ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મુરલીધર રામશંકર ઠાકુર

From Ekatra Wiki
Revision as of 16:57, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુરલીધર રામશંકર ઠાકુર

તેઓ મૂળ ઇડર સ્ટેટના સુવેર ગામના ઔદીચ્ય બ્રાહ્મણ. એમનો જન્મ એ જ સ્ટેટના કુકડિયા ગામે, એમના મોસાળમાં સં.૧૯૬૬ના મહા સુદ ૧૪ના રોજ થયો. એમના પિતાનું નામ રામશંકર હરિદત્ત ઠાકુર અને માતાનું નામ ગંગાબાઈ. બે વર્ષની વયે માતાનું સુખ ગુમાવ્યું અને થોડો વખત મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી મુંબઈમાં પિતા પાસે આવ્યા, ને ત્યાં આગળ અભ્યાસ ચલાવી મૅટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણ માટે પિતાની અશક્તિ હોવાથી આપબળે જ કૉલેજનું શિક્ષણ લેવાનો નિર્ધાર કર્યો અને તંગી તથા હાડમારીઓ વેઠીવેઠી તે પાર ઉતાર્યું. મૅટ્રિકમાં શ્રી 'બાદરાયણ' એમના ગુજરાતીના શિક્ષક હતા. તેમણે એમના સાહિત્ય પ્રતિના અનુરાગને પોષ્યો છે અને કૉલેજમાં જતાં સ્વ. નરસિંહરાવ દિવેટિયાના પરિચયમાં એમને મૂક્યા, જેમનાં મમતા, શિક્ષણ અને વિદ્વત્તા ત્રણેએ પોતાના જીવનને ઘડ્યું અને પોષ્યું હોવાનો ઋણસ્વીકાર તેઓ કરે છે. બી. એ.માં તત્ત્વજ્ઞાન ને તર્ક લીધેલાં તે સ્વ. નરસિંહરાવની ઇચ્છાને વશ થઈ બદલી ગુજરાતી અને સંસ્કૃત લઇ તે એમ. એ. થયા. આજે મુંબઈ સિડનહામ કૉલેજમાં તે ગુજરાતીના અધ્યાપક છે. ઈ.સ.૧૯૩૯માં ખાર (મુંબાઈ)માં શ્રી સરલાબહેન જોડે એમનું લગ્ન થયું. એમનાં પુસ્તકો : “સફર અને બીજાં કાવ્યો” (“સફરનું સખ્ય' પુસ્તકમાં સહકૃતિ), “મેળો” (બાળગીતો), “ગુજરાતીનું અધ્યયન” (પ્રો. વકીલ સાથે સહકૃતિ).

***