ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ઉખાણું — હરીન્દ્ર દવે

From Ekatra Wiki
Revision as of 02:52, 3 October 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ઉખાણું

હરીન્દ્ર દવે

દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડું રે એક વાત.
અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ
ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટો વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ!
તને દઉં હૈયાની ઠકરાત.

સગપણ એક ઉખાણું

મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તા લખાતી. શામળ ભટ્ટની ‘વેતાળપચીસી', 'પદ્માવતી' અને 'સૂડાબહોતેરી’ તો ખાસી લોકપ્રિય થઈ હતી. પદ્યવાર્તામાં ઉખાણાંયે આવે રાજકુંવરી પૂછતી હોય, પ્રધાનપુત્ર ઉત્તર આપતો હોય. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર જેની પાસે હોય એવો નાવલિયો કઈ નવયૌવનાને ન ગમે? હરીન્દ્ર દવેના આ ગીતની વિશેષતા એ છે કે પ્રત્યેક ઉખાણામાં તેનો ઉત્તર પણ સમાયેલો છે. ‘દૂધે ધોઈ ચાંદની' — ચાંદની રાતે આકાશે દૂધની રેલમછેલ હોય. આપણી નિહારિકાનું અંગ્રેજી નામ જ છે : મિલ્કી વે. જે સર્વગુણસંપન્ન હોય એને માટે 'દૂધે ધોયેલો' એવો રૂઢિપ્રયોગ પણ છે. 'ચાંદનીએ ધોઈ રાત' — અંગ્રેજી રૂઢિપ્રયોગ વાપરીને કહી શકાય, 'ધ નાઇટ ઇઝ અવૉશ વિથ મૂનલાઇટ’. ‘એવામાં જો મળે તો' – હૈયું ખોલતાં પહેલાં કાવ્યનાયિકા ઊજળી રાતે મળવાની પૂર્વશરત મૂકે છે. શાકમાર્કેટમાં જઈને વહાલપની વાત માંડે, તો વટાણા વેરાઈ જાય. ‘અડધું પિંજર હેમ મઢ્યું'—દિવસ જાણે સોનાનો. 'અડધું રૂપે સ્હોય,’ — રાત જાણે રૂપાની. એક જ પિંજરમાં બે પંખી એકમેકને જોઈ શકે, પણ મળી ન શકે. કાવ્યનાયિકા વ્હાલમને હરાવવા નથી માગતી, જિતાડવા માગે છે, એટલે સોગાત દેવાને બહાને ચાંદ-સૂરજનાં નામ બોલી નાખે છે. ચોવીસ સળિયાવાળા પિંજરમાં રહેતા ચાંદ અને સૂરજ, ભલા એકમેકને ક્યારે મળવાના? 'વ્હાલમ' અને ‘પિયુ' સંબોધનો કરતી કાવ્યનાયિકા સ્નેહસદનને ઉંબરે ઊભી હોવાથી એને દિવસ સોનાનો, રાત રૂપાની અને ચાંદ-સૂરજ અલબેલા લાગે છે. ‘વનવગડે એક વાટ' — બ્રહ્માંડમાં આપણું જીવન વનવગડામાં કેડી જેવું. આ કેડીએ ચાલીને આપણે ક્યાં પહોંચવાનું છે? કશેય નહીં. ચાલવું એ જ પહોંચવું. 'વાટે ઊગ્યાં રાન ગુલાબ' —ગુલાબ ઉપવનનાં નથી, વનનાં છે. ઉગાડેલાં નથી, ઊગી નીકળેલાં છે. આપણે શું કરવાનું? ગુલાબોને ચૂંટવાનાં? ‘વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ'—વીણવાનાં ખરાં, પણ ચૂંટવાનાં નહીં. એવી તે કઈ જાદુઈ છાબ હોય? કાવ્યનાયિકા આંખો નચાવતી, વણકહ્યે કહી દે છે : કીકી! વાંસની છાબમાં મૂકેલાં પુષ્પો આજે નહીં ને કાલે કરમાશે, કીકીની છાબમાં વસાવેલાં પુષ્પો સદા રળિયાત રહેશે.

તંગ દામન, વક્ત કમ, ગુલ બેહિસાબ,
ઇન્તેખાબ અય દસ્તે — ગુલચી, ઇન્તેખાબ!
- સિદ્દીક જૂનાગઢી

‘દામન’ એટલે 'ચાળ', ઝભ્ભાના નીચલા હિસ્સાનું ઝૂલતું વસ્ત્ર, કહો કે ફૂલ વીણવાની છાબ. ‘છાબ નાની, સમય ઓછો, ઉપરથી ફૂલ અગણિત. અય માળી, ઝટ પસંદગી કર, ઝટ પસંદગી કર.' ‘મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ' — આ વાત સ્ત્રીમુખે સાવ સ્વાભાવિક લાગે. કાવ્યનાયિકા વચન આપે છે, રાઈથીય સૂક્ષ્મ વસ્તુ દેખાડે તો તને હૈયાની ઠકરાત તાંબાના પતરે લખી દઉં! અને એ સૂક્ષ્મ વસ્તુ 'હૈયાની ઠકરાત' જ છે. ઉખાણાં (પ્રહેલિકા-પહેલી) તો હજારો પૂછી શકાય, પણ કવિએ પ્રણયભાવને પોષક હોય તેવાં જ પસંદ કર્યાં છે. આ ઉખાણામાંથી એવોય સંકેત મળે છે કે નાયક-નાયિકાનું મિલન હજી થયું નથી. ‘એવામાં જો મળે તો’— પ્રેમીઓ રોજેરોજ મળી શકતા નથી. ‘અલગ રહીને રોય’—પ્રેમીઓ એકમેક માટે ઝૂરે છે. ‘વણચૂંટ્યે વીણી લેવાની…’ — એકમેકની આંખોમાં વસી ગયા છે, પણ એકમેકના જીવનમાં વસી શક્યા નથી. 'દાખવ તો ઓ પિયુ...'— નાયિકા પિયુને વીનવે છે, મને તારો પ્રેમ દર્શાવ. રમેશ પારેખરચિત એક નાટકનું શીર્ષક આ ગીત માટેય સાચું પડે છે, 'સગપણ એક ઉખાણું'.

***