર કરાચીમાં બે ચાતુર્માસ, કરીને અને મુખ્યત્વે ગુજરાતીઓથી વસેલાં ઈતર નગરોમાં પ્રવાસ કરીને સિંધના ઇતિહાસ, ભૂગોળ, સમાજ, સંસાર, સાહિત્ય ઇત્યાદિનું જે અવલોકન લેખકે કરેલું તેનું પ્રતિબિંબ આ મોટા ગ્રંથમાં પાડવામાં આવ્યું છે. યાત્રાગ્રંથ કરતાં વિશેષાંશે તે સિંધના વર્તમાન સામાજિક ઇતિહાસનો ગ્રંથ છે. લેખકે પોતાની જાહેર પ્રવૃત્તિની કથા પણ સાથે સાથે કહી છે પણ મુખ્ય દૃષ્ટિબિંદુ સિંધના જનસમાજની ઊણપો અને વિશેષતાઓથી ગુજરાતી વાચકોને પરિચિત કરવાનું છે.
સમાજ
'સ્ત્રીઓના વિકાસમાં નડતાં કાયદાનાં બંધન’ (પ્રભુદાસ પટવારી): એ પુસ્તકમાં દુનિયાની સ્ત્રીઓના વિકાસ માટેનાં મથનોનું તારતમ્ય રહેલું છે. વેદકાળથી માંડીને આજસુધીના નારીજગતના એ મથનનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમાં આપેલો છે. “ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિની તવારીખ' (દીનબંધુ): જ્ઞાતિઓના ઇતિહાસો સમાજશાસ્ત્રનું એક મહત્ત્વનું પ્રકરણ છે આ તવારીખને ઈતિહાસની વાસ્તવિક દૃષ્ટિ સાંપડી નથી પણ ઈતિહાસ લખવા માટેની કાચી સામગ્રી તેમાં આપેલી છે. ઊના, મચ્છુન્દ્રી તથા સ્થલકેશ્વરનાં પુરાણોક્ત માહાત્મ્ય દર્શાવ્યાં છે. ‘વદોદરા રાજ્યની સામાજિક સેવા’ (રમેશનાથ ઘારેખાન): વડોદરા રાજ્યની રાજકારણથી જુદી પડતી એવી બહુવિધ સામાજિક પ્રવૃત્તિઓનો આ ઇતિહાસ છે. રાજ્યની શિક્ષણપ્રવૃત્તિ, વૈદ્યકીય તથા આરોગ્યરક્ષણ, ગ્રામોન્નતિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, અંત્યજોન્નતિ, વ્યાયામપ્રચાર અને સાહિત્યોપાસનાનો પરિચય તેમાંથી મળે છે. બીજાં દેશી રાજ્યોને ઉદ્બોધક બને તેવી વિગતો તેમાં છે. ‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ’ (દુર્ગાશંકર શાસ્ત્રી): આ પુસ્તકની નવી આવૃત્તિમાં પુષ્કળ ઉમેરો કરવામાં આવ્યો છે. ભક્તિમાર્ગનુ સાંસ્કૃતિક દૃષ્ટિએ મૂલ્યાંકન, સ્વામિનારાયણ સંપ્રદાય, ભક્તિમાર્ગની પૌરાણિક કૃતિઓનો સાર, ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો ફેલાવો, ઇત્યાદિ નવાં પ્રકરણો લેખકના ઊંડા અભ્યાસના ફળરૂપ છે. ‘જૈન કોન્ફરન્સની ચડતીપડતીનો ઈતિહાસ’ (શ્વે સ્થા. જૈન કોન્ફરન્સ કાર્યાલય): પ્રમુખોનાં વ્યાખ્યાનોમાંથી કરેલી તારવણીદ્વારા આ પુસ્તક એ કોમના સામાજિક ઇતિહાસની સામગ્રી પૂરી પાડે છે.
રાજતંત્ર
‘રાજ્ય અને રાજકારણ’ (હરકાન્ત શુક્લ): રાજકારણના ક્ષેત્રમાં રાજ્યની કલ્પના અને ઉત્પત્તિથી માડીને આજની દુનિયાના જુદાજુદા દેશોની રાજ્યપદ્ધતિઓનો ઇતિહાસ લેખકે ત્રણ ખંડોદ્વારા વિસ્તારથી આપ્યો છે. રાજ્યની ઉત્ક્રાન્તિ સાથે તેનું કાર્યક્ષેત્ર અને કર્તવ્યક્ષેત્ર કેવી રીતે વિસ્તરતું ગયું અને અનેક વાદો તથા સંસ્થાઓ જન્મતી ગઇ તેની સમજૂતી તે આપે છે. ઇતિહાસના અભ્યાસની દૃષ્ટિ તેમાં વણાઈ ગયેલી છે. એ જ લેખકનું ‘હિંદનું ફેડરલ રાજ્યબંધારણ અને દેશી રાજ્યો’ એ પુસ્તક ૧૯૩૫ના શાસનધારાની વિસ્તૃત સમજૂતી ઇતિહાસદૃષ્ટિએ આપે છે. 'એક વૃદ્ધની વિચારપોથીમાંથી’ (પ્ર. જયંતીલાલ મોરારજી મહેતા): જે વૃદ્ધની આ વિચારપોથી છે તે સ્વ. પ્રભાશંકર દલપતરામ પટણી, રાજ્યબંધારણ, રાજનીતિ, નરેંદ્રમંડળ અને સાર્વભૌમ સત્તા, નરેંદ્રમંડળ (૧૯૩૦)માં પોતે દર્શાવેલા વિચારો, કેટલાંક સાદાં સત્યો અને રાજકારણ સંબંધે લખેલા બીજા લેખો, એ બધાનો આ સંગ્રહ છે. હિંદના રાજકારણના અને ખાસ કરીને દેશી રાજ્યોના બ્રિટન સાથેના કાયદેસરના સંબંધના ઇતિહાસના અભ્યાસીઓને માટે આ સરસ લેખસંગ્રહ છે. ‘દેશી રાજ્યો અને ફેડરેશન’ (ચુનીલાલ શામજી ત્રિવેદી)માં લેખકે દેશીરાજ્યોના હિતની દૃષ્ટિએ ફેડરેશનની ચર્ચા કરેલી છે. ‘આપણું સમવાયતંત્ર' (ત્રિભુવનદાસ મણિશંકર ત્રિવેદી)માં સમવાયતંત્રના જુદાજુદા વિભાગોનું વિવરણ તથા તેના અમલથી નીપજતાં પરિણામોનું દર્શન કરાવવામાં આવ્યું છે. બીજા સમવાયતંત્રોની સાથે હિંદના સમવાયતંત્રના કાયદાની તુતના પણ કરી છે. ‘હિંદુસ્તાનનો રાજકારભાર’ (ચીમનલાલ મગનલાલ ડૉકટર): હિંદના વર્તમાન રાજ્યવહીવટનો તેમાં ખ્યાલ આપ્યો છે અને ૧૯૩૫ના બંધારણના કાયદાને હિંદના ભાવી બંધારણ રૂપે ખ્યાલમાં રાખીને સમજૂતી આપી છે. ‘રાજકોટનો સત્યાગ્રહ’ (રામનારાયણ ના. પાઠક): રાજકોટનો સત્યાગ્રહ એ હિંદના સત્યાગ્રહનું એક ઐતિહાસિક પ્રકરણ છે, એ પ્રસગનું તાદૃશ ચિત્ર આ પુસ્તકમાં રજૂ કરેલું છે.
પરદેશ
'રશિયા' (ઉછરંગરાય ઓઝા)માં ઈ.સ. ૧૯૧૬થી ઝારોના યુગ સુધીના રશિયાનું વિહંગાવલોકન કરીને નીપજેલી ક્રાન્તિ સુધીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. 'રાતું રૂસ ભાગ ૧-૨-૩’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં રશિયન ક્રાન્તિની રોમાંચક વીરગાથા કથારસપૂર્ણ શૈલીથી લખાઈ છે. ‘સોવિએટ સમાજ’ (નીરૂ દેસાઈ)માં રશિયાએ આદરેલા સમાજવાદના પ્રયોગનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ‘આઝાદીનું લાલ લશ્કર’ (જસવંત સુતરિયા)માં સોવિયેટની રાજ્ય કરવાની રીત, તેના આદર્શો અને તેના લાલ લશ્કરની રચનાનો ખ્યાલ આપ્યો છે. ‘સ્વતંત્ર જર્મની’ (ઉછરંગરાય ઓઝા)માં જર્મનીએ પોતાની પ્રજા માટે મેળવેલા સ્વાતંત્ર્યનો ઇતિહાસ આપેલો છે. ‘નાઝીરાજ’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં ત્યારપછી સ્થપાયેલા નાઝી રાજ્ય, તેના સૂત્રધારો, તેનાં લાલ લશ્કરની રચનાનો ખ્યાલ આપ્યો છે. 'પ્રગતિશીલ જાપાન’ (ત્રિભુવનદાસ પટેલ)માં લેખકે જાપાનનું ઉત્થાન તથા તેની પ્રગતિનો પ્રેરક ઇતિહાસ આપ્યો છે.
‘મુસ્લીમ સમયનું સ્પેન’ (ઈમામુદ્દીન દરગાહવાળા) : ઉર્દૂ ઉપરથી અનુવાદિત થયેલા આ પુસ્તકમાં સ્પેનના અરબ વિજયેતાઓએ સ્પેનને સાહિત્ય, કલા, સંગીત, શિલ્પ, રાજશાસન ઇત્યાદિ શીખવીને સંસ્કારેલું, તેનો વૃત્તાંત છે.
‘સ્પેન : જગતક્રાન્તિની જ્વાળા’ (ઈસ્માઈલ હીરાણી) : સ્પેનના આંતરવિગ્રહરૂપે સ્પેન ઉપર થયેલું ફાસિઝમનું આક્રમણ એ જગતની પહેલી જ્વાળા હતી એમ દર્શાવતું આ વર્તમાનકાલીન ઇતિહાસનું પુસ્તક યુરોપના જુદાજુદા વાદો તથા તે વચ્ચેના ઘર્ષણનો સારી પેઠે ખ્યાલ આપે છે. વર્તમાન યુદ્ધની પૂર્વછાયા તેમાં જોવા મળે છે. ‘ચીનનો અવાજ’(ચંદ્રશંકર શુક્લ): ‘જોન ચાયનામેન’ એ નામથી લોવેઝ ડિકિન્સને ચીનને ઇંગ્લાંડ તરફથી થતા અન્યાયોના પત્રો લખેલા તેનો આ અનુવાદ છે. ચીની પ્રજા, તેની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ઉપર સમભાવ જાગે એ રીતે પુસ્તક લખાયું છે. ‘તવારીખની તેજછાયા’ (વેણીલાલ બુચ) : પં. જવાહરલાલે માનવજાતની સાંસ્કૃતિક પ્રગતિની ઈતિહાસરેખા દોરીને પોતાની પુત્રીને પત્રો લખેલા તેનો આ અનુવાદ છે. તેમાં દેશદેશના ઈતિહાસનો પરિચય આપવામાં આવ્યો છે. સમયાનુક્રમપ્રમાણે દુનિયાના દેશોને નજરમાં રાખીને એ ઈતિહાસકથા આલેખવામાં આવી છે ‘રંગદ્વેષનો દુર્ગ ભાગ ૧-૨' (પ્રાણશંકર જોષી)માં દક્ષિણ આફ્રિકાને સમૃદ્ધ કરનાર હિંદી પ્રજાને હાંકી કાઢનારા ગોરા વસાહતીઓના રંગદ્વેષ ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. ‘ટસ્કેજી અને તેના માણસો' એ બુકર ટી. વોશિંગ્ટનની ટસ્કેજી સંસ્થાનું ધ્યેય, તેની કાર્યપદ્ધતિ તથા સિદ્ધિની માહિતી આપનારું પુસ્તક છે.
***
પ્રવાસ અને ભૂગોળ
ભૂગોળનાં પાઠ્ય પુસ્તકોને બાદ કરીએ તો ભૂગોળ વિજ્ઞાનને લગતાં પુસ્તકો બહુ જૂજ લખાય છે અને આ પાંચ વર્ષમાં તેવાં બે જ પુસ્તકો મળ્યાં છે પ્રવાસનાં પુસ્તકો પ્રમાણમાં ઠીક લખાય છે અને એમાં કેટલીક નવીનતા પણ હોય છે. પ્રવાસીઓને કે યાત્રાળુઓને મદદગાર થાય તેવાં માત્ર માહિતી એકત્ર કરીને-વિના પ્રવાસ કર્યે લખેલાં પુસ્તકો હવે ભાગ્યે જ બહાર પડે છે, અને તેને બદલે પ્રવાસ કરીને પ્રવાસના પ્રદેશની છાપ વાચકના ચિત્તમાં છાપી શકે તેવાં પ્રવાસવર્ણનો, સૌંદર્યનિરીક્ષણ, સમાજદર્શન ઇત્યાદિ આપનારાં પુસ્તકો પહેલાં કરતાં વધુ લખાતાં થયાં છે. સાહિત્યદૃષ્ટિએ એવાં પુસ્તકો વાચકને લેખકના સહપ્રવાસીના જેવો આનંદ ઉપજાવે છે અને પ્રવાસ માટેનો રસ જગાડે છે. પોતાના જ દેશસંબંધી જ્ઞાનની ખોટ તેથી એક રીતે પૂરી પડે છે. જે દેશમાં હજારો માણસો ધર્મનિમિત્તે યાત્રા કરે છે તે દેશના મૂઠીભર લેખકો અને નિરીક્ષકો જ પોતાના ચિત્ત પરની છાપને અક્ષરોમાં ઉતારે છે એ વાત અસંતોષ ઉપજાવે તેવી છે, છતાં તેમાંય સંતોષનું કિરણ એ છે કે સરસ પ્રવાસવર્ણનો પૂરા રસથી વંચાય છે અને તેને પરિણામે ‘હિમાલયનો પ્રવાસ’ પાંચમી, ‘લોકમાતા’ બીજી અને ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ બીજી આવૃત્તિપામ્યાં છે ‘સ્મૃતિ અને દર્શન' (રતિલાલ ત્રિવેદી): એ નદીઓ, પહાડો અને ગિરિનગરોના પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા પ્રદેશમાં કરેલા પ્રવાસનાં સંસ્મરણો અને બાહ્યાંતર દર્શનોનો ભાવવાહી વાણીમાં આપવામાં આવેલો પ્રસાદ છે. પ્રવાસવર્ણન કરતાં ય વિશેષાંશે તેમાં લેખકના અંતરમાં ઊઠેલી ભવ્ય-દિવ્ય છાપોનું રેખાંકન અને ચિંતન છે. ‘પગદંડી’ (ગૌરીશંકર જોષી: ધૂમકેતુ): એ લેખકે કરેલા પ્રવાસની વર્ણનાત્મક અને ચિંતનાત્મક નિબંધિકાઓનો સંગ્રહ છે. લેખકમાં પ્રકૃતિસૌંદર્યની દૃષ્ટિ છે, સ્થાપત્ય-કલાનો પ્રેમ છે અને સમાજદર્શનનો છે, એટલે લેખકના ગમા-અણગમાની રેખાઓ પણ એ વર્ણન-ચિંતનમાં આલેખાતી રહે છે. પ્રવાસના અનુભવોનું તત્ત્વ તેમાં વિશેષ છે, પરન્તુ એ અનુભવો એક ચુનંદા નિરીક્ષકના છે. ‘દક્ષિણાયન’ (ત્રિભુવનદાસ લુહાર : સુન્દરમ્): ‘શિલ્પ-સ્થાપત્યના તથા જનનારાયણના સૌંદર્યભક્ત તથા ભાવભક્ત' તરીકે લેખકે દક્ષિણ હિંદનો -જોગના ધોધથી વિજયનગરમ્ સુધીનો પ્રવાસ કરેલો તેનો આ રસભર્યો વર્ણનગ્રંથ છે. પ્રવાસીની સાથેસાથે લેખકના હદ્ગત ભાવો, ઉચ્ચ સંસ્કારો અને સૌંદર્યદૃષ્ટિનો પ્રવાહ પણ રેલાતો રહે છે. ‘ભારતનો ભોમિયો’ (હર્ષદરાય શુક્લ): હિંદના પ્રવાસીને જરૂરી થઈ પડે તેવી માહિતી, ચિત્રો તથા નકશાઓ સાથેનું આ પુસ્તક છે. તેની વિશેષતા તેનાં રસભર્યા વર્ણનોમાં રહેલી છે. ઈતિહાસ અને પ્રવાસ બેઉના રસિકોને તે સંતોષી શકે તેમ છે. ‘ભારતદર્શન' (સારાભાઈ ભોગીલાલ ચોકસી): લેખકે આબુથી કાશ્મીર, સરહદપ્રાંત, પંજાબ, યુક્તપ્રાંત, બંગાળ વગેરે પ્રાંતોમાં કરેલા પ્રવાસનું વર્ણન તેમાં આપેલું છે પ્રવાસનાં સ્થાનોનાં સૌંદર્ય, વિશિષ્ટતા કે ઈતિહાસમાં ઊંડા ઊતરવા કરતાં લેખક પ્રસંગોપાત્ત સંસાર, ધર્મ, રાજકારણ અને બીજી બાબતોની ચર્ચામાં વધુ ઊતરે છે, તેથી વર્ણનને થોડું વૈવિધ્ય મળે છે પરન્તુ તે બંધબેસતું થતું નથી અને ચર્ચામાં પૂરતું ઊંડાણ નથી. ‘ગિરિરાજ આબુ' (શકરલાલ પરીખ) પ્રવાસીઓને ઉપયોગી થઈ પડે તેવી આ આબુ માટેની ભોમિયાપોથી છે. તેમાં સારી પેઠે માહિતી અને ઇતિહામ પણ આપેલ છે. ‘કાઠિયાવાડથી કન્યાકુમારી' (દરબાર સુરગવાળા): વડિયા દરબારે કાઠિયાવાડથી દક્ષિણમાં ૬૦૦૦ માઈલનો મોટર વડે પ્રવાસ કરેલો તેના સામાન્ય અનુભવો ને માહિતી એમાં આપેલાં છે. ‘ઉદયપુર: મેવાડ' (નટવરલાલ બુચ): એ એક નાના સરખા પ્રવાસનું અને દર્શનીય સ્થાનોની માહિતીનું રસિક અને રમૂજી વર્ણન છે. ‘વડનગર' (કનૈયાલાલ ભા.દવે), ‘ભરૂચ’ (કાજી સૈયદ નૂરુદ્દીન હુસેન) અને ‘આબુ અને આરાસુર’ (મણિલાલ જ દ્વિવેદી): એ ત્રણે પુસ્તકો ત્રણે જાણીતાં સ્થાનોના પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ તથા ભૌગોલિક રચનાની સંક્ષેપમાં માહિતી પૂરી પાડે છે. ‘ઈશ્વરની શોધમાં' (સ્વામી રામદાસ): એસ. આઈ. રેલ્વેના કાન્હનગઢ નજીક આવેલા રામનગર આશ્રમવાળા રામભક્ત સ્વામી રામદાસજીએ સંસાર છોડી દેશના જુદા જુદા ભાગોમાં પ્રવાસ કરેલો તેનું વર્ણન આ પુસ્તકમાં છે. મૂળ કાનડી ઉપરથી ગુજરાતી અનુવાદ કરવામાં આવેલો છે. શ્રદ્ધાળુ પ્રભુભક્તની દૃષ્ટિ તેમાં ઓતપ્રોત છે અને પ્રવાસના અનુભવો રસિક તથા બોધક છે. ‘ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળ વિજ્ઞાન’ (ભોગીલાલ ગિ. મહેતા)માં પ્રાકૃતિક અને આર્થિક દૃષ્ટિએ ગુજરાતની ભૂગોળ આપવામાં આવી છે. તેના લેખન પાછળ લેખકે ખૂબ શ્રમ લીધેલો દેખાઈ આવે છે અને પુસ્તકને સારી પેઠે માહિતીવાળું બનવવામાં આવ્યું છે. ‘ભૌગોલિક કોશ’ (સ્વ. ડાહ્યાભાઈ દેરાસરી): પ્રાચીન-મધ્યકાલીન ઇતિહાસમાં જાણીતાં સ્થાનોના પરિચયાત્મક એવા આ ગ્રંથના છૂટક ખંડો છે. માહિતી અદ્યતન નથી, પણ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો આ પહેલો જ કોશ છે.
***
કોશ–વ્યાકરણ
વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ની ચારેક આવૃતિઓ થઈ ચૂકી છે, છતાં વ્યુત્પત્તિ, શબ્દમૂળ અને ઉદાહરણોથી યુક્ત સંપૂર્ણ શબ્દકોશની ત્રુટિ હજી ચાલુ જ રહી છે. શબ્દકોશને સર્વાંગસંપૂર્ણ રીતે તૈયાર કરવાની દૃષ્ટિથી થયેલા કાર્યારંભો પરિપૂર્ણતાએ પહોંચી શક્યા નથી, જેના દાખલા ગુ. વ. સોસાયટીનો શબ્દકોશ અને ‘ગોમંડળકોશ’ છે. છેલ્લા કોશનો તો હજી એક જ ગ્રંથ બહાર પડ્યો છે. આ જોતાં વિદ્યાપીઠના કોશને જ સંપૂર્ણ કોશરૂપે વિકસાવી શકાય તો એ ત્રુટિનો અંત આવે. પારિભાષિક શબ્દકોશોના પ્રયત્નો જુદીજુદી દિશાઓમાં થયા છે અને હજી થઈ રહ્યા છે. સર્વમાન્ય નહિ તો બહુમાન્ય વૈજ્ઞાનિક શબ્દકોશની ઊણપ સાલ્યા કરે છે. બ્રહ્મવિજ્ઞાન સાથે સંબંધ ધરાવતા બે કોશગ્રંથો આ પાંચ વર્ષમાં મળ્યા છે. કોશ તથા વ્યાકરણના ગ્રંથો વિશેષાંશે તો આ સમય દરમિયાન રાષ્ટ્રભાષાના અભ્યાસ તથા પ્રચારને અંગે જ પ્રસિદ્ધ થયા છે.
કોશગ્રંથો
'જોડણી માટે ખિસ્સાકોશ’ (નવજીવન કાર્યાલય): ગુજરાતી શબ્દોની શુદ્ધ જોડણી માટે આગ્રહ ધરાવનારાઓ પણ વહેવારુ મુશ્કેલીને કારણે એ આગ્રહને નિભાવી શકતા નહોતા, તેઓને નાના કાળનો આ ખિસ્સાકોશ મદદગાર બને તેવો છે. થોડા વખતમાં તેની બે આવૃતિઓ થઈ છે. .’“રાષ્ટ્રભાષાનો ગુજરાતી કોશ’ (મગનભાઈ દેસાઈ): રાષ્ટ્રભાષાનો પ્રચાર ગુજરાતમાં વધતો જાય છે તે વખતે આ કોશ વેળાસર બહાર પડ્યો છે. હિંદુસ્તાનીમાં આવતા ફારસી-અરબી શબ્દોના પર્યાયવાચક શબ્દો અર્થની સમજમા સરલતા આણે છે. ‘દાર્શનિક કોશ-ભાગ ૧-૨' (સ્વ. છોટાલાલ ન. ભટ્ટ): દર્શનશાસ્ત્રના અધ્યયનમાં ઉપયોગી બને તેવા મુખ્ય પારિભાષિક શબ્દોની સમજૂતી તેમાં આપી છે ગ્રંથ હજી અધૂરો છે. ‘બ્રહ્મવિદ્યાનો પારિભાષિક કોશ’ (ભૂપતરાય મહેતા): થિયોસૉફીના અંગ્રેજી ગ્રંથોમાં યોજાતી પરિભાષાના શબ્દોના ગુજરાતી પર્યાયવાચક શબ્દો તેમાં આપેલા છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ (કેશવરામ શાસ્ત્રી): પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના નવ ભંડારોમાંનાં પુસ્તકોની આ સંકલિત યાદી સાહિત્ય, ઈતિહાસ તથા પુરાતત્ત્વના સંશોધકો અને અભ્યાસીઓને તેમના કાર્યમાં સરળતા લારી આપે તેવી છે.
વ્યાકરણાદિના ગ્રંથો
‘ભાષાવિજ્ઞાન પ્રવેશિકા’(બચુભાઈ શુક્લ)માં ઉચ્ચાર, ભાષા, વ્યાકરણ, શબ્દ અને લેખનવિજ્ઞાનની શાસ્ત્રીય બાજુની વિચારણા દૃષ્ટાંતો સાથે કરવામાં આવી છે. ‘ભારતીય ભાષાઓની સમીક્ષા' (કેશવરામ શાસ્ત્રી): ‘લિંગ્વિસ્ટિક સર્વે ઑફ ઈંડિયા’માં ગ્રિયર્સને ગુજરાતી ભાષાની જે માહિતી આપી છે તેનો આ અનુવાદ છે. અનુવાદક ભાષાશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે એટલે તેમણે સ્થળે સ્થળે પોતા તરફથી ટીકા, વિવેચના અને સુધારા ઉમેરીને જૂની ભાષાના અભ્યાસીઆને માટે એક ઉપયોગી પુસ્તક તૈયાર કરી આપ્યું છે. 'હિંદુસ્તાની પ્રવેશિકા' (પરમેષ્ટઠીદાસ જૈન અને વલ્લભદાસ અક્કડ): એ ગુજરાતી દ્વારા હિંદુસ્તાની ભાષાનુ વ્યાકરણ અને શુદ્ધ લેખન શીખવા માટેનું પ્રારંભિક પુસ્તક છે. ‘હિંદુસ્તાની પ્રારંભ' (સંતોકલાલ ભટ્ટ) એ હિંદુસ્તાનીના અભ્યાસ માટે વ્યાકરણના નિયમોની સમજૂતી તથા નાના કોશ સાથેનું પુસ્તક છે. ‘એક માસમેં હિંદી’ (હરિકૃષ્ણ વ્યાસ)માં શિક્ષકની નહિ પણ નિર્દેશકની ભૂમિકા સ્વીકારીને તથા શિક્ષણાર્થીને વિચાર તથા તર્કશક્તિ માટે પૂરતો અવકાશ આપીને લેખકે એક માસમાં હિંદી ભાષા શીખવવા માટે આ પુસ્તક તૈયાર કર્યું છે. સામાન્ય ભાષાશિક્ષણના ગ્રંથોથી જુદી જ પદ્ધતિ તેમાં અંગીકારેલી છે. ‘હિંદી ભાષાનું સુગમ વ્યાકરણ’ (ખંડેરાવ મૂળે અને નરેંદ્ર નાયક) ગુજરાતીદ્વારા હિંદી શીખવા માટેનું એ વ્યાકરણ છે. ‘બેઝિક ઈંગ્લીશ ગ્રંથમાળા’ (હરિકૃષ્ણ વ્યાસ): ૮૫૦ શબ્દોથી અંગ્રેજી ભાષા-બેઝિક ઇંગ્લિશ શીખવા માટેનાં અંગ્રેજી પુસ્તકો ઘણાં છે. આ ગ્રંથમાળા ગુજરાતી દ્વારા સરલ રીતે અંગ્રેજી શીખવા માટે તૈયાર કરવામાં આવી છે.
***
વિજ્ઞાન
વિજ્ઞાનની સંખ્યાબંધ શાખાઓ અને પ્રશાખાઓ છે; એ બધી શાખાઓને આવરી લે તેટલું વિજ્ઞાનસાહિત્ય મુખ્યત્વે અંગ્રેજી ભાષામાં છે, પણ તેમાંથી જૂજ શાખાઓને સ્પર્શતાં ગણ્યાં-ગાંઠ્યાં પુસ્તકો જ આપણી ભાષામાં ઉતર્યાં છે. વિજ્ઞાનનાં મૌલિક પુસ્તકો જે કાંઈ છે તે મુખ્યત્વે કળા, આરોગ્ય અને ઉદ્યોગોને લગતાં છે અને બાકીનામાં કોઈક મૌલિક અને વિશેષાંશે અનુવાદિત છે. એ સાહિત્યની ઊણપ વિજ્ઞાનના અભ્યાસી લેખકોની અને તેના રસિક વાચકોની ઊણપોને આભારી છે. અભ્યાસ કે વ્યવસાયને અંગે વિજ્ઞાનની જુદીજુદી શાખાઓનો પરિચય સાધવા ઈચ્છનારાઓ તે તે શાખાઓનાં અંગ્રેજી પુસ્તકોથી ચલાવી લે છે, એ આજની વસ્તુસ્થિતિ છે. કલાવિજ્ઞાન લલિત કળામાં સંગીત, ચિત્ર અને અભિયાનમાં થોડાંથોડાં પુસ્તકો આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે અને ગણ્યાં-ગાંઠ્યાં પુસ્તકો પ્રકીર્ણ લલિત કળાઓનાં છે. ગુજરાતમાં સંગીત કળાનો અભ્યાસ વધ્યો છે પરન્તુ એ વિશેનાં પુસ્તકોનો ફાલ પહેલાં કરતાં ઘટ્યો છે. ચિત્રકળા જેટલા પ્રમાણમાં ખીલી છે તેટલા પ્રમાણમાં ગ્રંથસ્થ પ્રકાશનો વધ્યાં નથી. અભિનય કળાના વિકાસનો ભોગવટો બોલપટો જ મોટે ભાગે કરી રહ્યાં છે. મુદ્રણકળામાં આપણે બીજા પ્રાંતો કરતાં પછાત નથી પણ એ કલાનું શાસ્ત્રીય જ્ઞાન તો અંગ્રેજી પુસ્તકોમાંથી જ લેવું પડે છે. 'પ્રાચીન અને અર્વાચીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા’ બચુભાઈ રાવત)માં પ્રાચીન કાળની ચિત્રલિપિથી માંડીને આધુનિક છાપેલાં પુસ્તકોમાં વપરાતાં શોભનચિત્રો તથા કળાચિત્રો આદિના પ્રકાર અને વૈવિધ્યનું દર્શન યોગ્ય પૃથક્કરણ અને આકૃતિઓદ્વારા કરાવ્યું છે. ‘રંગલહરી’(કનુ દેસાંઈ): એ રંગ અને રેખામાં ઉતારેલાં આઠ જલરંગી ચિત્રોનો સંગ્રહ છે. ચિત્રોમાં સાંગોપાંગ ગુજરાતી જીવન તેમણે ઉતાર્યું છે અને તેના સુકુમાર ભાવોને વ્યક્ત કર્યા છે. ‘ચિત્રસાધના’ (રસિકલાલ પરીખ)માં ચિત્રકારનો સંક્ષિપ્ત જીવનપરિચય આપ્યો છે બલકે એક ઊગતા ચિત્રકારના સ્વાશ્રયીપણા તથા ખંતનો મહિમા દાખવવામાં આવ્યો છે અને તેમની ૩૪ કલાકૃતિઓ આપેલી છે, જેમાં વૂડકટ, સ્કેચો, સાદાં તથા રંગીન ચિત્રોનો સમાવેશ થાય છે. ‘રાગમંજૂષા’ (કુમાર શ્રી મંગળસિંહજી)માં આઠ રાગરાગિણીઓનાં રંગીન ચિત્રો આપવામાં આવેલાં છે. રાજપૂત કાળની ચિત્રકલામાં ઊતરેલાં આવાં ચિત્રોમાં આ ચિત્રકારે કેટલોક ફેરફાર કર્યો છે તે વિશિષ્ટ અભ્યાસ તથા ઊંડી દૃષ્ટિથી કરેલો જણાય છે ચિત્રોને સમજવા માટે વર્ણન પણ સાથે જોડ્યું છે. ‘મુદ્રણકલા’ (છગનલાલ ઠા મોદી): છાપવાના કામમાં પણ બીબાં, શાહી, કાગળ, વગેરેની યોગ્ય મેળવણીમાં જે કલા-કારીગરીને સ્થાન રહેલું છે તેનો ખ્યાલ આ પુસ્તક સંક્ષેપમાં આવે છે. ‘સંગીતની પ્રાથમિક માહિતી’ (સ્વ. નારાયણ ખરે) દ્વારા પ્રશ્નોત્તરરૂપે સ્વરસપ્તક, માત્રા, રાગ ઈત્યાદિ વિશેના પાઠો વડે શાસ્ત્રીય સંગીતના શિક્ષણની ભૂમિકા લેખકે તૈયાર કરી છે. ‘અભિનવ સંગીત' (મૂળસુખલાલ દીવાન)માં પ્રાથમિક સંગીતશિક્ષણ ઉપરાંત ભાતખંડોની પદ્ધતિ અનુસાર રાગોનાં તથા રાસોનાં સ્વરાકન આપેલાં છે. ‘સંગીત લહરી' (ગોકુલદાસ રાયચુરા અને શંકરલાલ ઠાકર): એ શ્રી રાયચુરાએ લખેલાં કેટલાંક ગીતો તથા તેમનું સ્વરાંકન છે. 'ઝબુકિયાં' (અનિલ ભટ્ટ): સિનેમાના ઉદ્યોગની માહિતી આપનારું આ પુસ્તક છે. તેમાં વાર્તાલેખનથી માંડીને ફિલ્મ દેખાડવા સુધીના જુદાજુદા તબક્કા સુધી લેખકની દૃષ્ટિ ફરી વળી છે. ‘એક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ’ (ફીરોજશાહ મહેતા): અભિનય સંબંધી વાચકોને વહેવારુ જ્ઞાન આપવા માટે આ પુસ્તક લખાયું છે. દૃષ્ટિ એમેચ્યુઅરની છે. 'શિલ્પરત્નાકર’ (નર્મદાશંકર મૂળજી સોમપુરા): લેખક ભારતીય શિલ્પસ્થાપત્યના ચુનંદા અભ્યાસી છે. તેમની દેખરેખ હેઠળ એ વિદ્યાનુસાર અનેક ધર્મમંદિરો બંધાયાં હોઈને તેમણે એ કલાને સજીવ રાખવામાં સારો હિસ્સો આપ્યો છે. લેખકે ગ્રંથરચના પાછળ ૧૨ વર્ષ ગાળ્યાં છે અને તે વિશેના અનેક પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરીને તથા સામગ્રી એકઠી કરીને આ કૃતિઓ તથા છાયાચિત્રો સાથે આ ગ્રંથ તૈયાર કર્યો છે. મૂળ શ્લોકો, તેનો અનુવાદ, પરિભાષિક કોશ વગેરેમાં પૂરતી શુદ્ધિ જાળવી છે. ‘ગૃહવિધાન (વીરેંદ્રરાય મહેતા): આ ગ્રંથના કર્તા પણ એક જાણીતા સ્થપતિ છે અને મકાનોના રેખાંકનથી માંડીને તે બાંધવા સુધીનાં બધાં કાર્યોમાં નિષ્ણાત છે. તેમનું આ પુસ્તક લોકોને આરોગ્ય તથા ઉપયોગિતાની દૃષ્ટિએ ગૃહવિધાનનો-ઘર બાંધવાનો સરસ ખ્યાલ આપનારું છે. ગૃહવિધાનની વિચારણામાં આપણી સંસ્કૃતિ, આચારવિચાર ઇત્યાદિનો જરૂરી ખ્યાલ રાખવામાં આવ્યો છે. ‘લઘુલિપિ’ (હરિકૃષ્ણ વ્યાસ): 'ગુજરાતી શૉર્ટ હેન્ડ'નાં સંશોધનોમાં અનુભવને આધારે વધુ વહેવારુ બનેલી આ લિપિ છે, અને તે પાછળ યોજાકે ખૂબ પરિશ્રમ લીધો છે એમ જણાઈ આવે છે. ‘પતંગપુરાણ અથવા કનકવાની કથની (પ્રો. હીરાલાલ કાપડિયા): પતંગ ઉડાડવાની કલાનો ઇતિહાસ અને પતંગ બનાવવા, ઉડાડવાની રીતો, તેના લાભાલાભ-વગેરે વિશેની પુષ્કળ માહિતી આ પુસ્તકમાં સંશોધનદ્વારા સંગ્રહેલી છે. પતંગની લૌકિક પરિભાષા પણ આપી છે.
આરોગ્યવિજ્ઞાન
આરોગ્યવિજ્ઞાનનું આપણું સાહિત્ય વધ્યું છે અને વધતું જાય છે. પહેલાં એ સાહિત્ય વૈદ્યકશાસ્ત્રના અને તેના ઉપચારના ગ્રંથોમાં જ સમાઇ જતું હતું, તેને બદલે હવે નૈસર્ગિક આરોગ્યપ્રાપ્તિ માટેના ઉપચારોનાં નાનાંમોટાં પુસ્તકો ઇતર ભાષાઓના સાહિત્યમાંથી ઊતરી રહ્યાં છે અને તેના અનુભવો પણ મૌલિક પુસ્તકોમાં સંગ્રહાવા લાગ્યા છે. તે ઉપરાંત ખોરાક, ખોરાકીના પદાર્થો, કપડાં, વ્યાયામ, સાર્વજનિક આરોગ્ય ઇત્યાદિ વિશે વિચારણા અને જનતાની દોરવણી કરનારાં પુસ્તકો વધવા લાગ્યાં છે તેમ જ તેનો વિચાર તથા પ્રચાર પણ ઠીક થવા લાગ્યો છે. ‘માનવ દેહમંદિર’ (દેસાઈભાઈ પટેલ): શરીરરચનાની શાસ્ત્રીય માહિતી આપનારું આ પુસ્તક સરલ અને રસિક શૈલીએ લખાયેલું છે. અભ્યાસીઓ અને સામાન્ય વાચકો માટે દેહરચનાનાં પ્રાથમિક તત્ત્વોનું જ્ઞાન તે પૂરું પાડે છે. ‘શરીરરચનાનું રહસ્ય' (ધનવંત ઓઝા)માં શરીરનાં અંગોની ક્રિયાઓ અને પોષણ તથા આરોગ્ય સાથેનો તેમનો સંબંધ સરલતાથી સમજાય તેવી શૈલીએ આપ્યાં છે. એ વિષયના અંગ્રેજી ગ્રંથોને આધારે પુસ્તક લખાયું છે અને શરીરવિજ્ઞાનની પ્રાથમિક માહિતી તે સારી રીતે પૂરી પાડે છે. ‘અખંડયૌવન’ અથવા ‘આરોગ્યમય જીવનકળા’ (ડૉ. રવિશંકર અંજારિયા): એ ડૉ. જેક્સનના ‘ધ બૉડી બ્યુટિફુલ' નામના પુસ્તકનો અનુવાદ છે. દેહના આરોગ્યની સાધના માટેની જીવનકળા તેનું લક્ષ્ય છે. ‘માનવીનું આરોગ્ય’ (નાથાભાઈ પટેલ) : શારીરિક આરોગ્યરક્ષક વિષયોની વિસ્તૃત ચર્ચા ઉપરાંત માનસિક આરોગ્ય સાથે શારીરિક આરોગ્યનો સંબંધ અને માનસિક આરોગ્ય માટે મનોબળ કેળવવાનાં સાધનસૂચન તેમાં આપેલાં છે. ‘ગામડાનું આરોગ્ય કેમ સુધરે?’ (કેશવવાલ ચ. પટેલ): આદર્શ ગામડાની કલ્પના કરીને વર્તમાન ગામડાના લોકજીવનને આરોગ્યદૃષ્ટિએ જોઈને સુધારણાના માર્ગોનું તેમાં સૂચન કર્યું છે. 'દાયકે દસ વર્ષ' (ડાહ્યાલાલ જાની): હિંદીઓનું આયુષ દુનિયાના દેશોના માનવજીવનની સરાસરીએ તદ્દન ઓછું છે અને ઉત્તરોત્તર તે ઓછું થતું જાય છે, એમ દર્શાવીને આયુષની સરાસરી વધે તે માટે સામાજિક આરોગ્ય સુધારવાના અને આયુષ વધારવાના ઉપાયો તેમાં દર્શાવ્યા છે. ‘બ્રહ્મચર્ય મીમાંસા’ (ડૉ. જટાશંકર નાન્દી): ધર્મ તથા વિજ્ઞાન બેઉની દૃષ્ટિએ બ્રહ્મચર્યપાલનનું મહત્ત્વ તથા તેની હાનિથી થતા ગેરલાભોનું તેમાં નિદર્શન કરવામાં આવ્યું છે. એ જ લેખકનું બીજું પુસ્તક ‘સો વર્ષ જીવવાની કળા' છે. તેમાં નિસર્ગોપચારની દૃષ્ટિએ તેમ જ આંતર તથા બાહ્ય નીરોગિતાનો પુરસ્કાર કરીને દીર્ઘાયુષી બનવાની કળા બતાવી છે. દીર્ઘ શ્વાસોચ્છવાસથી માંડીને વ્યાયામ અને હિત-મિત આહાર, સર્વ પ્રકારની અતિશયતાનો ત્યાગ, સંયમ ઈત્યાદિને દીર્ઘાયુષી બનવાનાં ઉપકરણો બતાવ્યાં છે. લુઇ કોર્જેરો નામના ઇટાલિયનની આત્મકથા તેનો એક ભાગ રોકે છે. ‘આપણો આહાર’ (કાન્તિલાલ પંડ્યા): આહારશાસ્ત્રના પ્રશ્ન પર શાસ્ત્રીય ચર્ચા કરીને અને આપણા આહારની તાત્ત્વિકતા તથા ઊણપો દર્શાવીને તેમાં આહાર વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી છે. ‘પ્રજાજીવનની દૃષ્ટિએ દૂધ અને ઘી' (ડૉ. હરિપ્રસાદ દેસાઈ): પ્રજાજીવન માટે દૂધની આવશ્યકતા તેમાં સમજાવેલી છે અને ચોખ્ખા દૂધની વપરાશ વધારવાનાં સૂચનો કરેલાં છે. ‘દૂધ’ (ડૉ. નરસિંહ મૂળજીભાઈ) : એ પુસ્તકમાં દૂધ એક સંપૂર્ણ ખોરાક તરીકે કેટલું તાત્ત્વિક છે તેનો આરોગ્યવિજ્ઞાનની દૃષ્ટિએ ખ્યાલ આપેલો છે. ‘દક્ષિણી રાંધણકળા' (સ્ત્રીશક્તિ કાર્યાલય)માં દક્ષિણીઓના ખોરાકના કેટલાક પદાર્થો તૈયાર કરવાની રીતો સૂચવી છે.
‘સ્ત્રીઓનો પહેરવેશ' (ઇંદિરા કાપડિયા)માં વર્તમાન ગુજરાતના સ્થળભેદે કરીને સ્ત્રીઓના બદલાના પોશાકની માહિતી આપવામાં આવી છે.
‘ઉપવાસ કેમ અને ક્યારે’ (હરજીવન સોમૈયા): જુદાંજુદાં દર્દો નિવારવાના ઉપચાર તરીકે ઉપવાસનો ઉપયોગ કરવાના પ્રયોગો તથા તેની અસરનું દર્શન કરાવવાને અંગ્રેજી અને દેશી ભાષાનાં પુસ્તકોને આધારે આ પુસ્તક લખાયું છે અને લેખકે પોતાના અનુભવોનો પણ તેમાં ઉમેરો કર્યો છે. ઉપવાસદ્વારા આરોગ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ ઉપચારપદ્ધતિ અને તેના ઇતિહાસની જરૂરી સમજ પણ આ પુસ્તક આપે છે. ‘દર્દો, દવાઓ અને દાક્તરો’ (રમણલાલ એન્જીનિયર)માં દર્દો મટાડવાને દવાઓ કરતાં કુદરતી ચિકિત્સા વધુ અસરકારક છે એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને નિસર્ગોપચારનું ઊંચું મૂલ્ય આંકી બતાવ્યું છે. નિસર્ગોપચારના પુરસ્કારને લગતાં એ જ લેખકનાં બીજાં નાનાં પુસ્તકો જનતામાં પ્રચારને યોગ્ય છે તેનાં નામો નીચે મુજબ છે: 'શરદી અને સળેખમ', નિસર્ગોપચાર અને જલોપચાર', 'કલેજાના રોગો', 'લાંબું ચાલો અને લાંબું જીવો’, ‘વેક્સીનેશન અને સેનીટેશન’, ‘નિસર્ગોપચાર : વિચાર અને વ્યવહાર’ તથા ‘નિસર્ગોપચાર સર્વગંગ્રહ' એ નામો હેઠળ લેખકે બે વિભાગોમાં ખોરાક, દર્દ, શરીરશાસ્ત્ર અને કુદરતી ઉપચારોને લગતાં લેખોના સંગ્રહ કરેલા છે. ‘વ્યાયામ જ્ઞાનકોશ-ખંડ ૧' (દત્તાત્રેય ચિંતામણ મજમુદાર): વેદકાળથી માંડીને આજસુધીનો વ્યાયામનો ઈતિહાસ, દેશી વિદેશી રમતો અને સામાન્ય જીવનમાં આવતા વ્યાયામ યોગ્ય ગરબાનૃત્યાદિ પ્રસંગો સુધીની માહિતી પુષ્કળ ચિત્રો સાથે આ પુસ્તકમાં આપી છે. મરાઠીમાંથી તેનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે અને પુસ્તક ખૂબ જ માહિતી તથા વહેવારુ ઉપયોગિતાથી ભરપૂર છે. 'ભારતીય ક્વાયત’ (પ્રો. માણિકરાવ)માં સંઘવ્યાયામની તાલીમ માટે ક્વાયતની દેશી પરિભાષા સમજૂતી સાથે યોજવામાં આવી છે. ‘પ્રાચીન ભારતની દંતવિદ્યા’ (ડૉ. કેખુશરૂ જીલા): દંતવિદ્યા તક્ષશિલા વિદ્યાપીઠમાં શીખવાતી હતી અને આજે તેનો ધ્વંસ થયો છે તે વિશેનો ઈતિહાસ આ પુસ્તકમાં આપ્યો છે. એ જ લેખકનું બીજું પુસ્તક ‘મોઢાનો બગીચો’ દાંતના આરોગ્ય માટે દાંતની રચના તથા માવજત વિશેની માહિતીથી ભરેલું છે. તેમનું ત્રીજું પુસ્તક ‘જીંદગીનો આનંદ’ છે તેમાં પ્રાચીન સમયમાં દાંત માટેના વિચિત્ર રિવાજો દર્શાવ્યાછે અને દાંતની બનાવટ, જતન તથા પોષણ વિશેની માહિતી આપી છે. ‘દાંતની સંભાળ’ (ડૉ. કેખુશરુ જીલા તથા રણછોડભાઈ પટેલ) દાંતની માવજત માટેની વહેવારુ સલાહ આપે છે. ‘સાનમાં સમજાવું-ભાગ ૧' (ડાહ્યાલાલ જાની): સ્ત્રીઓનું સામાન્ય આરોગ્ય બગડતું જાય છે અને અવગણના પામ્યા કરે છે તે કારણે તેમનાં દર્દો અને ચિંતાઓમાંથી તેમને મુક્ત કરવાની દૃષ્ટિએ કેટલાક ઉપાયોનું અને માહિતીનું દર્શન તેમાં કરાવેલું છે. ‘બાળકોની માવજત' (ડૉ. રઘુનાથ કદમ)માં બાલચિકિત્સા તથા બાલઉછેરની માહિતી આપી છે. ‘કાયાકલ્પ વિજ્ઞાન’ (વૈદ્ય રવિશંકર ત્રિવેદી): આયુર્વેદિક ચિકિત્સાપદ્ધતિને અનુસરીને, શરીરનાં સત્ત્વો કે જે વૃદ્ધાવસ્થાને કારણે ઘટ્યાં હોય, તેને નવેસરથી સર્જવાનું શિક્ષણ તથા ઉપચારોનું દર્શન આ પુસ્તક આપે છે. 'પુત્રદા અને પારણું' (વૈદ્ય જાદવજી નરભેરામ): નવોઢાનું પ્રથમ માતૃત્વ એ આ પુસ્તકનો વિષય છે. સ્ત્રીના શારીકિ આરોગ્યને જીવનનાં બીજાં પાસાંઓને સ્પર્શતા રહીને તેમાં છણેલું છે એટલે પુસ્તક આરોગ્યવિજ્ઞાનનું હોવા છતાં વાચનક્ષમ બન્યું છે. પતિના મિત્ર તરીકે અને પત્નીના ભાઈ તરીકે લેખક દરેક વિષયની ચર્ચા સાથે દોરવણી આપે છે. ‘વૈદ્યોનું વાર્ષિક’ (સં. પ્રતાપકુમાર વૈદ્ય): એ આરોગ્ય તથા આયુર્વેદસંબંધી જ્ઞાનપ્રચુર નિબંધોનો સંગ્રહ છે, અને નિબંધો જુદાજુદા નિષ્ણાતોને હસ્તે લખાયેલા છે. ઘણા લેખો પરંપરાને દૂર રાખીને નવીન દૃષ્ટિપૂર્વક લખાયેલા છે.
જાતીય વિજ્ઞાન
આ પૂર્વેનાં પાંચ વર્ષમાં જાતીય વિજ્ઞાનને નામે જાતીય જીવનની તરેહવાર બાબતો ચર્ચનારાં પુસ્તકો સારી પેઠે પ્રસિદ્ધ થયાં હતાં; આ પાંચ વર્ષમાં એવાં પુસ્તકો થોડાં પ્રસિદ્ધ થયાં છે, તેનું કારણ કદાચ એ પણ હોય કે એવાં પુસ્તકો મોટે ભાગે વૈજ્ઞાનિક અને સાચે માર્ગે દોરવનારાં હોવાને બદલે રોમાંચક તથા કુતૂહલપોષક વાચન પૂરું પાડનારાં ઊતરતી કોટિનાં પુસ્તકો હતાં અને તે સાચી રીતે આરોગ્યપ્રદ નહોતાં, એમ જનતા સમજી ગઈ છે; અને તેથી તેને મળતું ઉત્તેજન ઘટ્યું હોવાને કારણે એવાં વધુ પ્રકાશનો અટક્યાં હોવા જોઈએ. આ પાંચ વર્ષમાં એ પ્રકારનાં પુસ્તકો થોડાં છે. ‘વાત્સ્યાયન કામસૂત્ર’ (શ્રી વશિષ્ઠ શાસ્ત્રી): કામવિજ્ઞાનના એ સંસ્કૃત પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ છે. ‘તે પુસ્તક સામાન્ય પ્રચાર માટે નથી પણ વિદ્ધાનો, ડૉક્ટરો, વૈદ્યો તથા અભ્યાસીઓ માટે ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના અભ્યાસનું ખાનગી પુસ્તક છે’ એમ પ્રકાશક કહે છે! અધિકારી-અનધિકારી સૌ તેને કુતૂહલપૂર્વક વાંચે અને વિપથગામી બને એવો સંભવ આવાં પ્રાચીન શાસ્ત્રીય પુસ્તકોથી વિશેષ ઉત્પન્ન થાય છે. અધિકારી અભ્યાસીઓ માટે તો એ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં જ રહ્યાં કરે તે વધારે ઠીક છે. ‘પ્રેમોપચાર અને આસનો’ (જયંતીલાલ દોશી): જાતીય વિજ્ઞાનનું એક સ્થૂળ પ્રકરણ આ પુસ્તકમાં ચર્ચવામાં આવ્યું છે અને એ વિષય પરના અનેક ગ્રંથોમાંથી તારવણી કરીને તે તૈયાર કરવામાં આવેલું છે. લેખનમાં યોગ્ય મર્યાદા જાળવી છે. લગ્નપૂર્વે અને પછી ઉપયોગી નીવડે એવાં તત્ત્વો તેમાં રહેલાં છે. ‘પરણ્યા પહેલાં’ (વૈદ્ય મોહનલાલ ધામી): એ પુસ્તક કુમારો માટે હિતકારક માહિતી આપે છે અને શ્રી. હરભાઈ ત્રિવેદીએ તેને કુમારો માટેના ઉપયોગી વાચન તરીકે પ્રમાણપત્ર આપ્યું છે. પત્રોની શૈલીએ તે લખાયું છે. પત્રોની શૈલીએ લખાયેલું બીજું પુસ્તક ‘નવદંપતીને’ (વૈદ્ય જાદવજી નરભેરામ) છે, જેમાંના બે ખંડમાં લગ્ન પૂર્વેની તૈયારી માટે કન્યાને તેનો ભાઈ અને વરને તેની ભાભી યોગ્ય ભાષામાં કેટલીક માહિતી, સૂચન અને વરને તેની ભાભી યોગ્ય ભાષામાં કેટલીક માહિતી, સૂચન અને શિખામણ આપે છે. ‘લગ્નપ્રપંચ’ (નરસિંહભાઈ ઈ. પટેલ): ‘પુરુષે પોતાની કામલુપતાને તૃપ્ત કરવા માટે લગ્નને નામે સ્ત્રી પ્રત્યે કેવો પ્રપંચ રચ્યો છે, પરિણામે લગ્નની સુંદર ભાવનાના કેવી રીતે ભાગીને ભુક્કા કરી નાંખ્યા છે અને તેથી સ્ત્રીનો પોતાનો ને સમસ્ત સમાજનો કેવો ભયંકર વિનિપાત કરી મૂક્યો છે’ તેની ચર્ચા આ પુસ્તકમાં કરીને લગ્નસંસ્થાના પ્રારંભકાળથી માંડીને આજે દેશમાં તથા પરદેશમાં તેની થયેલી સ્થિતિ સુધીનો ઈતિહાસ આ ગ્રંથમાં આપવામાં આવ્યો છે અને લગ્નના આખા પ્રશ્નની ચર્ચા જુદાજુદા દૃષ્ટિકોણથી કરી છે. ‘જાતીય રોગો’ (‘સત્યકામ’)માં જાતીય કુટેવોની માહિતી અને તે અટકાવવાના માર્ગો પ્રશ્નોત્તર રૂપે આપવામાં આવ્યા છે. તેમાંની સમજ ઘણે અંશે જાતીય અજ્ઞાનનું નિવારણ કરી શકે તેવી છે. કુટેવનો વંશવેલો કેવો વિનાશક નીવડે છે તેનો ખ્યાલ તેમાં આપેલા પત્રોદ્વારા મળે છે. કુટેવથી છૂટવાના નૈસર્ગિક ઉપચારો પણ દર્શાવ્યા છે. ભ્રષ્ટાચારનાં વર્ણનો આપવાની શૈલી ઇષ્ટ જણાતી નથી.
અર્થવિજ્ઞાન
આ શાખામાં આવે તેવાં માત્ર ત્રણ પુસ્તકો આ પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયાં છે. એ શાસ્ત્રના અભ્યાસમાં રાષ્ટ્રીય દૃષ્ટિ પ્રવેશી છે અને પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓના શાસ્ત્રીય સિદ્ધાંતો હિંદ જેવા રાષ્ટ્રને માટે પૂર્ણતઃ ઉપયોગી થઇ પડે તેમ નથી એ વિચાર વિકાસ પામી રહ્યો છે એમ એ વિશેની ચર્ચાનાં પુસ્તકો પરથી ફલિત થાય છે. ‘ભારતીય અર્થશાસ્ત્ર’ (ચીમનલાલ ડૉક્ટર): વર્તમાન દૃષ્ટિપૂર્વક અને હિંદને અનુકૂળ આર્થિક વિચારસરણીના નિદર્શનપૂર્વક આ ગ્રંથ લખાયો છે અને વિષયનિરૂપણ ઐતિહાસિક તથા માર્ગદર્શક બને તેવું છે. ખેડૂત, મજૂર, વેપારી, બૅંકો, ઇત્યાદિ વર્તમાન અર્થશાસ્ત્રનાં અંગોની વિચારણા તેમાં કરેલી છે. ‘આપણા આર્થિક પ્રશ્ન’ (છગનલાલ જોષી)માં હિંદના આર્થિક પ્રશ્નોની છણાવટ વહેવારુ દૃષ્ટિએ, કરવામાં આવી છે. ‘વધારાના નફા ઉપર કર’ (વૃંદાવનદાસ જે. શાહ)માં નફા પરના કરના કાયદાની ગૂંચવણને ઉકેલવા માટેની સમજૂતી આ પુસ્તકમાં આપેલી છે 'વ્યાપારી નામું' (રવિશંકર મહેતા તથા દલપતરામ દવે): નામું, હૂંડી, વ્યાજ, વગેરે વેપારીને ઉપયોગી બાબતોના સર્વસંગ્રહ જેવું આ પુસ્તક છે.
ઉદ્યોગ
જુદાજુદા ઉદ્યોગોને લગતાં શાસ્ત્રીય અને વહેવારુ માહિતીવાળાં પ્રકાશનોમાં ખેતીના ઉદ્યોગને લગતાં પુસ્તકો વધારે છે અને તેથી ઊતરતું પ્રમાણ પ્રકીર્ણ હુન્નરઉદ્યોગનાં તથા ખાદી જેવા રાષ્ટ્રીય ઉદ્યોગનાં પુસ્તકોનું છે. ખેતી જેવા દેગવ્યાપી ઉદ્યોગનાં પુસ્તકો ઓછાં છે, કારણકે ખેડૂતો મોટે ભાગે અભણ છે અને ખેતીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ હજી આવ નથી. ફળ અને શાકભાજીના ઉદ્યોગમાં એ દૃષ્ટિ આવતી જાય છે તેવું સૂચન ખેતી માટેનાં પુસ્તકોમાં સૌથી વધારે પુસ્તકો એ વિશેનાં છે તે ઉપરથી થાય છે. ‘ખેતીના મૂળ તત્ત્વો : જમીન, પાણી અને ઓજાર’ (માર્તંડ પંડ્યા) એ ખેતીના ઉદ્યોગ અંગેની પ્રાથમિક માહિતીવાળું પુસ્તક છે અને લેખક ખેતીવાડી વિષયના એક ગ્રેજ્યુએટ છે ‘ખાતરોની માહિતી’ (સોમાભાઈ કી. પટેલ): એ ખેતીના પ્રાણરૂપ સાદાં અને રાસાયનિક ખાતરો સંબંધી સારી પેઠે માહિતી આપનારું પુસ્તક છે. ‘ફળબાગ સર્જન’ (ભાનુપ્રસાદ દેસાઈ)માં ફળાઉ વૃક્ષોના ઉછેર અને માવજત સંબંધી લેખકે અનુભવપૂર્વક એકઠી કરેલી માહિતી આપવામાં આવી છે. ‘લીંબુ અને તેની જાતનાં ફળોનો ઉદ્યોગ’ (મગનલાલ ગજ્જર): એ એવાં ફળોની ખેતી ઉપરાંત તેના રસ વગેરેની જાળવણી કરીને તેનો ઉદ્યોગ ચલાવવા માટેની ઉપયોગી સૂચનાઓનું પુસ્તક છે. ‘શાકભાજીની વાડી’ (સોમાભાઈ કી. પટેલ)માં શાકભાજીની ખેતી, સાચવણી, વેચાણ વગેરેની માહિતી ઉપરાંત જુદાંજુદાં શાકભાજીનાં આરોગ્યદર્શક મૂલ્યો બતાવ્યાં છે. ‘ગુલાબ’ (નરીમાન ગોળવાળા)માં એ પુષ્પનો રસિક ઈતિહાસ આપવામાં આવ્યો છે. ‘પ્લાઈવુડ’ (રવિશંકર પંડ્યા): એ પ્લાઈવુડની બનાવટ અને તેના જુદાજુદા પ્રકારો વિશેની માહિતી સામાન્ય માણસો તેમજ ધંધાદારીઓ માટે આપવામાં આવી છે. ‘ખાદી વિદ્યાપ્રવેશિકા’ (નવજીવન કાર્યાલય): પીંજણ-કાંતણથી માંડીને ખાદીની ઉત્પતિ સુધીનું શિક્ષણ આ પુસ્તકમાં આપેલું છે. કાંતનાર-વણનારની મુશ્કેલીઓનો ઉકેલ, ખાદીગણિત તથા કાંતણ-પીંજણના યંત્રવિજ્ઞાન ઇત્યાદિનો પણ તેમાં સમાવેશ કરેલો છે. ‘હુન્નર ઉદ્યોગ અને વ્યાપાર’ (ડુંગરશી ધરમશી સંપટ તથા ગટુલાલ સી. ચોકસી): હિંદના જૂના ગૃહઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને નવા-જૂના ગૃહઉદ્યોગો વિકસાવવાની પ્રેરણા આપનારા વિજ્ઞાનવિષયક લેખોનો સંગ્રહ આ પુસ્તકના પહેલા ભાગમાં છે; બીજા ભાગમાં જુદીજુદી વસ્તુઓની બનાવટો તથા તે વસ્તુઓનો વેપાર ખીલવવાની કળાઓ દર્શાવી છે. ‘રાષ્ટ્રીય ઉદ્યોગો’ (મૃદુલ): આજની રાષ્ટ્રીય બેજારીનો પ્રશ્ન છેડીને આ પુસ્તકમાં લેખકે સ્વદેશીની સાધનાના એક કાર્યક્રમ તરીકે કેટલાક રાષ્ટ્રીય ઉદ્યોગો કેમ હાથ ધરી શકાય તેની વીગતો આપી છે. વસ્તુતઃ મોટા કે વિશાળ ઉદ્યોગોને બદલે નાના-મોટા હુન્નરો શીખવનાર એ પુસ્તક છે અને તે લેખકની દૃષ્ટિ પ્રામાણિક ઉત્પાદનની, સ્વદેશીની અને વેપારમાં નીતિમયતાની છે. ‘નફાકારક હુન્નરો’ (મૂળજી કાનજી ચાવડા): આ પુસ્તકના છેલ્લા ૨-૩ ભાગોમાં કેટલાક હુન્નરોની વીગતવાર માહિતી આપી છે જે હુન્નરો આડધંધા તરીકે ઉપયોગી થઇ શકે પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેમાંના હુન્નરો તથા નુસ્ખાઓ તે તે હુન્નરના નિષ્ણાતો અને અનુભવીઓને હાથે લખાવીને આપવામાં આવ્યા છે.
પ્રકીર્ણ
આ વિભાગમાં વિજ્ઞાનની પ્રકીર્ણ શાખાઓ જેવી કે મનોવિજ્ઞાન, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર, ઇત્યાદિને લગતાં પુસ્તકો લીધાં છે.
‘જીવવિજ્ઞાન’ (ડૉ. માધવજી બી. મચ્છર): અભ્યાસીઓ અને સામાન્ય વાચકો સમજી શકે તેવી શૈલીએ આ ગ્રંથ સંખ્યાબંધ આકૃતિઓ સાથે તૈયાર કર્યો છે. વિજ્ઞાનના પારિભાષિક શબ્દો પરભાષાના બિલકુલ જ વાપરવા ન પડે એ સ્થિતિ હજી આપણે ત્યાં આવી નથી, છતાં બની શક્યા તેટલા એવા શબ્દો લેખકે ગુજરાતી ભાષાના વાપર્યા છે. તદ્વિદોએ આ ગ્રંથને એક મહત્ત્વના ગુજરાતી પ્રકાશન તરીકે માન્ય રાખ્યો છે.
જંતુશાસ્ત્રપ્રવેશિકા' (ડૉ. બાલકૃષ્ણ અમરજી): લેખક આયુર્વેદ અને એલોપથીના વિદ્વાન છે તથા જંતુશાસ્ત્રના સારા અભ્યાસી છે. એ શાસ્ત્રના પોતાના અભ્યાસનું ફળ તેમણે સંક્ષેપમાં આ પુસ્તકદ્વારા આપ્યું છે. ‘માનસશાસ્ત્ર’(નવલરામ ત્રિવેદી): વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય તેવાં માનસશાસ્ત્ર વિશેનાં વ્યાખ્યાનોનો એમાં સંગ્રહ કરેલો છે. ‘માનવજીવનનો ઉષઃકાળ’(અશોક હર્ષ): પૃથ્વી વાયુરૂપ હતી તે આજની સ્થિતિએ સવા અબજ વર્ષે પહોંચી છે એમ વિજ્ઞાનવેત્તાઓ માને છે, તેમાં જીવસૃષ્ટિ કરોડો વર્ષે થઈ અને માનવસૃષ્ટિ ત્યારપછી થઈ: વૈજ્ઞાનિકોની એ ગણત્રી તથા ઉત્તરોત્તર વિકસતું ગયું તે અંગ્રેજી ગ્રંથોને આધારે સંક્ષેપમાં પણ રસદાયક રીતે આપ્યું છે. જરૂરી ચિત્રો પણ આપ્યાં છે. ‘માનવીનું ઘર’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં માનવસંસ્કૃતિ કેવી રીતે વિકાસ પામતી ગઈ અને માનવીની વેલ પૃથ્વીપટ પર પથરાતી ગઈ તેનો કુતૂહલ જગાવે તેવો ઈતિહાસ આપ્યો છે. જગતના સ્વરૂપને ઓળખવા માનવીએ રચેલાં શાસ્ત્રોનો પણ તેમાં પરિચય કરાવ્યો છે. ‘મનુષ્ય વાણીની ઉત્પત્તિ અને વિકાસ’ (વિજ્યરાય વૈદ્ય)માં વાણીની ઉત્પત્તિ તથા વિકાસ વિશેના નિબંધો છે, જેમાં વેદોમાં દર્શાવેલા વાણીસામર્થ્યથી માંડીને જુદાજુદા દેશોમાં સાહિત્યરચના થઈ ત્યાંસુધીના વાણીવિકાસનું નિરૂપણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરેલું છે. ‘વિશ્વદર્શન’ (છોટાલાલ કામદાર): સૂર્યમંડળથી માંડીને અનેક માહિતીનાં ક્ષેત્રો, ઇતિહાસ, ભૂગોળ, જાણીતા પુરુષો, વૈજ્ઞાનિક શોધો ઇત્યાદિ સંબંધી એક જ્ઞાનચક્ર જેવો આ આકરગ્રંથ બન્યો છે. જાણવાજોગ ઘણી વસ્તુઓની માહિતી તેમાંથી મળે છે. અંગ્રેજીમાં આવા ગ્રંથો વિષયવાર જુદાજુદા હોય છે, આમાં એનો સર્વસંગ્રહ છે. ‘વનસ્પતિ સૃષ્ટિ’(ગોકુલદાસ ખી. બાંવડાઈ)માં જગતની બધી વનસ્પતિનું વર્ગવાર વર્ણન અને તેનો આર્થિક તથા ઔષધીય પરિચય આપેલો છે. લેખકને પોતાના ગુરુ સ્વ. જયકૃષ્ણ ઈંદ્રજી પામેથી જે પ્રેરણા મળેલી તે આ મોટા ગ્રંથ પાછળના પરિશ્રમને સાર્થક બનાવી શકી છે. વનસ્પતિઓના અભ્યાસ અને સંશોધન પાછળ લેખકે ઉઠાવેલી જાહેમતનો ખ્યાલ તેમના આત્મકથનમાંથી પ્રાપ્ત થાય છે.
***
બાલ–વાઙ્મય
બાળકો, કિશોરો અને કુમારો માટેનાં પાઠ્ય પુસ્તકો સિવાયનું ઇતર વાચન ‘દક્ષિણામૂર્તિ ભવન'નાં પ્રકશનોની પ્રેરણાથી ગુજરાતમાં ઠીક ફૂલ્યુંફાલ્યું છે હાલમાં આવ વાઙ્મય માટેની આર્થિક ગ્રંથમાળાઓ ચાલી રહી છે, અને આ વિભાગ હેઠળનાં નાનાં-મોટાં પુસ્તકો ઉપરથી કહી શકાય તેમ છે કે તેમાંની કેટલીકે તો પ્રેરક સંસ્થા કરતાં પણ કેટલાક પ્રમાણમાં સરસાઈ કરી બતાવી છે. દુર્ભાગ્યે ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થા બંધ થઈ છે. તેનાં જૂનાં પ્રકાશનો ચાલુ રહ્યાં છે, તોપણ નવાં પ્રકાશનો અટકી ગયાં છે અને વિદ્યાર્થીઓ સાથેના ગાઢ સંપર્કમાંથી ઉત્પન્ન થયેલી બાલવાઙ્મય માટેની દૃષ્ટિની ઊણપ બીજી સંસ્થાઓના બાલવાઙ્મયમાં જણાયા વિના રહેતી નથી. સામાન્ય રીતે એ વાઙ્મયના કેટલાક લેખકો એમ માને છે કે બાલરોચક વિષયો પર કવિતા, નાટિકા કે કથા લખીને મોટા અક્ષરે પ્રસિદ્ધ કરી હોય તો તે બાલવાઙ્મય બની જાય! ભાષાની સરળતા અને બાલબોધક શૈલી એ બેઉની ઊણપ મોટા પ્રમાણમાં દેખાતી હોઈને લેખકોની આ સામાન્ય માન્યતા ટીકાને પાત્ર બને છે. બાળશિક્ષણ અને બાળકોના સંપર્કવાળા શિક્ષકો એ દિશામાં સારુ કાર્ય કરી શકે પરંતુ થોડા લેખકોમાં જ વાઙ્મય માટેની મૌલિક દૃષ્ટિ જણાય છે અને જેમનાં લખાણોમાં એ દૃષ્ટિ છે તેઓ લોકપ્રિય પણ નીવડ્યા છે. આ પાંચ વર્ષોમાં બાળકો માટેની કવિતા બહુ જ થોડી લખાઈ છે અને અને તેમાંય થોડી કવિતા સાચી બાલકવિતા છે. જાણીતા કવિઓની ત્રણચાર કૃતિઓને બાદ કરીએ તો આપણા ઘણા ખરા જાણીતા કવિઓ આ ક્ષેત્રની ઉપેક્ષા કરતા જણાયા વિના નહિ રહે. બાળનાટકોની પણ એ જ સ્થિતિ છે. બાળકો માટેની ગ્રંથમાળાઓ વિવિધતાને માટે થોડાં નાનાં નાટકો કે સંવાદો આપે છે એટલું જ. આ વિભાગમાં ‘ચાલો ભજવીએ’ નો હિસ્સો કાંઈક વિશેષ લેખાય. બાળકો માટેનું કથાવાઙ્મય ભરપટ્ટે પ્રસિદ્ધ થયે જાય છે અને વાઙ્મય ખૂબ લોકપ્રિય પણ છે. બૃહત્ કથાઓ અથવાતો બાળકો માટેની નવલકથાઓ થોડી જ છે, પરન્તુ ચરિત્રકથાઓ અને બોધ તથા વિનોદની કથાઓ સારી પેઠે પ્રસિદ્ધ થઈ છે. એકવાર પરીકથાને જ બાળકો માટેની કથા લેખવામાં આવતી તે માન્યના હવે દૂર થઈ છે. અને જોકે પરીકથાઓ પણ પ્રસિદ્ધ થની રહે છે, તોપણ સાહસકથાઓ, પ્રવાસકથાઓ, ચરિત્રકથાઓ, પ્રાણીકથાઓ ઈત્યાદિના વૈવિધ્યથી આ વાઙ્મયવિભાગ સમૃદ્ધિવંત બન્યો છે સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની પુસ્તિકાઓ પ્રમાણમાં ઠીક મળી છે. પ્રકૃતિસૌંદર્ય, જગતની નવાઈઓ, પશુજીવન, પક્ષિજીવન, માનવજીવન, ખગોળ, યંત્ર, વિમાન, હુન્નર ઇત્યાદિને સ્પર્શતી અનેક બાબતો આ પુસ્તિકાઓમાં ઊતરી છે. જ્ઞાન કરતાં કુતૂહલને વધારે ઉશ્કેરતું વાઙ્મય વાચકોમાં જ્ઞાનની તરસ માત્ર ઉત્પન્ન કરી શકે. પરન્તુ આ વાઙ્મયમાં હજી તો પહેલાં પગલાં જ મંડાયાં લેખાય. કેવળ સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાનની બાળગ્રંથમાળા જો સરસ રીતે પ્રસિદ્ધ થાય તો કથા-વિનોદ જેટલી જ તે લોકપ્રિય નીવડી શકે તેમ છે. બાળકો માટેની ગ્રંથમાળાઓમાં એકલી ચરિત્રકથાઓ 'કિશોર ચરિત્રમાળા’માં અને ‘ફોરમ’ ગ્રંથાવલીમાં હોય છે. ‘વિદ્યાર્થી વાચનમાળા'માં ચરિત્રકથાઓ તથા સ્થાનવર્ણનોનું મિશ્રણ છે. બાકીની બધી ગ્રંથમાળાઓ કવિતા, નાટક, વાર્તા, ચરિત્ર પ્રવાસ, વિનોદ, વિજ્ઞાન ઇત્યાદિના વૈવિધ્યથી યુક્ત છે. ચિત્રો, મુદ્રણ અને રંગરૂપમાં બધી બાલગ્રંથાવલીઓ આગળ ને આગળ વધી રહી છે; તેમાં ‘બાલવિનોદમાળા’ અને ‘અશોક બાલ પુસ્તકમાળા’એ સૌથી વિશેષ આકર્ષણ જમાવ્યું છે. બાલ, કિશોર અને કુમાર એ ત્રણે વયના વાચકો માટેના વાઙ્મયને આ બાલવાઙ્મયના વિભાગમાં સમાવ્યું છે. ‘સયાજી બાળ જ્ઞાનમાળા’નાં પુસ્તકો નાનાં હોવા છતાં એ બધાં ય બાળકો કે કુમારો માટે નહિ પણ મોટી વયનાં માટે લખાયેલાં નાનાં પુસ્તકો હોય એમ જણાવાથી તે ગ્રંથમાળાનાં પુસ્તકો તથા બીજાં પણ કોઈકોઈ પુસ્તકોને બાલવાઙ્મયને બદલે સામાન્ય સાહિત્યવિભાગમાં લેવાનું સુઘટિત માન્યું છે. ગ્રંથમાળાઓની બહારની છૂટક પ્રસિદ્ધ થયેલી બાળકો માટેની પુસ્તિકાઓને પણ બને તેટલા પ્રમણમાં આ નોંધમાં સમાવી છે, છતાં બનવાજોગ છે કે કોઈકોઈ દૃષ્ટિની બહાર રહી જવા પામી હોય.
કવિતા
'રંગ રંગ વાદળિયાં' (સુંદરમ્: અરુણ પુસ્તકમાળા) બાલહૃદયને ઉત્સાહ આપે તેવાં બાલકલ્પનાગૂંથ્યાં ગીતોનો સંગ્રહ. ‘નગીના વાડી' (રમણિક અરાલવાળાઃ અશોક બાલ પુસ્તકમાળા) બાળકોને રુચે તેવા વિષયો પર બાલભોગ્ય શૈલીનાં ૧૬ ગીતોનો સંગ્રહ. 'સોમાભાઈ ભાવસારનાં કાવ્યો’ વિશેષ ગેય તત્ત્વવાળાં બાળગીતો. 'ફુલદાની' (ચંદ્રકાન્ત મ.ઓઝા) કિશોરવયના વિદ્યાર્થીઓ માટે કૂચગીતો, ભાવગીતો અને ઊર્મિગીતો એ જ લેખકનું ‘મંગળ ગરબાવળી’ લોકગીતોના ઢાળવાળા ગરબાઓ. ‘ગુંજન’ (ધૈર્યચંદ્ર બુદ્ધ) પ્રયત્નપૂર્વક યોજેલાં સરલ ગીતો. ‘ગુંજારવ' (ત્રિભુવન વ્યાસ) બાલગીતો. ‘છીપલાં' (મોહન ઠક્કર) બાલગીતો. 'ચાલો ગાઈએ’ (મૂળમુખલાલ દીવાન) સંગીત દૃષ્ટિએ યોજેલા બાળગીતો. ‘કિલકિલાટ' ન્યૂ એરા સ્કૂલનાં બાલગીતો. 'તલસાંકળી' (જ્યંત શંકર જોષી) સોળ બાલગીતો. ‘સંગીત પ્રવેશપોથી' (રતિલાલ અધ્વર્યુ) સ્વરાંકન સાથે બાળકોનાં સરલ ભાવગીતો. 'ગીતકથાઓ’ (અશોક બાલપુસ્તકમાળા : ચદ્રકાન્ત મં. ઓઝા). ‘પદ્યકથાઓ' (બાલજીવન કાર્યાલય).
નાટક
'રૂપાની ગાય' (રમણલાલ સોની) કિશોરોએ ભજવવાયોગ્ય સ્ત્રીપાત્રો વિનાની નાની નાટિકાઓનો સંગ્રહ. 'પન્નાકુમારી' (ભાસ્કરરાવ કર્ણિક તથા જ્યોત્સ્ના ઠાકોર)માં બે નાટિકાઓ છે : ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન'. 'ચાલો ભજવીએ' (ગાંડીવ) ભાગ ૧૧ (હરિપ્રસાદ વ્યાસ) અને ભાગ ૧૨ (ભાનુપ્રસાદ વ્યાસ) બાળકો, કિશોરો અને કુમારો ભજવી શકે તેવી નાની નાટિકાઓના લોકપ્રિય નીવડેલા સંગ્રહો છે. ‘આપણે ભજવીએ’ (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ)માં ભજવવા યોગ્ય નાની નાટિકાઓ આપી છે. ‘સુંદર સંવાદો’ (અશોક બાલ પુસ્તકમાળા: ચંદ્રકાન્ત ઓઝા). ‘ચાર સુંદર સંવાદો’ (ગૂર્જર બાલગ્રંથાવલિ). બૃહત્ કથાઓ ‘પોપટની વાર્તા’ (શાંતિલાલ સારાભાઈ ઓઝા): એ ‘કાદંબરી’ પરથી સરસ શૈલીમાં ઉતારેલી કથા છે અને વિદ્યાર્થીઓ રસપૂર્વક તેનો ઉપયોગ કરી શકે તેમ છે. ‘વીર શાલિવાહન' (જીવરામ જોશી : ગાંડીવ બાલોદ્યાનમાલા): એ નામના ઈતિહાસપ્રસિદ્ધ રાજાની આ ઐતિહાસિક નવલકથા છે અને વિદ્યાર્થીઓ માટે સુગમ્ય રીતે લખાઈ છે. આવી બીજી સળંગ બૃહત્ કથાઓ મોટેભાગે ‘ગાંડીવ’ની ‘કુમારમાળા'માં પ્રસિદ્ધ થઈ છે અને તે વિશેષાંશે સાહસકથાઓ છે તથા અનુવાદિત છેઃ ‘આફતે મર્દા' (બાલકૃષ્ણ જોષી), ‘મોતના પંજામાં’ (બાલકૃષ્ણ જોષી), ‘ચીણગારી’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘લલ્લુ' (શ્રીરામ) ‘સંકટની શોધમાં’ (ભીમભાઈ દેશાઈ), ‘માયાવીદેશ’ (ભાનુપ્રસાદ વ્યાસ), ‘ટૉમી અને બીજી વાતો’ (ગજાનન ભટ્ટ), ‘શિકારિકા-ભાગ-૩’(બાલકૃષ્ણ જોષી). ‘બાલવિનોદ ગ્રંથાવલિ' (મલાડ)માં પ્રસિદ્ધ થયેલી ત્રણ બૃહત્ કથાઓ વિનોદપ્રચુર અને સચિત્ર છેઃ ‘હાથીનું નાક', 'સંગીતશાસ્ત્રી' અને 'ચિત્રલેખા’ (નાગરદાસ પટેલ). ‘અરુણ પુસ્તકમાળા’માં ‘ભરદરિયે’ (હરજીવન સોમૈયા) અને ‘જાંબુની ડાળે’ (ઈંદ્ર વસાવડા) એ બે સાહસકથાઓ પ્રસિદ્ધ થઈ છે. 'બાળકોનું રામાયણ’ (રમણલાલ ના શાહ: બાલજીવન કાર્યાલય) બે ભાગમાં સરલ રામાયણકથા છે.
ચરિત્રકથાઓ
‘ચરોતર એજ્યુકેશન સોસાયટી’ તરફથી પ્રસિદ્ધ થતી ‘કિશોર ચરિત્રમાળા’ના ગુચ્છોમાં નાની ચરિત્રકથાઓ હોય છે. એના ત્રીજા ગુચ્છમાં નીચેનાં ચરિત્રો શ્રી. રસૂલભાઈ ન. વ્હોરાએ લખેલાં આપવામાં આવ્યાં છે: ‘રાજા રામમોહનરાય', 'ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર’, ‘મહાદેવ ગોવિંદ રાનડે', ‘સર ફિરોજશાહ મહેતા', ‘સર સુરેન્દ્રનાથ બેનરજી’, ‘લોકમાન્ય ટિળક', 'સ્વામી શ્રદ્ધાનંદ', 'સર જગદીશચંદ્ર બોઝ', 'પંડિત મોતીલાલ નેહરું, ‘લાલા લજપતરાય', ‘ગોપાલ કૃષ્ણ ગોખલે’, ‘દેશબંધુ દાસ'. એ ઉપરાંત એ સંસ્થાની ‘બાલ સાહિત્યમાળા'માં ‘વીર વિઠ્ઠલભાઈ' અને 'મોતીભાઈ અમીન' એ બે ચરિત્રકથાઓ પ્રસિદ્ધ થઈ છે. તે પૂર્વેના બે ગુચ્છોમાં પરદેશના અને ગુજરાતના બાર-બાર મહાન પુરૂષોની ચરિત્રકથાઓ અપાઈ હતી. ‘વર્તમાન યુગના વિધાયકો’ (શારદાપ્રસાદ વર્મા): એ ‘અમર મહાજનો’ની શ્રેણીમાં વિદ્યાર્થીઓને માટે પ્રસિદ્ધ કરવામાં આવેલું નાની ચરિત્રકથાઓનું પુસ્તક છે. માદામ ક્યુરી, પાશ્ચર, માર્કોની, લિસ્ટર, રેનોલ્ડ રોસ, પ્રે. વિલ્સન, વીલ્બરફોર્સ, કેકસ્ટન અને સ્ટીવન્સનનાં સંક્ષિપ્ત ચરિત્રો તેમાં આપ્યાં છે. એ જ ગ્રંથકારની ‘ફોરમ’ની ૧૦-૧૧-૧૨ લહરીઓમાં પણ નાની ચરિત્રકથાઓ વાર્તાલાપની શૈલીએ આપી છે : ‘સમાજસેવકો’, ‘વિસરાતી સ્મૃતિઓ' અને 'જીવનપ્રસંગો'. શ્રી. ધૂમકેતુની ‘સસ્તી સાહિત્યવાટિકા'માં કુમારોપયોગી બે ચરિત્રકથાઓ પ્રસિદ્ધ થઈ છે: ‘નરકેસરી નેપોલિયન’ અને ‘પરશુરામ’. ‘શ્રી રામાનુજાચાર્ય' (પ્રો. પ્રતાપરાય મોદી) અને ‘લવ-કુશ’ (શ્રીમતી મજમુદાર): એ બે ચરિત્રકથાઓ સયાજી બાલ જ્ઞાનમાળામાં પ્રસિદ્ધ થઈ છે. ‘બાળકોના વિવેકાનંદ’ (પ્રફુલ્લ પ્રા. ઠાકોર): સ્વામી વિવેકાનંદના સત્યેન્દ્રનાથ મજમુદારે લખેલા ચરિત્રનો બાલભોગ્ય શૈલીએ કરેલો અનુવાદ છે. ‘લોકનાયકો’ (કશનજી મણિભાઈ દેસાઈ)માં બાળકો માટે વિવેકાનંદ, જગદીશ બોઝ, ગોખલે, ટિળક, રાનડે, બંકિમ, જવાહર, ટાગોર વગેરેનાં જીવનચરિત્રો છે. ‘રાજમાતા રૂપસુંદરી' (ચંદ્રભાઈ ભટ્ટ), 'શંકરાચાર્ય' (હરજીવન સોમૈયા), ‘વીર જવાહરલાલ' (લાભુબહેન મહેતા), 'સાચી વાતો’ (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ)માં મોતીભાઈ અમીન, ગીજુભાઈ અને ત્રણ મહારાષ્ટ્રીયોની જીવનકથાઓ છે. ‘તુલસીદાસ’ (ગૂર્જર બાલગ્રંથાવલિઃ કીર્તિદાબહેન દીવાનજી). ‘અશોક બાલપુસ્તકમાલા' (સં. નાગરદાસ પટેલ)માંની બાલબોધક ચત્રિકથાઓની નામાવલિ નીચે મુજબ છે:- રાજાભોજ (રમણલાલ નાનાલાલ શાહ), સમ્રાટ સિકંદર (નાગરદાસ પટેલ), મીરાંબાઈ. (નાગરદાસ પટેલ), ક્ષેમરાજ (માધવરાવ કર્ણિક), રાણા પ્રતાપ (નાગરદાસ પટેલ), લેનિન (કપિલા ઠાકોર), નરસૈયો (નાગરદાસ પટેલ), ગલો ગાંધી (રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ). ‘વિદ્યાર્થી વાચનમાળા’ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)ની નાની પુસ્તિકાઓની એકંદરે ૧૦ શ્રેણીમાં ૨૦૦ પુસ્તિકાઓ બહાર પડી છે. આ પાંચ વર્ષમાં તેની પાંચ શ્રેણીની ૧૦૦ પુસ્તિકાઓ જુદાજુદા લેખકોને હાથે લખાઈને પ્રસિદ્ધ થઈ છે જેમાંની મોટા ભાગની ચરિત્રકથાઓ છે અને બીજી ભૂગોળ તથા સ્થળવર્ણનની છે. તેમાંની ચરિત્રકથાઓની નામાવલિ નીચે મુજબ છે: (શ્રેણી ૬) મહાદેવી સીતા, નાગાર્જુન, કર્મદેવી, વીર વનરાજ, હૈદરઅલી, મહાકવિ પ્રેમાનંદ, સર ટી. માધવરાવ, જામ રણજીત, ઝંડુ ભટ્ટજી, શિલ્પી કરમાકર, કવિ દલપતરામ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, વીર લધાભા. (૭) શ્રી ઋષભદેષ, ગોરક્ષનાથ, વીર કૃણાલ, અકબરશાહ, મહામંત્રી મુંજાલ, કવિ દયારામ, જયકૃષ્ણ ઇંદ્રજી, શ્રી સયાજીરાવ ગાયકવાડ, મહાવીરપ્રસાદ દ્વિવેદી, મહાકવિ નાનાલાલ, આચાર્ય ગિદવાની, અબદુલ ગફારખાન, સોરઠી સંતો. (૮) ગુરુ દત્તાત્રય, ઉદયન-વત્સરાજ, મહાત્મા આનંદઘન, વસ્તુપાલ-તેજપાલ, શામળ ભટ્ટ, કવિ નર્મદ, વીર સાવરકર, જમશેદજી ટાટા, કવિ કલાપી, પ્રો. સિ. વી. રામન, શાહ સોદાગર જમાલ, શ્રી રાજગોપાલચાર્ય, શ્રીમતી કસ્તુરબા. (૯) શ્રી જ્ઞાનદેવ, શ્રી સિદ્ધસેન દિવાકર, ઉપા. યશોવિજયજી, વીર બાલાજી, નાના ફડનવીસ શ્રી દ્વિજેન્દ્રલાલ રૉય, રાજા રામમોહનરાય, શ્રી અમૃતલાલ ઠક્કર, પં. વિષ્ણુ દિગંબર, શ્રી રામાનંદ ચેટરજી, ભગવાનલાલ ઈંદ્રજી, શ્રી પ્રફુલ્લચંદ્ર રૉય, મૌ. અબુલકલામ આઝાદ, (૧૦) શ્રી એકનાથ, હજરત મહમ્મદ પયગમ્બર, અશો જરથુસ્ત્ર, અહલ્યાબાઈ, શ્રી અવનીંદ્રનાથ, શ્રી રમેશચંદ્ર દત્ત, શ્રી ગૌરીશંકર ઓઝા, શ્રી કૃષ્ણમૂર્તિ, સંતકવિ પઢિયાર, ચિત્રકાર રવિવર્મા, ડૉ. અન્સારી, હિંદના અદ્ભુત યોગીઓ.
બોધ-વિનોદની કથાઓ
‘અરુણ પુસ્તકમાળા’-‘હજીય મને સાંભરે છે’ (ગીજુભાઈ) બાળવયનાં સંભારણાં, 'નાનાં છોકરાં’, 'આપણાં ભાંડુઓ સર્વ કોમો અને વર્ગોનું ઐક્ય પોષતી વાર્તાઓ, ‘કલગી’ (સોમાભાઈ ભાવસાર) ટૂંકી વાર્તાઓ, સૌની વાતો’ (૧-૨) જુદાજુદા લેખકોની, બાલવાર્તાઓનો સંગ્રહ, 'જંગલમાં મંગલ' (૧-૨) (હરજીવન સોમૈયા) પ્રાણીકથાઓ, ‘કેસુડાં’ (ગુલાબસિંહ બારોટ) બાલવાર્તાઓ, ‘તુલસીનાં પાન’ (લાભુબહેન મહેતા) બાલવાર્તાઓ, ‘એનું નામ નરેન્દ્રકુમાર’ (લાભુબહેન મહેતા) બાલકથા. ‘ગૂર્જર બાલગ્રંથાવલિ’-‘ચાંદની’ (મોંઘીબેન), ‘શિકારકથાઓ' (જીવરામ જોષી), ‘રમકડાં’ (પ્રિયવદન બક્ષી), ‘કળિયાર અને બીજી પ્રાણિકથાઓ (મનુભાઈ જોધાણી) નવ જંગલી પ્રાણીઓની રોમાંચક સાહસકથાઓ, ‘શરદબાબુની બાળવાતો’ (રમણલાલ સોની). 'બાલ વિનોદમાલા'-'અલકા’ ‘મેનાવતી’ (બેઉ પરીકથાઓ), ‘બેલવાળો', 'કાગમંત્રી’ (પ્રાણીકથાઓ), 'ધરતીમાતા’, ‘ગોરિયો’ (પ્રાણીકથા) ‘બાપનાં વેણ’, ‘દુલારી( સુમતિ ના. પટેલ), ‘સોનાનાં પગલાં, ‘વહેંતિયો', લંકાની લાડી’, ‘કનૈયો', ‘રાજહંસ', ‘ધનિયો’ (આમાંની એક સિવાયની બધી પુરિતકાઓના લેખક શ્રી નાગરદાસ પટેલ છે). 'અશોક બાલ પુસ્તકમાળા’-‘ચિત્તાનો શિકાર’ (જીવરામ જોષી) સાહસકથા, ‘મકનિયો’ (ભાનુશંકર પંડ્યા) પ્રાણિકથા, ‘ફૂલગજરી’ (ઉમિયાશંકર પંડ્યા) મનુષ્ય, પશુ પક્ષી વિશે બાલપાઠો, 'નાની મોટી વાતો’ (રમણલાલ ના. શાહ), 'અમારી વાર્તાઓ ખંડ ૧ થી ૬' (નાગરદાસ પટેલ તથા સુમતિ ના. પટેલ), ‘હાસ્યતરંગ ખંડ ૧-૨-૩' (નાગરદાસ પટેલ) રમૂજી ટુચકાઓ, ‘ગલુનુડિયાં’ (કેશવલાલ લ. શાહ), ‘નીરુની નોંધપોથી’ (રમણલાલ શાહ) સામાજિક શબ્દચિત્રો, ‘ચિત્રરેખા’ (નાગરદાસ પટેલ), ‘સાગરની રાણી’ (સોમાભાઈ પટેલ), કુદરતના જ્ઞાનની કથાઓ, ‘ત્રણ ઠગ’ (શિવપ્રસાદ ત્રિવેદી), ‘લાલાનો ભેળ’ (નાગરદાસ પટેલ). ‘ગાંડીવ બાલોદ્યાનમાળા’ના બોધવિનોદના કથાવાઙ્મયમાંથી સૌથી વધારે મહત્ત્વનો ભાગ 'બકોર પટેલ' ના ૨૦ ભાગો રોકે છે. પ્રાણીપાત્રોના ઓઠા નીચે વાસ્તવ જીવનના પ્રસંગો તથા હકીકતોને તેમાં રમૂજી રીતે ઉતારવામાં આવે છે. વહેવાર-કુશળતાપૂર્વક જીવનના કેટલાક કોયડાઓનો ઉકેલ તે બાલવાચકો, સમીપે રમૂજી રીતે કરે છે. કથા સચિત્ર છે અને બધા ભાગો શ્રી. હરિપ્રસાદ વ્યાસે લખેલા છે. ‘ચુંચુંની ચતુરાઈ’ (જીવરામ જોષી) એ પ્રાણીપાત્રોમાં લખાયેલી બાલવાર્તા છે. ‘દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા'-'બાલ જોડકણાં', ‘પરીની વીંટી', ‘ગિરીશભાઈની વાર્તાઓ', 'બંગાળની લોકકથાઓ', 'ટારઝન’. ‘બોલીઓ મત’ અને 'ચોખવટથી વાત કરજો’ (દિનેશ ઠાકોર): એ મૂર્ખાઓના પરાક્રમોની ગંમત આપે તેવી કથાઓ છે. 'ત્રણ ઠગ' (ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી) સોળ બાળવાર્તાઓનો સંગ્રહ. ‘અભયકુમારની વાર્તાઓ' (વિ. હ. અભયકુમાર): બાળકોને કહેવામાં આવતી કેટલીક પ્રચલિત વાતોને પોતાની શૈલીએ લખીને લેખકે આપી છે. ‘શેક્સપિયરરના કથાનકો' (રમણલાલ શાહ): એ સુપ્રસિદ્ધ નાટ્યલેખકનાં નાટ્યવસ્તુઓને વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરલ શૈલીએ રજૂ કર્યાં છે. આ ઉપરાંત તેમના 'બાલજીવન' કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલાં મુખ્યત્વે કથાનાં પુસ્તકો નીચે મુજબ છે: ‘રાજાજીનો ખજાનો', 'વરુનુ સંગીત', 'દૂધવાળી', 'વાંદરાનો ન્યાય', 'બિલ્લીરાણી', 'વાઘ ભગત', ‘અબુનવાજ', 'વિકરાળ વન' (સૌ. કીર્તિદા દીવાનજી), ‘પોચાનાં પરાક્રમો', 'મૂર્ખમંડળ', 'ભોળીઆ રાજા', 'અટકચાળા વાંદરા', 'સહેલી વાતો', 'રસમય કહાણીઓ', 'ચાલાક ચોર', 'હસતાં બાલ', ‘વાઘણનો બોડમાં’, ‘કિશોર વાર્તાવલિ', ‘પન્નાકુમારી' (મા ભા. કર્ણિક). 'ભાઈ બહેન', 'બાલચિત્રો', 'નાનપણની વાતો’: એ ત્રણે ભરૂચની ‘આપણી બાલગ્રંથમાળા’નાં પ્રકાશનો છે. ‘સુંદર બાલવાતો' મુંબઈની ન્યૂ એરા સ્કૂલ તરફથી (સુંદર સાહિત્ય પ્રકાશન મંદિર) પ્રસિદ્ધ થઈ છે.
ભૂગોળ-પ્રવાસ
‘કુમારોની પ્રવાસકથા' (ધીરજલાલ ટો શાહ)રેલ્વે અને પગપાળા પ્રવાસની સાહસ મિશ્રિતકથા. ‘પ્રવાસપત્રો’ (રામનારાયણ ના. પાઠક : અરુણ પુસ્તકમાળા) રેલ્વેમુમાફરીનું મનોરંજક વર્ણન. 'મુંબઈ (બાલ વિનોદમાળાઃ નાગરદાસ પટેલ) ‘પ્રવાસકથાઓ’ અને ‘ગરવી ગૂજરાત' (અશોક બાલ પુસ્તકમાળા: નાગરદાસ પટેલ), ‘પંચગનીના પત્રો' (સ્વ. ચમનલાલ વૈષ્ણવઃ અરુણ પુ. મા.). ‘વિદ્યાર્થી વાચનમાળા'ની પુસ્તિકાઓ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય)- (શ્રેણી ૬) સૌદર્યધા’ કાશ્મીર, નૈનિતાલ, ગિરનાર, દ્વારકા, પાટનગર દિલ્હી, મહેશ્વર, તાજમહાલ. (૭) નેપાળ, મહાબળેશ્વર, અમરનાથ, બદ્રિકેદારનાથ, કલકત્તા, પાટણ, અનુપમ ઇલુરા. (૮) દાર્જીલિંગ, ઉટાકામંડ, જગન્નાથપુરી, કાશી, જયપુર, હૈદ્રાબાદ, કાવેરીના જલધોધ. (૯) શિલોંગ, પાવાગઢ, રામેશ્વર, તારંગા, મુંબઈ આગ્રા, અજંતાની ગુફાઓ. (૧૦) આબુ, શત્રુંજ્ય, ગોમતેશ્વર, અમદાવાદ, લખનૌ, વડોદરા, ગીરનાં જંગલો. સામાન્ય જ્ઞાન ‘કોયડા સંગ્રહ’ (ધીરજલાલ ટો, શાહ) ગણિતની ગમ્મત. 'ઋતુના રંગો' અને ‘સૌદર્યની દૃષ્ટિએ' (દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય વાટિકા): એ બેઉ વર્ણનાત્મક સુન્દર શબ્દચિત્રો છે. ‘આતશબાજી’ (ગાંડીવ બાલોદ્યાનમાળા): વાર્તા, કવિતા, કોયડા, રમૂજના બાલોપયોગી લેખો. ‘અશોક બાલપુસ્તકમાળા'ની પુસ્તિકાઓ–કાગળના કીમિયા’, (પ્રિયવદન બક્ષી), ‘રંભાનું રસોઈઘર-ખંડ ૩’-(સુમતિ નાગરદાસ પટેલ), 'ચોપગાની દુનિયા ખંડ ૧-૨' (રમણલાલ નાનાલાલ, શાહ) જુદાંજુદાં પ્રાણીઓએ રજૂ કરેલી આત્મકથાઓ, ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાંત ભાવસાર), 'દગાબાજ દુશ્મન’ (ચંદ્રભાઈ ભટ્ટ) ‘ઉધઈનું જીવન' 'પત્રપેટી' (રમણલાલ શાહ), ‘કુતૂહલ-ખંડ-૨' (પદ્મકાન્ત શાહ), 'વડવાઈઓ' ખડ ૧-૨ (હિંમતલાલ મર્થક) વૃક્ષ વનસ્પતિની વાતો, ‘કોણ, કેમ અને શું?’ (પુરુષોત્તમ હ પટેલ), ‘નવી નવાઈઓ' (રમણલાલ શાહ), 'છેતરાતી નજર ખંડ ૧–૨' (નાગરદાસ પટેલ), ‘આપણી મહાસભા' ખંડ ૧-૨ (નાગરદાસ પટેલ). ‘આપણી બાલગ્રંથમાળા’ (ભરૂચ)ની પુસ્તિકાઓ-‘કેમ અને શા માટે?’, 'શું શીખ્યા?’, ‘હિંદી રાષ્ટ્રીય મહાસભા', 'ગૂર્જર બાલગ્રંથાવલિ'ની પુસ્તિકાઓ-'ચાલો ગામડામા’ (સોમાભાઈ ભાવસાર), ‘સુમનસૌરભ' (રસૂલભાઈ વહોરા) ‘ધૂમકેતુ’ની પ્રૌઢશિક્ષણમાળા.-નાની પોથી, પહેલી ચોપડી, બીજી ચોપડી, ત્રીજી ચોપડી 'બાળપોથી : બહેરા વિદ્યાર્થીઓ માટે/બહેરા મૂગાનીશાળા -અમદાવાદ) ‘દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય માળા'માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો-'વિજ્ઞાનના દૃષ્ટાઓ' ભાગ ૧-૨ માં. સમર્થ વૈજ્ઞાનિકોની પ્રેરક જીવનરેખાઓ સાથે તેમના સંશેાધનોનો પરિચય બોલબોધક શૈલીએ આપ્યો છે. ‘વિજ્ઞાનની રમનો’: એ બાળવિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની દૃષ્ટિ ખીલવવાના આશયથી લખાયેલી છે બેઉનાં અનુવાદક શ્રી. મોંઘીબેન છે. ‘તારા અને ગ્રહો' (મગનભાઈ પટેલ) બાળકોને ખગોળની પ્રાથમિક સમજ આપે છે. ‘માણસ' (હિંમતલાલ ચુ. શાહ) : એ બાળકોને માનવશાસ્ત્રની પ્રાથમિક સમજ આપે છે. 'આલમની અજાયબીઓ' (ધીરજલાલ ટો. શાહ): એ દુનિયાની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક નવાઈઓની માહિતી આપે છે. ‘કેમ અને ક્યારે’ (અરુણ પુ. મા : ડુંગરસી સંપટ) વિમાનનો ઇતિહાસ, ‘ઊંડો આકાશમા’ (આપણી બાલગ્રંથમાળા-ભરૂચ): એ બલૂન, ઝેપેલીન અને અને વિમાનની શોધનું વર્ણન આપે છે. ‘વિમાનની વાતો’ (ગુર્જર બાળ ગ્રંથાવલિ : નવલકાન્ત નેમચંદ ભાવસાર) એરાપ્લેનની રચના વિશેની માહિતી. ‘આપણાં પક્ષીઓ' (નરેંદ્ર બધેકા)માં કેટલાંક સામાન્ય પક્ષીઓનો બાલરોચક શૈલીએ પરિચય આપવામાં આવ્યો છે. 'પક્ષીમિત્રો' (મગનભાઈ પટેલ. ગૂર્જર બાળગ્રંથાવલિ)માં પણ સામાન્ય પક્ષીઓ વિશેની માહિતી છે. ‘પૈડું’ (કિરતન લટકારી)માં પૈડાની કાલ્પનિક અને ઐતિહાસિક વિકાસકથા વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે આપી છે. 'પતંગ પોથી' (ગાડીવ બાલોદ્યાન માળા) મતંગ બનાવવાની અને ઉડાડવાની કળા વિશે સંક્ષિપ્ત સમજૂતી આપતા પાઠો; એ જ ગ્રંથમાળાના પુસ્તક 'હુન્નરિકા' (બાબુલાલ મા શાહ)માં બાળકો ઘેર બનાવી શકે તેવા નાના હુન્નરો તથા નુરખાઓ સંગ્રહેલા છે. ‘ભવ્ય જગત' (ગૂર્જર બાલ ગ્રંથાવલી - રમણલાલ નાનાલાલ શાહ) જગતની જાવ્ય રચનાની વૈજ્ઞાનિક માહિતી. ‘રેડિયો’(બાલવિનોદમાળા નાગરદાસ પટેલ)રેડિયોની સંવાદરૂપે માહિતી. ‘વિજ્ઞાનવિહાર ખંડ ૩-૪-૫' (નવલકાન્ત ભાવસાર) અને 'કુતૂહલ ખંડ ૨’ (પદ્મકાન્ત શાહ) લોકમા પ્રચલિત અને નિત્ય જોવામા આવતી યંત્રરચનાઓ, પ્રસંગો, કાર્યો વિશેની વૈજ્ઞાનિક માહિતી સરલ રીતે આપે છે. ‘અશોક બાલ પુસ્તકમાળા'નાં એ પ્રકાશનો છે.