ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ઈબ્રાહીમ લાખાણી

From Ekatra Wiki
Revision as of 02:27, 17 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઈબ્રાહીમ લાખાણી

સ્વ. ઈબ્રાહીમ લાખાણીનો જન્મ ભાવનગરમાં સને૧૮૭૫ની સાલમાં થયો હતો. તે મુસ્લીમ મેમણ કોમના ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ વલીમોહમ્મદ અને માતાનું નામ આયેશાબાઈ. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ કેળવણી ભાવનગરમાં લીધી હતી. ભાવનગરની શામળદાસ કૉલેજમાં બી. એ. થયા પછી તેમણે એલ. એલ. બી. નો અભ્યાસ શરુ કરેલો. આર્થિક મુશ્કેલીને કારણે વધુ અભ્યાસ મૂકી દેવો પડ્યો હતો. કૉલેજ છોડ્યા બાદ તે જૂનાગઢની મોહબ્બત મદ્રેસા હાઈસ્કૂલમાં શિક્ષક નીમાયા હતા, પાછળથી તે તેના હેડમાસ્તર થયા હતા (૧૯૦૩) અને ૧૯૩૦માં જૂનાગઢના એજ્યુકેશનલ ઓફીસર બન્યા હતા. ૧૯૩૨માં તે રાજકોટ ખાતેના જૂનાગઢના સ્ટેટ વકીલ થયા હતા. ફારસી સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય ઉપર તેમની વિશેષ પ્રીતિ હતી. ભાવનગરના મૌ. ઉસ્માન બિન અ. કાદર અને જૂનાગઢના મૌ. મુહમ્મદજાનની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી. ભાવનગરમાં તા. ૨૪-૧૨-૪૧ના રોજ તેમનું અવસાન થયું હતું. સને ૧૮૯૪માં ભાવનગરમાં તેમનું લગ્ન રાબિયાબાઈ સાથે થએલું. તેમના ૩ સંતાનો વિદ્યમાન છે. એક પુત્ર બી. એ., એલ. એલ. બી. થયા છે અને કુતિયાણામાં ન્યાયાધીશના ઓદ્ધા પર છે. બીજા પુત્ર મુંબઈમાં દાંતના ડાકટર તરીકે વ્યવસાય કરે છે અને ત્રીજા પુત્ર બી. એ., એલ. એલ. બી. હોઈ જૂનાગઢમાં વકીલાત કરે છે. તેમણે લખેલાં પુસ્તકોમાંનું પહેલું ૧૯૧૪માં (૧) “કન્યાભૂષણ” પ્રસિદ્ધ થયું હતું. (૨) કન્યાભૂષણ યાને અકબરી અસગરી (ઉર્દૂ 'મિરાતૂલ અરુસ' ઉપરથી), (૩) ટૂંક ઇસ્લામી તવારીખ (૧૯૩૬), (૪) હું અને મારી વહુ (૧૯૩૬), (૫) બોધક કિરસાઓ (૧૯૩૮), (૬) કુરાને મજીદમાંથી નિબંધો (૧૯૪૧).

***