ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કુંવરજી આણંદજી શાહ

From Ekatra Wiki
Revision as of 16:21, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કુંવરજી આણંદજી શાહ

શ્રી. કુંવરજી આણંદજી શાહનો જન્મ ઘોઘા (કાઠિયાવાડ)માં વિક્રમ સંવત ૧૯૨૦ના ફાગણ સુદ ૮ને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આણંદજી પુરુષોત્તમ શાહ અને માતાનું નામ કશળી બહેન. તે ન્યાતે વીશાથીમાળી જૈન છે અને ભાવનગરના વતની છે. તેમણે પ્રાથમિક કેળવણી ગુજરાતી સાત ધોરણ સુધી અને માધ્યમિક કેળવણી અંગ્રેજી ત્રણ ધોરણ સુધી લીધેલી. તેમનો પ્રથમનો વ્યવસાય કાપડના વેપારનો હતો, પણ ત્યારપછીથી અદ્યાપિપર્યત જૈન જાહેર સંસ્થાઓનું સંચાલન ઈત્યાદિ ધાર્મિક વ્યવસાયને તેમણે અપનાવ્યો છે. ભાવનગરની જૂનામાં જૂની લેખાતી જૈન સંસ્થા જૈનધર્મપ્રસારક સભા તથા ભાવનગરની પાંજરાપોળ એ બે મુખ્ય સંસ્થાઓ તે ચલાવે છે. એક વખત જુદી જુદી ૩૭ સંસ્થાઓના તે સેક્રેટરી હતા, પરંતુ વય વધતાં તેમણે એક પછી એક કાર્ય છોડી દીધાં છે. અત્યારે તો તે શ્રી જૈનધર્મપ્રમારક સભાના પ્રાણસ્વરૂપ છે. આ સભા તેમણે પોતાની સત્તર વર્ષની વયે સ્થાપેલી. વીસ વર્ષની વયે પહોંચતાં તેમણે “જૈન ધર્મપ્રકાશ” નામનું માસિક પત્ર પ્રસિદ્ધ કરવાનું શરુ કરેલું, જે એજે ૫૮ વર્ષથી નિયમિત ચાલુ છે. ઉક્ત સભાના નામથી અત્યારસુધીમાં જૈન આગમો, ગ્રંથો, પ્રકરણો, નાનાં ટ્રેક્ટો વગેરે લગભગ સાડાત્રણસો નાનાં-મોટાં પુસ્તકો તેમણે પ્રકાશિત કર્યાં છે. સં. ૧૯૪૦થી શરુ થએલી તેમની એ પ્રકાશનપ્રવૃત્તિ અદ્યાવધિ ચાલુ જ છે. તેમના અભ્યાસના મુખ્ય વિષયો જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન, જૈન પ્રકરણ ગ્રંથોનું પરિશીલન અને જૈન ધર્મના ચારે અનુયોગ છે. તેમના જીવન ઉપર વૃદ્ધિચંદ્રજી મહારાજ તથા જૈન આગમોની મુખ્ય અસર છે. શ્રી. કુંવરજીભાઈનાં પત્નીનું નામ રૂપાળીબાઈ સંવત ૧૯૪૨માં ભાવનગરમાં તેમનું લગ્ન થએલું. શ્રી. કુવરજીભાઈના મોટા પુત્ર શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા એક ઉદાત્ત દૃષ્ટિના જૈન ગ્રેજ્યુએટ છે. તે મુંબઈના જૈન યુવકસંધના પ્રમુખ છે, જૈન યુવકપરિષદના પ્રમુખ છે અને સમાજોપયોગી સંસ્થાઓના અગ્રગણ્ય કાર્યકર છે. “પ્રબુદ્ધ જૈન" પત્ર તેમના સંચાલન હેઠળ પ્રસિદ્ધ થાય છે. શ્રી. કુવરજીભાઈના બીજા પુત્ર શ્રી. નગીનદાસ કાપડીયા ભાવનગરના નિરંજન સ્ટુડીઓના માલીક છે.

***