ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મણિશંકર રત્નજી ભટ્ટ (‘કાન્ત’)
સ્વ.મણિશંકર રતનજી ભટ્ટનો જન્મ સં.૧૯૨૪ના કાર્તિક વદ ૮ના રોજ કાઠિયાવાડમાં લાઠી નજીક આવેલા તેમના વતન ચાવંડ ગામમાં થયેલો. ન્યાતે તેઓ પ્રશ્નોરા નાગર હતા. તેમના પિતાનું નામ રત્નજી મુકુંદજી ભટ્ટ અને માતાનું નામ મોતીબાઈ તેઓ ચાર ભાઈઓ હતા. સૌથી મોટા સ્વ. ગૌરીશંકર એક કુશળ વૈદ્ય અને હરિકથાકાર હતા. બીજા સ્વ. માધવજી (પ્રો. હરિલાલ ભટ્ટના પિતા) ગુજરાતી શિક્ષક હતા. ત્રીજા હરજીવનભાઈ અને ચોથા-સૌથી નાના મણિશંકરભાઈ. તેમને બે બહેનો હતી : દયાબહેન અને પ્રાણીબહેન. તેમના કુટુંબની સ્થિતિ સાધારણ હતી. મણિશંકરભાઈની બાલ્ય વયમાં જ તેમના પિતા અવસાન પામ્યા હતા. તેમણે પ્રાથમિક કેળવણી માંગરોળમાં, મોરબી તથા રાજકોટમાં અને માધ્યમિક કેળવણી ગોંડળ તથા રાજકોટમાં લીધી હતી. રાજકોટની હાઈસ્કૂલમાં તેમના સહાધ્યાયીઓ સ્વ. પ્રભાશંકર પટ્ટણી અને મહાત્મા મોહનદાસ ગાંધી હતા. ઉંચી કેળવણી તેમણે મુંબઈની એલ્ફીન્સટન કૉલેજમાં લીધી હતી. લૉજીક અને મૉરલ ફીલોસોફીનો વિષય લઈ ઈ.સ.૧૮૮૮ની સાલમાં તે બી. એ.માં બીજા વર્ગમાં પાસ થયા હતા. જ્ઞાતિમાં એ પહેલા જ ગ્રેજ્યુએટ હોવાથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું. કૉલેજના પ્રિન્સીપાલ વર્ડ્ઝ્વર્થ તથા ફીલોસોફીના પ્રોફેસર મૅકમિલન એ બેઉનો મણિશંકરભાઈ ઉપર પક્ષપાત હતો. મણિશંકરભાઈનું પ્રથમ લગ્ન તેમની ચૌદ-પદર વર્ષની વયે કુંડલાના વૈદ્ય જટાશંકરની પુત્રી નર્મદાકુંવર સાથે થયું હતું. એ બાઈ અત્યંત સુશીલ અને સ્વરૂપવાન હતાં. સં.૧૯૪૭માં ભરયુવાવસ્થામાં તેમનું અવસાન થવાથી મણિશંકરભાઈના હૃદય ઉપર ખૂબ આઘાત થયો હતો. તે સમયની તેમની વિહૂવળતા બેહદ હતી. સ્વ. નર્મદાકુંવરના અવસાનથી થયેલો હૃદયાઘાત તેમની કેટલીક કવિતામાં અનેક સ્વરૂપે ઊતર્યો છે. મણિશંકરભાઈનું બીજી વખતનું લગ્ન જામનગરમાં શંકરલાલ જેઠાભાઈનાં પુત્રી બાઈ નર્મદા સાથે ખંભાળિયામાં થયું હતું. તેમનાથી મણિશંકરભાઈને પાંચ સંતાનો- ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં હતાં: મુનિકુમાર, જયન્તકુમાર, સ્વ. સૌ. હૃદયલક્ષ્મી, સ્વ. અજીતકુમાર અને સૌ. ડોલરકલી. સૌ. નર્મદા પણ સંવત ૧૯૭૪માં મૃત્યુ પામ્યાં હતાં. મણિશંકરભાઈ બી. એ.માં પાસ થયા પછી તુરત ૧૮૮૯માં સુરતની સરકારી હાઈસ્કૂલમાં આસિસ્ટંટ તરીકે નીમાયા હતા. બીજે વર્ષે ૧૮૯૦માં તે વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક તથા ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તર નીમાયા હતા. રાજકુમાર જયસિંહરાવના શિક્ષક તરીકે પણ તે કામ કરતા. વડોદરા રાજ્યની નોકરી આઠ વર્ષ કર્યા પછી તે તેમાંથી છૂટા થયા હતા. “શિક્ષણનો ઇતિહાસ” પુસ્તક તેમણે વડોદરા રાજ્યની નોકરી દરમિયાન લખેલું. તા.૧-૧૨-૯૮થી તે ભાવનગરના કેળવણી ખાતામાં જોડાયા, તે પચીસ વર્ષ સુધી રહ્યા. ભાવનગરમાંના તેમના જીવનકાળમાં અનેક રીતે તેમની કસોટી થાય તેવા બનાવો બન્યા. ભાવનગરમાં આવ્યા પૂર્વે ખ્રિસ્તી ધર્મ તરફ તેમના હૃદયનું આકર્ષણ થયું હતું. ભાવનગરમાં તેમણે એ ધર્મના સાહિત્યનો અભ્યાસ વધાર્યો અને સને ૧૯૦૦માં તેમણે ખ્રિસ્તી ધર્મ જાહેર રીતે સ્વીકાર્યો. જ્ઞાતિજનો અને સ્નેહીજનો તરફથી તે માટે તેમના ઉપર ફીટકારનો વરસાદ વરસ્યો. અનેક વર્તમાનપત્રોએ તેમની સામે તરેડવાર આક્ષેપો કર્યા. સ્વભાવ અત્યંત કોમળ હોવાથી તેઓ નિંદા સહન કરી શક્યા નહિ અને અંતઃકરણથી જે સત્ય માનતા તેનો સ્વીકાર નિભાવી શક્યા નહિ. બાપ્મીઝમ લીધા પછી ભાવનગર રાજ્યની નોકરી પણ તેમણે છોડી દીધી હતી, તે તેમણે ૬ માસ પછી પાછી લીધી અને તે ખ્રિસ્તી ધર્મ છોડી આર્ય થયા, જોકે અંતઃકરણથી તે ખ્રિસ્તી જ રહ્યા હતા. તેમણે વેદ, ગીતા, કુરાન વગેરે ધાર્મિક પુસ્તકો ધ્યાનથી વિચાર્યા હતા, પરંતુ એ બધામાંથી પણ ખ્રિસ્તી ધર્મને અનુકૂળ જણાતી વાતો જ તેમના મગજમાં ચિતરાઈ જતી અને શાશ્વત અસર એ સિવાય બીજા કશાની રહેતી નહિ, ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અગાઉ તેમણે સ્વીડનબોર્ગ સંબંધે ઘણું વાંચ્યું હતું, એ વાચનની છાપ એમના મગજ ઉપર હમેશાં રહી હતી. મણિશંકરભાઈના મોટા ભાઈ ગૌરીશંકરે આવાં બધાં પુસ્તકો પોતાની પાસે રાખી લીધાં હતાં અને મણિશંકરભાઈને તે પાછાં ન આપવાં એવો નિર્ણય કર્યો હતો. એ પુસ્તકો વિના મણિશંકરભાઈ અસહાય જેવા બની ગયા. તેવામાં મોટાભાઈનો પત્ર આવ્યો કે બધાં પુસ્તકો રેલવે પાર્સલથી રવાના કરી દીધાં છે, તે જાણતાં મણિશંકરભાઈને ઘણો હર્ષ થયો અને પુસ્તકો આવ્યા પછી એકએક પુસ્તક પોતાના હાથે સાફ કરી, એક નવું કબાટ તેજ દિવસે ખરીદી તેમાં ગોઠવતાં ગોઠવતાં તે ખરેખર રોયા. મણિશંકરભાઈના વિદ્વાન મિત્રોમાં બળતરાય ક. ઠાકોર, સ્વ. કલાપી, કવિશ્રી નાનાલાલ અને સ્વ. અમૃતલાલ પઢિયાર મુખ્ય હતા. કલાપી સાથે એમનો વિશુદ્ધ સ્નેહ માત્ર ચારેક વર્ષ રહ્યો અને કલાપીના અવસાનથી તે પૂરો થયો. કલાપી ઉપર મણિશંકરંભાઈના વ્યક્તિત્વની એવી અસાધારણ છાપ પડી હતી કે કલાપીનું હૃદય તેમની પાસે અજબ રીતે ખુલી ગયું હતું. તેમણે ગદ્યમાં અનેક પુસ્તકો લખેલાં અને પદ્યમાં તેમની વિશિષ્ટતા ભરી શૈલી આજે 'કાન્ત શૈલી'ને નામે ઓળખાવા લાગી છે. 'પૂર્વાલાપ'માં તેમનાં બધાં સારાં કાવ્યો સંગ્રહાયાં છે. ભાવનગરનરેશ સંગીતના પ્રેમી હતા અને નવી નવી તર્જો જોડતા, તે માટેની કવિતાઓ તે મણિશંકરભાઈ પાસે રચાવતા; પણ એ રીતે લખાયેલી કવિતાઓ કૃત્રિમ હોઈ સાધારણ બનતી. યુરોપીય મહાયુદ્ધ પ્રસંગે ભાવનગર રાજ્ય તરફથી ‘બ્રિટિશ અને હિંદી વિક્રમ' નામનું સાપ્તાહિક પત્ર પ્રચારાર્થે પ્રસિદ્ધ કરવામાં આવતું તેના તંત્રી મણિશંકરભાઈને બનાવવામાં આવ્યા હતા. સને ૧૯૨૩માં તેમની ભાવનગર રાજ્યની ૨૫ વર્ષની નોકરી પૂરી થતી હતી અને પછી પેન્શન પર નિવૃત્ત થવાનો તેમનો ઇરાદો હતો, પરન્તુ જુન માસમાં તે કાશ્મીરને પ્રવાસે ગયા અને રાવળપીંડી સ્ટેશનની નજીક તા.૧૬-૬-૧૯૨૩ ને રોજ તેમનો દેહ પડી ગયો. તેમનું પ્રથમ પુસ્તક ‘ગુલબાસનું ફૂલ' સને ૧૮૮૩માં બહાર પડેલું, ત્યારપછીનાં તેમનાં બધાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે: (૧) શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫), (૨) ઈજીપ્ત, (૩) પ્રેસીડન્ટ લીંકન (૧૮૯૭), (૪) એક દેવીનો આત્મવૃત્તાંત (વિલ્હેલ્મ મીસ્ટરમાંથી-૧૮૯૭), (૫) લગ્નસ્નેહ (સ્વીડનબોર્ગ : ૧૮૯૯), (૬) સ્વર્ગ અને નરક (સ્વીડનબોર્ગ : ૧૯૦૦), (૭) 'સિદ્ધાંતસાર'નુ અવલોકન, (૮) કલાપીનો કેકારવ (સંપાદન : ૧૯૦૩), (૯) માલા અને મુદ્રિકા (સંપાદન : ૧૯૦૩), (૧૦) હમીરજી ગોહેલ (સંપાદન : ૧૯૦૩), (૧૧) સ્વર્ગીય સિદ્ધાંત (સ્વીડનબોર્ગ ), (૧૨) બે નાટકો, (૧૩) એરીસ્ટોટલનું નીતિશાસ્ત્ર, (૧૪) દુઃખી સંસાર, (૧૫) પ્લેટોકૃત ફીડ્રસ, (૧૬) પૂર્વાલાપ.
***