ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જગજીવનદાસ ત્રીકમજી કોઠારી ('ઓલિયા જોશી')
શ્રી. જગજીવનદાસ ત્રીકમજી કોઠારીનો જન્મ સંવત૧૯૩૩ના વૈશાખ વદ ૪ (તા. ૮-૫-૧૮૭૭)ના રોજ રાજકોટમાં થયો હતો. તેમનાં માતાનું નામ જવલબાઈ. તેમનું મૂળ વતન ગોંડળ છે અને ન્યાતે તે દશા શ્રીમાળી વણિક છે. તેમણે પ્રાથમિક કેળવણી ગોંડળમાં અને માધ્યમિક કેળવણી રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલમાં લીધી હતી. ઊંચી કેળવણી મુંબઈમાં વીલ્સન કૉલેજમાં લઈને તે સને ૧૯૦૩માં બી. એ. થયા હતા અને ૧૯૧૦માં એલ. એલ. બી.ની ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી હતી. ગોંડળ સ્ટેટમાં ૨૫ વર્ષ સુધી મુનસફ તથા ફ. ક. મેજી. તરીકે અને ટ્રેઝરી ઓફીસર તરીકે કામ કરીને પછીથી ખીરસરા તથા વિઠ્ઠલગઢ સ્ટેટમાં કારભારી તરીકે કામ કર્યું હતું. ઇતિહાસ, ભૂગોળ અને સાહિત્ય એ તેમના પ્રિય વિષયો છે. ‘પિકવીક પેપર્સ', 'ભદ્રંભદ્ર’ અને ‘વેનચરિત્ર' એ એમનાં પ્રિય પુસ્તકો છે. સાહિત્યસૃષ્ટિમાં તો ‘ઓલિયા જોશી’ તરીકે તે સારી પેઠે જાણીતા છે. સાહિત્યપ્રવૃત્તિ અને સંગીત એ એમના ગૌણ રસના વિષયો છે, છતાં તેમણે ખાસ કરીને હાસ્ય રસની કૃતિઓદ્વારા સાહિત્યમાં ઠીક ફાળો આપ્યો છે. તેમની કૃતિઓની નામાવલિ નીચે મુજબ છેઃ
‘ચંદ્રશેખર નાટક' (૧૯૧૫), ‘ઓલિયા જોશીનો અખાડો ભાગ ૧' (૧૯૨૬), ભાગ ૨ (૧૯૩૨), ‘કોઠારી કુટુંબનો ઈતિહાસ તથા ડિરેક્ટરી' (૧૯૩૬), ‘નકો નગરીઓ યાને જુની આંખે નવાં ચશ્મા' (૧૯૩૭), ‘હસહસાટ' (૧૯૪૩).
તેમનું લગ્ન ૧૮૯૬માં રાજકોટમાં મણીબાઈ સાથે થએલું. તેમને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ છે. મોટાં પુત્રી ગુલાબબેને નર્સિંગ અને મિડવીફરીમાં બી. પી. એન. એ.નો ડિપ્લોમા મેળવ્યો છે.
***