કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/તમે – અમે

From Ekatra Wiki
Revision as of 02:24, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૯. તમે-અમે

રાતદિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલા ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

સપ્ટેમ્બર ૧૯૭૧ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૪૪)