ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/રતિપતિરામ ઉત્તમરામ પંડ્યા

From Ekatra Wiki
Revision as of 16:28, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રતિપતિરામ ઉદ્યમરામ પંડ્યા

સંસ્કૃત સાહિત્યનાં વિરલ રત્નોને, ઘરોઘરની સ્ત્રીઓ તથા ઊગતી પ્રજા પણ તેનો ઉપભોગ કરી શકે તેવી સાદી સરળ ને સુંદર ગુજરાતીમાં ઉતારવાના કોડ ધરીને એ દિશામાં હજુ બેએક પુસ્તકનું પગરણ કરે છે ત્યાં એ કોડ મનમાં જ શમાવીને ૩૪ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી કાળનો કોળિયો થઈ જનાર આ આશાસ્પદ લેખકનો જન્મ નડિયાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૪૯ના આસો સુદી ત્રીજને દિવસે થયો હતો. એમના પિતાનું નામ ઉદ્યમરામ ગુલાબરામ પંડ્યા અને માતાનું નામ અમૃતલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી નડિયાદમાં જ લઈ તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં બી. એ. સુધી અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં અમદાવાદમાં સરકારી શાળામા શિક્ષક તરીકે કામ કર્યા બાદ તેઓ મુંબઈ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં બદલાયા હતા; પણ ત્યાંનું પાણી લાગવાથી એ નોકરી છોડી વડોદરા રાજ્યની પ્રાથમિક શાળાઓના ઇન્સ્પેક્ટરની નોકરી લીધી હતી, જ્યાં જીવનના અંતકાળ સુધી તેઓ હતા. ત્યાં થોડો વખત ચીમનાબાઈ બાળસરક્ષણ સંસ્થાના મંત્રી તરીકે પણ કામ કરેલું. વિદ્યાવ્યાસંગ ઊગતી વયથી જ હતો અને સંસ્કૃત તથા ગુજરાતી એમના પ્રિય વિષયો હતા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક ભાવનાની પ્રબળ અસરથી રંગાએલા એમના જીવન પર ગીતા અને 'સરરવતીચન્દ્ર' એ બે ગ્રંથોની મુખ્ય છાપ પડી હતી. તે ઉપરાંત પ્રાચીન કવિઓની કૃતિઓનો રસાસ્વાદ પણ બહુ પ્રિય હતો. ગુજરાતનાં મોટા ભાગનાં માસિકોમાં લેખોથી શરુ કરેલું લેખનકાર્ય ગ્રંથલેખનમાં પરિણમ્યું અને 'સમાલોચક'માં કટકે કટકે આવતું 'રત્નાવલી' નાટકનું વખણાએલું ભાષાંતર ઈ.સ.૧૯૨૧માં પુસ્તકરૂપે પ્રકટ થયું એ એમનું પહેલું પ્રકાશન. ત્યારપછી એમણે મહાભારત અને રામાયણને સરળ ભાષામાં ટુંકાવીને લખ્યાં અને તેનાં ખાસ શાળોપયોગી રૂપો પણ બહાર પાડ્યાં. એ ઉપરાંત ‘ઉત્તરરામ ચરિત' અને ‘ચર્ચાત્મક મહાભારત' તૈયાર કર્યો; એવામાં સં.૧૯૮૪ના માગશર સુદ ૬ તા. ૩૦મી નવેમ્બર ૧૯૨૭ના રોજ વડોદરામાં ટાઈફૉઈડથી એમનું અચાનક અવસાન થયું; અને પુરાણોના સમૂહમાંથી સુવર્ણ તારવવાના, ટૉડના રાજસ્થાનમાંથી હીરા વીણવાના, ઉત્તરરામને સરળ ભવ્યતાથી લોકભોગ્ય કરવાના એમના મનોરથો મનમાં જ રહી ગયા. એમના જીવનવિષયક માહિતી એ અરસાનાં ‘શારદા' ‘સ્ત્રીબોધ’ વગેરે માસિકોમાં અને ‘બાલમિત્ર'ના ૧૯૨૮ના જાન્યુઆરી અંકમાં ડૉ. રમણલાલ ક. યાજ્ઞિકે લખેલા લેખમાં વીગતે પ્રકટ થઈ છે. તેમનું લગ્ન સં.૧૯૬૯માં નડિયાદમાં શ્રી કૃષ્ણશંકર હીરાશંકર પંડ્યાનાં પુત્રી શ્રી ચિત્સુખવિદ્યા જોડે થએલું. એમને ત્રણ સંતાનો છે : એક પુત્ર અને બે પુત્રીઓ. સૌથી મોટી પુત્રી મંદાકિની અને સૌથી નાની પુનિતા. વચેટ બાળક પુત્ર મકરંદ હાલ ઈન્ટરમાં અભ્યાસ કરે છે. પ્રાચીન ભાવનાઓના પાયા પર નવાં તત્ત્વો ઝીલેલું ઉન્નત જીવન રચવાના અભિલાષવાળા એ યુવાન સ્વભાવે સત્યપ્રિય અને તેજ હોવાથી અન્યાયની સામે થતાં ડરતા નહિ અને ઘણીવાર કડવું બોલી નાંખતા. પણ એમનું નિખાલસ અંતઃકરણ કોમળ અને ભાવનાશીલ હતું અને જે ધગશથી સાહિત્યસેવા કરી એ જ ઉત્સાહથી એમણે નડિયાદમાં જ્ઞાતિસેવા પણ કરી હતી. એમના ગ્રંથોની યાદી નીચે મુજબ : રત્નાવલી (હર્ષના નાટકનું ભાષાંતર) (૧૯૨૧), વિજયધ્વજ (જેમ્સ ઍલન કૃત ‘લાઈફ ટ્રાયમ્ફન્ટ' ઉપરથી સુધારાવધારા સાથે) (૧૯૨૧), સંક્ષિપ્ત મહાભારત (૧૯૨૫), સંક્ષિપ્ત રામાયણ (૧૯૨૮), શાળોપયોગી લઘુ મહાભારત (૧૯૨૬), શાળોપયોગી લઘુ રામાયણ (૧૯૨૭), નાણું (સયાજી સાહિત્યમાળા) (૧૯૨૬).

***