રણ તો રેશમ રેશમ/ગેબી ગુફાઓનો અગમ્યલોક : શિમગન પર્વતમાળા
દેશ હવે અજાણ્યો નહોતો. શહેર પણ હવે પરિચિત લાગતું હતું. આજે અમારે શહેરની રોનક છોડીને આસપાસના નૈસર્ગિક સૌંદર્ય તરફ જવાનું હતું. શહેરથી થોડે દૂર શિમગન હિલ્સ નામક પર્વતીય પ્રદેશ છે અને એની વચ્ચે છે ભૂરું પારદર્શક સરોવર – ચાર્વાક લેક. આ ચાર્વાક નામ સાંભળતાં જ આપણા ચર્વાકઋષિ યાદ આવે ને કોણ જાણે કેમ એવી જ કલ્પના આવે કે નક્કી એ પાણીનું નહીં, ઘીનું સરોવર હોવું જોઈએ! શહેર છોડતાં જ રસ્તાની બંને તરફ ખેતરાળ વિસ્તાર દેખાવા લાગ્યો. કપાસના ખેતરોમાં લણણીનું કામ ચાલી રહ્યું હતું. રૂથી ફાટફાટ થતાં જીંડવાંના વિસ્ફારિત મુખમાં ઊજળો ઊજળો કપાસ સ્મિત વેરી રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે એ તમામ ખેતરોમાં મજૂરો નહીં, શાળા–કૉલેજના વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં હતાં. નિકીએ સમજાવ્યું કે દરેક વિદ્યાર્થી માટે આ કામ ફરજિયાત હોય છે. કપાસની લણણી વખતે વિદ્યાર્થીઓને ખેતરોમાં લઈ જવા માટે તથા કામ પૂરું થયે સાંજે શહેરમાં મૂકી જવા માટે સરકાર તરફથી ગાડીઓ દોડાવવામાં આવે છે. શહેરોમાં ત્યારે પેટ્રોલ ખૂટી જતું હોય છે, કેમકે, ખેતીના કામ માટે એના વપરાશને પ્રાથમિકતા આપવામાં આવે છે. વિદાય થઈ ચૂકેલા સામ્યવાદનું આ એક મીઠું સંભારણું! દેશના વિકાસ માટે એકેએક વિદ્યાર્થીને શ્રમ કરતો જોવાનું મંગલદૃશ્ય સદાય યાદ રહેશે. જરાક ચડાણ ચડતો ઘાટવાળો રસ્તો શરૂ થતાં જ એક સ્થળે નાની નાની ઘુમટીઓવાળી હાટ લાગેલી દેખાઈ. અહીં સૂકો મેવો તથા આ પર્વતીય પ્રદેશમાં ઊગતી બદામ, આલુનાં મીંજ તથા અહીંથી જ મળતા મધમાંથી બનાવેલ રોટલા જેવા આકારની ચિક્કી જેવી મીઠાઈ મળતી હતી. લોકોનો પહેરવેશ બદલાઈ ગયો હતો. સાદું-સીધું ગામઠી વાતાવરણ તથા સરળ પ્રકૃતિનાં લોકો ગમી જાય તેવાં હતાં. તાશ્કંદ શહેરથી આશરે એંશી કિલોમિટરના અંતરે સ્થિત ઉગમ ચટકલ નૅશનલ પાર્ક નામે ઓળખાતો આ પર્વતીય પ્રદેશ મધ્ય એશિયામાં વિસ્તરેલી ટિએન શાન પર્વતમાળાનો એક ભાગ છે. એ પર્વતમાળાના શિમગન નામક શિખરની તળેટીમાં શિમગન નામનું ગામડું વસેલું છે. શિયાળામાં આ પર્વતોના ઢોળાવો પર સ્કિઈંગ કરવા પ્રવાસીઓ ઊમટી પડે છે, તો ઉનાળામાં સહેલાણીઓ આ પ્રદેશનાં ઝરણાં અને પંખીઓ, નદી અને સરોવરોને માણવા આવે છે. આ વિસ્તારના પર્વતોની તળેટીમાં તથા ખીણોમાં વૃક્ષો ખરાં, પણ ઊંચાણ પર જતાં વનસ્પતિ પાંખી થતી જાય છે. આ પર્વતોની શાન એની લીલોતરીથી નહીં, એના ઘેરા લાલ રંગથી છે. લોહતત્ત્વ વૈપુલ્યને કારણે અહીંની માટીનો રંગ લાલ છે. વળી અહીં લાવાથી રચાયેલ અગ્નિકૃત ખડકો પણ જોવા મળે છે. આ ખડકોમાં ડાયનાસોરનાં અશ્મિઓ છે અને અહીંની ગુફાઓમાં આદિમાનવે દોરેલાં ભીંતચિત્રો છે. ત્રણ નદીઓનાં જળથી સમૃદ્ધ આ વિસ્તાર અનેક વન્ય જીવોનું ઘર છે. પર્વતોની વચ્ચે લહેરાતા ભૂરા પારદર્શક સરોવરોમાં રાતા પહાડોના પડછાયા અલૌકિક રંગછાયા રચે છે. અહીં પુલાથાન નામનું એક શિખર છે. જાણે પર્વતની એક સ્લાઈસ કરીને એક ભાગ છૂટો પાડ્યો હોય, ત્યારે બનેલા મોટા ઢોળાવો પર જમા થતાં પાણીએ અનેક દુર્ગમ ગુફાઓ સર્જી છે. લોકવાયકા છે કે એમાંની એક ગુફામાં ‘એલેકઝાન્ડર – ધ ગ્રેટ’નો ખજાનો છુપાયેલો છે. વાયકા છે કે ‘એલેકઝાન્ડર – ધ ગ્રેટ’ને પ્રિય એવી એક વારાંગના એના જ સૈન્યના એક યુવાન સૈનિકના પ્રેમમાં પડી. એલેકઝાન્ડરને આ વાતની જાણ થઈ ત્યારે એણે પેલા સૈનિકને કે પોતાની પ્રિયતમાને કોઈ સજા ન કરી, કે ન તો એ બંને પ્રેમીઓને સંબંધ તોડવા મજબૂર કર્યાં. તેણે એ બંનેને આ ગુફામાં પોતાના ખજાના તથા ભરપૂર સરંજામ સાથે સુખેથી રહેવા દીધાં. એલેકઝાન્ડરની આ ગુફાની સાહસિકોને આજે પણ તલાશ છે. પર્વતારોહકો અનહદ જોખમ ખેડીને એને શોધવા પ્રયત્નો કરે છે, પણ ગુફાઓવાળો પર્વતનો ઢોળાવ એવો તો અગમ્ય, અભેદ્ય છે કે આજ સુધી કોઈને એમાં સફળતા મળી નથી. તળેટીમાં વસેલ ગામડું સાવ નાનકડું હતું. અમને તો એકેય માણસ જોવા ન મળ્યો. પર્વત પર લઈ જતી ખખડધજ ટ્રોલી ખરેખર તો સ્કિઈંગ માટેની ચેરલિફ્ટ હતી. એક પટ્ટા પર સતત સરકતી ટ્રોલીઓમાંથી એકમાં ચાલતી ગાડીએ જ ચડી જવાનું. ચડવામાં તકલીફ પડે તેને ધક્કો મારીને ચડાવવા બે પહેલવાનો ઊભા હતા. એક વાર બે સીટવાળી એ ટ્રોલીમાં ચડી જાઓ પછી તમે ભગવાન ભરોસે! સીટની સામે જે દાંડો હતો તે જરાક ઠેબો વાગે તો ખૂલી જાય તેવો હતો. જોકે ચઢાણનો ઢાળ બહુ તીણો નહોતો તથા એનો પથ હળવે હળવે ઊંચાઈને આંબતા થાંભલાઓ પરથી પસાર થતો હતો, એટલે બહુ ડરવા જેવું નહોતું. જરાક વારમાં તો આત્મવિશ્વાસ આવી ગયો, પછી સૃષ્ટિ અનુપમ લાગવા લાગી. ઠંડી જરાક વધારે હતી અને કૅમેરા વગેરે સરંજામથી ટ્રોલીની સાંકડી સીટ ખીચોખીચ ભરાઈ ગઈ હતી. અમને અમારા પડવા કરતાં સામાન પડી જવાની ચિંતા વધારે સતાવતી હતી! પર્વત ઉપર પહોંચતાં વીસેક મિનિટ થઈ હશે. ઉપર પહોંચતાં જ જાણે દુનિયા બદલાઈ ગઈ. નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા નિર્જન વેરાનોમાં આછા-ઘેરા રાતા-ગુલાબી પર્વતોની બિછાત હતી. અહીં કાંઈ મુલાયમ મસૃણ કે સ્નિગ્ધ નહોતું. અહીં તો અનુભવ હતો પડછંદ મનુષ્યત્વનો અને નીડર એકલતાનો. પાષાણ જેવું અડગ મનોબળ અને લોખંડ જેવી નક્કર જિજીવિષાનો આયનો જાણે! કાતિલ ઠંડીએ બપોરના તડકા પર સરસાઈ મેળવી લીધી હતી. બે-ત્રણ ઘોડા ઊભા હતા મુસાફરોને લોભાવવા, પણ એ બાલિશ રમત તરફ કોઈ આકર્ષણ ન થયું. મન તો ઊભું હતું ટોળાથી દૂર પર્વતની ધાર ઉપર – નીચે વિસ્તરેલી ગેબી પર્વતમાળા ઉપર ઊડવા અને એની જ કોઈ ખીણમાં કૂદી પડવા તત્પર!!