ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મહમદઅલી ભોજાણી
સ્વ. મહમદઅલી ભોજાણીનો જન્મ ઈ.સ.૧૯૦૨માં તેમના વતન તળજા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દામજી, તે શિયા ઈશ્નાસ્નાઅશરી ખોજા કોમના ગૃહસ્થ હતા. પ્રાથમિક કેળવણી તળાજામાં લઈને મુંબઈમાં તેમણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનું તેમનું જ્ઞાન સારું હતું. તેમણે મોટે ભાગે જુદે જુદે સ્થળે શિક્ષક તરીકેનો અને પછી પત્રકાર તરીકેનો વ્યવસાય કર્યો હતો. ગાઝી મુસ્તફા કમાલ પાશા સ્કૂલ, ખોજા ખાનમહમદ હબીબ એ. વી. સ્કૂલ, પંચગનીની હિંદુ તેમજ મુસ્લીમ હાઈસ્કૂલો, એ બધે સ્થળે શિક્ષક તરીકેની નોકરી કરીને “ચૌદમી સદી” માસિક પત્રના કાર્યાલયમાં અને પછી “બે ઘડી મોજ”ના સહતંત્રી તરીકે તેમણે કામ કર્યું હતું. વચ્ચે થોડો સમય “રમતા રામ”ના તંત્રી પણ તે થયા હતા. ૧૯૩૨માં રાંદેર ખાતે મુસ્લીમ ગુજરાત સાહિત્યમંડળના કવિસંમેલનના તે પ્રમુખ હતા. તા. ૧૪-૧૦-૩૪ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. તેમનાં પત્નીનું નામ શેરબાનુ, તેમની એક પુત્રી હયાત છે. તેમનાં લખેલાં પુસ્તકોની નામાવલિ: (૧) રજવાડાના રંગ, (૨) માતૃભૂમિ, (૩) પચ્ચીસી, (૪) નૂરે સુખન (ઉર્દૂ કવિઓનાં કાવ્યો ગુજરાતી અનુવાદ સાથે).
***