ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જુગતરામ ચીમનલાલ દવે

From Ekatra Wiki
Revision as of 16:39, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જુગતરામ ચીમનલાલ દવે

નૂતન પદ્ધતિની કેળવણી અને દેશજ સંસ્કારનાં તળપદાં તત્ત્વોનું સુયોગ્ય મિશ્રણ ધરાવતાં બાળકેળવણી, પ્રૌઢ કેળવણી, અને લોકવાચનનાં ચૌદેક જેટલા પાઠ્ય તેમજ વાચ્ય પુસ્તકોના રચનાર અને સંપાદક હોવા છતાં એમના મુખ્ય વ્યવસાયને કારણે લોકો તો શ્રી. જુગતરામ દવેને મહાત્મા ગાંધીજીની ગ્રામપ્રવૃત્તિઓના એક રીઢા, મૂક અને ક્ષેત્રબદ્ધ સેવક તરીકે જ વધુ ઓળખે છે. સં.૧૯૪૭ના ભાદરવા સુદ ૧૩ ના દિવસે (ઈ.સ.૧૮૯૧માં) વઢવાણ શહેરમાં ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ થયો. મૂળ લખતરના વતની શ્રી. ચીમનલાલ ગણપતરામ દવે એમના પિતા અને ડાહીબાઈ એમનાં માતુશ્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ શહેર, મુંબઈ તથા ધ્રાંગધ્રામાં લીધું. એવામાં મુંબઈમાં સ્વામી આનંદ અને કાકા કાલેલકરના સંસર્ગમાં અને ત્યારપછી ગાંધીજીના સંસર્ગમાં તે આવ્યા અને એમના જીવને મોટો પલટો લીધો. કૌટુંબિક કારણે અટવાએલો લગ્નનો પ્રશ્ન પડતો મૂકી ધગશપૂર્વક એમણે દેશસેવાની પ્રવૃત્તિઓમાં જ જિંદગી બોળી દીધી. ગાંધીજીના આશ્રમમાં બાળશિક્ષણનું કામ લઈને તે બેસી ગયા. અને પછી તો ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓએ એમનું જીવન વ્યાપી લીધું. ઉપરના મહાનુભાવો ઉપરાંત રવીન્દ્રનાથની ગીતાંજલિ અને ગીતાએ એમના જીવન પર ખૂબ અસર કરી, અને સાહિત્ય તથા કર્મયુગનું સુંદર સંગમસ્થાન એમનું જીવન બની ગયું. ૧૯૨૨-૨૩માં અસહકારની લડત વેળાએ સ્વામી આનંદ સુદ્ધાં બધા જ જેલમા ગયા ત્યારે 'નવજીવન' 'યંગ ઇંડિયા' આદિ પત્રો નવજીવન મુદ્રણાલય અને પ્રકાશનમંદિરનું સંચાલન એમણે ઝીલી લીધું; હરિપુરા મહાસભા વખતે લાખ્ખોની મેદનીની ગંદકીની સફાઈ જેવું કપરું કામ એમની મૂગી ધીરજ અને ખડતલ ખંતે સફળતાથી પાર પાડ્યું, અને આજે રાષ્ટ્રીય શિક્ષણનું પોતાનું મુખ્ય કાર્ય કરતાં કરતાં સાથોસાથ થતું રાનીપરજ વિદ્યાર્થીઓ અને લોકોમાં ગ્રામસેવાનું કાર્ય ફરી સંભાળીને સૂરત જિલ્લાના વેડછી ગામના નાના આશ્રમમાં પાછા ક્ષેતબદ્ધ થઈ ગયા છે. ત્યાં રહ્યે રહ્યે પોતાના પ્રિય વિષય “વિદ્યાર્થીઓ અને ગ્રામજનતા”નો અભ્યાસ પણ તે કરે છે, અને જે કાંઈ અવકાશ મળે તે વિદ્યાર્થીઓ અને પ્રૌઢો માટેનું સાહિત્ય ગંપાદન કરવામાં ગાળે છે.

એમના પુસ્તકોની યાદી નીચે મુજબ:

૧ કૌશિકાપ્યાન (કાવ્ય)
૨ આંધળાનું ગાડું (નાટક)
૩ ચાલણગાડી (સ્વ. ગિજુભાઈ સાથે) પાઠ્ય પુસ્તક
૪ ચણીબોર (સંપાદિત ગીતસંગ્રહ)
૫ રાયણ (સંપાદિત ગીતસંગ્રહ)
૬ ગાંધીજી (શબ્દચિત્રો)
૭ ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ (નાટકો)
૮ ગ્રામભજન મંડળી (સંપાદિત ગીતસંગ્રહ)
૯ લોકપોથી (પ્રૌઢોનું પાઠ્ય પુસ્તક) શ્રી નરહરિ પરીખની સાથે
૧૦ ભારતસેવક ગેખલે (જીવનચરિત્ર)
૧૧ વિદ્યાપીઠ વાચનમાળા (સંપાદકોમાંના એક તરીકે)
પહેલી ચોપડી (પાઠય પુસ્તક )
૧૨ વિદ્યાપીઠ વાચનમાળા બીજી ચોપડી (પાઠ્ય પુસ્તક)
૧૩ વિદ્યાપીઠ વાચનમાળા ત્રીજી ચોપડી (પાઠ્ય પુસ્તક)
૧૪ વિદ્યાપીઠ વાચનમાળા ચોથી ચોપડી (પાઠ્ય પુસ્તક)

***