કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/રસ્તાથી દૂર
દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું,
માનો ન માનો હું કોઈ મંજિલ જરૂર છું.
મારી ઉપર ઉપરની સબર પર હસે છે એ,
જાણે છે એ કે અંતરે હું નાસબૂર છું.
મેં કલ્પનામાં કંઈક ગુનાઓ કરી દીધાં,
શું મોંઢે કહી શકું હું તને, બેકસૂર છું.
એવા હુકમ કે જેમાં વિનંતીનો સૂર હો,
એવો હુકમ કરો તો બહુ જી-હજૂર છું.
ઉપર તળે, અહીં તો બધી છે પવિત્રતા,
ગંગામાં નીર છું હું પહાડોમાં તૂર છું.
દુનિયાના લોક તેથી તો જોતા નથી મને,
લાગે છે એ મને કે હું તારું જ નૂર છું.
આ મારી શુદ્ધ પ્રેમની તમને કદર નથી,
હક્કનો નથી, નથી હું વિનંતીનો સૂર છું.
હા, હા, મને કબૂલ બહુ નમ્રતાની સાથ,
હા, હા, મને કબૂલ વીતેલો ગુરૂર છું.
લાવી છે આ અસર હવે સંગત શરાબની,
ચાખો મને કટુ છું, પીઓ તો મધુર છું.
દેતે મને નિરાશા, તો હું કંઈ નહીં કહત,
દીધી છે તે સબર તો બહુ નાસબુર છું.
આનંદ તમને આવે તો મંજૂર છે મને,
છૂંદી તમે શકો છો ભલે ચૂર-ચૂર છું.
બાકી બીજો શું અર્થ દુઆનો થઈ શકે,
તારાથી છું નજીક અને તારાથી દૂર છું.
મારી મીઠાશ મારી સુગંધી છે બે ઘડી,
કાશીનું હું પાણી છું કફનનું કપૂર છું.
દુનિયામાં ગર્વ લેવા એ નીકળે નહીં ‘મરીઝ’,
જે એ કહી શકે કે હું ઘરનો ગુરૂર છું.
(આગમન, પૃ. ૧૨૮-૧૨૯)