અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જમિયત પંડ્યા `જિગર'/કફન માપસરનું ન પામ્યા દુલારા!
Revision as of 05:08, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
કફન માપસરનું ન પામ્યા દુલારા!
જમિયત પંડ્યા `જિગર'
અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.
ભટકતો રહ્યો છું મહા રણમહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાથી પનારા.
અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.
કદાચિત મળી જાય મોતી અમૂલાં,
લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ
નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,
અને દૂર દીઠા છલકતા કિનારા.
પરાયા બનીને નિહાળી રહ્યા છે,
અમારા જીવનની હરાજીના સોદા;
અને તે ય જાહેરમાં, જે સ્વજનને
અમે માનતા’તા અમારા અમારા.
‘જિગર’ કોઈી ના થઈ, ને થશે ના,
સમયનીગતિ છે અલૌકિક-અજાણી;
અહીં કૈંક સંજોગના દોરડાથી,
નથાઈ ગયા કાળને નાથનારા!
‘મધુવન’