ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/શયન વેળાએ પ્રેયસી — રાવજી પટેલ
રાવજી પટેલ
ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.
કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં.
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી
હળુ ઊભી પાસે ગૃહિણી મુજ આ સુંદર બની!
જરા ત્રાંસું ભાળી મુજ તરફ; ને બાલક ભણી
વળી ગૈ. ઓચિંતાં શત શત સર્યાં ચુંબન અને
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.
થઈ આડીતેડી કસ વગરની વાત ઘરની.
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં.
ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.
મનફરતે મીંઢળ બંધાયું
કવિએ અહીં રોજિંદા જીવનમાંથી એક પોએટિક મોમેન્ટ- કાવ્યક્ષણ- આબાદ પકડી છે.રાતની વેળાએ શયનગૃહમાં કાવ્યનાયક, પત્ની અને પુત્રી ગપસપ કરતાં હતાં, ત્યાં દ્વાર ખખડ્યાં. અસૂરે ટાણે કોણ આવ્યું? જુએ તો નાયકની એક વેળાની પ્રેયસી. આવા સમયે આવી શકી એટલે કુટુંબીજનોથી અજાણી તો નહિ હોય. આગળિયો ખખડાવીને નાયકના પરિવારમાં પ્રવેશવાની તેની ઉત્કંઠા વરતાઈ આવે છે.સંક્ષોભનું વાતાવરણ સરજાયું, પ્રેયસી પણ સંકોચાઈને ઊભી રહી ગઈ. પણ પછી તેણે માર્ગ કાઢી લીધો.આ માત્ર પ્રણય ત્રિકોણ નથી,ચતુષ્કોણ છે, જેનો ચોથો ખૂણો છે બાળક. પુત્રી પર આ પરિસ્થિતિથી કશો તનાવ આવ્યો નહોતો, માટે પ્રેયસી તેની પાસે સરી ગઈ, તેને ચુંબનોથી નવરાવી દીધી. ચુંબનો કરવાં હતાં કોઈને,અને કરાયાં કોઈ બીજાને. નાયક થકી પોતાને ન થઈ શકેલી પુત્રીને જાણે ચુંબનો કરાયાં છે.આ ક્રિયા આઇસ-બ્રેકર શી હતી, ચોતરફ સ્નેહ અને સ્વીકૃતિનો ભાવ ફરી વળ્યો.નાયક સાથે સીધો સંબંધ શક્ય ન હોવાથી નાયિકાએ એની તરફ ત્રાંસું જોઈ લીધું.અર્ધવ્યક્ત શૃંગારમાં જે મજા છે, તે વ્યક્ત શૃંગારમાં નથી.
પ્રેયસીના આવી ચડવાનું કોઈ દુન્યવી પ્રયોજન તો હતું જ નહિ,એટલે તેણે પરચુરણ વાતો કરી.જતાં પહેલાં તે ફરી પુત્રી પાસે ગઈ.પુત્રીની કેડ શિરીષ ફૂલ શી નાજુક હતી.આ વર્ણનમાં વાત્સલ્યભાવ જોવા મળે છે. પ્રેયસીએ બાલિકાની કેડ ફરતો કંદોરો બાંધ્યો. પોતાની પુત્રીને કરવાના શણગાર તેણે નાયકની પુત્રીને કર્યા. કંદોરાની સાથોસાથ નાયકના હૈયામાં ગાંઠ પડી, મુંઝારો થયો. જાણે નાયકના મનફરતે મીંઢળ બંધાયું. પ્રેયસીનો પત્ની સાથે-ભલે અસૂયાનો,તો ય- સંબંધ તો ખરો, એટલે તેને ગાલે ટપલી મારતી ગઈ. પુત્રીને પુન: પુન:, સાંભળી શકાય તેવાં, ચુંબનો કર્યાં, અને શયનગૃહની બહાર વહી ગઈ.
આમ જોઈએ તો કાવ્યની અંદર ‘પ્રેયસી' જેવો શબ્દ નથી, આમ જોઈએ તો શીર્ષકમાં જ છે.આમ જોઈએ તો નાયકના જીવનમાં પ્રેયસી નથી, આમ જોઈએ તો પ્રેયસી વગર જીવન જ નથી.માટે જ છેલ્લે નાયક પથારીમાં પરવશ પડી રહે છે. એક પંક્તિ વધારે રચવાથી આ સોનેટ થઈ શકતે, પણ કવિને ખપ વગરનો એક શબ્દ પણ મંજૂર નથી. રઘુવીર ચૌધરી કહે છે, ‘કલાપી છવ્વીસ વર્ષ ને પાંચ માસ જીવ્યા,રાવજી અઠ્ઠાવીસ વર્ષ ને નવ માસ...એક રાજા અને બીજો રંક, પણ કવિતાના દરબારમાં બંનેનાં આસન અડોઅડ.'
***