આપણો ઘડીક સંગ/પ્રકરણ ૨૧

From Ekatra Wiki
Revision as of 10:37, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧

પછીના શનિવારની સાંજ ધૂર્જટિએ અતુલની મુલાકાત માટે બાજુ પર રાખી મૂકી હતી. તે આવી. ફરી એક વાર ધૂર્જટિ અતુલની રૂમ્સ તરફ જતો હતો. આ વખતે તે હળવા મિજાજમાં હતો.

બસસ્ટૅન્ડ પર તે મનમાં ને મનમાં મલકાયો : ‘મને કહેતો હતો ને કે ડબો બાંધીને પડજો!… હવે જોઈએ, એની શી દશા થઈ છે!’ ધૂર્જટિને અતુલ ઉપર મીઠું વેર આવ્યું.

જોયું તો તેની સામે બીજું કોઈક પણ મલકાતું હતું. તેની કોઈક વિદ્યાથિર્ની સાઇકલ ઉપર પસાર થતી હતી. સાહેબને મલકાતા જોઈ તે પણ…

પ્રોફેસર ધૂર્જટિ એકદમ સચેત થઈ ગયા. મોં પરનું સ્મિત તરત જ પાછું ખેંચી લીધું. ગજબ થઈ જાયને? ગેરસમજ થાય તો?

રસ્તામાં તેને ખલીફ હારૂન-અલ-રશીદના વિચારો આવવા મંડ્યા. ‘અત્યારના અમદાવાદમાં રહેવું, એ પહેલાંના બગદાદમાં રહેવા જેટલું જોખમભરેલું છે…’ આમ તે વિચારતો હતો, ત્યાં તેને ઊતરવાનું આવ્યું.

અતુલને ત્યાં ટકોરા મારતાં તેને થયું કે અતુલનું સ્ટેથોસ્કોપ આગળ જ પડ્યું હોય તો સારું; તેના હૃદયના ધબકારાની ખબર રહે.

‘ઓહો!… હો!… હો!… હો…! જટિ!’ અતુલની આવકાર આપવાની આ રીતને લીધે તેને ઘણા મિત્રો ગુમાવવા પડ્યા હતા. જોકે ધૂર્જટિ જેવા થોડાક તેને વળગી રહી, તે કોઈક વાર સુધરશે તેવી શ્રદ્ધા સેવી રહ્યા હતા.

ધૂર્જટિને એમ કે આ તરંગિણીની તવારીખ પછી અતુલ જરા ઠર્યો હશે — અરે! કદાચ ગમગીન અને અસ્વસ્થ પણ થઈ ગયો હોય! અને અહીં તો પહેલાં કરતાંય બેવડો અને ખુશખુશાલ અતુલ બારણું ખોલી સામે જ ઊભો હતો.

‘અતુલ, શું કરતો હતો?’ અતુલ કાંઈક ગ્રાફ જેવું ગોરવાનું અધૂરું મૂકી ઊઠ્યો હતો તે જોઈ ધૂર્જટિએ કહ્યું.

‘ગ્રાફ દોરતો હતો!’ અતુલે ખુલાસો કર્યો. તેના અવાજમાં કાંઈ વ્યંગ જેવો મરોડ હતો.

‘હં!’ ધૂર્જટિને ગ્રાફમાં બહુ રસ ન પડ્યો.

‘હં નહિ!’ મેં તમે કીધું કે તું આવ્યો ત્યારે હું ગ્રાફ દોરતો હતો, જટિ!’ અતુલે જરા અકળાયેલા અવાજે કહ્યું.

‘તે મેં સાંભળ્યું!’ ધૂર્જટિ પણ જરા આળો હતો.

‘શું સાંભળ્યું?’ અતુલે પૂછ્યું.

‘કે…’ અને આ વખતે તો ધૂર્જટિથી ન રહેવાયું : ‘મેં સાંભળ્યું કે તું અને તરંગિણી છૂટાં પડી ગયાં છો!’ તેણે કહી નાખ્યું, અને પછી થિયેટરમાં દીવા હોલવાયા પછી પ્રેક્ષકો ચિત્ર ચાલુ થવાની રાહ જોતા બેસી રહે તેમ તે બેસી રહ્યો.

જવાબમાં અતુલ પળ-બે-પળ ખરે જ સાવ ખોવાઈ ગયો. બહારથી એ જ રોજના લાલ–ગુલાબી–તાઝગી અને કસભર્યા દેખાતા અતુલમાંથી અચાનક કાંઈક ઊડી ગયું હોય તેમ લાગ્યું. ધૂર્જટિને આ વાત છેડ્યા બદલ જરા ખેદ થયો.

જોયું તો અતુલ પેલા ગ્રાફ-પેપર પર પેન્સિલ તોળી ઊડો ઊતરી ગયો હતો.

‘હવે મૂકને એ ગ્રાફને!’ ધૂર્જટિએ અતુલને હળવો કરતાં કહ્યું.

…પણ અતુલ પર તો એક જ વાદળું વીંટળાઈ વળ્યું. તેને બોલવાનો પણ હવે અણગમો આવતો હતો. જાણે પહેલાંનો અતુલ જ નહિ. તે કાંઈક ખૂબ જ સમજી ગયો હોય તેવી તેની આંખ વિચિત્ર રીતે ખંધી અને જરા ક્રૂર લાગતી હતી.

અતુલને આ ચહેરો છાજતો ન હતો. તેની નીચેનો પેલો ગાલગુલાલ નિર્દોષ ચહેરો રૂંધાતો હતો.

‘કાંઈ સમજ નથી પડતી, જટિ! તેં તો ખૂબ વાંચ્યું છે!’ અતુલે તૂટક કહેવા માંડ્યું.

‘શું?’ ધૂર્જટિએ તેને સ્નેહથી કહ્યું.

‘જોને, જટિ!’ અતુલે આંખ જોડ્યા વિના જ કહ્યું : ‘આ… હસીશ નહિ, પણ… આ… ગ્રાફમાં એ જ સમજવા પ્રયત્ન કરતો હતો.’ અને સંકોચથી લાલ થઈ ગયેલા મોં સાથે અતુલે તે ગ્રાફ ધૂર્જટિને આપ્યો.

ગ્રાફમાંની રેખા ખૂબ જ ઊચે પરાકાષ્ઠાએ પહોંચી, પછી ત્યાંથી પટકાઈ, પાછી નીચે પડતી જતી હતી…

ધૂર્જટિએ ગ્રાફ જોઈ પાછો ટેબલ પર મૂકી દીધો.

અતુલ આર્ત નજરે ધૂર્જટિ સામે જોઈ રહ્યો હતો. તેને જવાબ જોઈતો હતો. તે કંઈક ખુલાસો માગતો હતો, તેને કાંઈક સમજવું હતું.

અતુલ અને તરંગિણીનો પરિચય સમયની દૃષ્ટિએ લાંબો કહેવાય તેવો ન હતો, અને છતાં એટલો તીવ્ર હતો કે તેમને માટે એક વાર તો દિવસો, મહિનાઓ અને વર્ષોનાં બીબાંમાં બનેલા વિચારોનું માળખું છેક જ તૂટીફૂટી ગયું…

હોટેલ-થિયેટર, બાગ-બગીચામાં હસતાં, હરતાં, ફરતાં પણ બે જણાં અદમ્ય આવેગોના એવા ભરડામાં આવી પડ્યાં કે બંનેને ડર લાગ્યો કે તેમની આખીય જિંદગી આવી એકબીજા માટેની ઘૂમરીઓમાં જ ગુમ થઈ જશે.

અને એમાં તો એમનું અહંકેન્દ્રિત અસ્તિત્વ એવું અટવાઈ જવા માંડ્યું કે બંને રૂંધાવા મંડ્યાં.

અતુલની હાજરીમાં તરંગિણીનાં સોનેરી રૂંવાડાં સળગી રહેતાં, અને તરંગિણીના સાંનિધ્યમાં અતુલના લોહીમાં ચાબખા વાગતા.

પેલા ગ્રાફમાં અતુલ કાંઈક આવું કહેવા માગતો હતો.

એ અતુલ તેમજ તરંગિણીની વ્યથાનો ગ્રાફ હતો — તેમના આનંદનો, ઉન્માદનો.

અતુલ-તરંગિણી માટે આ સિવાય બીજી કોઈ સપાટી પર મળવું જ અશક્ય હતું, અને સાથે સાથે આવો ઉન્માદશીલ પરિચય ચાલુ રાખવો એ પણ તેટલું જ અશક્ય હતું, કેમ કે એ તેમને એક એવી રક્તરંગી તીવ્ર દુનિયામાં ફગાવી દેતો, જેમાં પહોંચ્યા પછી તેમનાં મૂળ આજુબાજુના માનવસમૂહોમાંથી ઊખડી જતાં.

આમાંથી બચવા બંનેએ પ્રયત્ન કર્યો. અને છૂટાં પડવું પડે તેમાં એ બંનેની હાર હતી, તે કોઈક સારાઈની શક્યતાનો વિદ્રોહ કરતાં હતાં તેવું બંનેને ખૂંચતું હતું, પણ…

છેવટે બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું.

અત્યારે તો અતુલ તેની આંતરગતિ વિશે અત્યંત અસ્પષ્ટ હતો.

આથી આગળ દોરી જવામાં ધૂર્જટિ નિષ્ફળ નીવડ્યો.

આ પછીની બંનેની વાતો છેક જ ચીલાચાલુ અને નીરસ બની રહી.

અતુલને ત્યાંથી વળતે ધૂર્જટિ તે દિવસે અર્વાચીનાને પાછી મૂકવાની જતી વખતે થયેલી વાતોને વાગોળતો હતો. અચાનક એને અર્વાચીના સાથેના તરંગિણીના સંવાદનો એક કટકો યાદ આવ્યો.

પોતે અતુલથી કેમ છૂટી પડી તેનું કારણ દર્શાવતાં તરંગિણીએ અર્વાચીનાને કહેલું :

‘અર્વાચીના! અમે છૂટાં પડવાનું નક્કી કર્યું ત્યારે સાચે જ એક વાર તો જગત આખુંય ખૂબ ખાલીખમ લાગ્યું… અસહ્ય, પણ હવે વિચાર આવે છે કે અમે સાથે રહેવાનું નક્કી કર્યું હતું તે દિવસો દરમ્યાન પણ એક આવેગના આનંદ સિવાય બાકીનું જગત એટલું જ ખાલી લાગતું.’

અર્વાચીના આમાંનું કાંઈ સમજી ન હતી.

ધૂર્જટિ કાંઈક સમજવા મંડ્યો.

*