અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા વિષે અખો

From Ekatra Wiki
Revision as of 03:07, 24 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રકરણ બીજું
અખા વિષે અખો

(૧)

અખાએ વિક્રમ સંવત ૧૭૦૧માં ‘ગુરુશિષ્ય સંવાદ’ રચ્યો અને તે બાદ વિ. સં. ૧૭૦૫માં ‘અખેગીતા’ રચી તે આપણે પહેલા પ્રકરણમાં જોયું. ‘અખેગીતા’ અખાની ઉત્તમ કૃતિ—એની ‘પરિણત પ્રજ્ઞાનું ફળ’ કહેવાય એટલે અખો ઈસુની સત્તરમી સદીમાં હયાત હતો એમ નિશ્ચિત રૂપે કહી શકાય. અખો એનાં અનેક કાવ્યોમાં પોતાને સોની અને સોનારા તરીકે ઓળખાવે છે. ‘ધન્ય તું, ધન્ય તું, ધન્ય ધરણીધરા’થી શરૂ થતા પદને અંન્તે અખો કહે છે :

“કીરત તોરી ઘણી સ્થલ બહુ સાંભળી, સોની જાણી રખે મુને રે વાહે;
ઊભો ચરણ વિષે, વિનતી કરી અખે, બિરદ કરુણાનિધિ સદ્ય (ત્ય?) થાયે.”

નીચેનું આત્મકથનાત્મક હિંદી પદ સવિશેષ નોંધપાત્ર છે.

(રાગ સામેરી)
“એસી જાત સોનારી મેરી હો,
કાટી ન કટે, ટરે ના ટારી, ના અંધાર ઉજેરી હો.
ઘાટ સોનેકા નિત્ય હી સમારું, ઘડ્યા ઘાટ ન ઘડે ફેરી હો;
કાલબૂતા કર લક્ષ ચોરાસી, નિત્ય નિત્ય ચાહ અનેરી હો.
કિયા પસારા શૂન્યમંડલમેં, કલા આપ વિખેરી હો;
બિન નમૂને મોહોરા કીના, ના બિદ્યા કોઈ હેરી હો.
આપ અરૂપ સરૂપ સુશીલા, અંતર શૂન્ય પરેરી હો;
શૂન્યાકાર કરે ફુની આપે, સામ્રથ સૂઝ બડેરી હો.
ચૈતન્ય રંચ ઓર ઘાટ ઘણેરા, રહ્યા ઘટેઘટ ઘેરી હો;
ફૂંકે ફૂંકે કરે રસરૂપા, સાર ગ્રહી લે આપ મેરી હો.
પકડ ન સરે કોઈ તાહી કું, અજબ કલા ઊંચેરી હો;
એસી જાત સોનારા ચીહીની, અહંતા કીની ચેરી હો.”
-શ્રી ફાર્બસ ગુ. સભા હસ્તપ્રત ૧૧૮.

આમ અખો સોની-સોનાર હતો પણ એની જાત ન્યારી હતી. ‘સંતપ્રિયા’, કડી ૫૯માં તો સ્પષ્ટ શબ્દો છે; ‘સંત સમાજ સોનારા સો ન્યારા.’ સંતોના ન્યારા સમાજમાં અખો ભળી ગયો. એનો જીવન-રાહ બદલાઈ ગયો. કારણો જનશ્રુતિએ આપ્યાં છે તે જ. અખાનાં કાવ્યોમાંથી એના કુટુંબજીવન સંબંધી કશી જ માહિતી મળતી નથી. એણે રચેલ એક હિન્દી પદના આરંભમાં નીચેની પંક્તિઓ મળે છે :

“ઘર ન ચલે ઘરવાસા ભાગા, અનભે ખોજ લીની નિજ જાગા,
મેરી લડકા કોઈ ન મેરા, મોસે સબ કરે ઘર ઘેરા,
પાંચે પૂત ઠગારે ઘરમેં, મેરી માયા લગાવે ભરમે,
ગુરુ જ્ઞાની મોહે મરમ બતાયા, તબ મેં સબકા હિરદા પાયા.”
—અખાની વાણી, પદ ૧૦૬

ડૉ. રમણલાલ પાઠક આ પદને આત્મલક્ષી ગણી અનુમાન કરે છે કે “અખાનું કુટુંબ ભર્યું પૂરું હશે. પોતાને આધ્યાત્મિક માર્ગથી ભ્રમિત કરવાવાળા પરિવારના વ્યવહારથી ખિન્ન થઈને અખો કોઈ જ્ઞાની ગુરુના ઉપદેશથી સંસારની ક્ષણિકતાનું રહસ્ય સમજીને વિરક્ત થઈ ગયો.” ઉપરની પંક્તિઓમાં ‘મેરી-લડકા’ એટલે સ્ત્રી-પુત્ર. એ પંક્તિઓ પ્રમાણે વિચારીએ તો અખાને પાંચ પુત્રો હોવા જોઈએ. અથવા તો અહીં પંચમહાભૂતથી બનેલા માનવદેહની અને માયાની વાત અખો કરતો હોય. જનશ્રુતિ તો આપણે જોયું તેમ અખાને નિઃસંતાન ગણે છે. અખાનો વંશ ચાલ્યો નથી એ હકીકત છે એટલે આ પદને આત્મલક્ષી ગણવામાં બાધા આવે છે. વળી, અખો પાકો ગૃહસ્થી હતો એ ગાળામાં જ એને જ્ઞાની ગુરુ મળી ગયા અને સંસારની અસારતા એને સમજાઈ ગઈ એમ કહેવાનું પ્રાપ્ત થાય. પણ તો પછી એના ગોકુળગમન અને કાશીવાસ સાથે એ બાબતનો મેળ બેસાડવાનું અઘરું પડે. અખાને હરિમિલનની ઝંખના ઘણી વહેલી જાગી હશે? ધાર્મિક ક્રિયાકાંડને જડતાપૂર્વક વળગી રહેલ પ્રજામાં બાળકોને પણ તે જ સંસ્કારો વળગવાના. વહેલા ઊઠી, નાહી ધોઈ, માળાપૂજા કરવાં, મંદિરે દેવદર્શન માટે જવું, ધાર્મિક કથાવાર્તા સાંભળવી, વ્રત-ઉપવાસ કરવાં, અભ્યાગત સાધુસંતોની સેવા કરવી, વગેરેમાં અખાને નાનપણથી જ શ્રદ્ધા જન્મી હોય તો નવાઈ નહીં. આસપાસના વાતાવરણની અસર બાળક સહજ ભાવે ઝીલે. માતપિતાનું અનુકરણ પણ સહજ ભાવે કરે. સોનીઓમાં ઘણા સાધુસંતોની સેવા કરવાની વૃત્તિવાળા હોઈને અખાને આરંભમાં પિતા જોડે અને પછી એકલા, ગામમાં આવી ચઢેલ સાધુઓ પાસે જઈ બેસવાની ટેવ પડી હોય એવું બને. કોક અણધાર્યા આવેશને વશ બની, પોતાનાં સ્ત્રીપુત્રાદિકને છોડી દઈને, સાધુ થઈ જવાના દાખલા આપણા સમાજમાં મળી આવે છે. અખો એ રીતે સાધુ થઈ ગયો હોય તો ડૉ. પાઠકનું અનુમાન સાચુંય હોય. બેત્રણ પેઢી પછી અખાનો વંશવેલો અટક્યો હોય તો એના વંશજો આજે ન મળે, પણ આ વાતો અનુમાનની ભૂમિકાથી આગળ વધે એવું બીજું કશું અખામાં મળતું નથી. એક વાત સ્પષ્ટ છે કે અખાએ જુદા જુદા પંથના સાધુસંતોને સેવી સત્યની ખોજ જોરશોરથી આરંભેલી. પોતાને જાણીતા પંથોના મહત્ત્વના દાર્શનિક સિદ્ધાંતોનો પરિચય સાધવા એણે બ્રાહ્મણો, પંડિતો, ધર્મોપદેશકો, પુરાણીઓ, સંતો, સાધુઓ—એ સૌ પાસે જઈ તેમનાં વચનો સાંભળી સાંભળી તે પર ઊંડુ મનન કર્યું હશે. એકાએક કોઈ એકને જ ગુરુ માની બેસે એવો અખો ન હતો. કસોટી કરવાનું કામ જેમ એના ધંધાનું એક અંગ હતું તેમ એના માનસનું અને જીવન-વ્યવહારનું પણ આગવું પાસું હતું એમ એની કૃતિઓ વાંચતાં લાગે છે. પણ ‘ગુરુ વિના જ્ઞાન નહીં’ એ લોકપ્રચલિત સૂત્રમાં એની માન્યતા એટલી જ દૃઢ હોવાથી, અનેકને ચકાસી ચૂકેલો અખો ગુરુની શોધમાં દૂર દૂરનો પ્રવાસ ખેડે જ. અખો સદગુરુ અને જીવગુરુ વચ્ચેનો ભેદ દર્શાવતાં લખે છે :

“દેહદર્શી દુનિયા અખા, ઔર આતમદર્શી કોય;
જાકો નેન સદ્‌ગુરુ દીએ, તાકો આતમદર્શન હોય. –વિદેહ અંગ, ૬
અખા જિને સદ્‌ગુરુ મિલ્યા, સો ઠહેર્યા નિર્વાણ;
પણ જીવગુરુ જાકો મિલ્યા, સો તાકે પાણી પાહાણ. –વિદેહ અંગ, ૯
સદ્‌ગુરુ કારણ મુક્તિકા, જ્યું ભોગકા કારણ ધન;
તાતેં સેવો સદ્‌ગુરુ, જો ચાહો રામરતન. –સદ્‌ગુરુ અંગ, ૧
જીવગુરુ ક્યું જાણીએ, જે કર્મ દેખાવે રીત;
સો શિષ્યકું કરે અખા, જૈસી નિજ પરતીત. –ભક્તિ અંગ, ૧૩
જીવ જગાવે ગેહેનતેં , અખા શબ્દમેં સિધ્ય;
પણ જીવગુરુ જો મિલ ગયા, તો કરે અખા જડ બુધ્ય. –ભક્તિ અંગ, ૧૨
જીવ જ્ઞાનીકો ના લહે, સોચી આવે વાજ;
ચીંટી માપણકો ચલી, અખા જ્યું ગજરાજ!” –ભક્તિ અંગ, ૧૫
અખા સો ગુરુકો ખોજ લે, જે દેખાવે રામ;
જે આપે હી ભટક્યા ફિરે, કહા કરે અગલેકા કામ?” –સદગુરુ અંગ, ૭
જગતનો કડવો અનુભવ અખાને થયેલો એ નિશ્ચિત વાત છે
“દુનિયા કટણી કૂકરી, કાટે સબકે પાંવ;
કર લાઠી લે જ્ઞાનકી, નિરભે હરિગુણ ગાઉં. –દુનિયા અંગ, ૫
દુનિયા રાજી ના રહે, જ્યું ત્યું કાઢે એબ;
અપણા કામ સમાર લે, અખા શબ્દ કર ગેબ. –દુનિયા અંગ, ૭
વંદે પંચ, પંનર નિંદે, અહીં દુનિયા બાન;
દોનું ઠગ માયા અખા, મત ધરે તું કાન.” –દુનિયા અંગ, ૧૦

જગતના વ્યવહારથી ત્રાસેલો અખો ધર્મધ્યાનમાં સમાધાન શોધે. ૫ણ જગતમાં તો–

“મોટી તાણ છે પંથ જ તણી, નથી જૂજવા એક છે ધણી.” છ. ૧૮૭
“અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નીગમ્યો.” છ. ૩૧૧
“એકએકનું બોલ્યું નવ મળે, ખટ દરશન જુજવાં આફળે.
સતને હું-માહારાનો થાપ, પણ અખા ન સમજે આપેઆપ.” છ. ૩૩૮
“કો કહે મહા મોહોટા શિવદેવ, કો કહે વિષ્ણુ મોટો અવશ્યમેવ.
કો કહે આદ્ય ભવાની સદા, બુદ્ધ કલ્કિના કરે વાયદા.
જૈન કર્મની સદા દે સીખ, જવન માને કલમે શરીખ.
અખા સહુ બાંધે બાકરી, પણ કો ન જુએ હરિને પાછો ફરી.” છ. ૩૮૭
“બ્રાહ્મણ કહેઃ સત્ય કરવા યજ્ઞ, પશુવધ કીધે હોય પુન્ય.
જૈન કહેઃ એ હિંસા પાપ, અખા ધર્મ પણ જુજવા થાપ.” છ. ૫૭૨
“આપે આપમાં ઊઠી બલા, એક કહે રામ ને એક કહે અલા.
અલા રામ તે કેહેનું નામ? કો નવ સંભાળે નિજ ધામ.” છ. ૩૦૪
“એક મૂરખને એહેવી ટેવ, પથ્થર તેટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સનાન, તુલસી દેખી તોડે પાન.”
“તિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ખયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ, તોહે ન પોહોત્યો હરિને શર્ણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોહે ન આવ્યું બહ્મજ્ઞાન.”
– છપ્પા ૬૨૮-૯

મિથ્યા ગુરુપદ ધારણ કરી બેઠેલા અનેક જીવગુરુઓના સંબંધમાં અખો લખે છે :

“ગુરુ થઈ બેઠો હૂંસે કરી; કંઠે પહાણ શકે ક્યમ તરી?” છ. ૧૨
“પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ.” છ. ૧૩
“સ્વામી થઈને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ.
શિષ્ય શાખાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર.” છ. ૬૪૪
“લીલા વૃક્ષને ઓઠે રહે, જ્યમ પારાધી પશુને ગ્રહે;
એમ હરિને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામિની તણા.” છ. ૬૫૫
“પ્રાપત્ય રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે લાગ્યું વરુ.
ધન હરે, ધોખો નવ હરે, સંબંધ સંસારી સાચો કરે.” છ. ૩૦૦
“એહેવા ગુરુ ઘણા સંસાર, તે અખા શું મૂકે ભવપાર?” છ. ૧૩
“ગુરુ જ અખા ન જાણે રામ, તે શિષ્યને શું આપે નામ?” છ. ૩૨૨

ગૃહસ્થાશ્રમનું સુખ સાચું સુખ નથી. બહુ લાંબું જીવવાથી શો ફાયદો? બૈરી-છોકરાં, ઘરબાર વગેરેનું મમત્વ બૂરું છે, જેવી બાબતો અખાએ ચોટદાર રીતે કહી છે :

“રામ-રસાયન અચવત નહીં નર, બોહોત જીયેતેં કીનો કાહા ભગો રે?
રામકી ઠોર રામા રંગ રાચ્યો, જ્યાં સ્વાન સુની કેરે હી લગ્યો રે.”
“ધન તન ત્રિયાસું એસો જર્યો મન, જૈસે જર્યો મીતકો મન પાતી;
ધન તન ત્રિયા સો છાંડ જાત હે, ઓર મનકી પ્રીત ન હોત પુરાની.”
“રે મન! રામ-ભજનકી ઠોરે તેં ભજી રંગરંગીલીસી રામા;...
ભાવ ભક્તિ ભરોસો અખો કેહે, ભૂધર કે ઠામ ભઈ હે જુ ભામા.”
– સંતપ્રિયા

આ પંક્તિઓમાં એના અંગત ગૃહસ્થ જીવનનો પડઘો હશે ખરો? હોય તો એનું કૌટુંબિક જીવન રંગીલું હશે? રંગરંગીલી સોનારણમાં એનું મન સર્વથા અનુરાગી હશે? એની વધુ પડતી આસક્તિને કારણે પત્ની બાળકોને લઈ ચાલી ગઈ હશે? આપણે કશું જાણતા નથી એટલે આ પંક્તિઓમાં સાદો સદુપદેશ જોવો રહ્યો. એમ તો મોગલયુગના રંગપ્રધાન વાતાવરણમાં મહાલતા વિષયાસક્ત માનવીઓની વાત પણ અખો કરે છે. સુખી કુટુંબના એવા નબીરાઓને ઘરકુટુંબમાં સંતોષ ન હોતાં તેઓ બહાર ભટકતા રહે છે. અખો લખે છે :

“ભાંડ ભવાયા ભામિની, ત્યાંહાં તે રાતો થાય;
ગુણ સુણતાં ગોવિંદના, ઊંઘે કે ઊઠી જાય.” સાખી, અધમ અંગ, ૧૩

‘ગંધર્વ અને પાતરના ગાનમાં’ અને સુંદર જોષિતા’ના નાચમાં ગુલતાન માનવીઓનો અખાને પરિચય જણાય છે. ‘વેશ્યા રાખી ગૃહિણી કરીટ જેવી રજવાડી મનોદશાવાળા ફક્કડો પણ અખાને અજાણ્યા નથી.

“હાવ, ભાવ, છંદ, ભેદ, મૂર્છના, લલિત તાન આલાપ;
યે હિ બિધિ નાચ જુગોજુગ નાચત, દેત સબે સિર થાપ!”
—અપસિદ્ધ અક્ષયવાણી, પૃ. ૧૯૬

એમ કહેતો અને ફાગ અને ધમારનાં ગીતો રચતો અખો જીવનના રંગરાગોથી અપરિચિત તો નથી. સોનાના અવનવા ઘાટ ઘડતા અખાના જીવનમાં વૈવિધ્ય હોવા વિષે શંકા નથી. એણે વેપાર ખેડ્યો હોવાનો ય સંભવ છે. ‘ઘાટદૃષ્ટિ હેમે ઠહરાય,’ ‘બીબે રૂપ ઢળે વણઘડ્યું’, ‘સોવર્ણાગર સોનીને ભોગ’ જેવી એની ઉક્તિઓ સોનીને સહજ છે, પણ તે ઉપરાંત ‘કાં વોહોરે જોયા વિના વજે’, ‘એ તો દામ અલેખે પળ્યા’, ‘માલ જોઈને વહોરે ઘાટ’, ‘સોદો રોકારોક,’ ‘વેપાર રોજગાર,’ ‘વણજ ઉધાર,’ ‘મુદ્દલ ખોટ,’ ‘વૃદ્ધિ ખાધ,’ ‘વાયદો દેવાળું’ વગેરેના પણ ઉલ્લેખો અખો કરે છે. સાગર અને નાવના એણે અનેકાનેક ઉલ્લેખ કર્યા હોઈ એણે દરિયાની મુસાફરી કરી હોવી જોઈએ. વ્યવહારનાં અનેક ક્ષેત્રોનો એ માહિતગાર છે. અનેક ધંધા અથવા તેમના કસબનો એણે ઉલ્લેખ કર્યો છે, તો બીજી બાજુ ચાંદ સૂરજ ને તારા ઉપરાંત અનેક ભૂચર ખેચર અને જળચર પ્રાણીઓની વાતો પણ એણે કરી છે. સમરાંગણ અને સુભટોની વાતો પણ એની રચનાઓમાં સહજભાવે આવે છે. એટલે અખાએ જીવનને ખૂબ જોયું છે, જાણ્યું છે, માણ્યું હોવાની પણ પૂરી શક્યતા છે. એટલે અત્યંત કડવા દુન્યવી અનુભવોને પરિણામે એ વીતરાગ બન્યો કે પછી ઉવાટે જઈને પાછો વળ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ એણે ધર્મધ્યાનનો આશ્રય લીધો અને તે છતાં ચિત્તની શાંતિ ન લાધતાં એણે સદ્‌ગુરુની શોધમાં જવાનું નક્કી કરેલું એ હકીકત છે. ‘છપ્પા’માં એ લખે છે :

“કહે અખો હું ઘણુંયે રટ્યો, હરિને કાજે મન આવટ્યો.
ઘણાં કૃત્ય કર્યાં મેં બાઝ, તોહે ન ભાગી મનની દાઝ;
દર્શન વેષ જોઈ બહુ રહ્યો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો,
ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ,
મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.
વિચાર કહે, શું પામ્યો અખા? જનમજનમનો ક્યાંહાં છે સખા?”
–છપ્પા ૧૬૭-૮

અનેક જીવગુરુઓથી કંટાળેલો અને જગતથી ત્રાસેલો અખો જન્મે વૈષ્ણવ હોઈ ગોકુળનાથજી જેવા સુપ્રસિદ્ધ આચાર્યને શરણે જવા ઇચ્છા કરે એ દેખીતું છે. ગોકુળનાથજી વલ્લભ સંપ્રદાયના ત્રણ મહાપુરુષોમાંના એક. વિદ્વજ્જન તરીકે પણ એમની ખ્યાતિ ઘણી એટલે અખાનું ગોકુળગમન બહુ સ્વાભાવિક ગણાય. ગોકુળનાથજીને ચરણે બેસી અખાએ ભાગવતોપદિષ્ટ ભક્તિના સિદ્ધાન્તો સમજીને પોતાના જીવનમાં એવી સરસ રીતે વણી લીધા કે શેષ જીવનમાં એ સદાય સાચો વૈષ્ણવ બની રહ્યો. વૈદાંત મતને પણ એણે સમજી લીધો અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો વૈષ્ણવ સંતોની પ્રણાલીમાં એણે રચ્યાં. ગોપીભાવ પ્રગટ કરતાં અનેક પદો ઉપરાંત અખાએ શૃંગારનાં કીર્તન પણ રચ્યાં છે. એ પદોમાં ભક્તિભાવની ઉત્કટતા છે. સ્થૂલ રતિભાવનું આલેખન સરવાળે જીવનો શિવમાં ભળી જવાનો ભેદ દર્શાવવા માટે જ છે એ સમજાતાં વાર નથી લાગતી.

“એક સેજે સખી! વીતી સરવ શરવરી, પરવરી પિયુ શું પ્રેમરંગે;
રસબસ થાતાં કેહેવા કંઈ નવ રહ્યું, અદ્‌ભુત રસ પડ્યો એક અંગે.
એક અનુભવ તે જુગમ થઈ નીમડે, જુગમ જોતે થકે એક ભાસે;
એમ જાણી વિચારીને વિધ્ય વિધ્યે વિલસતાં, કંઠ પરસ્પર હસ્ત હાતે.
શાસ્ત્ર સઘળાં જ સિદ્ધાંત કરતે થકે, વાદ કરતાં વપુ જાય છૂટી;
તે પ્રભુ અધક્ષણ અંગ અળગો નહીં, રસતણો સિંધુ નવ જાય ખૂટી.
હું ખોળે પિયુ મુજ મુખે નેત્ર એકે લખે, મુજ પખે નવ રહે નાથ નેમે;
ભોગવિલાસ આનંદ નિત નવનવા, મુજ પડ્યું પાધરું પૂર્વ પ્રેમે.
અદ્‌ભુત રસ પુરાતન પદમની, અસનપણે તે રહેતો અજાણ્યો;
જાણ યૌવનપણું આવ્યું અંગે અખા, દ્વૈત અદ્વૈતરસ મંન આણ્યો.”
–ફા. ગુ. સભા, હસ્તપ્રત ૩૩૬

(૨)

“કલ્પના કોટ પે અલ્પ આગળ વપુ, જ્યારે કાહાનજી દીઠો કેલ કરતો;
સમરનું ચમર છોડાવીને છેલ જે, વાંછા વિહાર વ્યગતે વિહરતો.
સરસમણ સુંદરી કામકલા ચઢી, નટી જેમ નટકૃત કિશોરી,
સુરત-શૂરે સંયોગ સાથે ભડી, સખી હકારે ધનધન્ય મોરી.
શ્યામની મોર સાહેલી કેહેતી હવી, સુભટ સંયોગે રખે લાજ લાગે;
બલ બહુ ભાતનું પાંક્યું બળિયા તણું, બરદ બોલ્યું હતું તે જ આગે.
પરસંસો પોઢો બધો પિયુજી, જ્યમ મત્ત ગજરાજ ને કરિણી ક્રીડે;
રતિ રણરંગ વાધ્યો જ વિહાર તાં, હરખ સોખે બેહુ હાથ ભીડે.
વીર્ય વિનોદ વિધવિધ વહાલા તણો, શ્યામિની સેજ શકી સંભાળી;
અખા અવિલોકતાં અર્થ સાધ્યો ખરો, સુરત અંતે પછે દીધી તાળી.”
–ફા. ગુ. સભા, હસ્તપ્રત ૩૩૬

સ્ત્રીભાવે સદ્‌ગુરુને સેવી જ્ઞાનગંગામાં અવગાહન કરવાની વાત પણ આખાએ કેટલાંક પદોમાં કરી છે. એક પદ ઉદાહરણાર્થે જોઈએ.

“સદ્‌ગુરુ સંતે લીધી મારી સાર રે, ઓળખાવ્યો નિજ આતમા રે,
ધીરજ દેઈને બતાવ્યું નિજ ધામ, હરિ હીરો આપ્યો હાથમાં રે.
કિરપા કરીને કીધો છે ઉપદેશ, સમઝાવી મને સાનમાં રે;
મંત્ર સાધ્યો મારા મંદિરમાંય, કહ્યું છે. ગુરુએ કાનમાં રે.
દયા કરીને ડગતું રાખ્યું દિલ રે, ચંચલ મનને સ્થિર કર્યું રે;
હું તો ભૂલી’તી ભુવન રે, જાગીને જોવાં ઘર જડ્યું રે.
નુરત સુરતે નીરખ્યા છે નિરંજન રે, એક ધ્યાન હરિનું ધર્યું રે;
અંબુમધ્યે દીસે જેમ આભ રે. વૈરાટ રૂપ દૃષ્ટે પડ્યું રે.
કીધો કીધો દ્વૈતનો સંઘાર રે, અદ્વૈત દીઠો આપમાં રે;
વરતિ જેહેની પોહોતી બહ્માંડને પાર, નહીં આવે માયાના માપમાં રે.
હોમ્યાં હોમ્યાં બ્રહ્મઅગ્નિમાં બીજ, ઊગ્યાની આશા તેહેની ટળી રે;
નિરભે પદથી થઈ નિઃશંક, અવિગત ગગને જઈ મળી રે.
મળિયાં મળિયાં અંબુ મધ્યે લૂણ, વરતિ તો જેહેની ગગને ગળી રે;
ભાઈ રે તૃષ્ણા જેણે કીધી છે ત્યાગ, સદ્‌ગુરુના શબ્દ સાંભળી રે.
ગુણથી ટળીને ખોયું જ્યારે આપ, એક બ્રહ્મ સઘળે જાણિયો રે;
કહે અખો સમરણ કરની તેહેનું, જે વેદાંતે વખાણિયો રે.”
–ફા. ગુ. સભા, હસ્તપ્રત ૧૯૯

આવાં પદો અખાની પ્રેમલક્ષણા ભક્તિનાં નિર્દેશક તો છે જ, પણ એ રચાયાં તે કાળે અખાને કાવ્યરચનાની હથોટી આવી ગઈ છે એ પણ ચોક્કસ. આરંભદશાનાં ગણી શકાય એવાં અખાનાં નીચેનાં બે પદોને સરખાવતાં આ વાતની ખાતરી થશે.

“જાગો રે દેવા નીદનીઆ, શું અચેતે સુવો?
મોંઘા મૂલનો વખત અમૂલખ, કરે અખા રે ક્યમ ધુવો?
પરોઢિયે કાઢીને જાસા, આંખ ઉઘાડી જુવો.
માતાપિતાએ પુત્ર જનમિયો, મોતે થયા છે જુવો.
કરોળિયાનું કરમ કમાઈને, માંહીં ગૂંચાઈને મુવો.
હો હો કરીને હાક જ મારે, પણ ભેદ ન જાણે ભુવો.
ઔષધમૂલી કામ નહીં આવે, વૈદ ધનેતર મુવો.
કર જોડીને અખો કહે છે, માયા અંધારો કુવો;
જેહેને મુખ નહીં રામની વાણી, તે ડૂબીને મુવો.”
—ડૉ. રમણલાલ પાઠક પાસેથી મળેલું.

“સમાચર સંતની ચાલ, સર્વે માહા શૂરવીર.

બીજા બજાર બાધી ફરે, એ તો મરવાના મજૂર,
ભાગ્યા ઉપર ઘાવ ન ઘાલે, સન્મુખ સકાના ચૂર.
પીઠે પાટા જે ચહે, તેહેને નાથનું નહીં નૂર.
ચરણ થરકે ને મૂછ ફરકે, મુખ પર વાધ્યું નૂર.
મદૃગલ મેગલ ગલહલે, જેહેને આનંદ વાધ્યો ઉર,
સપનવત સંસાર છે, જેમ કહે આક કેરું તુર.
કહે અખો જીત્યા તે ખરા, જેણે દલ કાપી કર્યું દૂર.”
—ફા. ગુ. સભા, હસ્તપ્રત ૨૪૫

હસ્તપ્રતોમાં આવાં જે કેટલાંક પદો મળે છે તે ઉપરથી તો એમ લાગે છે કે સાધુસંતો સાથે અને ભજનમંડળીઓમાં બેસતાં અખાએ આવાં પદ લખીને પોતાની કાવ્યપ્રવૃત્તિનો આરંભ કર્યો હશે, એટલે અખો ગોકુળનાથજીના સાન્નિધ્યમાં રહ્યો તે ગાળામાં એણે કરેલી રચનાઓ ઠીક ઠીક લોકપ્રિય બની હોવી જોઈએ. સામાન્ય રીતે એનાં ગુજરાતી પદોમાં અખો ભાગ્યે જ પોતાને સોની તરીકે ઓળખાવે છે. જ્યાં એ ‘સોની’ ‘સોનાર’ ‘સોનારા’ શબ્દોથી પોતાની ન્યાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે તેવાં પદ પ્રાયઃ એની પ્રૌઢાવસ્થાની રચનાઓ હોઈ શકે.

“તિલક કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ખયાં.
તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ, તોહે ન પોહોત્યો હરિને શર્ણ.”

એમ અખો છપ્પામાં જણાવે છે. આ પંક્તિઓને આત્મલક્ષી ગણવી હોય તો એટલું જ કહેવું ઉચિત છે કે ત્રેપન વર્ષ સુધી અખાએ ચુસ્તપણે વૈષ્ણવ ધર્મ પાળ્યો; તીર્થયાત્રા, જપ, દાન વગેરે કર્યાં અને છતાં એને હરિ હાથ ન લાગ્યા. અખાના અંતરની વેદના અને હરિદર્શનની અતિ ઉત્કટ ઝંખના જ આ પંક્તિઓ રજૂ કરે છે. નવાઈની વાત છે કે આપણા કેટલાક વિદ્વાનોએ આ સમયની સાથે અખાની કાવ્યપ્રવૃત્તિના આરંભને જોડી દીધો છે. અંબાલાલ બુ. જાનીને મતે “કવિએ પોતાના પ્રયાસનો પ્રારંભ બાવન વર્ષની ઉંમરે કર્યો હોય.” આના સમર્થનમાં છપ્પામાંથી નીચેની પંક્તિ રજૂ કરવામાં આવી છે.

“બાવનપેં બુધ્ય આધી વટી, ભણ્યાગણ્યાથી રહી ઊગટી.”
—પ્રાપ્તિ અંગ, ૨૪૩

આમાં બાવનની સંખ્યા વર્ણમાળાના બાવન અક્ષરોની સૂચક છે, નહીં કે અખાની ઉંમરની. ગોકુળ ખાતે અખાએ ભાગવત જેવા અધ્યાત્મગ્રંથનો અભ્યાસ કર્યો હોય તો પુસ્તક-વાંચન ઉપરાંત રહસ્ય-શોધ માટે અર્થોના ઊંડાણમાં ઊતરવાનો એણે આરંભ કર્યો હોય. પ્રેમલક્ષણા ભક્તિમાં અવગાહન કરતાં એને જે સમજાયું તે એ જ કે શ્રીકૃષ્ણથી ભિન્ન એવું કોઈ તત્ત્વ છે જ નહિ. સાચું જ્ઞાન પણ આ જ. ભક્તિમાર્ગના અનુયાયી અખાએ ગોપીભાવે હરિને ભજ્યા, પણ તે ઉપરાંત એણે સ્ત્રી-પુરુષ સંબંધની તાત્ત્વિક મીમાંસા પણ રજૂ કરી જ છે. ‘ચિત્તવિચાર સંવાદ’માં અખાએ લખ્યું છે :

ચિત્ત કહે, “વિચાર! સુણ અંગ, સ્ત્રી-પુરુષ દીસે ભિન્ન લિંગ.
જોતાં ચૈતન્યમાં નર-માદા નથી, અને પાંચ ભૂત મેં જોયાં કથી. ૨૦૫
રૂપમાંહાં દીસે છે ભાત, તે હું સમઝું ત્યમ લેખે ઘાત.”
વિચાર કહે, “સાંભળ ચિત્ત વાત, એ તો છે બીબાની જાત. ૨૦૬
જ્યમ ખાંડ કથીરનાં નીપજે રૂપ, બીબા-ભેદે ભાત અનૂપ
બેહુ પડ મળતે રૂપ ભરાય, પડમાં નર કિયો ને કેહી માદાય? ૨૦૭
એ જંત્ર જાણ નર-માદા તણો, પણ ઊંડો ભાર મ રાખીશ ઘણો.
ભગ લિંગ દેખી ભરમે બહુ, આકારે વળગ્યા છે સહુ, ૨૦૮
અંતર મર્મ વિચારે કોય, તે નર કૌતકમાત્રેક જોય.
ભગ દેખી પરઠે ભામિની, લિંગ દેખી નર માને દુની. ૨૦૯
પ્રાયે કરે જો મૂલ વિચાર, તો કહ્યાં ન જાયે નર કે નાર.
સ્ત્રીને ગર્ભ-કમલ તે લિંગ, પુરુષને દીસે પ્રસિદ્ધ અંગ. ૨૧૦
બેહુના લિંગ વિષે છે શૂન્ય, તેહેમાંથી રજ-વીર્યનું આગમન.
બહુ પડમાંહાં અનંગ નીપજે, સુરત-સુખને બેહુયે ભજે. ૨૧૧
બેહુ ઘટમાંહાં બેહુના અવેવ, નરને સ્તન એ નારી ભેવ.
કોએક ઘટ એહેવો નીપજે, બેહુ આકારને એકલો ભજે. ૨૧૨
કોએક ઘટ એકેમાંહાં નહીં, તો શાની સ્થિત્ય હું રાખું સહી?”
ચિત્ત કહે, “કશો ય નથી થાપ, ચૌદે લોકે એહેવો શો વ્યાપ?” ૨૧૩
વિચાર કહે, “સાંભળ ચિત્તરાય, શબ્દ જ નર ને શબ્દ માદાય,
ચૈતન્યને નરનાર ન કહેવાય, અને પંચભૂતનું એ નામ ધરાય.” ૨૧૪

નર-નારીના ભેદ લૌકિક દૃષ્ટિએ કરવામાં આવ્યા છે. તે અંગે શરીરભેદ સંબંધી વૈજ્ઞાનિક વિગતો અખાએ આપી. આ ઉપરથી એ ક્ષેત્રે એની પાસે પૂરતું જ્ઞાન હતું એટલું સ્વીકારી લઈએ. નર-નારીના રંગરાગની સીધી વાતો એ જમાનામાં કવિઓ કરતા ન હતા. તે સમયની ગુજરાતી પ્રજાને તેના માનસ અને જીવનવ્યવહારને કારણે, કદાચ એમાં અશ્લીલતા દેખાતી હશે. પરિણામે અધ્યાત્મમાં શિવ અને જીવની એકતાનો સિદ્ધાંત રજૂ કરવા કૃષ્ણ અને ગોપીઓની પ્રણયલીલા આલેખીને કવિએ બ્રહ્માનંદ પામવાની પદ્ધતિનું ભક્તિમાર્ગને અનુકૂળ ચિત્ર આપી રહેતા. કૃષ્ણદર્શન માટેની અદમ્ય ઝંખના, એના મિલન માટેની આતુરતા, વિરહદશાની પ્રક્ષોભક પરિસ્થિતિ અને સરવાળે જેનું અહર્નિશ ચિંતન ચાલ્યું તે શ્રીકૃષ્ણના મિલનનો અપૂર્વ આનંદ એ ગોપીઓના જીવન-સર્વસ્વની સુબોધક કહાણી છે. પરમાત્માની ઝાંખી કરવા ઇચ્છતા જીવોએ પણ આ જ માર્ગે તેને પામી તેની સાથે એકરૂપ બનવાનું છે. બ્રહ્માનંદને એ કારણે રત્યાનંદ સાથે સરખાવવામાં આવે છે. જાગતિક વ્યવહારમાં રત્યાનંદનો અનુભવ થઈ શકે છે, અધ્યાત્મમાં બ્રહ્માનંદનો. રત્યાનંદ ક્ષણિક છે અને તે શ્રમ અને ખેદ જન્માવે છે. બ્રહ્માનંદ સાધકને ચોવીસે કલાકની મસ્તી બક્ષે છે અને એ દશામાં દુન્યવી વિચારોને, સુખદુઃખ અને રાગદ્વેષનાં દ્વન્દ્વોને, કોઈ સ્થાન જ નથી. અખાએ પોતાની સરળ બાનીમાં સહજ ભાવે કૃષ્ણ-ગોપીના સ્થૂળ શૃંગારનું વર્ણન કરતાં પદોમાં સરવાળે આ જ વાત આગળ કરી છે. જીવ શિવમાં ભળી જતાં અનુભવાતી એકતાના અલૌકિક હર્ષોલ્લાસની સ્થિતિ તે જ બ્રહ્મદશા. એ દશામાં જ માણસ પોતાના સાચા એવા આત્મસ્વરૂપને પામે છે. દેહભાવની ગંધ પણ એ દશામાં રહેતી નથી. જીવભાવનો નાશ અને આત્મસ્વરૂપના સાક્ષાત્કાર પછી કશું વિશેષ મેળવવાપણું નથી. અખાએ રચેલ શૃંગારનાં કીર્તનોમાંથી ઉદાહરણો લઈએ.

“કહે સખી તું જ સિદ્ધાંત મુજ શ્યામિની, જામિની! જીવનને કેમ જાણ્યો?

શબ્દ-અતીત પ્રકૃત્ય-પાર શ્રુતિ સ્તવે, સર્વ-અતીત સંતે પ્રમાણ્યો. ૧
પ્રત્યક્ષ પરમાણ તાહારે વિષે છે પ્રિયા, પરોક્ષ પરમાણ પંડિત પાંહે;
તેહેનું વિશેષણ કહે મુજ વલ્લભા, શું સમજી સત્ય મંન માંહે?” ૨
ત્યારે ચતુરા વદે ચિત્ત ચિદમે કરી, “માહેરા મંનનો એ જ આશે;
મહાનિધિ સાથે મળી મધ માહાલતાં, કોણ કેહે, જો અન્ય ન ભાસે. ૩
રમણશાળા માંહાં આવીને તો જુઓ, કંથ કેવો છે ને ક્યમ ક્રીડે;
અંગ અદ્વૈત ત્યાંહાં શબ્દ સ્થાન નવ રહે, નિગમ ને અગમ ભુજદંડ ભીડે. ૪
નેણ ને વેણ વિવેક વપુ નવ રહે, તો પ્રમા પ્રેમ તણી કોણ ચલાવે?
કહે અખો આંહીં આવી જુઓ અંગના, દિવ્ય દૈવત રમે સર્વ ભાવે. ૫

નાર નિરભે રમે સ્વામી સંગે રાદા, માહે પામી મુદ્દા અંગ એકે;

વધુ વિચરણ પૂરણ પ્રાણેશ શું, અન્ય ન રહ્યું માહારે છે જ છેકે. ૧
પિયુ સંગે જુવતી જે જૂની જમલ, પણ પાણ સાહી પ્રેમે આણી બાહારે;
રસબસ થાતે રંચ હું નવ રહી, સ્રલગ થઈ સઘળે પરકારે ન્યારે. ૨
બોલતી દીસું હું પણ તે જ વહાલો વદે, મર્મના માલ પણ મિશ્ર ભાવે;
અખિલ અદબદ ભાસ્યું ભુવન ભવ, પિંડે પડે પણ પાર નાવે. ૩
નિજ પ્રતીત આવી ગઈ એકતા, અખિલ રાસ તાં નિત્ય ચાલે;
સત તે ચેતન સદા વામા વચન લગે, અખો અચવ્યો રસ પીને માહાલે. ૪

ભક્તને ભગવાન વહાલા, તે પ્રમાણે ભગવાનને પણ સાચા ભક્ત માટે ઉત્કટ પ્રીતિ હોય છે. જ્ઞાન-વૈરાગ્ય-યોગની તુલનામાં પરમપ્રેમસ્વરૂપા ભક્તિનું આકર્ષણ અદમ્ય છે.

“બેહેની! કોમલ ભીને વાન, આણવા સરખો ધ્યાન.
ધ્યાને ઘ્યે તે ધામ મોરે આવીને ઊભો રહ્યો;
મેં જાણ્યું એ છે રતિપતિ, કે સુરપતિ સરખો સહ્યો.
નીરખી જોતાં નેત્ર માહારે, આરોપી વરમાળ;
મુજ જીવાડો માનિની, તો કાઢ તેહેની ભાળ.” ૧
“સખી! તે છે કોણ કારણ રૂપ, તે તો ઇન્દ્ર બહ્માનો ભૂપ.
ભૂપ રૂપ તે રમણ કારણ, અવની આવ્યો અંગ;
ભાગ્યનિધિ તે ભામિની, જેહેને મળે તેહેનો સંગ.
અતિ ઉદાર કુમાર કેશવ, ચિતામણિ પદ્માક્ષ;
તેહેને પધરાવું પ્રેમે કરી, તું મામ ધીરજ રાખ.” ૨
વીનતાએ વીનવ્યા પુરુષ પુરાણ,
“શું જી કોના હરવા હીંડો છો પ્રાણ?
પ્રાણ હરો તે નારના, જાંહાં નેત્ર નાખો નાથ;
પીડાય છે પેલી પ્રેમદા, તેહેને તે ફેરવો હાથ.
અલવેશું આલે જ જાતાં, ઘસાયે ગજરાજઃ
તેણે ગ્રસ્થનાં ઘર ગરગડે, વહાલા તમ અડે થાયે અકાજ.” ૩
પ્રભુજીને પધરાવ્યા કેરી પેર,
જુવતી જાણે તો હાવાં કેર.
કરે ક્રીડા કંથ સાથે, કોમલ વપુ છે નાથનું;
સૂંપી આવ્યો સુંદર વર તે જીવન છે સર્વ સાથનું.
શ્યામ ઘનમાંહાં તડિત ત્રિયા, લય થઈ પરગટ થાય;
અંકમાંહાં આવ્યાં પરસ્પર, અખો તે ગુણ ગાય. ૪

કંથ તે શ્રીહરિ, કામિની તે હરિનું સાયુજ્ય ઝંખતો જીવ. બેનો સંબંધ વલ્લભ-વલ્લભાનો છે એમ જણાવતો અખો ભાગવતે બતાવેલ ભક્તિમાર્ગનો વિચક્ષણ પ્રવાસી છે એ આ અને આવાં બીજાં અનેક પદોને આધારે દેખાઈ આવે છે. કામક્રીડામાં કેવળ દેહભૂખ શમાવવાની વાત આવાં પદોમાં નથી. તનની એકતા થતાં મળતા અદ્‌ભુત આનંદમાં દેહભાવને સર્વથા ભૂલી જઈને પ્રીતમમાં સર્વાંશે ભળી જવાની વાત છે. પોતાના અલગ અસ્તિત્વનું ભાન ચાલી જતાં દ્વૈતમાં અદ્વૈતના થતા અનુભવને અખો આગળ કરી તેની પ્રશંસા કરે છે. ભક્તિને બળે જ્ઞાનને એ કથે છે.

(૩)

હરિ-મિલનના અભાવમાં અખાએ અનુભવેલી વિરહદશા એના જ શબ્દોમાં વર્ણવાઈ છે.

“બિરહા ખૂની હૈ ખરા, નિશદિન મારે મુજ;
કે મિલ કે તું માર લે, મેહેર ન આવે તુજ.
બિરહા બાજ, છવ તેતરા, તોડ તોડ મુજ ખાય;
ના તું મિલે યો તનકસે, રોવત નિશદિન જાય.
રોતે દેખીએ નેનકું, પણ રોમ રોમ રોવે મોય;
ગાતા દેખીએ ગાન સા, નિશદિન મો મન રોય.”
—સાખીઓ, વિરહ અંગ

એની આ વિરહદશા જોઈને અને એનાં ભક્તિગીતો સાંભળીને લોકો એને સાંભળવા ટોળે મળતા હોય, જાહેરમાં એને વખાણતા હોય. અખો પોતે જ કહે છે :

“બિરહા સો બડી વસ્ત હે, ક્યા કહું બિરહા બાત?
બિન બિરહા સોનાર કું, કોન સભામેં ગાત?” –વિરહ અંગ.

અને અખાને મુશ્કેલી ત્યાં જ ઊભી થઈ હોય તો નવાઈ નહીં. ગોસાંઈજીના પવિત્ર ગોકુળધામમાં અખા જેવો એક સામાન્ય ભક્ત સ્વતંત્રપણે ભક્તિગીતો રચી, ગાઈ, લોકોને આકર્ષે અને એની ભક્તિની વાહવાહ બોલાય, તો ગોસાંઈજીના અન્ય ચેલાઓ ગોસાંઈજીના કાન અખા વિરુદ્ધ ન ભંભેરે તો નવાઈ! ગોકુળનાથજીએ અખાને જાહેરમાં સ્વરચિત ભક્તિગીતો ગાવા બાબત ઠપકો આપ્યો હશે? જેનું દેહાભિમાન પૂરું દૂર નથી થયું એવા અખાએ વળતા પ્રહારો કર્યો હશે? લાગે છે તો એવું જ. છપ્પામાં અખો લખે છે.

“મહાપુરુષ કહાવે ને માંહે મા’બળી, વેષ પહેર્યો પણ ટેવ નવ ટળી.
સ્તુતિ નિદા અદેખાઈ આધ, પહેર્યો સ્વાંગ પણ વાધી વ્રાધ.
અખા કૃપા વિના જીવ કબુધી, જ્યમ પાક્યું ઇન્દ્રવારણું ને કટુતા વધી.” ૨૬૭.
“સ્વામી થઈને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય શાખાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર.” ૬૪૪
વૈષ્ણવો માટે એણે આકરા શબ્દો વાપર્યા છે :
“વૈષ્ણ્વ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય.
કીર્તન ગાઈને તોડે તાર, અખો કહે જુવાનીનું જોર.” ૬૬૪
નાહ્યાધોયા ફરે ફૂટડા,ખાય પીને થયા ખૂંટડા;
જગત પ્રમોદે જાડા થઈ, પણ ઝીણી માયા તે માંહી રહી;” ૭૧૯
“ભજન ભજન તો સહુ કો કહે, પણ ભજનપ્રતાપ કોઈ નવ લહે;
કરમાં માળા, મુખ કહે હરિ, મન વેપાર કે નારી ખરી.” ૭૫૫
“મેલી આંખને બેસે મળો, કથાકીર્તન કરે થઈ ભલો;
પછી સામસામા થઈ કરે જબાપ, અહંકૃતિજ્ઞાને વાધે આપ,
કેટલાકને જુદ્ધકથાનું જોર, અખા સિદ્ધાંત ન સમજે, કરે બકોર.” ૬૯૯
પોતાની વિરહદશાને અનુલક્ષીને અખાએ ઉમેર્યું હોય :
“વ્રેહે વેધ્યો તે જાણે આપ, સાજાને શો વ્રેહનો સંતાપ?
સાજો તો સાજાને ગાય, વ્રેહની વેદના વેધ્યાને થાય.
સાજા તો સાકટને જાણ, વ્રેહેનો વેધ્યો તે જ્ઞાની વખાણ.” ૭૦૨
“જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા.
ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબ પરિવાર,
પોતાની દેહ પણ ભૂલી ગઈ, અખા કામની કુળવંત થઈ.” ૬૯૫
“પ્રેમાનંદની ભક્તિ આકરી, વસમી વાટ મહા ખરાખરી.
કામરહિત તે કામનો વેશ, તેનો જ્ઞાની પંડિતને ન લાધે લેશ.
પ્રેમાનંદી જ્યાં ગાય ને વાય, અલ્પાનંદીને અટપટું જણાય.” ૭૨૫

છપ્પા ૬૭૨થી ૭૪૨ ઉમાશંકરભાઈએ પોતાની આવૃત્તિમાં નાના- ટાઈપમાં લીધા છે. મોટા ભાગની હસ્તપ્રતોમાં આ છપ્પા નથી. (છપ્પો. ૬૭૧ તે ૩૧૦ના ક્રમાંકમાં આવી ગયો હોઈ ૬૭૧ તરીકે બીજી વાર આવે છે.) સંભવ છે કે આ છાપ્પાને ગોકુળનાથજીના પ્રકરણ સાથે સંબંધ હોય. પરિણામે એમનો પ્રચાર અટક્યો હોય—શૃંગારનાં કીર્તનોની માફક. જે હોય તે, પણ અખો સદ્‌વિચારને બળે સાચી ભક્તિ કરી શક્યો. એને ખાતરી થઈ ગઈ કે “ભક્તિ જ્ઞાન અને વૈરાગ, પદાર્થ એક ત્રણ નામ વિભાગ.” આચારપ્રધાન ધર્મમાંથી એની શ્રદ્ધા ઊઠી ગઈ. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ, સાચા ભક્તને જ એ પ્રાપ્ત થાય. એ અનુગ્રહને કાજે ભક્તિનો માર્ગ ઉપદેશાયો છે અને તેમાં ભક્તને પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દેવાનું છે, જાતનેય હોમી દેવાની છે. એ સ્થિતિને બદલે રોજ રોજ માલમલીદા ખાઈને દેહને સુપુષ્ટ બનાવી જગતને છેતરવા ભક્તિગાનનો શોર મચાવી, સરવાળે વિલાસી જીવનમાં ડૂબી જતા માનવીઓ જ પોતાની આસપાસ છે એમ જોતો અખો ગોકુળ છોડી જાય એ સ્વાભાવિક છે. માણસ પાડોશીઓને તો ન દૂર કરી શકે, પણ પોતે તેમને છોડીને સહેલાઈથી બીજે જઈ વસી શકે, અખો એ હિસાબે કાશી ચાલ્યો ગયો કહેવાય છે, પણ એની રચનાઓમાં એવા કોઈ ઉલ્લેખ નથી.

(૪)

અખાએ આત્મસાક્ષાત્કાર કર્યો એ હકીકત છે. ગોકુળ છોડ્યા પછી કાઈ સમર્થ ગુરુના સમાગમમાં અખો આવ્યો જણાય છે. જે પેદા થયું છે, જેને માણસ જોય છે કે સાંભળે છે, જેને જેને નામરૂપ છે તે બધુંય મિથ્યા છે એવી સમજ એને લાધી છે. એનું દેહાભિમાન ગળી ગયું છે. અહંતા-મમતા છૂટી ગયાં છે. ભગવાંની કે ટીલાંટપકાંની એને જરૂર રહી નથી. ચોવીસે કલાક એ નિજાનંદમાં મસ્ત બની રહે છે. એના પોતાના જ શબ્દો દ્વારા એને અચાનક લાધેલી બ્રહ્મદશાનો ખ્યાલ આપણને આવે છે.

“માહારે એમ પડ્યું પાધરું, હુંપણું મૂક્યું. એ આદર્યું :
કર્મ હંકારતણું ગયું મૂળ, જ્યમ અર્કનાં ઊડે તૂલ.
ન લહ્યા સરખું મેં તાં લહ્યું, એમ અખા જથારથ થયું. છ. ૨૪૧
અખે રામ એહેવો ઓળખ્યો, જે કાગળ મેશે ન જાયે લખ્યો.
ફરતે બેઠે તે નવ મળે, નખશિખ લગે તે ચળેવળે.
સહેજે સહેજ ઘલાણી હામ. અખા નિરંતર ફાવ્યો રામ.” ૫૧૯
અખાએ છપ્પામાં જે ક્રમે એણે આધ્યાત્મિક વિકાસ સાધ્યો તેની વિગતો પણ આપી છે :
“પહેલે હરિશું લાગી પ્રીત, તેણે ભાગી લૌકિક રીત.
એમ કરતા સગપણ નીકળ્યું, તેણે તાં કાંઈ કહેવું ટળ્યું.
સ્વામી સેવક પ્રીત હૂતો ભાવ, સગપણ અખા સ્વતંતર સાવ. ૫૨૮
જાણ્યું જીવ નવધા આદરે, ભક્તિરસે કર્મરસ વીસરે,
ઈશ્વર સાથે રતિ બંધાય, તો કાંઈ સૂરત ચૈતન્યમય થાય.
ત્યાં સગુણ ભક્તિ ગાયો સાકાર, અખા મંડાણો મોહવ્યાપાર. ૫૪૬
અખે વિચાર્યું મનને સાથ, જે કાંઈ ન દીસે તોરે હાથ.
તો ફાંસુ શી રાખે મામ, જો કશું ન નીપજે તેં તાં કામ?
શરીર તોરું તોરે વશ નહીં, તો બહાર બળ દેખાડે કહીં! ૫૯૦
જો અખા ઓળખે આતમા, તો સર્વ વાતની ભાગે તમા.
કરે લાલચ લોભ જૂઠો પ્રતિકાર, સૂર્યધામમાં નોહે અંધકાર.
શીખી સાંભળી વાતો કરે, પોતે અગ્નિ કમઠમાં મરે! ૫૯૯
કહે અખો મૂકી નિઃશ્વાસ, હું તો છું તોરો આભાસ.
તાહારી વાત કરે છે તું, ઓછાંઈયો મધ્ય વર્તું હું.
બહુ તેજ મધ્યે હું રહ્યો, ત્યારે શેષ ઓછાંઈયો ગયો. ૬૦૭
અહંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારે થયો.
જ્યમ કાષ્ઠની પૂતળી નાચે નરી, તે કળ સુતારે તમારે કરી.
વાજું વજાડો તો વાજે તદા, વણવજાડ્યું ન વાજે કદા. ૬૯૧
વાજું હું તમે વજાવણહાર, તે વાજું શાને ધરે અહંકાર?
તે : જોતાં સર્વ તમારાં કામ, આ અછતાનું છતું નામ.” ૬૯૨

બહુ લાંબો સમય અખાનો તિતિક્ષાકાળ ચાલ્યો જણાય છે, પણ પછી એકાએક એને હરિદર્શન લાધ્યું છે. એ કહે છે :

“બહુ કાળ હું રોતો રહ્યો, આવી અચાનક હરિ પરગટ થયો.
ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેહેનો ન થાય વેદે થાપ.
અખે ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઊઘડી મુજ વાણ. ૧૬૯
પરાત્પર બ્રહ્મ પરગટ થયા, ગુણદોષ તે દિનના ગયા.
અચ્યુત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચવ્યુ અખે અજાણ.
જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે” ૧૭૦
અખાની સાખીઓમાં પણ આવી આત્મકથનાત્મક પંક્તિઓ છે.
“મેં ભી અંડા થા અખા, આઈ અચાનક પંખ;
અહંતા માલા છાંડીઆ, ઊડ્યા જાય નસંક.” અનુભવ અંગ, ૬
“કો પામ્યો ભક્તિ કરી, કો તપ તીરથ ત્યાગ;
જ્ઞાન ધ્યાન વિના અખો, પામ્યો સારો ભાગ.” જાગ્રત અંગ, ૧૪
“મેં પિયુ પાયા આપમેં, તબ ગઈ હું-તું દોન,
એહી અચંબા હો રહા, અબ અખા સો કોન?” ભ્રમભક્તિ અંગ ૨૩.
અખાને પ્રશ્નો પૂછવામાં આવ્યા જ છે. એ લખે છે :
“સબ કોઈ પૂછે : સુણ અખા, કોન ગુરુ? તેરા પંથ?
કોન ઘર લે બોલિયા, કે ઈશ્વર કે જંત!
ગુરુ મેરા પુરુષ બોલતા, ત્રિગુણકે સિર હે પંથ;
નિરાલંબ ઘર મેરડા, મેં નહીં ઈશ્વર, નહીં જંત.
ગુરુ મેરા સભરા ભર્યા, સબ નામું દે બોલ;
સબ નેનું દેખે ગુરુ, બે-કીમત અમોલ,
ના હોણા, ના હોગયા, અજરાયલ ગુરુદેવ;
સ્થાવર જંગમ સબ અખા, કરે ગુરુકી સેવ.
આપના નામ ગુરુ મુજે દિયા, તબ ન રહે હમ દોન;
નખશિખ વ્યાપક ગુરુ અખા, તો માલા જપે સો કોન?” શ્રીગુરુ અંગ, ૧-૫

“જ્ઞાની ગુરુ ન થાયે કેનો? કહેનાર અખો સાખીઓમાં પણ એ જ વાત કહીને કેટલીક બીજી પણ માહિતી આપે છે :

“શિષ્ય અખાકા કો નહીં, ગુરુ સારા સંસાર;
હોતે હોતે હો ગઈ, સમજત પાયા પાર.” શિક્ષા અંગ, ૩
“અખા સમજી સૂઈ જા, દુનીથેં દિલ ફેર;
અપણી ભાવે ઓર કી, કારણકી સમશેર.” સંસારી અંગ, ૧
“ના ઉમેદ પરલોકકા, ના ઇહલોકકી આસ;
નિજ લાભે પૂરણ અખા, કૈવલ્યકા ક્યાસ.” અદબદ અંગ, ૨૪
“જોડ ન પડ્યા સંસારસું, ગોરી પીસે દાંત;
વરી રામ કી સુંદરી, ઔર મિલી નહી પાંત.” કૃપા અંગ, ૧૧
“જ્યું મીન ચલ્યા જલનિધિમેં, ફિરત ગમાયા આય;
પણ દરિયાતેં નહિ બાહેરા, તૈસે અખા સમાય.” મહાવિદ્યા, અંગ, ૧૫

‘સોરઠા’માં પણ અખો લખે છે :

“વેદ વખાણે વાત, ઉપનિષદ અંતે અખા;
તે સ્વામી સાક્ષાત, લખ્યો અખાના ભાગ્યમાં.” ૨૩૭
“સેહેજે ઊઘડી સેહેર, બુટ ફાટ્યું બુધ્યમાં અખા;
લહ્યો ઘેરનો ઘેર, ન્યાલ થયા નિધિ ઊઘડે.” ૨૪૦

જેનો દેહભાવ ગળી ગયો છે, દુન્યવી સંબંધો ટળી ગયા છે, જેને હવે કશું કર્તવ્ય રહ્યું નથી, સાચી રીતે જે મનુષ્યે મેળવવા જેવું છે તે બ્રહ્મજ્ઞાન મળી જતાં બાકી કશું મેળવવાનું જેને રહ્યું નથી એવો અખો જે અંગત માહિતી આપે છે તે એની અનોખી અધ્યાત્મ સંપદાની જ. ‘બ્રહ્મલીલા’માં એ લખે છે :

“ખોહા ગયા બલ બીચ અખાકા, તાહીતેં ચેતન ભયા;
જ્યૂં અંધ અચાનક નેન પાવે, બંધ બીચસે ટર ગયા.
શ્રુત પદારથ, નેન દેખ્યા દ્રિષ્ટ પદારથ ગયા વિલે;
મિટી દેહકી ભાવના અબ; સ્વે ચેતન આપે ચલે.
ધ્યે’ ધ્યાતા ઔર કરન કારન, માયા કે મધ્યથો સહી;
રજ્જુ લગ ભુજંગ ભ્રમ હે, બિન રજ્જુ કેસો અહિ?
પ્રીછકો પ્રતાપ બડ હે, જાનત કો બિરલા જના;
આગે પાછે ઓર નહીં કર્તા, આપ બિલસ્યા આપના.” ૮

‘પ્રભુની પ્રીછ’ પ્રાપ્ત થયા પછી કોઈ અન્ય સાંપ્રદાયિક પ્રતીકો કે માન્યતાઓની અખાને જરૂર રહી નથી. ‘સંતપ્રિયા’માં એ કહે છે :

“માલા ન પેહેનું, ન ટીકા બનાઉં, સરણ કાહા જાઉં? ના કોઉ કિસીકા;
આપા ન મેટું, થાપ ન થાપું, મેં મદમાતા હું મેરી ખુશીકા.
ભિસ્ત ન દોજખ દોઉ ન ચાહું, ન ચાહું નામરૂપ જિસીકા,
હૈ–નાંહી કી સંઘ્ય અખાકી, જાનેગા જે ઠોર ઉસીકા.” ૮૭.
“ના મોહિ બ્યનજ બ્યાપાર ઉપાસન, ના મોહિ મંત્ર ગુરુ નહીં ચેરા,
ના મોહે રસ રસાયન આવત, ના ગોટકા અંજન દેવ દેરા;
લાલચ લોભકી બોલી ન બોલું, મેં હું તુમ્હારા કે તુમ હો મેરા,
એસી ગેબકી બાન્ય પરી જું અખાકી, હઠ પરહઠ નાંહી સેહેજ નિમેરા.” ૯૪

આગળ ચાલતાં એણે લખ્યું છેઃ

“નાંહી તો રિઝવે કાજ જૈસા વૃષા ઘનગાજ;
જાને કોઈ ગ્યાનરાજ, અખા કી કવેશ્વરી.” ૧૧૯

અને આ ‘અખાની કવેશ્વરી’માંથી નીકળી પડેલી આનંદ-સરવાણીઓ એના આત્મજ્ઞાન વખતની પળે એણે અનુભવેલ અનોખી મસ્તી રજૂ કરે છે. ‘અખેગીતા’ના અંતિમ દસમા પદમાં અખો કહે છે :

“અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હતું એ;
પરપંચ પાર મહારાજ, પૂરણ બ્રહ્મને હું સ્તવું એ. ૧
હરિહર અજ ભુવનેશ, તે તણો ઈશ અજાપતિ એ;
તે જાણો અંગે ઈશ, જેહને ગાય નિત્યે શ્રુતિ એ. ૨
તે સ્વે ચૈતન્યઘન રાય, શૂન્યમાંહે સોહામણો એ;
તે નાવે વાણીમાંય, નહિ વિરાટ ને વામણો એ. ૩
તે જાયે ન આવે ક્યાંહે, સ્થિર પૂરણ અવિનાશ છે એ;
લિંગ-ભગ તેમાં નહીં, જે વડે આકાશ છે એ. ૪
તે જાણ્યે ગયું જંજાળ, યથારથ જ્યમત્યમ થયું એ;
જ્યાહાં કર્મ ન લાગે કાળ, સભર ભરાઈ તે રહ્યું એ. ૫
ત્યાંહા હવું મન લેલીન, ચૈતન્ય સભર ભરાઈ રહ્યું એ;
નહિ કો દાતા દીન, તન્મય સહેજે સહેજ થયું એ. ૬
પ્રગટ્યાં કોટિ કલ્યાણ, આપાપર વિના સ્વે રહ્યુ એ;
સદા સદોદિત ભાણ, ઉદે-અસ્ત-કારણ ગયું એ. ૭
કહે અખો આનંદ, અનુભવીને લહેવા તણો એ;
પૂરણ પરમાનંદ, નિત્ય સરાઉં અતિ ઘણો એ.” ૮

અખાનો ક્ષર દેહ ક્યારે પડ્યો તે આપણે જાણતા નથી, પણ અક્ષર દેહે તો એ હાજરાહજૂર છે જ. એનું નામ જ અખો–અક્ષય. બ્રહ્મમાં લય પામી એ સદાનો અવિનાશી બની રહ્યો.


+