ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી
[ગુજરાત વિદ્યાપીઠના નિયમોનું વિવરણ]
કેશવરામ કા. શાસ્ત્રી
પ્રાસ્તાવિક
કુષિ નર્મદાશંકરના સમયથી ગુજરાતી ભાષામાં શબ્દોની જોડણી વ્યવસ્થિત કરવાના પ્રયત્નો શરૂ થયેલા અને અનેક વિદ્વાનોના પ્રયત્નો પછી લગભગ આઠ દાયકે મ. ગાંધીજીના આશ્રમ નીચે ગુજરાત વિદ્યાપીઠ તરફથી જોડણીના વ્યવહારુ નિયમો અને શબ્દાવલી પ્રસિદ્ધ થયાં. છેલ્લાં દસ વર્ષમાં આ શબ્દાવલીનાં નાનાં મોટાં ચાર પાંચ સંસ્કરણ થઈ ગયાં છે; તે દરમિયાન નિયમોમાં પણ સુધારાવધારા થયા છે. "જોડણી માટે ખિસ્સાકોશ”ની નવી આવૃત્તિમાં આપણને છેલ્લામાં છેલ્લું એ સુધારાવધારાવાળું સ્વરૂપ મળે છે. અહીં મુખ્યત્વે તો એ નિયમોનું ટૂંકું વિવરણ આપવાનો જ પ્રયત્ન છે: પરંતુ સુધારાનાં દ્વાર કાયમને માટે બંધ રાખવામાં નથી આવ્યાં તે સત્યને આધારે કેટલાંક આવશ્યક સૂચન અને સુધારાનો નિર્દેશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”ના મારા થોડાં વર્ષો ઉપર પ્રસિદ્ધ થયેલા નિયમોના ભોગે મારા તરફથી સ્વલ્પ જ અપવાદે ગુજરાત વિદ્યાપીઠની જોડણીના નિયમોનો સર્વથા સમાદર કરવામાં આવ્યો છે, એ મુખ્યત્વે બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનના પ્રમુખપદેથી મ. ગાંધીજીએ “આથી જોડણીમાં સુધારાનાં દ્વાર બંધ થતાં નથી એ શબ્દો ઉચ્ચાર્યા હતા, તે આશ્વાસનથી, અને જોડણીકોશની નવી નવી આવૃત્તિઓમાં નિયમોમાં તેમ જ છૂટક શબ્દોની જોડણીમાં હરવખતે સુધારા કરવામાં આવ્યા છે તે સહૃદય વૃત્તિના દર્શનથી. હું જે સુધારા સૂચવવા ચાહું છું, તે મારા નિયમોની તદ્દન ઉપેક્ષા કરી, છેલ્લાં આઠ વર્ષમાં “ભાષાશાસ્ત્ર”ના અધ્યયન-અધ્યાપનને લીધે આ વિષયને અનેક રીતે જોવાજાણવાનો જે લાભ મળ્યો, તેના જ ફલરૂપે બતાવવા માગું છું. મારા જૂના મતનો હું તેમાં લેશ પણ આગ્રહી નથી તે કોઈ પણ સજ્જન જેઈ શકશે. લિપિમાં દેશનાં સ્વાભાવિક બધાં જ ઉચ્ચારણો જાળવી રાખતા સંકેતોનો અભાવ હોવાથી, વળી પ્રાંતિક ઉચ્ચારણોમાં એકનો એક શબ્દ અનેક રીતે વ્યક્ત થતો હોવાથી, અને ગુજરાતી ભાષાશાસ્ત્રનો પ્રાંતીય બોલીઓના વિવરણ સાથેનો એક પણ ગ્રંથ નહિ હોવાથી ગુજરાતી શબ્દોની આખરી જોડણી નક્કી કરવાનું અત્યાર સુધી બની શક્યું નથી; એટલે જ વ્યવહારુ જોડણી-નિયમોની આવશ્યકતા સ્વીકારાઈ છે. એમાં થોડા અપવાદે શુદ્ધિની નજીકમાં નજીક જવાનો સત્પ્રયત્ન છે, અને તેથી જ એં સત્પ્રયત્ન સમાદરણીય છે. સુધારાવધારા પણ શુદ્ધિની વધુ અને વધુ નજીક લઈ જવાને માટે જ ગુજરાત વિદ્યાપીઠ તરફથી અવારનવાર આપવામાં આવે છે; અને તેથી જ દેશના કોઈપણ ભાગમાં જે ઉચ્ચારણ કદી પણ જાણીતું ન હોય તેવું કવચિત્ જોડણીમાં પેસી ગયું હોય તો તે સર્વથા ત્યાજ્ય બને છે.
નિયમો
૧. તત્સમ શબ્દ
[સંસ્કૃત તત્સમ શબ્દો]
૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની. ૨ ભાષામા તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત; દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ. ૩ જે વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ. આ નિયમ અંગ્રેજી, ફારસી, આરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે. ૪ પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર, પશ્ચાત્તાપ. આવાં અવ્યયો પછી જ્યારે ‘જ' આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવાં. ઉદા. કવચિત જ. આ ચાર નિયમોમાં સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી કેવી રીતે કરવી તેનો નિર્ણય આપવામાં આવ્યો છે. આમાંનો માત્ર બીજો નિયમ જોડણીનો નિયમ નથી. એ તો માત્ર એવું એક વિધાન નોંધરૂપે જ કરે છે કે પ્રચલિત ભાષામાં મૂળની ભાષામાંથી અવિકૃતરૂપે સ્વીકારાયેલા શબ્દોની સાથોસાથ વિકૃત સ્વરૂપે પણ તેના તે શબ્દો રૂઢ થઈ ગયેલા હોય તેનો પણ સ્વીકાર કરવો. અને ઉદાહરણોથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને તેથી જ સ્પષ્ટ થાય છે કે શિષ્ટ બોલીમાં ન સ્વીકારાયેલાં ‘સુખ'નું ‘સખ', ‘દુઃખ'નું દખ’, વગેરે રૂપોનો અસ્વીકાર કરવાનો છે. ૫ણ આ વસ્તુ, લખનારની શક્તિ અને શૈલી ઉપર આધાર રાખે છે. પ્રયોગમાં ક્યાં ક્યું રૂપ: તત્સમ કે તદ્ભવ સ્વીકારવું તે લખનારની મુનસફીનો વિષય છે. બાકી રહે છે ૧ અને ૩-૪ એ નિયમો. આ નિયમોની સમઝૂતી વધુ જરૂરની છે. નિયમોથી કેટલીક વસ્તુ સંદિગ્ધ રહે છે. એમ તો ૧ લો નિયમ ચોખવટ કરી આપે છે કે “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.” અને ખરેખર મોટા ભાગના સ્વરાંત શબ્દોમાં આવી કોઈ ખાસ મુશ્કેલી નથી; (ખાસ કરીને હસ્વદીર્ઘ 'ઈ' અંતે હોય તેવા શબ્દોનો જ પ્રશ્ન જરા વિકટ છે; પણ તેનું નિરાકરણ શબ્દકોશ આપી દે છે. બેમાંથી સંસ્કૃતમાં જે રૂઢ હોય તે 'ઇ' સ્વીકારી લેવી. જોડણીકોશમાં “શતાબ્દી” જેવો શબ્દ હસ્વ ‘ઇ’ થી છપાયો છે, તેવી ભૂલો સુધારી લેવી.) પણ સંસ્કૃતમાં જે વ્યંજનાંત શબ્દો છે અને સ્વરાંતમાં પણ તેનું વિભક્તિ રૂપ જુદું થાય છે તેવા શબ્દોના, વિષયમાં ચોખવટ જરૂરી બને છે. ૩ જા નિયમમાં વ્યંજનાત વિશે કાંઈક ચોખવટ કરવામાં પણ આવી છે; પણ તે કાંઈક અપૂર્ણ છે. ખરી સ્થિતિ એ છે કે સંસ્કૃત શબ્દોની પ્રથમા વિભક્તિનાં એકવચનનાં રૂપે, વિભક્તિનો પ્રત્યય જો કાંઈ તેમાં હોય તો તેનો લોપ થયો હોય તેવા સ્વરૂપમાં સ્વીકારવાનાં છે. સંસ્કૃત तृ, अन्, इन् बिन्, बस्, वत्, मत्, અને स् છેડાવાળા શબ્દોનાં પ્રથમા વિભક્તિના એકવચનમાં નેતા, કર્તા, માતા, પિતા, આત્મા, બ્રહ્મા, નામ, વિદ્યાર્થી, હસ્તી, યશસ્વી, મનસ્વી, વિદુષી, ભગવતી, શ્રીમતી, અને स्ના લોપે ચંદ્રમા, યશ, મન, એવાં સ્વરાંત રૂપો વપરાય છે તે આપણે તત્સમ તરીકે સ્વીકારવાનાં છે. વ્યંજનાંત બનતાં વિદ્વાન્, ભગવાન્, શ્રીમાન્ અને બાકીના વ્યંજનાંત બીજા બધા શબ્દો-મરુત્, જગત્, વાકૂ, પરિષદ્, સંસદ્, ધનુષ્, આશિષ્, આયુષ્, અકસ્માત્, એ બધા શબ્દો એકલા વપરાય ત્યારે અંત્ય વ્યંજનમાં ‘અ' ઉમેરી જોડણી કરવાની છે; મરુત, જગત, વાક, પરિષદ, સંસદ, ધનુષ, આશિષ, આનુષ, અકસ્માત એ રીતે. "આયુષ" ઉપરાંત, 'આયુ' અને “વપુષ'ને બદલે તો “વપુ” સ્વીકાર્ય થયો છે, તે લક્ષ્યમાં રાખવું. વસ્તુસ્થિતિએ ૧લા અને ૩ જા નિયમથી એ સ્પષ્ટ થાય છે કે સંસ્કૃત તત્સમ શબ્દો ગુજરાતીમાં નામ તરીકે કે વિશેષણ તરીકે સ્વીકારાયેલા છે તે સ્વરાંત હોય તે કે વ્યંજનાંત હોય તે સ્વરાંત તરીકે સ્વીકારવાના છે. સુદિ વદિ જેવાં સ્વરાંત અવ્યયો પણ ગુજરાતીમાં વપરાય છે ત્યાં તે શુદ્ધ સ્વરૂપમાં જ આવે. તેનું તદ્ભવ રૂપ સ્વીકારવાની ઈચ્છા હોય ત્યાં સુદ' 'વદ' એમ લખી શકાય. બેશક પ્રચલિત ઉચ્ચારણમાં લઘુપ્રયત્ન યકાર સાથે 'સુદ્ય' 'વદ્ય' એવાં રૂપ વ્યાપક છે, પણ નીચે ૧૨ મા નિયમમાં સર્વસામાન્ય વિધાન કરવામાં આવ્યું છે કે "૧૨ કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે x x x પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી.” એટલે પ્રચલિત વ્યવહારુ જોડણીમાં લઘુપ્રયત્ન યકાર સ્વીકારવામાં નથી આવ્યો. પ્રશ્ન રહે છે કેટલાક વ્યંજનાંત અવ્યયો ગુજરાતીમાં વપરાય છે તેનો. 'પશ્ચાત્, 'કિંચિત્' ‘અર્થાત્,’ ‘ક્વચિત્,’ એવા શબ્દો એકલા આવે ત્યારે શું કરવું? [‘અકસ્માત્' સંસ્કૃત પ્રમાણે અવ્યય (પંચમી વિભક્તિનું રૂપ) છે, પણ ગુજરાતીમાં તે નામ તરીકે પણ સ્વીકારાઈ ગયેલો છે, એટલે નામ હોય ત્યારે ‘અકસ્માત’ એવી સ્વરાંત જોડણી સ્વીકારવામાં આવી છે. અવ્યય તરીકે તો 'અકસ્માત્' છે] પ્રશ્ન ઉપરનાં જેવાં અવ્યયો એકલાં આવે ત્યારેનો છે. ૪ થા નિયમમાં એ વિશે સૂચન છે કે એને વ્યંજનાંત લખવાં, માત્ર ‘જ’ અવ્યય ઉમેરાય ત્યારે જ તેને સ્વરાંત લખવાં; જેમ કે કવચિત જ.[1] ઉચ્ચારણ જ અહીં અ નું ઉમેરણ કરી લે છે: “અકસ્માત જ મારું આવવું થયું” વગેરે.
[સંસ્કૃત સિવાયની ભાષાના તત્સમ શબ્દો]
૫. આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર. ૬. એ તથા ઓ ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના એઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંઘી માત્રાનો ઉપયોગ કરવો. ઉદા. કૉફી, ઑગસ્ટ, કૉલમ. અરબી, ફારસી અને અંગ્રેજી ભાષાના શબ્દોની ગુજરાતીમાં પ્રમાણમાં ઠીકઠીક આયાત થઈ છે. મૂળ શબ્દોમાં વિકાર થયે આવેલાં શબ્દસ્વરૂપોની જોડણીનો પ્રશ્ન વિકટ નથી; કેમકે આપણે ત્યાં જે રીતે ઉચ્ચારણ થતું હોય તે રીતે તદ્ભવ શબ્દોના નિયમોને અનુસરી તેની જોડણી સંસ્કૃત તદ્ભવની જેમ કરવાની હોય છે. પણ મુશ્કેલી શુદ્ધ શબ્દો પૂરતી છે. સંસ્કૃત ભાષાનાં બધાં જ ઉચ્ચારણો ગુજરાતીને જાણીતાં અને વારસામાં મળેલાં હોઈ મુશ્કેલી નથી; જ્યારે આ ભાષાઓનાં કેટલાંક ઉચ્ચારણો ગુજરાતીને તદ્દન અપરિચિત, તો કેટલાંક પ્રાંતીય ઉચ્ચારણોને મળતાં છે, તે શિષ્ટ જોડણીમાં સ્થાન પામી શક્યાં નથી; અને સ્વલ્પ અપવાદે પામી શકવાની સ્થિતિમાંએ નથી. આવાં ઉચ્ચારણોને ખ્યાલમાં રાખી ગુજરાતીમાં નજીકનું નજીક ઉચ્ચારણ હોય તે સ્વીકારવામાં આવે છે. અરબી, ફારસીનાં આ ક ખ ગ જ વગેરેને માટે આપણે ત્યાં સાદા અ ક ખ ગ ઝ થી ચલાવી લઈએ છિયે; તે જ રીતે અંગ્રેજી ફ વ જ વગેરેને માટે સાદા ફ વ ઝ થી ચલાવી લઈયે છિયે. માત્ર વિવૃત એ-ઓ સાંચવતા શબ્દો આપણે ગુજરાતીમાં લઈયે ત્યારે તે બતાવવાની જરૂર સ્વીકારાઈ છે અને તે ઊંધી માત્રાથી. આ ઉચ્ચારણ તળપદા ગુજરાતી શબ્દોમાં પણ જાણીતું છે, પણ તે સમગ્ર ગુજરાતમાં સર્વત્ર વ્યાપક નહિ હોવાથી ગુજરાતી જોડણીમાં સ્વીકારાયું નથી; પણ પરિચિત હોવાને કારણે અંગ્રેજી શબ્દો પૂરતું સ્વીકારવામાં આવે છે તે ખાસ અયુક્ત નથી. (જો કે મને પાકો ભય છે કે આમજનતા એને સમઝવામાં મુશ્કેલી અનુભવશે જ.) અરબી, ફારસી, અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ, પોર્ચુગીઝ, ફ્રેંચ વગેરે શબ્દોની જોડણીમાં સ્વરના વિષયમાં તે મુશ્કેલી નથી. જે પ્રમાણે સ્વરનાં તે તે ભાષામાં ઉચ્ચારણો થાય છે તે પ્રમાણે આપણે અપનાવી લઈ જોડણી કરી શકિયે છિયે, પણ મુશ્કેલી શબ્દોના મધ્યમાં આવતા જોડાક્ષરો અને અંત્ય વ્યંજનના વિષયમાં ઊભી થાય છે. સંસ્કૃત તત્સમ શબ્દોના વિષયમાં ૩ જો નિયમ આપી વ્યંજનાંત શબ્દોમાં અ ઉમેરી તેવા સં. વ્યંજનાંત શબ્દોની જોડણી સ્વીકારી લેવામાં આવી છે તે જ પ્રમાણે આ વિદેશી શબ્દોમાં પણ અંતે અકાર ઉમેરી જોડણી કરી શકાય છે; અને તે જ પ્રમાણે આજે થાય છે. પરંતુ શબ્દના મધ્યમાં આપતા જોડાક્ષરોના વિષયમાં કેટલીક અગવડ છે તે વિશે સમઝૂતી જરૂરી બને છે. ઉપરના ૫ મા નિયમમાં એ વિશે કાંઈ પણ સૂચન નથી. આ વિષયમાં નીચેની ચોખવટ ઉપયોગી થઈ પડશે. અકબર, અખગાર, અફલાતુન, અબલક, અરજી, અશરફી, આબકારી, આબરૂ; આસમાન, ઇલકાબ, કસરત, કારકુન, કુદરત, ખુશબો, ખિદમત, ગિરદી, ચકમક, ચરબી, જાનવર, તકરાર, તદબીર, તસવીર, તોહમત, દરજી, દરદ, દિલગીર, પરહેજ, ફારસી, બાદશાહ, બિલકુલ, દૂરબીન, વર્ડ્ઝવર્થ, શેક્સપીયર (જેવા અંગ્રેજી સમાસાંત શબ્દોમાંનો પૂર્વશબ્દ વ્યંજનાંત હોય છે ત્યાં)–આ શબ્દોમાં કાળા છાપેલા અક્ષરો મૂળે અકાર વિનાના છે તેમાં અ ઉમેરી જોડણી કરવી પડે છે. અહીં સર્વત્ર અંત્ય વ્યંજનમાંનો અ ઉમેરી લેવામાં આવ્યો જ છે, જે વિશે ઉપર સૂચન આવી જાય છે; ઉપરાંત વધુ કાળા છાપેલા વ્યંજનોમાં પણ ‘અ’ ઉમેરી જોડણી કરી લેવામાં આવી છે. અંગ્રેજી શબ્દોમાં અંત્ય જો 'ઈ' કે 'ઉ' હોય છે તો તે ગુજરાતીમાં દીર્ઘ જ લખાય છે; યુનિવર્સિટી, સોસાયટી, ફિલૉસૉફી વગેરે. અંગ્રેજી ચોક્કસ ઉચ્ચારણોને કારણે શબ્દ વચ્ચેના ‘ઇ-ઉ’માં જોડાક્ષર પૂર્વે ‘ઈ-ઉ’ હસ્વ જ હોય છે એ વસ્તુ ખ્યાલમાં રાખી ing -ઇંગ અંતે હોય છે તે શબ્દોમાં ‘ઈ’ હસ્વ છે. વિઝિટ, મિનિટ, તેમ જ વિજ્ઞાનના સંખ્યાબંધ શબ્દો વ્યંજનાત છે તેની પૂર્વેનો આ ‘ઇ’ અસ્વરિત હોય તો હસ્વ જ સ્વાભાવિક છે. અહીં કેરોસિન, મેડિસિન, વિટામિન વગેરે સંખ્યાબંધ શબ્દો લક્ષ્ય કરવા; જ્યારે સ્વરિત 'ઈ'વાળા કિવનીન, બોબીન, કવોરેન્ટીન વગેરે જાણવા.
[તત્સમ શબ્દોમાં અનુસ્વારનું ઉચ્ચારણ]
૭. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા, ચિહ્નો વાપરવાં નહિ. નોંધ-શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત, અન્ત; દંડ, દણ્ડ, સાંત, સાન્ત, બૅંક, બૅન્ક. આ નિયમથી તદ્ભવ શબ્દોના વિષયમાં તો ચોખવટ આપમેળે જ થઈ જાય છે કે માત્ર બિંદુથી જ આ ઉચ્ચારણો બતાવવાં. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો એ પારિભાષિક દૃષ્ટિએ કાંઈક ભ્રામક છે, એ વિશે વિચાર નીચે ૧૮-૧૯મા નિયમોના વિવરણ વખતે થશે. અહીં તો માત્ર અનુસ્વારનો જ પ્રશ્ન સ્પષ્ટ હોઈ તે વિશે જ ખુલાસો આવશ્યક બને છે. સંસ્કૃત તત્સમ શબ્દોમાં તે સંસ્કૃતના નિયમ પ્રમાણે એક જ શબ્દમાં પરસવર્ણ અનુનાસિક વ્યંજન નિત્ય થાય છે; માત્ર બે જુદા શબ્દો જોડાતાં તેવા પ્રસંગમાં જ તે વૈકલ્પિક છે. એ રીતે અન્ત, દણ્ડ, સાન્ત, એ જ સાચી જોડણી તત્સમ લેખે છે. પણ સૈકાંઓ થયાં આમાં વ્યાકરણશાસ્ત્રથી વિરુદ્ધ જઈને પણ સરળતા ખાતર અનુસ્વારનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાકૃત ભાષાઓમાં તો તેથી જ વિકલ્પ સ્વીકારાયો છે. આપણે પણ એ જ વાત ખ્યાલમાં રાખી વિકલ્પ સ્વીકારવા તૈયાર છિયે. આમાં સરલ માર્ગ આવા બધા જ સંયોગોમાં અનુસ્વાર લખવો એ છે. આજે મોટે ભાગે એ જ રીત પ્રચારમાં છે. પ્રશ્ન ઊભો થાય છે તે સંસ્કૃત સિવાયની ભાષાઓના તેવા ઉચ્ચારણવાળા શબ્દોને વિશે. મૂર્ધન્ય વર્ણ પૂર્વે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુસ્વારને સ્થાને ણ્ થાય, નહિ કે ન્; કંઠ્ય પૂર્વે ડ્ં થાય, નહિ કે ન્. આવી સ્થિતિમાં બૅન્ક, સુપરિન્ટેન્ડન્ટ, હોલૅન્ડ વગેરેમાં નિયમની મુશ્કેલી ઊભી થાય છે. આ માટે સરલ માર્ગ તો એ છે કે ઉચ્ચારણમાં જરા પણ સંદેહ રહેતાં, યા સંદેહ ન હોય તોપણ અનુસ્વાર કરવો. તેથી જંગ, તુંદ, તંદુરસ્તી, તંબૂ, બાંબુ જેવા શબ્દો પણ અનુસ્વારથી જ લખાશે. અંગ્રેજી શબ્દોમાં નકાર અને મકાર સ્પષ્ટ સમઝાતા હોય ત્યાં તે લખવામાં બાધ નથી. સંદેહમાં તો સર્વત્ર અનુસ્વાર લખાય તે સરળ થશે.
૨. હશ્રુતિ તથા યશ્રુતિ
[હશ્રુતિ]
૮. બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર, જેવા શબ્દોમાં તથા કહે. રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં, હ જુદો પાડીને લખવો. ૯. નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર (આંબાનો), મોં, મોવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, જ્યારે, મારું, તમારું, તારું, તેનું. અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવો. એટલે કે, હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દ્લ ન દર્શાવવો. હ ને આગલા અક્ષર સાથે જોડવો નહિ. આ બેઉ નિયમો બે વિભાગ પાડી આપે છે, એનું વિવરણ એ ૯ મા નિયમ નીચેની નોંધ છે. એનો આશય સ્પષ્ટ છે કે ૮મા નિયમમાં બતાવેલા શબ્દોમાં લધુપ્રયત્ન 'હ' બતાવવો. અને તે એવી રીતે કે જે વ્યંજનમાં એ હોય તે વ્યંજનમાં ‘અ’ ઉમેરી લખવો અને હકાર મૂળ સ્વર સહિત લખવો. ૯ મા નિયમમાં ક્યાં ન લખવો એ બતાવવામાં આવ્યું છે. એટલે કે નહાનું. મહોટું, મહોર, મહોં, જ્યહાં, ત્યહાં, ક્યહારે, જ્યહારે, મહારું, તમહારું, તહારું, તહેનું, અમહારું, અહાવું એમ જોડણી કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. [જોડણીની દૃષ્ટિએ બધા જ સંયોગમાં શંકા થતાં જ “કોશ” જોઈ લેવો જરૂરી છે.] આ પ્રશ્ન ઉચ્ચારણની દૃષ્ટિએ બહુ જટિલ છે. વસ્તુસ્થિતિએ આખો 'હ'નો પ્રશ્ન પ્રાંતીય છે. જ્યાં એનું ઉચ્ચારણ થાય છે ત્યાં પણ એ સ્વરમાં જ અંતર્ગત છે; એટલે 'વહાલું' લખવા છતાં માત્રા ચાર નહિ, પણ ત્રણ જ ઉચ્ચારણમાં છે. આમાં ૮ મો નિયમ જેમ તળ ગુજરાતનું તત્ત્વ બતાવે છે, તેમ ૯મો નિયમ તળ કાઠિયાવાડનું તત્ત્વ બતાવે છે. ગુજરાતમાં ૮મા–૯મા બંને નિયમોમાં આવતા શબ્દોમાં હકારનું લઘુપ્રયત્ન ઉચ્ચારણ છે, તો કાઠિયાવાડમાં એ બેઉ નિયમોમાંના શબ્દોમાં હકારનું લેશ પણ ઉચ્ચારણ નથી. શિષ્ટ ભાષામાં હકાર સ્વીકારાયો તો છે જ. એમાં જ્યાં છેલ્લાં ૮૦ વર્ષોમાં રૂઢ થઈ ગયો છે ત્યાં ૮ મા નિયમમાં હકાર સ્વીકારાયો છે; રૂઢ નથી થયો ત્યાં ૯મા નિયમમાં નથી સ્વીકારાયો. જોડણીની એકવાક્યતા કરવા આ પ્રકારની જે બાંધછોડ કરવામાં આવી છે, તે ખાસ ગેરવાજબી નથી. ૯મા નિયમમાં જે અપવાદ આપવામાં આવ્યો છે તેવા શબ્દો ભાષામાં બહુ જ જૂજ છે એટલે યાદ રાખવા મુશ્કેલ નથી.[2] શંકામાં “કોશ” જોઈ લેવો.
[હકારવાળાં કિયાપદો]
૧૦. નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, કોહ, સોહ એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં નીચે દર્શાવ્યા પ્રમાણે રૂપો સાધિત કરવાં:- નાહઃ-નાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો,-હ્યા,-હી,-હ્યું-હ્યાં; નાહીશ; નાહીશું; નહાશો; નહાશે; નહાત; નહાતો, -તી,-તું; નાહનાર, નાહવાનો અથવા નાવાનો; નાહેલો,-લી,-લું; નહા; નહાશે; નાહવું. ચાહઃ-ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો;-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચહાત; ચહાતો; -તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું. ચહવડા(-રા)વવું; ચહવાવું; ચહવાય એ રૂપો શક્ય અને વ્યાકરણદૃષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રયોગો પ્રચલિત નથી. સાહઃ-ચાહ પ્રમાણે. સવડા(-રા)વવું; સવાનું; સવાય. મોહઃ-મોહું છું; મોહીએ છીએ; મોહે છે; મોહો છો; મોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો, -તી, -તું; મોહનાર; મોહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મોહવું. મોહડા(-રા)વવું; મોહાવું; મોહાય. લોહ:-લોહું છું; લોહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યા,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો,-તી,,-તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલો,-લી-લું; લોહ, લોહજે; લોહવું. લોવડા(-રા)વવું; લોવાય; લોવણિયું. દોહ:–દોહું છું; દોહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો,-તી,-તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો,-લી,-લું; દોહ; દોહજે.. દોવડા(-રા)વવું; દોવાવું; દોવણ; દોણી. કોહ:-મોહ પ્રમાણે. કોવડા(-રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાણ; કોહવાટ. સોહ:-મોહ પ્રમાણે. આ ૧૦ મો નિયમ નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, કોહ અને સોહ એ આઠ ક્રિયાપદોનાં રૂપો પૂરતો છે. બધાં જ રૂપો કેવી રીતે લખવાં તે આપી દીધું હોવાથી તેમાં વિશેષ સૂચન અપેક્ષિત નથી રહેતું. એક વસ્તુ આ બધાં રૂપોમાં ધ્યાનમાં રાખવી જ જોઈએ કે સર્વત્ર હકાર લઘુપ્રયત્ન એટલે કે સ્વરમાં અંતર્હિત રીતે જ ઉચ્ચરિત છે; બલ્કે એમ કહિયે તો ખોટું નથી કે તે તે સ્વર મહાપ્રાણિત ઉચ્ચારવામાં આવે છે. અને તેથી જ અગાઉ બતાવ્યું તે પ્રમાણે લેખનમાં કવચિત્ જુદો બતાવાય છતાં માત્રાની દૃષ્ટિએ હકારનું જુદું સ્થાન નથી.[3]
૧૧. કેટલાક ઢ ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે જેમકે, કહાડવું, વહાડવું. તેમ ન લખતા કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.
આ નિયમ બીજી રીતે ખૂબ સરળ છે. કાઠિયાવાડનાં ઉચ્ચારણોમાં આ મૂર્ધન્યતર ઢ ને સ્થાને શુદ્ધ મૂર્ધન્ય ઢ જ ઉચ્ચારાય છે. જ્યાં જ્યાં કાઠિયાવાડમાં શુદ્ધ મૂર્ધન્ય ઢ છે ત્યાં તે જોડણીમાં પણ ઢ જ બતાવવો. કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું, લોઢું, મોઢું, લઢણ (લઢવું ક્રિયાપદ=ટેવ પડવી), ઢેઢ, દોઢ, અઢી, રઢ, દાઢ વગેરેમાં ઢ જ લખવો, જ્યાં નથી એટલે કે મૂર્ધન્યતર ડ જ ઉચ્ચરિત થાય છે કાઠિયાવાડમાં, ત્યાં સર્વત્ર ડ જ લખવો. એને લીધે આપોઆપ ‘ચઢવું’ જોડણી નિરર્થક થઈ પડશે. કાઠિયાવાડમાં સર્વત્ર 'ચડવું’ જ ઉચ્ચરિત થાય છે મૂર્ધન્યતર ‘ડ’ થી. એ રીતે ‘રાઢ' નહિ, પણ ‘રાડ'; શેરડીનો ‘વાઢ' નહિ, પણ ‘વાડ’ વગેરે.
[યશ્રુતિ]
૧૨ કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, દ્યો, ઇ. પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લો, દો એમ જ લખવું. નારી જાતિના બધા જ અકારાંત શબ્દો અને આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપોમાં મૂળમાં હસ્વ इ પ્રત્યય પડ્યો છે, જેની અબાધિત છાયા સમગ્ર દેશમા પ્રાય: સર્વત્ર વ્યાપક છે; ગુજરાતના કેટલાક જ ભાગમાં એ યશ્રુતિ છે એ કહેવું બરોબર નથી જેવી સ્થિતિ આ ય ની છે તેવી જ કર્મણિ ભૂત કૃદંતના યું-યો-યી પ્રત્યયની પણ છે. જ્યાં આ લઘુપ્રયત્ન યકાર નથી ત્યાં “ગયો”નું 'ગો’, ‘કર્યો’નું ‘કરો’ જેવાં જ ઉચ્ચારણ છે. ઉપરના અંત્ય લધુપ્રયત્ન યકારને અને ‘લ્યો-દ્યો અને ‘લ્યે’, 'દ્યે', 'જગ્યા'માંના યકારને દૂર કરવામાં માત્ર લેખનસાખ્ય એ જ મુખ્ય કારણ કહેવું વાજબી છે. અને એજ કારણે એ સ્વાભાવિક ઉચ્ચારણ જોડણીમાંથી કાયમને માટે લુપ્ત થયું છે.[4]
૩. તદ્ભવ શબ્દો [અલ્પપ્રાણ + મહાપ્રાણ]
૧૩. અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું. ઉદા. ચોખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભો, ઓધ્ધો, સુધ્ધાં, સભ્ભર. પણ ચ તથા છનો યોગ હોય તો ચ્છ લખવું, છૂછ નહિ. ઉદા. અચ્છેર, પચ્છમ, અચ્છું. “જોડણીકોશ”માં જોદ્ધો-યોદ્ધો લખાયેલ છે, તે આ રીતે જોધ્ધો-યોધ્ધો લખાવાં જોઈયે. આ નિયમ માત્ર સરળતા ખાતર જ છે. સંસ્કૃત પ્રાકૃત ભાષાઓમાં આ નિયમ વૈકલ્પિક છે. અને અલ્પપ્રાણ-મહાપ્રાણ એ રીતે જોડણી એ બેય ભાષાઓમાં વધુ સંમાનિત થયેલી છે. એનું જ ગુજરાતીમાં અનુસરણ હોવાથી નિયમના આરંભમાં “અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં” એમ કહેવું જ પડ્યું છે. આ નિયમની ખાસ તેવી ઉપયુક્તતા નથી લાગતી.
[યશ્રુતિની ભ્રાંતિ]
૧૪. કેટલાક શબ્દોમાં (ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) ૨. ડ, ળ, લ ને બદલે ય ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું. આ નિયમમાં “ય ઉચ્ચાર થાય છે” એમ કહેવા કરતાં “ઝડપથી બોલાતાં ઉચ્ચારણમાં યશ્રુતિની ભ્રાંતિ છે” એમ કહેવું વધુ યોગ્ય છે. "જોડણીકોશ”માં ઘણા શબ્દોમાં વિકલ્પ છે; ખાસ કરીને 'ર' -વાળા શબ્દોમાં. આ બધે ઠેકાણે 'ર' રાખીને યા ‘ર’ ઉડાડીને જોડણી થઇ છે. ઉતરડવું, -ઉત(તે)ડવું, આસરડવું-આસડવું વગેરે. આ શબ્દોમાં 'ર' સચવાઈ રહે એ વધુ વાજબી છે.
[સ-શ નાં ઉચ્ચારણ]
૧૫. અનાદિ શ ના ઉચ્ચારની બાબતમાં કેટવાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા. ડોશી-ડોસી; માશી-માસી; ભેંશ-ભેંસ; છાશ-છાસ; બારશ- બારસ; એંશી એંસી. આના શબ્દોમાં શઅને સનો વિકલ્પ રાખવો. ૧૬. શક, શોધ, શું માં રૂઢ શ રાખવો; પણ સાકરમાં સ લખવો. ૧૭. વિશે અને વિષે એ બંને રૂપો ચાલે. સામાન્ય રીતે પ્રાંતીય ભેદો છતાં તાલવ્ય સ્વરના યોગમાં સકારને સ્થાને શકાર ઉચ્ચારવાનું વલણ છે. એ રીતે આ શબ્દોમાં વિકલ્પે તાલવ્ય શકાર છે. છાશ, બારશ વગેરેમાં તાલવ્ય સ્વર દેખાતો નથી, પણ તેમાં લઘુપ્રયત્ન યકાર છે જ, જે નારી જાતિના इ પ્રત્યય ઉપરથી આવ્યો છે. તેથી જ ઉચ્ચારણમાં તાલવ્ય શને સ્થાન મળે છે. આ વિકલ્પ કાંઈક સમાદરણીય બને છે. એ રીતે વીશ-સ, અને વીશ-સ-અંતવાળા, પચીશ-સ, છવીશ-સ, ત્રીશ-સ અને ત્રીશ-સ-અંતવાળા, ચાળીશ–સ અને ચા(-તા)ળીશ-સ અંતવાળા, ઓગણપચાશ-સ, પચાશ–સ વગેરે બધામાં વિકલ્પ સ્વીકાર્ય છે. પણ શકારની પ્રાંતીયતાને કારણે આ બધા શબ્દોમાં સકાર લખવો વધુ પ્રામાણિક છે. શક, શોધ તે તત્સમ સંસ્કૃત ધાતુઓ છે. બેશક આજે એનાં સ્વાભાવિક ઉચ્ચારણો દંત્ય સકારવાળાં જ છે. પણ તત્સમની શુદ્ધિ જાળવવાનો પ્રઘાત હોવાથી તે વિશે કાંઈ વિશેષ વિવેચન અપેક્ષિત નથી. ૧૭ મા નિયમમાં ‘વિશે' અને ‘વિષે' બંને રૂપ સ્વીકારવાનું વિધાન છે. પણ “વિષે ” એ રૂપ ગુજરાતી ભાષામાં કહી શક્ય નથી; તેમ એ તત્સમ નથી; કેમકે તત્સમ તો ‘વિષયે' છે. મધ્યકાલીન ગુજરાતીમાં ‘વિખિ’-ઉચ્ચારવાળું ‘વિષિ' રૂપ લખાયેલું મળવાથી અને ‘વિખે'-ઉચ્ચારવાળું ‘વિષે’ પછી પણ પ્રયોજાયું હતું એટલે માત્ર સ્વરૂપ ઉપરથી ‘વિષે’ આપણે ત્યાં સ્વીકારાયેલું. પણ આજે તો કોઇ 'વિખે' ઉચ્ચાર કરતું જ નથી. એટલે જૂના 'વિખે'-ઉચ્ચારવાળા ‘વિષે’ની જરૂર આપોઆપ ગઈ છે. સ્વાભાવિક રૂપ 'વિસે' ઉપરાંત તાલવ્ય એકારને કારણે ‘વિશે’ એવું વૈકલ્પિક રૂપ છે. એટલે જો વિકલ્પ જોઇતો જ હોય તો ‘વિસે’ ‘વિશે' એવો જોઈયે. નવીનતા ન જ જોઈતી હોય તો 'વિશે’ રૂપ સંમાનિત થવા યોગ્ય છે; ‘વિષે' તો નહિ જ. આ બે રૂપોમાંથી તેથી હવે ‘વિશે’ એ એક જ રૂપ સ્વીકારી લેવું વાજબી છે. આ જ રીતે ‘દુભાષિયો’ નહિ, પણ ‘દુભાશિયો’ સ્વીકાર્ય બને છે.
[સાનુનાસિક નિરનુનાસિક ઈ-ઉ]
૧૮. તદ્ભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે દીર્ઘ અને હસ્વ લખવાં. ઉદા. ધી; છું; શું; તું; ધણી; વીંછી; અહીં; દહીં; પિયુ; લાડુ; જુદું. નોંધ-સામાન્ય રીતે ગુજરાતીમાં રુ અથવા રૂ લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હૃસ્વ રુ લખવાનું હોય ત્યાં રુ અથવા રુ લખવું. ઉદા. છોકરું-છોકરું; બૈરું-બૈરું. અપવાદ-એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ઘ લખવો. ઉદા. જૂ, લૂ, થૂ, ભૂ, છૂ. ૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદા. ઈંડું; હીંડાડ; ગૂંચંવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂછડું; વરસંદ; મીંચામણું. અપવાદ-કુંવારુ, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું'. 'સાનુસ્વાર' કે 'નિરનુસ્વાર' એ સંજ્ઞાથી 'સાનુનાસિક' અને 'નિરનુનાસિક' ઈ-ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારનો કહેવાતો કોમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ 'નાસિક્ય' કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કાંઈપણ વૃદ્ધિ કરતો નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯એ બેઉ નિયમોમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે.[5] ૧૮મો નિયમ એ અત્યંત સ્પષ્ટ કરી આપે છે કે એકાક્ષરી કે એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અંત્ય ‘ઈ’ દીર્ઘ જ લખવો, જ્યારે એકાક્ષરી શબ્દોમાં માત્ર નિરનુનાસિક ‘ઉ’ દીર્ઘ લખવો; તેવા શબ્દોમાં સાનુનાસિક ‘ઉ' હરવ જ લખવો. એકથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અંત્ય સાનુનાસિક અને નિરનુનાસિક ‘ઉ’ હૃસ્વ જ લખવો. માત્ર સરળતાના ઉદ્દેશ ઉપર રચાયેલા આ નિયમની શાસ્ત્રીયતા વિશે શંકા કરવાની નથી. જોડણીના નિયમોમાં આ ‘ઈ-ઉ’ વિશેના નિયમો એ માત્ર કામચલાઉ છે, એ વાત કોઈપણ સમઝુ વિદ્ધાન ભૂલી નહિ શકે; કેમ કે તેમાં ઉચ્ચારણનો વિષય ઉપેક્ષિત થયો છે. નિયમ તરીકે આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, તેવો જ ૧૯ નિયમ ૫ણું સ્પષ્ટ છે. ૧૮મા નિયમમાં અંત્ય ‘ઈ-ઉ’-નો પ્રશ્ન પતી જાય છે, ને માત્ર અનંત્યનો જ રહે છે. તેવા અનંત્ય સાનુનાસિક 'ઇ-ઉ' દીર્ધ જ લખવાનું ૧૯મો નિયમ વિધાન કરે છે, અને કોઈપણ સંયોગોમાં તેમાં ફેરફાર ન કરવાનો પણ આદેશ કરે છે. અપવાદમાં જે પાંચ શબ્દો છે તે જ યાદ રાખવાથી લેખનમાં આવા અનંત્ય સાનુનાસિક 'ઈ-ઉ'નો પ્રશ્ન નિરાકૃત થઈ જાય છે પણ એટલાથી પૂરતું નથી. “જોડણીકોશે" દીર્ધ અને હૃસ્વ 'ઇ-ઉ' હોય તેવા સંખ્યાબંધ વિકલ્પો આપ્યા છે. તેવા શબ્દમાં સ્વરભાર ‘ઇ-ઉ' ઉપર ન હોય અને પછીની શ્રુતિમાં હોય છે, તેવા તે બધા જ શબ્દો હ્રસ્વ સાનુનાસિક ‘ઇ-ઉ'થી લખાય તે વાજબી છે. ઉંદર, ઉંબર, જિંગોડી, શિંગાળી વગેરે. અહીં અનુસ્વાર છે એમ બચાવ કરવો નિરર્થક છે.
[થડકાનો ઈ-ઉ]
૨૦. શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્રસ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, જિંગોટી, લુંગી, દુંદ, તુંડાઇ. નોંધ-સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; જી જ વિશેષ પ્રચલિત છે પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું. જોડાક્ષરની પૂર્વનો થડકાતો સ્વર હ્રસ્વ લખવો. થડકાતો સ્વર ન હોય તો તે અસલ જે સ્વરૂપમાં હોય તેમ લખવો. ‘કર્યો, સ્ફુર્યું’ આ શબ્દોમાં ભૂતકાળનો ય લાગે છે, જોડાક્ષર પણ બને છે, પણ પૂર્વના સ્વરમાં કાંઈ પણ થડકારો નથી, તેથી “કર” ને ‘યો’ લાગતાં છતાં ‘ક’ માં અકાર લઘુ જ છે. તેજ રીતે ‘સ્ફુર’માં ઉકાર લઘુ જ છે. આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, પણ તે તદ્ભવ પૂરતો જ છે, એ ન ભુલાવું જોઇયે. સંસ્કૃત તત્સમ શબ્દોમાં જોડાક્ષરમાંના પૂર્વની ઈ-ઉર્ દીર્ઘ જ સામાન્ય રીતે હોય છે. કીર્તિ, પૂર્ણ, ચૂર્ણ, વીર્ય વગેરે. સંસ્કૃત સિવાયની ભાષાઓમાંથી આવેલા શબ્દોમાં હ્રસ્વ લખવાનું જ વલણ છે; જેમ કે ડિગ્રી. ઉર્દૂ વગેરે. નોંધમાં ‘જિ’ વિશે જ છે. ત્રણમાંનું પહેલું ઉદાહરણ તત્સમ શુદ્ધ શબ્દ છે; બીજું-ત્રીજું ઉદાહરણ ૨૪મા નિયમ પ્રમાણે છે.
[દ્વિશ્રુતિવાળા શબ્દોમાં અનંત્ય ઇ-ઉ]
૨૧. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય 'જેમ કે, ઉદવું, ડિલ, જુંદું) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ઘ લખવાં. ઉદા. ચૂક, થૂઈ, તૂત, ઝૂલો, ઝીણું, જીનો. અપવાદ-સુધી, દુખ, જુઓ. નોંધ-મુકાવું, ભુલાવું, મિચાવું, એવાં કર્મણિ રૂપોમાં હ્રસ્વ થાય છે. જુઓ નિયમ ૨૪મો વ્યુત્પત્તિને આધારે ઉપાંત્ય ઈ-ઉ માં હૃસ્વતા જ મળતી હોય તે સિવાયનાં સ્થાનોમાં પ્રાયઃ વ્યુત્પત્તિથી જ આ 'ઇ-ઉ' દીર્ઘ મળે છે; એટલે આ નિયમ માત્ર વ્યુત્પત્તિને જ વશવર્તી રખાયો છે; તેથી માત્ર વ્યવહારદશાનો છે.[6] આપણને સ્વરિત કે અસ્વરિત અનંત્ય 'ઈ-ઉ' ઉચ્ચારણની રીતે પ્રાયઃ હ્રસ્વ મળે છે, એ અનુભવનો જ માત્ર વિષય છે.
[ત્રણ શ્રુતિવાળા શબ્દોમાં ઈ-ઉ]
૨૨. જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય (જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઉ પછી લધુ અક્ષર આવે તો તે દીર્ઘ લખવાં, અને ગુરુ અક્ષર આવે તો તે હ્રસ્વ લખવાં. ઉદા. ખુશાલ, નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત, દુકાળ, સુતાર, તડૂક, કિનારો, ભુલાવ, મિચાવ, તડુકાવ. અપવાદ ૧-વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ; વકીલ-વકીલાત; ચીકણું-ચીકણાઈ, ચીકાશ; મીઠું-મીઠાશ, મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું-પીળાશ; ઝીણું-ઝીણવટ. નોંધ-વેધિ વેધિત્વ, અભિમાની-અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઇ ફેરફાર કરવામાં આવે છે. અપવાદ -કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા. ગોટીલો, દાગીનો, અરડુસો, દંતૂડી વગેરે. નોંધ-જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો: ટહુકો, ફઉડી, મહુડું. નિયમમાં બેથી વધારે અક્ષરોથી ત્રણ અક્ષરો-શ્રુતિઓ સમઝવાની છે; કેમકે ચાર અક્ષરવાળી માટે ૨૩મો નિયમ છે જ. અહીં ઉદાહરણમાં “તડુકાવ” ચાર અક્ષરનો અપાયો છે, એ નિયમમાં રહેલા વ્યાપક તત્ત્વને આભારી છે. આ નિયમથી જે કાંઈ સમઝાય છે, તે એ જ છે કે બે દીર્ઘ સ્વરો લાગલગાટ શ્રુતિમાં આવી શકતા નથી. તે જ પ્રમાણે ઉદાહરણો બરોબર અપાયાં છે. “તડુકાવ”માં તેથી આપણે “તડુકા-” અંગ પૂરતું લક્ષ્ય આપવાનું રહે છે. અહીં “તડુકાવ” માં ઉકાર સ્પષ્ટ હ્રસ્વ નિર્ણીત થયા પછી નીચે ૨૪મા નિયમની નોંધમાં "તડૂકાવ(વું), તડૂકા(વું)” નોંધાયાં છે, તે પ્રમાદ જણાય છે. આ નિયમમાં સ્વરભારનું તત્ત્વ એકંદરે નિયામક છે. જે શબ્દોને છેડે લધુપ્રયત્ન અકાર છે, તે શબ્દોમાં અમુક રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર પડે છે ખુશાલ, વિમાસ, દુકાળ, સુતાર, કિનારો, ભુલાવ, મિચાવ એ એનાં આબાદ ઉદાહરણો છે. ત્યારે ‘નીકળ’, ‘મૂલવ’માં સ્વરભાર ક્યાં છે? ઉચ્ચારણ જોતાં ઉપાંત્ય અકાર ઉપર છે. અને તેથી કરી આદિ શ્રુતિના ઇ-ઉ અસ્વરિત બનતાં દીર્ઘ ટકી શકતા નથી. અને તેથી જ નિકળ, મુલવ, ઉતર, નિપજ, ઉપજ જેવાં ક્રિયાપદોમાં જોડણીમાં પૂર્વે હ્રસ્વ સ્વર સ્વીકારાયેલો. આજે તો બે દીર્ઘ શ્રુતિ સાથે ન આવે, તેમ બે હ્રસ્વ પણ, એવી માન્યતાથી આ શબ્દોમાં આદિ શ્રુતિમાં ઇ-ઉ દીર્ઘ માત્ર વ્યવહારપૂરતા જ સ્વીકારાયા છે. એ જ રીતે અપવાદ ૧માં સાધિત નામ અને વિશેષણોમાં જોડણી ન ફેરવવાનું વિધાન કરવામાં આવ્યું છે.[7] અપવાદમાં આપેલાં ઉદાહરણોમાં ‘ઝીણું’ ઉપરથી ‘ઝીણવટ’ આપવામાં આવ્યું છે, જ્યાં આદિ શ્રુતિનો ‘ઈ’ દીર્ઘજ રાખવામાં આવ્યો છે. ઉચ્ચારણમાં શી સ્થિતિ છે તે અહીં બતાવવા પ્રયોજન નથી, કેમકે માત્ર વ્યવહાર જ અહીં લક્ષ્ય છે. અહીં તેથી જ પ્રક્ષ ઊભો થાય છે કે “જોડણીકોશ"માં “જતું” ઉપરથી “જુનવટ” આપાયું છે તે વાજબી કે આ? “-વટ” પ્રત્યય બેયમાં જુદો તો નથી જ. “ઝીણું+વટ” અને “જૂનું +વટ” તે આપણને જુદાં રૂપ આપી શકે ખરાં? એટલે મને લાગે છે કે “અપવાદ ૧”માં મુકાયેલ આ “ઝીણવટ” શબ્દને દૂર કરવો જોઇયે, જે જોડણીની દૃષ્ટિએ “ઝિણવટ” થઈ રહેશે. ૨૪મા નિયમમાં ક્રિયાપદો ઉપરથી આવેલા. શિખામણ, ભુલામણી, ઉઠમણું વગેરે જેવી જ આની સ્થિતિ છે. નોંધમાં આપેલા “વેધિત્વ-અભિમાનિત્વ” વગેરે તત્સંમ જ હોઈ તેના 'ઈ'નો પ્રશ્ન આવશ્યક નથી જ. અપવાદ ૨જો વ્યવહારપૂરતો જ મને લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર ઉચ્ચારણમાં નથી; અપવાદ ૨ જા જેવી જ એની સ્થિતિ છે. "મધુરું" અને "અધૂરું' ના ઉચ્ચારણમાં જો ફેર હોય તો આમાં હોઈ શકે.
[ચાર શ્રૃતિ અને તેથી વધુ શ્રુતિવાળા શબ્દોમાં ઈ-ઉ]
૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિયો, ટિટિયારો, ટિચકારી. વિકલ્પ-ગુજરાત-ગુજરાત નોંધ ૧-આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ; પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ, મીઠાબોલું, નોંધ ૨-કૂદાકૂદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા દ્વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી. ‘ઈ-ઉ’ ને લગતા નિયમોમાં સ્વાભાવિકતાની નજીકનાં નજીક આવતો જો કોઈ નિયમ હોય તો આ છે. લાંબા શબ્દોમાં સ્વરિત કે અસ્વરિત ઈ-ઉ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી; અને એથી જ વ્યુત્પત્તિથી એક મતે આવતો “ગૂજરાત” શબ્દ વિકલ્પે સ્વીકારાયો છે. મને લાગે છે કે ઉચ્ચારણની દૃષ્ટિએ અને એ શબ્દની ઐતિહાસિક દૃષ્ટિએ સંસ્કૃતેતર મૂળ "ગુજરાત” ઉપરથી “ગુજરાત” એવી વ્યુત્પત્તિ વધુ સ્વાભાવિક હોવાથી એ શબ્દ અત્યારે ઉચ્ચારણમાં છે તેવી જ રીતે “ગુજરાત” તરીકે જ માત્ર સ્વીકારાય એ વધુ વાજબી છે; એટલે “ગૂજરાત” એ વિકલ્પ છોડી દેવો જોઈયે. નોંધ ૧લી સમાસાંત શબ્દને માટે છે. તે વિશે કાંઈ વિશેષ સ્પષ્ટતા અપેક્ષિત નથી. માત્ર તત્સમ હોઈ ‘પ્રાણિવિદ્યા, સ્વામિદ્રોહ’ જોઇયે. નોંધ ૨જી માત્ર વ્યવહારપૂરતી છે. ઉચ્ચારણથી આદિ શ્રુતિમાં દીર્ઘતાની કોઈ સંભવિતતા નથી.
[સાધિત શબ્દોમાં ઈ-ઉ]
૨૪. પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુનાં પ્રેરક અને કર્મણિ પ્રયોગનાં રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલમ ૨૦, ૨૧, ૨૨, ૨૩, પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ-ભુલામણી; શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઉઠાવું, ઉઠાડ, ઉઠાવ, ઉઠમણું; મૂક-મુકાણ, મુકાવું, મુકાવવું; ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું. નોંધ-ધાતુના અક્ષરો ગણવામાં તેના સામાન્ય કૂદંતનું રૂપ નહિ, પણ મૂળ રૂપ લેવું. જેમ કે, ઊથલ(વું); મૂલવ(વું), તડૂક(વું), તડૂકાવ(વું), તડૂકા(વું). અપવાદ ૧-કર્મણિ રૂપોને નિયમ ૨૧માં અપવાદ ગણી હ્રસ્વ કરવાં. જેમકે, મિચા(વું), મુકા(વું), ભુલા(વું). અપવાદ ૨-ક્રિયાપદના કૃદંત રૂપોમાં મૂળ જોડણી કાયમ રાખવી. જેમકે, ભૂલનાર, ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું; મૂકનાર, મૂકેલું; મુકાયેલું, મુકાવનાર; મુકાવડાવેલું. આ નિયમનો મુદ્દો બહુ સ્વાભાવિક છે. સ્વભારના નિયમ પ્રમાણે સ્વાભાવિક ઇ-ઉની હ્રસ્વતા આમાં અભિપ્રેત છે, એટલે જ “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” એ શબ્દો નિયમમાં અપાયા છે. આ નિયમોમાં ૧૯મી કલમ સાનુનાસિક ‘ઈ-ઉ' ને દીર્ઘ રાખનારી જણાવવામાં આવી નથી, એટલે નિયમથી તો તેવા ‘ઈ-ઉ’ની હ્રસ્વતા આવી જાય છે; પણ જ્યારે ઉદાહરણો જોઇયે છિયે, ત્યારે જ માલૂમ પડે છે કે “ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં” ને બદલે “કાયમ રાખતાં” એવો વિકલ્પ પણ ઇષ્ટ રહ્યો છે. ચૂંથવું, ચૂંથાવું, ચૂંથાવવું વગેરેમાં ‘ઊં’ અવિકૃત રાખ્યો છે ૧૯મા નિયમ પ્રમાણે તે. [8]
આ નિયમ પ્રમાણે સાધિત ક્રિયાપદોમાં બે દીર્ઘ સ્વર સાથે ન આવે; આ નિયમનું પાલન મોટે ભાગે બરોબર થયું છે. જીવવું-જિવાવું, જિવાડવું વગેરે છતાં દીપવું-દિપાવવું, પૂજવું–પૂજાવું–પૂજાવવું જેવી ભૂલો પણ મળે છે; જે અસાવધપણું લાગે છે. તત્સમતાની દલીલ તેઓ માટે નકામી છે; કેમકે ‘જીવવું’થી તે બેઉની સમાન સ્થિતિ જ છે. ઉદાહરણમાં ‘નીકળ' ઉપરથી ‘નિકાલ' બતાવ્યું છે, તે વાજ્બી નથી. એક ગુજરાતી શુદ્ધ શબ્દ છે. બીજો સ્વતંત્ર હિંદી તત્સમ છે. આવી ઝીણી વાતો સમઝવી અનિવાર્ય છે. “નોંધ” માંનું સૂચન નિયમની સ્પષ્ટતા માટે છે; જયારે “અપવાદ ૧” એ ખરી રીતે અપવાદ નથી; એ ૨૧મા નિયમથી પ્રાપ્ત દશા સાગે સૂચન માત્ર છે, જે ૨૪મા નિયમથી “જોડણી કાયમ ન” રાખવાની વાતમાં એકરૂપ થઈ જાય છે; “નોંધ” માંના “તડૂકા(વું), તડૂકાવ(વું),” માં ઉકાર૨૨મા નિયમ પ્રમાણે હ્રસ્વ જોઇયે તેવું સૂચન ઉપર થઈ ગયું છે. "અપવાદ ૨ જો" માત્ર વ્યવહારુ છે. [9]
[ઈ-ઉ વિશે કેટલીક પ્રકીર્ણતા]
૨૫. શબ્દના બંધારણમા ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈ ને હ્રસ્વ કરી સવારની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ અપવાદ–પીયો; તથા જુઓ પછીનો નિયમ. વિકલ્પ-પિયળ–પીયળ. ૨૬. વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતાં સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી ઉદા. નદી-નદીઓ, નદીમાં ઇ. સ્ત્રી-સ્ત્રીઓ, સ્ત્રીને ઇ. ખૂબી-ખૂબીઓ બારીબારણાં. ૨૭. क. કરીએ, છીએ, ખાઈએ, ધોઈએ સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ એવાં ક્રિયાપનાં રૂપો બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું, સચવાયેલું એવાં રૂપો દશાંવ્યા મુજબ લખવાં. આ ત્રણ નિયમો “ઈ+સ્વર” વિશે મુખ્યત્વે છે. માત્ર ૨૭ कમાં દ્વિતીય ભૂતકૃદંતો વિશે લખ્યું છે, એ માત્ર લઘુપ્રયત્ન યકાર પૂરતો એક દેશ જ આપે છે. આ આખો પ્રશ્ન યકારના લઘુપ્રયત્ન ઉચ્ચાર સાથે સંબંધ ધરાવે છે. ૨૫મા નિયમમાં આપેલા શબ્દોમાં એ લઘુપ્રયત્ન યકાર ઉચ્ચરિત થાય છે, અને સ્વરભાર અત્યંત શ્રુતિ ઉપર હોવાને કારણે પૂર્વ શ્રુતિમાંની 'ઇ' હ્રસ્વ જ ઉચ્ચરિત થાય છે. અને અત્યંત સ્વાભાવિક રીતે આ, નિયમથી કાયમને માટે ગુજરાતી ભાષામાં સ્થાપિત થઈ જાય છે. “પીયો (=ચેપડો)” અપવાદમાં અપાયો છે, એ ખાસ મહત્ત્વનો નથી; તેમ જ વિકલ્પ “પિયળ-પીયળ” આપ્યો છે, તે પણ મહત્ત્વનો નથી. આપણે વ્યવહારપૂરતો “પીયો” સ્વીકારિયે અને “પિયળ-પીયળ”માંથી –‘પિયળ” ને કાયમ માટે સ્વીકારી લઈયે. પણ મહત્ત્વનો અપવાદ તો ૨૬મો નિયમ છે. સ્વ. નવલરામ પંડ્યાએ સ્વાર્થી શરૂ થતો પ્રત્યય લાગતાં અંત્ય ‘ઇ’ ને હ્રસ્વ કરવાનો નિયમ ઉચ્ચારની સ્વાભાવિકતાને કારણે સ્વીકારેલો. “નદીઓ” કોઈ ઉચ્ચારતું નથી; એ “નદિયો” ઉચ્ચારાય છે. છતાં સરળતા ખાતર આ અપવાદ સ્વીકારવામાં આવ્યો છે. [10]
૨૭ क તરીકે નોંધાયેલો નિયમ પણ અપવાદ જ છે. પણ એ અપવાદ તદ્દન વિચિત્ર જાતનો છે. ૨૬મા નિયમમાં તો ‘ઓ' પ્રત્યય છે અને તે પૂર્વેના ‘ઈ’ને હ્રસ્વ કરવો કે નહિ, તે ચર્ચાનો વિષય હોય છે; જ્યારે અહીં તો અસ્વાભાવિક ‘ઈં એ’ એવો પ્રત્યય માની લેવામાં આવ્યો છે. એ પ્રત્યય શક્ય જ નથી. મધ્યકાલીન ગુજરાનીમાં કર્મણિરૂપ ઉપરથી આવેલાં करीइ, बोलीइ એવાં રૂપો પરથી इ નો ए થયે, વસ્તુસ્થિતિએ વચ્ચેની ई ઉપરથી સ્વરભાર ખસી ए ઉપર જતાં લઘુપ્રયત્ન યકારવાળું રૂપ करिये, बोलिये આવ્યું; અશુદ્ધ લખાણોમાં करीए बोलीए એવાં પણ રૂપો લખાયેલાં. હોપ વાંચનમાળાએ એ આંધળિયાં ફરી સ્વીકાર્યાં અને પછી તો વ્યુત્પત્તિ કે ઉચ્ચારણ કોઈના પણ આધાર વિનાનો “ઈ એ" પ્રત્યય જ જાણે કે છે, એમ સ્વીકારવામાં આવ્યું. ૨૫મા નિયમમાં પ્રાપ્ત સંસ્કૃત ईय પ્રત્યય જેવી જ આ સ્થિતિ છે. એમાંનો ई જેમ હ્રસ્વ બની ગુજરાતીમાં इयुं-ई-इयो તરીકે આવ્યો તેમ જ પેલો મધ્ય-ગુજરાતીનો ईइ પ્રત્યય इये તરીકે ગુજરાતીમાં અબાધિત રીતે વ્યુત્પત્તિ અને ઉચ્ચારની એકતાથી વારસામાં મળ્યો છે. એટલે વર્તમાનકાળ ૧લા પુરુષ બહુવચનનાં રૂપો કરિયે છિયે, ખાઇયે, ધોઈયે, સૂઈએ, જોઇયે, હોઇયે, મારિયે એવાં જ સ્વીકારવાં જોઈયે. હિંદીમાં આ પ્રકારનાં કર્મણિરૂપો છે તે સરખાવો. વહેલામાં વહેતી તકે આ અસ્વાભાવિક રૂપનો ત્યાગ કરી નિરપવાદ રીતે, જરાપણ પ્રાંતીયતાના ગંધ વિનાનો 'ઇયે’ પ્રત્યય આ રૂપોમાં સ્વીકારવાની હું ભલામણ કરું છું. ૨૫મા નિયમને અનુસરી લેશ પણ અપવાદ વિના ગુજરાતી બોલતી સમગ્ર પ્રજાના કંઠમાં આજે રૂપ સ્વાભાવિક છે. [૨૭] ख. જુવો, ધુવો નહિ, પણ જુઓ, ધુઓ લખવું. તેમજ ખોવું, રોવું, જેવા ઓકારાંત ધાતુઓમાં ખુઓ, રુઓ લખવું, અને જુએ છે, ધુએ છે, ખુએ છે, રુએ છે, જોયેલું, જોતું, ખોયેલું, ખોતું, ધોયેલું, ધોતું વગેરે રૂપો દર્શાવ્યા મુજબ લખવાં. गસૂવું, પીવું જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સૂઓ, સૂતું, સૂતેલ, સૂનાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ પીનાર એ પ્રમાણે લખવું. ૨૫મા નિયમમાં જે વાતનું વિધાન છે એને જ મળતું આ ख-ग નિયમનું વિધાન છે, પણ તેનાથી ઊલટું, એટલો તફાવત છે. 'ઇ' પછી યશ્રુતિ બતાવવી આવશ્યક માનવામાં આવી છે, તેથી ઊલટું અહીં 'ઉ' પછી સ્વાભાવિક આવતી વિશ્રુતિનો અવરોધ કરવામાં આવ્યો છે. એટલેઆ નિયમ માત્ર વ્યવહારપૂરતો જ છે, ઉચ્ચારણથી વિરૂદ્ધ છે. ૨૭ क-ख માં દ્વિતીય ભૂતકૃદંતમાં સ્વરાંત ધાતુઓ ૫છી “એલું” -નું “યેલું” થાય છે, તે બતાવાનું વાજબી વિધાન થયું છે. આ સાથે એટલું ખ્યાલમાં રાખવું કે ઉચ્ચારણની દૃષ્ટિએ આ ‘યે' હ્રસ્વ છે. સૂરત બાજૂ “જોયેલું” ને નજીકનું ઉચ્ચારણ છે. ग. માં બતાવ્યા પ્રમાણે રૂપો પણ વ્યવહારપૂરતાં જ છે; એને પણ ઉચ્ચારણ સાથે સંબંધ નથી.
[કેટલીક પ્રકીર્ણ સૂચના]
૨૮. પૈસો, ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ. પાઉંડ ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા. “અઈ," "અઉં”નું ઉચ્ચારણ ‘ઐ', 'ઔ' જેવું થાય છે જ, એટલે પૈસો, ચૌટું વગેરે બરોબર છે “પાઈ, પાઉડ" માટે પ્રશ્ન નથી; પ્રશ્ન ફરી ઊડાઈ, સઈ, ઊધઈ, અને થઈ જઈ, લઈ, દઈ જેવાં સંબધક ભૂત કૃદંતનો રહે. આમાં સ્વરભાર ઉપાંત્ય ‘અ’ ઉપર હોવાથી દીર્ઘ ‘ઇ’ ઉચ્ચારી શકાતી નથી. પણ વ્યવહાર પૂરતો ‘ઈ’ દીર્ઘ રાખ્યો છે; એટલે વ્યવહારપૂરતી આવી જોડણી કરવી, એવું સમાધાન છે. આવી જ સ્થિતિ ઉપાંત્ય સ્વર ઉપર ભાર છે તેવા ઈકારાંત શબ્દો-જોઈ, સમાઈ, સૂઈ, વગેરે સંબંધક ભૂત કુદંતો, કોઈ કાંઈ જમાઈ જેવા શબ્દો, અને ‘આઇ’ અંતવાળાં ભાવવાચક નામોનો છે. ઉચ્ચારણથી ‘ઈ’ હ્રસ્વ જ આવે છે. માત્ર વ્યવહારપૂરતી જ દીર્ઘ ‘ઈ’ સ્વીકારાઈ છે.
[‘જ’ કે ‘ઝ’]
૨૯. સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું મોઝારમાં ઝ; અને સાંજ-ઝ, મજા-ઝા, એમ લખવું. સજા, જિંદગી જેવા વિદેશી શબ્દોનો પ્રશ્ન જરૂરી નથી. ખરો પ્રશ્ન તો તદ્ભવ ગુજરાતી શબ્દો વિશેનો છે. આ શબ્દોમાં 'જ'છે કે ‘ઝ’ એનો નિર્ણય ઉચ્ચારણ છે. પણ એ શા માટે છે? મૂળમાં ઉપરથી થઈ એ શબ્દો ગુજરાતી ઉચ્ચારણમાં આવ્યાછે; એટલે વસ્તુસ્થિતિએ 'જ' નો વિચાર જ આવશ્યક નથી. સમઝ, મોઝાર, સાંઝ, સૂઝ, બૂઝ, વાંઝણી, એ સૌ શબ્દોમાં 'ઝ’ જ છે. અહીં વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ બંને એક જ વસ્તુ આપે છે.
[કેટલાક વિકલ્પો]
૩૦. આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો એ બંને રૂપો ચાલે. ૩૧. કહેવડાવવું–કહેવરાવવું, ગવડાવવું–ગવરાવવું, ઉડાડવું-ઉરાડવું, બેસાડવું-બેસારવું, જેવાં પ્રેરક રૂપોમાં ડ અને ૨ નો વિકલ્પ રાખવો. ૩૦ મા નિગમમાંના વિકલ્પો સ્વીકાર્ય છે. બંને રૂપો વ્યાપક થઈ ચૂક્યાં છે. ૩૧ મા નિયમમાં દ્વિતપ્રેરક રૂપોમાં તેમ જ થોડાં સાદાં “આડ” પ્રત્યયવાળાં પ્રેરક રૂપોમાં વિકલ્પ છે, તે સ્વીકાર્ય જ છે.
[ઈ-ઉ વિશે શેષ પ્રકીર્ણતા]
૩૨. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં. ખરી રીતે આ જોડણીનો કોઈ નિયમ નથી. કવિતામાં યથેચ્છ જોડણી કરનારને અટકાવવા પૂરતું આ નિયમન છે. ગદ્ય કરતાં પદ્ય એ મુખપાઠમાં વધુ આવે છે, અને તેથી ઉચ્ચરિત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘ યથાસ્થાને આવે એ આવશ્યક છે. ન લાવી શકનારને માટે ચિહ્નોનો ઉપયોગ આવશ્યક બને છે, જે પણ પ્રયોજકની કાચી હથોટી સૂચવે. અહીં નમૂના તરીકે ‘કરીએ, નદીઓ, મીંચાવવું' વગેરેને લક્ષ્ય કરિયે. ઉચ્ચારણમાં તે ‘કરિયે, નદિયો, મિંચાવવું’ છે, અને સિદ્ધહસ્ત કવિ તે જ પ્રમાણે પ્રયોગ કરવાનો. તેને માટે કરીએ, નદીઓ, મીંચાવવું’ તેવી ઉચ્ચારણ વિરુદ્ધ જોડણી કરવાથી કેવું વિચિત્ર વલણ અખત્યાર કરવું પડે છે! ‘કરીએ શું આવે? ઝડપ સહ પાણી પ્રવહતાં, નદીઓ વીંઝાતી ગગન સહ વાતે વળગતાં. ” આમાં ‘કરીએ, નદીઓ; વીંઝાતી’માં અનંત્ય “ઈ”નું દીર્ઘ ઉચ્ચારણ કાનને સારું લાગે છે ખરું? આ જ વસ્તુ જોડણીને વધુ સ્વાભાવિક કરવાનું નિમંત્રણ એટલું જ નહિ, નિયંત્રણ પણ માગી લે છે. માત્ર વ્યવહાર રોચક થઈ શકતો નથી. ૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા. મુજ, તુજ, ટુકડો, ટુચકો, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકો, કુલડી. માત્ર “મુજ-તુજ" અને "પૂજારી" શબ્દ સિવાય બાકીના આ બધા શબ્દોમાં ઉચ્ચારણ પ્રમાણે સ્વરભાર અંત્ય સ્વર ઉપર હોવાને કારણે જ આદિ શ્રુતિમાં “ઉ” હ્રસ્વ જ છે. આમ થવાનું સાચું કારણ શોધી પૂર્વે થયેલાં વ્યવહારુ નિયમોમાંનાં વિધાનોને સ્વાભાવિકતા તરફ લાવવાનો પ્રયત્ન આવશ્યક બને છે.
ઉપસંહાર
જોડણીમાં સુધારાનાં દ્વાર હજી બંધ થયાં નથી, થઈ કે હોઈ પણ ન શકે; કેમકે ગુજરાતી ભાષાને હજી શાસ્ત્રીય વ્યાકરણ મળ્યું નથી. શાસ્ત્રીય વ્યાકરણ મળ્યા પછી જ આખરી નિર્ણય મેળવી શકાશે. અને જોડણીનો જટિલ વિષય નક્કી કરનારા ભાષા અને ભાષાશાસ્ત્રના અંતરમાં ઊતરેલા માણસે જોઈયે. કહેવાની જરૂર નથી કે નિર્ણય લાવનારો એવો વિદ્વાન, કે વિદ્વાનો ન હોય ત્યાંસુધી આ વિષય આખરી શુદ્ધ અને સ્વાભાવિક રૂપ ન પામી શકે. ગુજરાત વિદ્યાપીઠના નિયમોમાંના જે જે સ્વાભાવિકતાની વધુ નિકટ છે યા સ્વાભાવિક છે તે બનાવવાની ઉપર એક પણ તક જતી કરવામાં આવી નથી. જે નિયમોનાં વિધાન મને અસ્વાભાવિક જણાયાં છે, તે પણ, સૂચવવાની ફરજ સમઝી આપ્યાં છે. આ વિષય ભાષાશાસ્ત્રીઓનો છે અને એઓ જ આ વાતને સમઝી શકશે. ગુજરાત વિદ્યાપીઠ જેવી જવાબદાર સંસ્થા એ જવાબદારી સમજે જ છે અને તેથી દર આવૃત્તિએ કાંઈ અને કાંઈ સુધારા સ્વીકાર્યા છે, જે વસ્તુસ્થિતિએ ઉચ્ચારણની સ્વાભાવિક્તા તરફ વધુ અને વધુ આવતા જાય છે. એ માર્ગદર્શક પ્રયત્નોના ઋણ નીચે જ વધુ સુધારા સૂચવવાનો આ નમ્ર પ્રયત્ન મારા તરફથી થયો છે. આ સત્ય સ્વીકારતાં હું ગૌરવ લઉં છું.
****
શબ્દસૂચી વાપરનારને સૂચના
૧. ગુજરાતી ભાષાની વ્યવહારુ જોડણીમાં શબ્દને અંતે આવતી ‘ઇ’ દીર્ઘ છે, અને નિરનુનાસિક એકાક્ષરી શબ્દો સિવાયનો તેવો અંત્ય ‘ઉ’ હ્રસ્ય છે. એટલે બહુ જ જરૂરી જણાયા છે તે સિવાયના શબ્દો આપવામાં આવ્યા નથી. ૨. સંસ્કૃત તત્સમ શબ્દોમાંના ‘લ’નો ગુજરાતમાં ‘ળ’ બોલાય છે. એ ઉચ્ચારણભેદ જ માત્ર હોઇ એવા શબ્દો તત્સમ ગણ્યા છે. ૩. સંસ્કૃત, અરબી, ફારસી. અંગ્રેજી, તુર્કી વગેરે ભાષાના તત્સમ શબ્દો સામે કૌંસમાં ટૂંકાક્ષરે તે તે ભાષાનો આદ્યાક્ષર આપવામાં આવ્યો છે. તે તે ઉપરથી ઊતરી આવેલા શબ્દો સામે કાંઇ પણ સૂચવ્યું નથી. માત્ર થોડા જરૂરી અરબી ફારસી શબ્દો પાસે નજીકનું મૂળ બતાવવા શુદ્ધ તત્સમ શબ્દો સૂચવ્યા છે. ૪. વિક્લ્પાક્ષર બતાવવા નાના કૌંસમાં, અને સમાસના ઉત્તર અંગમાં આવતો જુદો શબ્દ બતાવવા અર્ધી રેખા-સામે અક્ષર, કે તે શબ્દ આપવામાં આવ્યો છે; તેમ શબ્દાક્ષરોમાં કાંઇક ઉમેરણથી નવા શબ્દો તે જ અર્થના કે અન્ય અર્થના બનતા હોય તેવા ઉમેરવાના અક્ષરો મીંડા ૦ થી બતાવવામાં આવ્યા છે. ૫. નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતાં બિનજરૂરી વિકલ્પો જતા કર્યા છે.
***
- ↑ ૧. “જ” અને “ય” એ અવ્યય જ્યારે પણ કોઈ શબ્દની પછી આવે છે ત્યારે “જ-ય”માંનો અકાર લઘુપ્રયત્ન હોવાને કારણે પૂર્વ સ્વર ઉપર ભાર આવે છે; પરિણામે લઘુપ્રયત્ન અકારવાળા શબ્દોનો તે અ પૂર્ણપ્રયત્ન બને છે. “રામ,” પણ “રામ જ.” આ સ્વરભાવ એટલો પ્રબળ છે કે પૂર્વના હસ્વ ઈ-ઉ પણ દીર્ઘ ઉચ્ચારાય છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ત્યાં દીર્ઘ બને છે. પણ લેખનમાં એ હ્રસ્વ રખાય છે, તેમાં સરળતા એ જ પ્રધાન કારણ છે. સરળતા ખાતર કેટલોક ભોગ ઉચ્ચારણોનો આપવો પડે છે. બેશક ભાષાશાસ્ત્રની ચર્ચામાં એ સ્વાભાવિક ઉચ્ચારણો નોંધવાં અનિવાર્ય જ બને છે.
- ↑ ૧. જોડણીના આરંભથી માંડી અત્યારસુધીમાં હકારને જોડણીમાં વ્યક્ત કરવાની અનેક રીતો બતાવાઈ છે. સ્વ. કવિ નર્મદાશંકરે પ્રથમ અર્ધા વ્યંજન કે સ્વર જ માત્ર હોય તો 'અ' અર્ધો લખી સ્વર સાથે ‘હ' લખવાનો ઉપાય બતાવી; પછીથી 'હ'ને સ્થાને તે તે વ્યંજન કે સ્વર નીચે નુક્તો કરવા સૂચવેલું. સ્વ. નવલરામ પંડ્યાએ સ્વર પછી વર્ણલોપદર્શક ચિહ્ન’ (apostrophe) લખવા નિર્દેશેલું. પછી 'હ'ને રાખવા તરફ વલણ થયું. સ્વ. ગોવર્ધનરામે નર્મદાશંકરની પ્રથમની પદ્ધતિ સ્વીકારી. એ ફરી જુનવાણી બન્યું અને સ્વ. નરસિંહરાવે પેલા અર્ધા 'અ’નો અસ્વીકાર કરી 'અહમે'ને સ્થાને 'હમે' વગેરે રીત સ્વીકારી. આ બધામાં બાંધછોડની નીતિએ છેવટ “જોડણીકોશ” આવ્યો અને ૮ મા-૯ મા નિયમ પ્રમાણે અમુક શબ્દોમાં 'હ' લખવો અને તે ૮ મા નિયમમાં બતાવ્યા પ્રમાણે. અને અમુક શબ્દોમાં ન જ લખવો, ૯ મા નિયમમાં બતાવ્યા પ્રમાણે. આમાં લિપિની મુશ્કેલીનો મૂંઝવતો બતાવાયો છે. તે વિશે શ્રી. કાકાસાહેબે “જોડણીકોશ”ની પ્રસ્તાવનામાં નિર્દેશ કર્યો પણ છે. હકાર સ્પષ્ટ બતાવવા પૂર્વના વ્યંજનો અર્ધા જ આપવા પડે. હવે જેમાં કાનો છે તેવા વ્યંજનો તો અર્ધા મળે જ છે; પણ ‘જ’ સિવાયના કાના વિનાના ક,ટ, ડ, ડ, રં એ વ્યંજનો ખોડા મૂકવા જોઇયે, તો જ સાચી રીતે તે યોજાય. અને તેમ છતાં આ બધાં સ્થાનોમાં એ લઘુપ્રયત્ન હકાર છે, એ તો સમઝાય જ નહિ. આનો સરળ ઉપાય એક જ છે. હકારનું એ લઘુપ્રયત્ન કે સ્વરિત ઉચ્ચારણ બતાવવા સંસ્કૃત ભાષામાં વિસર્ગ બતાવવાને વપરાતું [:] ઉપર નીચે બિંદુવાળું ચિહ્ન સ્વીકારી લેવામાં આવે તો આ આખો પ્રશ્ન સરળ થઇ પડશે. માત્ર આપણે ત્યા લધુવિરામ (કૉલન)નું ચિહ્ન [:] એવું છે તે ગુજરાતીમાં છોડી દેવું જોઈશે. પૂર્વે તેના વિના ચાલ્યું હતું અને અત્યારે ચાલી પણ શકશે. તેનું સ્થાન અલ્પવિરામ યા અર્ધરેખા લેશે. સ્વ. નવલરામવાળું વર્ણલોપચિહ્ન વર્ણનો લોપ બતાવે છે, જ્યારે આ વિસર્ગચિહ્ન તો વર્ણનું અસ્તિત્વ બતાવશે. ઉચ્ચારણ તો જાણીતું જ છે. છાપખાનાંની મુશ્કેલી કાયમને માટે ટળી જશે; જેમકે બેઃન, વા:ણું, વા:લું, પો:ળું, માઃવત, શેઃર, મેઃરબાન, માઃવરો, મોઃર, કેઃ, પેઃર, પોઃચ. પદ્યબંધની દૃષ્ટિએ આની સંગતિ પણ સ્પષ્ટ છે. બાકી આવા શબ્દોમાં સ્વરિત કે લઘુપ્રયત્ન ‘હ’ ક્યાં ખરેખર છે તે કહેવું કાંઈક મુશ્કેલ છે. છતાં પ્રથમ શ્રુતિમાં કે પછી, તે સ્પષ્ટ છે. કાઢવું, લોઢી વગેરે જોવાથી બંને સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.
- ↑ ૧. એટલે જ એ લક્ષ્યમા લેવા જેવું છે કે 'નાહું છું' કહેવાથી એનું ઉચ્ચારણ 'નાઃઉં છું=ન્હાઉં છું’ જેવું જ છે. આ ક્રિયાપદોનાં આટલાં બધાં રૂપો જુદી જુદી રીતે યાદ રાખવાં પડે તેવી સ્થિતિ છે ત્યાં આ વિસર્ગ ચિહૂનથી આખો પ્રશ્ન સરળ થઈ જાય તેમ છે. એને લીપે 'હ' વિનાનાં રૂપો: નાવાનો, નવડા(-રા)વું; નવાવું, નવાય, નાવણ, નાવણિયો, નવેણ, નવાણ, સવડા(-રા)-વવું, સવાવું, સવાયં, લોવાનો, લોવડા(-રા)વવું, લોવાય, લોવણિયું, દોવાનો, દોવડા(-રા)વવું, દોવાવું, દોવણ, :દોણી, કોવડા(-રા)વવું, કોવાવું, કોવાય, એ વગેરેમાં અમાત્રિક વિસર્ગ આવી જતાં તેવાં સંદિગ્ધ રૂપોની લેખનમાં જરૂર નહિ રહે.
- ↑ ૧.આ ઉચ્ચારણ ભાષામાં અવિચ્છિન્ન છે અને તેથી વ્યક્ત થવું જ જોઇયે. તેથી જેમ મૂર્ધન્યતર 'ટ-ઢ' નુક્તાથી બતાવવા વાજબી છે, તેમ આ લઘુપ્રયત્ન યકાર પણ વ્યાપક રીતે 'ય'ના રૂપમાં નીચે નુક્તા સાથે પ્રયોજાય તે ઇષ્ટ છે.
- ↑ ૧.ગુજરાતી શબ્દોના ઉચ્ચારણમાં વધુમાં વધુ મૂંઝવનારો પ્રશ્ન હ્રસ્વ કે દીર્ઘ ‘ઈ-ઉ’નો છે. ક્યાં એ હ્રસ્વ ઉચ્ચારાય છે અને ક્યાં એ દીર્ઘ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણો ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે, ખાસ કરીને દીર્ઘ ક્યાં એ નક્કી કરવું તો ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક ‘ઈ-ઉ’માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ‘ઈ’ કે ‘ઉ’ પોતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચારણમાં ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ કાંઈ પણ ફેર પડતો નથી. નિયમો કરવામાં આવ્યા છે તે માત્ર લેખનમાં સરળતા લાવવા માટે વ્યવહાર પૂરતા છે; અને તેથી જ આપણી સામે એ વ્યવહારુ નિયમો પ્રમાણે અંત્ય સાનુનાસિક-નિરનુંનાસિક 'ઈ' દીર્ઘ અને તેવો 'ઉ' હૃસ્વ આવે છે; તે જ 'ઉ' જો નિરનુનાસિક હોય અને તે એકાક્ષરી શબ્દમાં હોય તો “અપવાદ"માં બતાવ્યા પ્રમાણે દીર્ઘ જ લખવાનું પ્રાપ્ત થાય છે. અનંત્ય દશામાં તો સાનુનાસિક ‘ઈ-ઉ'નું સરખાપણું તેમ તેનાથી સ્વતંત્ર 'રીતે નિરનુનાસિક 'ઈ-3'નું' સરખાપણું લેખનમાં વ્યક્ત કરવાનું નીચે ૧૯ થી ૨૪ સુપીના નિયમોમાં વિધાન છે.
સિદ્ધાંત તરીકે એક વસ્તુ અત્યંત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણોમાં અંત્ય ‘ઈ-ઉ’નાં ઉચ્ચારણ હ્રસ્વ તરંફ વધુ અને વધુ હળી ગયાં છે. માત્ર 'જ' અને ‘ય’ એ બે અવ્યયો જ એવાં છે કે કોઈ પણ હ્રસ્વ ‘ઈ-ઉ’ પછી આવતાં એ –ઈ-ઉ’ દીર્ઘ જ ઉચ્ચારિત થાય છે. લઘુપ્રયત્ન અંત્યત અકાર પણ આ બે અવ્યય પહેલાં પૂર્ણપ્રયત્ન બની જાય છે, એ પૂર્વે સૂચવાયું છે જ.
અંત્ય ‘ઈ-ઉ' જેમ હાત સામાન્ય રીતે હ્રસ્વ ઉચ્ચીરિત થાય છે, પછી ભલે વ્યુત્પત્તિથી તે દીર્ધ જ આવતા હોય (અને “શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ જોડણી”માં મને આ તરફ પક્ષપાત પણ હતો, પ્રાંતીયતાને કારણે; પછી તો છેલ્લાં આઠ વર્ષના વ્યાપક અનુભવથી તે તરફની સમર્થક બુદ્ધિ ઓસરી પણ ગઈ છે.) તે રીતે અનંત્ય 'ઇ-ઉ' અસ્વરિત રીતે હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. આને જ કારણે ૧૯ મા નિયમમાં અનંત્ય ‘ઈ-ઉ’ સાનુનાસિક હોય ત્યારે દીર્ઘ કહ્યા છે તે અસ્વરિત દશામાં હ્રસ્વ છે કે જેવા નિરનુનાસિક તે ‘ઈ-ઉ’ હ્રસ્વ છે. “અપવાદ”માં કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું આપવામાં આવ્યા છે, એ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. એ રીતે જોતાં “હીં ડાડ”માં ‘હીં’ દીર્ઘ નહિ, પણ હ્રસ્વ જ છે. “રિસામણું” અને “સીંચણિયું” કે “મીંચામણું”માંના આદિ શ્રુતિમાંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઈ’માં કાંઈ પણ તફાવત નથી; તે જ રીતે “ઉતરડ” અને “મૂંઝવણ”માંના નિરનુનાસિક કે સાનુનાસિક ‘ઉ’માં પણ. અને ત્રિશ્રુતિ શબ્દોમાં “ચિતાર” “મીઠાઈ” “મૂકેલું” “ઉતાર” અને “જૂઠાણું”માં આદિ શ્રુતિના ઉચ્ચારણમાં ફેર છે એમ કોણ કહી શકે તેમ છે? - ↑ ૧ એક સરખું માપ ધરાવનારા શબ્દોમાં ઉચ્ચારણની દૃષ્ટિએ ભેદ ગળી શકે નહિ. દા ત ‘સુધી', 'ઝૂલો', 'ઝીણું’માંઇ કે ઉમાં ઉચ્ચારણની દૃષ્ટિએ કાંઈપણ ભેદ નથી. આ આખો પ્રશ્ન સ્વરભારના તત્ત્વને આભારી છે. ગુજરાતી ભાષામાં સ્વરભાર જો અંત્ય સ્વર ઉપર જતો હોય તો અસ્વરિત સ્વરો દીર્ઘ રહેવાની સ્થિતિમાં નથી હોતા.ઉપરના ત્રણે શબ્દોમાં સ્વરભાર કંઇ શ્રુતિમાં છે? સ્પષ્ટ છે કે અંત્ય સ્વર ઉપર જ પડે છે. એટલે ઉચ્ચારણની દૃષ્ટિએ ઉપાંત્ય સ્વર હ્રસ્વ જ આવી રહે છે.
આ પછીના નિયમોમાં એ તત્ત્વ ઓછેવત્તે અંશે સ્વીકારવામાં આવ્યું જ છે. મુકા-વું, ભુલા-વું, મિચા-વું એ ત્રણ શ્રુતિવાળા શબ્દોમાં એ જ તત્ત્વને લીધે આદિ શ્રુતિ હ્રસ્વ મળે છે. - ↑ ૧. અહીં પણ સ્વાભાવિક ઉચ્ચારણ એટલે કે સ્વરભારના સિદ્ધ તત્ત્વને ઉથામવામાં આવ્યું છે. આપેલાં ઉદાહરણોમાં ક્યાંય પણ ‘ઈ-ઉ’'માં દીર્ઘ ઉચ્ચારણ રહ્યું નથી. વસ્તુસ્થિતિએ ૧૪મા નિયમમાં આ અપવાદ ૧નો પણ સ્વાભાવિક સમાવેશ છે, અને સ્વરભાર પૂર્વની શ્રુતિમાં તે ‘ઈ-ઉ' આવી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ હૃસ્વ સ્વરૂપમાં જ એ ઉચ્ચરિત છે. અહીં એ પણ લક્ષ્યમાં લેવા જેવું છે કે બે શ્રતિવાળા શબ્દોમાં, અગાઉ બતાવ્યું તેમ, સ્વરભાર છેડે હોય તો ઉપાંત્ય 'ઇ-ઉ' હ્રસ્વ ઉચ્ચરિત થાય છે. તેના ઉપરથી પાછા ઘડાતાં તે હ્રસ્વના હ્રસ્વ જ રહે છે. ત્રણ શ્રુતિવાળા શબ્દોમાં તો, ચાર શ્રુતિવાળા શબ્દોની જેમ જ દ્વિતીય શ્રુતિ ઉપર સ્વરભાર હોય કે પ્રથમ શ્રુતિના તે ઈ-ઉ ઉપર સ્વરભાર હોય, એ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી. તેથી પણ આ સાધિત સ્વરૂપમાં ઈ-ઉ ની હ્રસ્વતા જ રહે છે.
ખરી રીતે સ્વરભારને કારણે પૂર્વેનો ઈ-ઉ જ માત્ર નહિ, ગમે તે સ્વર આવ્યો હોય તે હ્રસ્વ થઈ જાય છે. જેમ કે ચારવું-ચરાવવું, મારવું-મરાવવું, પાડવું–પડાવવું, દેખવું–દેખાડવું, પેસવું-પેસાડવું, બેસવું-બેસાડવું. બોલવું-બોલાવવું, ખોદવું-ખોદાવવું; પ્રેરકને બાજુએ મૂક્તાં કર્મણિરૂપમાં પામવું-પમાવું, વાળવું-વળાવું, ચારવું–ચરાવું; એ પ્રમાણે વિશેષણો વગેરે ઉપરથી સાધિત શબ્દો રાતું-રતાશ, ખાટું-ખટાશ, વગરે પણ લક્ષ્યમાં લેવા જેવા છે. ("કાળાશ” જેવા કોઈક જ અપવાદ ગમે તે કારણે રહી ગયા છે.)
આમાં સ્વરભારનું તત્ત્વ કેટલું પ્રબળ છે તે સમઝાય છે. હિંદીમાં देख-दिखाना, बोल-बुलाना, बेठ-बिठाना, खोद-खुदवाना એવાં સ્પષ્ટ ઉદાહરણો છે. આપણે ત્યાં હ્રસ્વ ‘એ-ઓ’ હોવાને કારણે ‘એ-ઓ’ હોવાને કારણે ‘એ-ઓ’ રહ્યા છે, પણ તે હ્રસ્વ જ, આ તદૃન ઉચ્ચારણશાસ્ત્રનો વિષય છે. સરખાવો વળી “ઘોડાર” જેવા શબ્દો, જ્યાં “ઓ” હ્રસ્વ છે. - ↑ ૧. વસ્તુસ્થિતિએ સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય ‘ઇ–ઉ’ની એક જ દશા છે. તેવું અગાઉ બતાવાયું છે. નિરનુનાસિકમાં ફેર થાય અને સાનુનાસિકમાં ફેર ન થાય, એ અસ્વાભાવિક હોવાથી સ્વ. નરસિંહરાવભાઈએ નિરનુનાસિક કે સાનુનાસિક કોઈપણ દીર્ઘ ‘ઈ-ઉ’ સાધિત શબ્દોમાં ન જ ફેરવવા મત આપેલો;
ગુજરાતી સાહિત્યપરિષદ ભંડોળ કમિટીની જોડણીમાં પણ આ જ સ્થિતિ હતી; જ્યારે ગુજ. વર્ના. સોસાયટીના ખાચા ખરડામાં આવા બધા સંયોગોમાં વિકલ્પ સૂચવવામાં આવ્યો હતો. સરળતા ન ફેરવવામાં છે. ફેરવવા હોય તો ઉચ્ચારણ પ્રમાણે એ બધા અસ્વરિત હોવાથી કોઇપણ સ્વરભારવાળી શ્રુતિ પહેલાંની શ્રુતિમાંના ‘ઈ-ઉ’ હ્રસ્વ જ સ્વીકારાવા જોઇયે. તત્સમ શબ્દો ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવો જોઇયે.
- ↑ ૧. "અપવાદ 2 જા” પ્રમાણે ધાતુ ઉપરથી બનતાં કુદંતોમાં જોડણીમાં ઈ-ઉ દીર્ઘ હોય તેમાં ફેરફાર ન કરવાનું સૂચન છે, તે અસ્વાભાવિક છે. કૃદંતપ્રત્યયમાં સ્વરભાર હોય તો તે પૂર્વશ્રુતિમાંના ઈ-ઉ ની હ્રસ્વતા જ માગી લે છે, “મુક્યો”, “મુકેલું” જેમ; “મૂક્યો”, “મૂકેલું” માં ઊ દીર્ઘ રહી શકતો નથી.
સ્વરભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને અભાવે જોડણીમાં કેટલીક અસ્વાભાવિક્તા પેસી ગઈ છે, તે આવા પ્રસંગોથી વધુ સારી રીતે સમઝાશે. - ↑ ૧. આની ખરી કસોટી તો ત્રણ શ્રુતિવાળા દીર્ઘ ઇકારાંત શબ્દોને ‘ઓ’ પ્રત્યય લાગે છે, ત્યારે સમઝાય છે. દા.ત. ચોપડી શબ્દ લો. ચૉપડી+ઓ=ચૉપડિયો. મૂળ ચૉપડી શબ્દમાં ‘પ’માં અકાર લઘુપ્રયત્ન છે. ‘ઓ’ પ્રત્યય લાગતાં એ પૂર્ણપ્રયત્ન બને છે; એટલે કે ‘ડી’ પરનો સ્વરભાર ખસી ‘પ’ અને ‘યો’માં વહેંચાઇ જાય છે. આ ક્રિયા વ્યંજનાદિ પ્રત્યયમાં નથી થતી, એ સમઝવા જેવું છે; જેમ કે ચૉપડી+માં= ચૉપડીમાં, આમાં ‘પ’માંનો અકાર લઘુપ્રયત્ન જ છે. આવી ઝીણી વાતો સમઝવાનો પ્રયત્ન થાય તો જ જોડણીના નિયમો બહુ સ્વાભાવિક બની રહે.