આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૮

From Ekatra Wiki
Revision as of 10:32, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૮

તરંગિણી એ અર્વાચીનાની એકની એક બહેનપણી હતી. દેખાવમાં એ તેની પોતાની કૅડિલૅક કાર જેટલી જ મુલાયમ અને અણિશુદ્ધ હતી. દેખીતી રીતે જ આ કારની માફક તે પોતે પણ સીધી, સપાટ ડામરની સડક માટે બનેલી હતી, જીવનના ખાડા-ટેકરાવાળા રસ્તાઓ માટે વધુ પડતી નાજુક હતી, તેની કારના અને તેના સ્વભાવમાં એટલો ફેર હતો કે જિંદગીના વાહનવ્યવહારના નિયમો તે વધુ ચોકસાઈથી પાળતી એમ.એ.ના પ્રથમ વર્ષમાં એ ભણતી હતી.

આ તરંગિણી અર્વાચીનાની આદર્શ થઈ પડી હતી. એથી જ તરંગિણીની શબ્દ અને શૈલીની એકેએક બારીક છટાને અત્યારે અર્વાચીના મુગ્ધ ભાવે પી રહી હતી. તરંગિણીનું એ એક આકર્ષણ હતું કે ‘પછી હું થિયેટર પર ગઈ’ જેવું કોઈ સામાન્ય વાક્ય તે બોલતી તો તેમાં પણ કલામય અને શાસ્ત્રીય સૂરો તે ઉપસાવી શકતી, જેથી સાંભળનારને માટે થિયેટર પર જવા જેવી જીવલેણ અને બિનજવાબદાર કટોકટી પણ એક ખૂબ જ સ્વસ્થ અને સભ્ય, કાંઈક અંશે કાવ્યમય, અવસર બની રહે.

આજે સાંજે ચંદ્રાબા આવ્યાં ત્યારે તરંગિણી અર્વાચીનાને એ જ કહી રહી હતી કે ‘પછી હું થિયેટર પર ગઈ.’ તરંગિણીની દરેક વાતનો અંત આ વાક્યથી જ આવતો :

… ‘પછી હું થિયેટર પર ગઈ.’

‘એમ કે?’ અર્વાચીનાએ કહ્યું પણ તેની નજર બારી બહાર મંડાઈ રોજની માફક જ સૌમ્ય અને સ્વાભાવિક એવી શાંત છીદરીમાં સઢંગી રીતે શોભતાં ચંદ્રાબા ચાલ્યાં આવતાં હતાં. અર્વાચીના તેમને નવી આંખે જોઈ રહી–આત્મીય લાગ્યાં.

‘બા નથી?’ ઉપર આવતાં તેમણે પૂછ્યું.

‘છેને! આવો!’ કહી અર્વાચીનાએ બાને સોર પાડ્યો : ‘બા…. ચંદ્રાબા!’

બા અંદરથી આવી પહોંચ્યાં. બધાં બેઠાં એટલે અર્વાચીનાએ ચંદ્રાબાને તરંગિણીની ઓળખાણ આપી. બા અને ચંદ્રાબા હીંચકા પર ગોઠવાયાં, અર્વાચીના અને તરંગિણી તેમની સામે ખુરશીઓ પર.

સાંજ જામી.

એમ તો ચંદ્રાબાએ તરંગિણીનું નામ ધૂર્જટિ પાસેથી પણ સાંભળેલું. ધૂર્જટિ તરંગિણીને અતુલની મિત્ર તરીકે ઓળખતો હતો. ધૂર્જટિના વર્તુળમાં તરંગિણીને તોળાયેલી તરવાર તરીકે લેખવામાં આવતી, કેમ કે તેની અને અતુલની મૈત્રી જગજાહેર હતી અને ગમે તે પળે એ લોકો લગ્નમાં લપસી પડશે તેવી બીક હતી.

‘બા! પેલી મિસ ત્રિવેદી આસિસ્ટંટ કલેક્ટર તરીકે નિમાઈ.’ અર્વાચીનાએ ઉત્સાહમાં આવી જઈ કહ્યું. આ સમાચાર તરંગિણી લાવી હતી.

‘એમ? પહેલેથી જ હોશિયાર જ હતી.’ બાએ પ્રસંગોચિત સુભાષિત ઉચ્ચાર્યું અને ચંદ્રાબા તરફ ફરી ઉમેર્યું : ‘આવું છે!’

‘સ્ત્રીઓનો તો આ જમાનો છે, બહેન!’ ચંદ્રાબાએ જવાબ વાળ્યો, અને તરંગિણીને લપેટતાં કહ્યું : ‘કાલ ઊઠીને આ તરંગિણીબહેન વળી કલેક્ટર થઈ જશે!’

તરંગિણી કલેક્ટર બનવાની ના પાડે તે પહેલાં અર્વાચીનાએ આવેશમય અવાજે કહી દીધું : ‘એ તો અમેરિકા જવાનાં છે, બા!’

ફરીથી બાએ ચંદ્રાબા સામે જોયું. એમનું કહેવું એનું એ જ હતું : ‘આવું છે!’

તરંગિણી શું કામ અમેરિકા જવાની છે તે ચંદ્રાબાએ ન પૂછ્યું, કેમ કે આ પ્રશ્નનો ચોક્કસ જવાબ તરંગિણીઓ પાસે નથી હોતો તે ચંદ્રાબા અત્યાર સુધીમાં સમજી ગયાં હતાં, અને વળી ‘ગૃહવિજ્ઞાન શીખવા!’ એમ જો તરંગિણી બોલી બેસે, તો તે મૂંગે મોંએ સહન કરવાની માનસિક તૈયારી અર્વાચીનાનાં બાની હશે કે તેની તેમને ખાતરી ન હતી. તેમણે બાને એટલું જ કહ્યું, ‘સમય બહુ બદલાઈ ગયો, કેમ, બહેન?’

…અને અર્વાચીના ચેતી કે વાત બહુ વિષમ વર્તુળોમાં આવી પડી છે.

‘આ બધું સારું થાય છે?’ બાએ ત્રણે જણને વટાવી સમાજ આખાયને આ પ્રશ્ન પૂછ્યો. બારી પણ સમસમી ઊઠી. એણે બહાર જોયું.

‘તેમાં ખોટું પણ શું છે?’ તરંગિણીએ નમ્રતા તેમજ દૃઢતાથી યોગ્ય માત્રાઓવાળા સ્વરે પૂછ્યું.

‘ખોટું તો કાંઈ નહિ, બહેન, પણ સ્ત્રીઓનું આ આક્રમણ સમયસર થંભે તો સારું તેટલું તો મને હું સ્ત્રી છું તોપણ લાગે છે.’ ચંદ્રાબાએ તરંગિણીને વાતે વાળી.

‘નહિ તો શી ખબર ક્યાં જઈને અટકશે!’ બાથી નહોતું રહેવાતું.

‘કેમ એમ?’ અર્વાચીના પળભર બધું જ ભૂલી જઈ, ચર્ચાએ ચઢી. તેણે ચંદ્રાબાની શંકાને સાંધી.

‘શી ખબર કેમ, પણ સ્ત્રીનું ખરું ક્ષેત્ર ઘર જ છે એવી પેલી રૂઢ માન્યતા મારાથી હજુ નથી છોડાતી.’ ચંદ્રાબા ચર્ચાની સભ્યતાના નિયમોને સરસ રીતે પાળી શકતાં.

‘ત્યારે સુશિક્ષિત સ્ત્રીઓએ ફરી પાછાં…’ તરંગિણીએ ધીમે ધીમે વિચાર રજૂ કરવા માંડ્યો, ત્યાં તો બાએ લાલ થઈ જઈને તેને કાપી નાખી : ‘એમાં જ આ બધો ગોટાળો વળે છે! છોકરીઓને ભણાવવી જ ન જોઈએ!’

અલબત્ત આટલું બોલી તેમણે અર્વાચીના સામે જોયું, અને સુધારવા માંડ્યું, ‘ના! ના!… ભણાવવી તો જોઈએ, પણ…’

આખો સમાજ આ વખતે બારીમાંથી તેમની સામે જોઈ રહ્યો.

‘સ્ત્રીઓ શિક્ષણ મેળવી વધુ સારી સ્ત્રીઓ જરૂર થઈ શકે, પણ ઘરના ક્ષેત્રે… એવું મને લાગે છે.’ ચંદ્રાબાએ તરંગિણીને ઉદ્દેશી, પણ આજે તેમની એક આંખ પોતાના પર પણ હોય તેવું અર્વાચીનાને લાગ્યું. તેનો ભ્રમ પણ હોય.

‘હું પણ એ જ કહું છું કે પોતાના પતિને ચાલુ હાલતમાં રાખે તોપણ ઘણું.’ બાથી બોલ્યા વિના નથી જ રહેવાતું તેની અર્વાચીનાને ખાતરી થઈ. સારું છે બાપુજી…

‘પણ સ્ત્રીઓ પોતાની વિશિષ્ટ શક્તિથી, પ્રતિભાથી, અમુક ચોક્કસ રીતે સમાજના સામૂહિક કાર્યમાં મદદ કરે તેવી… સમયની માગ છે.’ તરંગિણીએ મુદ્દો ઉઠાવ્યો.

‘એ શક્તિ કઈ?’ ચંદ્રાબાએ પૂછ્યું.

‘આકર્ષવાની!’ તરંગિણીએ સહેજ વિચાર કરીને કહ્યું.

અર્વાચીનાએ આંખોથી ‘હા’ પૂરી જ્યારે બાએ એવી જ આંખે ચંદ્રાબાને પૂછ્યું, ‘જોયું ને? આવું છે!’

‘પોતાનામાં રહેલી આકર્ષવાની શક્તિને સહીસલામતીની સીમાઓમાં રહી જો પૂરેપૂરો ન્યાય આપવો હોય તો પોતાના ઘરને જ તે માટેના છેવટના ક્ષેત્ર તરીકે તે સ્વીકારે તો સ્ત્રીઓ માટે વધુ સારું નહિ?’ ચંદ્રાબાને તરંગિણીની નીડરતા ગમી.

‘તેથી વ્યક્તિગત સ્થિરતા કદાચ સચવાય, પણ સામાજિક આબોહવા નહિ બદલાય, અને તે તો પહેલી જ બદલવી જોઈએ.’ તરંગિણીના વિચારો વધુ સ્પષ્ટ થતા જતા હતા.

‘પણ એ બેને કેટલો ગાઢ સંબંધ છે!’ અર્વાચીના સહેજ સંકોચ સાથે કૂદી પડી.

‘તમારે કેવો સમાજ જોઈએ છે?’ ચંદ્રાબાએ ચમકારા મારતી આંખે, સહેજ રમૂજ સાથે તરંગિણીને પૂછ્યું.

‘મારે પોતાને તો…’ તરંગિણી અટવાતી હતી, એટલે…

‘એક સરસ વર જોઈએ છે, કહી દેને, બહેન! બાએ લાક્ષણિક રીતે તેને મદદ કરી… એટલે તરંગિણીને નવેસરથી શરૂ કરવું પડ્યું.

‘કેવો સમાજ જોઈએ એ મારી પસંદગીનો સવાલ તો નથી, પણ કેવો સમાજ આવે છે તે કહી શકું.’

ચંદ્રાબાએ કાન માંડ્યા.

‘નિરક્ષરતા મટતી જશે તેમ તેમ વ્યક્તિ–સ્ત્રીઓ જાગતી જશે, વાંચતી જશે, વિચારતી જશે. જૂનાં માળખાં તૂટતાં જશે. નવા જીવન માટે, તે સાથે તાલ મેળવવા માટે, પુરુષોને નવી પ્રેરણા જોઈશે. તેને માટે સદીઓથી અંધારામાં અટવાતી દેશની અબલા સ્ત્રીઓને બદલે નવી સ્ત્રી જન્મશે તેની સાથે જ તે નવો ધર્મ લેતી આવશે…’

‘કયો?’ ચંદ્રાબાએ પૂછ્યું.

‘તે ધર્મ સામૂહિક નહિ હોય, વ્યક્તિગત ધર્મ હશે…’

‘સ્વાર્થી?’ અર્વાચીનાએ અણધારી રીતે પૂછ્યું.

‘કદાચ!’ તરંગિણીએ ભાવપૂર્વક અર્વાચીના તરફ ફરી કહ્યું અને ઉમેર્યું, ‘પણ હવે પછીની સ્ત્રીએ સ્વાર્થને વિશુદ્ધ કર્યો હશે.’

‘એવું બધું થાય તો બહુ સારું.’ બાએ પણ નમતું જોખ્યું. તેમના પૂર્વજીવનમાં તેમણે જોયેલા નિરક્ષર, નિરાનંદ અશિક્ષિત વાસનાઓથી વ્યાકુળ સ્ત્રીત્વનો ડંખ અસ્પષ્ટ રહીને પણ તેમને બેચેન બનાવી દેતો હતો અને અમદાવાદમાં પણ તેના ઓળા ક્યાં ઓછા હતા?…

‘પણ આ નવા પ્રસ્થાનમાં ભૂલ પડવાનો, ભટકવાનો ભય નથી?’ હવે શંકા ઉઠાવવાનો ચંદ્રાબાનો વારો હતો.

‘છે જ… પણ આ નવાં પ્રસ્થાન કાંઈ સાવ નવાં નથી… સ્ત્રીએ તો પોતાનું સનાતન કાર્ય જ પૂરું પાડવાનું છે. માત્ર સંજોગો બદલાય છે.’ તરંગિણી એમ.એ.ની વિદ્યાથિર્ની હતી.

‘તે કયું કાર્ય?’ ચંદ્રાબાએ પોતાને છાજે તેવી રીતે પૂછ્યું.

‘ચાહવાનું… નિર્ભય કરવાનું…’ અર્વાચીના બોલી.

તરંગિણી ચૂપ થઈ ગઈ. તેને પણ આ વિચાર નહોતો આવ્યો. બાને તો અર્વાચીનાના આ શબ્દો સમજાયા જ નહિ.

…અને ચંદ્રાબા અને અર્વાચીના એકબીજાને માપી રહ્યાં.

પેલી નિર્ણયાત્મક સામૂહિક સભામાં આ ચંદ્રાબાનો જ સામનો કરવો પડશે તેનું અર્વાચીનાને અત્યારે મહત્ત્વ સમજાયું.

*