ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગિરિજાશંકર મયારામ ભટ્ટ ('ગિરીશ')

From Ekatra Wiki
Revision as of 16:23, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગિરિજાશંકર મયારામ ભટ્ટ

શ્રી. ગિરિજાશંકર મયારામ ભટ્ટ (ગિરીશ ભટ્ટ)નો જન્મ કુતિયાણામાં તા. ૧૨–૨–૧૮૯૧ના રોજ થએલો. તેમના પિતાનું નામ મયારામ જીવાભાઈ ભટ્ટ અને માતાનું નામ ત્રિવેણી. તેમનું મૂળ વતન વળા અને ન્યાતે ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. તેમણે પ્રાથમિક કેળવણી કુતિયાણા, વળા અને ભાવનગરમાં તથા માધ્યમિક કેળવણી અંગ્રેજી સાત ધોરણ સુધી ભાવનગરમાં લીધી હતી. ૧૯૧૧માં બી. જી. જે. પી. રેલ્વેની નોકરીથી શરુઆત કરીને નવ વર્ષ સુધી તે જૂનાગઢમાં રહ્યા, પછી ૧૯૨૦થી ભાવનગર દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના આજીવન સભ્ય તરીકે નવીન કેળવણીના શિક્ષક તરીકે તે કામ કરતા. ૧૯૩૯માં એ સંસ્થા બંધ થઈ ત્યારે તે 'હોમ સ્કૂલ'માં ('ઘરશાળા'માં) જોડાયા અને અત્યારે તે ત્યાં જ શિક્ષક તરીકે કામ છે. દક્ષિણામૂર્તિ સંસ્થાના મુખ્ય મંત્રી તરીકે તેમણે ૨૦ વર્ષ કામ કર્યું હતું અને હાલમાં તે 'ઘરશાળા' સંસ્થાના મહામંત્રી છે. શિક્ષણશાસ્ત્ર, કાવ્ય અને સાહિત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. તેમના જીવન પર તેમના પિતાની તથા ભગવદ્ગીતાની વિશિષ્ટ અસર છે. નિષ્પાપ જીવન, પ્રભુ પર શ્રદ્ધા અને કર્મના ફળ પર વિશ્વાસ એ એમને જીવનસિદ્ધાંતો છે. સને ૧૯૧૦ની સાલથી તેમની સાહિત્યોપાસનાની શરુઆત થએલી. ‘સુંદરી સુબોધ’, ‘વીસમી સદી’, ‘ભારત જીવન', ‘ગુર્જર બ્રાહ્મણ', 'પ્રસ્થાન', 'કૌમુદી', 'નવચેતન' વગેરેમાં તે લેખો લખતા હતા, અને અત્યારે બાળકોના માસિક પત્રોમાં તેમજ સાપ્તાહિકોના બાળવિભાગોમાં તે નિયમિત રીતે લેખો લખે છે. શુદ્ધ જોડણી અને વ્યાકરણની ચોક્કસાઈના તે ખૂબ આગ્રહી છે. લેખન અને પઠન-પાઠનમાં તેમના જીવનનો રસ સમાઈ રહેલો છે. તેમના રચેલાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ: ‘મહાન વિગ્રહ પછીની જર્મનીમાં કેળવણીની પ્રણાલિ' (૧૯૩૩) (શ્રી. ગજાનન ઉ. ભટ્ટના અંગ્રેજી નિબંધનો અનુવાદ), ‘અખિલ ત્રિવેણી' (૧૯૩૬), ‘ગંમત ગીતો” (૧૯૩૬), 'ગિરીશભાઈની વાર્તાઓ ભાગ ૧-૨' (૧૯૩૭–૩૮), 'પાંખડીઓ’ (૧૯૩૮), ‘વાર્તાલહરી’ (૧૯૩૯), શનિની પનોતી. તેમનું લગ્ન ૧૯૦૫માં સંતોકબહેન વેરે થએલું. તેમને એક પુત્રી અને ત્રણ પુત્રો છે. પુત્રી ચિ. બાલાગૌરી ગ્રેજ્યુએટ છે.

***