ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/યાચે શું ચિનગારી? — નટવરલાલ પ્ર. બૂચ
ન. પ્ર. બૂચ
એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ અટારી;
ના સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી.
(હરિહર ભટ્ટ)
યાચે શું ચિનગારી?
યાચે શું ચિનગારી, મહાનર,
યાચે શું ચિનગારી?
ચકમક લોઢું મેલ્ય પડ્યું ને,
બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી,
ચેતવ સગડી તારી.
ના સળગ્યું એક સગડું તેમાં,
આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી,
લેને શીત નિવારી.
ઠંડીમાં જો કાયા થથરે,
બંડી લે ઝટ ધારી;
બેત્રણ પ્યાલા ચા પી લે કે,
ઝટ આવે હુશિયારી.
(નટવરલાલ પ્ર. બૂચ)
મૂળ કાવ્યમાં નાનો ફેરફાર કરીને નવું—ઝાઝે ભાગે હાસ્યરસિક-કાવ્ય રચવામાં આવે તેને અંગ્રેજીમાં ‘પૅરડી’ અને ગુજરાતીમાં ‘પ્રતિકાવ્ય’ કહે છે. ન ભો. દિવેટિયાને કરુણ કાવ્યો લખવાની ફાવટ હતી. તેમની એક પંક્તિ હતી ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે.’ કોઈએ અટકચાળું કર્યું, ‘આ વાઘને વરુનું માંસ વિશેષ ભાવે.’ બે સાહિત્યિક સંજ્ઞાઓ છે: ‘પૅરડી’ અને ‘ટ્રેવેસ્ટી.’ મૂળ રચનાની ગંભીર શૈલીનું અનુકરણ કરીને તેમાં ક્ષુલ્લક વાતો કહેવી તે પૅરડી. પરંતુ મૂળ રચનાના ઉદાત્ત વિષયની રજૂઆત ગામઠી કે હાસ્યપ્રેરક શૈલીમાં કરવી તે ટ્રેવેસ્ટી. ‘એક જ દે ચિનગારી’ આપણી ભાષાનું જાણીતું ગીત. નટવરલાલ બૂચે તેના પ્રત્યુત્તરમાં બીજું ગીત લખ્યું. મૂળ ગીતમાં હરિહર ભટ્ટ પ્રભુ પાસે ચિનગારી-તણખો માગે છે. (‘મહા અનલ’ એટલે મોટો અગ્નિ, અને ‘વિશ્વ અનલ’ એટલે વિશ્વનો સંચાર કરનારો અગ્નિ.) હવે જોઈએ નટવરલાલ બૂચનું પ્રતિકાવ્ય: પહેલા જ શબ્દ પાસે આપણે રોકાવું પડે—‘યાચે.’ બૂચ ઠપકો આપે છે: અલ્યા, તારે યાચવું પડે? દયામણા થવું પડે? તારે માગવાનું હોય કે આપવાનું હોય? તું નર નથી, મહાનર છે, માનવ નથી, મહામાનવ છે. હનુમાન પોતાની શક્તિને નહોતા જાણતા, તુંય પોતાની શક્તિને નથી જાણતો. એક જ અક્ષર બદલીને—‘મહાનલ’નું ‘મહાનર’ કરીને—કવિએ કેવડો મોટો ભાવપલટો કર્યો! પ્રેમાનંદના ‘ચંદ્રહાસ આખ્યાન’માં પ્રધાન ધૃષ્ટબુદ્ધિ એક પત્ર લખે છે. ‘ચંદ્રહાસને વિષ દેજો’ ચંદ્રહાસના પ્રેમમાં પડેલી પ્રધાનપુત્રી વિષયા પત્રમાં એક જ અક્ષર ઉમેરી દે છે, ‘ચંદ્રહાસને વિષયા દેજો.’ ચંદ્રહાસ—વિષયાનાં લગ્ન લેવાય છે. ભાગ્યના લેખ ભલે વિધાતા લખે, આપણે તેમાં એકાદો અક્ષર તો બદલી શકીએ ને? ‘ચકમક લોઢું મેલ્ય પડ્યું’—ચકમક સાથે રકઝક ન કર, બાકસ લે. એવી તે શી વિપત્તિ આવી પડી, કે ચૌદે લોકના ધણી પાસે કરગરવું પડે? તારો અવાજ આંસુમાં ન બોળ, તારું છાણું કેરોસીનમાં બોળ. અપના હાથ, જગન્નાથ. ચકમક નહીં તો બાકસ. ઈંધણાં નહીં તો છાણાં કે પછી કાગળના ડૂચા. છતાંયે કાયા થથરે તો બંડી અને બે પ્યાલા ચા તો છે જ! મૂળ કાવ્યમાં દેવતાઈ પદાર્થોના ઉલ્લેખ છે—મહાનલ, ચાંદો, સૂરજ, આભ અટારી, વિશ્વાનલ. પ્રતિકાવ્યમાં રોજબરોજના પદાર્થોના ઉલ્લેખ છે-બાકસ, કેરોસીન, છાણું, કાગળના ડૂચા, સગડું, બંડી, ચા. મોટી વાતો કરીને દૈવને આશરે બેસી રહેતા માણસોનો ઉપહાસ કરીને કવિ ઘરગથ્થુ ઉપાયોથી ઘરસંસાર ચલાવતા નાના માણસોનું ગૌરવ કરે છે, મૂળ કાવ્યના પ્રારબ્ધવાદની સામે પોતાનો વાસ્તવવાદ મૂકે છે. પ્રારબ્ધની રેખા ભલે હથેળીમાં હોય, બળ તો બાવડાંમાં જ છે.
છેટો તું બે વેંતથી, જોવા ભાવિ સાચ,
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું!
***