ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જયંતકુમાર મણિશંકર ભટ્ટ

From Ekatra Wiki
Revision as of 16:35, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જયંતકુમાર મણિશંકર ભટ્ટ

આજે શાન્ત રહેલા પણ થોડાં જ વરસ પર ગુજરાતી સામયિકોમાં પોતાની લેખિનીની ચમક વડે ગુજરાતના તરુણોમાં આગળ પડતા લેખક ગણાએલા શ્રી. જયંતકુમાર, કવિ 'કાન્ત'ના બીજા પુત્ર થાય. એમનો જન્મ સંવત-૧૯૫૮ના શ્રાવણ સુદ ૧૩, તા. ૧૭મી ઑગસ્ટ ૧૯૦૨ના રોજ ભાવનગરમાં થયો હતો. પ્રશ્નોરા જ્ઞાતિના અને મૂળ લાઠી પાસે બાબરાચાવંડના, પણ પાછળથી ભાવનગરમાં આવી વસેલા એમના પિતા શ્રી. મણિશંકર રત્નજી ભટ્ટનું નામ તો ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે અંકિત છે. એમનાં માતાનું નામ સૌ નર્મદા. પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી ભાવનગંરમાં, અને ઇન્ટર સુધીની ઉચ્ચ કેળવણી પણ ભાવનગર સામળદાસ કૉલેજમાં લઈ તેમણે ત્યાંની પર્સિવસ સ્કૉલરશિપ મેળવી; અને પછી મુંબઈ જઈ ત્યાંની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તે તત્ત્વજ્ઞાન સાથે બી. એ. થયા. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજીના વિષયોનો એમ. એ.નો અભ્યાસ ઘેર કરી, વિલાયત જઈ તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજમાંથી એમ. એ., પી. એચ. ડી.ની ઉપાધિ મેળવી. આજે તેઓ મુંબઈમાં પ્રેમચંદ રાયચંદ ઍન્ડ સન્સ લિ.માં કામ કરે છે. ઈ.સ.૧૯૧૮માં અમરેલી મુકામે સૌ. મનોરમા બહેન જોડે એમનું લગ્ન થયું. આજે એમને બે પુત્રીઓ છે : રોહિણી ૬ વર્ષની અને ચિત્રા ૩ વર્ષની છે. સ્વ. કવિ કાન્ત જેવા સમર્થ પિતાની પ્રબળ અસર તે જીવન પર પડે જ. તે ઉપરાંત ગાંધીજી, લેનિન, માર્ક્સ, બટ્રાન્ડ રસેલ અને બર્નાર્ડ શૉના વિચારોની છાપે એમનું માનસ ઘડ્યું છે; પણ પુસ્તકોમાં સૌથી પ્રબળ અસર તો મહાભારતે કરી છે. વાર્તાઓ, નાટિકાઓ, રેખાચિત્રો, નિબંધો, અવલોકન અને વિવેચન, કાવ્યો, પ્રતિકાવ્યો એમ વિવિધ ક્ષેત્રમાં એમણે કલમ ચલાવી છે. એ લખાણો મોટે ભાગે આજે સામયિકોમાં જ ઢંકાએલાં રહ્યાં છે, પણ એમાં એમની વિચારણાનું તેજ જણાઈ આવે છે. એ ઉપરાંત એમનું લખેલું સ્વ. ચિત્તરંજન દાસનું ચરિત્ર ‘દેશબંધુ' ૧૯૨૫માં પ્રકટ થયું છે.

***