કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ગીત

From Ekatra Wiki
Revision as of 02:23, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮. ગીત

તરણાંની જેમ મને ફૂટે છે ગીત
અને ઝરણાંની જેમ જાય વહેતાં,
હરણાંની જેમ એ તો ભટકે છે બ્હાવરાં
ને કહેવાનું કાંઈ નથી કહેતાં.

ગીતોમાં ઘૂઘવે છે ભૂરું આકાશ
અને શમણાંનો દરિયો ને રેતી,
કમળોને ખીલવાને એવી છે પ્યાસ
કે પાંદડીઓ ભમરાને ભેટી.
કોણ હવે ભમરો ને કિયા ભવે પાંદડી
ને કોનાં વમળ ને કોણ સહેતાં!

મખમલિયો એક એવો છલક્યો છે બાગ
એમાં પંખી ને ઝાડ બધું એક,
ચંપો ને ગુલછડી સળગી ઊઠ્યાં, ને હવે
બાવળને મળી ગઈ મ્હેક.
કોની છે મીટ અને કોની છે પ્રીત
તમે પૂછો ને ચૂપ અમે બેઠા.

૧૨-૨-૧૯૭૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૪૧)