રણ તો રેશમ રેશમ/ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનો : આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ
તાશ્કંદની એ પહેલી સવાર. આંખ વહેલી ખૂલી ગઈ. સૂર્યોદય હજી થયો નહોતો. આખા દિવસ માટે ફરવા નીકળવાને હજી ઘણી વાર હતી. અમે ચાલવા નીકળી પડ્યાં. અમારી હોટેલની સામે જ એક નાનકડો બાગ હતો. અમે બાગ વટાવી એની આગળને રસ્તે ચાલવા લાગ્યાં. ચાલતાં ખ્યાલ આવ્યો કે તાશ્કંદ એક સરસ રીતે પ્લાન કરેલું ભવ્ય શહેર છે. એના રસ્તા અત્યંત પહોળા તથા કાટખૂણે ગોઠવાયેલા હતા. ઠેરઠેર જોવા મળતા મહાલયો એકદમ સૌંદર્યમય અને વિશાળ હતા. સુરેખ મકાનો ફૂલછોડથી સુશોભિત હતા અને ફૂટપાથો એકદમ પહોળી તથા સુઘડ હતી. વૃક્ષો અહીં મબલખ હતાં અને એ તમામ ફળ-ફૂલથી લચી પડેલાં હતાં. એકાદ કિલોમિટર ચાલ્યાં હોઈશું ત્યાં દૂર એક મોટું પ્રભાવક પૂતળું દેખાવા લાગ્યું. પોતાના માનીતા ઘોડા પર સવાર આમિર ટિમૂર અર્થાત્ તૈમૂરનું એ પૂતળું હતું. પૂતળું એટલું તો પ્રભાવશાળી હતું કે એને જોતાં જ એમ લાગે કે હમણાં તૈમૂરની એડીના એક ઇશારે એ ઘોડો હણહણતો ફાળ ભરવા લાગશે. સ્મારકની ફરતે ઉગાડેલા સુંદર બાગમાં સ્પ્રિંકલર્સની બૌછારમાં નહાતાં પુષ્પો સૂરજના આગમનની આતુર નયને રાહ જોઈ રહ્યાં હતાં. મોટા એ વર્તુળની ફરતે વિશાળ રાજમાર્ગ હતો અને એની ચારેકોર ગૌરવવંતાં સ્થાપત્યો હતાં. એમાં લાઇબ્રેરી, મ્યુઝિયમ, સરકારી કાર્યાલયો, પંચતારક હોટેલ વગેરેના ભવનો હશે તેવું લાગ્યું. એ સૌમાં સૌથી ધ્યાનાકર્ષક ભવન ઓપ્રાહાઉસનું હતું. સોનેરી સુશોભનોથી શોભતા એ ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર દેવહુમા પંખીનું યુગલ નૃત્ય કરતું હોય તેવું શિલ્પ હતું. ત્યારે તો મને એ સારસ બેલડી હોય તેવું લાગેલું, પણ પછી ખબર પડી કે, અહીં ઉઝબેકિસ્તાનમાં ફિનિક્સપંખી અર્થાત્ દેવહુમાનું ખૂબ મહત્ત્વ છે. અહીંની લોકકથાઓમાં તથા પુરાણકથાઓમાં આ પંખીના પુરાકલ્પનનું અનોખું માહાત્મ્ય છે. દેશનાં સંસ્કારમાં વણાઈ ગયેલ એ પંખીયુગલ મનમાં કોરાઈ ગયું છે. આજે પણ એ દેશને યાદ કરું છું તો મનમાં દેવહુમાનું એ યુગલ થરકતું નૃત્ય કરવા લાગે છે! સ્થાનિક લોકો જેને આમિર ટિમૂરના નામથી સ્નેહઆદરપૂર્વક સ્મરતા જોવા મળ્યા તે તૈમૂરનું પૂતળું અત્યંત પ્રભાવશાળી હતું. કલાના નમૂના તરીકે પણ તે ઉત્તમ હતું. એના પર તૈમૂરના તો ખરા જ, પણ ઘોડાના હાવભાવ પણ અદ્ભૂત રીતે કંડારેલા હતા. વિશ્વવિજયના સ્વપ્ન સાથે નીકળેલા શૌર્યવાન માલિકના આદેશથી પૂરપાટ દોડ્યા જતો આજ્ઞાંકિત અશ્વ; એના જીન પર કોતરેલાં ધાર્મિક વાક્યો તથા પ્રતીકો, જીનની કોરે બાંધેલાં કલાત્મક લટકણિયાં, તૈમૂરની ઢાલ, એની તલવાર, તૈમૂરનાં વસ્ત્રો, એનાં પાદત્રાણ, બધું જ સુંદર કંડારેલું હતું. એનાથીય વધારે પ્રભાવક એના ઉપર લખેલું લખાણ હતું. પૂતળાની મુખ્ય તકતી પર ચાર ભાષામાં લખેલું હતું : ‘સ્ટ્રેન્થ-ઈન જાસ્ટિસ’ અર્થાત્ ‘ન્યાયશીલતાની શક્તિ.’ દરેક વ્યક્તિની સફળતા પાછળ એનું મક્કમ મનોબળ અને એના પોતીકાં દૃઢ આદર્શોનું પીઠબળ હોય છે. તૈમૂરના ન્યાયપ્રિયતાના આદર્શ વિશે પહેલી વાર જાણવા મળ્યું. હું એના વિશે વિચારતી હતી ને ઓપ્રાહાઉસની પાછળથી સૂર્યોદય થયો; સાથે જ ચારેકોર વિખેરાયેલો નિખર્યો–નિખર્યો ઉજાસ ઊગતા સૂરજની સોનેરી આભામાં ઝબકોળાયો. અમે અનાયાસ જ્યાં પહોંચી ગયાં હતાં અને અમને ખૂબ ગમી ગયેલો હતો તે વિશાળ ચોક ‘આમિર ટિમૂર સ્ક્વેર’ હતો અને એ દમામદાર પૂતળું ‘આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ’ તરીકે ઓળખાતું હતું, તે તો પાછળથી અમારી ગાઇડ નિકી સાથે શહેર જોવા નીકળ્યાં ત્યારે ખબર પડી. મારા માટે અગત્યની વાત એ હતી કે, એ સ્થળ પર સવારનો જેટલો સમય ગાળ્યો તે દરમિયાન મનમાં સતત દ્વંદ્વ ચાલતું રહ્યું. તૈમૂરના પૂતળાને જોતાં હું વિચારતી હતી : આ પૂતળાના શખ્સની જાંબાઝ પ્રતિભાની તથા એની ન્યાયપ્રિયતાની કદર કરવી કે પછી આપણા દેશ સાથેના એના કટુતાભર્યા અનુબંધના પૂર્વગ્રહને પોષતાં એની અવજ્ઞા કરવી? સાચું કહું તો મારાથી એની અવગણના ન થઈ શકી. મને લાગ્યું કે ઇતિહાસ નફરતને પોષવા માટે નથી, એ તો માનવજાતિની મહાન જિજીવિષાને ને એના શૌર્ય તથા હિંમતને ઓળખવા માટે લખાતો હોય છે. એ નફરત પોષવાની ભૂલ કરવા માટે નહીં, માનવજાતે કરેલ ભૂલો પછી ભોગવેલી તબાહીને જાણીને ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન અટકાવવા માટે હોય છે. જે–તે દેશને પૂર્વગ્રહનાં ચશ્માં પહેર્યા વગર જોઈ શકાય તો જ તો એનો સાચો પરિચય કેળવાય. મારાથી એ વ્યક્તિ માટે આપણે ત્યાં પ્રચલિત છે તે, ‘તૈમૂરલંઘ’ જેવો અપમાનકારક શબ્દ પણ વાપરી ન શકાયો. બધા જ પૂર્વાપર સંબંધો વિસરાઈ ગયા. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર હું ઉઝબેક પ્રજાના ઉદ્ધારક આમિર ટિમૂરને અને એના પૂતળા પર અંકિત બહાદૂરીને આદરપૂર્વક જોતી રહી.