રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદન

From Ekatra Wiki
Revision as of 02:53, 30 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩.
સંપાદન :

રામનારાયણે ગૂજરાત વિદ્યાપીઠમાં આવી ગુજરાતીના અધ્યાપનની સેવા સ્વીકારતાં જ ગુજરાતી કવિતાના તલસ્પર્શી અભ્યાસના પરિપાકરૂપે વિદ્યાર્થીઓને દૃષ્ટિ સમક્ષ રાખીને કેટલાક કવિતાના પાઠ્ય-સંચયો તૈયાર કર્યા. એમની પૂર્વે હિંમતલાલ ગણેશજી અંજારિયાએ ‘કાવ્યમાધુર્ય’(૧૯૦૪) નામે એક ઉપયોગી કાવ્યસંચય આપ્યો જ હતો; પરંતુ એમાં નરસિંહથી ‘લલિત’ સુધીના કવિઓનાં કાવ્યો જ આવી શકેલાં. રામનારાયણે હિંમતલાલ અંજારિયાની એ કાવ્યસંપાદનપ્રવૃત્તિને વધુ ઉત્કૃષ્ટ ધોરણે આગળ ચલાવી અને તેને પરિણામે તેઓ વિવિધ વિદ્યાર્થી-કક્ષા અનુસારનાં કાવ્યોનાં કેટલાંક પાઠ્યપુસ્તકો આપી શક્યા. રામનારાયણે આમ તો એમની ગ્રંથસંપાદનની પ્રવૃત્તિ નરસિંહ મહેતાના રચેલા કહેવાતા ‘ગોવિંદગમન’ કાવ્યથી સં. ૧૯૭૯માં શરૂ કરી. તેમણે નરહરિ પરીખની સાથે રહીને એ પુસ્તિકાનું સંપાદન કરતાં ‘પ્રાચીન કાવ્ય’ ત્રૈમાસિકના ત્રીજા અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘ગોવિંદગમન’ કૃતિનો મુખ્ય આધાર લીધો; અને ગુજરાતી પ્રેસ તરફથી પ્રકાશિત ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના એ જ કૃતિના પાઠભેદોને ટિપ્પણમાં નોંધ્યા. કલ્પિત પાઠ મૂકવાનું બે-એક જગાએ જ બન્યું છે. આ કૃતિનો સંપાદન-અનુભવ પછીનાં સંપાદનોમાં ઉપયોગી થયો જ હશે. તેમના કવિતા-સંપાદનના સામર્થ્યની પ્રતીતિ તો ‘કાવ્યસમુચ્ચય’ના બે ભાગ તથા નગીનદાસ પારેખ સાથે રહીને કરેલા ‘કાવ્યપરિચય’ના બે ભાગ પરથી થાય છે. ’કાવ્યસમુચ્ચય’ના બંને ભાગ અર્વાચીન કવિતા પૂરતા મર્યાદિત રહ્યા છે. તેમણે ’કાવ્યસમુચ્ચય’નો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં તેના પ્રથમ ભાગ(૧૯૨૪)માં ’બે બોલ’માં કહ્યું છે : “આ સંગ્રહનો મુખ્ય ઉદ્દેશ આધુનિક કાવ્યસાહિત્યમાં જે કાંઈ રસ-દૃષ્ટિએ શ્રેષ્ઠ હોય તે એકત્ર કરવું, ગુજરાતી સાહિત્યમાં રસ લેનારો વર્ગ દહાડે દિવસે વધતો જાય છે તેમની રસવૃત્તિને રોચક પૂરતી સામગ્રી રજૂ કરવી એ છે. તેમાં એ પણ સરત રાખી છે કે નવા ઊછરતા સાહિત્યરસિક વર્ગની કાવ્યરસવૃત્તિ ઘડાય; કેળવાય, પરિશુદ્ધ થાય અને પક્વ થઈ સારાસાર પરીક્ષામાં સફળ નીવડે એમ થવા આધુનિક કાવ્યસાહિત્યમાંથી એ વર્ગે જે જે વાંચવું જોઈએ તે પણ આ આ સંગ્રહમાં આપી દેવું. આમાં સામગ્રીની ઉત્કૃષ્ટતા જેટલી મહત્ત્વની છે તેટલી જ તેની ઇયત્તા પણ છે.” (કાવ્યસમુચ્ચય-૧, પૃ. ૯)
આ ‘કાવ્યસમુચ્ચય’માં કાવ્યસાહિત્યના ભિન્ન ભિન્ન સ્રોતોનું પ્રતિનિધિત્વ જળવાય તેનીયે કાળજી રામનારાયણે રાખી જણાય છે. ટૂંકમાં, ઐતિહાસિક ને તુલનાત્મક પરિપ્રેક્ષ્ય સાથે કાવ્યના વિવિધ ઘટકોનોય રસપ્રદ પરિચય થતાં કાવ્યના અભ્યાસીની રસવૃત્તિનું સમુચિત સંસ્કારઘડતર ને ઊર્ધ્વીકરણ સિદ્ધ થાય એ આશય રખાયો છે ‘કાવ્યસમુચ્ચય’ના બંને ભાગોમાં અભ્યાસીઓને માટે ટિપ્પણ આપવાનો પરિશ્રમ લેવાયો છે. ‘કાવ્યસમુચ્ચય’ના પ્રથમ અને દ્વિતીય ખંડમાં મહદંશે સુધારાયુગ ને પંડિતયુગના કવિઓ લેવાયા છે. મહાદેવ દેસાઈ જેવા અપવાદરૂપે અનુવાદકની રીતે આવ્યા જણાય. આ બે ખંડોમાં મળીને કુલ કવિઓ (મહાદેવભાઈ જેવા અનુવાદક પણ એમાં ખરા) ૩૮ થાય છે. આમ તો બંને ભાગેમાં અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ કવિઓની અનુક્રમે ૯૧ અને ૧૪૪ રચનાઓ લેવાઈ છે. બીજા ભાગમાં રામનારાયણે ૨૦ પૃષ્ઠમાં ભૂમિકારૂપે અર્વાચીન કવિતાની જે સંક્ષિપ્ત વિકાસરેખા આપી છે. તેય અભ્યાસયોગ્ય છે. તેમણે આ સંચયોમાં રસદૃષ્ટિને જ મુખ્યત્વે પ્રાધાન્ય આપ્યું છે તે યોગ્ય જ કર્યું છે. આ ‘કાવ્યસમુચ્ચય’ના બંને ભાગ ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિરના છઠ્ઠા ધોરણના તથા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા. એ પછી વિનયમંદિરના પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આવા કાવ્યસંચયો તૈયાર કરવાનું વિચારાયું. તેમાં નગીનદાસ પારેખ પણ જોડાયા. બંનેએ મળીને ‘કાવ્યપરિચય’ના બે ભાગ તૈયાર કર્યા. આ બંને ભાગમાં પ્રાચીન કવિઓનાં કાવ્યો પણ લેવામાં આવ્યાં, અને લોકસાહિત્યનીયે થોડી વાનગી એમાં મૂકી. એ રીતે ‘કાવ્યસમુચ્ચય’થી એમનું જુદું આયોજન થયું. આ સંચયોમાં સંપાદકોએ પરલક્ષી કવિતા તરફ પક્ષપાત દાખવ્યાનુંયે જણાવ્યું છે.’[1] પાછલા આ બંને સંચયો ‘કાવ્યસમુચ્ચય’ના બે ભાગના કેટલીક રીતે પૂરક બની રહેતાયે જણાય. ‘કાવ્ય-સમુચ્ચય’ અને ‘કાવ્યપરિચય’ પાછળનો મુખ્ય આશય તો એક જ છે, ને કેટલાંક કાવ્યો આ બંને સંચયોમાં સ્થાન પામ્યાં છે તેથી કંઈ એ આશયને અવરોધ થતો નથી. આ ‘કાવ્યપરિચય’ના ૧લા ખંડમાં ૩૧ કવિઓ (નગીનદાસ પારેખ જેવા કવિતા-અનુવાદક પણ એમાં સમાવિષ્ટ) છે, તો તેના બીજા ખંડમાં ૩૨ કવિઓ સમાવિષ્ટ છે. આ કવિઓની રચનાઓ ઉપરાંત લોકસાહિત્યમાંથી થોડી રચનાઓ લેવાઈ છે. આ બંને સંગ્રહોમાં લેખકો ને રચનાઓનું વૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સંચયોમાં આ ગ્રંથોનું સ્થાન ગૌરવભર્યું જણાશે.

રામનારાયણે કરેલ ગદ્યપદ્યનાં શાલેય સંપાદનોમાં ‘સાહિત્ય-સોપાન’ (૧૯૫૪)ના ત્રણ ભાગો ઉલ્લેખનીય છે. એ સંપાદનો મનુભાઈ વૈદ્ય, ખુશમનલાલ વકીલ અને અરવિંદલાલ મજમુદારની સાથે રહીને થયાં છે. આ સંપાદનોમાં કેળવણી ખાતાની આવશ્યકતા ધ્યાનમાં રાખી લેખક-પરિચય, ટિપ્પણ અને સ્વાધ્યાયનીયે આયોજના થઈ છે. કેટલાક પાઠો કેળવણીના ઉદ્દેશો અનુસાર લખાવવાનું પણ બન્યું છે. રામનારાયણે ‘કાન્ત’ના ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિનું ૧૯૨૬માં સંપાદન કરતાં તેમાં ‘કાન્ત’ના જીવન અને કવનનો ભૂમિકાનો વિસ્તારથી ખ્યાલ આપતો વિદ્વત્તાપૂર્ણ ઉપોદ્‌ઘાત અને તેમની કાવ્યરચનાઓના મર્મને ઉદ્‌ઘાટિત કરી આપતો ટિપ્પણવિભાગ આપી તથા એમણે છોડી દીધેલાં કાવ્યો પરિશિષ્ટરૂપે આપી સંપાદનની મૂલ્યવત્તા વધારી છે. ‘કાન્ત’ની સાહિત્યિક પ્રતિભાનો સમર્થ રીતે પરિચય કરાવનારાઓમાં સંપાદક-વિવેચક રામનારાયણનું નામ પણ મોખરે રહેશે. રામનારાયણે આનંદશંકરના કેટલાક સાહિત્યિક-વૈચારિક ગ્રંથોના સંપાદનનું અગત્યનું કાર્ય ઉમાશંકરની સાથે રહીને કર્યું છે. ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૧), ‘દિગ્દર્શન’ (૧૯૪૨), અને ‘વિચારમાધુરી – ૧’ (૧૯૪૬) – એ આનંદશંકરના ગ્રંથોને રામનારાયણ અને ઉમાશંકરની સંપાદન-દૃષ્ટિનો લાભ મળ્યો છે. આનંદશંકરને ‘આપણે ધર્મ’ના સંપાદન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રામનારાયણનું નામ સૂચવેલું અને એ રીતે એમની સંપાદનકળામાં ઊંડો વિશ્વાસ સૂચિત કરેલો. રામનારાયણે ‘આપણો ધર્મ’ની ત્રીજી આવૃત્તિમાં પૂર્વેની લેખસામગ્રીમાં ઉમેરા ઉપરાંત, તેનાં આયોજન-સ્વરૂપાદિમાંયે કેટલાક સમુચિત ફેરફારો કર્યા અને એ ‘આપણો ધર્મ’ના લેખસંગ્રહને એક અર્થપૂર્ણ, એક અભિનવ સુઘડ રૂપ બક્ષ્યું. રામનારાયણે આનંદશંકર જેવા સમર્થ ચિંતક-લેખકની ભદ્ર પ્રતિમા વાચકવર્ગ સમક્ષ સતત રહે અને એમની સત્ત્વવંતી લેખસામગ્રીના પ્રકાશનથી હાલની ગુજરાત વિદ્યાસભાની ‘જ્ઞાનઘન સાહિત્યપ્રવાહ’ વહેતા રાખવાની શિવપ્રવૃત્તિ પણ અવિક્ષિપ્ત રહે એવો ખ્યાલ ‘કાવ્યતત્ત્વ-વિચાર’ જેવા ગ્રંથના સંપાદન વખતે રાખેલો. તેમણે આનંદશંકરનો ‘સાહિત્યવિચાર’ જેવો ‘ક્ષોદનક્ષમ ગ્રંથ’ પ્રગટ કરતાં તેમના અંતેવાસી હોવા-થવાનો જે ભાવ અનુભવેલો એ ભાવ આચાર્યશ્રીના અન્ય ગ્રંથોના એમના સંપાદન પાછળ પણ છૂપો રહેલો જોઈ શકાય. આચાર્યશ્રીના ગ્રંથોના સંપાદન વખતે તેમના દ્વારા લખાયેલ ઉપોદ્‌ઘાતો આનંદશંકરની મનોમૂર્તિની તેમને થયેલી સાક્ષાત્કૃતિ કેવી તો સચોટ અને સ્નેહાદરપૂર્ણ રીતિની હતી તેનો ખ્યાલ આપે છે. એમના ઉપોદ્‌ઘાત લેખકની પ્રતિભાનું મર્મદર્શન કરાવી રહે છે. એમની વિવેચનામાં આનંદશંકરની સાહિત્યપ્રવૃત્તિની સમીક્ષા — એમની આ સંપાદકીય વિવેચના મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રામનારાયણે હીરાબહેનની સાથે રહીને ‘ગૂર્જર વાર્તા-વૈભવ’ની શ્રેણીમાં ‘સામાજિક કથાઓ’નું એક સંપાદન ૧૯૫૬માં ‘સવિતા’ માસિકના શતાંકોત્સવ નિમિત્તે કરેલું છે. આ ગ્રંથમાં પન્નાલાલ પટેલ, સુંદરમ્‌, જયંતિ દલાલ, ‘દર્શક’ આદિથી માંડીને ડૉ. સુમન્ત મહેતા, ગટુભાઈ ધ્રુ, યશવંત શુક્લ વગેરે લેખકો પણ છે. એમાં ‘વર્તમાન’ ઉપનામે રામનારાયણે આપેલી ‘બસ-વિહાર’ વાર્તાયે સામેલ છે. આ વાર્તાગ્રંથમાં સિદ્ધહસ્ત તેમ જ નવીન લેખકોની વાર્તાઓ પસંદ કરાઈ છે. એમાં ‘જુદી જુદી જ્ઞાતિવાળા અને અનેક થરવાળા, સંકુલ સમાજજીવનની વિવિધતા પ્રત્યક્ષ કરે’ એવી વાર્તાઓ પસંદ થઈ જણાય છે. આ એક ઉપયોગી સંપાદન નિઃસંશય છે. આ ઉપરાંત રામનારાયણ દ્વારા ૧૯૪૭માં પ્રો. વી. એન. ભૂષણ તથા પ્રો. સીતારામ ચતુર્વેદીના સહસંપાદનમાં ‘મુનશી સૂક્તિસંચય’ નામનો એક ગ્રંથ ક. મા. મુનશીના ષષ્ટિપૂર્તિ ઉત્સવપ્રસંગે ભેટ ધરવા માટે તૈયાર કરવામાં આવ્યો. આમાં પ્રો. ચંદ્રકાન્ત મહેતા, પ્રો. હરિવલ્લભ ભાયાણી અને પ્રો. કલ્પલતા મુનશીનીયે મદદ લેવામાં આવેલી. આ ગ્રંથમાં કલા અને સાહિત્ય, જીવનમીમાંસા, આર્યત્વ સંસ્કૃતિ — ધર્મ અને નીતિ, પ્રેમ, માનસશાસ્ત્ર, દાંપત્ય અને કુટુંબ, રાજ્યપ્રકરણ અને સુભાષિતો—એવા વિભાગો પાડી મુનશીની આસ્વાદ્ય એવી સૂક્તિઓને રજૂ કરવાનો એક ઉપયોગી પ્રયાસ થયો છે. રામનારાયણે રાજકોટની રાજકુમાર કૉલેજની ન્હાનાલાલ સ્મારક સમિતિ તરફથી પ્રકાશિત કરવામાં આવેલા ‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારક ગ્રન્થ’ (૧૯૫૩)ની રવિશંકર મ. જોષી, ચતુરભાઈ શં. પટેલ, અનંતરાય મ. રાવળ અને દુદાભાઈ ધામેલિયાની બનેલી સંપાદન સમિતિમાંયે મોખરાનું સ્થાન સંભાળી એ ગ્રંથના સંપાદનમાં મદદ કરી હતી અને એમાં ન્હાનાલાલ વિશેનાં પોતાનાં સંસ્મરણોયે રજૂ કર્યાં હતાં. આ સંપાદન-પ્રવૃત્તિના જ એક ભાગરૂપે તેમણે ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ વગેરેમાં તંત્રીકક્ષાની સેવાઓ પણ આપી છે. તેઓ વિદ્યાપીઠમાં ‘સાબરમતી’ના સલાહકાર હતા અને વિદ્યાર્થીઓ માટે કરેલા નાટ્યાનુવાદો એમણે ‘સાબરમતી’માં પ્રસિદ્ધ કરેલા. ગૂજરાત પુરાતત્ત્વ મંદિરે સં. ૧૯૭૮માં આશ્વિન માસથી રસિકલાલ છોટાલાલના સંપાદકપદેથી જ્યારે પુરાતત્ત્વ શરૂ કર્યું ત્યારે તેમાંયે તેમનો ગણનાપાત્ર ફાળો રહ્યો. ‘સાબરમતી’ અને ‘પુરાતત્ત્વ’માં મૌલિક લખાણ એમનું ભાગ્યે જ જોવા મળે. એ શરૂ થયું ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદેથી સં. ૧૯૭૮ના આશ્વિન માસથી શરૂ થયેલા ‘યુગધર્મ’ સાથે એ સંકળાયા ત્યારથી. ‘યુગધર્મ’ના પહેલા જ અંકમાં એમણે ‘સમાજસુધારાના કેટલાએક સિદ્ધાંતો’નો લેખ આપેલો. એક નાટ્યલેખકના સાહિત્યચૌર્યને પકડી આપવાનું વિવેચનકર્મ પણ એમનાથી થયેલું! આ ‘યુગધર્મ’ના કલા અને સાહિત્ય વિભાગનું તંત્રીકાર્ય ૧૯૨૪ના ફેબ્રુઆરીથી એમના શિરે આવ્યું. રામનારાયણે એ વિભાગ દક્ષતાથી ચલાવ્યો. રામનારાયણે પોતેય વાર્તાસર્જકની રુએ એમાં પોતાનો ફાળો નોંધાવ્યો. આ ‘યુગધર્મ’ ૧૯૨૫માં મુનશીના ‘ગુજરાત’ સાથે જોડાઈ જતાં ગુજરાતમાં ‘મોડર્ન રિવ્યૂ’ની કક્ષાના એક સામયિકની આવશ્યકતા તીવ્રપણે વરતાઈ. એથી સં. ૧૯૮૨ના કારતક માસમાં રામનારાયણ પાઠકના તંત્રીપદે ‘પ્રસ્થાન’ સામયિક શરૂ થયું. એનો મુદ્રાલેખ ‘દૃષ્ટિપૂતં ન્યસેત્પાદમ્‌’— તેમાં પ્રગટ થતું વલણ – જોઈને પગલું ભરવાનું વલણ રામનારાયણના સમગ્ર જીવનમાં ને ખાસ તો સાહિત્યકર્મમાં – એમના સાહિત્યપ્રેરિત તંત્રીકર્મમાંયે સમર્થ રીતે પ્રગટતું જોવા મળે છે. તેમણે ‘પ્રસ્થાન’ના ‘હેતુઓ અને આશયો’ વિષેના તેમના પ્રથમ અંકના પ્રથમ લેખમાં ‘પ્રસ્થાન’ની ભૂમિકા સ્પષ્ટ કરતાં લખ્યું છે : “માનવની પરિસ્થિતિ દેશ અને કાલમાં અનંત સુધી ગયેલી છે. તેમાંથી આપણી નજર પહોંચે તેટલી આપણી પરિસ્થિતિ. આમ નજર કરવામાં, પાર્થિવ દૃષ્ટિની પેઠે, નિકટની વસ્તુઓ વધારે સ્પષ્ટ દેખાય, પરદેશ કરતાં સ્વદેશની, સ્વપ્રાન્તની વસ્તુઓ, દૂરના ભવિષ્ય કરતાં વર્તમાનની અને નિકટના ભવિષ્યની વસ્તુઓ વધારે સ્પષ્ટ દેખાય. આમ જોવાથી અયથાર્થ દર્શન થાય છે એમ ભીરુ બની ઊભા ન રહેવું જોઈએ. દૃષ્ટિની આ ઘટના કોઈ વિષમ અવસ્થા નથી પણ પ્રસ્થાનનો સ્વાભાવિક ક્રમ છે. આપણે ઊભા હોઈએ ત્યાંથી ચાલવું છે અને નજીકની ભૂમિ આપણને સ્પષ્ટ દેખાય એ ઇષ્ટ છે, એ બસ છે. માણસ જોઈને ચાલે એથી વધારે શું કરી શકે? ‘દૃષ્ટિપૂતં ન્યસેંત્‌ પાદમ્‌ |’ આ ક્રમ ‘પ્રસ્થાન’ની પ્રસ્થાનભૂમિ ગૂજરાત, ગૂજરાતીઓની સ્થિતિ અને ગૂજરાતી ભાષા છે. તેની દૃષ્ટિનું કેન્દ્રસ્થાન ગુજરાત રહેશે, ગૂજરાતના પ્રશ્નો ઉકેલવા અને તેની ચર્ચા કરવી એ તેનો મૂળ ઉદ્દેશ છે. ગૂજરાતમાંથી નીકળી તે પહોંચે તેટલે નજર કરવા પ્રયત્ન કરશે.” (પ્રસ્થાન, કારતક, સં. ૧૯૮૨, પૃ. ૧, અંક ૧, પૃ. ૨) વળી ‘સમાજનાં ઘણાં અનિષ્ટો તો માત્ર સમજવાથી જ નાબૂદ થાય છે.’[2] – એ ખ્યાલ એમનો હોઈ પરસ્પર સમજનું ક્ષેત્ર વિસ્તારવામાં પણ ‘પ્રસ્થાન’નું કર્તવ્ય એમણે માન્યું જણાય છે. તેમણે જણાવ્યું છે તેમ, “ ‘પ્રસ્થાન’માં પ્રામાણિક રીતે, હેતુપુરઃસર કરેલી કોઈ પણ વિષયની ચર્ચાને સ્થાન’[3] રહેતું આવેલું. રામનારાયણે ‘પ્રસ્થાન’નું સંચાલન ૧૧ાા – કહો કે લગભગ એક ‘તપ’— વરસ કર્યું. આ પછી તેઓ એલ. ડી. કૉલેજમાં અધ્યાપન માટે નિમાતાં, સંસ્થાના નીતિનિયમોને કારણે ‘પ્રસ્થાન’નું તંત્રીકાર્ય છોડવાનું તેમને અનિવાર્ય થયું. પિતાના ગાઢ સાથી રણછોડજી મિસ્ત્રીને એ જવાબદારી સોંપી તેઓ છૂટા થયા, પણા ‘પ્રસ્થાન’ના ‘આદ્યતંત્રી’ તો તેઓ ઠર્યા જ. તેમણે જે કેટલાંક વરસ ‘પ્રસ્થાન’નું તંત્રીકાર્ય કર્યું તેથી તેમને તો લાભ અને સંતોષ થયાની જ લાગણી રહી છે. તંત્રીપદેથી નિવૃત્ત થતાં તેમણે લખેલું :

“આપણા દેશની રાજકીય, સામાજિક પરિસ્થિતિ તથા રસ, રુચિ અને વિચાર — એ સર્વમાં નાનાં મોટાં પરિવર્તનોના સમયમાં ‘પ્રસ્થાને’ જીવન શરૂ કર્યું છે અને અત્યાર સુધી ગુજાર્યું છે... ‘પ્રસ્થાન’ એક તરફથી નવી કલાસર્જનની કૃતિઓનું વાહન છે, તો બીજી તરફથી એ વિચાર, ચર્ચા અને વિવેચનનું માસિક છે. એનો નેમ બધી વિવેચનામાં આપણા વાસ્તવિક જગતને, આપણી સ્થિતિને લક્ષમાં રાખવાનો અને એ નેમ બર આણવામાં લેખક-વર્ગ જે સહકાર આપેલો છે, તે જોતાં મને ઘણો જ સંતોષ થાય છે.” (નોંધ, પ્રસ્થાન, વૈશાખ, સં., ૧૯૯૩, પુ. ૨૪, અંક ૧. પૃ. ૧૦૧-૧૦૨) રામનારાયણે ‘પ્રસ્થાન’ દ્વારા ગુજરાતી સાહિત્યજગતની — વિચાર-જગતની ઉમદા સેવા કરવાનું લક્ષ્ય નિરંતર દૃષ્ટિ સમક્ષ રાખેલું. ‘પ્રસ્થાને’ શિષ્ટ સાહિત્યરસિક અને વિચારક વર્ગમાં એના સત્ત્વબળે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું. રસિકલાલ છો. પરીખ, પં. સુખલાલજી, નગીનદાસ પારેખ, દુર્ગાશંકર શાસ્ત્રી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, બાદરાયણ, સ્નેહરશ્મિ, પતીલ, સુંદરમ્‌, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ, સ્વપ્નસ્થ, ડૉ. સુમન્ત મહેતા આદિ લેખકોનો ઠીક ઠીક ફાળો ‘પ્રસ્થાન’ને મળ્યો છે. ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી જેવાય આમાં લખતા. પન્નાલાલ પણ ‘પ્રસ્થાન’ના ઓટલે ચમકેલા. રામનારાયણનાં ઘણાં કાવ્યો, એમનો ‘સ્વૈરવિહાર’, એમની અનેક વાર્તાઓ, એમનાં અનેક ગ્રંથાવલોકનો – આ બધું ‘પ્રસ્થાન’ને આભારી છે. ‘પ્રસ્થાને’ એ રીતે રામનારાયણને ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’, ‘શેષ’, ‘વર્તમાન’, ‘સ્વૈરવિહારી’, ‘દ્વિરેફ’, — આવાં અનેક રૂપોમાં અવતરવાની તક આપી. રામનારાયણના સાહિત્યિક જીવનમાં — વૈચારિક જીવનમાં ‘પ્રસ્થાન’ એક મોટું પ્રોત્સાહક પરિબળ બની રહ્યું. ‘ચાલતો મધુને પામે’—એ ઉક્તિ ‘પ્રસ્થાન’-ધર્મે રામનારાયણ જે મધુસિદ્ધિ પામ્યા તેથી સાર્થક થયેલી અનુભવાય છે. રામનારાયણની જીવનસિદ્ધિ — સાહિત્યકલાસિદ્ધિનું રહસ્ય પણ એમની આ પ્રસ્થાનકલામાં—ગતિશીલતા જાળવી રાખવાની કલામાં છે. રામનારાયણને એ રીતે પ્રસ્થાનધર્મી સાહિત્યકાર કહેવા જોઈએ. ગુજરાતી સાહિત્યનાં જે અનેકાનેક પ્રસ્થાનો તેમાં રામનારાયણનું સાહિત્યિક પ્રદાન – ખાસ કરીને કેટલાક વિવેચનલેખો, કેટલુંક વાર્તામધુ, કેટલોક કાવ્ય-શેષ, ને કેટલોક મનોવિહાર-ને સ્વૈરવિહાર — આ પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઉલ્લેખનીય એવું એક રસપ્રદ ‘પ્રસ્થાન’ લેખાશે.


  1. ૭. કાવ્યપરિચય-૧, ૧૯૩૯, પહેલી વારની પ્રસ્તાવનામાંથી, પૃ. ૧૧.
  2. ૮. પ્રસ્થાન, કારતક, સં. ૧૯૮૨, પુ. ૧, અંક ૧, પૃ. ૩.
  3. ૯. પ્રસ્થાન, કારતક, સં. ૧૯૮૨, પુ. ૧, અંક ૧, પૃ. ૩.