ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ફરિયાદી — યોગેશ વૈદ્ય

Revision as of 09:43, 27 October 2024 by Meghdhanu (talk | contribs) (સુધારો)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફરિયાદી

યોગેશ વૈદ્ય

આજે યોગેશ વૈદ્યનું કાવ્ય ‘ફરિયાદી' માણીએ. કાવ્ય જેના મુખે કહેવાયું હોય તેને અંગ્રેજી વિવેચકો ‘સ્પીકર' કહે છે, આપણે ‘વક્તા' કહીશું. વક્તા કોઈને લેવા સ્ટેશને ગયો છે.

તે સવારની ૮.૩૫ની ગાડીમાં આવ્યો
ધુમાડાનો ગોટો થઈને પ્લેટફોર્મ પર ઊતર્યો
તેના થોથર ચડી ગયેલા ગાલને લીધે હોય કે
તે બહારના દૃશ્યોની ધરાર અવગણના કરતો હોય
પણ મેં જોયું
કે તેની આંખો ખૂબ ઊંડે ઊતરી ગઈ હતી.
એ આંખોથી તે ખપ પૂરતું હસ્યો.

આ કાવ્ય સંકેતોથી રચાતું જાય છે. ગાલ પર થોથર ચડી ગયા છે અને આંખો ઊંડી ઊતરી ગઈ છે, માટે આગંતુક બીમાર હશે. સતત ઉદ્વેગમાં રહેવાને કારણે બહારનાં દ્રશ્યોમાં રસ રહ્યો નહિ હોય. વક્તાને મળતાં આગંતુક હસ્યો પણ નહિ, માત્ર આંખો ચમકી, ખપ પૂરતી. સમસ્યા એવી વિકટ હશે કે શિષ્ટાચાર જેવી બાબત ક્ષુલ્લક લાગી હશે. આ મુલાકાત કોઈ સ્થિર સ્થાને નથી થઈ, બન્ને મળ્યા છે પ્લેટફોર્મ પર, જ્યાં વસી ન શકાય. આગંતુક ધુમાડાનો ગોટો થઈને ઊતર્યો છે. સાંભરે છે સંદીપ ભાટિયાનું ગીત:

"માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી."

વક્તા આગંતુકને લઈને ઘરે પહોંચે છે.

બપોરે જમ્યા પછી
જરા વાર આરામ કરવાનું કહ્યું તો કહે –
સૂવા કરતાં તો વાતો કરીએ આપણે સહુ
પણ વાતના વિષય પર જ ન અવાયું
બસ છૂટકછાટક શબ્દોની આપ-લે થઈ
થોડા થોડા સમયના અંતરે.

આગંતુક સૂવા માગતો નથી.પછી તો અનંતકાળ માટે સૂઈ જવાનું જ છેને! જે સમય બચ્યો છે તેમાં સુખદુ:ખની વાતો કરી લેવી છે. પણ વાતો થઈ શકતી નથી. આગંતુક મૂળ વિષય (મૃત્યુ?) પર આવતાં ડરે છે અને વક્તા તેને ક્ષોભ પમાડવા ઇચ્છતો નથી.

સાંજે મંદિરમાં
તેણે ખૂબ જ મોટા અવાજે ગાયું
શિવમહિમ્ન સ્તોત્ર
પછી મંદિરના આંગણામાં બેસીને
તે દૂધના ઊભરા પેઠે ઠર્યો ધીમેધીમે
બહુ લાંબો વખત બેસી રહ્યો બાંકડા પર
જાણે તે એકલો જ હોય.

બ્રહ્મા ઉત્પત્તિના, વિષ્ણુ સ્થિતિના અને મહેશ લયના દેવતા ગણાય છે. મરણને ટાળવા માટે શિવમહિમ્નસ્તોત્ર કે મહામૃત્યુંજય મંત્ર ગાવાનો મહિમા છે. સ્વયંમાં ઉર્જાસંચાર કરવા માટે, મૃત્યુને ડારવા માટે, આગંતુક મોટા અવાજે જાપ કરે છે. નેવુ ટકા લોકો આસ્તિક હોય છે: આગંતુક માનસિક શાંતિ મેળવવા મંદિરના પ્રાંગણમાં બેસી રહ્યો. (મંગલ મંદિર ખોલો, દયામય/ શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય.)

એક ગાંઠ હતી
તેની પાસે
તે ઇચ્છતો હતો
કે હું એ ગાંઠ છોડી આપું

ગાંઠ શારીરિક છે અને માનસિક પણ. આગંતુક બેયથી મુક્ત થવા માગે છે. તેને સધિયારો જોઈએ છે,હૂંફ જોઈએ છે.

ચાલો હું જાઉં –
રાતે જમીને અચાનક થેલો ઉપાડતાં તે બોલ્યો.

વિદાય હંમેશા અણધારી જ હોય છે. કવિના સંયમની પ્રશંસા કરવી રહી. નથી કશી રોકકળ કે નથી ક્યાંય વેવલાવેડા. ‘થેલો ઉપાડીને ચાલતો થયો' કહીને અંતિમ પ્રયાણ સૂચવ્યું છે. (સબેરેવાલી ગાડી સે ચલે જાયેંગે.)

બસ સુધી પહોંચતામાં
તેને હું માત્ર બે વાતો જ સ્પષ્ટપણે કહી શક્યો :
એક: જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે
બીજું : અમે બધાં તેને ખૂબ જ ચાહીએ છીએ.

આવવાના અને જવાના માર્ગ જુદા હોય છે. ટ્રેનમાં આવનાર બસમાં વિદાય લે છે. માતાના ગર્ભમાંથી આવનાર અગ્નિના ગર્ભમાં સોંપાય છે. કશું નિશ્ચિત નથી: કઈ કૂંપળ ખીલશે? કઈ ખરશે? વક્તા પાસે કોઈ સંજીવની નથી, સિવાય કે પ્રેમ.આ પંક્તિઓમાં ઊર્મિની ભભક છે.હવે કાવ્યમાં અણધાર્યો વળાંક આવે છે:

હું ખાતરીપૂર્વક કહી શકું કે
મેં તેને બસની પહેલી સીટ પર બેસાડેલો
અને મારી નજર સામે જ
બસ તેને લઈને ચાલી ગઈ હતી.
પણ હું મારે ઘરે પહોંચ્યો તો
એ જ ફરીથી બેઠો હતો મારા બેઠક રૂમમાં
ધુંધવાયેલો, ખિન્ન પણ મૌન
જાણે ફરિયાદ કરતો
તેની ઊંડી ઊતરી ગયેલી આંખોથી.

આગંતુકને બસની પહેલી સીટ પર બેસાડેલો કારણ કે તેણે પહેલું ઊતરવાનું હતું.તેની બસ રવાના પણ થઈ ગઈ. વક્તાએ ઘરે આવીને જોયું તો ધુંધવાયેલો આગંતુક ત્યાંનો ત્યાં બેઠો છે! આ કેમ બન્યું? દુનિયામાં દરેકને પોતપોતાનું દુ:ખ છે. એક ફરિયાદી જાય ત્યાં બીજો આવે છે. કિસા ગૌતમીએ પોતાના પુત્રને જીવતો કરવા બુદ્ધને કાલાવાલા કર્યા. બુદ્ધે શરત મૂકી: જેના ઘરે કોઈનું મૃત્યુ ન થયું હોય તેની પાસેથી રાઈનો દાણે લઈ આવ, તો પુત્રને જીવતો કરું. ગૌતમીને એવું કોઈ ન મળ્યું.

બસમાં જતો રહેલો આગંતુક પાછો પ્રકટ થાય એ ચમત્કૃતિ છે. કોલંબિયાના નવલકથાકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ ‘મેજિકલ રિયાલિઝમ'ની શૈલી પ્રયોજે છે. આર્જેન્ટિનાના બોર્હેસે આ શૈલીથી અપૂર્વ નવલિકાઓ રચી છે.

***