આપણો ઘડીક સંગ/પ્રકરણ ૨૨
પ્રોફેસર ધૂર્જટિનું દીવાનખાનું આજે ક્યારનુંય બધાંની રાહ જોઈ બેસી રહ્યું હતું. તેનાં સોફા-ખુરશીઓ પણ આજે તો મોં-બો ધોઈ, જરા નવાં કપડાં પહેરી, સ્વચ્છ, સુઘડ થઈ બેસી ગયાં હતાં. પેલા ભૂલા પડેલા ભૂલકા જેવા મેજે તો વળી માથે કેવી મજાની ફૂલદાની લીધી હતી! અરે! કૅલેન્ડરમાંથી રોજ હસતી પેલી માથે મટૂકીવાળી કન્યા પણ… તેને પહેલી જ વાર જોઈ એટલે… કે શી ખબર કેમ… પણ તેને જોઈ, ચોપડીના કબાટમાં રોજ સુસ્ત પડ્યા રહેતા ‘કલાપી’ આજ તો બારણું ધકેલી બહાર આવી પડ્યા, અને એ તો માંડત કાંઈક ગાવા… પણ ધૂર્જટિએ તેમને સાચવીને અંદર પાછા પોતાની જગ્યાએ ગોઠવી દીધા. ત્યારથી ધૂર્જટિએ ચોપડીઓના આ કબાટનાં કાચનાં બારણાં કઢાવી, પાટિયાં નંખાવી દીધાં. શોભના અને રમામાં તો આટલા હેરાન થયા, અને આ વળી ત્રીજીમાં જીવ પેસે તો… નકામું માથે આવે! બધા બાપુ-બાદશાહો કહેવાય એ કબાટવાળા સાચવવા સારા!
‘હવે તો સાડા પાંચ થયા!’ ઘડિયાળના મોં પર પણ થાક અને અણગમો હતો…
એટલામાં તો અર્વાચીના, અર્વાચીનાનાં બા અને બાપુજી આવી પહોંચ્યાં. તેમની સાથે ધૂર્જટિ અને ચંદ્રાબા પણ. બધાં વિધિસર દીવાનખાનામાં દાખલ થયાં.
આ પેલી અતિ મહત્ત્વની વડીલોની મુલાકાત હતી, જેમાં ધૂર્જટિ–અર્વાચીના પોતાની વાત મૂકવાનાં હતાં.
ધૂર્જટિ અને અર્વાચીના નમ્રતાથી નેતરની ખુરશીઓમાં બેઠાં; વડીલોએ સોફામાં — ફનિર્ચરના વડીલોમાં સ્થાન લીધું.
પહેલાં ઔપચારિક ‘આવો — બેસો’ પછી બધાં શાંત થઈ ગયાં. ધૂર્જટિને એમ લાગ્યું કે વાતચીતનું ઉદ્ઘાટન કરવા વડીલોને વિનંતી કરવી પડશે. અર્વાચીના સામે જોયું, અર્વાચીનાએ તેના સામે જોયું, અને વડીલોએ ત્યાં સુધી તે બંને સામે આંખના ખૂણામાંથી જોયું.
ધૂર્જટિએ છેવટે ખૂબ જ સભાન થઈ, કોલર સરખો કરી, એક ખોંખારો ખાધો… પણ બોલવા પહેલાં તેને એમ થઈ આવ્યું કે લાવ અર્વાચીનાની છેવટની અનુમતિ લઈ લઉં.
અને જોયું તો અર્વાચીનાની આંખો તો ધાણી ફૂટે એમ બોલતી’તી : ‘આ બધું શું છે? ખોંખારા ખાવા, ને કોલર કરખા કરવા, ને…’
ધૂર્જટિએ સંકોચ કોરાણે મૂક્યો.
‘મુરબ્બીઓ!’ ધૂર્જટિએ શાંતિનો સવિનય ભંગ કર્યો.
અર્વાચીનાનાં બા, બાપુજી અને ચંદ્રાબા — ત્રણેય મુરબ્બીઓને તેને મૌનપૂર્વક સાંભળવાની તૈયારી બતાવી. તેના પર આંખ માંડી… આથી તો ધૂર્જટિ જરા વધુ અકળાયો.
‘આપણે… વાતો કરીએ!’ આખરે તેણે દૃઢતાથી, કાંઈક નવી જ પ્રવૃત્તિ સૂચવચો હોય તેમ, કહ્યું.
‘કરીએ!’ વડીલો તરફથી બૂચસાહેબે જવાબ દીધો.
વળી પાછો ધૂર્જટિ મુશ્કેલીઓમાં આવી પડ્યો. આગળ શું કહેવું? તેણે આજુબાજુ જોયું…
અરે! સાવ સહેલું છે!
ધૂર્જટિએ હસતી આંખે ત્રણેયને જકડી રાખી, બોલવા માંડ્યું :
‘આ અર્વાચીના એમ કહે છે કે…’
‘હું એવું કહેતી જ નથી!’ અર્વાચીનાએ તેના પેલા હંચકા જેવા હૂંફાળા અવાજે ધડાકો કર્યો.
વાત વાજબી હતી! તેણે વળી ક્યારે કીધું’તું? ત્યારે…
‘મને એમ છે કે અમે બે…’ ધૂર્જટિએ બીજી શરૂઆત વિચારી જોઈ.
પણે વડીલો હસુંહસું થઈ બેઠાં હતાં. કૃષ્ણ ભગવાન હોય તો બિચારા ચીર પણ પૂરે, પણ આવું તો દ્રૌપદીને પણ નહિ થયું હોય…
છેવટે…
‘મેં અને અર્વાચીનાએ…’ અહીં ધૂર્જટિ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક અટક્યો.
વડીલો હવે પછીની વાત કેવી રીતે ઝીલે છે તે તેને જોવું હતું.
‘મેં અને અર્વાચીનાએ લગ્ન કરવાનો વિચાર કર્યો છે!’
…અને આમ કહી ધૂર્જટિ કાંઈક અવનવું બનવાની રાહ જોઈ રહ્યો.
કાંઈ જ ન બન્યું! વડીલો તો પોતપોતાની જગ્યાએ જ જરા વધુ ફોળાઈને બેઠાં. ચંદ્રાબાએ તો માત્ર આળસ મરડીને ચોખ્ખું બગાસું જ ખાધું. અર્વાચીનાનાં બા હતાં તેમ જ બેસી રહ્યાં અને કાંઈક સરસ પ્રસંગ યાદ આવ્યો હોય તેમ મનથી એકલાં એકલાં હસી રહ્યાં. બૂચસાહેબે ચશ્માં ઉતારી, આંખ લૂછી સીલંગિ સામે જોવા માંડ્યું.
…આવી તો આશા જ નહોતી રાખી. ધૂર્જટિને થયું : શું ધાર્યું છે એમણે?
હવે તો અર્વાચીના પણ અકળાઈ.
‘તમારે વિરોધ નથી જ કરવો?’ ધૂર્જટિએ પૂછ્યું.
ત્રણે વડીલોએ એકબીજા સામે જોઈ વિરોધ કરવાની ચોખ્ખી ના પાડી.
‘વડીલો છો, તોપણ વિરોધ નહિ કરો?’
‘ના!’ ચંદ્રાબાએ કહ્યું.
‘અમે લગ્ન કરીએ તોપણ?’
‘ના!’ અર્વાચીનાનાં બાએ કહ્યું.
‘સ્નેહલગ્ન કરીએ તોપણ?’
‘તોપણ નહિ!’ બૂચસાહેબે કહ્યું.
હવે શું કરવું?
વડીલોના વિરોધ વિના તો લગ્ન કરવાનો જ શો અર્થ?
‘તમે વિરોધ નહિ કરો તો અમે લગ્ન જ નહિ કરીએ!’ અર્વાચીનાએ ચોખ્ખી ધમકી આપી.
‘તો તમારી મરજી!’
ત્રણેય વડીલોનાં મોં પર આ ભાવ સ્પષ્ટ દેખાતો હતો.
ધૂર્જટિ અને અર્વાચીનાને સાચે જ ઊડો આઘાત લાગ્યો.
એમનાં લગ્નનો વિરોધ કરવા જેટલું પણ વડીલો એમને મહત્ત્વ નથી આપતાં?
એના કરતાં તો…
અને ખરેખર!…
ક્યાંક બહુ દૂરથી, ઊડેથી, એ આંચકાનાં આંદોલનો બંનેને ક્યારનાંય આવતાં તો સંભળાતાં જ હતાં!
આ આંચકો હવે સાવ નજીક આવી ધૂર્જટિના દીવાનખાનાને અથડાઈ રહ્યો, દીવાલો ધ્રૂજી ઊઠી. આછા ગડગડાટ વચ્ચે દીવાનખાનાની ભોંયના બે કટકા થઈ ગયા.
બે કટકા એકબીજાથી દૂર ખસતા ગયા…
એક પર હતાં ચંદ્રાબા અને ધૂર્જટિ, બીજા પર અર્વાચીનાનાં બા-બાપુજી અને અર્વાચીના — એક બાજુ ધૂર્જટિ અને તેનું કુટુંબ, બીજી બાજુ…
અર્વાચીના અને ધૂર્જટિએ એકબીજાને વળગી રહેવા હાથ લંબાવ્યા.
બંને વચ્ચેની તરડ વધતી ચાલી.
નીચે એકલતાની ઊડી ખાઈ ખૂલતી જતી હતી.
ધૂર્જટિ — અર્વાચીનાની પકડ છૂટતી ન હતી.
બંનેને અંધારાં આવી ગયાં….
જાગીને જોયું તો દીવાનખાનું હતું તેમનું તેમ જ હતું.
જોકે પાછળથી એક વાર શેતરંજી ઉપાડી ત્યારે ચંદ્રાબાને થયું કે દીવાનખાનામાં આ તરડ ક્યાંથી પડી? પહેલાં તો નહોતી!
ચંદ્રાબા કહે, ‘શી ખબર, ક્યારેય પડી હશે! જટિ જાણે!’
આ બાજુ અત્યારે તો…
વડીલો પીગળ્યાં.
‘જો તમે બે મક્કમ હશો તો… તો તો તમારે વિરોધ કરવો જ પડશે!’ વડીલોએ વિરોધ કર્યો.
અર્વાચીના — ધૂર્જટિને હવે લગ્નમાં કાંઈક અર્થ દેખાવા માંડ્યો.
‘તો અમારાં લગ્ન થશે જ!’ એમણે મક્કમતાપૂર્વક જાહેર કર્યું.
‘ને મારાં પણ!’ વિનાયકનો બાબો બોલી ઊઠ્યો. વિનાયક આજે પહેલી જ વાર સકુટુંબ આવ્યો હતો. એ બધાં હમણાં જ દીવાનખાનામાં દાખલ થતાં હતાં.
…અને પછી તો અભિનંદનોની રમઝટ બોલી.
ધૂર્જટિના મિત્રોની મંડળી પણ આવી પહોંચી.
આખું દીવાનખાનું ઉત્સાહથી ઊભરાવા માંડ્યું.
‘હવે લગ્નનું શું? ક્યાં? અને ક્યારે?’ બધાંનો આ જ પ્રશ્ન હતો.
સ્થળ : અર્વાચીનાએ ધૂર્જટિના ઘરના વિસ્તાર પર આંખ ફેરવી લીધી.
સમય : ધૂર્જટિ ઘડિયાળના કૅલેન્ડર તરફ અને કૅલેન્ડરથી ઘડિયાળ તરફ જોઈ રહ્યો.
અને પછી…
‘એ… આગળ ઉપર નક્કી કરીશું, કેમ, અર્વાચીના?’ ધૂર્જટિએ અર્વાચીનાને પૂછ્યું.
અને અર્વાચીનાએ પણ એ જ કહ્યું : ‘હં… આગળ ઉપર!’
આ ‘આગળ ઉપર’ એટલે ક્યારે–ક્યાં, તે તો ધૂર્જટિ અને અર્વાચીના જ સમજ્યાં.
કાંઈક સમજ્યો વિનાયક.
‘જાણતો જ હતો!’ તે બબડ્યો. ‘આ ધૂર્જટિ — અર્વાચીના જેવાંને આપણાં સમય અને આપણાં સ્થળ પસંદ આળે જ નહિ કદીય!’
‘…આગળ ઉપર!’ વિનાયક બબડતો જ રહ્યો : ‘આગળ ઉપર! આગળ ઉપર!’
અત્યારે તો અર્વાચીના — ધૂર્જટિને ફરી આક વાર અભિનંદન આપી બધાં આનંદથી છૂટાં પડ્યાં…*