આપણો ઘડીક સંગ/પ્રકરણ ૫

From Ekatra Wiki
Revision as of 10:15, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પછી શરૂ થઈ વાતો. મહેમાન સાથે જમ્યા પહેલાંની વાતો અને જમ્યા પછીની વાતોમાં ફેર હોય છે. આ ભેદ તાત્ત્વિક, સૈદ્ધાંતિક, મૂળભૂત — એવો બધો હોય છે. જમ્યા પહેલાંની વાતો અસ્થિર, અર્થહીન, અસંબદ્ધ, અલ્પજીવી હોય છે. જેમ કે,

ધૂર્જટિએ અર્વાચીનાના દીવાનખાનામાં પ્રવેશીને જેવી એક ખુરશી ઉપર જગ્યા લીધી કે તરત જ અર્વાચીનાના પિતાજીએ તેને બદલે ઘડિયાળ સામે જોવા માંડ્યું.

‘અગિયાર થયા.’ તેમણે કહ્યું.

‘તાપ બહુ છે!’ ધૂર્જટિએ જવાબમાં કહ્યું.

અને પછી…

‘બસો બહુ અનિયમિત ચાલે છે!’

‘ત્રીજું વિશ્વયુદ્ધ થશે એમ લાગે છે!’

‘શહેરનો કોટ સમરાવવો જોઈએ!’

‘આ રાધાકૃષ્ણન્ અહીં ક્યાંથી?!’ આવી વાતો…

જે વ્યગ્ર ઝડપથી દિવાળીમાં ફટાકડાની સેર ફૂટે તે જાતની વાતો…

જ્યારે જમ્યા પછીની વાતોમાં એક તારામંડળમાંથી હૃદયંગમ રીતે ઝરતી તેજરેખાઓની જેમ આનંદપ્રકાશના સ્ફુલિંગો ઝરે છે.

અને આનંદનો અવતાર પૂરો થયા પછી અર્વાચીના, તેનાં બા-બાપુજી અને ધૂર્જટિ–એ બધાંય આવી જાતની જમ્યા પછીની વાતો કરવા ગોઠવાયાં.

બાપુજી એમ માનતા હતા કે પ્રોફેસર પ્રકારના માણસો સાથે અમુક પ્રકારની જ વાતો થાય. અને તેથી જ તેમણે પાન ખાતાં ખાતાં શાંતિથી, સામાન્ય ભાવે ધૂર્જટિને પૂછ્યું :

‘તમે મૃત્યુ પછીની જિંદગીમાં માનો છો?’

‘જી… ના…’ પ્રોફેસરે વિચાર કરીને જવાબ દેતાં કહ્યું, ‘હું મૃત્યુ પહેલાંની જિંદગીમાં માનું છું.’

આ જવાબ સાંભળી અર્વાચીનાની આંખો તાળી પાડી ઊઠી.

‘બરોબર છે, સાહેબ!’ તે બોલી ઊઠી.

‘શું બરોબર છે?’ ધૂર્જટિએ તેના પર મીટ માંડી.

‘તમે કહ્યું તે! જિંદગી મૃત્યુ પહેલાં જ હોય.’ અર્વાચીનાએ કહ્યું, ‘મૃત્યુ પછી જિંદગી હોય કે ન હોય, તે સરખું જ કહેવાય.’

અર્વાચીના આ વાતને ચર્ચામાં પલટાવી નાખશે તેમ તેનાં બાને લાગ્યું. બા મૂળથી જ ચર્ચાઓથી વિરુદ્ધ. એમણે એક જ તડાકે વાતને ઊચા સ્તર પર લાવી મૂકી :

‘સાહેબ! આપને મતે માણસે લગ્ન ક્યારે કરવાં જોઈએ?’

‘પત્નીના મૃત્યુ પછી, અને પોતાના મૃત્યુ પહેલાં…’ ધૂર્જટિને બદલે આ વખત બૂચસાહેબે તોડ કાઢ્યો.

‘એટલે મારા મત્યુ પછી તમે બીજી વાર લગ્ન કરવાના, એમ ને?’ અર્વાચીનાનાં માતુશ્રીએ પોતાનો ગુસ્સો મશ્કરીભર્યો છે તેવો દેખાવ કરતાં પૂછ્યું.

‘જો તમે જીવતો મૂકશો તો!’ બૂચસાહેબે સ્નેહભીની આંખે તેમનાં પત્ની સામે જોતાં કહ્યું.

ધૂર્જટિ ખડખડાટ હસી પડ્યો. બધાં તેની સાથે જોડાયાં. ઘર ગાજી ઊઠ્યું.

વાતચીત વધુ ફળદ્રુપ પ્રદેશોમાં વળી.

‘પછી તે દિવસે તમારાં બા આવવાનાં હતાં તે આવ્યાં કે નહિ?’ અર્વાચીનાનાં માતુશ્રી હજુ પેલી સ્ટેશન પરની પહેલી મુલાકાત ભૂલ્યાં ન હતાં.

‘મારાં બા આવવાનાં હતાં ખરાં, પણ પછી એમણે વિચાર માંડી વાળેલો.’ ધૂર્જટિએ કહ્યું.

‘ક્યારે આવવાનાં છે?’ અર્વાચીનાએ પૂછ્યું.

‘એકબે અઠવાડિયાંમાં, આપણું સત્ર પૂરું થયે.’

‘પછી અહીં જ રહેશે?’ માતુશ્રીને આ બીજા માતુશ્રીમાં રસ પડ્યો.

‘ના, થોડો વખત રજાઓ દરમ્યાન રહી પાછાં જશે.’

‘કેમ એમ?’

‘બસ… એમ જ… એમને એમના ભાઈને ત્યાં વધુ ફાવે છે.’ ધૂર્જટિએ કહ્યું : ‘અને હું અહીં સુખી છું!’

‘એકલા છો એટલે!’ હેડમાસ્તરે ચપળતાથી અનેક તાકિર્ક પરંપરાઓ પૂરી કરી નાખતાં આ સુખનું નિદાન કરી આપ્યું, જે તેમનાં પત્નીને ન રુચ્યું.

‘મારાં બાને પણ તેમના ભાઈને ત્યાં બહુ ફાવે છે, કેમ બા?’ અર્વાચીનાએ બાનું અનુમોદન માગ્યું.

બા પાસે તો ‘મામાના ઘર’ પર મહાનિબંધ લખાય તેટલી બધી સામગ્રી પડી હતી. તેમણે આ પ્રોફેસર પાસે ભાઈ-ભાભી વિશે ચિત્રવિચિત્ર રીતે વરાળ કાઢી અને અંતમાં નિષ્ણાતને પૂછતાં હોય તેવી ઢબે પૂછ્યું : ‘આ બધાનું કારણ શું?’

‘રેડિયો-એક્ટિવિટી… અગર…’ ધૂર્જટિએ ગંભીરતાથી, રહસ્યમય નીચા સ્વાદે ઉમેર્યું, ‘સામ્યવાદ, રશિયા…’

‘અથવા એમનું લોહી જ એવું હશે.’ બાપુજીએ ઠંડે કલેજે સૂચન કર્યું, જે સાંભળી બાનું લોહી ઊકળી ઊઠ્યું. ‘તમારે વચમાં ન બોલવું…’

અને આમ વાતો ચાલ્યા કરી, જે પૂરી થાય તેમ તો હતી જ નહિ, પણ એટલામાં બેએક વાગ્યા અને ધૂર્જટિએ ઊભા થઈ, જવા માટે રજા માગી.

ઊઠતાં ઊઠતાં તેણે અર્વાચીનાનાં બા-બાપુજી તરફ ફરી કહ્યું : ‘મારાં બા આવે એટલેતમે બધાં જરૂર મારે ઘેર આવજો.’

આ આમંત્રણ આપી એણે રજા લીધી. સાથે અર્વાચીના અને તેના કુટુંબની એક સુંદર મહેક પણ એ લેતો ગયો.

આ મહેક ધૂર્જટિના એકલવાયા આંતર-જીવનને અનુકૂળ આવે અને તેનાથી દોરાઈ આવેલા એવા તેને આપણે અથવા અર્વાચીનાનાં પાડોશીઓ અર્વાચીનાના દીવાનખાનામાં વારંવાર બેઠેલો જોઈએ તો તેમાં શી નવાઈ?

પ્રોફેસરશ્રીને આપણે અર્વાચીનાના દીવાનખાનાને રોશન કરતા જોયા, તે બનાવને તો પાંચ-છ મહિના વીતી ગયા છે. તે દરમ્યાન જો તેમનાં માતુશ્રી એકાદ અઠવાડિયા માટે પણ આવી ગયાં હોત, તો આ વાર્તા વધુ વેગથી આગળ ચાલત, પરંતુ વાસ્તવિકતા વાર્તાને અનુકૂળ રહી ચાલે તેવી અપેક્ષા આપણે ઓછી જ રાખીએ?

વાંધો નહિ, આ સમય ધૂર્જટિ માટે આંતરિક રીતે ખૂબ ખૂબ મહત્ત્વનો, રોમાંચક બની બેઠો. કોઈ વાર ધૂર્જટિને એમ થઈ આવતું કે જાણે અંદરથી તેને કોઈએ ચાકડે ચડાવ્યો છે, અને વહાલભર્યા હાથથી તેને ઘડ્યે જ જાય છે. જ્યારે બીજી કોઈ વાર તેને એવું થઈ આવતું કે તેનું મન જાણે એક ગૅસ ભરેલો ફુગ્ગો છે, જે ઊચે ને ઊચે ચડ્યા જ કરે છે. ઘણી વાર તેને એમ લાગ્યા કરતું કે જાણે તે પોતે પોલ-વોલ્ટ જ કર્યા કરતો હોય — અલબત્ત, આંતરિક પોલ-વોલ્ટ.

એક વાર સરસ સવારે બસમાં બેસી તે એલિસપુલ ઓળંગતો હતો. તેણે બારી બહાર જોયું. ઊગતા સૂર્યના કુમળા તેજમાં સાબરમતીની રેત ચમકતી-ચળકતી હતી. નીતરેલા પાણીના એક મુલાયમ પોતવાળા નીલા પારદર્શક પ્રવાહનાં નાજુક, નમણાં આવર્તનોને તે જોઈ રહ્યો. તેને એમ લાગ્યું કે તેના મનમાં આવું આવું જ થઈ રહ્યું છે, આવાં જ આંદોલનો…

આ દિવસો દરમ્યાન ધૂર્જટિને માણસો પણ વહાલાં લાગતાં. અરે! એક વાર રસ્તામાં એક કોફી કલરના અને મીઠા મોંના બાળકે તેને આંતર્યો : ‘એય સેઠ! એય સેઠ! બે પૈસા આપો ને! સેઠ!…’ અને એ છોકરાની નજરમાં રમતી મજાક અને ખુમારી, અને એનું ખંધું સ્વમાન જોઈને તો ધૂર્જટિને તે એટલો બધો મીઠો લાગ્યો કે તેની આંખ ભીંજાઈ ગઈ. ‘દિલનો ભિખારી નથી! કો’ક વાર ઊચો આવશે!’ તેણે વિચાર્યું.

આવાં ઉમદા આંદોલનો અનુભવતાં તેને એક નવો જ આનંદ થતો. તેની બુદ્ધિ કોઈક વાર આ આનંદનું વિશ્લેષણ કરવા બેસી જતી. શરૂઆતમાં તો તેણે એમ માની લીધું કે પોતે ‘ભણેલો’ છે, એટલે તેને આમ થાય છે. આ બધું તેની વિદ્યા, તેના વાચનને આભારી છે.

પણ એક બીજી સુંદર વહેલી સવારે તે જ્યારે એ જ એલિસપુલ પરથી પસાર થતો હતો ત્યારે તેનો ભ્રમ ભાંગી ગયો. એક મિલમાં જતાં મજૂર-દંપતીમાંનો પુરુષ તેની સ્ત્રીને એમ કહેતો’તો કે : ‘જડી! પરોઢિયે આ પલ પરથી આ નદી બહુ હારી લાગે સે!’

પ્રોફેસરની ગૂંચવણ વધી પડી.

આથી તો તે અધ્યાત્મવિદ્યાસભામાં જોડાયો, તે તેને સાર્થક થયું લાગ્યું. તેને એમ નક્કી વહેમ ગયો કે પોતાનો આત્મા અતિ ઉત્કૃષ્ટ પ્રકારનો છે, અને વહેલુમોડું પણ અતિમાનસ ચેતનાના અવતરણ માટે તૈણે તૈયાર રહેવું પડશે! અલબત્ત, આવી બધી વાસના અથવા મહાકાંક્ષા તેના અંત:સ્તરોના છાયાપ્રદેશમાં રહીને જ છૂપી રીતે કામ કરતી, પણ તે અત્યંત પ્રબળ તો હતી જ.

આ દિવસો દરમ્યાન તે બહુ વિલક્ષણ એવી મન:સ્થિતિમાં રહેતો. તેની વિચારોની અને લાગણીની રેખાઓ કોઈ વાર ખૂબ ઊચે ચડતી, તો કોઈ વાર ખૂબ નીચે પણ પટકાઈ પડતી.

ઘણી વાર ધૂર્જટિને એમ થઈ આવતું કે આ બધો આધ્યાત્મિક કહેવાતો અનુભવ અંતે તો એક નશો જ હશે. માણસ માટે કોઈક પ્રકારનો નશો અનિવાર્ય છે.

આવા દિવસોમાં પુસ્તકો તેને એક છટકબારી અને દ્રોહ જેવાં લાગતાં. પોતાનાં પહેલાંનાં પ્રિય રેસ્ટોરાં અને તેની અંદર વહેતું સંગીત તેના જ્ઞાનતંતુઓને અકળાવી નાખતા. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રવેશ્યા પછી બીજી જ પળે તેને તેમાંથી છટકી જવાનું મન થઈ આવતું. સાંજ પડતી તો આકાશ સળગી જતું હોય તેવું થઈ આવતું. ફૂલો તેને આકર્ષતાં, તો તેમાંનું એકાદ હાથમાં લઈ તેની પાંદડીઓનું પોત તે નિર્દય રીતે જોઈ રહેતો. તેને આનંદ થતો કે પોતે પહેલાં જે સૂક્ષ્મ સૌંદર્યથી અંજાઈ ઊભો રહી જતો, સ્તબ્ધ બની બેસતો, તે બધું એક મોટી ભ્રાન્તિ હતી, અને આ પાંદડીઓથી સ્થૂળ, ઠંડી, ક્રૂર કારીગરી એ જ સત્ય છે.

આવાં વિષ-વમળોમાં ઘેરાયેલો તે ઘણી સાંજો પોતાના નિવાસસ્થાને એકલો બેસીને જ ગુજારી નાખતો…

અથવા, ઊભો થઈ ચાર-પાંચ માઈલ ચાલી નાખતો.

અથવા, અર્વાચીનાના ઘર ભણી વળતો.

અર્વાચીનાના શારીરિક અસ્તિત્વના વર્તુળમાં આવતાં જ ધૂર્જટિના વિક્ષિપ્ત શરીરતંત્રમાં ક્ષણભર એક નિવિર્ચાર, સઘન, હૂંફાળી લીલી — એવી લાગણીની લહેર નોંધાઈ રહેતી.

*

સપ્ટેમ્બરની એક સમી સાંજે બૂચસાહેબે પ્રોફેસર ધૂર્જટિ અને તેના મિત્ર વિનાયકને સાથે ચાપાણી માટે નોતર્યા હતા. પ્રસંગ બહુ સમયસૂચક હતો : બૂચસાહેબની વર્ષગાંઠ.

‘કેટલામી, સાહેબ?’ વિનાયકે મીઠાઈ માણતાં માણતાં પૂછી જોયું. બૂચસાહેબની ઉમ્મર પૂછવામાં શો વાંધો?

‘અઠ્ઠાવનમી…’ બૂચસાહેબ ચોક્કસ ન હતા, ‘કે પછી… ઓગણસાઠમી!’

ધૂર્જટિ અત્યાર સુધી શાંત બેસી રહ્યો હતો. હવે તે વિચારે ચઢ્યો : ‘અઠ્ઠાવનમી! મુસલમાનમાં ચાર જ વાર થાય, વધુમાં વધુ!’ તેને છેલ્લું ઝોકું આવ્યું ત્યારે ઈરાનના શાહની વાત ચાલતી હતી. તેમાં આ વર્ષગાંઠની વાત ભેગી થઈ ગઈ.

આવી કટોકટી વટાવતી આ પાર્ટી આખરે પૂરી થઈ.

ધૂર્જટિ અને વિનાયક પાછા ફરતા’તા ત્યારે બૂચસાહેબે થોડે સુધી વળાવવા આવવાનો શિષ્ટાચાર કર્યો.

‘નકામી તકલીફ!’ ધૂર્જટિ કહેતો હતો.

‘તકલીફ શાની? ફરતો આવીશ!’ કહી બૂચસાહેબ તેની સાથે થયા.

‘કેટલી ગલીકૂંચીઓ છે?’ ધૂર્જટિએ શહેર વટાવતાં કહ્યું : ‘શી રીતે રહેવું ગમે છે, સાહેબ?’

‘આપણી અંદર પણ ક્યાં ઓછી ગલીકૂંચીઓ છે, ભાઈ! તોપણ રહેવું ગમે છે ને?’ બૂચસાહેબે ચાલતાં ચાલતાં કહ્યું, અને એક ક્ષણ રહી ઉમેર્યું : ‘અને તે પણ કેટકેટલું?’

આજે રાત્રે રોજના પેલા રમતિયાળ, રમૂજી બૂચસાહેબ ધૂર્જટિને જડતા ન હતા. આજે તેમની આંખોમાં કોઈ જુદી જ ભીનાશ હતી, અવાજમાં કાંઈક આર્દ્રતા.

ત્રણેય જણા આગળ ચાલ્યા. રસ્તાની રાંગે આવેલી પેઢીઓમાંથી બેય બાજુ ફૂટપાથ પર ફેલાતી, અને તેથીય આગળ તણાઈ, આછી થતી જઈ, સડકની બરાબર વચમાં એકબીજીમાં એકરૂપ થઈ જતી, પેલી રોજ રાતની પ્રકાશની સોનેરી-રૂપેરી ચાદરો પણ હવે એક પછી એક સમેટાતી જતી હતી. થોડી જ વારમાં, વચ્ચે વચ્ચે સુધરાઈના દીવાની ધોળી ભાતથી ભરેલી, આછા અંધારાની બિછાત પર એક નવી જ મહેફિલ મંડાશે.

બૂચસાહેબ અત્યારે ધૂર્જટિ અને વિનાયકની વચમાં ચાલતા હતા. શહેરનાં કેન્દ્રનાં ગૂંચળાંને તેમણે હવે પાછળ પાડી દીધાં હતાં. રસ્તો ફૂલતો જતો હતો. એક ખુલ્લું ચોગાન આવ્યું. બૂચસાહેબ અટક્યા.

‘બસ ત્યારે, રજા લઉં?’

‘ચાલો ને, જરા બેસીએ.’ ધૂર્જટિએ સૂચવ્યું… અને ત્રણેય જણ સહેજ આગળ ચાલી, રાત જ્યાં વધુ ઘૂંટાયેલી હતી તેવો ચોગાનનો એક કાળો કટકો પસંદ કરી ગોઠવાયા. ઉપર ઘટ્ટ, ભૂરું આકાશ ઘેરાઈને પડ્યું હતું. તેમાં ઝબકતા અને ઝળકતા તારાઓનાં ટોળેટોળાં પળેપળે ઊમટતાં જતાં હતાં. ઊચે જોયું તો ત્રણેયને એમ લાગ્યું કે પોતપોતાની નાજુક, નાનકડી દુનિયાના ચૂરેચૂરા થઈ જતા હતા. સમય તો રાતના આકાશની આ છીની પર છિનાઈ છિનાઈને કણ કણ થઈ જતો હતો.

‘હક્સલી આને પૂરી એક સો — અને — એંસી અંશની કાળી કરામત કહે છે!’ ધૂર્જટિની જીભ છૂટી થઈ.

ચોગાનની આજુબાજુ પથરાયેલા શહેર પર વીજળીના અજવાળાનાં મજાનાં વાદળ ઊપસી આવતાં હતાં. ધૂર્જટિના શબ્દોએ વિનાયકના અને બૂચસાહેબના મનમાં જે વિશાળ આવર્તનો ઉપજાવ્યાં તે આ વાદળાં સાથે ધીમેથી અથડાઈ, તેમાં જ વિલીન થઈ રહ્યાં.

‘સાહેબ! વર્ષગાંઠ છે એટલે જ પૂછું છું; પણ… એમ નથી લાગતું કે જરા મોડા જન્મ્યા હોત તો વધુ સારું હતું?’ વિનાયકનો પ્રશ્ન સમયસરનો હતો.

‘તોપણ સરવાળે તો સાઠેક વર્ષ જ ને!’ બૂચસાહેબે ટોપી ઉતારી ખોળામાં મૂકતાં કહ્યું. તેમનાં ચશ્માંમાં એકબે તારા ચમકતા હતા.

‘એ ખરું… છતાં પણ…’ વિનાયકનું કહેવું હતું : ‘જીવવાની ખરી મજા તો હવે જ આવવાની ને!’ આમ જૂની ચીજોનો અઠંગ ઉપાસક એવો વિનાયક વિચારો હમેશાં નવા માગતો.

‘વાત તો ખરી!’ બૂચસાહેબે જમીન પરથી એક-બે કાંકરા ઉપાડતાં કહ્યું : ‘અત્યારે મને બુઢ્ઢાને પણ એમ થાય છે તો ખરું કે હું અત્યારે–આ અરસામાં જ જો જન્મ્યો હોત તો કેવું સારું!?’ અને પછી ઊચે જોઈ ધૂર્જટિ સામે આંખ મચકારી ઉમેર્યું, ‘નવા રમકડે રમવા મળત, કેમ પ્રોફેસરસાહેબ! ખરું ને?’

‘ખરે જ, સાહેબ! ભવિષ્યની પેઢીને માત્ર નવાં રમકડાં જ રમવા મળશે, એટલું જ!’

રમકડાં! વિનાયકથી આ ન ખમાયું, ‘આ નવી સમૃદ્ધિ, નવું સાહિત્ય, નવા સિદ્ધાંતો — રમકડાં લાગે છે આ બધાં?’

બૂચસાહેબ કે ધૂર્જટિ બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ.

‘અને રમકડાં બદલાશે એટલે રમત પણ બદલાશે જ ને!’ વિનાયક ઊકળી ઊઠ્યો હતો.

‘પણ એ બદલાશે એટલે સારી જ થશે એમ ઓછું જ કહેવાય?’ બૂચસાહેબે કહ્યું.

‘સારી કે ખોટી! રમત જોશીલી, જોમવાળી બને એટલે અમારે બસ!’ વિનાયકે કહ્યું.

‘જોખમી પણ એટલી જ બનશે!’ ધૂર્જટિનો સૂર તત્પર હતો.

‘જોખમની અમને બીક નથી. ઘણો વખત સુરક્ષિત રહ્યા!’ વિનાયકને પેલી ગુલામી હજુય ખૂંચતી હતી. ‘એટલું તો નક્કી કે અત્યારનો માણસ પહેલાંના કરતાં તેટલા જ સમયમાં વધુ જીવી નાખી શકશે.’

‘અત્યારનો માણસ!’ આ ‘માણસ’ શબ્દને તિરસ્કારથી તરબોળ કરી દેતાં બૂચસાહેબે જવાબ વાળ્યો : ‘આ આમતેમ ભટકતા, વાસના અને વિકારી ઝાળથી ઝટ સળગી મરતા, શૂન્ય, અસ્વસ્થ, અસ્થિર પ્રાણીને હું ‘માણસ’ તરીકે ભાગ્યે જ સ્વીકારી શકું!’

‘કદાચ પ્રાણીઓ પણ તેને પોતાની હરોળમાં ન ઊભો રહેવા દે!’ ધૂર્જટિએ શક્યતા સૂચવી. તે રસેલનો ઉપાસક હતો.

‘આ નવા ઊભરાને નહી રોકી શકો, સાહેબો!’ વિનાયક દૃઢ હતો. ‘સારું થશે! જરૂર હતી! જીવનથી જ બિવરાવી દીધા હતા!’

‘ત્યારે શું અપનાવશો? આ પશ્ચિમનાં અજવાળાં કેમ જીરવશો?’ બૂચસાહેબ વિનાયકને ઉથલાવતા હતા.

‘પણ તેની અંદર પણ સાચું સોનું તો પડ્યું જ છે, હોં સાહેબ!’ ધૂર્જટિએ બૂચસાહેબ તરફ ફરી કહ્યું : ‘પણ એ માટે ખોદવું પડે.’

‘કોઈ નહિ ખોદે, પ્રોફેસરસાહેબ! આપણા લોકોમાં એ વૃત્તિ જ નથી. માટે જ કહું છું, છે એને વળગી રહો!’ બૂચસાહેબ અંતરથી બોલતા હતા.

ધૂર્જટિ કાંઈક કહેવા જતો હતો પણ એટલામાં એને યાદ આવ્યું કે આજે તો બૂચસાહેબની વર્ષગાંઠ છે, એટલે તે કાંઈ બોલ્યો નહિ. બધા શાંત બેસી રહ્યા.

‘બપોરના બારેક વાગ્યે આકાશમાં ખૂબ ઊચે ઊચે ઊડતી સમળીઓ જોઈ છે?’ બૂચસાહેબે અચાનક પૂછ્યું.

વિનાયક–ધૂર્જટિ ચૂપ જ રહ્યા.

‘કેવી ધીમે ધીમે છટાથી ચકરાવા લેતી ઘૂમે છે એ!’ બૂચસાહેબ ભાવપૂર્વક બોલતા હતા… તૂટક તૂટક… ‘માણસમાં પણ એવી આંખ હોય છે, એ પણ ફર્યા જ કરે છે — શોધમાં!’

થોડો વખત બેઠા પછી, આડીઅવળી વાતો પૂરી થવા આવી.

‘બસ ત્યારે, ઊઠશું?’ બૂચસાહેબે કહ્યું.

‘બસ… ચાલો!’ અને ત્રણે જણા ઊભા થયા.

‘બહુ બેઠા… આનંદ આવ્યો.’ બૂચસાહેબ છૂટા પડ્યા.

‘ખરો છે ડોસો!’

બંને જણા બૂચસાહેબને જતા જોઈ રહ્યા.

*