ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ

From Ekatra Wiki
Revision as of 12:55, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ

સ્વ. ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ ગોંડળના વતની હતા. તેમનો જન્મ સં.૧૯૫૮ના ભાદરવા સુદ ૧૩ ને રોજ તેમના મોસાળ વસાવડમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુલાબરાય દુલેરાય બુચ અને માતાનું નામ વાલી બહેન હતું, ન્યાતે તે વડનગરા નાગર હતા. તેમના પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હતા તેથી તેમની પ્રાથમિક કેળવણી જસદણમાં પૂરી થએલી. તેમની માધ્યમિક કેળવણી ગોંડળની સંગ્રામજી હાઇસ્કૂલમાં તથા ત્યાંની ગીરાસીયા કૉલેજમાં પૂરી થઈ હતી. અભ્યાસમાં તે ખૂબ તેજસ્વી હતા. હાઈસ્કૂલમાં તેમને દરમાસે સ્કોલરશીપ મળતી અને મેટ્રીકની પરીક્ષા તેમણે ૧૯૧૯માં યુનિવર્સિટીમાં આઠમા નંબરે પસાર કરેલી. ત્યારપછી ઉંચી કેળવણી તેમણે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં લીધી હતી. ૧૯૨૩માં બી. એ.માં સંસ્કૃત ઓનર્સ સાથે તે પહેલા વર્ગમાં પહેલે નંબરે પસાર થયા હતા, અને તેથી તેમને ભાઉ દાજી પ્રાઈઝ મળ્યું હતુ તથા ધીરજલાલ મથુરાદાસ સ્કોલરશીપ મળી હતી. ૧૯૨૩ થી ૧૯૨૫ સુધી તે બહાઉદ્દીન કૉલેજના ફેલો હતા. ૧૯૨૫માં તેમણે એમ. એ. ની પરીક્ષા પસાર કરીને વેદાંતમાં પહેલા આવવા માટે 'સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઈઝ' મેળવ્યું હતું. ૧૯૨૫થી ૧૯૨૭ના નવેમ્બરની ૧૩મી તારીખે ટાઈફોઈડની બિમારીથી તેમનું અવસાન થયું ત્યાંસુધી તે સુરતની કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત એ ત્રણે ભાષાનું તેમનું વાચન વિશાળ હતું. બહાઉદ્દીન કૉલેજના સંસ્કૃતના માજી પ્રૉફેસર સ્વ. મહાદેવ મલ્હાર જોષીની તેમના જીવન ઉપર વિશેષ અસર હતી. અંગ્રેજીમાં શેક્સપિયર, દુમા, ઈમરસન, સંસ્કૃતમાં કાલિદાસ, અને ગુજરાતીમાં મુનશી, નાનાલાલ તથા કાન્ત એ તેમના પ્રિય લેખકો હતા. તેમની એક જ કૃતિ “ગજેન્દ્ર મૌક્તિકો” તેમના અવસાન પછી શ્રી. રમણલાલ યાજ્ઞિકની લખેલી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઇ છે. એ પુસ્તકમાં તેમનાં કાવ્યો, નિબંધો, પત્રો વગેરેનો સંગ્રહ છે. તેમનું લગ્ન તા. ૨૧-૪-૧૯૨૦ના રોજ વસાવડમાં કંચનલક્ષ્મી નૃસિંહપ્રસાદ દેસાઈ વેરે થએલું તેમનો એક પુત્ર ભાઈ અનિનકુમાર અને પુત્રી સૌ. સરલાલક્ષ્મી વિદ્યમાન છે.

***