ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ભાસ્કરરાવ ગજાનન વિદ્વાંસ

From Ekatra Wiki
Revision as of 16:52, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભાસ્કરરાવ ગજાનન વિદ્વાંસ

કાઠિયાવાડમાં વાળા મુકામે સં.૧૯૫૯ના અષાડ વદ ૩ ને રોજ તેમનો જન્મ થએલો, પણ મૂળ તેઓ કૉંકણના આજર્લેના વતની ચિતપાવન બ્રાહ્મણ. એમના પિતાનું નામ ગજાનન કાશીનાથ વિદ્વાંસ અને માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક કેળવણી તથા અંગ્રેજીના ત્રણ ધોરણ વળામાં કરી તે ભાવનગર દક્ષિણામૂર્તિ ભવનમાં જોડાયા, એવામાં જ યુનિવર્સિટી સાથેનો સંબંધ એ સંસ્થાએ છોડ્યો એટલે ત્યાંથી વિનીતની પરીક્ષા પસાર કરી વિદ્યાપીઠમા જોડાયા. ત્યાં પ્રથમાની પરીક્ષામાં પહેલા આવ્યા. બુદ્ધિ નાનપણથી જ તેજસ્વી હોવાથી દર વર્ષે ઈનામો લેતા, અને એક વખત વકતૃત્વની હરીફાઈમાં પણ સ્વ. કાન્તને હાથે પહેલું ઈનામ લીધેલું. વિદ્યાપીઠમાં આગળ દોઢેક વર્ષ શિક્ષણ લીધા બાદ લડત આવી એટલે શિક્ષણ છોડ્યું; અને તે પછી શ્રી. દક્ષિણામૂર્તિ ભવનમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથી એમનો વ્યવસાય શિક્ષણનો જ રહ્યો છે. ભૂગોળ, ઈતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે. પોતે હજુ અવિવાહિત છે. એમનાં પુસ્તકોની સાલવાર યાદી: આપણા આર્થિક પ્રશ્નો (વાડિયા અને રાવની પુસ્તિકા ઉપરથી ૧૯૩૨), મજિઝ્મ નિકાય (કોસાંબીજીના મરાઠી પરથી), આર્થિક ભૂગોળ (‘હૉરબિન’, અંગ્રેજી ઉપરથી ૧૯૩૫), હિંદી સંસ્કૃતિ અને અહિંસા (કૉંસાંબીજીના મરાઠી પરથી ૧૯૩૭), ભારતમાં અંગ્રેજી રાજ્ય (બે ભાગ) (પં. સુંદરલાલના હિંદી પરથી ૧૯૩૯), પાસિફિક (મૌલિક) (૧૯૪૨).

***