ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સોરાબજી શાપુરજી બંગાલી

From Ekatra Wiki
Revision as of 16:54, 21 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સોરાબજી શાપુરજી બંગાલી

શોરાબજી શાપુરજી બંગાલીનો જન્મ ઈ.સ.૧૮૩૧ના ફેબ્રુઆરી માસમાં મુંબઈમાં થયો હતો. તેમના જન્મ પછી બીજે વરસે તેમના પિતાનું અવસાન થયું હતું. ૧૮૪૬માં એલ્ફીસ્ટન ઈન્સ્ટીટટ્યૂટમાં શિક્ષણ મેળવી પંદર વર્ષની વયે ટેનર નામની યુરોપિયન પેઢીમાં અને પછી ગ્રેહામ કંપનીના દલાલના એસીસ્ટંટ તરીકે તે રોકાયા હતા. ૧૮૬૩માં વધુ વ્યાપારી માહિતી મેળવવાને તેમને ઈંગ્લાંડ મોકલવામાં આવ્યા હતા. ઈંગ્લાંડથી પાછા ફરી વરજીવનદાસ માધવદાસની કંપનીમાં ભાગીદારી કરી કંપનીની પ્રતિષ્ઠા એમણે વધારી. સરકારે તેમને જે. પી. નો ઈલકાબ આપ્યો હતો. ૧૮૬૪માં તેમણે મુંબઈનો મ્યુનીસીપલ કારભાર સુધાંરવાની સૂચનાઓ કરી હતી જેનો પાછળથી ગવર્નરે અમલ કર્યો હતો. ૧૮૬૫માં તે એમ. એલ. સી. થયા હતા. ૧૮૯૩માં ૬૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. સ્વ. બંગાલી એકલા વેપારી નહોતા પરન્તુ ગુજરાતી પત્રકારત્વના આધારરસ્થંભ હતા. 'જગતમિત્ર' નામનું એક માસિક પત્ર તેમણે શરુ કરેલું અને ‘મુંબઈ સમાચાર', તથા 'રાસ્ત ગોફતાર'ના પણ તે સહાયક અને અંગભૂત હતા. સામાજિક સુધારાના તે હિમાયતી હતા. જ્ઞાનપ્રચારક મંડળી અને બૉમ્બે એસેસિએશન વગેરે સંસ્થાઓ તેમના પરિશ્રમથી ઊભી થએલી. રૂ. ૬૬૦૦૦ને ખર્ચે તેમણે મુંબઈમાં કોટમાં એક કન્યાશાળા બંધાવી આપી હતી.

***