અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અવિનાશ વ્યાસ/માડી, તારું કંકુ ખર્યું ને —

From Ekatra Wiki
Revision as of 06:38, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


માડી, તારું કંકુ ખર્યું ને —

અવિનાશ વ્યાસ

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
બ્રહ્મનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,

દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ;

છડી રે પુકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાંના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;

ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂક્યો,
         કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.