વાર્તાનું શાસ્ત્ર/વાર્તા કહેવાનો સમય
[ખંડ બીજો]
વાર્તા કહેવાનો સમય
ગમે તે વાર્તા ગમે ત્યારે કહી શકાય, છતાં વાર્તાકથનમાં સમયનો પ્રશ્ન છે ખરો. વાર્તાકથનનું શાસ્ત્ર એટલું બધું પ્રગતિને પામેલું કે નિશ્ચિત નથી કે જેમ સંગીતમાં અમુક રાગ અમુક વખતે જ ગવાય, અને અમુક રાગ અમુક વખતે જ ગવાય, એમ અમુક વાર્તા અમુક વખતે જ અને અમુક વાર્તા અમુક વખતે જ કહેવાય એવા નિયમો ઘડી શકાય. છતાં વાર્તાકથનમાં સમયનો મહિમા નથી એમ નથી. આપણી ટેવ એવી છે કે સવારના પહોરમાં તો આપણે વાર્તા કરતા જ નથી. ચોરને કાંધ મારવાને વખતે એટલે કે ખરે બપોરે પણ વાર્તાને કોઈ સંભારતું નથી. પણ જેમ જેમ સૂર્ય ભગવાન પશ્ચિમના આકાશમાં નીચે ને નીચે ઊતરતા જાય છે તેમ તેમ વાર્તાના અંશો એક પછી એક ખીલતા જાય છે. સાંજના ચાર વાગ્યા પછી ભટજીની કથાઓ શરૂ થવા લાગે છે. ગરુડપુરાણ, પુરુષોત્તમ માસનું માહાત્મ્ય, એકાદશી માહાત્મ્ય, શિવરાત્રિની કથા વગેરે શાસ્ત્રીજીની વાણીમાંથી આ વખતે સરવા લાગે છે. દક્ષિણી બુવાઓ પણ આ વખતે જ હરિકથાઓ શરૂ કરે છે. મોટે ભાગે આ સમય ધાર્મિક કથાવાર્તાઓનો છે. ધર્મપરાયણ સ્ત્રીપુરુષો દિવસોનો પોણો ભાગ ઐહિક પ્રવૃત્તિમાં ગાળી બાકીનો થોડો ભાગ આવી જાતની ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે. એ આપણા દેશની પુરાણી રૂઢિ છે. બાળકો આખો દહાડો રમવામાં ગાળે છે. ખેડૂતો અને મજૂરો સાંજ સુધી કામમાં જ હોય છે. ઘરવલી સ્ત્રીઓ માંડ માંડ રાતે કામમાંથી પરવારે છે. વૃદ્ધ ડોશીઓને દિવસ કરતાં રાત વધારે લાંબી લાગે છે. શૂરવીરોનાં હથિયારો અને ઘોડાઓને રાત્રે જ થાક મળે છે. મુત્સદીઓ અને કામદારોને રાત્રે જ ઓછો વ્યવસાય હોય છે. માંદાઓને રાત્રિ પડતાં તે કેમ ગાળવી તેનો વિચાર થઈ પડે છે. રાજાઓ અને શેઠિયાઓને રાત્રે ઊંઘ લાવવાનું કામ કઠણ પડે છે, ને રંક લોકોને દિવસની વાસ્તવિકતાની દશા ભૂલી જઈ કલ્પિત સ્વપ્નમાં ભમવું ગમે છે. સાહસિકને, જુવાનને, અભ્યાસીને અને યોગીને રાત્રિ પ્રિય છે. વેપારીને માટે રોજમેળ અને ખાતાવહીનાં પાનાં બંધ કરી મૂરખ દીકરાને ડાહ્યો બનાવવા માટે વાર્તા કહેવાનો વખત રાતનો જ હોય છે. આથી રાત્રિ પડે છે કે તુરત જ વાર્તાની પાંખ ફફડવા લાગે છે. ઊંધી જતાં નાનાં બાળકોનાં નાનાં પોપચાં ઉપર એ પાંખના છેડા પહેલવહેલા અથડાય છે. અરધાં જાગતાં અરધાં ઊંઘતાં નાનાં નાનાં બાળકોને ઊંચાં મોઢાં કરી વહાલસોઈ માતાના કે વાર્તાના રસિયા પિતાના મોઢામાંથી વહી જતી વાર્તા સાંભળતાં જેમણે જોયાં હશે તેમને તો સમજાવવું જ નહિ પડે કે વાર્તા વખતે એ કેવાં જામી રહે છે ! આથી ખેડૂતો, મજૂરો અને બીજા ભાત ભાતના કારીગરો માણભટની માણના રણકારની આજુબાજુ વાળુપાણી કરી ઊજમથી ભેગા થઈ જાય છે. આથી જ ચોરામાં બારોટની થતી શૂરવીરોની વાર્તા સાંભળવા ગરાસિયાઓ અને રજપૂતો મોડી રાત સુધી ભેગા થાય છે. એકાદ ચોકમાં કે કોઈના ઘરની ઓસરીએ કે કોઈ ડોશીની પેડલીએ રાત પડે છે ત્યારે ઘરડાંઓ ભેગાં થાય છે ને અલકમલકની વાતો હાંકે છે. એકાદ અંધારા ખૂણામાં ઊભી કરેલી ખાંભી પાસે જુવાનોની મંડળી રાતના અંધારામાં હળવે હળવે કોણ જાણે કેવી ય વાતો લલકારે છે ! કાલાં ફોલતાં ફોલતાં શેરીની સ્ત્રીઓ અજવાળી રાત્રે વાર્તાનું પૂર આણે છે. માંદલા શેઠિયાઓને ચંપી અને વાર્તા બે જ ઊંઘ આણનારી દવા છે. રાજભારથી કંટાળેલા કે અનુદ્યોગથી થાકી ગયેલા રાજાને પણ રાત્રિ પડતાં વાર્તાનો ઉકાળો પીવો પડે છે. કેમે ય કરતાં વેરણ રાત ન જતી હોય ત્યારે માંદાને વાર્તા મીઠો મલમ થઈ પડે છે. પોતાને ઊંઘ આવતી ન હોય તેથી જ ઘણી વાર તો ઘરડાં રાત્રે વાર્તા કહેવા બેસે છે. ગમે તેમ કહો પણ વાર્તાકથનનો સર્વમાન્ય સમય અને કુદરતી સમય તો રાતનો જ લાગે છે. ભવાઈ ભાંગતી રાતે જ જામે એમ વાર્તા પહેલી રાતે જ જામે છે. નરી વાસ્તવિકતા ભરેલા દિવસે વાર્તાની કલ્પના ઊડી પણ શકતી નથી. એ જંગલોની કલ્પના, એ સાહસોનો ઉઠાવ, એ અદ્ભુત ચમત્કારોનો ચમકાર ને એ ભયંકર પરાક્રમોનો પ્રચંડ પ્રભાવ રાત્રે જ ખીલી શકે અને એ બધાંને રાત્રિ જ ઝીલી શકે. આવો કંઈક વાર્તાકથનને અને રાત્રિને સંબંધ દેખાય છે. અમે આફ્રિકા ગયેલા ત્યારે દિવસ આખો તો ખાવાપીવાની કડાકૂટમાં અને નવું નવું જોવાની મજામાં કયાં ચાલ્યો જતો તેની ખબર ન રહેતી. પણ જ્યારે રાત્રિ પડે ને પાછો એનો એ જ દરિયો, એનું એ જ આકાશ, એનો એ જ સ્ટીમરનો ઘોંઘાટ અને એનો એ જ અમારો આરબોનો, ખોજાનો ને સુતારોનો પાડોશ જ્યારે આંખને અને કાનને ભારેખમ જેવો લાગી જતો ત્યારે વાર્તાને સહેજે સ્થાન મળી જતું. ત્યારે અમે વાર્તાને ખોળે રાજી થઈને માથું મૂકતા ને સવાર વહેલી વહેલી પાડી દેતા. કોણ જાણે કયાંથી ય વાર્તાને અને રાત્રિને દોસ્તી થઈ હશે ! પણ આ હકીકતને અપવાદ છે ખરો. શ્રીમદ્ ભાગવતની વાર્તા સાત દિવસ સવારથી સાંજ સુધી ચાલે છે. શીતળામાતાની વાર્તા, વારની વાર્તાઓ અને એવી વ્રતની વાર્તાઓ ભોજન પહેલાં સાંભળવાનો મહિમા છે. નિશાળમાં પણ દિવસે જ વાર્તાઓ કહેવામાં આવે છે. અપવાદથી નિયમ સિદ્ધ થાય છે. એ નિયમને અનુસરીને કહી શકીએ કે વાર્તા કહેવા ને સાંભળવાનો સમય તો રાત્રિ જ છે. જ્યાં જ્યાં કૃત્રિમ બંધનો આડે આવે છે ત્યાં ત્યાં વાર્તાનો સમય ફરે છે, એ આપણે અપવાદો ઉપરથી જાણી શકીએ છીએ. શાળામાં વાર્તા કહેવાનો સમય હોય છે. શાળામાં વા કહેવી એ કૃત્રિમતા છે. તેમાં અમુક સમયે જ વાર્તા કહેવી છે વળી બીજી કૃત્રિમતા છે. જેમ કૃત્રિમતાનાં પડો વધારે ચડતાં જાય તેમ તેમ વાર્તારસને હાનિ પહોંચતી જાય. ભલે આપણે શાળામાં વાર્તાકથનને સ્થાન આપીએ ને તેથી તેનો સમય દિવસે જે અનિવાર્ય ગણીએ; પરંતુ અમુક વખતે જ વાર્તા કહેવાય અને બીજે વખતે ન કહેવાય એ જડતામાંથી મુક્ત રહીએ જ. વાર્તાનું કથન આનંદ માટે છે, અને આનંદ સમયપત્રકને અધીન નથી વર્તતો એ સમજવું મુશ્કેલ નથી. આથી જ શાળામાં વાર્તાના કથનને સમયપત્રકમાં જુદું સ્થાન ન હોવું જોઈએ; અર્થાત્ વાર્તાને આખા સમયપત્રકમાં સર્વત્ર સ્થાન હોવું જોઈએ. જ્યારે વાર્તા સાંભળવાને રુચિ ધરાવે ત્યારે જ તેમને વાર્તા કહેવાનો સમય ગણવાની રીતિ સૌથી સરસ છે. આટલું પણ ન થઈ શકે ત્યાં એટલું તો અવશ્ય કરવાની જરૂર છે કે વાર્તાનો સમય થાય છતાં જો સાંભળનારાઓની મરજી ન હોય તો તેમને સમયપત્રકની ખાતર તો વાર્તા કહેવા ન જ બેસી જવું જોઈએ. કિન્ડરગાર્ટન શાળાઓમાં અને તેમને માર્ગે ચાલતી બીજી શાળાઓમાં આ એક દૂષણ છે. વળી જો કદાચ વાર્તાને સમયપત્રકમાં નોંધવામાં આવે અને અમુક અવશ્ય સમયે તે કહેવાનો પ્રબંધ કરવામાં આવે તો એટલું તો અવશ્ય કરવું જ ઘટે છે કે જે વિદ્યાર્થીઓને વાર્તા સાંભળવાની મરજી ન હોય તેમને વાર્તા સાંભળવાની ફરજ પાડવામાં ન આવે. જેમ રાત્રિદિવસમાં વાર્તા કહેવા માટે રાત્રિ એ વધારે અનુકૂળ વખત છે, તેમ આખા વર્ષમાં કેટલાએક દિવસો કેટલીએક વાર્તાઓ કહેવાને માટે વધારે અનુકૂળ છે. નાગપાંચમને દિવસે નાગબાપાની વાર્તા, શીતળાસાતમને દિવસે શિતળામાતાની વાર્તા, વાઘબારશે વાઘની વાર્તા, એમ તહેવારે તહેવારે વાર્તા કહી શકાય. આપણે ત્યાં આ રિવાજ ઘણો જૂનો છે. બોળચોથ આવે એટલે મારાં ભાભુ ઘઉલાની વાર્તા કહે જ કહે. શીતળાસાતમ આવે ને શીતળામાતા આગળ મહારાજ શીતળાની વાર્તા કરતો જ હોય. સંકટ સોમવારે શંકરની વાતો ને પુરુષોત્તમ માસમાં રોજ ને રોજ આખો મહિનો પુરુષોત્તમ મહારાજની વાર્તાઓ સાંભળતી સ્ત્રીઓને મેં જોઈ છે. આવી વાર્તાઓ એના ખાસ દિવસોએ જ શોભે. શાળાએ આ વાર્તાઓને વીસરી જવાની નથી. તહેવારે તહેવારે એની વાર્તાઓ થવી જ જોઈએ. એવી વાર્તાઓનો ખરો સમય એનો તહેવાર છે. બધું વખતે શોભે એમ વાર્તા પણ એને વખતે જ શોભે છે. શિવરાત્રિ હોય, અપવાસ કર્યો હોય, શંકરની બીલીપત્ર વડે પૂજા થઈ રહી હોય તે વખતે 'હરણાનું સ્મરણ'નું કથન કેવું શોભી ઊઠે? રાંધણછકને દિવસે ખૂબ રંધાય ને છોકરાં ધરાઈ ધરાઈને ખાય પછી રાતે કળશે જવાણાં થાય ત્યારે બરાબર લાગ જોઈને 'એ બાઈ અણશીખી, એ બાઈ અણશીખી'ની વાર્તા બાળકોને કહી સંભળાવે ત્યારે કેવી ગમ્મત જામે તેની ખરી ખબર કાં તો વાર્તા કહેનારને અથવા સાંભળનારને જ સમજાય. આવી આવી અરધી ઐતિહાસિક, અરધી કપોલકલ્પિત, અરધી પૌરાણિક અને અરધી આધુનિક વાર્તાઓ ત્રણસેંને પાંસઠ દિવસની આપણે મેળવી શકીએ, ને પ્રત્યેક દિવસે એકેક વાર્તા વિદ્યાર્થીઓને કહીને આપણી સંસ્કૃતિનાં કેટલાંએક પડોશી તેમને પરિચિત કરી શકીએ. આવી વાર્તાઓને આપણે વારતહેવારોની વાર્તાઓને નામે ઓળખીએ છીએ. જેમ જન્માષ્ટમીની એક વાર્તા, રામનવમીની બીજી વાર્તા ને હોળીની ત્રીજી વાર્તા, એમ જ ઋતુઓની પણ વાર્તા હોય છે. એ વાર્તાઓ ઋતુએ ઋતુએ કહેવામાં આવે તો ૠતુઓના ભેદો વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય. ચોમાસું આવે અને આકાશમાં કાચબી તણાય ત્યારે ઈન્દ્ર અને ઇન્દ્રધનુષ્યની વાર્તા ચાલે; દેડકાં ડરાઉ ડરાઉ કરતાં હોય તે વખતે 'સાલા મેં તેરેકું ડરાઉ' જેવી એકાદ વાર્તામાં મજા આવે; ઉનાળો આવે ને હોલાં તડકામાં 'ઘુ ઘુ ઘુ' કરવા માંડે ત્યારે 'તેજી ફૂઈ, તેજો કૂવો ડૂબી મૂઓ.' એ વાર્તા કહેવાય. એમ જ ઉનાળે ઊંડા જળ જાય, દેડકાં જમીનમાં પેસી જાય ત્યારે દેડકાંને ધરતીમાતા શા માટે પેસવા દે છે તેની વાર્તા મરાઠી ભાષામાંથી લઈ આવીને ખુશીથી કહી શકીએ. ઋતુએ ઋતુએ જેને અંગ્રેજી સાહિત્યમાં કુદરતની વાતો કહે છે તે કહી શકીએ. શા માટે અમુક ઝાડનાં પાંદડાં પાનખર ઋતુમાં પણ ખરતાં નથી તેની વાર્તા અંગ્રેજી સાહિત્યમાં છે. એ વાર્તા સરસ છે. અંગ્રેજી સાહિત્યમાં ઋતુ પરત્વે ને ઋતુઓના ફેરફાર પરત્વે સુંદર વાતો છે. એક વાર્તા ધુમ્મસની છે તો બીજી વાર્તા સૂર્યકિરણોની છે તો વળી ત્રીજી વાર્તા ખરતાં પાંદડાંની છે. આ બધી વાર્તાઓને આપણે કુદરતી વાર્તાઓ તરીકે ઓળખીએ અને એને કહેવાનો સમય કુદરતના ફેરફારો સાથે જ રાખીએ. લજામણીની વાર્તા અને 'મને ભૂલશો નહિ' એની વાર્તા અંગ્રેજીમાં છે. આપણે બાળકો સાથે ફરવા નીકળ્યાં હોઈએ અને એકાદ કુદરતી બનાવ આપણી નજરે પડે એટલે તેને લગતી એકાદ વાર્તા બાળકોને આનંદમગ્ન જરૂર જ કરે. એવી વાર્તાઓનો સમય જ્યારે બાળકો વનમાં કે બાગમાં, દરિયાકિનારે કે નદીકિનારે, ડુંગરોમાં કે ખીણોમાં રખડતાં હોય ત્યારે જ આવી લાગે છે. એ વખત ચૂકનાર શિક્ષક વાર્તાને ચૂકયો છે એમ સમજવું. નાનામોટા પ્રવાસોમાં આવી વાર્તાઓ…ઉપરથી આપણે આપણાં મિત્ર પ્રાણીઓ અને અમિત્ર પ્રાણીઓની વાર્તાઓ ચલાવીએ. એકાદ કોલ્યું દોડતું જોવામાં આવે તો એક મોટું ભાગવત ભરાય એટલી બધી કોલ્હાની વાર્તાઓ ચલાવી શકીએ. પર્યટનો ભૂગોળની વાતોનો પણ પૂરેપૂરો અવકાશ આપે. દરિયાપારની વાતોમાં ચીનાનાં ચપટાં નાક અને લાંબા ચોટલાની વાતો ઓછી આકર્ષક ન લાગે. કાળા કાળા અને નાગા નાગા હબસીની વાતો રાક્ષસોની વાતોને પણ હઠાવી દે. કોઈ રસ્તે કોઈ ભૂત રહેતું હોય તો એની વાતો ચાલે તો કોઈ રસ્તે કે ઝાડ તળે બે બહાદુરો લડીને મૂઆ તેના પાળિયાની વાત ચાલે તો વળી કોઈ ગામડાને પાદરે ચરમાળિયાને ઓટલે કેટલીયે નાગબાપાની અને મંત્રજંત્રની વાર્તાઓ ચાલે. આવી આવી વાર્તાઓ ભેગી કરીને પ્રસિદ્ધ કરીએ તો કેટલીયે રાસમાળાઓ છપાઈ જાય. એકાદ ટેકરા ઉપર બેસીને શિક્ષક પૃથ્વીની, નદીની, ડુંગરાની, સૂર્યની, ચંદ્રની કેટલી યે અદ્ભુત વાતો કહી નાખે. આવી વાર્તાઓનો સમય કયો હોઈ શકે તે આટલા લખાણથી સમજી શકાય તેવું છે. કેટલીએક વાર્તાઓ પ્રસંગાનુસારી હોય છે. એકાદ પ્રસંગ ઊભો થાય કે વાર્તાઓની પરંપરા છૂટવા જ માંડે. એકાદ સ્થળે ચોરી થાય તો ચોરોને કેવી રીતે બહાદુરીથી અથવા યુક્તિથી હઠાવ્યા તેની વાતો એમ ને એમ જ ચાલે. કેટલાએક લોકો ચાલતી આવેલી વાતો કહેવા મંડી પડે તો કેટલાએક લોકો આપવીતી હકીકતોને એવી સરસ રીતે મૂકે કે તે એક સુંદર વાર્તા જ થઈ જાય. શેરીમાં સાપ નીકળ્યા પછી અરધો કલાક કે કલાક સાપની વાતો ચાલે જ ચાલે. એકાદ બાળક બીએ એટલે ભૂતોની વાતોનો પાર જ ન રહે. એ તો એક પછી એક સૌને સાંભરતી જ જાય. કોઈ વાર એવો મોકો જ આવી લાગે છે. બસ એ મોકા ઉપર જે વિષય ઉપર વાર્તા ચાલી તે ઉપર ચાલી; પછી એનો પાર જ ન આવે. શિક્ષકો હંમેશાં પ્રસંગાનુસાર વાર્તાઓ કહેવાના ભારે શોખીન ગણાય છે. પણ એમની પ્રસંગાનુસારી વાર્તાઓનું ક્ષેત્ર એકદમ મર્યાદિત હોય છે. મોટે ભાગે એમની વાતો શિક્ષણને લગતી કે ચારિત્ર્ય ઘડનારી કે ધર્મનીતિ ભરેલી હોય છે. પ્રસંગ આવ્યે વાર્તા કહેવાનું શિક્ષકભાઈઓ ભાગ્યે જ ચૂકે છે. એકાદ વિદ્યાર્થીએ ભૂલ કરી તો એવી ભૂલનાં કેવાં પરિણામો આવે છે તેની એકબે વાતો શિક્ષકભાઈના ખીસામાંથી નીકળી જ પડવાની. કોઈ વિદ્યાર્થીએ સમયસૂચકતાની વાત કાઢી તો શિક્ષક તેને બેચાર વાતો સંભળાવે જ. ઘણીવાર પાઠેપાઠે પાઠ સમજાવવા માટે કે તે રસિક કરવા માટે પણ સારો શિક્ષક વાર્તાને વાપરે છે. આ બધી પ્રસંગાનુસારી વાર્તાઓ સમયપત્રકને કે ઋતુપત્રકને કે તહેવાર-પત્રકને અધીન નથી; એ તો જ્યારે જોગ મળે ત્યારે કહેવાય તેવી છે. કેટલીએક વાર્તાઓ એવી છે કે જ્યારે કહીએ ત્યારે કહેવાય. તેનો અર્થ એવો નથી કે તે જ્યારે કહેવાય ત્યારે શોભે. પરંતુ કેટલીએક શાળાઓમાં જ્યાં અઠવાડિયે કે પખવાડીયે લોકવાર્તાનો સમય રાખવામાં આવે છે, ત્યાં તેને હાજર રહેવું પડે છે. એ સમય લોકવાર્તાનો હોવાથી એમાં લોકવાર્તા કહેવાય છે. એ વખતે થાકેલા વિદ્યાર્થીઓને વાર્તા દ્વારા આનંદ અને આરામ આપવાનો હોય છે. એટલે સમયાનુસારી વાર્તાનો એમાં ખાસ પ્રશ્ન નથી. જે વાર્તા હાથમાં આવી તે વાર્તા જે સમય ઠરાવેલો હોય છે તે વખતે ચાલી શકે છે. કેટલાએક એવા સમયે જ હોય છે કે જે વખતે વાર્તા કહેવાય છે. અહીં વાર્તા ઉપરથી સમય પર જવાનું નથી હોતું; અહીં તો સમય ઉપર આધાર છે. ગ્રહણ વખતે લોકો એકઠા થઈને બેઠા હોય પછી એ વખતે જે વાત કે વાર્તા નીકળી તે ખરી. ઘણી વાર સ્મશાનમાં પણ આમ જ ચાલે છે. શરદપૂનમની રાત્રે લોકો ઉત્સવ કરતા હોય એમાં વાર્તા જામી પડે તો જામી પડે. બ્રાહ્મણોનું વળાણું હોય ને પછી બ્રાહ્મણોને ખાઈપીને ચોરે વખત ગુમાવવો હોય ત્યારે વાર્તાનો તોટો નથી રહેતો. નવરા પડેલા માણસો પાસે વાર્તાઓનો એ જ સમય છે કે જ્યારે તેઓ વાર્તા કહેવા અને સાંભળવા નવરા હોય. વાટે તો અમુક વાર્તાઓ જ ચાલે. જાનના વળાવિયાની વાતો ને છાણ મેળવવા નીકળેલી બે બેનપણીની વાતોનો સમય પંથ છે. પંથ કાપવા માટે ઘણા લોકો વાર્તાઓનું શરણ લે છે. નાનાં બાળકો ચાલતાં ચાલતાં થાકી જાય ત્યારે તેમને વાર્તા કહેવાની યુક્તિ ઘણા માણસો જાણે છે. ભોજાઈને તેડવા દિયર ગયો હોય એ ભોજાઈ પિયરને સંભારી સંભારી ને વાટ બધી રોતી આવતી હોય ત્યારે નાનકડો માયાળુ દિયર ભાભીને નવી નવી વાતો સંભળાવે છે. આ વખતે કેવી વાર્તાઓ ચાલે તે કહેવાય નહિ. પરંતુ એ વખતે પણ વાર્તાકથનનો સમય છે ખરો. આગળના વખતમાં તો પંથે વાર્તા કહેવામાં ચતુરાઈ માનતી. એ સંબંધે એક નાની એવી વાર્તા વાર્તાપ્રકરણોને પંથે કહી નાખું. એક હતો કણબી. કણબીને એકનો એક જ દીકરો, પણ એ અક્કલનો દુશ્મન ! કણબીને વિચાર થયો કે હું ગામનો પટેલ છું; મારે ઘેર સો સાંતીની ખેડ છે, ઢોરઢાંખરનો પાર નથી ને પાછળ આ દીકરો તો છે સાજાગાંડા જેવો. આનું કેમ કરવું ? કણબીએ વિચાર્યું કે એને એક ચતુર સ્ત્રી પરણાવું ને જોઉં ખરો કે વહુ કાંઈ એને ડાહ્યો કરે છે ? પછી પટેલે એને સારા ઘરની દીકરી પરણાવી. થોડા દિવસ ગયા એટલે બાપ અને દીકરો ગામ ચાલ્યા. બાપે મનમાં વિચાર કર્યો કે લાવને જોઉ તો ખરો કે વહુએ દીકરાને કેવુંક ડહાપણ આપ્યું છે ? બાપે દીકરાને કહ્યું : "દીકરા ! વાટ કાપને." દીકરાની બુદ્ધિ તો જાડી હતી. દીકરો ગાડામાંથી કોદાળી અને પાવડો લઈને હેઠે ઊતર્યો ને રસ્તો કાપવા લાગ્યો. બાપ સમજ્યો કે દીકરાની બુદ્ધિમાં કાંઈ ફેર પડયો નથી. બાપે ગાડું પાછું વાળ્યું. ઘેર આવીને વહુને પિયર મોકલી દીધી, ને દીકરાને બીજે દિવસે બીજી વહુ પરણાવી. થોડાએક દિવસ ગયા ત્યાં પાછા પટેલ ગાડું જોડીને દીકરાને કહે : "ચાલ આપણે ગામ જઈએ.” દીકરો તો ગાડે બેઠો. બેત્રણ ગાઉ ગયા એટલે બાપે કહ્યું : "દીકરા ! વાટ કાપને.” દીકરો તો ઝડપ કરતો કોદાળી ને પાવડો લઈને ગાડામાંથી હેઠે ઊતર્યો ને રસ્તો ખોદવા લાગ્યો. બાપના મનમાં થયું કે હજી ભાઈ તો એવા ને એવા જ છે. આ નવી વહુમાં યે કાંઈ વધારે અક્કલ નથી જણાતી. બાપે ગાડું પાછું વાળ્યું ને બાપદીકરો ઘરે આવ્યા. ઘેર આવીને પટેલે વહુને પિયર વળાવી. થોડાએક દિવસ ગયા એટલે પટેલે દીકારને ત્રીજી વહુ પરણાવી ને કેટલાએક દિવસ પછી પટેલ દીકરાને ગાડે બેસારીને ગામતરે ચાલ્યા. ગાડું માર્ગે પડયું એટલે પટેલ દીકરાને કહે : "દીકરા વાટ કાપને.” દીકરામાં કંઈ ફેરફાર થયો ન હતો. એ તો આગળની પેઠે ગાડામાંથી નીચે ઊતર્યો ને રસ્તાને ખોદી સરખો કરવા લાગ્યો. બાપ કહે : "ચાલો બેટા ! ઘર ભણી." ગાડું વાળીને બાપદીકરો ઘરે આવ્યા. ત્રીજી વહુને પણ પિયર વળાવી. એમ ચોથી વહુ. પાંચમી વહુ અને છઠ્ઠી વહુ પરણાવી, પણ દીકરો તો એવો ને એવો મૂર્કો રહ્યો. છેવટે પટેલે એક સારા કૂળની કન્યાને પોતાના દીકરા સાથે પરણાવી. આ સાતમી વહુ સમજુ ને શાણી હતી. પહેલી જ રાત્રે તેણે પટેલના છોકરાને પૂછ્યું : "તમને તમારા બાપાએ આટલી બધી બાયડીઓ કેમ પરણાવી, અને બધીયને પાછી એમને પીયર કેમ મોકલી દીધી, એની કાંઈ ખબર છે ?" દીકરો કહે : કોણ જાણે શું ય છે ! મને તો બાયડી પરણાવે છે ને થોડા દિવસ થાય એટલે બાપા કહે છે કે 'ચાલ દીકરા ! ગામતરે.' ગાડુ બેચાર ગાઉ ભોં જાય છે ત્યાં બાપા કહે છે કે 'દીકરા ! વાટ કાપને.' હું કોદાળી ને પાવડો લઈને રસ્તો કાપવા મંડી પડું છું, પણ ત્યાં તો બાપા કહે છે કે 'ચાલો દીકરા! ઘર ભણી.' પછી ઘેર આવીને વહુને પિયર વળાવે છે ને નવી વહુ પરણાવે છે. એમ કરતાં કરતાં આ છ વાર તો થયું. હવે પાછા કાલે જ બાપા કહેશે કે 'ચાલ દીકરા ! ગામતરે.' ને રસ્તે જતાં બોલશે કે 'દીકરા ! વાટ કાપ.' સાતમી વહુ પામી ગઈ કે આ તો આ વરનો જ વાંક છે. પછી વહુએ કહ્યું કે હવે જ્યારે બાપા 'વાટ કાપ' એમ કહે ત્યારે તમારે વાર્તા કહેવી. વહુએ એને એક વાર્તા પણ શીખવી. થોડાએક દિવસ થયા એટલે ગાડું જોડયું ને દીકરાને સાથે લીધો. દીકરો શું કામ કંઈ બોલે ? હવે તો પોતે ડાહ્યો બની ગયો હતો. ગાડું રસ્તે પડયું. બેચાર ગાઉ ગયા એટલે બાપાએ કહ્યું : "દીકરા ! વાટ કાપ." બાપ ધારતો હતો કે હમણાં દીકરો કોદાળીપાવડો લઈ રસ્તો ખોદવા માંડશે. પણ ત્યાં તો તે આશ્ચર્યમાં પડયો. દીકરો કહે : "એક હતો રાજા. એને સાત રાણીઓ.” પટેલ ભેદ પામી ગયો અને ઘેર આવી કામે લાગી ગયો. દીકરો પણ બાપની ચતુરાઈ સમજી જઈ મનમાં ને મનમાં બાપનાં વખાણ કરવા લાગ્યો. કેટલીએક વાર્તાઓ સ્થાન સાથે જોડાયેલી હોય છે; આ વાર્તાઓને સ્થાનબદ્ધ કથાઓને નામે ઓળખી કશીએ. આ વાર્તાઓ સ્થાનકનો રક્ષક અથવા સ્થાનક પોતે ચોવીશ કલાક કહ્યા કરે છે. એકાદ દેરીની ધજાએ આવી વાર્તા જતાઆવતાને માટે તાજા ને તાજા જ અક્ષરે હરહંમેશ લખાયેલી રહે છે, અને વટેમાર્ગુ તે વાંચ્યા વિના આઘો જતો જ નથી. પાળિયે પાળિયે આવી વાર્તાઓ કોતરેલી છે. કેટલાંએક નાળાંઓએ ભૂતપ્રેતની વાતોનો જાણે ગરાસ રાખ્યો હોય એમ જણાય છે. ઈશાળવા ડુંગર પાસે નીકળો તો દાઢીવાળો ધુંધળીમલ તરત જ ગાડાવાળાના કે સંગાથીના મગજમાંથી નીકળે. વળાથી ચમારડીએ જવા નીકળો એટલે એક ખેતર (મલાવા નામનું) શ્રવણની પિતૃભક્તિ અને વળાના ખરાબ ટીંબાની વાત કહેવા લાગી જાય. એભલવાળાની દેરી એભલની વાત, તળાજાના ડુંગરાની ગુફાઓમાં રાંકાવાંકા વાણિયાની વાતો, થાન પાસેના વનમાં બાંડિયાબેલીની વાત, વળાની જાળોમાં મામાની વાત દૂણાના તેલમાં સાહસિક વેપારીની વાત તે તે સ્થાનનો મહિમા વર્ણવે છે, સ્થાનનો ઇતિહાસ અને સ્થાનની કીર્તિ ગાય છે. આવી સ્થાનબદ્ધ કથાઓ સાંભળવાનો સમય ચોવીશે કલાકનો છે. કેટલીએક વાર્તાઓ વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય છે. એટલે કે કેટલાએક વાર્તા કહેનારાઓ અમુક જાતની વાર્તાઓ કહેવામાં કુશળ હોય છે. તેઓ ધંધાદારી તરીકે વાર્તા કહેતા નથી. વાર્તા કહેવાનો એમનો શોખ એ જ એમનો વ્યવસાય હોય છે. જેમ કેટલાએક એવા ઉસ્તાદો હોય છે કે જેઓ પોતાની લહેરમાં આવે ત્યારે જ ગાય-બજાવે છે, ને મોજ ન હોય તો મોટા મહારાજાની પણ તમા રાખતા નથી, તેમ જ કેટલાએક વાર્તા કહેનારાઓનું છે. જો રંગે ચડયા તો ચડયા; પછી વાર્તા સાંભળનારા કદાચ થાકે પણ પોતે ન જ થાકે. આવા શોખીનોની વાર્તાનો સમય એટલે તેમની ધૂનનો વખત. એ ધૂનની આપણે રાહ પણ જોવી પડે. આવી ધૂનની વાર્તા ઓહો હોય છે એમાં તો શક જ નથી; પણ એ ધૂનીઓ સહેલાઈથી હાથમાં નથી આવતા એટલું જ ખરાબ છે. કેટલાએક લોકો એવા હોય છે કે અમુક રંગમાં હોય ત્યારે જ એમની પાસે વાર્તાનું કથન જામે. વાર્તા ગમે તેવી હોય તેની ચિંતા નહિ, પણ એકવાર બાપુએ લહેરે જવું જોઈએ. અફીણની લહેરમાં બાપુઓ જે વાર્તાઓ સાંભળે છે અને જે તેમને કહેવામાં આવે છે એ વાર્તાઓનો સંગ્રહ વાર્તાની એક નવી દુનિયા બનાવે. 'ઈ રોજી ઘોડીની વાત.' કોઈ દી ખૂટે જ નહિ ! બાપુઓના આવા ડાયરાઓની વાત કાંઈ થોડી નથી. એ વાતો પછી ડાયરામાં જ ચાલે; એમાં જ એની ખરી ખૂબી છે. બાપુની વાતોને સાંભળવાનો ખરો વખત બાપુને અફીણ ઊગે ત્યારે. આને આપણે અફીણઊગી વાર્તાઓ એવું નામ આપીએ તો ભારે ગમ્મત આવે. દરેક ધંધાવાળાઓ જ્યારે ધંધામાંથી નવરા પડે છે ત્યારે વાર્તા કહેવા બેસે છે. ગરાસિયાઓ શૂરા પૂર્વજોની વાતો ખૂબ લડાવે છે. ગવૈયાઓ પોતાના પૂર્વજ સંગીતશાસ્ત્રીઓની ઓછી બડાઈ હાંકતા નથી. હજામને પણ હજામતના કિસ્સાની વાર્તાઓ હોય છે જ. આરબ અને હજામની વાર્તા હજામ વારંવાર સંભારતા હશે. સોનું ચોરવાની કુશળતાની વાર્તાઓ સોની લોકોએ ખાસ કેળવી હશે. આ બધી વાર્તાઓમાં ધંધાની ખૂબીઓ ને ધંધાદારોની મનોવૃત્તિઓનો ચિતાર હોય છે. આવી વાર્તાઓ ધંધાદારીઓ જ્યારે નવરા હોય તથા તેમને અણોજો હોય ત્યારે તેઓ ખાસ કરીને કહેવાનો લાગ શોધે છે, ને પોતાના ધંધાની હોશિયારી કેળવે છે. આવી વાર્તાઓનો સમય અણોજો કે નવરાશનો દિવસ ગણવામાં હરકત નથી. આવી વાર્તાઓનો 'ધંધાદારીઓની વાર્તાઓ' એ નામનો નવો વર્ગ પાડી શકીએ. આ ઉપરાંત ખારવાઓ પોતાની વાર્તાઓ કયારે કહે છે તથા માછીમારોનો વાર્તા કહેવાનો કયો વખત છે તે મારી જાણમાં નથી. એટલું તો છે જ કે ઘણી વાર્તાઓને ચોક્કસ સમય ગમે છે જ્યારે ઘણી વાર્તાઓ સ્વચ્છંદી હોય છે; ઘણી વાર્તાઓ પોતાનો સમય બીજા પાસે સ્વીકારાવે છે જ્યારે ઘણી વાર્તાઓ બીજાના સમયને અધીન વર્તે છે. આટલા લખાણથી જાણી શકાશે કે વાર્તાકથનને ખાસ સમય છે પણ ખરો અને નથી પણ ખરો. આટલું વાંચ્યા પછી આ બાબતમાં વાર્તા કહેનારે સ્વતંત્રપણે વિચાર કરી લેવાનો છે.
❋