ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નવલિકા

From Ekatra Wiki
Revision as of 04:26, 23 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નવલિકા

નવલકથા કરતાં નવલિકાનું કળાસ્વરૂપ આપણે ત્યાં મોડું ઘડાયું હોવા છતાં ટૂંકા ગાળામાં તેની પ્રગતિ ઝડપથી થઈ છે. નવલિકાની લોકપ્રિયતાનાં વિધવિધ કારણો આગળ ધરવામાં આવે છે અને પ્રત્યેક નવો લેખક ટૂંકી વાર્તા ઉપર તો હાથ અજમાવવાનો તથા પ્રત્યેક દૈનિક કે સામયિકને વાર્તા વિના તો ચાલે નહિ જ એવી રસમ પડેલી છે. તેમ છતાં નવલિકાસંગ્રહોની સંખ્યા નવલકથાનાં પુસ્તકો કરતાં આ દાયકે વધવા પામી નથી તેનું શું કારણ હશે? શ્રી ધૂમકેતુ જેવા સિદ્ધહસ્ત નવલિકાકાર પણ નવલકથાના ક્ષેત્રમાં જ ઘૂમતા રહ્યા છે અને જૂની વાર્તાઓને એકત્રિત કરી તેના ચારેક સંગ્રહો છપાવવા સિવાય બીજી રીતે નવલિકાને તેમણે ઓછી રીઝવી છે. શું સામાન્ય જનસમૂહને માત્ર બે ઘડીના વિચારવિનોદ ખાતર જ નવલિકા પાસે જવું નહિ ગમતું હોય? તેને જીવનના મોટા પટ ઉપર વિહરતાં પાત્રોની સૃષ્ટિ વિશેષ પ્રિય હશે? અનેક ઘટનાઓ, પાત્રો, વર્ણનો, સંઘર્ષોની ફૂલગૂંથણીનું સાહિત્ય જાળવતા રસપ્રવાહમાં તેને ચિરકાલ સુધી તણાવું હશે? વિચાર કે લાગણીના લગીર ઝબકારાથી એનાં રસતરસ્યાં હૃદય પરિતૃપ્ત નહિ થતાં હોય? કે પછી નવલકથા કરતાં નવલિકા તેની સમજશક્તિ અને રસેન્દ્રિયની સૂક્ષ્મતાની વધુ અપેક્ષા રાખતી હશે તેથી? ગમે તેમ, નવલિકા કરતાં નવલકથા આ દાયકે વિશેષ લોકપ્રિય અંગ ઠર્યું છે. વારંવાર આગળ કરવામાં આવતાં લોકપ્રિયતાનાં કારણો આ પરિસ્થિતિમાં વાજબી ઠરતાં નથી. આમ કહેવાનો હેતુ નવલિકાની કલા નવલકથાની કરતાં સરલ છે કે ઊતરતી છે એવો નથી; પણ લોકોની રુચિ દાયકે દાયકે કેમ પલટાતી રહે છે તે તરફ માત્ર ધ્યાન દોરવાનો છે. આ દાયકે લગભગ સો જેટલા વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે, જે સંખ્યા ગયા દાયકા કરતાં આ દાયકે નવલિકાનો પ્રવાહ ધીમો વહે છે એમ સૂચવે છે. છેલ્લાં દસ વર્ષ દરમ્યાન પ્રતિવર્ષે, નવલિકાઓનો ફાલ, વાતાવણ અનુકૂળ હોવા છતાં, પ્રમાણમાં ઊતરતો જતો જણાયો છે. સિદ્ધહસ્ત નવલિકાનવેશોના કેટલાક સંગ્રહો મળ્યા છે; પણ લેખકોએ અગાઉ રળેલી કીર્તિમાં તે કશો વધારો કરતા નથી. ઊલટાનું 'આકાશદીપ' 'અંતરાય' 'રસબિંદુ', 'દ્વિરેકની વાતો-ભાગ ૩', 'ઉન્નયન' અને 'સૂર્યા' જેવા વાર્તાસંગ્રહો તેમના લેખકોના અગાઉના સંગ્રહોની અપેક્ષાએ સામાન્ય જણાય છે. જૂના અને પીઢ વાર્તાલેખકોએ કોઈ કોઈ સરસ વાર્તાઓ આપી નથી એવું નથી; પણ એકંદરે એ પેઢીએ આ દાયકાના નવલિકાસાહિત્યમાં કશું નવીન પ્રસ્થાન કર્યું દેખાતું નથી. શ્રી. ધૂમકેતુકૃત 'આકાશદીપ', 'પરિશેષ', 'વનછાયા' અને ‘મેઘબિંદુ દ્વિરેફકૃત ‘દ્વિરેફની વાતો' ભા. 3; રમણલાલકૃત 'રસબિંદુ' તથા 'કાંચન અને ગેરુ'; સુંદરમકૃત 'ઉન્નયન'; ઉમાશંકરકૃત 'અંતરાય; મેઘાણીકૃત 'વિલોપન' ‘માણસાઈના દીવા' અને 'રંગ છે બારોટ'; ગુલાબદાસ બ્રોકરના 'વસુંધરા', 'સૂર્યા' ' અને ઊભી વાટે'; ચુનીલાલ શાહનો 'રૂપાનો ઘંટ'; ગુ. આચાર્યનો ‘તરંગ’; સોપાનનો ‘ત્રણ પગલાં'; વિનોદરાય ભટ્ટકૃત 'મેઘધનુષ' અને ‘એને પરણવું ન્હોતું; રસિકલાલ છો. પરીખકૃત ‘જીવનનાં વહેણો'; ‘ચાઘર'ના લેખકમંડળે પ્રગટ કરેલો તેનો બીજો ભાગ:–આ છે જૂના નવલિકાકારો પાસેથી આ દાયકે મળેલા નવા નવલિકાસંગ્રહો. આમાંથી 'પરિશેષ', ‘માણસાઈના દીવા’, ‘વિલોપન’, ‘ઊભી વાટે', તથા ‘કાંચન અને ગેરુ' જેવા વાર્તાસંગ્રહો આ દાયકાનાં નોંધપાત્ર પ્રકાશનો ગણાય. આ દસ વર્ષમાં કેટલાક નવીન આશાસ્પદ વાર્તાલેખકો આ ક્ષેત્રને સાંપડ્યા તે પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, જ્યોત્સના ખંડેરિયા, બાબુભાઈ વૈદ્ય, ઉમેદભાઈ મણિયાર, મુરલી ઠાકુર, ચંદુલાલ પટેલ, દર્શક, સ્વ. હરજીવન સોમૈયા, રમણલાલ સોની, હરિકૃષ્ણ વ્યાસ, જયભિખ્ખુ, સત્યમ, ઈન્દ્ર વસાવડા, અશોક હર્ષ, ડૉ. જયંત ખત્રી, બકુલેશ, નિરુ દેસાઈ, પ્રશાન્ત, પૂર્ણાનંદ ભટ્ટ, દેવશંકર મહેતા, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, મકનજી પરમાર, કાન્તિલાલ પરીખ, અરવિંદ શાસ્ત્રી, રણજિત શેઠ, વર્મા-પરમાર, વ્રજલાલ મેઘાણી, નાથાલાલ દવે, સ્વપ્નસ્થ, સુરેન્દ્ર ત્રિપાઠી અને ઉમેશ કવિ. આ પાંત્રીસથીય વધુ નવા લેખકો તરફથી એકંદરે લગભગ ૬૦ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. વાર્તાકલા, જીવનતત્ત્વની પકડ, શબ્દ-સામર્થ્ય, રસનિષ્પત્તિ અને પ્રયોગવૈવિધ્યની દૃષ્ટિએ ઉપરના નવીન લેખકોમાંથી પન્નાલાલ, પેટલીકર, મડિયા અને જયંતી દલાલ વિશેષ શક્તિવાળા જણાયા છે. જ્યોત્સના ખંડેરિયા, મણિયાર, મુરલી ઠાકુર, બાબુભાઈ, રણજિત શેઠ આદિ જાણ્યે અજાણ્યે ધૂમકેતુ-મેઘાણીની વાર્તાશૈલીને અનુસરે છે. પણ નવીન લેખકોનો મોટો ભાગ બહુધા દ્વિરેફ-ઉમાશંકર-સુંદરમની શૈલી તરફ ખેંચાયો હોય એમ લાગે છે. આ દાયકાના સ્વતંત્ર શૈલીના જુવાન લેખકો પૈકી જૂનાઓમાંથી ઉમાશંકર, સુંદરમ, બ્રોકર, માણેક, જિતુભાઈ મહેતા અને કિશનસિંહ તથા નવાઓમાંથી પન્નાલાલ, પેટલીકર, મડિયા અને દલાલ હવે પછીના દાયકામાં નવલિકાના સાહિત્યપ્રકારને સર કરી જાય તો નવાઈ નહિ. ધૂમકેતુ અને તેમનું અનુકરણ કરનારાઓ ઉપર ફ્રેન્ચ વાર્તાકાર મોપાંસાનો, તો દ્વિરેફ-ઉમાશંકર અને તેમને અનુસરનારાઓ ઉપર રશિયન વાર્તાકાર ચેખોવનો પ્રભાવ પડ્યો હતો. પણ હવે, જુવાન ઊગતા લેખકોમાં અમેરિકન વાર્તાકાર સારોયાન વિશેષ પ્રિય થતો જાય છે. આ દાયકે મળેલા વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ આગલા દાયકામાં લખાયેલી છે. કેટલીક પૌરાણિક કથાઓ, બોધકથાઓ કે કિશોરકથાઓ છે. કેટલાક લેખકોએ કલાદૃષ્ટિથી નહિ-સમાજહિતૈષી, શૈક્ષણિક કે નીતિ ધર્મ અને સદાચાર ફેલાવવાના હેતુથી વાર્તાઓ લખી છે. આ દાયકાની કલાત્મક નવલિકાઓ જીવનની વિચિત્રતાઓ અને વિષમતાઓને વધુ સ્પર્શતી રહી છે. 'સુંદરમ્’ની ‘ખોલકી’ અને ‘માને ખોળે’ અને નિરુ દેસાઈની ‘ભલો માણસ’ જેવી કૃતિઓ નગ્ન વાસ્તવવાદની લાક્ષણિક વાર્તાઓનું પૂરું પ્રતિનિધિત્વ ધરાવે છે. નક્કર વાસ્તવદર્શન આજની ઘણી ખરી વાર્તાઓના પ્રાણરૂપ બની ચૂક્યું છે. તેને પરિણામે જીવન પ્રત્યેની વૈજ્ઞાનિક દૃષ્ટિ, જીવનના સર્વ વ્યાપારોને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ જોવાનું વલણ, મધ્યમ અને નીચલા વર્ગો તેમજ ગ્રામસમાજનું ઝીણવટવાળું નિરૂપણ, જીવનના પ્રાકૃત અને જિન્સી ભાવોનું પૃથક્કરણ, ધીંગા વિગત પ્રચુર વાતાવરણનું આલેખન અને જિવાતા જીવનને વિષય બનાવવાનું વલણ આ દાયકાની મોટા ભાગની નવલિકાઓમાં જોવા મળે છે. સાથે સાથે સંવિધાન અને નિરૂપણની પ્રયોગશીલતા, અંતસ્તત્ત્વ કરતાં રચનાકલા ઉપર અપાતું વધુ લક્ષ અને રસના આસ્વાદ કરતાં વિચાર કે લાગણીનાં ઝબૂકિયાં કરાવવા તરફ રહેતો વધુ ઝોક આધુનિક નવલિકાને વિશેષ ટૂંકી, સ્વરૂપસુઘટિત અને બુદ્ધિજન્ય ચમત્કારની રેખા જેવી બનાવે છે. આમ, બુદ્ધિજીવી અને પ્રયોગપૂજક યુગવાતાવરણ, વિષમતા અને યાતના તથા સ્વાર્થ દંભ અને વિલાસથી ભર્યું આધુનિક જીવન અને ચેખોવ, સારોયાન આદિ પરદેશી વાર્તાકારોનો કલાકસબ એ આ નવલિકાકારોનાં પ્રેરણા-સ્થાનો છે. આ વાર્તાઓમાં વીરકથાઓ, આધ્યાત્મિક પ્રેમની મંગલ ગાથાઓ, જૂના યુગનું દર્શન કરાવતી ઐતિહાસિક વાર્તાઓ, કાવ્યકલ્પનાના ફુવારા ઉડાડતી રંગદર્શી ભાવનામય વાતાવરણપ્રધાન કથાઓ અને માનવહૃદયની ઉદાત્ત-મનોહર લાગણીનું ઉત્કટતાથી આલેખન કરતી રોમાંચક કહાણીઓ નથી મળતી એમ નહિ, પણ તે કૃતિઓ જેટલું વાસ્તવચિત્રણ કરાવવા તરફ લક્ષ રાખે છે, તેટલું ભાવનાનું ઉદ્દબોધન કરવા તરફ રાખતી નથી. એકંદરે તેમાં કાવ્યનું માધુર્ય કે કલ્પનાનાં ઉડ્ડયન નથી. તેમાં છે વિવિધ માનસ, વૃત્તિ, કક્ષા, સંસ્કાર અને રુચિનું છબીરાગી આલેખન. એમાં ક્યાંક મર્મવેધી કટાક્ષ છે, ક્યાંક સહાનુભૂતિભર્યો દૃષ્ટિકોણ છે; ક્યાંક ઉમતા અને તીખાશ છે; ક્યાંક રસિકતા અને નવી રીતિનું ચાંપલાશ છે. પણ એ બધામાં ય વ્યક્ત થતો સૂર જીવનના વિષાદ અને નિરાશાનો છે. હોકાયંત્ર વિનાનું જીવનનાય જાણે કે સંસારસાગરમાં વિચારમોજાંથી અથડાતું કુટાતું કોઈ અનિશ્ચિત દિશા તરફ ધકેલાઈ રહ્યું હોય એવો આ દાયકાની વાર્તાઓમાંથી જીવનનો સૂર સંભળાય છે. જે રહસ્યને વાર્તા દ્વારા લેખક અભિવ્યક્તિ આપવા ઇચ્છે છે તેની યોગ્યાયોગ્યતા કે બલાબલ તપાસવાનો ઉચિત અને સ્થિર દૃષ્ટિકોણ આપણા ઘણા વાર્તાકારોમાં જણાતો નથી. કેટલીક વાર્તાઓમાં તો તેમના લેખકોનો દૃષ્ટિકોણ તંદુરસ્ત પણ લાગતો નથી, ટૂંકમાં કહીએ તો નવી નવલિકા જેટલી ચિત્તને ચમકાવતી જાય છે તેટલી ચિત્તને ખેંચી જતી નથી; જેટલી ભાવકને બુદ્ધિપ્રધાન પૃથક્કરણ કરવા પ્રેરે છે તેટલી તેની સંવેદનાને જાગ્રત કરતી નથી. છતાં સંવિધાનનું કૌશલ, નિરૂપણની સ્વસ્થતા, વિષય ને રીતિનું વૈવિધ્ય અને વર્ણન ને કથનની ચોટ સાધવામાં ગયા દાયકા કરતાં તેણે સારી પ્રગતિ બતાવી છે. ઈશ્વર પેટલીકરની 'દુઃખનાં પોટલાં' અને ‘લોહીની સગાઈ', ચુનીલાલ મડિયાની ‘કમાઉ દીકરો’ અને દ્વિરેફની 'કેશવરામ' આ દાયકાની સર્વશ્રેષ્ઠ નવલિકાઓ છે. ઉપસંહાર : વીતેલા દાયકાના ગુજરાતના સમગ્ર સર્જનાત્મક સાહિત્ય તરફ છેલ્લી દૃષ્ટિ ફેંકીએ તો તેમાં ‘આપણી સર્જકશક્તિએ અનુભવેલી ઓટ’નાં દર્શન થાય છે. ગયા દાયકાના આપણા સમર્થ સર્જકો રમણલાલ, રામનારાયણ, ધૂમકેતુ, સુંદરમ્, ઉમાશંકર, ધનસુખલાલ, ગુણવંતરાય, ચંદ્રવદન, મનસુખલાલ આદિ ઉત્તરોત્તર ચઢિયાતી કૃતિઓ આપવાને બદલે એમની આગલી કૃતિઓથી ઊતરતી કક્ષાની-કોઈ વાર તો એમનો સાહિત્યવ્યવસાય ચાલુ છે એટલું જ બતાવતી કૃતિઓ પ્રગટ કરે છે તે શું બતાવે છે? બીજા વિશ્વયુદ્ધને પરિણામે કે આધુનિક જીવનભીંસને કારણે આમ બન્યું હોય એમ ઘડીભર લાગે, પણ તે કારણ સંગીન નથી. કેમકે સાચા સર્જકનો પ્રાણ તો હમેશા સંવેદનશીલ હોય છે. સર્જક મનુષ્ય છે; મનુષ્યસહજ સર્વ મર્યાદાઓથી એ બંધાયેલો છે એ સાચું. પણ ઉપાધિઓ, યાતનાઓ કે ભયથી ગભરાઈને એ સામાન્યોની જેમ પ્રલોભનો, સ્વાર્થો અને અસત્યને વશ થઈ જાય એવું એને વિશે કેમ માની શકાય? એની સંવેદના ઊલટી આવા ગજગ્રાહથી વધુ તીવ્ર બને; બુઠ્ઠી ન બની જાય. કારણ કે સાચો સર્જક સર્વસાધારણ શુદ્ધ માનવનો ભક્ત છે અને તેવો માનવ જ તેનું રસકેન્દ્ર છે. એનું હૃદય કરુણાથી માતબર છે. એનું ચિત્ત સંસારસાગરનાં અનેક મોંજાથી ભિજાય તો પણ કમલપત્રના જેવું ઊર્ધ્વસ્થ અને પ્રફુલ્લ જ સદા રહે. ફ્રાન્સ, ઇટલી અને રશિયાએ બીજા વિશ્વયુદ્ધની પારાવાર ભયંકર અસર અનુભવી છતાં યુદ્ધ દરમિયાન એ દેશોની સર્જનપ્રવૃત્તિ વધુ ચેતનવંતી શાથી બની? સર્જનશક્તિમાં આવેલી ઓટનું કારણ આ દાયકાની બાહ્ય વિષમ પરિસ્થિતિઓમાં નહિ, પણ સર્જકમાં પોતામાં જ શોધવું ઘટે. જીવન જીવવા, જીવનને મૂલવવા, જીવનનું ખરું ને તાત્ત્વિક રહસ્ય પ્રીછવવા કેવળ તેનું અવલોકન કે પૃથક્કરણ કરવું બસ થશે નહિ. જેમ કેવળ લાગણીથી નહિ તેમ કેવળ બુદ્ધિથી પણ જીવનનું સત્ય દર્શન થશે નહિ. એ દર્શન આવે છે સર્જકના ઘટ સાથે ઘડાઈ ગયેલી તેની ઉન્મેષશાલિની જીવનશ્રદ્ધાના તેણે કલામાં અનુભવેલ આત્મસાક્ષાત્કારમાંથી. પ્રાચીન સર્જકોમાં જીવનના વ્યવહાર પરત્વે, જીવનના હેતુ અને સ્વરૂપ પરત્વે જેવી દૃઢ શ્રદ્ધા હતી; પંડિત-યુગના સર્જકોમાં લગ્ન, નીતિ, સમાજજીવન અને મનુષ્યની ઊર્ધ્વગામી પ્રવૃત્તિઓ વિશે જે અપાર અનુરાગ હતો; ગાંધીજીએ આત્મમંથન અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જે વિશિષ્ટ દર્શન તત્કાલીન સર્જકોમાં ઉગાડ્યું હતું એમાંનું કશુંક કે એવું કશુંક આ દાયકાના સર્જકોની શ્રદ્ધા-લગનીનું અધિકારી ભાગ્યે જ બની શક્યું છે. એથી આ દાયકાના ઘણાખરા સર્જકો કાં તો ફેશન પ્રમાણે આગલા દાયકાની જીવનદૃષ્ટિનાં ઉચ્ચારણો માત્ર કર્યાં કરે છે, અથવા તો પશ્ચિમનાં વિચારવલણનો તૈયાર ‘ગાઉન' જ પહેરી લે છે. એકંદરે આ દાયકાના સર્જનાત્મક સાહિત્યમાંથી ચિરજીવ જીવનદર્શનનો સ્થિર પ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે. સાહિત્યકાર જીવનથી મુક્ત બની સાહિત્યસોગઠાં ખેલી નહિ શકે. લોકપ્રિયતા કે રંજનના કૂવામાં ડૂબકિયાં ખાતાં ખાતાં વિશાળ ને જટિલ જીવનનું તલગામી દર્શન તે કરી શકશે નહિ. અને કોઈપણ કલાસર્જનમાં જીવન-દર્શનની ત્રૂટી ચલાવી ન લેવાય. બંધાઈ ગયેલા ચીલાઓની બહાર સર્ગશક્તિએ સ્વતંત્ર વિહાર કર્યો જ છૂટકો. સર્જક-પ્રતિભાને જીવનક્રમ અને તેના સૌન્દર્યપ્રેરક અંશો સિવાય બીજા કશાનું બંધન નથી.