કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/– એ જ શમણું

From Ekatra Wiki
Revision as of 00:55, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૯. — એ જ શમણું

સવારે —
હાંફેલા સમયપશુની સાથ ધસતો :
મળે લોકો, સૌને કર દઈ દઈ ભાગ્ય કસતો.
નકામી વાતો ને અફળ મિલનોના રણમહીં
તરીને ડૂબું છું : ખડ ખડ કરી ખોટું હસતો!

બપોરે —
હૉટલે જઈ વિરમતો કૉફી કપમાં;
છરી કાંટા વચ્ચે સમય જકડી હું અટકતો.
વળી પાછો ક્યૂમાં : સડક ઉપરે : ટાયર પરે
સદાને ચક્રાવે અગતિ ગતિએ હું ભટકતો!

ફરી સાંજે —
છાપાં જડબધિરની પાસ કકળે
અકસ્માતો સાથે નવયુગલ ને રાજપુરુષો.
હવાના દાઝેલા પગ લથડતા ને વસવસો
લઈ કાળો કાળો દિવસભરનો પ્રાણ નીકળે!

નિરાંતે હું રાતે ઘરભણી વળું એ જ શમણું :
લખું અંધારાના મખમલ પરે નામ નમણું !

૧૯૬૬(કાવ્યસૃષ્ટિ, પૃ. ૪૪)