ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મધુવચરામ બળવચરામ હોરા
સ્વ.મધુવચરામનો જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં સં.૧૯૦૪ના શ્રાવણ વદ ૦))ને દિને થયો હતો. તેમના પિતાનું નામ બળવચરામ નંદવચરામ હોરા અને તેમનાં માતાનું નામ પદ્માગૌરી હતું. મધુવચરામનું લગ્ન તેમની સાત વર્ષની વયે કરુણાગૌરી સાથે થયું હતું. મધુવચરામના પિતા તેમના વતન સુરતમાં વકીલાત કરતા. તેમને સાહિત્યનો એટલો શોખ હતો કે તેમણે અનેક પુસ્તકો હાથે લખીને ઘરમાં સંગ્રહ કર્યો હતો. મધુવચરામે પ્રાથમિક શિક્ષણ ગોપીપુરામાં ભાઈમહેતાની શાળામાં લીધું હતું. ૫છી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરી સને ૧૮૬૩માં મૅટ્રીક્યુલેશનની પરીક્ષા એમણે ૫સાર કરી હતી. ૧૮૬૪માં એ બીલીમોરાની અંગ્રેજી સ્કૂલમાં સોળ વરસની નાની વયે હેડમાસ્તર નીમાયા હતા. પછી સુરતની હાઈરફૂલમાં તેમની શિક્ષક તરીકે નિમણૂક થઈ હતી. ૧૮૬૯માં વકીલની અને ૧૮૭૩માં હાઈકોર્ટ પ્લીડર તથા સબજજની પરીક્ષા પસાર કરી એમણે વકીલાત કરવા માંડી હતી સને ૧૮૭૫માં એ ધોળકામાં કામચલાઉ સબજજ નીમાયા હતા. ત્યારપછી કપડવણજ, બોરસદ, અંકલેશ્વર, વલમાડ, ભરૂચ વગેરે સ્થળે જઈ આવ્યા બાદ ૧૮૯૦માં એ સુરતમાં સબજજ તરીકે નીમાયા હતા, અને ૧૯૦૩માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરતમાં જ રહ્યા હતા. માત્ર વચ્ચે ત્રણ વરસ ખેડા જવું પડ્યું હતું. સુરતમાં હતા તે દરમિયાન તેમણે સ્મોલકોઝ કોર્ટના જજ તરીકે પણ થોડા વખત કામ કર્યું હતું. ન્યાયખાતામાંની તેમની ૨૮ વર્ષની કારકીદીમાં સરકારે તેમની બાહોશીની વખતોવખત કદર કરી હતી. કૉન્ટ્રેકટ અને એવીડન્સના ઍક્ટના તરજૂમામાં રહેલી ભૂલોનું નિવેદન કરવાનું સરકારે તેમને સોંપ્યું હતું. તે નિવેદન એમણે એટલું સરસ કર્યું હતું કે તેની રૂએ એ કાયદાઓનો ફરીથી તરજૂમો કરવામાં આવ્યો હતો. કાઠિયાવાડમાં વકીલોની પરીક્ષા લેવા માટે બે વિદ્વાન મુનસફોની માંગણી થઈ હતી ત્યારે પણ તેમની પસંદગી થઈ હતી. ૧૮૭૭માં જામનગરના ચીફ જસ્ટીસ તરીકે અને વડોદરા રાજ્યના જ્યુડિશિયલ કમિશનર તરીકે મોટા પગારે તેમની નોકરીની માંગણી થઈ હતી પણ તેમણે તે સ્વીકારી નહોતી. નોકરીની મુદત પૂરી થતાં તે લંબાવવાનો સુરતના જજ મી. હાર્વેએ આગ્રહ કર્યો હતો પણ તેમણે તે માન્ય રાખ્યો નહોતો અને પેન્શન પર નિવૃત્ત થયા હતા. સ્વભાવે તે પરોપકારી અને દયાળુ હતા. ૧૮૭૭માં કપડવણજમાં દુકાળ પડ્યો ત્યારે તેમણે પ્રજાનુ સંકટ નિવારવા અથાગ શ્રમ લેવો હતો, ૧૮૮૯માં સુરતની મોટી આગમાં ગરીબોને તથા ખુલ્લી મદદ ન લઈ શકે એવાં આબરુદાર કુટુંબોને જાહેર તેમજ ખાનગી રીતે નાણાં પહોંચાડવાને ખૂબ યત્ન કર્યો હતો. ૧૮૯૮માં સુરતમાં ભરાયેલા પ્રદર્શનને તેમણે સફળ બનાવ્યું હતું અને તેની આવકનો બાકી રહેલો મોટો ભાગ પારેખ હુન્નરશાળાને અપાવ્યો હતો. તે જ વર્ષે એ થીસોસાફીકલ સોસાયટીમાં જોડાયા ત્યારથી એ મંડળની અનેકવિધ સેવાઓ તેમણે કરી હતી. બાર વરસ સુધી સુરત સનાતન ધર્મસભાના પ્રમુખ તરીકે એમણે કામ કર્યું હતું. યોગસાધના નામના ગુપ્તમંડળના પણ એ પ્રમુખ હતા. મધુવચરામના જીવન પર બે વ્યક્તિઓની પ્રબળ અસર થઈ હતી. એમના સોળમા વરસે ૧૮૬૪માં એમને કવિ નર્મદનો પરિચય થયો હતો. તે પછી તે વારંવાર નર્મદ તેમજ નવલરામને મળતા. કવિ નર્મદની અસર તેમના પર લગભગ ત્રીસ વરસ સુધી રહી. ૧૮૯૯માં ૪૬ મે વર્ષે તેમને વિદુષી બેસંટનો સમાગમ થયો, તેની અસર પણ ૩૦ વર્ષ સુધી એટલે મૃત્યુ સુધી રહી. આથી એમનું સાહિત્યજીવન બે અવસ્થામાં વહેંચાઈ જાય છે. નર્મદની અસર તળેની પૂર્વાવસ્થામાં તેમણે અનેકવિધ સાહિત્ય બહાર પાડ્યું હતું. ૧૮૮૦માં “રત્નાવલિ” નાટકનું ભાષાંતર કર્યું હતું. "ઇલિયડ”ના ત્રણ સર્ગનો અનુવાદ કરેલો તે પ્રસિદ્ધ થયો નથી. એમનાં માલિક પુસ્તકોમાં ૧૮૮૦માં “નૃસિંહ નાટક” ગતપદ્યાત્મક પાંચ અંકમાં એમણે રચ્યું હતું તે પ્રસિદ્ધ થયું હતું. ૧૮૮૫માં “આશિરવાદ” નાટક લખ્યું હતું. ૧૮૮૮માં “સુવાસિકા” નામનું ઇંદ્રવજાના ૩૪૪ શ્લોકોનું કાવ્ય બહાર પાડ્યું હતું. “જ્યુબિલી તરંગિણી" નામનું કાવ્ય પણ એ જ અરસામાં પ્રસિદ્ધ કર્યું હતું. મેવાડના વીર ચંદોજીની કથા તે “ચંદાખ્યાન” તેર અધ્યાયમાં દરેક અધ્યાયમાં જુદું-જુદું વૃત્ત યોજીને લખી હતી, તે હ. હ. ધ્રુવના ‘ચંદ્ર’માં છપાવા માંડી હતી. એ કથાના પાછલા ભાગો ખોવાઈ ગયા હતા તે જડી આવતાં તે ૧૯૧૫માં પુસ્તકાકારે બહાર પડી હતી. સાહિત્યપ્રવૃત્તિના જ એક અંગરૂપે થોડું પત્રકારત્વ પણ તેમણે અંગીકાર્યું હતું. “ગુજરાત મિત્ર”ના અધિપતિ તરીકે તેમણે છએક માસ કામ કર્યું હતું. “વિદ્યાવિલાસ” નામનું માસિક પણ તેમણે કાઢયું હતું. એમનાં મૌલિક પુસ્તકોમાં નીચેનાં છુપાઈ પ્રસિદ્ધ થયાં છે. “શ્રીકૃષ્ણ દર્શન” (૧૯૧૩), “શ્રી રામાયણ રસબિંદુ” (૧૯૧૩), “મહેશ્વર મહિમા” (૧૯૧૪), “મનુષ્યજાતિનો ક્રમવિકાસ” (૧૯૧૫). ઉપરાંત તેમણે ભગવદ્ગીતા, ઉત્તરગીતા, સનત્સુનીત, કઠોપનિષદ્, અને ઇશાવાસ્યોપનિષદ્નાં ભાષાંતરો કર્યાં હતાં. આ સિવાય “હૃદયવિનોદ” (ભાગ ૧-૨-૩), “ધર્મનીતિબોધિની” (ભાગ ૧-૨-૩), “નીતિરત્નમાળા” “જગદંબાના ગરબા”, “જગદ્ગુરુનું અભિગમન”, “માર્ગપ્રકાશિકા” (Light on the Pathનો અનુવાદ), વગેરે નાનાં પુસ્તકો એમણે લખ્યાં હતાં. ૧૯૧૫માં સુરતમાં મળેલી સાહિત્યપરિષદના સન્માનકારિણી સભાના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. મધુવચરામનું અવસાન તા.૨૮-૧૨-૧૯૨૪ના રોજ થયું હતું વૃદ્ધાવસ્થામાં એમના જ્યેષ્ઠપુત્ર ઇંદ્રવદનરાય જે વડોદરામાં ઈંડિયન આસિસ્ટંટ ટુ ધિ રેસિડન્ટ હતા તેમનું ૪૨ વર્ષની વયે અકાળ અવસાન થવાથી તેમના હૃદય પર સખત આઘાત થયો હતો, તેમજ આંખે પણ અપંગ થયા હતા; છતાં ઈશ્વર પર શ્રદ્ધા રાખી એમણે મરણપર્યત પોતાના વિશાળ કુટુંબની તથા લોકોની સેવા કરી હતી. સંતતિમાં તેમના બીજા બે પુત્રો શ્રી. દીનસુખરામ અને શ્રી, ધીરસુખરામ (ગીનુભાઈ) અવસ્થાને લઈને સાતાક્રૂઝમાં નિવૃત્ત જીવન ગાળે છે. એમનાં એક પુત્રી શ્રી. કનુબહેન આજે ૭૦ વર્ષની વયે પણ ધાર્મિક સામાજિક વિષયો પરત્વે જાહેર જીવનમાં રસ લે છે.
***