કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાતરાણી ને સૂરજમુખી
Jump to navigation
Jump to search
૧૪. રાતરાણી ને સૂરજમુખી
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં :
સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં!
કાજળનો દૂર કરી કામળો
જાગી ઊઠ્યા પ્હાડ;
પડછાયા થઈ પોઢ્યાં'તાં એ
પ્રકટી ઊઠ્યાં ઝાડ.
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
અંધકારનો દરિયો ડૂબ્યો
કિરણ કિરણના કાંટા;
દરિયારણને કાંઠે શમણાં
વમળ વિષે અટવાતાં.
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
૧૯૬૫(કાવ્યસૃષ્ટિ, પૃ. ૬૦)