અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા
Revision as of 06:48, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા
ઉમાશંકર જોશી
આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.
આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’
મુંબઈ, ૨-૯-૧૯૩૫