રણ તો રેશમ રેશમ/સમયથી અડધું પુરાણું ફૂલગુલાબી નગર : પેટ્રા
ઓગણીસમી સદીની શરૂઆતની વાત. યુરોપ આખાયમાં ત્યારે દૂર દૂર અરબસ્તાનની ભોમ ઉપર સ્થિત એક ગોપિત નગરની ચર્ચા વહેતી થઈ. જૉન વિલિયમ બર્ગોન નામના ખ્રિસ્તી ધર્મગુરુએ એક વિસ્મયકારક નગર ઉપર કાવ્ય લખ્યું : ‘પેટ્રા.’ ‘પેટ્રા’ નામના તેમના આ કાવ્યને ઑક્સફર્ડ યુનિવર્સિટીનું ન્યુડિગેટ નામનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પારિતોષિક મળ્યું અને એમ પેટ્રા જગવિખ્યાત થઈ ગયું. કાવ્યમાં કવિએ એક નગરીનું કલ્પનાચિત્ર દોરેલું છે જેના વિશે તેમણે ખૂબ સાંભળ્યું તો છે, પણ ક્યારેય તેને જોઈ નથી. કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિ લખે છે : ‘જ્યાં ગુલાબના ફૂલની લાલિમા જેવી પ્રભાતની સુરખી પહેલી વાર ઢોળાઈ ત્યારની અકબંધ છે. વ્યથાની ભ્રમર પર યૌવનના રંગો માણસે બે હજાર વર્ષ પહેલાં અનુભવેલા તેવા જ છે. પૂર્વની દુનિયામાં એની સાથે સરખાવી શકાય તેવું એક સ્થાન તો બતાવો! સમયથી અડધું પુરાણું આ નગર (પેટ્રા)’ ત્યારથી ‘સમયથી અડધું પુરાણું’ એવું વિશેષણ પેટ્રાની ઓળખાણ બની ગયું. આજે પણ જ્યારે જ્યારે પેટ્રા વિશે બોલાય કે લખાય છે, ત્યારે તે ઉપમા ઉલ્લેખાય છે. બર્ગોનનું આ કાવ્ય વાંચીને અનેક યુરોપિયનોમાં એ છૂપા નગરને જોવાની ઝંખના જાગી. એ નગર તો આજકાલનું નહીં પ્રાગૈતિહાસિક કાળથી રહસ્યમય અને ગોપિત રહ્યું હતું. ઓગણીસમી સદીમાં પણ બહારના કોઈ ઇન્સાનને ત્યાં પ્રવેશ મળતો નહોતો. જૉન લુડવિગ બર્કહાર્ટ નામના સ્વિસ સંશોધકે એને જોવાનું બીડું ઝડપ્યું. તેણે મુસ્લિમ નામ ધારણ કર્યું. પહેરવેશ પણ ત્યાંનાં સ્થાનિકો જેવો જ પહેરવા માંડ્યો. સરસ અરેબિક બોલતાં શીખ્યો, પછી એક દિવસ તે જોર્ડનની આ ગોપિત નગરી પેટ્રાને દ્વારે આવી ઊભો. ‘મારું નામ શેખ ઇબ્રાહીમ. મુસ્લિમ છું ને અહીંની મન્નત માની છે, એટલે આ બકરાનો અર્ઘ્ય આપવા અંદર આવવા માગું છું’ કહીને તેણે સ્થાનિકોને ભોળવ્યા. સ્થાનિક રહીશોએ તેને મુસ્લિમ જ માનીને એક ગાઇડ સાથે પ્રવેશ આપ્યો. ખભે બકરું ઉપાડીને પેટ્રામાં ભમતાં તેણે ગાઇડને પ્રશ્નો પૂછવા માંડ્યાં. પહેલાં તો ગાઇડે હોંશે હોંશે જવાબ આપવા માંડ્યા. પણ પછી પેલાને બધું પૂછીપૂછીને લખતો જોઈને ગાઇડ વહેમાયો. આ જોઈને જૉનને પોતાનો જાન બચાવવા પાછા ફરવાનું મુનાસિબ લાગ્યું. પાછા ફર્યા પછી તેણે પેટ્રા વિશે લખવા માંડ્યું. આ વાંચીને અંગ્રેજો સહિત યુરોપના બીજા અનેક દેશોના લોકોને એમાં રસ પડ્યો અને એમ જોર્ડનનું આ ગોપિત નગર વિશ્વવિખ્યાત થઈ ગયું. આજે એ જ નગરીને દ્વારે આવીને ઊભાં રહેતાં એવું લાગતું હતું કે જાણે સમયના દ્વાર ઉપર ઊભાં છીએ. સપાટ મેદાનની કોરે વિખેરાયેલાં ગુફાઓ જેવાં ખંડિયેરોની પાસેથી પસાર થયા કરતા ઘોડેસવારો તથા ઘોડાગાડીઓ સમગ્ર ચિત્રમાં પુરાણા સમયના ધબકાર પૂરતા હતા. એક તરફ જરાક છાંયો શોધીને અમારો ગાઇડ તલાલ આ શહેર વિશે સમજાવવા બેઠો. આરબોની નેબેટિયન નામની પ્રજાતિનું આ અદિમ પાટનગર. નેબેટિયનો અત્યંત બુદ્ધિશાળી હતા. વ્યાપાર-વાણિજ્યમાં તથા પાણી પુરવઠાની વ્યવસ્થા ગોઠવવામાં તેઓ અત્યંત પારંગત હતા. એ લોકો વિશે જે કાંઈ માહિતી ઉપલબ્ધ છે, તે આ પ્રાચીન ગુફાઓ પરથી ધારવામાં આવેલી તથા દંતકથાઓમાં સચવાયેલી વાયકાઓ છે. એ સમયની કોઈ હસ્તપ્રત કે અન્ય રીતે લિખિત ઇતિહાસ મળતો નથી. આપણે આ નેબેટિયનો વિશે જે કાંઈ ધારીએ છીએ, તે વિવિધ સંશોધકોએ આપેલ તારણો પરથી તારવેલી માન્યતાઓ છે. ઘણા સંશોધકો માને છે કે તેઓ દક્ષિણ દિશામાંથી આવીને અહીં સ્થાયી થયા, પરંતુ એ લોકો અરેબિયન પૅનનસ્યુલાના ઉત્તર સ્થિત પ્રદેશમાંથી ઊતરી આવેલ હોય, તેવું ચોક્કસ પણે કહી શકાય. કારણ કે, તેમના તથા ઉત્તરમાં વસતા લોકોનાં દેવી-દેવતાઓનાં નામ એકસરખાં છે. નેબેટિયનોના અધિષ્ઠાતા મુખ્ય દેવ દુઃસ્સારા છે, દેવી મીન્ના છે જે ઉત્તરના પ્રદેશોમાં પણ પૂજાય છે. બંને પ્રદેશોના લોકોનાં નામોમાં પણ સામ્ય જોવા મળે છે. વળી, જોર્ડનની ઉત્તરે સ્થિત દેશ સાઉદી અરેબિયામાં આ પેટ્રા જેવું જ એક બીજું નગર છે જે સાબિત કરે છે કે પેટ્રા નગરને રચનાર ઉત્તર દિશામાંથી ઊતરી આવેલ હોવા જોઈએ. જોકે સાઉદી અરેબિયાનું મદાઈન્શાલા નામનું આ નગર તો આજે પણ વિશ્વથી નજરથી છુપાવાયેલું છે. હજી પણ તે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું નથી. સ્થાપત્યવિદ્યામાં પારંગત એવા આ નેબેટિયનો રણપ્રદેશમાં પાણીની શોધમાં રખડતા અહીં આવી પહોંચ્યા હશે. ત્યારે ડેડ-સી અને રેડ-સી વચ્ચેની વિરાટ ખીણ – વાદી અરબામાં જબાલ અલ મધબાહ નામના પર્વતના ઢોળાવ ઉપર એમની નજર ઠરી હશે. કારણ કે, લાઈમસ્ટોન તથા સેન્ડસ્ટોન મિશ્રિત અહીંની ભૂમિમાં પાણીનો સંચય કરી શકવાની શક્યતા તેમણે જોઈ. અહીં પર્વતો વચ્ચે તેમણે ગુફાઓ કોતરીને એક આખેઆખું નગર વસાવ્યું. નેબેટિયનો તો કોણ જાણે ક્યારનાંય અહીં વસતા હશે, પરંતુ ઈ. સ. પૂર્વે ૩૧૨ આસપાસથી એનું નગર તરીકેનું અસ્તિત્વ સ્વીકારાયું છે. માનવજાતિના વિકાસ સાથે ભૂખંડો વચ્ચે વ્યાપાર વાણિજ્યની પ્રથાઓ પણ વિકસી. ધર્મની મહત્તા ઇન્સાને સ્વીકારી ત્યારથી વિવિધ વિધિ-વિધાનોની પરંપરા પણ સર્જાઈ. ઇજિપ્ત તથા યુરોપના અનેક દેશોમાં પૂજા-અર્ચના અર્થે સુગંધી દ્રવ્યોની અસાધારણ માંગ સર્જાઈ. સુગંધી દ્રવ્યો સુવર્ણથી પણ મોંઘાં થઈ ગયાં; ત્યારે અરેબિયન પેનનસુલાના દક્ષિણ સ્થિત પ્રદેશ જ્યાં આજે યમન, ઓમાન વગેરે દેશો છે તે પ્રદેશમાંથી મળતાં સુગંધી દ્રવ્યોને ઇજિપ્ત કે યુરોપ તરફ લઈ જતા કાફલાઓને નેબેટિયનોના આ નગર પાસેથી પસાર થવું પડતું. આ માર્ગને આજે આપણે ઇન્સેન્સ રૂટ તરીકે ઓળખીએ છીએ. વળી એશિયન દેશોમાંથી મરીમસાલા તથા રેશમને લઈ આવતા કાફલાઓનો સિલ્ક રૂટ તથા સ્પાઈસ રૂટ પણ અહીંથી પસાર થતો. આમ તો મુખ્ય બજાર થોડે દૂર વસેલા બુસરા શહેરમાં ભરાતું, પરંતુ નેબેટિયનોએ સર્જેલી પાણીની સગવડને કારણે કાફલા અહીં રાતવાસો કરવા લાગ્યા. પોતાનું પવિત્ર નગર પેટ્રા તો નેબેટિયનોએ ગુપ્ત જ રાખ્યું. કાફલાઓને એમાં પ્રવેશ ન અપાતો. કાફલાઓના ઉતારા માટે તેમણે મુખ્ય નગરથી થોડે દૂર એક બીજી ગુફાઓની વસાહત કોતરી કાઢી ને ત્યાં જઈને વેપાર કરવાનું રાખ્યું. તે સ્થાન આજે ‘લીટલ પેટ્રા’ તરીકે ઓળખાય છે. નેબેટિયનોએ વ્યાપારની આ તકનો ભરપૂર લાભ લીધો. તેમણે કાફલાઓને ધારેલા પ્રદેશમાં પહોંચવા માટે મદદ કરવાની સાથે સાથે માલસામાનની દલાલી કરવા માંડી. તેમાંથી તેમને અઢળક કમાણી થઈ. આ સંપત્તિ તેમણે પેટ્રાની આ ગોપિત પુરાતન નગરીમાં સાચવી. લોલુપ લૂંટારાઓથી બચવા આ સ્થાન અત્યંત ગુપ્ત રખાયું. આજે બંને તરફ પાંચસો-છસો ફૂટ ઊંચી કરાડો વચ્ચે પસાર થતા સાવ સાંકડા રસ્તાને જોઈને આશ્ચર્ય થાય કે, ઈ. સ. પૂર્વેનાં વરસોમાં તેમણે આખેઆખો પર્વત કોતરીને ત્રણેક માઈલ લાંબો આ રસ્તો શી રીતે બનાવ્યો હશે! એક ક્ષણ એમ માનવાનું મન પણ થાય કે આ તો કોઈ વિરાટ નૈસર્ગિક ઘટના હશે. પરંતુ તલાલ દીવાલ જેવી ઊભેલી શિલાઓ પર છીણી જેવા નિશાન બતાવે છે, જે સાબિત કરે છે કે, આ પર્વત આખો મનુષ્યોએ પોતાના હાથે કોતરેલો છે!