ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સંશોધન-સંપાદન
આ દાયકે સાહિત્ય કે સાહિત્યપ્રકારનો ઇતિહાસ આપતાં છ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ચાર ગુજરાતી સાહિત્ય વિશે છે. એક સંસ્કૃત નાટ્યશાસ્ત્ર સંબંધી છે અને એક ફારસી સાહિત્ય વિશે છે. છેલ્લાં સો વરસના સાડાત્રણસો જેટલા ગુજરાતી કવિઓ અને તેમની નાની મોટી બારસોથી વધુ કૃતિઓને પોતાના ફલકમાં સમાવી તાત્ત્વિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનું વિવેચન કરતો શ્રી. સુંદરમનો 'અર્વાચીન કવિતા' ઉપરનો બહદ્ ગ્રંથ આ દાયકાના ગુજરાતી સાહિત્યનું એક અમૂલ્ય પ્રકાશન છે. અર્વાચીન કવિતાના ત્રણ સ્તબકો પાડી તે તે ગાળાની કવિતાનાં પ્રેરક બળો અને મુખ્ય લક્ષણોની સવિસ્તાર નોંધ લીધા પછી આધુનિક કવિતાપ્રવાહની સમીક્ષા કરીને અર્વાચીન કાવ્યપ્રવૃત્તિની સંપૂર્ણ વિકાસશૃંખલા શ્રી. સુંદરમે આ પુસ્તકમાં કુશળપણે યોજી છે. 'ઓછા જાણીતા રહેલા કવિઓ અને કૃતિઓમાંથી બને ત્યાં લગી તેમના ગુણને છતા કરી આપે તેવાં અવતરણો જરા છુટ્ટા હાથે’ તેમણે વેર્યાં છે; તો નરસિંહરાવ, કલાપી, ખબરદાર, ન્હાનાલાલ આદિની કડક દૃષ્ટિએ સમીક્ષા કરી છે. અભ્યાસ, શ્રમ, નિષ્ઠા, ગુણાનુરાગિતા, સર્જકતાને પારખવાની આમૂલ પકડ, સ્પષ્ટવકતૃત્વ અને અરવિંદની કાવ્યભાવનાનો રંગ શ્રી. સુંદરમ્ ની વિવેચકતાના મુખ્ય ગુણો છે. ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા'માં શ્રી. વિજયરાય વૈદ્ય સાહિત્યથી પરિચિત અભ્યાસપ્રેમીઓને લક્ષમાં રાખીને ઈ.સ. ૯૯૦ થી આધુનિક સમય સુધીનો લેખકવાર ને યુગવાર મધ્યમ બરનો રેખાત્મક ઈતિહાસ આપ્યો છે. શ્રી. મુનશીના ‘Gujarāta and its literature' પછી એ વિષયના અધિકારી લેખક પાસેથી મળતું આ પહેલું જ પ્રમાણભૂત પુસ્તક છે. અનેક સ્થળે તોલન અને વિવેચન પરત્વે અપૂરતું હોવા છતાં તે વિજયરાયના જ્ઞાનકોશના સમૃદ્ધ અને મર્મગ્રાહી પરિપાકરૂપ છે. તેમની સારગ્રાહી દૃષ્ટિ અને સઘન શૈલી જ માત્ર ૩૫૦ જેટલાં પૃષ્ઠોમાં ૧૦૦૦ વર્ષોનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સમેટી શકે. આપણા સાહિત્યનો એક બૃહત્ સંપૂર્ણ ઇતિહાસ તેમની પાસેથી મળે, તો એક મોટી ઊણપ પુરાય એવી અપેક્ષા આ પુસ્તક જગાડે છે. ડૉ. રતનજી રૂસ્તમજી માર્શલે પીએચ.ડી.ની ડીગ્રી માટે પ્રૉ. વિષ્ણુપ્રસાદની રાહબરી નીચે તૈયાર કરેલે મહાનિબંધ ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ' છેલ્લાં સો વરસના અખબારી સાહિત્યનો વિકાસક્રમ આલેખે છે. સૌથી જૂના વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર'થી માંડીને આજ દિન સુધીના તમામ દૈનિકો, સાપ્તાહિકો અને પાક્ષિકોની યોગ્ય નોંધો તેમાં લેવાઈ છે. 'ગુજરાતી', 'નવજીવન', 'સૌરાષ્ટ્ર' અને 'પ્રજાબંધુ' જેવાં કેટલાંક વિશિષ્ટ પત્રોએ ગુજરાતનું અખબારી સાહિત્ય વિકસાવવામાં, તેમાં નવીન રૂપરંગ, શૈલી, ભાષા અને સામગ્રી પૂરવામાં અને ગુજરાતી ગદ્યને નવો ઓપ આપવામાં આપેલા ફાળાનું સંક્ષિપ્ત વિવેચન પણ લેખકે તેમાં કર્યું છે. ગુજરાતી પત્રકારિત્વનો કડીબદ્ધ ઇતિહાસ સૌથી પહેલો આ પુસ્તકમાં મળતો હોવાથી એ આપણા સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાશે. ગુજરાતી માસિક પત્રોનો ઇતિહાસ પણ લખાવાની જરૂર છે. નાનકડી 'સાહિત્યપ્રવેશિકા' આપ્યા બાદ તેની ય લધુ આવૃત્તિ જેવી ‘સાહિત્યપ્રારંભિકા' શ્રી. હિંમતલાલ અંજારિયાએ આ દાયકામાં પ્રગટ કરી છે, જે સાહિત્યના અભ્યાસની શરૂઆત કરનાર વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડશે. ભારતીય નાટ્યશાસ્ત્રના વિકાસનું દર્શન કરાવતું 'સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા' ગુજરાતી ભાષામાં એ વિષયનું એક અગત્યનું પુસ્તક છે. નાટ્યશાસ્ત્રના ચાળીસથી ય વધુ મીમાંસકો, તેમની કૃતિઓની વિશેષતાઓ અને નાટ્યશાસ્ત્રના જુદા જુદા વિષયોનો ક્રમિક વિકાસ તેમણે તેમાં ઝીણવટથી આલેખી બતાવ્યો છે. રૂપકપ્રકાર, રસ, નાયક આદિનું પણ તેમના ઐતિહાસિક ક્રમ સહિત તાત્ત્વિક નિરૂપણ આ લઘુ પુસ્તકમાં મળે છે. પુસ્તકમાં પ્રૉ. માંકડની તોલનશક્તિ, ઇતિહાસદૃષ્ટિ અને નાટ્યશાસ્ત્રનો ઊંડો અભિનિવેશ પ્રતીત થાય છે. ‘ફારસી સાહિત્યનો ઇતિહાસ'માં શ્રી. એફ. એમ. લોખંડવાળાએ યુગવાર વિભાગો પાડીને ફારસી સાહિત્યનાં લગભગ ૧૧૦૦ વર્ષનો માહિતીપૂર્ણ ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. ફારસી સાહિત્યકારો વિશે આમાંથી સારી માહિતી મળી રહે છે; તેના વિવિધ સાહિત્યપ્રકારો અને પ્રવાહોનો સળંગસૂત્રિત વિકાસ આપવાનું લેખકને ઉદ્દિષ્ટ નહિ હોય એમ પુસ્તક વાંચતાં સમજાય છે.