ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સારાભાઈ મણિલાલ નવાબ

Revision as of 17:10, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સારાભાઈ મણિલાલ નવાબ

ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલા તથા સ્થાપત્યોના ખાસ અભ્યાસી અને તે વિષયનાં બહુમૂલ્ય પુસ્તકોના આ તરુણ સંપાદકનો જન્મ અમદાવાદ પાસેના ગોધાવી ગામમાં તેમના મોસાળમાં સં.૧૯૬૩ના આષાઢ વદી ૫ તા.૨૯ મી જુલાઈ ૧૯૦૭ ના રોજ થયો હતો. તેઓ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક છે. પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા. માતા સમરથબેન તેમને ચાર વર્ષની બાળવયના મૂકીને ગુજરી ગયાં, છતાં તેઓ માને છે કે ચિત્રકળાના પ્રેમના સંસ્કાર એમનામાં માતા તરફના છે. અમદાવાદમાં જ શેઠ બી. પી. જૈન ડી. વી. સ્કૂલમાં પ્રાથમિક તથા સામાન્ય માધ્યમિક કેળવણી લઈ તેઓ વેપારમાં જોડાયા, પણ સાંસ્કારિક વલણ જુદું-જૈનાના ધાર્મિક તેમજ ઐતિહાસિક સાહિત્યના વાચનનું અને તેની પુરાતન હસ્તપ્રતોમાંની કલા પ્રત્યેનું હતું. એવામાં ઈ.સ.૧૯૩૧માં અમદાવાદમાં દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી જૈન હસ્તપ્રતોનું એક મોટું પ્રદર્શન યોજવામાં આવ્યું તેના મુખ્ય કાર્યકર્તાઓમાંના એક તરીકે તે કલાકાર શ્રી. રવિશંકર રાવળના સમાગમમાં આવ્યા. શ્રી. રાવળે તેમની કલાદૃષ્ટિ અને એ વિષયની દાઝ પરખી અને સારાભાઈને એમનામાં પ્રેરણાસ્થાન સાંપડ્યું. તરત જ એમનું બધું ધકધ્યાન વેપારમાંથી ગુજરાતની કલાના અભ્યાસ અને સંપાદન પાછળ વળ્યું અને નિશ્ચયાત્મક ખંત તથા અખૂટ ધીરજથી મથીને તેમણે ઇ.સ.૧૯૩૬માં “જૈન ચિત્રકદપદ્રુમ” નામનું પોતાનું પ્રથમ પુસ્તક રૂ. દસ હજારનો ગંજાવર ખર્ચ (જે એમણે એક પણ પાઈની મૂડી વિના માત્ર વ્યાપારી કુનેહ અને ત્રેવડ કરીને મેળવ્યો) કરી બહાર પાડ્યું; અને ગુજરાતી પ્રકાશનોના ઇતિહાસમાં સાધનસામગ્રી અને પ્રકાશ બંનેની દૃષ્ટિએ સમૃદ્ધ એવું એ એમનું પ્રથમ જ પુસ્તક એમને કીર્તિદા બન્યું. આ સફળતાથી પ્રેરાઈને એમણે એ જ વિષયના અભ્યાસ તથા સાહિત્યલેખન અને પ્રકાશનને પોતાનો વ્યવસાય બનાવી દીધો. જૈનાશ્રિત સ્થાપત્ય તથા કલા ઉપરાંત મંત્રશાસ્ત્રના પણ તે સારા અભ્યાસી છે; અને 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ', ‘શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિ સંગ્રહ' આદિ જેવાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ચિત્રકલ્પદ્રુમ જેવું જ સમૃદ્ધ એમનું બીજું પ્રકાશન, જૈનોનું કલ્પસૂત્ર (બારસાસૂત્ર) સંપાદિત કરીને સુંદર સુશોભનો તથા ચિત્રો સાથે 'ચિત્રકલ્પસૂત્ર' નામથી ઈ.સ.૧૯૪૧માં બહાર પાડ્યું. સંવત ૧૯૮૨માં અમદાવાદમાં એમનું લગ્ન થએલું. એમનાં પત્નીનું નામ લીલાવતીબેન નવાબ છે. એમને એક પુત્ર અને બે પુત્રી હયાત છે. હાલ તેઓ આણંદજી કલ્યાણજીની વિખ્યાત જૈન પેઢી તરફથી ચાલતા "જૈન ડિરેક્ટરી'ના વિભાગનું સંચાલન કરે છે. ઉપર જણાવેલાં જૈન કલા ઉપરાંત પોતાની સંપાદિત કરેલી “જૈન પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ”માં બધા મળીને એમણે ૨૦ પુસ્તકો આજસુધીમાં પ્રકટ કર્યાં છે. સંપાદિત પુસ્તકો:-જૈન ચિત્રકલ્પદ્રુમ (ઇ.સ.૧૯૩૬), મહાપ્રાભાવિક નવસ્મરણ (ઇ.સ.૧૯૩૮), શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્રતંત્ર-કલ્પાદિ સંગ્રહ, ૧૧૫૧ સ્તવનમંજૂષા, શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ, શ્રી જિનદર્શન ચોવીશી, શ્રી જૈન નિત્યપાઠ સંગ્રહ (ઈ.સ.૧૯૪૧), અનુભવસિદ્ધ મંત્રબત્રીશી, આકાશગામિની પાદલેપ વિધિકલ્પ, મણિકલ્પ યાને રત્નપરીક્ષા, ચિત્રકલ્પસૂત્ર (ઇ.સ.૧૯૪૧), ભારતનાં જૈન તીર્થો અને તેનાં શિલ્પસ્થાપત્ય (ઈ. સ. ૧૯૪૨). પ્રકાશિત પુસ્તકોઃ-જૈન સ્તોત્રસંગ્રહ ભાગ ૧ (ઈ.સ.૧૯૩૨), જૈન સ્તોત્રસંદોહ ભાગ ૨ ઊર્ફે મંત્રાધિરાજ ચિંતામણિ, અનેકાર્થ સાહિત્યસંગ્રહ ભાગ ૧, શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ, મહાચમત્કારિક વિશાયંત્રકલ્પ ઔર હેમકલ્પ, કામવિજેતા સ્થૂલિભદ્ર (ઇ.સ.૧૯૪૦), મહર્ષિ મેતારજ (ઈ.સ.૧૯૪૧), ઉપસર્ગહર યંત્ર વિધિ સહિત.

***