ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હું કહું તેમ કરો — નીતા રામૈયા
નીતા રામૈયા
PL SEE HARD COPY OF POEM FORWARDED
જાગ્યા ત્યારથી સવાર
સ્ત્રીમુક્તિ વિશેના આ કાવ્યમાં પાંચ-છ પ્રશ્નો પુછાયા છે.ન જાણે કેટલી સદીઓ સુધી તે નિરુત્તર રહેશે.
પહેલો પ્રશ્ન છે- ડાકણનું પુલ્લિંગ કરો. ‘ભૂવો' કે ‘તાંત્રિક' શબ્દો મનમાં આવે,પણ એમાં ‘ડાકણ' શબ્દનાં ભય, તિરસ્કાર કે સૂગ ભળેલાં નથી.જુદા જુદા સમાજોમાં ડાકણની કલ્પના કરાઈ છે.પાછલી સદીમાં આર્થર મિલરે ‘ધ ક્રુસિબલ' નાટક લખ્યું હતું. ૧૬૯૨ના વર્ષમાં અમેરિકાના કોઈ ગામમાં ડાકણ ગણીને મોતને ઘાટ ઉતારાયેલી સ્ત્રીઓની તેમાં વાત હતી. (આને વિચહન્ટ કહે છે.) આવા પ્રસંગો આપણા દેશમાં આજે પણ બને છે. દેશપરદેશની બાળવાર્તાઓમાં પણ ડાકણનું પાત્ર હોય છે. આવી માન્યતા સ્ત્રીસમાજ સામેનો અપરાધ છે. ‘ડાકણ' સાથેના નાદસામ્યથી અહીં ‘ડાકઘર' અને ‘કણ'ના ઉલ્લેખો આવે છે, જે અપ્રસ્તુત લાગે છે.
કવયિત્રીનો બીજો પ્રશ્ન છે- વેશ્યાઘર એટલે કોનું ઘર? સ્ત્રીનું કે પુરુષનું? બે હજાર વર્ષ પહેલાં ઈસુએ વેશ્યા ઉપર પથરા ફેંકતા ટોળાને કહ્યું હતું, ‘જેણે એકેય પાપ ન કર્યું હોય, તે પહેલો પથરો મારે!' વેશ્યાવૃત્તિ માટે કાં તો સ્ત્રી અને પુરુષ બન્ને જવાબદાર છે, અથવા એકેયનો દોષ નથી. ઓસ્ટ્રિયા,ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બાંગલાદેશ, ન્યૂ ઝીલેન્ડ વગેરે પંદરેક દેશોમાં વેશ્યાનો વ્યવસાય ગેરકાયદેસર નથી. કવયિત્રીનું કહેવું એટલું જ છે કે આ દુર્ગુણ સહિયારો છે,માત્ર સ્ત્રીનો નથી.
ગૃહિણીનું પુલ્લિંગ ગૃહસ્થ થાય, પણ પિતૃસત્તાક સમાજમાં ઘરનો માલિક પુરુષ લેખાય છે,એ હકીકત અધોરેખિત કરવા માટે અહીં ‘ગૃહપતિ' શબ્દ મૂક્યો છે.પતિ દુનિયા આખીની ઉપાધિ માથે લઈને બેઠો હોય,કેમ જાણે એને વડાપ્રધાન સાથે વાટકી વહેવાર ના હોય! આને ‘સ્ટોર્મ ઇન અ ટી કપ' (ચાના પ્યાલામાં વાવાઝોડું) કહે છે. કવયિત્રી ચાની વરાળને કૂકરની વરાળ સાથે સાંકળી લે છે. કૂકર ગરમ થતું જ રહે તો શોરબકોર કરી મૂકે, અકસ્માત થાય તો ફાટીયે પડે. સ્ત્રીની હૈયાવરાળ વધી જાય તો એ ચીસો પાડે, ઊભરો કાઢે. કુશળતાથી ચાના કપને પુરુષ સાથે, તો કૂકરને સ્ત્રી સાથે સાંકળવામાં આવ્યાં છે. ‘પાત્ર' એટલે વાસણ અથવા તો વ્યક્તિ. સ્ત્રીના ભાલ પર સૌભાગ્યસૂચક ચાંદલો હોય છે, પણ પુરુષના કપાળે સ્ત્રી-અવહેલનાની કાળી ટીલી હોય છે. પુરુષના કલ્યાણ માટે સ્ત્રીના કંઠે મંગળસૂત્ર હોય,તો પુરુષના કંઠે સ્ત્રી-સમાનતાનું સૂત્ર ન હોવું જોઈએ?
કવયિત્રી જાણે છે કે રાતોરાત પરિસ્થિતિ બદલાવાની નથી.માટે કહે છે, આજે તો આટલું કરો: જાગ્યા ત્યારથી સવાર.
***