અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું

From Ekatra Wiki
Revision as of 05:00, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


બીજું હું કાંઈ ન માગું

‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)

આપને તારા અંતરનો એક તાર
         બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         તૂંબડું મારું પડ્યું નકામું
         કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
         પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         એકતારો મારો ગુંજશે મીઠું
         દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
         એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
         બીજું હું કાંઈ ન માગું.

(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)