ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જ્યોત્સ્ના શુક્લ

From Ekatra Wiki
Revision as of 16:41, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જ્યોત્સના શુક્લ

પ્રિયમતિ શુકલના નામે આજથી પચીસ-સત્તાવીસ વર્ષ પર લેખનની શરૂઆત કરીને માસિકોમાં સુંદર લેખો તથા બે મરાઠી નવલોના રોચક અનુવાદો આપનાર આ લેખિકાના જીવનનો મોટો ભાગ રાજકારણથી રંગાએલો છતાં અને આજે એ જ મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હોવા છતાં એમની કલમ તો આ ત્રણ દસકાના ગાળા દરમ્યાન પત્રકારત્વ, દેશભક્તિનાં ગીતો અને બીજા કાવ્યો તેમજ પ્રકીર્ણ લખાણોમાં સતત ચાલતી જ રહી છે અને ‘આકાશનાં ફૂલ' નામથી ગયે જ વર્ષે બહાર પડેલા કાવ્યસંગ્રહ દ્વારા એની પ્રતીતિ એણે આપી છે. સંવત ૧૯૫૩ના શ્રાવણ સુદ પાંચમે-ઈ.સ.૧૨૯૭ના ઑગસ્ટ માસમાં સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં વકીલ જેવચરામ કેશવરામ ત્રિવેદીને ત્યાં એમનો જન્મ થયો. એમના માતાનું નામ તારાગૌરી. પણ એમનું જીવનઘડતર પિતાના જ સહવાસમાં અને એમને જ હાથે એક પુત્રરૂપે થયું, તે એટલેસુધી કે પિતા એમને ‘પ્રિયમતિ’ કે ‘જ્યોત્સ્ના’ ન કહેતાં ‘કીકુભાઈ' કહેતા અને જીવ્યા ત્યાંસુધી એ જ નામે પુત્રભાવે સંબોધતા. એમણે એમના જીવનમાં દેશસેવાની ઝંખના અને પ્રજાસેવાની ઉષ્મા નાનપણથી જ પ્રગટાવી હતી. ઈ.સ.૧૯૦૨ થી ૧૯૦૭ સુધી સૂરતની થીઓસોફિકલ સોસાયટી તરફથી ચાલતી સનાતન ધર્મ કન્યાશાળામાં ગુજરાતી છે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો બાદ એ જમાના પ્રમાણે એ જ વર્ષમાં ૧૦ વર્ષની ઉમરે સૂરતમાં જ એમનું લગ્ન શ્રી. બહુસુખરામ નવનીતરામ શુક્લ સાથે થયું. લગ્ન પછી ત્રણ વર્ષે ઈ.સ.૧૯૧૦માં વડોદરા જવાનું થયું. ત્યાં દેશની મુક્તિ માટે કોડ ધરાવતા એમના ચિત્તને ભાવતું ક્ષેત્ર હાથ લાગ્યું. બંગભંગથી આવેલી જાગૃતિના એ કાળમાં ઠેર ઠેર ક્રાન્તિની જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તેવી પ્રવૃત્તિની વડોદરાની જાણીતી ‘ગંગનાથ ભારતીય વિદ્યાલય'ની સંસ્થાના સંપર્કમાં તે આવ્યા અને ત્યાં બીજા દેશનેતાઓ સાથે કાકાસાહેબ કાલેલકર, મામા ફડકે તથા સ્વામી આનંદનો પરિચય થયો. પણ તે પછી ઉદ્દામ મનોવૃત્તિવાળાં એ બહેન ઊંડા પાણીમાં ઊતરી ગયાં અને ઘોડેસવારી, નિશાનબાજી, બોંબ બનાવટ વગેરે શીખવવાની મોટી મોટી વાતો કરનારી એક ટોળામાં એ પડ્યાં, અને કાકાસાહેબ જેવાની સમજાવટ છતાં, ઝાંસીની રાણી જેવાં પરાક્રમો કરવાનાં સ્વપ્નાં સેવનાર એ તરુણીએ ટોળી સાથે વડોદરા છોડ્યું. પણ છ જ માસમાં તેમનો ભ્રમ ભાંગી ગયો, અને નાણાંના ગોટાળા અંગે તેના નાયકો પકડાતાં એ વેશધારી ટોળીનો અંત આવ્યો. ૧૯૧૨ થી ૨૪ સુધીનાં બાર વર્ષોમાં એમના માથે સાંસારિક આફતોના કારમા ઘા પડ્યા. ૧૯૧૨માં પિતા, ૧૯૧૩માં માતા અને ૧૯૧૪માં પતિ પરલોકવાસી થયા. તે પછી એક બહેન, બે ભાઈ અને એમને સાહિત્યજીવનની પ્રેરણા આપનાર એમનો પ્રિય નાનો ભાઈ મનુ ત્રિવેદી પણ એક પછી એક અવસાન પામ્યાં. પંદર-સેળ વર્ષની મુગ્ધ વયથી ઉપરાઉપર પડવા માંડેલા આ આઘાતો અને સાંસારિક દુઃખની બીજી આફતો કોઈ પણ સામાન્ય સ્ત્રીને હતાશ કરી નાખે તેવાં હતાં. પણ ક્રાન્તિની પ્રેરણાથી પુષ્ટ બનેલા એમના ચિત્તે ધીરજથી, શાંતિથી અને ધ્યેયનિષ્ઠાને અચલ રાખીને એ બધાં સહન કર્યાં અને એ દરમ્યાન પોતાના વિકાસના માર્ગને રૂંધાવા ન દેતાં ભાવી જીવનની સંગીન તૈયારી કરતાં રહ્યાં. ઈ.સ.૧૯૧૪માં ૧૭ વર્ષની વયે વિધવા થતાં તે પિતાને ઘેર આવીને રહ્યાં. તે પહેલાં ૧૯૧૦-૧૨માં મહારાષ્ટ્રીઓના સમાગમને લીધે એમણે મરાઠી ભાષાનું સારું જ્ઞાન મેળવી લીધું હતું, અને ૧૯૧૪ પછી આપમેળે અંગ્રેજી પુસ્તકો વાંચીને એ ભાષાનો પણ ખપપૂરતો અભ્યાસ કરી લીધો. ૧૯૧૩માં ‘ઇંદિરા' નામની મરાઠી નવલકથાનું ભાષાંતર એ એમનું પહેલું પ્રકાશન ૧૮૧૪ થી ૨૦ના છ વર્ષના ગાળામાં પોતાની અને કુટુંબીઓની માંદગી અને મરણોની પરંપરાના પડેલા વિક્ષેપ પછી ૧૯૨૦ થી એમની સાહિત્યપ્રવૃત્તિ ફરી શરુ થઈ, અને કાવ્યો લખવા માંડ્યાં. ૧૯૨૧માં એમને સાહિત્યજીવનમાં પ્રેરણા આપનાર બીજા મિત્ર શ્રી. બટુભાઈ ઉમરવાડિયા સાથે ‘વિનોદ' માસિક કાઢ્યું, ‘૧૯૨૨'માં તેમની સાથે ‘ચેતન'નાં સહતંત્રી થયાં અને ત્યારપછી 'સુદર્શન' સાપ્તાહિકનાં તંત્રી થયાં. ચોટદાર લેખો લખી શકે એવી કલમ એમને મળી છે, અસરકારક કાવ્યો તે લખે છે અને ધારી અસર ઉત્પન્ન કરે એવાં એ વક્તા છે. એક વખત ઍની બેસંટના આદર્શો સેવનાર ને તે પછી ઝાંસીની રાણીનાં પૂજક આ બહેન ૧૯૧૯-૨૦ થી મહાત્માજી પ્રેરિત રાજકારણમા પડ્યાં અને આજે વર્ષોથી તન, મન, ધનથી તેમાં જ રત રહ્યાં છે. સાહિત્ય, કેળવણી અને સ્ત્રીઉન્નતિનાં એમનાં કાર્યક્ષેત્ર આજે રાજકારણને પડછે પડછે જ એ સંભાળે છે સૂરત શહેર ને જિલ્લાના રાજકારણમાં એમનું અગ્રસ્થાન છે, અને ત્યાંની શહેરસમિતિ અને જિલ્લાસમિતિ, મ્યુનિસિપલ બોર્ડ અને જિલ્લા બોર્ડ, સાહિત્યસભા અને કેળવણી મંડળ, હિંદી પ્રચાર અને સ્ત્રીસમાજ એ બધી સંસ્થાઓમાં સક્રિય અને જીવંત સતત સેવા એ જ એમનું આજનું કાર્યક્ષેત્ર છે. ગુજરાત પ્રાંતિક સમિતિ અને અખિલ હિંદ મહાસમિતિનાં તે સભ્ય છે.

એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ:

ઇંદિરા (વિષ્ણુ ધોંડદેવ કર્વેની મરાઠી નવલકથાનો અનુવાદ)
જ્યારે સૂર્યોદય થશે (ભાસ્કર વિષ્ણુ ફડકેની મરાઠી નવલનો અનુવાદ)
મુક્તિના રાસ (સ્વતંત્ર કાવ્યો) (૧૯૩૮)
આકાશનાં ફૂલ (સ્વતંત્ર કાવ્યો) (૧૯૪૧)

***