ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મા અને કાગડી — યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવેના એક કાવ્યનું શીર્ષક છે, ‘'મા અને કાગડી.' આપણને અચરજ થાય, મા-ને કાગડી સાથે કેમ સરખાવી? તો અચરજનું સમાધાન કરીએ...
ઈશ્વરે પહેલે દિવસે અજવાસ-અંધકાર છૂટા પાડ્યા,
બીજે દિવસે જળ નોખું પાડ્યું,આકાશ ઊંચે ચડાવ્યું,
ત્રીજે દિવસે જળ ભેગું કરી સમંદર લહેરાવ્યા,
ખંડ ખડક્યા,વનસ્પતિ વીંટી,
ચોથા દિવસે દિવસ-રાત ઘડ્યાં,
આકાશમાં ચાંદો, સૂરજ,તારલાઓ ટાંક્યા,
પાંચમા દિવસે જળચર,ભૂચર,ખેચરની સૃષ્ટિ સર્જી,
છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ, પોતાની છાપ મુજબ
નર-નારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં,
'ફળો! ફૂલો! ના આશીર્વાદ આપી
આખી પૃથ્વી ભોગવટે આપી,
ને સાતમા દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ
રજા રાખી... એઇને લંબાવ્યું.
પણ, મા-ને રવિવાર નથી હોતો.
બાઇબલના ‘જેનેસિસ' પ્રકરણમાં કહેવાયું છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી ઘડી- શું શું સરજ્યું તેમણે? પહેલે દિવસે પ્રકાશ, બીજે દિવસે આકાશ, ત્રીજે દિવસે ધરતી, સમુદ્રો અને વૃક્ષ-વનસ્પતિ... એમ કરતાં છઠ્ઠે દિવસે પોતાના પ્રતિબિંબ સમો માનવી સરજ્યો. બાઇબલ આગળ કહે છે કે સાતમે દિવસે- રવિવારે- ઈશ્વરે વિશ્રામ કર્યો. કવિએ સૃષ્ટિની ઉત્પત્તિનું સ્મરણ કરીને અહીં અદ્ ભુત રસ જગાવ્યો છે અને આડકતરી રીતે મા-ને ઈશ્વરની હારોહાર બેસાડી છે. વળી મા તો રવિવારે ય વિશ્રામ નથી કરતી એ ચીંધીને મા-ને ઈશ્વરથી ચડિયાતી બતાવી છે. (આ વ્યતિરેક અલંકાર થયો.) પોતાના દાવાની પુષ્ટિ કરતાં કવિ લખે છે-
રવિવારે તો મા-ને વધુ કામ હોય છે.
ચાદર ધોવામાં કાઢવાના,ઓશિકાના ગલેફ બદલવાના, આડીઅવળી ચોપડી ગોઠવવાના,પસ્તી કાઢવાના, પંખો લૂછવાના,બરણી ધોઈ અથાણું કાઢવાના,ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના, નિરાંતે માથું ધોવાના..
એવાં એવાં તો હજાર કામ હોય છે
-ને હાથ બે જ હોય છે
માત્ર ચાંદ-તારાની વાતો કરીને કવિ અટકતા નથી,ધરતી પર પગ ટેકવીને રોજબરોજના ઘરેલુ કામો ગણાવે છે. આવાં કાર્યોની સૂચિ કેમ આપવી પડી? કારણ કે ઓફિસે જતા પિતાનું કામ સૌને દેખાય, મા-નું કામ ઘરને ખૂણેખાંચરે ધરબાયેલું રહે. પિતાના પગારનો રણકાર સૌને સંભળાય, મા-ને પગાર ચૂકવવા વિશે સૌ ચૂપ!
બપોરે ઝોકું લેવાનોય જંપ નથી તેને.
મા-ની નિંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી,
મા-ની ઊંઘ તો કાગાનિંદર.
કશુંક સળવળે, સહેજે કોઈ કણસે,તોય જાગી જાય.
છેક છેલ્લે જમવા બેસતી અને પોતાના ભાગનું સંતાનોને ખવડાવતી મા કોણે નથી જોઈ? ‘કઢેલા દૂધ'ની ઉપમા ઘરકામ સંદર્ભે ઉચિત. પરિવારપ્રેમ મા-ના અર્ધજાગ્રત ચિત્તમાં એવો ઘર કરી ગયો છે કે છોકરું ખાંસી ખાય તોય ચોંકીને જાગી જાય. ‘કાગાનિંદર' કહીને કવિ મા-ની સરખામણી કાગડી સાથે કરે છે.
કાયમની સોડ તાણતી વખતેય એમ નહિ વિચારે કે
લાવ,જરા ઊંઘી લઉં.
એ તો ઉતાવળી હશે ફરી જનમવા.
નરસિંહ મહેતાનું પદ સહેજે સાંભરે, ‘હરિના જન તો મુક્તિ ન માગે, જનમોજનમ અવતાર રે.'
જન્મ આપ્યા પછીય મા બેજીવી હોય તેમ દીકરા સાથે જનમનાળથી જોડાયેલી રહે છે. કાવ્યના સૂર પરથી કળી શકાય કે દીકરો મા પ્રત્યે ઉત્કટ પ્રેમ અનુભવે છે.
મા-ના હાથમાં ઘોડિયાની દોરી હોય છે સતત
આપણી, પછી આપણા છોકરાંવની,
ને તે પછીય તેના હીંચોળવાના ઓરતા ઓછા નથી હોતા.
મા હોય છે સાવ અબૂધ.
પોતે જ પરણાવ્યા પછીય યાદ નથી રહેતું
કે દીકરો હવે પરણેલો છે.
ઘોડિયાની દોરી હાથમાં રાખતી મા ક્યારેક તો ઘરસંસારની દોરી પણ હાથમાં રાખવા મથે છે. (પુલિંગ સ્ટ્રિંગ્સ.) કિંચિત વિનોદથી કવિ કહે છે કે મા ભૂલી જાય છે કે દીકરો પરણેલો છે, હવે તેના જીવનમાં અન્ય સ્ત્રીનું આગમન થયું છે. જાણીતી ઉક્તિ છે કે જે રાહ જુએ છે તે મા હોય છે. કવિ પૂર્તિ કરે છે કે મા રાહ જુએ છે જન્મવાની, પછી ઘોડિયેથી ઊઠવાની, નિશાળેથી પાછા આવવાની, ઓફિસેથી હેમખેમ આવવાની, પરદેશથી ક્યારેક તો આવશે, એની.
કાગડો મોભારે નથી બેઠો હોતો
ત્યારેય મા તો રાહ જોયા કરે છે કાગડીની જેમ,
વિમાસે છે કે ઉછેર્યાં એ ઇંડાં તેનાં પોતાનાં? કે કોયલનાં?
કાવ્યાંતે ફરી કાગડીનો સંદર્ભ આવે છે.મોભારે કાગડો બેસે તે અતિથિના આગમનની એંધાણી ગણાય. મા વગર કાગડે ય પ્રતીક્ષા કરતી રહે છે. કાગડી પોતાનું સમજીને ઇંડું સેવે પણ બચ્ચું તો આખરે કોયલનું, મોટું થતાંવેંત ઊડી જાય. માએ ઉછેરેલો દીકરો આખરે પત્નીનો થઈ જાય. બોલકા થયા વિના, રૂપકથી કામ લઈને કવિ કટુ-મધુર સત્ય તરફ નિર્દેશ કરે છે.
કિરીટ દૂધાતે યાદગાર પંક્તિઓ લખી છે, 'સ્ત્રીઓનાં બે સ્તનો વચ્ચેથી પસાર થતા રાજમાર્ગ પર દોડીને હાંફી જઈએ, ત્યારે ઇચ્છા થાય છે મા-ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની. ત્યારે ખ્યાલ આવે છે, મા તો મરી ગઈ છે, મા- જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.'
***